સેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી 3


આપણે આ અગાઉ જોયું કે માણસના મગજના સાત અગત્યના ન્યુરોટ્રાન્સમીટર્સ / કેમિકલ્સ પૈકી ડોપામીન આપણા તન અને મનની તંદુરસ્તી પર કેવી રીતે અસર કરે છે.

આજે આપણે બીજા એક અગત્યના ન્યુરોટ્રાન્સમીટર/બ્રેઇન કેમિકલ સેરોટોનિન વિશે જાણીએ. 

આયુષ્યમાન અને આયુષી હનીમૂન પરથી પરત આવ્યા હનીમૂનની ખુશી બંનેના ચહેરા પર છલકતી હતી. બંનેના જીવનમાં મોજ, મસ્તી અને આનંદ છવાયેલાં હતાં. આયુષ્યમાન અમદાવાદ સ્થિત પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ મેનજર તરીકે જોબ કરતો હતો. પગાર સારો હતો, એટલે તેમણે અમદાવાદમાં બે રૂમનો એક ફ્લેટ ભાડે રાખી લીધો. આયુષ્યનમાનની રજા પૂરી થતાં તેણે જોબ પર જવાનું શરૂ કર્યું.

આયુષી ખૂબ જ સંસ્કારી, સમજદાર અને ભણેલી સ્ત્રી હતી. તેમણે ખૂબ જ સરસ રીતે ઘર સંભાળી લીધું. બંને જીવનથી સંતુષ્ટ હતા.સમય પસાર થતા ધીમે ધીમે બંને પોતપોતાના કામમાં પરોવાઈ ગયા. આયુષ્યમાન સવારે નવ વાગ્યે જોબ પર નીકળતો અને સાંજે સાત વાગ્યે  ઘરે આવતો. પરંતુ આયુષીએ જોયું કે છેલ્લા થોડા સમયથી આયુષ્યમાન જોબ પરથી પાછો આવતો ત્યારે થાકેલો જણાતો, તેનું  જમતી વખતે અને જમ્યા પછી હસવા બોલવાનું ઓછું થવા લાગ્યું. એ સતત કોઈ વિચારમાં રહેવા લાગ્યો હતો. આયુષીએ પ્રેમથી કારણ પૂછવાનો પ્રયત્ન કર્યો. પણ દરેક વખતે આયુષ્યમાન અલગ અલગ બાબતોની ચિંતાનું કારણ જણાવતો કે *મારા બોસ નારાજ થઈ જશે તો?, મને લાગે છે હું મારી જોબમાં પહેલા જેવું પરફોર્મેન્સ નહીં બતાવી શકું, આપણે બાળક થશે તો એનો ઉછેર આપણે સારી રીતે કરી શકશું? – પણ આયુષીને તેની આવી અકારણ ચિંતાનું કારણ સમજાતું ન હતું. શા માટે આયુષ્યમાન આવી વ્યર્થ ચિંતા કરે છે?

સમય પસાર થતાં ક્યારેક આયુષ્યમાન અકારણ ગુસ્સો પણ કરવા લાગ્યો. પહેલાં  આયુષીના હાથની બનાવેલી રસોઈ  ખાતાં ધરાતો નહીં. તે હવે ખૂબ જ ઓછું જમતો હતો. આયુષી રાત્રે જ્યારે તેની નજીક જતી ત્યારે તે કહેતો કે પ્લીઝ ડિયર આજે મારું પેટ અપસેટ છે, મારે સુઈ જવું છે. પણ તે મોડે સુધી જાગતો. જેની અસર સવાર ઉપર પડતી.

હવે આયુષીને પણ ક્યારેક એવું લાગતું કે પોતે આવી રીતે આયુષ્યમાન સાથે આખું જીવન કેમ પસાર કરી શકશે? આના કરતા બંનેએ જુદા થઈ જવું સારું. આમ થોડા મહિના પહેલાનું ખુશીઓથી ભરપૂર જીવન આજે ઉદાસીનતામાં ફેરવાઈ ગયું એટલું જ નહીં વાત અલગ થવા સુધીની આવી ગઈ.

