જેસલમેર : રણની રેતને ખાળતું નગર મળે.. – લલિત ખંભાયતા 8


રણમાં આવેલું અને ફિલ્મોથી વખણાયેલું જેસલમેર નગર કેવું હશે? એ જાણવા માટે અમે મિત્રો એ રજવાડી નગરની સફરે નીકળી પડયા. સોનાર કિલ્લો અને રણની સુવર્ણરેત દુનિયાભરના પ્રવાસીઓને જેસલમેર આવવા મજબૂર કરે છે.

૧૫ ઑગસ્ટ, ૨૦૧૪

ધ્વજવંદનની કાર્યવાહી પતાવીને અમે અમદાવાદ બહાર નીકળ્યા ત્યાં સુધીમાં સવારના દસ વાગી ચૂક્યા હતા. પ્રવાસી અમે પાંચ હતા, મારા સિવાયના ચાર એટલે પ્રોફેસર ઈશાન, કૅમિસ્ટ વિશાલ પટેલ, કમ્યુનિકેશન એજન્સી ચલાવતો તુષાર આચાર્ય અને શિક્ષણ સંસ્થા ચલાવતા બાપુ અનિરૃદ્ધસિંહ પઢેરિયા.

જેસલમેર જવા માટે અમે નીકળી પડયા હતા. સાડા પાંચસો કિલોમીટર દૂર આવેલા જેસલમેર સુધીમાં બપોર પછી કે મોડી સાંજ થવાનો અંદાજ હતો. અમને ઉતાવળ પણ ક્યાં હતી? રાજસ્થાનમાં પ્રવેશીએ એ પહેલાં જ પેટપૂજા કરવાનો સમય થયો, પણ સદ્ભાગ્યે હાઈ-વે પર કોઈક મસ્ત રેસ્ટોરાં મળી આવી. બરાબર ખાઈ લીધું એટલે ગાડીમાં થોડી ઊછળ-કૂદ ચાલતી હતી એ શાંત થઈ ગઈ. ડ્રાઇવર દિનેશ સિવાય સૌ કોઈ નિષ્ક્રિય થયા. જરા વધારે પેટ ધરાવતા કેટલાક મિત્રોનાં તો નસકોરાં પણ બોલવા લાગ્યાં.

રાજસ્થાનનો મુખ્ય રસ્તો જોધપુર – ઉદયપુર – જયપુર તરફનો… પણ જેસલમેર રણમાં આવેલું છે, રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં છે. એ માટેનો રસ્તો બાડમેર થઈને જાય છે. રસ્તો ચતુરમાર્ગીય ન હતો તો પણ લગભગ ખાલી કહી શકાય એવો, એટલે પ્રવાસ વિના વિઘ્ને ચાલી રહ્યો હતો. રસ્તામાં ચા-પાણી સિવાય અમારે બ્રેક લેવાનું કોઈ કારણ ન હતું. વળી એ રસ્તે કોઈ આકર્ષક જગ્યા પણ આવે નહીં.

એ વખત આજના જેટલી મોબાઇલ એપનો નહીં, એટલે બુકિંગનું કામકાજ ઇન્ટરનેટ પરથી માહિતી લઈ ફોન પર કરાવ્યું હતું. જઈને જોવાનું, ફાવે તો રહેવાનું. પહેલી વખત એ તરફ જઈ રહ્યા હતા. પહેલી વખત સાથે પાંચેય લાંબા પ્રવાસે જઈ રહ્યા હતા. વિવિધ પ્રકારની મૂંઝવણો અમારી સામે કિલોમીટર દર્શાવતા પથ્થરની માફક એક પછી એક આવી રહી હતી. એ બધી ચર્ચાનો દોર ચાલતો હતો ત્યાં છેલ્લી સીટ પર ખૂણામાં ગોઠવાયેલા એક મિત્રના અંતરમાંથી અવાજ આવ્યોઃ ‘હું તો અગાઉ જેસલમેર જઈ આવ્યો છું!’

