આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૧) 1


પ્રકરણ ૨૦ : મધુર મિલન

મંત્રી રાક્ષસને મગધમાં ઘણું જાણવાનું મળતું હતું તેથી તેના દિવસો ક્યાં જતા હતા તેની ખબર પડતી ન હતી. થોડા દિવસો પછી ગુપ્તચર અચાનક તેમને એક રાત્રે શસ્ત્રાગારમાં લઇ ગયો. તે બહુ મોટું શસ્ત્રાગાર હતું. તેને લઇ જતા પહેલાં તેની આંખમાં કોઈ ટીપાં નાખવામાં આવ્યા. એથી તેને થોડું ઝાંખું દેખાવતું હતું, તે સ્પષ્ટપણે બધું જોઈ શકતો ન હતો. તેમ છતાં તેને આંખે પાટા બાંધીને ઘોડાગાડીમાં લઇ જવામાં આવ્યો હતો. એ સ્થાન પર પહોંચતા લગભગ ત્રણેક કલાક જેટલો સમય લાગ્યો હતો.

૨૫૦ થી ૩૦૦ જેટલા પગથિયાં ઊતરીને તેઓ એક ખૂબજ ઠંડક ધરાવતી જગ્યાએ આવ્યા. પગથિયાંની બંને બાજુ દીવાલો નહોતી. એક એક પગ ખૂબ કાળજીપૂર્વક મૂકવો પડતો હતો. અને રાક્ષસે જે જોયું તેથી તે આભો બની ગયો!

વિશાળ ખુલ્લાં મેદાનમાં સેંકડો માણસો  તેના કામકાજમાં વ્યસ્ત હતા, તેઓ મહેનત અને ખંતથી કામ કરતા હતા. તેમનો ઉત્સાહ જબરો હતો. સહુ કાશી, કૌશલ કે વૈશાલી ઉપર વિજય મેળવવાની વાતો જ કરતા હતા. મગધને મહાસામ્રાજ્ય બનાવવાની જ વાત કરતા હતા. અવનવા અસ્ત્રો-શસ્ત્રો અને હથિયારો… તે અવાચક થઈને બધું જોતો રહ્યો. તેના મનમાં એમ હતું કે વૈશાલી બધા કરતા દરેક ક્ષેત્રે આગળ છે. પરંતુ અહીં આવીને તેણે જોયું કે વૈશાલીની શૈલી અને સાધનો બહુ પ્રાચીન જમાનાના હોય તેમ લાગે. આની સામે વૈશાલી ટકી ન શકે. અહીં એવા એવા પ્રક્ષેપાત્રો હતા કે જે દૂરથી નિશાન લઈને એક સાથે ૫૦-૧૦૦ લોકોનો એકસાથે નાશ કરી શકે. તેની સામે તલવારો, ભાલાં અને તીર કાંઈ કામના નહીં. અગન ગોળા, તેજાબ ગોળા જેવી ઘણી બાબતો તેને માટે સાવ નવી હતી. વૈશાલીને આનો મુકાબલો કરવો હોય તો તેની તૈયારી માટે અઢળક ધન જોઈએ. પણ હવે પ્રશ્ન ક્યાં છે? અને તેના મનમાં ઝબકારો થયો, આમ્રપાલી છે ને! તેના મહાન ત્યાગને લીધે વૈશાલીને આવા સંજોગોમાં બહુ ઉપયોગી થઇ પડશે.

વૈશાલી જેવા ગણરાજ્યને તેના સલામતી ખર્ચની વ્યવસ્થા માટે એક જનપદકલ્યાણી ઉપર મદાર રાખવો પડે એ હીણપતભરી વાત ગણાય.

સવાર થતાં જ તેઓ બહાર નીકળ્યા. બહાર આવતા પહેલા રાક્ષસને એક ઔષધી આપવામાં આવી. એ પેય વિસ્મૃતિ માટે હતું. તે ઊંઘી ગયો અને થોડા સમય પછી જાગ્યો તો તેણે શસ્ત્રાગારમાં જોયેલી કોઈ બાબત તેને યાદ ન હતી. બસ એક ધૂંધળી એવી સ્મૃતિ હતી. તેને નવાઈ લાગી કે આવું ઔષધ પણ હોઈ શકે!

