લિપસ્ટિક અંડર માય બુરખા (રિવ્યૂ) – જિજ્ઞેશ અધ્યારૂ 12


જેમને મારી જેમ, એકથી વધુ સમાંતર ચાલતી વાર્તાઓ વાળી ફિલ્મો ગમતી હોય, જેમને એક સાથે અનેક કથાનક, અનેક પાત્રો અને એમને ગૂંથી લેતા દોરા જેવું ફિલ્મનું એક મુખ્ય ધ્યેય અલગ-અલગ ઘટનાઓ દ્વારા એક જ ફિલ્મમાં જોવામાં રસ હોય એમણે Lipstick under my Burkha ખાસ જોવી જોઈએ.

આ પહેલા ‘મસાન’માં સમાંતર ચાલતી બે વાર્તાઓ અને એના પાત્રોનું સરસ મજાનું લેખન, ઘટનાઓની – વળાંકોની હારમાળા અને અંતે કલ્પના ન કરી હોય એવો સરસ અંત – આ બધું ખૂબ આકર્ષી ગયેલું. ત્યાર પછી આમિર ખાન પ્રોડક્શનની ‘ધોબીઘાટ’ જોઈ હતી, અલગ-અલગ ચાર નાનકડી વાર્તાઓ એક પરીદ્રશ્યને લીધે, એક સામાન્ય પાર્શ્વભૂમિકાને લીધે એકબીજા સાથે સંકળાય છે એના કારણે એ ફિલ્મ ખૂબ ગમી હતી. દિગ્દર્શન તો જોરદાર હતું જ, મુખ્ય પાત્રોનો અભિનય પણ લાજવાબ હતો. પણ આ પ્રકારની ફિલ્મોમાં સૌથી મોટો નાયક છે ફિલ્મનો સ્ક્રિપ્ટ રાઈટર. અને આવી જ એક લેખિકા છે અલંકૃતા શ્રીવાસ્તવ જેની ફિલ્મ ચાર નાયિકાઓ અને એમની ચાર અલગ-અલગ સમાંતર ચાલતી વાર્તા લઈને બનાવાયેલી Lipstick under my Burkha ફેમિનિઝમનું અગત્યનું અને મહદંશે અસ્પૃશ્ય રહી ગયેલું પાસું મૂકી આપે છે – એ છે ગરીબ કુટુંબની સ્ત્રીઓના હક્ક, એમની ઈચ્છાઓ અને લાગણીઓનું વિશ્વ, એમનું પોતાનું આગવું ફેમિનિઝમ. ચારેય નાયિકાઓ એમના પરિવારથી છુપાવીને પોતાની ઈચ્છાઓને રમતી મૂકે છે ત્યારથી ફિલ્મ શરૂ થાય છે, એ ચારેય સ્ત્રી પાત્રોની ધીરજ, એમના નિશ્ચય અને પોતાના સ્વત્વને માણવાની ઈચ્છા ફિલ્મનું મુખ્ય પાસું છે, ફિલ્મ પ્રકાશ ઝાએ પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મની પાર્શ્વભૂમિકામાં છે ભોપાલ શહેરની એક નાનકડી જગ્યામાં વસતા અમુક પરિવારો.

પહેલી નાયિકા છે શીરીન અસલમ (કોંકણા સેન શર્મા) જેના પતિને એનો ખપ ફક્ત શારીરિક જરૂરિયાત પૂરી કરવા માટે જ છે. એને ત્રણ દીકરા છે, એ ચોરીછૂપીથી અબોર્શન કરાવે છે અને ગર્ભનિરોધક ગોળીઓ પણ ખાય છે, પતિની જાણબહાર સેલ્સ ગર્લ તરીકે નોકરી કરે છે અને એમાં એ ખાસ્સી સફળ છે. એટલે સુધી કે એને સેલ્સ ટ્રેનર બનવાની અને વધારે પગાર મેળવવાની તક છે, પણ શરત એ છે કે હવે એ ગર્ભવતી ન થવી જોઈએ. પણ એના પતિને સંતતિ નિયમન માટેના સાધનો વાપરવા નથી. એના પતિ માટે એ ફક્ત ઉપભોગનું સાધન માત્ર છે એટલે તો એ ઈચ્છા ન હોવાની કે ગમતું ન હોવાની ફરિયાદ પણ કરી શક્તી નથી. વેક્સિંગ કરાવતી વખતે જ્યારે બીજું એક સ્ત્રી પાત્ર લિલિ એને પૂછે છે કે કદી પતિએ કિસ નથી કરીને?, ત્યારે એ કહે છે, ‘જબ પતા હૈ તો પૂછતી ક્યોં હો..’ એના માટે એ એટલું બધું સામાન્ય અને રોજિંદુ છે કે એની ઈચ્છા પૂરી નથી જ થવાની એ સ્વીકારી લીધું છે. કોંકણા આંખોથી ઘણું બધું કહી જાય છે, એક દ્રશ્યમાં એ રેસ્ટૉરન્ટમાં બેઠી છે અને એના પતિને એની પ્રેમિકા સાથે જોતી રહે છે, એમાં બુરખો પહેરેલો હોવા છતાં એની આંખો જે કહી જાય છે એ દ્રશ્ય જોવાલાયક છે, અભિનય લાજવાબ છે.