જેસલમેરની હવેલીઑ

ઇન્કમટેક્સના દરોડામાં મળી આવે એવી આ અત્યાર સુધી છૂપી રહેલી માહિતી જોઈને અમને સૌને પહેલા અચરજ થયું, પછી આનંદ થયો. દરોડા પછી સ્વેચ્છાએ કબૂલાત કરવામાં આવે એમ તેણે વધુ માહિતી આપી : ‘કે ત્યાં એક ગુજરાતી ભાઈ રહે છે, અમદાવાદના જ છે, વર્ષોથી ત્યાં રહે છે. હોટેલ – રેસ્ટોરાં ચલાવે છે. અમે ત્યાં જ રહ્યા હતા.’

‘તો ભાઈ લાવને નંબર…એને પૂછી જોઈએ.’

વિનયભાઈ કો ફોન લગાયા જાય એવી સૂચના વગર જ જેસલમેરમાં ફોન કર્યો. વિનયભાઈ ફોનમાં વિનયપૂર્વક કહ્યું, “તમે અમદાવાદથી આવો છો અને મારો સંપર્ક કર્યો એટલે હવે આવી જાવ. મારી જગ્યા ખાલી જ છે. એ ન ફાવે તો બીજા મિત્રોની હોટેલ્સ પણ છે. ડોન્ટ વરી… તમને કંઈ તકલીફ નહીં પડે.” અમને નિરાંત થઈ.

જેસલમેરનું પાદર આવ્યું ત્યાં સાંજ પડવા આવી હતી. રસ્તામાં પ્રોફેસરે માહિતી આપી કે આ કિલ્લા પર સત્યજીત રાયે ‘સોનાર કિલ્લા’ નામની ફિલ્મ બનાવી છે. કેમ કે દૂરથી એ પીળા રેતિયો પથ્થરનો કિલ્લો સોનાનો ઢોળ ચડાવ્યો હોય એવો લાગે. સાંજે અમને એવું જ દૃશ્ય જોવા મળ્યું. હજારેક વર્ષથી ત્યાં આવતા સૌ કોઈને એ અણનમ ઊભેલો કિલ્લો એ રીતે જ દર્શન આપતો હતો.

જેસલમેરની હવેલીઑ

સોનાર કિલ્લામાં સ્વાગત છે.

શહેર કિલ્લાની અંદર અને બહાર એમ બે ભાગમાં વહેંચાયેલું છે. અમારે કિલ્લાની અંદર રહેવાનું હતું. પાદરમાં જઈને અગાઉથી મળેલી સૂચના પ્રમાણે રાહ જોવી શરૃ કરી. થોડી વારે વાંકા-ચૂંકા રસ્તામાંથી એક સ્કૂટર આવ્યું. તેના પર સવાર વિનયભાઈએ સૂચના આપી : મારી પાછળ આવો.

ગાડી એક સ્થળે પાર્ક કરાવી દીધી. થોડું ચાલીને તેમના ઘર પ્લસ હોટેલ ‘સિદ્ધાર્થ’માં પહોંચ્યા. નીચે એ રહે, ઉપરના બે માળ પ્રવાસીઓ માટે. અમને રૃમ બતાવ્યા, રસપ્રદ હતા. વધુ રસપ્રદ વિનયભાઈનો સ્વભાવ હતો. ગ્રાહકોને ખંખેરી લેવાનો એમનો સ્વભાવ ન હતો એ અમને સમજાઈ ગયું. નીતિપૂર્વક બિઝનેસ ચલાવતા હતા એટલે અમને ત્યાં જ રહેવાનું પસંદ પડયું. સામાન ગોઠવી, રેતી ખંખેરી, સાફ-સૂફ થઈને સૌથી પહેલા ભોજન માટે નીકળી પડયાં. જેસલમેર ફરવાની શરૃઆત સવારે કરવાની હતી.

જેસલમેર ફરતે રણ છે માટે રાત પડયે શહેર ભવ્ય દેખાય. દૂર સુધી ફેલાયેલો રણનો અંધકાર અને વચ્ચે જગમગતું આ ગામ. અમે અગાસી પર પહોંચ્યા ત્યારે પ્રચંડ પવન ફૂંકાતો હતો. એટલો બધો પ્રચંડ કે અગાસી પર આંટા-ફેરા કરવામાં પણ સાવધાની રાખવી પડે. અમારો એક મિત્ર શારીરિક રીતે પાતળો હોવાથી પ્રોફેસર અને વિશાલ એવી ચર્ચા કરી રહ્યા હતા કે ધારો કે તું અહીંથી ઊડી જાય તો ક્યાં જઈ પડે?

