પોન્ડીચેરી (પુડુચેરી) નો પ્રવાસ.. – હિરલ પંડ્યા 23


પોર્ટુગીઝ ૧૫૨૧ માં મરી-મસાલાના વ્યવહાર માટે પોન્ડીચેરી આવ્યા, એમની પાછળ ડચ અને ડેનિષ પણ આવ્યા, પણ ગેમ ચેન્જર ફ્રેન્ચ લોકો નીકળ્યા. તેઓ ૧૭ મી સદીમાં આવી ૨૦૦ જેટલા વર્ષો સુધી રાજપાઠ ચલાવતા રહ્યા. ૧૯૫૪ માં પોન્ડીચેરી યુનિયન ટેરીટરી બન્યું. ફ્રેન્ચ લોકો અહીંના સમુદ્રકિનારાથી એટલા પ્રભાવિત થયા હતા કે એમણે ફ્રેન્ચ કોલોની બનાવી જ્યાંનું ફ્રેન્ચ સ્થાપત્ય આંખે વળગી આવે તેવું છે.

કિનારે બેઠા બેઠા અનિમેષ નજરે ક્ષિતિજને જોયા કરવું કોને ન ગમે?

દરિયાનાં મોજાની વાછટમાં થોડું પલળવું કોને ન ગમે?

પવનની લેહરખીથી લહેરાતા વાળમાં આંગળીઓનું ગૂંચવાવું કોને ન ગમે?

માણસોની વચ્ચે રહીને પણ સ્વયંમાં ખોવાઈ જવું કોને ન ગમે?

દરિયા કિનારે જવું કોને ન ગમે?

શું તમને પણ આવો વિચાર આવ્યો છે કે ‘યાર, દરિયો કયારેય થાકતો નહીં હોય?’ નથી આવ્યો? તો વાટ શેની જુવો છો? ચાલો…

આમ તો મેં પશ્ચિમી સમુદ્રીતટ પર ગોવાથી ગુજરાત સુધી સૂર્યાસ્ત માણ્યા છે, પણ આપણું દિલ માંગે મોર! તો સમુદ્રકિનારે સૂર્યોદય જોવાનો લ્હાવો લેવામાં પાછા કેમ રહી જવાય? તો આમજ બસ અમે નીકળી પડ્યા ઈડલી-સાંભાર અને ફ્રેન્ચ વારસો હજી સુધી જાળવતી ભૂમિ પોન્ડીચેરી (પુડુચેરી) તરફ!

કેન્દ્ર શાસિત પ્રદેશ પોન્ડીચેરી પહોંચવા માટે નજીકનું સૌથી મોટું શહેર ચેન્નઈ છે. ચેન્નઈથી પોન્ડીચેરી ૧૫૫ કિલોમીટર દૂર છે અને ચેન્નઈથી ત્યાં પહોંચવા ત્રણ-સાડા ત્રણ કલાક લાગે છે. એરપોર્ટથી પોન્ડીચેરી જવા ડાયરેક્ટ ટેક્સી ૩૦૦૦ રૂપિયા લે છે અને ઓલા(Ola ઓઉટસ્ટેશન) ૨૪૦૦ રૂપિયા સુધીમાં પહોંચાડે છે. બીજા સસ્તા પર્યાયમાં એરપોર્ટની બહારથી મેટ્રો પકડી કોયમબેડુ (Koyambedu) જઇ શકાય અને ત્યાં ઊતરી સામે બસ સ્ટેશનથી એસી વોલ્વો બસ પકડવી અથવા ચેન્નઈ રેલ્વે સ્ટેશનથી સ્થાનિક રેલ્વે સ્ટેશન પેરુંગલાથુર (Perungalathur) જઇ તામિલનાડુ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ પકડવી જે ૮૫ રૂપિયામાં પોન્ડીચેરી ઉતારી દે છે.