આપણે આપણી આસપાસ નજર કરશું તો આયુષ્યમાન અને આયુષી જેવા અનેક કિસ્સા નજર સમક્ષ આવશે, જેમના દામ્પત્યજીવનનો શરૂ થતાંની સાથે જ કોઈ દેખીતા કારણ વગર અંત આવ્યો હોય.

તો ચાલો જાણીએ કે આયુષ્યમાનના જીવનમાં એવું તે શું બન્યું કે ધીમે ધીમે કોઈ દેખીતા કારણ વગર બંનેના જીવનમાં ૩૬૦ ડિગ્રી ચેન્જ આવી ગયો? આનું કારણ છે સેરોટોનિન નામનું કેમિકલ, જેના અસમતોલન (ઇમ્બેલેન્સ)ના કારણે આયુષ્યમાનનું સુખી જીવન દુઃખમાં ફેરવાઈ ગયું.

person holding string lights photo
Photo by David Cassolato on Pexels.com

(૧) સેરોટોનિન શું છે?

સેરોટોનિન (5 – હાઇડ્રોક્સિટ્રીપ્ટેમાઇન અથવા 5 – એચ.ટી તરીકે પણ ઓળખાય છે) સેરોટોનિન એ કુદરતી રીતે બનતું બ્રેઇન ન્યુરો ટ્રાન્સમીટર/ બ્રેઇન કેમિકલ છે, જે માનવ શરીરમાં ચેતાકોષો વચ્ચે સંકેતો પહોંચાડવા માટે ન્યુરોટ્રાન્સમીટર તરીકે કાર્ય કરે છે. તેમજ માણસની વિભિન્ન શારીરિક અને માનસિક પ્રક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. સેરોટોનિનને ફીલિંગ ઓફ વેલ બીઇંગ તેમ જ ફીલ-ગુડ હોર્મોન તરીકે પણ ઓળખાય છે 

(૨) સેરોટોનિનનો સ્ત્રાવ (સિક્રેશન) ક્યાં થાય છે?

સેરોટોનિનનો સ્રાવ મગજમાં થાય છે અને તે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ તેમ જ આંતરડામાં જોવા મળે છે . લગભગ ૮૦% જેટલું સેરોટનિન આંતરડામાં હોય છે. તે સિવાય બ્લડ પ્લેટલેટ્સ માં પણ સેરોટનિન જોવા મળે છે.

(૩) સેરોટોનિનનો સ્ત્રાવ (સિક્રેશન) ક્યારે થાય છે?

સેરોટોનિન એ કુદરતી રીતે મગજમાં ઉત્પન્ન થાય છે. અમુક પ્રકારના ખોરાક, જીવનશૈલીના કારણે તેના પ્રમાણમાં વધારો ઘટાડો જોવા મળે છે.

(૪) સેરોટોનિનનું કાર્ય

સેરોટોનિન એ કુદરતી રીતે બનતું બ્રેઇન ન્યુરો ટ્રાન્સમીટર / બ્રેઇન કેમિકલ છે,  જે માનવ શરીરમાં ચેતાકોષો વચ્ચે સંકેતો પહોંચાડવા માટે ન્યુરોટ્રાન્સમીટર તરીકે કાર્ય કરે છે. સેરોટોનિન માનવના તન અને મન માટે વિવિધ પ્રકારના કાર્ય કરે છે, જેમાં મુખ્યત્વે  

(A) નેચરલ મૂડ સ્ટેબિલાઈઝર :સેરોટોનિન એ કુદરતી રીતે મૂડને નિયંત્રિત કરે છે. ડિપ્રેશન અને એન્ગ્ઝાઇટી માટે સેરોટોનિન મુખ્ય ભૂમિકા ભજવે છે.

(B) મળ વિસર્જનની ક્રિયા: સેરોટોનિન ખોરાકની રુચિથી લઈને મળ વિસર્જનની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. 

(C) હાડકાંની ઘનતા: હાડકાની તંદુરસ્તીની જાળવણીમાં પણ સેરેટોનિન મહત્ત્વનો ભાગ ભજવે છે.  સેરેટોનિનનું પ્રમાણ વધવાથી ઓસ્ટીઓપોરોસીસ થાય છે, જે હાડકાંને નબળા બનાવે છે.

