આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૪) 3


પ્રકરણ ૪ – આંબે આવ્યા મોર!

વસન્ત ઋતુ સર્વત્ર આનંદ ફેલાવતી હતી. વાતાવરણ ઉત્સાહથી છલકાતું હતું. બધાના હૃદયમાં શુભ ભાવનાઓ ઉભરાતી હતી. ધરતી હસતી હતી. ઝર ઝર કરતાં ઝરણાં સાથે હરણાં જાણે હોડમાં ઉતર્યા હોય તેમ દોડતાં, કૂદતાં ઠેકતાં હતાં. આકાશ પણ પોતાની સ્વચ્છતાનો અને વિશાળતાનો પરિચય આપતું હતું. પર્વતોને તો પંખીઓનાં ગાન સાંભળીને ડોલવું હતું પણ ધરતીમાતાની ગોદમાંથી ચસકી શકતા ન હતા. સૂર્યના કિરણો પર સવાર થઈને પતંગિયા કયા ફૂલ પર બેસવું તેની વિમાસણમાં આમતેમ ઉડતાં હતાં અને ભ્રમરનો ગુંજારવ વૃક્ષોના પર્ણોમાંથી પસાર થતા પવન સાથે સંતાકૂકડી રમતો હતો. વૃક્ષોનો આનંદ જાણે ક્યાંય સમાતો નહોતો. આબે મોર આવ્યા હતા અને વસન્ત ઋતુને વધાવતા હતા.

પુસ્તક કવર ચિત્ર : રેના મિસ્ત્રી

આટલા પ્રસન્ન વાતાવરણમાં એક ગાડું ચીલા પર લચીલી ચાલે ચાલ્યું જતું હતું, પરંતુ તેમાં બે જણા જાણે કે મોઢામાં મગ ભરીને બેઠા હતા. કોઈ કશું બોલતું નહોતું. કઈ વેદના તેમને હળવા હૈયે વાત કરતાં રોકતી હશે? શાંત વાતાવરણમાં ગાડાનાં ચાલવાનો એકધારો અવાજ જાણે બંનેની મૌન ઈચ્છાને આશ્વાસન આપતો હતો. અને તેમને ભણકારો થયો હોય તેમ કોઈ શિશુના રુદનનો અવાજ સંભળાયો.

‘તને કોઈ અવાજ સંભળાયો?’

‘હા, પણ એ તો આપણો વહેમ છે.’ પત્નીએ જવાબ આપ્યો. ‘બાળક ન હોય એટલે આપણને એવો આભાસ થાય.’

ત્યાં આભાસ અને વાસ્તવિકતાને એકાકાર કરતો રુદનનો અવાજ ફરી સંભળાયો. પુરુષે ગાડું હાંકનારને કહ્યું, ‘જરા રોકજો…’ અને ગાડું ઊભું રહી ગયું. રુદનનો સ્પષ્ટ અવાજ સાંભળી પુરુષ નીચે ઉતર્યો. તેની પાછળ સ્ત્રી પણ ઊતરી. અવાજની દિશામાં કોઈ દેખાતું નહોતું. સામે જ વિશાળ આંબો તેના ડાળ-પાન ઝૂલાવી જાણે તેમણે પોતાની પાસે બોલાવતો હતો. બંને એ દિશામાં થોડા આગળ ગયા. એક સરસ ચોરસ પથ્થર સાથે સ્ત્રીનો પગ અથડાયો. તેણે નીચે જોયું, અને તે માની ન શકાતી હોય તેમ તેની સામે પાંદડાંથી ઢંકાયેલું એક બાળક બે હાથ હલાવી જાણે કહેતું ન હોય કે ‘મને તેડી લો…મને ભૂખ લાગી છે!’ પણ સ્ત્રી તેની સામે જ જોઈ રહી હતી. કેટલું સુંદર મુખ! ત્યાં તેના પતિએ આવીને કહ્યું જુએ છે શું તેને તેડી લેને!’

અને ગાડાંનાં ફરી શરુ થયેલા એકધારા અવાજ સાથે બાળકની કિલકારી સૂર મિલાવવા લાગી. શિશુનું ખિલખિલ સ્ત્રીના હૃદયમાં માતૃત્વના સ્પંદનો જાગૃત કરતું હતું! એકબાજુ આંબે આવ્યા મોર અને બીજીબાજુ કોઈનું મન મોર બની થનગાટ કરવા લાગ્યું. મનની આમ્રકુંજમાં કોયલના ટહુકા પડઘાવા લાગ્યા.

થોડીવારમાં ગાડું આંબાના એ ઝાડથી દૂરના વળાંકે વળી જઈ દેખાતું બંધ થયું.

***

ગાડું અંબારા ગામે આવી પહોંચ્યું. મહાનામન મુસાફરીથી જરા થાક્યો હતો. તે છતાં તેણે બળદોને ગમાણમાં લઇ જઈ પાણી પાયું અને ઘાસ નીર્યું. તે દરમિયાન તેની પત્ની ઘરમાં જઈને તરત બાલિકાને દૂધ વગેરેની વ્યવસ્થામાં પડી ગઈ. દૂધ મળતાં  જ તે શાંતિથી સૂઈ ગઈ. પછી બંને જણા જમ્યા અને આડે પડખે થયા. મહાનામનની આંખો મળી ગઈ. પણ સુદેશાની આંખોમાં ઊંઘ કે થાકનું નામ ન હતું. તેના હૈયામાં હરખ ઊભરાતો હતો. તે રાજીના રેડ થઇ ગઈ હતી. ઈશ્વરની કૃપા અપાર છે. પણ તેના મનમાં એક સંદેહ હતો, કોઈ મારી પાસેથી આ બાલિકાને લઇ જશે તો? તે પતિ સાથે આ વાતની ચર્ચા કરવા માગતી હતી. મહાનામન વૈશાલીનો સામંત હતો. તે ખાધે પીધે સુખી હતો પણ ધનિક ન હતો. તે કહેતો ન હતો પણ તેના મનમાં ય એક બાળકની ઈચ્છા તો હતી જ. તેણે તેની પ્રસન્નતા વ્યક્ત ન કરી.