બીજી નાયિકા છે રૂઢીચુસ્ત મુસ્લિમ પરિવારમાં રહીને, બુરખો પહેરીને કોલેજ જતી રેહાના અબિદી (પ્લબિતા બોરઠાકુર) જે ઘરેથી બુરખો પહેરીને નીકળે તો છે પણ કોલેજમાં જીન્સ પહેરીને જવું છે, એનો પરિવાર બુરખા સીવીને જીવનનિર્વાહ ચલાવે છે, એટલે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે એ મૉલમાં બુરખો પહેરીને મેકઅપ, જીન્સ, ડ્રેસ અને શૂઝ વગેરેની ચોરી કરતી રહે છે. એને મિલી સાયરસ ના ગીતો કંઠસ્થ છે જે એ કાયમ બુરખા સીવતા સાંભળતી રહે છે. એને સ્વતંત્રતા જોઈએ છે, પણ એ નહીં મળે એ સ્વીકારી લીધું છે અને એટલે જ એ સંજોગો સાથે સમાધાન કરીને પોતાનો માર્ગ શોધી લે છે. રેહાનાને કોલેજના બેન્ડ માટે ઓડિશન આપવું છે, એને જીન્સ પહેરવું છે, શૂઝ પહેરવા છે, જીન્સ ન પહેરવાના કોલેજના નિયમનો વિરોધ કરતા પોલિસ એને પકડી જાય છે ત્યારે ઇન્સપેક્ટર એના પિતાને ફોન કરે છે, અને કોઈક છોડાવે એટલે એ જાતે ઘરે પહોંચે ત્યારે બુરખામાં હોય છે. અને ત્યાર બાદ એની કોલેજ બંધ થાય છે અને લગ્નની વાતો શરૂ થાય છે. એ સતત બુરખો સીવતી બતાવાઈ છે, એ જ બુરખો જેને એ નફરત કરે છે..

ત્રીજી નાયિકા છે વિધવા અને પરિવારની મુખિયા એવા બુઆજી (રત્ના પાઠક) અને પાઠક પરિવારના અભિનયના ગુણ એમનામાં ભારોભાર છે, એટલે જ આખા સેટ અપમાં સૌથી મોટી ઉંમરની મહિલા હોવા છતાં એ અભિનય દ્વારા પોતાની અનોખી છાપ મૂકી જ જાય છે. એ એક ઉત્તેજક નવલકથા ‘લિપસ્ટિક ડ્રીમ્સ’ વાંચી રહ્યા છે જેમાં રોઝી નામની એક છોકરીના શારિરીક આવેગોની, એના અનુભવોની ઉત્તેજક વાતો આલેખાયેલી છે. બુઆજી રોજ રાત્રે એ વાંચતા હોય છે. સંબંધીઓના બાળકોને સ્વિમિંગ શીખવવા એ લઈ જાય છે જ્યાં એક છોકરાની ડૂબતા હોવાની એક્ટિંગને સાચી માની લઈ એ કૂદી પડે છે પણ એમને તરતા નથી આવડતું. એમને પાણીની બહાર કાઢી કોચ સ્વિમિંગ શીખવાનું ફોર્મ આપતા પૂછે છે, ‘તમારું નામ શું?’ ત્યારે એ કહે છે, ‘બુઆજી’