અમે પોન્ડીચેરીથી ૧૦ કિલોમીટર પહેલા આવતા ઓરોવિલ નામનાં ગામે અમારો મુકામ રાખ્યો હતો. પોન્ડીચેરીમાં ફરવા માટે ઓટો કરી શકાય છે. અહીં સ્કુટી પણ દિવસના ૨૫૦ થી ૩૦૦ રૂપિયામાં ભાડે મળી જાય છે. ટેકનોલોજીએ આપણને ગૂગલ મેપ નામની મોટી ભેટ આપી છે, તો એનો પૂર્ણ ફાયદો ઉઠાવવા અમે ચાર દિવસ માટે સ્કુટી ભાડે લઈ લીધી અને મેપ જે તરફ અમને દોરી જાય, એ ગલી-ગલી ખુંદી વળ્યા. 

જોવા લાયક સ્થળોની લીસ્ટ આપતા પહેલા થોડું પોન્ડીચેરીનાં ઇતિહાસથી તમને પરિચિત કરાવી દઉં. પોર્ટુગીઝ ૧૫૨૧ માં મરી-મસાલાના વ્યવહાર માટે પોન્ડીચેરી આવ્યા, એમની પાછળ ડચ અને ડેનિષ પણ આવ્યા, પણ ગેમ ચેન્જર ફ્રેન્ચ લોકો નીકળ્યા. તેઓ ૧૭ મી સદીમાં આવી ૨૦૦ જેટલા વર્ષો સુધી રાજપાઠ ચલાવતા રહ્યા. ૧૯૫૪ માં પોન્ડીચેરી યુનિયન ટેરીટરી બન્યું. ફ્રેન્ચ લોકો અહીંના સમુદ્રકિનારાથી એટલા પ્રભાવિત થયા હતા કે એમણે ફ્રેન્ચ કોલોની બનાવી જ્યાંનું ફ્રેન્ચ સ્થાપત્ય આંખે વળગી આવે તેવું છે. 

પોન્ડીચેરી એક શાંત પણ મોહક એવું નાનું શહેર છે. જો એડવેન્ચર શોધતાં હોવ તો આ સ્થળ તમારા માટે નથી. અહીં આવો તમારા મનને તરબતર કરવા, આત્માને સઁતોષ આપવા અને તમારું પેટ! એ તો તમારા ઓવારણાં લેશે તેને પોન્ડીચેરી લઈ આવવા માટે!

તો ચલો પહેલા મન તરબતર કરી દેતી જગ્યાઓ જોઈ લઈએ. 

સવાર અને સંધ્યાકાળ અમે સમુદ્રકિનારાઓ માટે ફાળવી હતી અને બાકીનો દિવસ શહેરમાં ભમવા માટે. અહીંના સૌથી પ્રચલિત સમુદ્રકિનારાઓમાં પેરેડાઇઝ બીચ સૌથી મોખરે આવે છે, જે પોન્ડીચેરીથી ૨૦ કિલોમીટર દૂર છે. ચુનામ્બરથી (Chunnambar) ગવર્મેન્ટ બોટસ ૨૨૦ રૂપિયામાં પેરેડાઇઝ આઈલેન્ડ પર તમને લઈ જાય છે. શનિ-રવિ અહીં પીકનીક માટે સ્થાનિક લોકોનાં ટોળે -ટોળા ઊમટી પડે છે. જો શાંતિ જોઇતી હોય તો આ દિવસો ટાળવા. 