મોડેથી સુદેશાએ કહ્યું, ‘આખરે આપણી ઈચ્છા ઈશ્વરે પૂરી કરી! પણ મને તો એ વાતની નવાઈ લાગે છે કે આટલી સુંદર કોમળ કળીને આમ મૂકીને જતાં રહેતાં તેની માતાનો જીવ કેવી રીતે ચાલ્યો હશે?’

મહાનામને કહ્યું, ‘મને પણ એ નથી સમજાતું. આવી રીતે રસ્તામાં પોતાના બાળકને કોઈ મૂકે નહીં જેનું બાળક હશે તે આવશે લેવા. થોડી રાહ જોઈએ.’

સુદેશાને વાતનો આ વળાંક ન ગમ્યો. તે ચુપ થઇ ગઈ. અને દિવસો વિતતા ગયા. તેની સાથે સુદેશાની આશંકા પણ ઓછી થવા લાગી. તે આ નાની પરીના લાલનપાલન પાછળ એ વિસરી જ ગઈ કે એ બાળક તેનું નથી. મહાનામને પણ ફરી વૈશાલીમાં જવાનો વિચાર મોકૂફ રાખ્યો. ક્યાં સુધી તે વૈશાલી નહીં જાય? કોણ જાણે?

***

દિવસો અને મહિનાઓ વીતવા લાગ્યા. એક દિવસ સુદેષાએ કહ્યું, ‘મારી વહાલી દીકરીનું આપણે શું નામ રાખશું?’

મહાનામન પણ વિચારવા લાગ્યો. તેને કોઈ નામ સૂઝતું ન હતું. તેણે કહ્યું, ‘તું જ કોઈ સારું નામ વિચારને.’

બહુ વિચારને અંતે તેમણે તેનું નામ અંબપાલિકા રાખવાનું નક્કી કર્યું. સુદેશાએ કહ્યું, ‘તે આપણને આંબાનાં ઝાડ નીચેથી મળી અને તેના પર પાન હતાં તેથી અંબપાલિકા નામ રાખીએ, કેવું સરસ નામ છે નહીં? આમ્રકુંજમાંથી મળેલી અંબપાલિકાનું  ભવિષ્ય કેવું હતું તેની ક્યાં કોઈને જાણ હતી! પણ વર્તમાનમાં તેને જે માતા મળી તે સગી માતા કરતા વધારે વહાલસોઈ હતી તેમ ચોક્કસ કહી શકાય. કારણ કે તે તેને જીવની જેમ સાચવતી, ઉછેરતી હતી. 

અંબારા ગામ કાંઈ બહુ મોટું ગામ ન હતું. પરંતુ ગામના લોકો મિલનસાર અને માયાળુ હતા. અંબપાલિકા બિલકુલ રડતી નહીં. અને હસતી ત્યારે તો સહુને તેને તેડી લેવાનું મન થતું. તે ધીમે ધીમે ચાલતા શીખી ગઈ. સામાન્ય રીતે બાળકો દોઢ બે વર્ષે ચાલતા શીખે પણ આ તો એક વર્ષમાં ચાલતા અને બોલતાં શીખી ગઈ! તે જયારે બોલતી ત્યારે તેનો મધુર અવાજ સાંભળવા પડોશીઓ એકઠા થઇ જતા. તેની માતા તેને વહાલથી ‘અંબી’ કહેતી હતી.

પડોશમાં તે કહેતી, ‘મારી અંબી બહુ જ સંસ્કારી છે. હું તો તેની સામે જોતાં ધરાતી જ નથી. તેને ન જોઉં તો મને ચેન જ ન પડે. આવડી છે પણ કેવી બુદ્ધિશાળી છે. મંદિરમાં સવાર સાંજ જે આરતી થાય છે તે ગાવા લાગી છે. કોઈ માને નહીં પણ તમે જોજો મારી અંબી એના મા-બાપનું નામ દીપાવશે.’  

અને અંબપાલિકા મોટી થવા લાગી… સમયને જતા ક્યાં વાર લાગે છે…? વર્ષો જોતજોતામાં વીતવા લાગ્યા. મહાનામન ઘણા દિવસોથી વિચારતો હતો કે અંબી હવે મોટી થતી જાય છે. તે કેટલી બુદ્ધિશાળી છે! અમ્બારા કરતા તેનો વિકાસ વૈશાલીમાં વધારે સારો થશે.

તેની માતાએ કહ્યું, ‘તમને ઠીક પડે તેમ કરો, હું ને મારી અંબી સાથે હોઈએ તો મારે બીજું કાંઈ ન જોઈએ.’

અને એક દિવસ તેઓ અંબારા ગામ છોડીને વૈશાલી આવી ગયા. કેવું હતું વૈશાલી…?

ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.

‘આમ્રપાલી’ નવલકથાના આ પહેલાના ભાગ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.


Leave a Reply to Anila PatelCancel reply

3 thoughts on “આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૪)

  • Anila Patel

    આમ્રપાલી વાંચવાની ઈન્તેજારી એટલી હોય છે કે હવે ધીરજ ખૂટી જાયછે કે કયાંક બ્લોગ પર મૂકવાનું બંધ તો નહિ થઈ જાય ને. મહેરબાની કરીને (આપની વ્યસ્તતા સમજી શકું છું ) અઠવાડિયે એકવાર જરુર મુકાય એવી અપેક્ષા.