ફેમિનિઝમની વાત પૂરેપૂરી સજ્જડતાથી આ રીતે કહેવાય એમ મને લાગે છે. પેલો કહે છે, ‘એ તો લોકોએ આપેલું છે, તમારું નામ શું?’ ત્યારે એ કહે છે, ‘ઉષા પરમાર’ સ્વિમ સૂટ લેવાથી લઈ એ સ્વિમિંગ કોચ સાથે રોજ રોઝી બનીને રાત્રે ફોન પર ઉત્તેજક વાતો કરતા એ વૃદ્ધાના શરીરના આવેગોનો જે ચિતાર રત્ના શાહ પોતાના અભિનયથી આપે છે એ અદ્રુત છે. એ જરાય બિભત્સ કે આછકલું નથી લાગતું, એમની આંખો સતત સંવાદો કરે છે અને દિગ્દર્શકની એ ખૂબી છે કે દરેક ભાવ એ આંખો દ્વારા બોલાવી શક્યા છે.

ચોથી નાયિકા છે લીલા (આહના કુમરા) જે એક બ્યુટિશીઅન છે અને બે નાયિકાઓને એ વેક્સિંગની ટ્રીટમેન્ટ આપતી દેખાડાઈ છે. લીલાને ફોટોગ્રાફર અર્શદ સાથે અફેર છે અને એને વિશ્વની સફરે જવું છે, એટલે અર્શદ સાથે અનેક લગ્નોત્સુક લોકો પાસે જઈ ફોટોગ્રાફી અને બ્યુટિશિઅનના પેકેજની એ ઓફર કરે છે. પણ એની માતા બુઆજીને કહીને એના લગ્ન અન્યત્ર નક્કી કરાવે છે. એથી અકળાયેલી લીલા સગાઈની રાત્રે બોયફ્રેન્ડ અર્શદ સાથે સેક્સ માણતી અને એને મોબાઈલમાં શૂટ કરતી દેખાડાઈ છે. એ દ્રશ્ય પણ જરાય પોર્નોગ્રાફિક નથી, એમાં ભારોભાર વિદ્રોહ દેખાઈ આવે.. લીલાની માં એ બંનેને પકડી પાડે છે..

શીરીન પણ બુરખો પહેરીને પતિથી છુપાતી સેલ્સ માર્કેટિંગ કરે છે. એના પતિનું બીજે અફેર છે.. અને એ સ્ત્રી સાથે ખૂબ પ્રેમથી વાતો કરે છે. શીરીન એ જોઈ જાય છે અને એ સ્ત્રીનો તેના ઘર સુધી પીછો કરે છે એ આખો ઘટનાક્રમ શીરીનના મનમાં રહેલા ઓહવાટને આપણી સામે સ્પષ્ટ ચીતરી આપે છે.

બુઆજી કોચની નજીક રહેવા સ્વિમિંગ શીખવા તત્પર છે, ઘરેથી સત્સંગમાં જવાનું બહાનું કાઢીને ચોરીછૂપીથી એ સ્વિમસૂટ લેવા જાય છે, અને એ જોઈ જતી શીરીન એમને મદદ કરે છે. બુઆજી પેલા સ્વિમિંગ કોચના સાન્નિધ્યમાં પોતાના આવેગોને વહેવા દે છે..

લીલા એના થનારા પતિ સાથે ફરતી હોવા છતાં અર્શદ તરફ વધુ આકર્ષાયેલી છે, લીલા અર્શદ સાથે ભાગી જવાની યોજના બનાવે છે, પોતાનું મનગમતું સ્કૂટર પણ એ વેચી દે છે, પણ એના થનારા પતિની ગાડીમાં મોબાઈલ ભૂલી જાય છે અને પેલો વિડીયો એનો થનારો પતિ જોઈ જાય છે.

ચારેય નાયિકાઓની પોતપોતાની વાર્તા સમાંતરે ચાલતી રહે છે, અને અંત પહેલા એક ચોક્કસ બિંદુ પર આવીને ભેગી થાય છે.

ફિલ્મમાં રત્ના પાઠક નો અભિનય સૌથી શાનદાર છે. ઉત્તેજક નવલકથા વાંચતાં વાંચતાં અને ફોન પર પેલા સ્વીમિંગ કોચ સાથે વાતો કરતા તેમણે આપેલા દ્રશ્યો કાબિલે દાદ છે.