આમ તો તે પોતાના સંસ્કાર મુજબ દારૂનો વિરોધી હતો. પરંતુ અખતરા પૂરતો તે દારૂના પીઠાંમાં અને પછી ગણિકા ભવનમાં પણ ગયો. મગધનો દારુ બહુ ઉત્તેજક હતો. તેને ઘરની અને પત્નીની યાદ આવી ગઈ. પણ તે ગણિકા ભવનની ગણિકાઓને જોઈ તો એક એકથી ચડે તેવી ગણિકાઓ જોવા મળી. તેમનો વ્યવહાર પણ સૌજન્યતાભર્યો હતો. અને મુદ્રાઓ પણ ખૂબ જ ઓછી આપવી પડતી.

રાક્ષસની મગધની મુલાકાત એકંદરે ઘણી સારી રહી. તે ઘણી વાતો વિચારતો, વાગોળતો વૈશાલી પાછો આવ્યો. પાછા આવીને તેણે વર્ષકારનો ખૂબ જ આભાર માણ્યો. કારણ કે તેના થાકી જ તેણે મગધ જોયું, જાણ્યું અને માણ્યું. તેને સવિસ્તાર બધી વાતો ગણપતિને કરી. તેની સતેજ સ્મૃતિને લીધે તેને વિસ્મૃત થઇ ગયેલી વાત પણ યાદ આવી ગઈ. એ બધું સાંભળીને ગણપતિને વૈશાલીની સર્વોપરિતા ઉપર ગ્રહણ નડ્યું હોય તેવું લાગ્યું. અત્યંત વિચાર કર્યા પછી તેને લાગ્યું કે મગધનો જાણકાર  વર્ષકાર છે તેથી વૈશાલીને વધુ શક્તિશાળી બનાવવાની બધી જવાબદારી વર્ષકારને સોંપી. વર્ષકારને તો ભાવતું હતું ને વૈદ્યે કહ્યું એવું થયું. તે આવી જ કોઈ તકની રાહ જોઈ રહ્યો હતો!


આમ્રપાલી દેવેન્દ્રનો પ્રત્યેક શબ્દ એકચિત્તે સાંભળતી હતી. તેને પોતાની પ્રશંસા ગમી. પરંતુ તે પ્રશંસાથી ફુલાઈ ન જવા જેટલી સાવધ હતી. તેને એ ખબર હતી કે પ્રશંસા અનુચિત હોય તો તેને ખુશામતખોરી કહેવાય અને તેવું કરનાર તેનો હિતશત્રુ બની શકે છે. અને જો સાંભળનાર સાવધ ન હોય તો તેનામાં અભિમાન આવી જાય છે. એ અભિમાન માણસને આગળ વધતો અટકાવે છે અને તેનો વિનાશ પણ નોતરી શકે છે.

પણ અહીં એવું ન હતું. દેવેન્દ્ર આમ્રપાલીને જોઈને, તેને મળીને ભીતરથી આનંદનો અનુભવ કરતો હતો અને તે નિખાલસ બનીને હ્રદયની લાગણી વ્યક્ત કરતો હતો. તે ખરેખર આમ્રપાલીને ચાહવા લાગ્યો હતો. તેના અસરકારક શબ્દોથી આમ્રપાલી એટલે જ પ્રભાવિત થઇ ગઈ હતી. ત્રીભુવનનો સ્વામી હોય તેટલી સહજતા, સરળતા અને ભાવસભર શબ્દોથી તે અંજાઈ ગઈ હતી. આમ્રપાલી આજ સુધી કોઇથી અંજાઈ નહોતી, આવું પહેલી જ વાર બન્યું. તે વિચારતી હતી જો તેને શિરે વૈશાલીની જનપદકલ્યાણીની કે નગરવધૂની જવાબદારી ન હોત તો હું આ દેવેન્દ્રને અવશ્ય મારા સ્વામીનાથ તરીકે સ્વીકારી લેત, પણ મારું એવું નસીબ ક્યાં છે? ઈશ્વરની ઈચ્છા જો એવી જ હોત તો આ દેવેન્દ્ર મારા ભાગ્યમાં બહુ પહેલેથી ન આવી ગયો હોત!

દેવેન્દ્ર મૌન થયો અને આમ્રપાલી શું વિચારતી હશે એ વિષે ધારણા કરવા લાગ્યો. તે કદાચ તેના મનની વાત જાણી ગયો હોય તેમ બોલ્યો: ‘દેવી, આપ અત્યંત સાહસિક છો, આટલી નાની ઉંમરે આપે સમજદારી દર્શાવી  કેવી મોટી જવાબદારી સ્વીકારી. લિચ્છવીઓએ બહુ બળજબરી કરી નહીં?’

