સગપણ મેળો – મીરા જોશી 31


આખરે એ દિવસ આવી જ ગયો. યુવક યુવતીઓના સગપણ મેળાનું પ્રવેશ કાર્ડ મારી નજર સામે હતું.

‘બેટા, સવારે વહેલા તૈયાર થઈ જજે..’ પપ્પાએ કહ્યું હતું. આખી રાત પડખું ફેરવવામાં જ વીતી. કેવા ચહેરાઓ હશે, કેટલી અજાણી આંખોનો તેને સામનો કરવો પડશે ને કઈ નજર તેને કેવી દ્રષ્ટિથી જોશે. આવા અનેક વિચારોનો જવાબ અત્યારે માત્ર પ્રશ્નાર્થ જ હતો.

બીજા દિવસે સવારે એ પોતાને ફાળવેલ નંબર ૨૨૦ ની ખુરસીમાં બેઠી હતી. વચ્ચે છોકરીઓની બેઠક હતી, ને બન્ને તરફ છોકરાઓ. યુવક યુવતીઓના માતાપિતા માટે સૌથી પાછળ બેઠક વ્યવસ્થા હતી. મંડપમાં સૌથી આગળ નાનું સ્ટેજ બનાવેલ હતું, જેમાં આયોજકો, એન્કરો અને સમાજના મોભીઓ કાર્યક્રમની શરુઆતનું ભાષણ, થોડી રમુજી તો થોડી પીઢ શૈલીથી આપીને લગ્નોત્સુક યુવક યુવતીઓની મૂંઝવણ ઓછી કરવાના વ્યર્થ પ્રયાસ કરી રહ્યા હતા. છોકરાઓ અને છોકરીઓની આંખોમાં વિસ્મયનું અને સપનાઓનું મિશ્ર આંજણ હતું, દરેક પોતાને પ્રેઝેન્ટેબલ દેખાડવાની કોશિશ કરી રહ્યું હતું. છતાં અમુક આ પ્રસંગથી વાકેફ એવા ચહેરાઓને બાદ કરતા દરેકના મનનો ગભરાટ અને ક્ષોભ દેખાઈ આવતો હતો.

બધા સામાજિક પ્રસંગમાં જોવા મળતી સામાન્ય બાબતની જેમ અહીં પણ લગ્નવાંચ્છિક યુવતીઓ કરતા લગ્નોત્સુક યુવકોની સંખ્યા વધુ હતી. ઉંમરમાં પણ ખાસ્સો તફાવત નજરે પડતો હતો. અમુક ચાળીસીમાં પ્રવેશવા આવતા યુવકો પણ હતા, એમના ચહેરા બેજાન દેખાતા હતા.

હજુ સ્ટેજ ઉપર કાર્યક્રમની વિધિનું ભાષણ ચાલી રહ્યું હતું. વિસ્મય નજરે મેં મારી બંન્ને તરફ અને આગળ બેઠેલી યુવતીઓ તરફ નજર કરી. મને લાગ્યું મારા સિવાય એ દરેકના ચહેરા ઉપર અહીંથી કશુંક સારું થવાની આશા મંડાયેલી હતી.

સામાન્ય દેખાવના લીધે કદાચ આ યુવતીઓને અહીં આ રીતે પોતાના જીવનસાથીને શોધવા આવવું પડ્યું હશે. પરંતુ હું એક દિવસ આ હરોળમાં આવી જઈશ એવું નહોતું વિચાર્યું. મારા દેખાવ પર મને અભિમાન હતું. અરેંજ મેરેજનો ફંડા મને ક્યારેય નથી સમજાયો. તેમ છતાં આજે હું ૨૯ વર્ષે આ સગપણ મેળામાં બેઠી હતી, આ છેક જ અજાણ્યા પુરુષોમાંથી કોઈને જોવા, મળવા, હા અથવા ના કહેવા!

એનાઉન્સર બહેનનો અવાજ કર્ણપ્રિય હતો. જેમનો નંબર બોલાય તેમણે પોતાની ખુરશી પર માત્ર સસ્મિત ઉભા થવાનું હતું, કેમેરામેન ઉભા થયેલ છોકરા કે છોકરી પર કેમેરો ફેરવે એટલે એમનો ચહેરો મોટા પ્રોજેક્ટર પર દેખાય ને પોતાનું લાક્ષણિક સ્મિત આપીને બેસી જવાનું હતું. સરસ.. કોઈ મોટી વિધિ નહોતી, છતાં મનમાં ફફડાટ હતો જે શમતો જ નહોતો.

એક પછી એક નંબર બોલાવા લાગ્યા, ને મારું મન વિચારોના પ્રવાહમાં ઘેરાતું ગયું.

મારી આંખો કોને શોધતી હતી, આટલા બધા ચહેરાઓમાં માત્ર એક હ્રદયને સ્પર્શી જાય એવો એક ચહેરો? કે પછી કોઈ એક જાણીતો ચહેરો..? જેના સંગાથે પ્રેમ, યાતના, આનંદ બધું જ મળતું હતું. પણ અફસોસ માત્ર ‘જ્ઞાતિ’ નહોતી મળતી. મારું હ્રદય સંપૂર્ણતયા એને જ ઝંખતું હોવા છતાં આ અજાણ્યા પુરુષોમાંથી કોઈ એકને મારે મારું તન -મન -હ્રદય સોંપી દેવાનું હતું!