આ ફિલ્મની સૌથી મોટી તકલીફ એ હતી કે એના ટ્રેલરમાં દેખાડેલા દ્રશ્યોને જોઈને અમુક ખાસ પ્રકારના લોકોએ એને પોર્નોગ્રાફિક ફિલ્મ ધારી લીધી હશે, અને એવું જોવા આવેલા લોકોને નિરાશાનો ભોગ બનવું પડ્યું કારણ કે આ ફિલ્મના એ પ્રકારના દ્રશ્યો સહેજ પણ ઉત્તેજક નથી – એમનો હેતુ એ નહોતો. એનો હેતુ હતો બંને પાત્રો વચ્ચેના એકબીજા માટેના અભાવને સ્વભાવ બનાવીને સ્વીકારી લેવાની વૃત્તિનો સ્પષ્ટપણે ચિતાર આપવો, એટલે જ્યારે શીરીન અને એના પતિનું દ્રશ્ય છે એમાં શીરીન બહુ યાંત્રિક રીતે ભાગ લેતી, કે જરાય ભાગ ન લેતી દેખાડાઈ છે, બુઆજીના દ્રશ્યોમાં પણ સાહજિકતા નથી જ, અને એનું કારણ છે કે આપણે એના સગાવહાલાઓની જેમ સ્વીકારી શકતા નથી કે એની પણ શારીરિક જરૂરિયાતો હોઈ શકે છે.

તો સામે પક્ષે બીજી તકલીફ એ પણ હતી કે જેમને આર્ટ ફિલ્મ જોવામાં રસ હોય તેમણે પણ આ ફિલ્મ પોર્નોગ્રાફિક હશે એમ ધારીને ન જોઈ. અને અધૂરામાં પૂરું સેન્સર બોર્ડે પણ આ જ કારણસર તેને સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધેલી એટલે ગૂંચવણ વધી. આ ફિલ્મને જાન્યુઆરી ૨૦૧૭માં બિભત્સ સેકસ સીન હોવાના આરોપસર સેન્સર બોર્ડે સર્ટીફીકેટ આપવાની ના પાડી દીધી હતી જેના વિરોધમાં ફિલ્મકારો એ સર્ટિફિકેશન ટ્રિબ્યુનલમાં અપીલ કરી અને પરિણામે અમુક કટ પછી ફિલ્મ ૨૧ જુલાઈ ૨૦૧૭ ના રોજ રિલીઝ થઈ. અનેક ફિલ્મ ફેસ્ટિવલમાં તેને સ્ટેન્ડિંગ ઑવેશન મળ્યું છે.

ફિલ્મમાં જે ફેમિનિઝમ દેખાડાયું છે એ #Metoo જેવી અતિશય દુરુપયોગ થયેલી અને વગોવાયેલી પૈસાદાર અને આર્થિક રીતે સદ્ધર વર્ગની મહિલાઓની મૂવમેન્ટ કરતા વધારે સ્પષ્ટ અને રિલેટેબલ છે. એનું એક કારણ એ છે કે આવી કોઈ પણ મૂવમેન્ટમાં સમાજના નીચલા વર્ગની મહિલાઓ કે એમના હકની વાતો શામેલ નથી. કે આર્થિક રીતે પછાત વર્ગની મહિલાઓના હક વિશેની ચિંતા કરવા કોઈ નવરું નથી. એમને ફેમિનિઝમની કોઈપણ વાતોથી કે ચળવળથી ક્યારેય કોઈ ફાયદો થયો નથી. ફિલ્મના ચારેય મુખ્ય પાત્રો ઉપરાંત અન્ય બે મહિલા પાત્રો નોંધપાત્ર છે. એક નાનકડું પાત્ર છે લીલાની મા નું, કે જે પોતે નગ્ન થઈને ચિત્રકારો સામે બેસે છે અને એમ પૈસા કમાય છે; લીલા સાથે અર્શદને એ વાંધાજનક પરિસ્થિતિમાં પકડી પાડે છે એટલે એને લીલાના લગ્ન બને એટલી જલ્દી કરાવવા છે. લીલાને પણ પોતાની આર્થિક હાલત અને માના કામ વિશે ખબર છે અને છતાંય એ અર્શદ પ્રત્યેનો પોતાનો મોહ છોડી શકતી નથી. બીજું પાત્ર છે રેહાનાની મા નું. રૂઢિચુસ્ત પતિને સાથ આપતા આપતા એ ક્યાંક પોતે પણ ખોવાઈ ચૂકી છે, એનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ હવે રહ્યું નથી અને એટલે જ દીકરીને પણ પોતે એ જ રસ્તે ધકેલી રહી છે એનો અહેસાસ હોવા છતાં એ ક્યારેય એનો સાથ આપી શકવાની નથી એમ દેખાડાયું છે.