જેસલમેર માટે જોકે આ પવન નિયમિત હતો. દૂર રણમાં ક્યાંક એકાદ ગામની નાની લાઇટો પણ દેખાતી હતી. સમગ્ર રચના જુદી દુનિયા પ્રકારની. એ દુનિયાને સવારે વિગતવાર ખેડવાની હતી.

‘અમે સૌથી પ્રામાણિક પ્રવાસ આયોજક છીએ!’

જેસલમેરની મૂળ ઓળખ ‘હવેલીના શહેર’ તરીકેની છે. અહીં નાની-મોટી ઘણી હવેલીઓ આવેલી છે અને એમાંથી બે-ત્રણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અમે સવારમાં ઊઠી બજારમાં ચા-પાણી પતાવ્યા પછી હવેલી તરફ આગળ વધ્યા. હવેલી દસેક વાગ્યે ખૂલતી હતી.

અમે સૌથી પહેલાં ‘પટવા હવેલિયા’ નામના મહેલમાં પહોંચ્યા. અહીંની રાજપૂત હવેલીઓ તેના અદ્ભુત નકશીકામ માટે જાણીતી છે. દરેક હવેલી સાથે મ્યુઝિયમ જેવું પણ ખરું, જે પ્રવાસીઓને ઇતિહાસ સુધી દોરી જાય. હવેલી અને સાંકડા રસ્તા પર એમાંથી બહાર નીકળતા ઝરૃખા. એટલે બે હવેલી રસ્તાના સામસામે કાંઠે હોય તો પણ તેમના ઝરૃખા તેમને વધારે નજીક લાવી દે. અત્યંત બારીક કહી શકાય એવી કોતરણી સદીઓ પછી હજુય ટકી રહી છે, તૂટ-ફાટ નથી થતી એ જ સૌથી પહેલાં તો પ્રભાવિત કરે. ખાસપ્રકારની બારી, કલાત્મક દરવાજા, રજવાડી પડદા, જમીન પર પાથરેલા આલીશાન ગાલીચા, બેલ્જિયમના કાચ, હાથીદાંત પર નકશીકામ…અમે એક જ હવેલી જોઈ ત્યાં તૃપ્ત થયા. એક પછી એક બધી હવેલીમાં દોડાદોડી કરવા કરતાં અમને એક હવેલીમાં પૂરતો સમય આપવો વધારે ઠીક લાગ્યું.

હવેલીસાથેના સંગ્રહાલયમાં પહોંચ્યા ત્યાં વળી નવી દુનિયા ખૂલી. એ વખતની એટલે કે રાજપૂત યુગની મોટા ભાગની ચીજો કાચની પાછળ જેમની તેમ જાળવી રખાઈ છે. પ્રવાસીઓ તેને નિરાંતે જોઈ શકે છે. દરેક હવેલી કે દરેક ઓરડાની રચના એવી રીતે કરવામાં આવી છે કે ગરમી-ઠંડીનું બૅલેન્સ જળવાઈ રહે છે. એટલે ફરતું રેતીથી ઘેરાયેલું હોવા છતાં જેસલમેર ગમે એટલું તપે, અંદરનું તાપમાન માફકસરનું જ રહે છે.

એ બધું ફરી લીધું ત્યાં સુધીમાં બપોર થયું. વિનયભાઈ પહેલેથી સારી રેસ્ટોરાં બતાવી રાખી હતી. અગાસી પર શમિયાણા જેવું બાંધકામ કરી જમીન પર ગાદી-તકિયા પર જમવા બેસવાનું હતું. એ રજવાડી પ્રકારની વ્યવસ્થા હતી. કેટલાક દેશી-પરદેશી પ્રવાસી અમારી પહેલાથી જ ત્યાં ગોઠવાયેલા હતા. અમારું ભોજન પણ આવ્યું. અમારા એક મિત્ર આરોગ્ય અંગે ચિંતિત હતા માટે શું ખાવું, શું ન ખાવું એ સૂચના પાસ કર્યા કરતા હતા. પણ કોઈ માને તો ને!