(D) ઉબકા: સેરેટોનિન ઉબકા અને ઝાડાને કન્ટ્રોલ કન્ટ્રોલ કરવા કાર્ય કરે છે.

(E) ઘાની રૂઝ : શરીરમાં ઘા વાગે ત્યારે  લોહીમાં રહેલા પ્લેટલેટ્સ સેરેટોનિનનો સ્રાવ કરે છે, જે લોહી ગંઠાવીને  ઘામાં રૂઝ લાવે છે.

(F) ઊંઘ : મગજના અમુક ભાગને સક્રિય બનાવવામાં આ કેમિકલ મહત્ત્વનો ભાગ ભજવે છે, જેની અસર સૂવા અને જાગવાની ક્ષમતા ઉપર થાય છે.

(G) જાતિયજીવન: સેરોટોનિનના પ્રમાણમાં વધઘટ થવાથી જાતિય જીવન પર ખૂબ જ વિપરીત અસર થાય છે.

(5) સેરોટોનિન અસમતોલ થવાની (ઇમ્બેલેન્સ)ની અસરો

સેરોટોનીન એ બેધારી તલવાર છે. એટલે એનું બેલેન્સ હોવું ખૂબ અગત્યનું છે.

(A) હાઈ સેરોટોનિન લેવલ – સામાન્ય રીતે સ્વસ્થ વ્યક્તિના શરીરમાં જરૂરિયાત મુજબ સેરોટોનિનનો સ્ત્રાવ થાય છે. પરંતુ, અમુક ચોક્કસ પ્રકારની સેરોટોનિન વધારવાની દવાને કારણે શરીરમાં સેરોટોનિનનું પ્રમાણ વધી જાય છે ત્યારે હૃદયના ધબકારા વધી જાય, બ્લડ પ્રેશર વધે, સ્નાયુ જકડાઈ જાય, ખૂબ પરસેવો થાય, ઝાડા થાય, માથું દુખે, શરીરમાં કંપારી આવે, તાવ આવે, આંચકી આવે, વ્યક્તિ બેભાન થઈ જાય, જાતીય ઇચ્છામાં ઘટાડો થાય છે.

(B) લો સેરોટોનિન લેવલ – લો સેરોટોનિનના કારણો જોવા જઈએ તોઆનુવંશિક કારણઅમુક એલોપેથીક દવાનું લાંબા સમય સુધી સેવન, અયોગ્ય ખાનપાન,બેઠાડુ જીવન, વ્યાયામનો અભાવ,સૂર્યપ્રકાશનો અભાવ, વગેરે ગણી શકાય. શરીરમાં સેરોટોનિનનું પ્રમાણ ઘટવાથી ખૂબ વિપરીત અસરો થાય છે. જેમાં, એન્ગ્ઝાઇટીડીપ્રેશન, અનિદ્રા, ચીડિયો સ્વભાવ અપચો, યાદશક્તિ ઓછી થવી,પેનિક એટેક, સોશિયલ એન્ગ્ઝાઇટીફોબીઆ, ગાંડપણ, જાતીય ઈચ્છામાં વધારો.

(6) સેરોટોનિન ઇમબેલેન્સના કારણો

કોઈ વ્યક્તિ  લાંબા સમય સુધી સ્ટ્રેસમાં રહે ત્યારે અપોષક આહાર,રાસાયણિક દવાયુક્ત આહાર,અમુક પ્રકારની એલોપેથિક દવા, ફાસ્ટ ફૂડ, આનુવંશિક કારણો, અપચો, તમાકુ, દારૂ, વગેરે કારણોને લીધે સેરોટોનિનનું ઇમ્બેલેન્સ થાય છે . જે માણસના શારીરિક અને માનસિક આરોગ્ય પર ભયંકર અસરો કરે છે. 