શીર્ષકમાં રહેલો બુરખો કોઈ ધર્મવિશેષની સ્ત્રીઓ પૂરતો સિમીત ન થઈ જાય એટલે વાર્તામાં બે હિંદુ અને બે મુસ્લિમ સ્ત્રીઓની વાત છે. બુરખો અહીં બંધન રૂપે અને લિપસ્ટિક સ્વતંત્રતાના પર્યાય રૂપે ગણી શકીએ એમ હું વિચારું છું.

આ ફિલ્મ શેના માટે જોવી? આખી વાત તો અહીં કહી દીધી એમ તમને લાગે તો સહેજ અટકો, આ ફક્ત પાત્ર પરિચય આપ્યો છે, એ ચારેયની વાર્તા અલગ અલગ પરિમાણમાં એકસાથે ચાલે છે, એમનો સંઘર્ષ, એમની તકલીફો અને એ અભિનય દ્વારા તાદ્દશ કરતી ચારેય અભિનેત્રીઓ આ ફિલ્મનું સૌથી મોટું જમાપાસું છે, ફિલ્મનો અંત ફિલ્મને પૂરી નથી કરતો, કદાચ આ વાર્તાઓ કદી પૂરી નથી થતી, ન ફિલ્મમાંં કે ન જીવનમાં..

ફિલ્મના ચારેય પાત્રો વચ્ચે લઘુતમ સામાન્ય અવયવ રૂપે છે એમની આઝાદીની ઝંખના, જે ક્યારેય પૂરી થવાની નથી એની એમને પણ ખબર છે.

અને કદાચ એટલે જ બધા જોખમ લઈને પણ એ પોતાની ગુલામીની જિંદગીમાંથી અમુક આઝાદીની ક્ષણો ચોરી લે છે. પોતાનું ધાર્યું કરી શકવાની ક્ષણિક સ્વતંત્રતા પણ એમને મન કેટલી મૂલ્યવાન છે!

એ માટેનો એમનો સંઘર્ષ ફિલ્મમાં સ્પષ્ટપણે ઊડીને આંખે વળગે છે. આપણા સમાજની આવી તો કંઈ કેટલીય મહિલાઓ પોતાની ઇચ્છાને મારીને અને કોઈકની ઈચ્છાને પ્રાધાન્ય આપીને આખી જિંદગી જીવી જાય છે. શું આપણા કુટુંબમાં એવી કોઈ સ્ત્રી છે જેની બધી ઈચ્છાઓ પૂરી થઈ હોય? ફિલ્મનો ખુલ્લો અંત એક આદર્શ માઈક્રોફિક્શનનો અંત છે. પ્રેક્ષક એ વિચારવા સ્વતંત્ર છે કે ફિલ્મના અંત પછીનો દિવસ ચારેય મહિલાઓના જીવનમાં કેવો ઉગ્યો હશે, અને આપણો એ વિચાર જ આપણી મહિલાઓ પ્રત્યેની વૃત્તિનું પરિમાણ બની રહે છે. એનો જવાબ આપણે કોઈને નહીં પણ આપણી પોતાની જાતને જ આપવાનો છે.

ફિલ્મનું દિગ્દર્શન ખૂબ સરસ છે, ક્યાંય વધારે પડતા નાટકીય ઉતાર-ચડાવ નથી, સંવાદ ખપ પૂરતા છે, અને તે છતાં આખી ફિલ્મ સતત બોલકી છે. મહદંશે અંધારામાં ફિલ્માવાયેલા ઘણા દ્રશ્યોમાં પ્રકાશ વ્યવસ્થા થોડી સારી કરી શકાઈ હોત, બાળકો સાથે ન જોઈ શકાય એવી આ ફિલ્મ આમ જોવા જાવ તો સમાજ સાથે એ મહિલાઓનો નાનકડો બળવો છે અને એ રીતે ન વિચારો તો કોઈકના જીવનની ખાનગી બાબતોનું અદ્ભુત નિરુપણ છે.

આ ફિલ્મ ફિલ્મ amazon prime પર ઉપલબ્ધ છે..