બીજો છે સેરેનિટી બીચ, જે પોન્ડીચેરીથી ૧૦ કિલોમીટર ઓરોવિલ તરફ છે. અહીંથી સૂર્યોદય જોવાનો અલગજ લ્હાવો છે, જે અમને દરરોજ આશા બાંધી સવારે ઉઠવા છતા વરસાદી વાતાવરણ કે ધુમમ્સનાં કારણે એક દિવસ પણ માણવા ન મળ્યો! રોક બીચ અને પ્રોમોનેડ પોન્ડીચેરીનાં પ્રમુખ સ્થળો છે. અહીંના દરિયાનું પાણી ઘણું સ્વચ્છ છે. સાથે દરિયાકિનારાની સ્વચ્છતાની પુરી તકેદારી રાખવામાં આવી છે. પ્રોમોનેડ (જે આપણા મુંબઈના મરીન ડ્રાઈવ જેવું છે) ત્યાં દર થોડા થોડા અંતરે કચરાપેટી રાખવામાં આવી છે અને દરિયો! શું વાત કરું એની? એનો ઘૂઘવતો અવાજ તમારી આત્મા સાથે વાર્તાલાપ કરશે, એનું પાણી તમને બાથ ભરવા ઉત્સાહમાં ફલાંગ ભરતું કિનારે દોડી આવશે, તેનાં ઊછળતા મોજાં તમારા હૃદયનાં ધબકારા સાથે રમત રમશે, અરે જે એક એક બુંદ તમે પીવો છો એ તમને દરિયાથી જોડે છે. આપણી અંદર પણ એક દરિયોજ તો છે! ભાવનાઓનો દરિયો! હોઈ શકે કદાચ એથી જ આપણે દરિયા સાથે આટલી આત્મીયતા અનુભવીએ છીએ.

પ્રોમોનેડ

દરિયાની વાતો માટે તો એક આખો લેખ ઓછો પડે માટે આપણે આગળના સ્થળ પર જઈએ, જે છે અહીંનું મ્યુઝિયમ. પોન્ડીચેરી મ્યુઝિયમની બિલ્ડીંગ ૧૭મી સદીનું કોલોનીયલ મૅન્શન છે. અહીં તમને શિલ્પકલા, તાંબાની કલાકૃતિઓ, અદભુત પથ્થરોની સાથે ફ્રેન્ચ ફર્નીચર પર કરેલી કલાકારી પણ જોવા મળશે.

દરિયો હોય અને લાઈટ હાઉસ ના હોય એવું તો ના જ બને! પોન્ડીચેરીમાં બે લાઈટ હાઉસ છે. એક જુનું જ્યાં હવે અંદર જવા મળતું નથી અને એક નવું જે ૧૯૭૯ માં બંધાયું છે. આ નવું લાઈટ હાઉસ ૧૫૭ ફીટ ઊંચું છે અને અંદર જવાનો સમય નવ થી પાંચ નો છે. અહીં લિફ્ટ નથી પણ પગને થોડો કષ્ટ આપી ઉપર ચઢી શકાતું હોય તો જરૂર ચઢજો કારણકે ઉપરથી દરિયાનો નજારો સોહામણો છે. ફિરોઝી વાદળી રંગની એ ઉછળ-કૂદ પર ક્યાંક ચમકતી સોનેરી સૂરજની કિરણો પડતા થતો આભાસ! દૂર દૂર કીડી જેવી દેખાતી હોડીઓ! આ દ્રશ્ય જરૂરથી તમારા ફોનના મેમરી કાર્ડમાં રહેલા વિહંગમ દૃશ્યના (Panorama) ફોલ્ડરની શોભા વધારશે. અહીંનો પરિસર ઘણો સુઘડ રાખવામાં આવ્યો છે સાથે અહીં ઘણીવાર સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવાય છે. પોન્ડીચેરીમાં જોવાલાયક બીજા સ્થળોમાં એક સુંદર બોટેનીકલ ગાર્ડન અને ત્રણ-ચાર ભવ્ય ચર્ચ છે. અહીંનું ગણપતિ મંદિર (Shri Manakula Vinayagar Temple) ઘણું કલાત્મક છે. ત્યાં દ્વાર પર લક્ષ્મી નામની હાથણી છે જે રૂપિયાના સિક્કાની સામે તમને માથા પર પોતાના સૂંઢથી આશીર્વાદ આપે છે.