આમ્રપાલી ભૂતકાળમાં સરવા લાગી હતી. માતા-પિતાનાં મૂક ક્રંદનથી તે હચમચી ઉઠી હતી. પણ તે આશ્ચર્યજનક રીતે એ પળને જીરવી લઈને તેણે જે નિશ્ચયો કર્યા હતા તેમાં સંથાગાર તરફથી દબાણ જરૂર આવ્યું હતું પણ તેને બળજબરી ન કહી શકાય. આમ પણ કોઈની બળજોરી સાંખવી તેના સ્વભાવમાં નહોતું. પરંતુ તેણે એ બાબતને ઈશ્વરનો દોરીસંચાર માનીને, પરમાત્માની ઈચ્છા સમજીને અને એજ તેની નિયતિ છે તેવું માનીને સ્વીકારી હતી.

આમ્રપાલીને કે દેવેન્દ્રને સમયનું ભાન અને પરવા ન હતી પરંતુ ધનિકા અને વિશાખાને કેટલો સમય થઇ ગયો તેનું બરાબર ધ્યાન હતું. તેમણે એ બંનેની વાતચીત વચ્ચે આવતા મૌન સમયગાળામાં દાસી મેઘનાને રસીલાં ફળો અને સૂકા મેવાની તાસક લઈને મોકલી. મેઘના તેમનું ધ્યાન ખેંચાય પણ અવિવેક ન લાગે એ રીતે તાસક લઈને આવી. જરા દૂર ધનિકા અને વિશાખા પણ તેમની પાછળ આવીને ઊભા રહ્યા.

જરા હસીને વિશાખાએ તાસક તરફ ઈશારો કર્યો અને કહ્યું, ‘શ્રેષ્ઠીજી, અલ્પાહાર ગ્રહણ કરશો?’

દેવેન્દ્રે આમ્રપાલીનાં ચહેરા પરથી ન છૂટકે નજર ફેરવીને વિશાખા તરફ જોયું. વિશાખા પ્રશ્નાર્થ મુદ્રામાં ઊભી હતી. દેવેન્દ્રે કહ્યું, ‘આભાર.’ અને તેણે આમ્રપાલી તરફ જોઇને કહ્યું, ‘દેવી, અંગૂર અનુકૂળ આવશે?’

આમ્રપાલીએ સહાસ્ય કહ્યું, ‘આ અંગૂર ચાખી જુઓ, કદાચ તેનો સ્વાદ માણવો ગમશે.’

વાતાવરણ સ્વાભાવિક બન્યું તેથી વિશાખાએ વધારે પાસે આવીને આમ્રપાલીની પ્રશંસા કરતાં કહ્યું, ‘શ્રેષ્ઠીજી, આમ્રપાલી બહુ જ ગુણવાન અને વિદ્યાવંત છે. અહીં જે કાંઈ આપ જુઓ છો તે એમની જ દૃષ્ટિ, એમના જ આદેશ અને એમને જ આભારી છે. તેમની વિદ્યા, તેમની ગ્રહણશક્તિ, આવડત, સહકાર અને  સમર્પિત થવાની તેમની ભાવના તેમની આતિથ્ય ભાવના ઉત્કૃષ્ટ છે.’ પછી દેવેન્દ્રની સાથે દૃષ્ટિનું અનુસંધાન કરતાં વિનોદ સ્વરૂપની ટકોર કરતાં કહ્યું, ‘આમ્રપાલી એટલી તો રૂપવતી છે કે મને તો એજ ડર રહે છે કે તેને કોઈની નજર ન લાગી જાય. જો જો તેમને ક્યાંક આપની નજર ન લાગી જાય!’

પરંતુ વિશાખાને ક્યાં ખબર હતી કે દૃષ્ટિપાત થતા જ એકમેકની નજર પરસ્પરને લાગી ગઈ હતી!

વાતાવરણમાં આનંદ-વિનોદની સ્વાભાવિકતા ભળી એટલે ધનિકા પણ વિશાખાની પાસે આવી દેવેન્દ્રને દૃષ્ટિ-સંકેતથી આવકારતા બોલી, ‘શ્રેષ્ઠીજી, આપ ભાગ્યવંત છો. આજથી બરાબર એક સપ્તાહ બાદ દેવી આપની સન્મિત્રા બનશે. એક માસ સુધી દેવી આપને સાથ આપશે. અમારી પ્રણાલિકા પ્રમાણે આપને અમુક પરીક્ષણોમાંથી પસાર થવાનું રહેશે. એ પરીક્ષણો થઇ ગયા બાદ આપને મુક્તપણે યથેચ્છ આનંદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય સાંપડશે.

પ્રસન્ન થઈને દેવેન્દ્રે વિશાખા, ધનિકા, મેઘના તરફ દૃષ્ટિપાત કરી છેવટે આમ્રપાલી સામે જોઇને કહ્યું, ‘દેવી, આપની પ્રસન્નતા એ જ મારી પ્રસન્નતા.’ પછી ફરીવાર ધનિકા તરફ જોઇને કહ્યું, ‘મને આ વાત સાંભળીને આનંદ થયો,

હું સમજી ગયો છું.’ ફરી તેણે દેવી આમ્રપાલી સામે જોઇને સહાસ્ય કહ્યું, ‘હું સમજુ છું દેવી! ધીરજનાં ફળ મીઠાં હોય છે અને ઉતાવળે આંબા ન પાકે!’

એ થોડા શબ્દોમાં દેવેન્દ્રે જે સંકેત દર્શાવ્યો હતો તેને હવે પૂર્ણયૌવના આમ્રપાલી સમજી ન શકે તેટલી અબોધ રહી ન હતી..


આમ્રપાલીને આનંદ એ વાતનો થયો કે પોતાની બધી જ શરતોનું પાલન કરીને શ્રેષ્ઠી દેવેન્દ્રે તેને પામવાનો સફળ પ્રયત્ન કર્યો હતો. તેની આંખોમાં જે ઇજન વંચાતું હતું તે આમ્રપાલીને ગમતું હતું. તેના હૃદયના સ્પંદનો ઝંકૃત થઇ ગયા હતા. તેને ખબર મળ્યા કે દેવેન્દ્રે તમામ પરીક્ષણો સફળતાપૂર્વક પસાર કર્યા છે. આમ્રપાલીનાં કાનમાં એ સમાચાર ગુંજતા રહ્યા.

આમ્રપાલી મનમાં ને મનમાં કાંઈ વિચારીને શરમાઈ જતી હતી. દેવેન્દ્ર ક્યારે માયા મહેલમાં આવે તેની તે આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરતી હતી !

અને દેવેન્દ્ર માયા મહેલમાં આમ્રપાલી સામે આવી ગયો. દેવેન્દ્રનો વિનય, વિવેક અને વાણી ભદ્ર પુરુષને અનુરૂપ હતા. અને…મિલનની એ પ્રથમ રાતની ઘડી પણ આવી…

બંનેએ સ્નિગ્ધ સુગંધી પદાર્થોથી સ્નાન કર્યું હતું. શય્યા પર પણ ગુલાબના પુષ્પો તેમને આવકારતા હતાં. ચારેતરફ મિલનનાં સંકેત જણાતા હતા. નહીં અતિ શીતળ કે નહીં અતિ ઉષ્ણ એવું મહેકતું, નશો ચડે તેવું જ વાતાવરણ છવાયેલું હતું. બંને એકબીજા સામે સ્થિર નજરે બેઠા હતા. કોણ પહેલ કરે એ સમસ્યા બંનેને મૂંઝવતી હતી. દેવેન્દ્રએ મૌન ભંગ કર્યો, ‘દેવી, તમે અત્યંત સુંદર છો, તમારું રૂપ સોળે કળાએ ખીલી ઊઠયું છે અને આ પ્રકૃતિ તમને જોઇને શરમથી સંકોચાઈ ગઈ છે…’

આમ્રપાલી આ સાંભળી  દેવેન્દ્ર તરફ એક દૃષ્ટિ કરીને વધારે શરમાતી, પાંપણો નીચે ઢાળી બોલી, ‘દેવ, મારી જાણ બહાર તમે મારા સ્વપ્નમાં કેમ આવતા હતા?’

દેવેન્દ્ર તોફાની સ્મિત કરતા બોલ્યો, ‘મારો અપરાધ ક્ષમા નહીં કરો દેવી? હું એ અપરાધની ક્ષમા માગું છું.’ એમ કહી દેવેન્દ્રે બંને હાથ જોડ્યા. આમ્રપાલીએ તરત જ દેવેન્દ્રના બંને હાથ પકડી લીધા, અને અચાનક બોલી, ‘નહીં, નહીં દેવ, હું તો એમ કહેતી હતી કે તમે સ્વપ્નમાં નહીં, મારી સમક્ષ આવો!’ અને તે ખિલ ખિલ કરી બાળક સમું નિર્દોષ હાસ્ય કરી ઊઠી, પછી તેને ખ્યાલ આવતાં લજ્જાથી સંકોચ પામી ચુપ થઇ ગઈ. મંદ મંદ સ્મિત ફરકાવતો દેવેન્દ્ર તેનાં લજ્જાશીલ વદનને નીરખી રહ્યો.

જાણે આકાશના પૂર્ણિમાનાં ચંદ્રને વાદળાંની ઓથે સંતાઈ જવાની પ્રતીક્ષા કરી રહ્યો હોય તેમ જેવો તે વાદળાં પાછળ સંતાયો કે દેવેન્દ્રે આમ્રપાલીના નાજુક હાથનો પ્રથમ સ્પર્શ અનુભવ્યો અને રોમાંચિત થઇ ગયો. તેણે મૃદુતાથી આમ્રપાલીનો હાથ પકડી તેને પોતાની પાસે ખેંચી. આમ્રપાલીએ તેના જીવનનો એ મધુર સ્પર્શ પહેલીવાર અનુભવ્યો. તેનાં સમગ્ર દેહમાં કંપન વ્યાપી ગયું. તેની અંદર રહેલી એ નાજુક ભાવનાએ તેના હૃદયનાં ધબકારા  વધારી દીધા. તે અવશપણે ખેંચાઈ. દેવેન્દ્રે આમ્રપાલીનાં મુખને બે હાથ વડે પકડી તેના હોઠને ચૂમ્યો. અને તેણે આમ્રપાલીને વધારે પોતાની પાસે ખેંચી.  ત્યારબાદ દેવેન્દ્રે આમ્રપાલીને પોતાના આલિંગનમાં જકડી લીધી. આમ્રપાલીએ પણ પોતાના બાહુઓમાં દેવેન્દ્રને સમાવી લીધો! પ્રેમમાં નિર્ભયતા આપોઆપ આવે છે અને અહીં તો મુક્તાકાશમાં ભયને કોઈ કારણ નહોતું. બંનેનાં શ્વાસોચ્છવાસ વધી ગયા. અને તેમના દેહમાં ઉત્તેજના વ્યાપી ગઈ…ક્યાય સુધી બંને કેલિ કરતા રહ્યા. પ્રેમનો અખૂટ ખજાનો ખૂલી ગયો. જાણે મેઘરાજા ધરતીની જન્મોજન્મની તૃષા છીપાવી રહ્યા ન હોય. બંને ભાન ભૂલીને એકમેકમાં ઓતપ્રોત થઇ ગયા હતા. અને બંનેની ઉત્તેજના ચરમસીમાએ પહોંચી…પરાકાષ્ટાએ પહોચ્યા પછી પણ તેઓ એકબીજાને વળગી રહ્યા હતા…કોઈ કોઈને છોડવા તૈયાર ન હતું. કામદેવના વસંતોત્સવનો ભરપૂર લાભ લીધા પછી તેઓ શાંત થઇ નિદ્રાધીન થઇ ગયા…

એ દૃશ્ય જોવા માટે પૂર્ણિમાનો ચંદ્ર વાદળો પાછળથી બહાર આવી ગયો હતો…


આમ્રપાલી દેવથી ખુશ હતી અને દેવ આમ્રપાલીથી ખુશ હતો. તેઓ પોતાનાં સ્વર્ગીય સુખને રોજ માણતાં હતા. પણ એક મહિનો કાંઈ બહુ ન કહેવાય…તે તરત પૂરો થઇ ગયો…

પરંતુ દેવેન્દ્ર ત્યારબાદ પણ આવતો રહ્યો અને બંને પ્રેમમાં ખોવાયેલા રહેતાં. કોઈને પોતાની જવાબદારીની ચિંતા ન હતી.

(ક્રમશ:)

ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.

‘આમ્રપાલી’ નવલકથાના આ પહેલાના ભાગ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.


Leave a Reply to Kamlesh ShahCancel reply

One thought on “આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૧)

  • Kamlesh Shah

    Ketlu saras amrapali ane dev na Milan nu varnan lakhyu Che ke Jane te samay no mahol adbhut tajo thae gayo.very nice chapter narrater by author