– જિજ્ઞેશ અધ્યારૂ (મૂળે યંગિસ્તાન ગ્રુપની ફિલ્મ રિવ્યૂ સ્પર્ધા માટે લખાયેલ)


Leave a Reply to Lata HiraniCancel reply

12 thoughts on “લિપસ્ટિક અંડર માય બુરખા (રિવ્યૂ) – જિજ્ઞેશ અધ્યારૂ

  • Vaishali Radia

    ખૂબ સરસ આસ્વાદ.. મને પણ આ બધાં કારણોથી જ આ ફિલ્મ બહુ જ ગમી છે. એકદમ વાસ્તવિક સમાજચિત્રણ બતાવવામાં મારી દૃષ્ટિએ ફિલ્મ સફળ રહી છે.
    અંતમાં તમે લખેલી બે સ્ત્રીઓ વિશેની વાત મારા વિચારમાં જ ન આવી એટલી હદે હું ફિલ્મ જોતી વખતે મુખ્ય ચાર સ્ત્રી પાત્રોમાં ખોવાઈ ગઈ હતી. આટલું સરસ વાંચીને હવે ફિલ્મ બીજીવાર જોવાની ઇચ્છા થઈ એ આપના લખાણની સફળતા.

  • Minaxi

    સરસ વિશ્લેષણ! અધૂરી ઇચ્છાઓને પૂરી કરવા મથતી સ્ત્રીઓ રૂપેરી પ્રથાની બહાર, આસપાસ સર્વત્ર નથી? દોરંગી દુનિયાની પ્રત્યેક વ્યક્તિનું આબાદ પ્રતિબિંબ.

    • રેના સુથાર

      વાહ જીગ્નેશભાઈ કેટલો સરસ રિવ્યૂ. …સમાજમાં ખાસ તો માધ્ય વર્ગ તથા પછાત વર્ગ ની સ્ત્રીઓ પોતાના શમણાંઓ ઈચ્છાઓ ને પોતાની અંદર સમેટીને આખી જિંદગી જીવી જાય છે એ .સંસ્કારની વેદી પર જે નાનપણ થી એમના જ ઘરની સ્ત્રી પાત્ર દ્વારા રોપાયેલા

    • Mayurika Leuva

      ખૂબ સરસ રિવ્યુ કરતાં કહીશ કે ખૂબ સરસ આસ્વાદ.
      આવી અજાણી રહી જતી પણ જોવા જેવી ફિલ્મ વિષે લખ્યું એ માટે આભાર..
      ફિલ્મનું ટાઇટલ અને એનું અર્થઘટન આકર્ષક છે.
      ફિલ્મ જોવી પડશે.

  • Lata Hirani

    સરસ રિવ્યુ જિજ્ઞેશભાઈ. ફિલ્મ વિષે તો તમે ઘણું કહી દીધું છે, મારે કઈ ઉમેરવાનૌ નથી. હા એક વાત કહીશ,
    તમે લખ્યું છે, ‘શું તમારા કુટુંબમાં કોઈ એવી સ્ત્રી છે જેની બધી ઈચ્છાઓ પૂરી થઈ હોય ?’ એની સામે હું પણ એક સવાલ કરું છું, “શું આ દુનિયામાં એક પણ એવી વ્યક્તિ છે જેની બધી ઇચ્છાઓ પૂરી થઈ હોય ?’

    • Jignesh Adhyaru Post author

      તમારી વાત સાથે, તમારા પ્રશ્ન સાથે સહમત છું. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેની બધી ઈચ્છાઓ પૂરી થઈ હોય. જો કે મારો સવાલ ફિલ્મના ચારેય સ્ત્રી પાત્રોની સાવ સામાન્ય જેવી ઈચ્છાઓના પરિપ્રેક્ષ્યમાં હતો, તમે આંગળી પકડીને દરિયો દેખાડી દીધો.. આભાર દીદી..

    • રેના સુથાર

      વાહ જીગ્નેશભાઈ કેટલો સરસ રિવ્યૂ. …સમાજમાં ખાસ તો માધ્ય વર્ગ તથા પછાત વર્ગ ની સ્ત્રીઓ પોતાના શમણાંઓ ઈચ્છાઓ ને પોતાની અંદર સમેટીને આખી જિંદગી જીવી જાય છે એ .સંસ્કારની વેદી પર જે નાનપણ થી એમના જ ઘરની સ્ત્રી પાત્ર દ્વારા રોપાયેલા

  • Meera Joshi

    વાઉ! વાંચતા જ લાગ્યું કે ફિલ્મમાં દર્શાવેલા પાત્રો જેવી સ્ત્રીઓ ક્યાંક મારી આસપાસ પણ છે, અને એમની પણ લડાઈ સ્વતંત્રતા માટે જ છે!
    ખુબ સરસ રીવ્યુ.