મારુ માનો તો એક દિવસ ફ્રેન્ચ/વ્હાઈટ ટાઉનમાં લટાર મારવા માટે ફાળવી રાખજો. આ ટાઉન તમને ત્યાંના બાંધકામથી સંમોહિત કરી દેશે. અહીંના રંગીન ઘરો તમારી આંખોને નવીનતા અર્પિત કરશે અને તમારા ડિસ્પ્લે પિક્ચરની બ્રાઈટનેસ વધારશે. દ્વિભાષીય બોર્ડસ, સફેદ પોશાકમાં ફરતી પોલીસ, ઘરોની ભીંત પર લાગેલા સ્ટ્રીટ લાઈટનાં લેમ્પ, રંગબેરંગી દરવાજાઓ એકદમ આકર્ષક ચિત્ર ઉભું કરે છે. એક આખો દિવસ તો ત્યાંની શેરીઓમાં ક્યાં નીકળી જશે ખબર પણ નહીં પડે. 

શ્રી અરવિંદ આશ્રમ

હવે વધીએ ધ્યાન, ચિંતન એટલે આત્માના સંતોષ તરફ, જેમાં પહેલું સ્થળ છે શ્રી અરવિંદ આશ્રમ. શ્રી અરવિંદ ભારતના આધ્યાત્મિક રાષ્ટ્રવાદના વાહક ગણાતા હતા. રાજનીતિમાંથી સંન્યાસ લીધા બાદ પોડિંચેરીમાં યોગનો અભ્યાસ કરવા આવ્યા અને પછી અહીંજ રહી એમણે આ આશ્રમની સ્થાપના કરી. પોન્ડીચેરીમાં વસેલા આ આશ્રમમાં પગલાં પાડતા પહેલા તમને એક બોર્ડ નજરે ચડશે જેમાં લખ્યું હશે  ‘મોબાઈલ બંધ રાખવો અને મૌન રાખવું.’ દરવાજાની અંદર પ્રવેશતા જ ત્યાંનો ચેતનાથી સંપન્ન માહોલ તમને સ્પર્શી જશે. આશ્રમ નાનો હોવા છતાં ઠેરઠેર રંગીન ફૂલો અને વૃક્ષોને કારણે બહારની દુનિયાથી અલિપ્ત છે. પંખીઓનો કલરવ, ખિસકોલીઓની મુક્તપણે દોડાદોડ… જાણે આ આશ્રમ અલગજ વિશ્વમાં જીવી રહ્યો હોય એવી અનુભૂતિ કરાવશે. અહીં શ્રી અરવિંદની સમાધિ છે અને તેમનાં શિષ્યો માટે રહેવા અને સાધના કરવા માટે એક માળનું મકાન છે. અહીં એક પુસ્તકાલય પણ છે જ્યાં આધ્યાત્મિક પુસ્તકો વેચાણ માટે રાખવામાં આવ્યા છે. 

બીજુ સ્થળ છે, માતૃ મંદિર (Matri mandir) ઓરોવિલ –

માતૃ મંદિર – INSIDE STRUCTURE

ફ્રેન્ચ ભાષામાં ઓરો નો અર્થ ‘પ્રભાત’ અને વિલ એટલે નગર થાય છે. તે ‘સિટી ઑફ ડૉન’ તરીકે પણ ઓળખાય છે. મીરા અલફાસાના પતિ ફ્રાન્સના વિદેશ ખાતામાં અધિકારી હતા, તેમની સાથે મીરાજી પોંડિચેરી આવ્યા હતા. ૧૯૧૪ માં તેમની મુલાકાત શ્રી અરવિંદ સાથે થઈ અને એ સાથે જ તેમને ખાતરી થઈ કે તે જે ગુરુને શોધી રહ્યા હતાં તે આ જ છે. તેઓનો સંપર્ક વધ્યો અને વિચારોની આપ-લે થતા શ્રી અરવિંદ મીરાજીથી ખૂબ પ્રભાવિત થયા અને શ્રી અરવિંદે અને તેમનાં અનુયાયીઓ એ મીરાજીને માતાજી તરીકે સ્વીકાર્યા. ૧૯૬૮ માં મીરાજીએ દુનિયાના દરેક દેશની માટી સાથે ત્યાંના પ્રતિનિધિઓને બોલાવીને ઓરોવિલની સ્થાપના કરી. આ જગ્યા અનોખી છે કારણ કે તે વૈશ્વિક નગરી છે, જેમાં ૫૪ દેશોના આશરે ૩૦૦૦ જેટલા લોકો વસવાટ કરે છે. અહીં વસતા લોકો બહુ શાંતિપૂર્વક જિંદગી જીવે છે. ઓરોવિલમાં વસતા લોકો વિવિધ સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષિણક અને સ્વાસ્થ્ય પ્રવૃત્તિઓમાં યથાશક્તિ યોગદાન આપે છે. અહીંનું હૃદય છે માત્રી મંદિર (માતૃમંદિર) જ્યાં મેડિટેશન કરી શકાય છે. આ આખું ઓરોવિલ નગર મીરાજીની કલ્પનાનું જીવંત સ્વરૂપ છે.