પરંપરાગત રાજસ્થાની ચીજો અહીં મળતી હોવાના બૉર્ડ ઠેર ઠેર માર્યા હતા. એ અસલી કે નકલી તેની તપાસમાં અમે પડયા નહીં કેમ કે અમારે શૉપિંગ નામે કશું કરવાનું ન હતું. પ્રવાસીઓને રણમાં લઈ જવાની આકર્ષક ઑફર આપતાં બૉર્ડ માર્યા હતા. એકબૉર્ડમાં તો લખ્યું હતું : ‘અમે સૌથી પ્રામાણિક પ્રવાસ આયોજક છીએ, શુદ્ધ પીવાનું પાણી આપીશું, એક ઊંટ પર એક પ્રવાસી બેસાડીશું…વગેરે વગેરે..’ જોકે આ સૂચના અંગ્રેજીમાં હતી અને એ અંગ્રેજી હળાહળ ખોટું હતું. પ્રોફેસરને નવા પ્રકારનું અંગ્રેજી ત્યાં જાણવા મળ્યું. આવા બૉર્ડનો જોકે પાર ન હતો.

ગામમાં ફરતાં ફરતાં એક નવી પરંપરા જોવા મળી. જ્યાં લગ્ન હોય એ ઘરની દીવાલ પર કંકોતરી ચીતરેલી હતી. વચ્ચે ગણેશબાપાનું ચિત્ર સાથે નાનકડો ઉંદરડો, બંને બાજુ વરવધૂના નામ, તિથિ-તારીખ, પરિવારનું નામ…વગેરે દીવાલ પર ચૂંટણી પોસ્ટર દોર્યું હોય એમ ઠેર ઠેર દોરેલાં જોવાં મળતાં હતાં. લગ્નની યાદગીરી લાંબો વખત રાખવાની એ રીત હશે.

જેસલમેર શહેરનો કિલ્લો ટેકરી ઉપર છે અને કુલ ઊંચાઈ તો પોણા ત્રણસો ફીટ જેટલી થાય છે. એટલે કિલ્લાની અંદર ચાલીને ફરવું જરા આકરું લાગે. સતત ઢાળ ચડવા પડે. જોકે સામે ઊતરવાના પણ આવે. અહીં આવતા પ્રવાસીઓની એવી ઇચ્છા હોય કે મહેલ જેવા વાતાવરણમાં જ રહેવું, તો એ કિલ્લાની અંદર આવેલી હોટેલ-હોમ સ્ટે પસંદ કરે. અમે પણ અદંર જ હતા. પીળા રેતિયા પથ્થરના બનેલાં મકાનો, તેની જાડી દીવાલો. બીજી તરફ જેમને સાંકડી ગલીઓ પસંદ ન હોય, હોટેલના દરવાજા સુધી ગાડી લઈ જવી હોય એ બધા કિલ્લાની બહાર બનેલા નવા શહેરમાં ઉતારા-ઓરડા કરે. દુનિયાભરના પ્રવાસીઓ આવતા હોવાથી અહીં ભોજન-રહેણાંકની સુવિધામાં અનેક વિકલ્પો મળી રહે છે.

જેસલમેરનો કિલ્લો ‘વર્લ્ડ હેરિટેજ’ જાહેર થયેલો છે. રાતે કિલ્લા ફરતે ગોઠવેલી હેલોઝન લાઇટો ચાલુ થયા પછી કિલ્લો સોનાનો જ ગઢ હોય એમ ઝળહળી ઊઠે છે. શહેરથી જરા દૂર ‘ડેઝર્ટ નેશનલ પાર્ક’ છે અને ત્યાં કરોડો વર્ષ જૂના કાષ્ટાવશેષો પણ છે. જોકે અમે એ જોઈ શક્યા ન હતા. શહેરમાં જૈન મંદિરો પણ છે, જેમાં અમને ખાસ રસ ન હતો. અહીં નજીકમાં રામદેવરા એટલે કે રામદેવપીરનું જન્મસ્થાન પણ છે. જેસલમેર તરફ આવતા પ્રવાસીઓને જો ધર્મમાં રસ હોય તો ત્યાં પણ જતા આવે. લાખેકની વસતી ધરાવતા શહેરમાં આમ-તેમ ઘૂમવું બહુ સરળ પડે છે. ખાસ કરીને એવા પ્રવાસીઓ માટે જેમને ભીડભાડને બદલે નોખા ચીલા ચાતરવા હોય.

