વાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ 2


‘વાદળાં વરસાદના રે’ સંગ્રહમાંથી આજે ત્રણ બાળગીતો, ‘પંખીડું મારું’, ‘એ તો આવે છે’ અને ‘બાર મહીના’, સાભાર અહીં પ્રસ્તુત કર્યા છે. બાળગીતો અને કાવ્યોનો આ સુંદર સંગ્રહ અક્ષરનાદને ભેટ આપવા બદલ શ્રી જિતેન્દ્ર પ્રજાપતિનો ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ. પુસ્તકપ્રાપ્તિની વિગતો અંતે મૂકી છે.

૧. પંખીડું મારુ

ઊડે છે થઈને છાનુંમાનું
પંખીડું મારું નાનું, છતાંય બહુ મજાનું… (૨)

વાયુની હેરખીને અંગ ઉપર સેરવે,
તડકાને પાંખ ઉપર બેસાડી ફેરવે;
બ્હાનું ના શોધતું રજાનું. પંખીડું મારુ…(૨)

મઘમઘતા ફૂલ પાસે મ્હેેક એ તો માંગે,
વરસાદી હેલીથી દૂર દૂર ભાગે;
જીવતું વિમાન આવ-જાનું. પંખીડું મારું…(૨)

ટગર ટગર નજરોથી ટેકરી નિહાળે,
ફાગણને ભાળી સ્હેજ સીટી વગાડે;
ધસમસતું પૂર કાળજાનું. પંખીડું મારું….(૨)

વાદળાં વરસાદનાં રે.. જિતેન્દ્ર પ્રજાપતિનો બાળગીત સંગ્રહ

૨. એ તો આવે છે

મેં તો પાટલૂન પહેરાવ્યું એકડા ભાઈને રે
એ તો આવે છે રોજ હવે નાહીને રે.

બગડા માટે મેં બુસ્કોટ સિવડાવ્યું,
તગડાને એક વધુ ખિસ્સું મુકાવ્યું;
ચોગડો બેઠો છે રિસાઈને રે. મેં તો…

પાંચડાને આપ્યું કે પાકિટ મજાનું,
છગડા માટે લાવ્યો કાપડ ધજાનું;
સાતડો બેઠો છે લપાઈને રે. મેં તો…

આઠડાને આઠ-આઠ બિસ્કીટ અપાવ્યા,
નવડાના નખ જરા ટૂંકા કરાવ્યા;
એકડે ને મીડે દસ ગાઈને રે. મેં તો…

બાર મહિના

૩. બાર મહિના

અટકી અટકી બાર બાર મહિના આવે ને જાય;
એને એક વરસ કહેવાય…(૨)
ટાઢ તાપને હડસેલી જ્યાં વાદળ વરસી જાય;
એને એક વરસ કહેવાય…(૨)

પહેલો આવે કારતક
બીજો માગસર ત્રીજો પોષ,
ચોથો આવે મહા
પાંચમો ફાગણનો આગોશ,
ચૈત્ર આવે છઠ્ઠો ધરતી હાંફી હાંફી જાય;
એને અડધુ વરસ કહેવાય…(૨)

સાતમો આવે વૈશાખ
આવે આઠ નંબરે જેઠ,
નવમો આવે અષાઢ
દસમે શ્રાવણ બનતો શેઠ,
ભાદરવો અગિયારે, બારે આસો આવી જાય;
એને એક વરસ કહેવાય… (૨)

પુસ્તક પ્રાપ્તિ માટે સંપર્ક – ડિવાઈન પબ્લિકેશન્સ, ૩૦, બીજે માળ, કૃષ્ણ કોમ્પ્લેક્સ, જૂનું મોડલ સિનેમા, ગાંધી રોડ, અમદાવાદ ૩૮૦૦૦૧. http://www.divinepublications.org


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “વાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