માતૃ મંદિરની અંદર મેડિટેશન કરવું હોય તો તમારે પહેલા વિઝિટર્સ સેન્ટર પર જઈને એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. ત્યાં નિઃશુલ્ક પાસ આપવામાં આવે છે, જે સવારના દસ થી અગિયાર અને બપોરે બે થી ત્રણ વચ્ચેજ આપવામાં આવે છે અને મંગળવારે આખો દિવસ બારી બંધ રહે છે. મતલબ પાસ વહેંચણી થતી નથી. અહીં દરેક વ્યક્તિએ પોતે જઈ પાસ લેવો પડે છે. કોઈ એજન્ટ ને કે ગ્રૂપમાં પાસ આપવામાં આવતા નથી. દસ વર્ષથી નાના બાળકોને મેડિટેશન માટે લઈ જવાની મનાઈ છે. 

હવે થયું એવું કે અમે અમારા પ્રવાસના ત્રીજા દિવસે માતૃ મંદિર જવાનો પ્લાન ઘડ્યો. તે દિવસે જ્યારે ૧૧ વાગે અમે ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી આજના સ્લોટ પહેલાથી બુક છે અને બીજા દિવસે શનિવાર હોવાથી તે દિવસ પણ ફુલ છે. મનમાં વિચાર આવ્યો “થઈ રહ્યું!” તો મારું માનો જો તમે મેડિટેશન કરવા ઈચ્છતા હોવ તો જે દિવસે પોન્ડીચેરી પહોંચો એજ દિવસે એપોઇન્ટમેન્ટ લેવા પહોંચી જજો. રીપીટ મુલાકાતીઓ તો ઈમેલ કરી એપોઇન્ટમેન્ટ લઈ શકે છે, તેમને પ્રત્યક્ષ પાસ લેવા જવાની જરૂર પડતી નથી. જો માત્રી મંદિર અંદરની ચેમ્બર (મેડિટેશન સેંટર) નો પાસ મળી ગયો તો તે દિવસે સવારના ૮.૪૫ સુધી ત્યાં પહોંચવાનું હોય છે. પહેલા એક વિડિઓ દેખાડવામાં આવે છે અને પછી ગાર્ડનમાંથી પસાર થઈ ગોલ્ડન ગોળાની અંદર ચેમ્બરમાં ૨૦ મિનિટ ધ્યાન ધરવા બેસાડવામાં આવે છે અને બાર વાગતા સુધીમાં તો તમે આ બધું પતાવી બહાર આવી જાવો છો. પણ તમને કહું, ભૂલથી પણ આ મેડિટેશનો લ્હાવો ચૂકતા નહીં! આખું માત્રી મંદિર અલૌકિક પ્લાનિંગ સાથે બનાવ્યું છે. તેનું માળખુ ગજબનું છે અને મને કોઈજ શક નથી કે અંદરની આભા જબરદસ્ત હશે જ! કેમકે બહાર પણ તે તમે અનુભવી શકો છો. કેટલાક વિદેશીઓ જે ત્યાંના રહેવાસી હોય એવા લાગ્યા, જ્યારે તેમની સામેથી હું પસાર થઈ ત્યારે તેમના મુખ પર જે તેજ હતું તે મેં બહુજ ઓછા લોકોનાં ચહેરા પર જોયો છે. શાંત અને સઁતોષી! ફરી પાછું અહીં મેડિટેશન માટે તો આવું જ પડશે! 