અમારું આગામી મુકામ ‘ગડીસર તળાવ’ હતું. કિલ્લાથી જરા દૂરના એ તળાવના કાંઠે રાજા-મહારાજા સમય પસાર કરવા આવતા હતા. રણમાં પાણી ઓછું હોય ત્યારે આ તળાવ પાણીનો સંગ્રહ કરે અને પછી આખું વર્ષ તેનું પાણી ચાલ્યા કરે એવી ગોઠવણ કરવામાં આવી હતી. બાંધેલો કાંઠો, પગથિયાં, ઝરૃખા, વચ્ચે પણ નાનાં-મોટાં બાંધકામો પરથી જ એ રોયલ હોવાનું દેખાઈ આવતું હતું.

કોન થા વો પરદેશી?

તળાવમાં વિશિષ્ટ પ્રકારની પહોળા મોઢા ધરાવતી કેટફિશ નામે ઓળખાતી પહોળા મોઢાવાળી માછલીઓની ભરમાર હતી, માટે પાણીમાં પગ મૂકવાની કોઈએ હિંમત ન કરી. તળાવના કાંઠે શાંતિ હતી. અમારા જેવા ચાર-પાંચ ઝૂંડને બાદ કરતા કોઈ હતું નહીં. અમે રખડતા રખડતા સામે કાંઠે પહોંચ્યા. ત્યાં અમને એક પરદેશી પ્રવાસી મળ્યા. તેમની દાઢી વધેલી હતી, ખભે એક દેશી થેલો હતો, પગમાં ચપ્પલ…અમને કોઈ ફકીર જેવા લાગ્યા… પરદેશી પ્રવાસીઓ ભારતમાં આવીને ઘણી ગરબડો કરતાં હોય છે. એવા કોઈ આ ભાઈ હશે? કે પછી ‘મેડ ઈન ફોરેન’ ગરીબ હશે, જે અહીં રહી ગયા હશે…વગેરે સવાલો અમારા મનમાં ઊઠ-બેસ કરતાં હતા.

એટલી વારમાં તો પ્રોફેસર તેમની પાસે પહોચી ગયા. બન્ને સમજી શકે એવી એક ભાષા પ્રોફેસર જાણતા હતા, અંગ્રેજી! તેમણે વાતચીત પણ કરી. પછી પ્રોફેસર અમારી પાસે સરપ્રાઇઝિંગ માહિતી સાથે હાજર થયા. એ મુફલિસ લાગતા પરદેશી હકીકતે તો જળ-સંસાધનો પર અભ્યાસ કરવા યુરોપના કોઈ દેશથી આવીને ભારત ફરતા હતા. આખાભારતમાં પાણીની સૌથી વધુ અછત ગુજરાત-રાજસ્થાન-મહારાષ્ટ્ર પ્રદેશમાં રહી છે, માટે જ અહીં વાવ-કૂવા વધારે છે. પાણીનો અભ્યાસ કરવા આવે તેમણે પશ્ચિમ ભારતની અચૂક સફર કરવી પડે.

પરદેશી પ્રોફેસર અને દેશી પ્રોફેસરે વાતોની મંડળી જમાવી અને અમે સાંભળી. એ પરદેશી ગુજરાતમાં પણ આવી ચૂક્યા હતા. પછી તો અમે કાર્ડની આપલે કરી. એમ પણ સમજ્યા કે જે લોકોને ખરેખર કામ કરવું છે,  એમને પોતના દેખાવની પરવા નથી.

