આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૭)


વિરહ અને મૌન

કોશલ અને કાશી વચ્ચે વૈમનસ્ય વધતું રહે તે વૈશાલી માટે પણ જરૂરી હતું. બંને અંદરોઅંદર લડીને ખુવાર થતા જતા હતા. અને બંને નબળા પડ્યા હતા. આર્થિક નબળી હાલત, બેકારી, ભૂખમરો અને ગરીબીથી પ્રજા ત્રસ્ત થઇ ગઈ હતી. હવે સમર્થ અને સશક્ત કહી શકાય તેવા માત્ર બે જ રાજ્યો રહ્યા હતા, વૈશાલી અને મગધ.

***

માયા-મહેલમાં હવે શાંતિ છવાયેલી રહેતી હતી. પરવાનગી વગર કોઈની આવ-જા નહોતી રહી. ત્યાંની પ્રત્યેક વ્યક્તિ નિયમિત, શિસ્તબદ્ધ અને વ્યવસ્થિતપણે પોતાનું કાર્ય પ્રેમથી તથા ખંતથી સંભાળતી હતી.

જે આમ્રપાલીને જોવા લિચ્છવીઓ ટળવળતા હતા તે હવે સંથાગારમાં તેમને લગભગ રોજ મળતી હતી. તેથી બધાને નવાઈ પણ લાગતી. વૈશાલીની નગરવધુ, સૌન્દર્ય-સામ્રાજ્ઞી સહુ સાથે હળીમળીને પ્રેમથી રહેતી હતી. તે કોઈને ય તુંકારે બોલાવતી નહીં, હા, તે શિસ્તનો આગ્રહ જરૂર રાખતી હતી.

***

દેવેન્દ્ર બહુ સમય સુધી વિરહ સહન કરી શકે તેમ ન હતો. તે પોતાના પુત્રને રમાડવા અને આમ્રપાલીને મળવા અધીર બની ગયો હતો. પોતે નક્કી કરેલી સમય મર્યાદા પૂરી થતાં જ તે માયા મહેલમાં આવી ગયો.

તેના આવતાની સાથે જ માયા મહેલ ચેતનવંતો  થઇ ગયો. જાણે તેને નવજીવન મળી ગયું ન હોય! આમ્રપાલી પણ પોતાની ફરજ બજાવતી રહેતી અને ફુરસદના સમયમાં  ગુમસુમ રહેતી હતી તે પણ દેવેન્દ્રનાં આગમનથી ખીલી ઉઠી.

આમ્રપાલી પોતાના બાળકને જોઇને વિચારમાં પડી જતી. શું તે પોતાના પિતાની જેમ કુશળ વેપારી બનશે? ના, ના, તે વિદ્વાન બનશે અને ભારતવર્ષમાં તેનું મોટું નામ થવું જોઈએ. કેટલો સુંદર, નિર્દોષ અને વહાલો છે. સામુદ્રિકશાસ્ત્ર મુજબ તો તે રાજા થઇ શકે તેમ છે! દેવ સાથે આ વિષયમાં વાત કરવી પડશે. પણ તે ક્યારે આવશે? અભય નટખટ હતો અને તે વિશાખા અને ધનિકા સાથે હળી ગયો હતો. દેવ અભયને મોટો થયેલો જોઇને કેટલો ખુશ થશે! અને તેનો દેવ આવી ગયો…

દેવેન્દ્ર પોતાની સાથે અભય માટે કેટલાય નવીન રમકડાં લાવ્યો હતો. આમ્રપાલી માટે અનેકવિધ ઉપહારો, વસ્ત્રો લાવ્યો હતો. માયા મહેલનાં સેવકો, દાસ-દાસીઓ અને અન્ય ગણિકાઓ માટે પણ તે નાની-મોટી ભેટ લઈને આવ્યો હતો. તે અઢળક ધન અને વિશાળ નૌકા સાથે બીજી પણ પાંચ-છ નૌકા સાથે લઇ આવ્યો હતો. પ્રત્યેક નૌકા ભવ્ય, સુંદર, મોટી અને મજબૂત હતી. તેમાં દરેક જાતની સગવડ ઉપલબ્ધ હતી. પોતાની નૌકાને તેણે માયા મહેલની જેમ શણગારી હતી, જાણે માયા મહેલનું તરતું નાનું સ્વરૂપ!

દેવેન્દ્રે એક નૌકા ગણપતિને ભેટ આપી. આવી ભવ્ય નૌકા વૈશાલીએ કોઈ દિવસ જોઈ નહોતી. ગણપતિ આ ભેટ મેળવી ખુશ થઇ ગયો અને વિચારવા લાગ્યો દેવેદ્ર જેવો શ્રીમંત શ્રેષ્ઠી તેને આજસુધી ક્યારેય જોયો નથી. વૈશાલીના ભાગ્ય સારા છે કે વિદેશી વ્યક્તિ એક અમાત્ય માટે આટલું માન ધરાવે છે.

પણ વર્ષકાર કાંઈ જુદું જ વિચારતો હતો. તેને થતું હતું કે અનાવશ્યક ભેટ અથવા લાયકાત વગરની મહામૂલી ભેટ ભવિષ્ય માટે ખતરો છે. પરંતુ તે ગણપતિની ખુશી જોઇને ચુપ રહ્યો.

પણ એ ભવ્ય નૌકાનો વૈશાલીના નૌકાદળમાં સરળતાથી સમાવેશ થઇ ગયો. 

વર્ષકારનું રહસ્યમય મૌનનો સંકેત શું કહેતો હતો?

ગણપતિની આ મોટી ભૂલ તેને ભવિષ્યમાં કેટલી ભારે પડવાની હતી તેની અત્યારે ક્યાં કોઈને જાણ હતી?

‘આમ્રપાલી’ નવલકથાના આ પહેલાના ભાગ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.

ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.

આપનો પ્રતિભાવ આપો....