(7) સેરોટોનિનના કુદરતી સ્રોત

(A) ખોરાક – ઈંડાં, ચીઝ, મગફળી, કેળાં, દૂધ,  ડ્રાયફ્રૂટ, સાલ્મોન, ટોફુ, અનાનસ, વગેરેમાંથી સેરોટોનિન મળે છે.

(B) સૂર્યપ્રકાશ – સૂર્યપ્રકાશ કે લાઈટ થેરાપીથી  સિઝનલ ફેરફારને કારણે થતાં સામાન્ય ડિપ્રેશનમાંથી બહાર આવી શકાય છે.

(C) કસરત – નિયમિત કસરત કરવાથી ટ્રીપ્ટોફન નામનો એમિનો એસિડ બને છે, જે સેરોટોનિનના સ્રાવ માટે જવાબદાર છે. કસરતથી એટલે જ આનંદ અને ખુશીની લાગણી થાય છે. (feeling of well-being)

(D) ધ્યાન, પ્રાણાયામ વગેરેથી સ્ટ્રેસ ઘટે છે, જેને કારણે હકારાત્મક અભિગમ આવે છે અને સેરોટોનિનનું પ્રમાણ વધે છે.

(E) પ્રોબાયોટિક્સ – (બેક્ટેરિયા) : મોટાભાગનું સેરોટોનિન આંતરડામાં ઉત્પન્ન થતું હોવાથી બેક્ટેરિયા આંતરડાના કાર્યો અને પોષકતત્ત્વોના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે. દહીં, અથાણાંમાં આ બેક્ટેરિયા ભરપૂર માત્રામાં હોય છે.

(F) વિટામિન B કોમ્પ્લેક્સ – સેરોટોનિના સ્રાવ માટે જરૂરી એવાં ટ્રીપ્ટોફેન એમિનો એસિડ બનાવવા માટે વિટામિન b 3 અને b 6 ખૂબ જરૂરી છે.

(G) હકારાત્મક વિચાર – પોઝિટિવ થીંકીંગ અને જીવનની સુખદ ક્ષણોને યાદ કરવાથી સેરોટોનિનના લેવલમાં વધારો થાય છે.

સાર – સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવા માટે અતિ અગત્યના એવા સેરેટોનિન હોર્મોન બાબતે મોટાભાગના લોકો અજાણ અથવા ખૂબ ઓછું જણતાં હોય છે. એક સર્વે મુજબ અમેરિકાની વસ્તીનો મોટો ભાગ ડિપ્રેશનથી પીડાય છે. આજે સમગ્ર વિશ્વમાં  કેમિકલ ઇમ્બેલેન્સને કારણે થતાં રોગોના ભોગ બનતાં લોકો એક ડોકટર પાસેથી બીજા ડોકટર પાસે ફરતાં રહે છે. પણ બહુ ઓછા લોકોને સાચી સારવાર મળે છે. આજની ફાસ્ટ લાઈફમાં કામના ભારણથી જાતિયજીવન સાવ રસહીન બનતું જાય છે જેના અનેક કારણો પૈકી એક કારણ સેરોટોનિનની ખામી હોઈ શકે. આપણાં સ્વજનો, મિત્રો કે જાણીતા લોકોમાં સેરેટોનિનના ઇમ્બૅલૅન્સને કારણે કોઇ મુશ્કેલી જોવા મળે તો તરત જ ધ્યાન દોરી શકાય, કાઉન્સેલિંગથી મદદ કરી શકાય, હૂંફ આપી શકાય. જરૂર પડ્યે ડોકટરનો સંપર્ક કરી સમયસર સારવાર શરૂ કરવી જોઈએ. વિશ્વની સરખામણીમાં ભારતમાં ડિપ્રેશનનું પ્રમાણ ખૂબ ઓછું છે. પરંતુ આપણી જીવનશૈલી, મહત્વાકાંક્ષા, એકબીજા પ્રત્યેની સમજણનો અભાવ, સહનશીલતા, જે આપણા સમાજના મૂળભૂત લક્ષણો છે, તેનાથી દૂર જવાને કારણે આ પરિસ્થિતિઓ સર્જાય છે.

વધુ આવતા અંકે..


Leave a Reply to anil1082003Cancel reply

3 thoughts on “સેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી