લાગણીના શહેરમાં – સ્નેહલ તન્ના 6


સ્નેહલ તન્ના રાજકોટ નાગરિક સહકારી બેંકના વાંચન પરબ કાર્યક્રમ શૃંખલાના સંચાલિકા છે, C.A છે, બેંકમાં અધિકારી છે અને રાજકોટના સમાચારપત્ર જયહિંદમાં કોલમ પણ લખે છે. તેમની આ તાજી કાવ્યરચના અક્ષરનાદમાં પ્રકાશન માટે ભરતભાઈ કાપડીઆએ પાઠવી છે. બંને મિત્રોનો આભાર અને ખૂબ શુભકામનાઓ..

લાગણીના શહેરમાં..

એક સાંજે
લાગણીના શહેરમાં
ભૂલું પડી જવાયું,
રસ્તામાં ઘણા
સંબંધો મળ્યા;
દરેકને હૈયે ભરતાં
નવો જ ઘા વાગ્યો,
ઘા રૂઝવવા એક
બાંકડે બેઠી,
રસ્તા પર પસાર થતાં
લોકોએ કહ્યું,
અહીં તો અનરાધાર
વરસવાની મોસમ છે,
રાજી થતાં મેં કહ્યું,
કુદરત મહેરબાન
લાગે છે
આ શહેર પર,
એક માણસ બોલ્યો,
ના રે,
અહીં દરેક ગલીમાં
આંસુની દુકાન છે,
તમે આ શહેરમાં
ભૂલથી આવ્યા લાગો છો;
મેં કહ્યું,
મેં પણ આ શહેરમાં
એક ઘર ખરીદ્યું છે…

– સ્નેહલ તન્ના


Leave a Reply to Snehal Tanna Cancel reply

6 thoughts on “લાગણીના શહેરમાં – સ્નેહલ તન્ના

 • Prakash Mandavia

  વાહ
  વાંચન પરબ વિષે કવિ રીતે માહિતગાર થઈ શકાય?
  -પ્રકાશ માંડવિયા
  સ્થપતિ
  ૯૮૭૯૦૦૩૧૧૩

  • અનિલ શાહ. પુના.

   નવું શહેર નવો રસ્તો નવા લોકો ફક્ત હું જ કેમ રહી જાઉં જુનો,
   વિચારો માં કેટલું ચાલ્યો ખબર નહીં,
   એક આધેડ વયના, રસ્તો કાપવા મદદ માંગી,
   રસ્તો ઓળંગી આપતા થોડીક વાતો કરી,
   અનુભવી વૃધ્ધ, વાતોમાં શાંત નિરસતા, વાણી માં સરલતા,
   મારો આભાર માની ધીરે-ધીરે ચાલવા લાગ્યા,
   એમની એક જ વાત માં જીવન નો મર્મ સમજી ગયો,
   રસ્તો કાપવા માનવી જોઈએ એટલા મળી જશે,
   જિંદગી કાપવા માટે એક સહારો પણ નથી.

 • hdjkdave

  લાગણીના શહેરમાં સંબંધો મળે તે રોચક કલ્પના અને ત્યાં ઘર ખરીદે એ સામર્થ્ય જવલ્લે જ જોવા મળે. સુંદર…આ રચના ભૂલથી નથી થઇ…’ભૂલી હુઈ યાદેં ઇતના ના ન સતાઓ..’આવી સતામણીથી લોભાઈને સ્થાયી વસવાટ કરવાની વાત છે! આ શહેર પણ કેવું કે જ્યાં દરેક ગલીમાં આંસુની દુકાન છે…ઘર ભલે ખરીદ્યું…દુકાન ખોલવા કે ખરીદવાનો વિચાર વિષાદનો એકાધિકાર છે! એની મોનોપોલી સામે વેદના નતમસ્તક રહે છે. સુંદર ભાવાભિવ્યક્તિ…(હળવે હૈયે: ૩૭૦ અને ૩૫ એ રદ થયા પહેલાંની વાત છે કે પછીની!)