એનાઉન્સર બહેન નામ, ઉંમર, વ્યવસાય, સેલરી, ગામ, જ્ઞાતિના નામ બોલી રહ્યા હતા. કુંડલી મેળવવા જન્મતારીખ અને સમય સુદ્ધાં એમની જીહ્વા પર આસાનીથી સરી જતા. દરેક આ જ માપદંડોના આધારે પોતાનો જીવનસાથી પસંદ કરવાના હતાં. ને જો આમાંથી કોઈ શ્રેષ્ઠ કલાકાર હોય પણ એની આવક ઓછી હોય તો એ નાપસંદ થવાનો હતો, છોકરી ગુણવાન હોય પણ જો એની હાઈટ ઓછી હોય તો એ રીજેક્ટ થશે. છોકરો અને છોકરી બન્નેને એકબીજા સાથે ભવિષ્ય સુખદ દેખાય પણ જો એમની કુંડલી ન મળે કે છોકરીને કોઈ ગ્રહદોષ હોય તો એમની પસંદ ઉપર ચોકડી લાગી જશે.. જાતી અને જ્ઞાતિમાં માનતા આ સમાજના રૂપ-રંગ- સ્ટેટ્સ કુંડલીના ધારાધોરણો હંમેશ મારી સમજ બહાર રહ્યા છે,

હું પ્રેમવિશ્વમાં માનતી એક છોકરી.. મારા માટે આ બધું ખુબ તુચ્છ હતું. ને છતાં આજે અનપેક્ષિત રીતે હું તેમની વચ્ચે હતી. જીવનસાથીની શોધમાં..

‘તમારા મનમાં ગભરાટ છે, પરંતુ હસતો ચહેરો સહુને પસંદ પડે છે, માટે ચહેરા પર સ્મિત રાખો..’

સ્મિત.. ચહેરા ઉપર કોઈને ગમે એ માટે પરાણે લાવવું પડતું સ્મિત સારું કે, કોઈને જોઈને હ્રદય મન આપોઆપ સ્મિત કરી ઉઠે એ સાચું?

ત્યાં જ ‘ જી ૨૨૦’ શબ્દો મારા કાને અથડાયા.. ને હું સફાળી ઉભી થઈ. માઈક પરથી મારું આખું નામ, ઉંમર, વ્યવસાયની માહિતીઓ વહેતી થઈ.. કેમેરામેન મારી તરફ ફર્યો. મને હસવા માટે હાથથી ઈશારો કર્યો પણ કેમેય કરીને મારા ચહેરા પર સ્મિત ન આવ્યું, જાણે કોઈએ બન્ને હોઠ જડબેસલાક બાંધી દીધા.. ને એ ક્ષણ પૂરી થતાં જ હું ખુરશીમાં ફસડાઈ પડી.

મન ખિન્ન થઈ ગયું. આ શું હતું..? કોઈ વસ્તુને વેચવા માટે મૂકી હોય ને કોઈ એનો ભાવ બોલતું હોય એવી અનુભૂતિ કેમ થઈ આવી?

‘અહીંથી જેમને કોઈ નંબરવાળા યુવક કે યુવતીને મળવું હોય તો એ સ્ટેજ પર આવી એનાઉન્સ કરાવી શકે છે.’

નંબરો એનાઉન્સ થવા માંડ્યા. ‘ફલાણા નંબર ફલાણા નમ્બરને મળવા માંગે છે..’ બધા વેરવિખેર થવા લાગ્યા,  હોલમાં અવાજો વધી રહ્યા હતા. અઢળક નજરો લગ્નોત્સુક આઈડી કાર્ડ પહેરેલા યુવક-યુવતીઓ તરફ આવતી- જતી હતી. અમુક આશાભરી નજરો મને પણ અથડાઈ, ને હું ચુપચાપ જીવનમાં પહેલીવાર આ અજાણ્યા સંગમની મહેફીલને જોઈ રહી.

કોનો સ્નેહ કોના નામે લખાયો હશે એ અહીં માનવનિર્મિત મેળાવડાથી નક્કી થશે. પોતે માનેલા ને નક્કી કરેલા માપદંડોના આધારે કોણ લાયક છે, કોનો સ્વીકાર થશે ને કોનો અસ્વીકાર થશે એ નક્કી થશે.

બધા જમવા માટે છુટા પડવા માંડ્યા. મેળાવડો સમાપ્ત થયો. હું મંડપની બહાર નીકળી.. ખુલ્લા આકાશ નીચે ઊંડો શ્વાસ લીધો. લગ્ન સંસ્થા, લગ્ન પ્રણાલી, સાત જન્મોનું બંધન, પસંદગીના એ જ ચીબાયેલા ધોરણો, સમાજ, સંસ્કૃતિ, જ્ઞાતિ.. આ જ માપદંડો હતા જીવનસાથીની શોધના. ક્યાંય બૌદ્ધિક સાતત્ય મળે ત્યાં અટકવાની વાત નહોતી, કોઈકના ગુણ કે વિચારો પર અટકવાની વાત નહોતી, મિત્રતા સાધીને આગળ વધવાની વાત નહોતી, પ્રેમમાં પડવાની વાત અહીં ક્યાંય નહોતી.. મારું મન ખિન્ન થઈ ગયું. લગ્ન અને પ્રેમ બંને પરસ્પર જોડાયેલા છતાં દૂર દૂરના અંતિમો જ હતાં શું?

સાંજ દુલ્હન બનીને ઉતરી આવી હતી. હું અસ્ત થતાં સુરજને જોઈ રહી. ને મારું ‘દુલ્હન’ બનવાનું સ્વપ્ન એ ક્ષણે મેં દફનાવી દીધું.

– મીરા જોશી


31 thoughts on “સગપણ મેળો – મીરા જોશી