તમે જો અંદરની ચેમ્બરમાં ન જઈ શક્યા, ફિકર નોટ! તમે એક વ્યૂવિંગ પોઇન્ટ એટલે દૂરથી જોવાનું સ્થાન છે ત્યાંથી એ ચળકતા સોનેરી ગોળાને અને આજુ-બાજુના પરિસરને નિહાળી શકો છો. આ વ્યૂવિંગ પોઇન્ટ એક કિલોમીટર દૂર છે અને ત્યાં પહોંચવાનો રસ્તો હરિયાળીથી સમૃદ્ધ છે. પાછા આવતી વખતે બસ સર્વિસ છે. અહીં પરિસરમાં જ પેટ-પૂજા માટે બે-ત્રણ રેસ્ટોરન્ટ છે. વિઝિટર્સ સેન્ટરમાં ત્યાંના રહેવાસીઓ દ્વારા તૈયાર કરેલા વસ્ત્રો, લેધર પ્રોડક્ટ્સ તથા હેન્ડીક્રાફ્ટ્સની અનેક વસ્તુઓનું વેચાણ થાય છે. 

પોન્ડીચેરી મ્યુનિસિપલ કોર્પોરેશન

પ્રવાસમાં ઘણીવાર એવું થાય કે તમે જે જોવા માંગતા હોવ તે જોવા ન મળે, કરવા માંગતા હોવ તે કરવા ન મળે પણ ખાવાનું ઉત્કૃષ્ટ મળી ગયું તો બસ! બીજું જીવનમાં જોઈએ શું? પોન્ડીચેરીમાં ઘણા કેફે અને રેસ્ટોરન્ટ છે જ્યાં  સાઉથઇન્ડિયન અને ફ્રેન્ચ ભોજનની લિજ્જત તમે  માણી શકો છો પણ મારે ત્રણ જગ્યાના નામ તમારા ટ્રાવેલ લિસ્ટમાં એડ કરાવવા જ છે. 

સુરગુરુ રેસ્ટોરન્ટ-

અહીં અપ્રતિમ સાઉથ ઇન્ડિયન વાનગીઓ મળે છે. અહીંની થાળી તો ચાખજો જ! ઢોસા સાથે મળતી બે-ત્રણ ચટણીઓ અને સાંભાર, અરે મજ્જા પડી જશે. 

ઓરોવિલ બેકરી-

બેકરીની નજીક પહોંચતા જ તમારા નાકમાં વહીને આવતી સ્વીટ બ્રેડની સુવાસ તમને બમણી ગતિએ તેના દરવાજા તરફ લઈ જશે અને ભાગીને જ જજો! કારણ અહીં બધું જલ્દી સફાચટ થઈ જાય છે. પ્રવેશતાજ તમારી આંખોમાં ચમક આવી જશે અને દાંતનો દુખાવો ઉડન છુ થઈ જશે! કારણ અહીં તમને બ્રેડ, પેસ્ટ્રી, કૂકીઝ, બ્રાઉની અને ક્રોસન્ટની વિવિધ વેરાયટી જોવા મળશે. ટેસ્ટ પણ એટલો લાજવાબ હતો શું કહું? સતત બે દિવસ સૂર્યોદય ન જોઈ શકવાના ગમ ને અમે સવાર સવારનાં બ્રાઉની અને પાઇથી સઁતોષ્યો છે. 

જીલાટો ફેક્ટરી-

ત્રીજા દિવસે મેપમાં શોધતા શોધતા પોન્ડીચેરીનાં મુખ્ય જીલાટો ફેક્ટરી સામે અમે પહોંચ્યા પણ આખા પ્લાન પર મોજાઓ પાણી ફેરવી ગયા કારણ જીલાટો ફેક્ટરી અંડર રેનોવેશન હતી! 

“બસ આજ જોવાનું બાકી રહી ગયું હતું!”