જેસલમેરથી દસેક કિલોમીટર દૂર આવેલી છત્રી પણ પ્રખ્યાત છે. છત્રી એટલે રાજા-મહારાજા-રાજવી પરિવારના સભ્યોના અંતિમ સંસ્કાર પછી ઊભા કરવામાં આવે સ્મારક. મૃત્યુની ખાંભી ખરી, પણ માથે છત્રી બાંધેલી. કચ્છમાં રાવની આવી છત્રીઓ જાણીતી છે, જોકે ઘણી ખરી તો ભૂકંપમાં નાશ પામી છે. જેસલમેરની આ છત્રીઓ ‘બડા બાગ’ તરીકે જાણીતી છે.

એ જોવામાં ખાસ વાર ના લાગી. આમેય ગમે એમ તોય એ હતું તો સ્મશાન જ ને! અમે ત્યાંથી આગળ નીકળ્યા. હવે પછીનું સ્થળ રોમાંચક હતું. કેમ? કેમ કે એ શહેરમાં ભૂતનો વાસ હોવાનું કહેવાતું હતું. નામ એનું કુલધરા.

કુલધરા – ચાલો કુંવારી કન્યાની શોધમાં

જેસલમેરથી વીસ-પચ્ચીસ કિલોમીટર દૂર આવેલું કુલધરા ગામ ખાલી છે. ગામ છે છતાં ખાલી છે, એટલે કે માત્ર ખંડેર સ્વરૃપે છે. ગામ શાપિત હોવાની માન્યતા છે. હાલ પુરાતત્ત્વ ખાતાના કબજામાં છે અને રાત ત્યાં રહેવાની મનાઈ છે, કેમ કે રાતે એ ગામમાં કુંવરીનું ભૂત ફરે છે.

કુલધરા ગામ

ચાલો કુંવરી તરફ…અમારામાં જેટલા કુંવારા હતા એ સૌ ઉત્સાહિત થયા. પ્રવેશદ્વારે રહેલા ચોકીદાર પાસે વાહન નોંધણી- ટિકિટ વગેરે કાર્યવાહી કરી અમે અંદર પહોંચ્યા. એક મુખ્ય રસ્તો અને તેની બંને તરફ મકાનો. વચ્ચે નાના-નાના પેટા રસ્તા પણ ખરા. એકાદ-બે મંદિર…થોડી ખુલ્લી જગ્યા… ગામમાં હોય એવું બધું. ગામનાં બધાં મકાનો તૂટેલાં છે, કોઈની છત નથી. દીવાલો સાત-આઠ ફીટ ઊંચે સુધીની ખરી. ઠેર ઠેર પથ્થરો વિખરાયેલા પડયા છે. રણમાં રેતીની આંધી ઊડતી રહેતી હોવાથી કેટલોક ભાગ દબાયેલો, તોકેટલોક ખુલ્લો. પ્રવાસીઓને ગામનો ખ્યાલ આવી શકે એટલા માટે એક મકાન આખું બનાવીને રાખ્યું છે. એજોઈને એ જમાનામાં કુલધરા કેવું હશે તેની કલ્પના કરવી રહી.

આ ગામ અને આસપાસના કુલ મળીને 84 ગામોમાં એક સમયે પાલીવાલ બ્રાહ્મણો રહેતા હતા. બ્રાહ્મણોની સમૃદ્ધિ જોઈ જેસલમેરના સૂબા સાલમસિંહે કરવેરા વધારી દીધા. સ્વાભાવિક રીતે ગામવાસીઓ એ માટે તૈયાર ન હતા. સાલમસિંહે પહેલા કર વધાર્યો પછી 84 ગામોમાં અગ્રણી ગણાતા કુલધરાની એક કન્યા પર નજર માંડી. સાલમસિંહે કહ્યું કે કન્યાનો હાથ મને સોેંપી દો એટલે સમાધાન થઈ જશે.

એ સમાધાન કન્યાને કે બ્રાહ્મણોને કોઈને માન્ય ન હતું. બીજી તરફ જેસલમેરના દળ-કટક સામે ક્યાં સુધી ટકી શકાશે? એ પણ પ્રશ્ન હતો. એટલે નક્કી થયું કે રાતોરાત ગામ ખાલી કરી રણમાં વિલીન થઈ જવું. સવારે દળ-કટક આવે ત્યારે ગામ જ ખાલી હોય તો કોના પર હુમલો કરે. વળીજતી વખતે બ્રાહ્મણોએ શાપ આપ્યો હતો કે આ ગામ ક્યારેય જીવંત નહીં બને. એટલે કે તેમાં કોઈ રહી નહીં શકે. ત્યારથી એ ગામ ખાલી છે. ગામમાં રાતે ભૂત-પ્રેત-આત્માઓ જીવતી થતી હોવાની માન્યતા છે, પણ તેમાં ખાસ દમ જણાતો નથી.

ઇતિહાસકારો પણ ગામ રાતોરાત ગામ ખાલી કરવાની થિયરી સાથે સહમત નથી. ચોર-લૂંટારાથી ત્રસ્ત થઈ અને પાણીની અછતનો સામનો ન કરવો પડે માટે ગામ ખાલી કરાયું હોવાનું ઇતિહાસકાર નંદકિશોર શર્મા માને છે. જોવાની વાત એ છે કે અહીં આવતા પ્રવાસીઓને સત્ય કરતા ગામની સાથે સંકળાયેલી માન્યતાઓ સ્વીકારી લેવામાં વધુ રસ છે. વળી રાજસ્થાન સરકાર પ્રવાસન વિકસાવવામાં પહેલેથી ગિલિન્ડર છે. બહુ પહેલેથી જ આ ગામને ‘મોસ્ટ હોન્ટેડ પ્લેસિસ ઑફ ઇન્ડિયા’માં સ્થાન આપી દેવાયું છે. બાકી તો 20 વર્ષ પહેલાં, 1998માં અહીં કોઈ ફરકતું સુધ્ધાં ન હતું.

અહીં પ્રવાસીઓ આવતા રહે એટલા માટે પણ ભૂત જીવતું રહે એ જરૃરી છે. બાકી તો કુલધરા આસપાસ બીજાં કેટલાંક ખાલી થયેલાં ગામો સ્પષ્ટ રીતે રણમાં રઝળતા જોવા મળે છે. ગામમાં કોઈ પ્રવાસી નથી આવતા કેમ કે ત્યાં કોઈ પ્રેતાત્મા નથી એટલે કે પ્રેતાત્માની થિયરી નથી.

ગામના છેડે એક નદી છે, એમાં ચોમાસા પૂરતું થોડું ઘણું પાણી હોય છે. ગામ પૂરું કરીને અમે ત્યાં પહોંચ્યા, જ્યાં સામાન્ય રીતે કોઈ પ્રવાસી જતાં ન હતા એટલે સ્મશાનવત શાંતિ હતી. અહીં અમે એક પથ્થર સાથે બીજા પથ્થરો અથડાવ્યા તો કર્ણપ્રિય ધ્વની પણ પેદા થયો. અમારો અવાજ સાંભળીને કદાચ કુંવરી આવતા આવતા રહી ગઈ હોય કે જે હોય એ પણ મળી નહીં એટલે અમે ત્યાંથી રવાના થયા.

આ ગામ વિશે લખવાની મજા પડશે એવું મેં કહ્યું એટલે પ્રોફેસરે તરત હેડિંગ પણ રજૂ કરી દીધું – ધરા પરનો ધબકાર ચૂકી ગયેલું ગામ કુલધરા…મેં ‘સમયાંતર’માં કુલધરા વિશે લખ્યું ત્યારે એ જ હેડિંગ પણ વાપર્યું.

કુલધરાથી આગળ ‘સામ સેન્ડ ડયુન્સ’ નામનું સ્થળ છે. ત્યાં રેતીના ઢૂવા (ડયુન્સ) છે, ઊંટ સવારી છે, રણમાં થતો સૂર્યાસ્ત છે અને તંબુમાં રહેવાનું તથા રાજસ્થાની સંગીત સાથે ભોજનની સુવિધા…અમને એ બધામાં ખાસ રસ ન હતો. કેમ કે એ બધી ચીજો ટુકડે ટુકડે અમારી સફરમાં આવી હતી, અાવવાની હતી.