પણ બીજા દિવસે હિમક્રીમ દેવતા અમારા પર સવાર સવારમાં પ્રસન્ન થયા! અને ઓરોવિલમાં અમને જીલાટો ફેક્ટરીની એક શાખા દેખાઈ. અહીં જીલાટોના ફ્લેવરમાં અમને ઘણી વૈવિધ્યતા જોવા મળી. જેમ વોટર કલરના કંપાસના દર એક ખાનામાં રંગીન કલર મુક્યા હોય, તેમ અહીં વિવિધ રંગ અને ફ્લેવરનો બર્ફીલો કંપાસ અમારી ખિદમતમાં ઉભો હતો. તદ્દન નવા જ ફ્લેવરના ૨-૩ જીલાટોની અમે ભરપૂર મજા માણી. તો હવે જાણી લો શા માટે આ જીલાટોના આટલા ગુણગાન કરું છું. અસ્સલ જીલાટો, આઈસ્ક્રીમ કરતા વધારે ક્રીમી, સિલ્કી અને સુંવાળો હોય છે. તે આઈસ્ક્રીમ કરતા પ્રમાણમાં વધારે આવે છે (આટલું જ સાંભળવું હતું!) તેમાં ઓછું ફેટ હોય છે અને વીગન(Vegan) જીલાટો પણ મળે છે. 

ફૂડની જેમ પોન્ડીચેરીના લોકો પણ મસ્ત છે. તેઓ ઘણા સરળ અને શાંતિપ્રિય છે. અહીં ઘણા ને ફક્ત તમિલ અને અંગ્રેજી આવડતું હોવાથી વાત સમજવામાં થોડા લોચા થઈ શકે છે કારણ તેમનું તમિલ મિશ્રિત અંગ્રેજી આપણને સમજવામાં અને આપણું અંગ્રેજી એમને સમજાવવામાં થોડા બન્નેએ ફાંફા મારવા પડે, પણ બાકી બધું ફર્સ્ટ ક્લાસ છે. ઉનાળામાં તો અહીં સ્ફુબા ડાઇવિંગના કોર્સ થાય છે પણ ભયંકર ગરમી સહન થતી હોય તો જ આ પરાક્રમ કરવા જેવું છે. અહીં આવવાનો ઉત્તમ સમય આમતો ઓક્ટોબરથી માર્ચ નો છે પણ નવેમ્બર અંત સુધી થોડો પાછો વળતો વરસાદ નડી શકે છે. આ સ્થળ સોલો ટ્રાવેલર અને મહિલા ટ્રાવેલર્સ માટે ઘણું સુરક્ષિત છે. અહીં રહેવા માટે દરેક બજેટની હોટેલથી લઈ, એર -બીએનબીમાં ફ્રેન્ચ એપાર્ટમેન્ટ પણ મળી જાય છે.  

હવે તમને એમ લાગશે કે આપણા ગુજરાત- મહારાષ્ટ્રમાં કંઈ દરિયા ઓછા છે! દરિયો જોવા અને સાઉથ ઇન્ડિયન ખાવા આટલું દૂર લાંબા થોડા થવાય! 

બહાના જોઈતા હોય તો ચાલો હું આપું.

અહીં આવો આધ્યાત્મિક ચેતનાની શોધમાં. અરવ પગલે ફ્રેન્ચ કેડીઓમાં સેર સપાટો મારવા. પીળા મકાનની આગળ લાલ કપડાં પહેરી લાલ પીળા થઈ જવા. કોઈ કેફેમાં ચોકલેટ ક્રોસન્ટનો (Croissant) આસ્વાદ ફિલ્ટર કૉફીની ગરમા-ગરમ ચુસકીઓ અને મનગમતા પુસ્તક સાથે માણવા. થોડા મહિના પહેલા જે મોજાંએ પશ્ચિમી તટની વાલુકાને આલિંગન આપ્યું હતું, શું તે આજે અહીં પૂર્વીય શંખ-છીપલાંને ભેટવા આવ્યું હશે? જેવા તરંગી વિચારો કરવા! થોડું પલળવા, થોડું બીજાને પલાળવા. 

આમતો દરિયાનું પાણી હંમેશા વહ્યા જ કરે છે, પણ સાથે-સાથે કિનારાને ભેટવાની તક તે છોડતું નથી. તો યાર તમે પણ કહેવાતી વ્યસ્ત લાઈફમાંથી સમય કાઢી આ નિતાંત દરિયા કિનારે સમુદ્રમય થઈ જવા નીકળી પડો!

– હિરલ પંડ્યા


આપનો પ્રતિભાવ આપો....

23 thoughts on “પોન્ડીચેરી (પુડુચેરી) નો પ્રવાસ.. – હિરલ પંડ્યા

  • Bharat Joshi

    Hiral sir Namaskar I had been there in Nov-19 during south tour for 2-3 hours only.Now I will have to plan for 3-4 days as per the information collected from your nice article.Sir now a days few trains are reaching to pondy. As well so many trains at the nearest station Villupuram Jn.(39km).Thanks again for nice article.
    -Bharat Joshi

  • Hareshbhai

    Vah ફરીથી સફર ખેડી.અમે ગયા હતા .પણ અમુક વસ્તુ છૂટી ગયું

  • anil1082003

    NICE DETAIL FOR PONDICHERRY. ,SPECIALLY ARVIND ASHRAM & MATAJI (MATRU) ASHRAM, PRESENT DETAILS MORE TRUE. I HAVE OLD DETAILS THATONE IS DIFFERENT FOR ASHRAM. THANKS .

  • Dinesh Pandya

    ઘણાં વર્ષો પહેલાં પોંડીચેરી (હવે ‘પુડુચેરી’) ગયેલાં તેની યાદ તાજી થઈ.
    બહુ વિસ્તારથી સુંદર રસાળ વર્ણન કર્યું છે .
    અભિનંદન!
    દિનેશ પંડ્યા

  • mydiary311071

    ખૂબ સરસ લેખ, દરિયાનું વર્ણન તો દરેકને ભીંજીવી ગયું હશે એમાં મને કોઈ શંકા નથી, ખૂબ ખૂબ અભિનંદન

  • hiteshv2

    Thanks for interesting and intriguing travel log on Pondicherry. Having experience to sit and perform meditation in Mataji’s spiritual music is life time experience as worth to visit apart from stroll across French colony and beaches. Now it’s on my wish list.

  • Anila Patel

    આપની કલમને સલામ . અર્ધું વાંચ્યું ત્યા તો પોંડીચેરીમાં જ ફરતાં થઈ ગયાં હોય એમ લાગવા માંડ્યું અને સાચે જ પૂરું વાચતાં જાતેજ ફરીને આવ્યાં હોય એમ લાગ્યું. આજ તો આપની કલમની કારીગરી છે.બહુજ સરસ વર્ણન.

    • Hiral Pandya

      Anilaji, આપના પ્રતિભાવે મારો દિવસ બનાવી દીધો! વાંચવા બદલ આભાર.

  • Bharat S. Thakkar

    ફેબ્રુઆરી ૨૯, ૧૯૬૮ના દિવસે હું ત્યાં ઓરોવીલના ઉદ્ઘાટન પ્રસંગે હું હજાર હતો. મેં અદભૂત સમારંભનો લ્હાવો લીધો હતો.

    હું એક મહિનો પોન્ડિચેરીના અરવિંદ આશ્રમમાં દરિયા કિનારે ભાડાની રૂમમાં રહેલો. શ્રી માતાજી પ્રતિ ભક્તિ અને સ્વ. કવિ શ્રી સુન્દરમની પ્રેરણાથી, નિજી સંબંધના કારણે આ શક્ય બનેલું.

    આજે એ સ્મૃતિઓને લીધે જીવનમાં ધન્યતા અનુભવું છું.

    તમારું પોન્ડિચેરીનુ પ્રવાસ વર્ણન વાંચીને ઘણો આનંદ થયો.

    ભરત ઠક્કર (શિકાગો, યુએસએ)
    માર્ચ ૩, ૨૦૨૦