લોંગેવાલા તરફ લોંગ ડ્રાઈવ

૧૯૭૧ની લડાઈ વખતે પાકિસ્તાને રાજસ્થાન સરહદેથી આક્રમણ કરી જેસલમેર સુધી ઘૂસી આવવાનું આયોજન કર્યું હતું. એ માટે પાકિસ્તાની કુમકે લોંગેવાલાને ‘દરવાજા’ તરીકે પસંદ કર્યું હતું. સરહદે આવેલું એ થાણું હવે તો ‘બેટલ ઑફ લોંગેવાલા’ માટે જાણીતું છે. એ બેટલમાં પાકિસ્તાનીઓને હરાવીને ભારતે ફતેહ હાંસલ કરી હતી. એ કથા શરીરમાં શેર લોહી ચડાવે એવી છે. એવાત કરતાં પહેલા લોંગેવાલા તરફ સફર તો આરંભીએ.

સવારે વહેલા ઊઠીને અમે જેસલમેરથી સવાસો કિલોમીટર ઉત્તરે આવેલા ‘તનોટરાય’ના મંદિરે જવા નીકળી પડયા. લોંગેવાલા ચેક પોસ્ટ પાસે જ એ મંદિર છે. એ પછી સરહદી વિસ્તાર શરૃ થાય. જે. પી. દત્તાની ફિલ્મ ‘બૉર્ડર’ યાદ હોય તો કદાચ આ મંદિર પણ યાદ હોય એવું બની શકે. ફિલ્મમાં આ મંદિરની કથા રજૂ થઈ છે, કેમ કે આ મંદિરને ધર્મ કરતાં લશ્કર સાથે વધુ નાતો છે.

પાકિસ્તાની જ્યારે જ્યારે થરપારકરના રણ તરફથી હુમલો કરે ત્યારે તેમને પહેલા જે સ્થળોનો ભેટો થાય એમાં લોંગેવાલા, તનાેટ માતા વગેરેનો સમાવેશ થાય છે. અહીં પાકિસ્તાનીઓએ 1965 અને પછી 1971ના યુદ્ધ વખતે જબરદસ્ત બૉમ્બમારો કર્યો હતો, પણ તનોટમાતાની કૃપા સમજો કે મંદિરના પ્રાંગણમાં ફૂટેલો એક પણ તોપ-ગોળો ફૂટયો નહીં. અેટલે બૉર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ એ બધા ગોળા વીણીને યુદ્ધ પછી મંદિરમાં જ પ્રદર્શન માટે રાખી દીધા છે. એટલે આજે પણ તનોટ આવતા પ્રવાસીઓ માતાજીના દર્શન કરે ન કરે, લીલા કલરના ન ફૂટેલા પાકિસ્તાની ગોળાઓના અચૂક દર્શન કરે છે. એ મંદિરે અમારે જવાનું હતું એટલે ઉત્સાહનો પણ પાર ન હતો..

જગતના નવમા સૌથી મોટા રણમાં સ્વાગત

ગાડી રવાના થઈ. થોડી વારે જેસલમેરનો શહેરી વિસ્તાર અને શહેરના પડછાયામાં પથરાયેલો ગ્રામ્ય વિસ્તાર પૂરો થયો. એપછી શરૃ થયું પ્રકૃતિનું નવું સ્વરૃપ. એ સ્વરૃપ એટલે રણ-પ્રદેશ. એક તો રસ્તા સાવ ખાલી અને બંને બાજુ રેતીના ઢૂવા. લગભગ નિર્જન કહી શકાય એવો વિસ્તાર. ડામરનો રોડ આમ તો કાળા કલરનો હોય, પણ અહીં પીળો પડી ગયો હતો. કારણ? રણની રેતી આમથી તેમ ઊડયા કરે, ઢૂવા રસ્તા પર પણ ખડકાય, વળી રેતી ઊડે એટલે રસ્તો સાફ થાય. એ રેતીનો કલર છેવટે રસ્તા પર પોતાની છાપ છોડી જાય. એટલે કોઈ પણ સમયે તનોટમાતાના રસ્તાનો કલર તો રેતી સાથે ઓતપ્રોત થયેલો જ જોવા મળવાનો.

જગતના નવમા સૌથી મોટા રણનું સૌંદર્ય અમારી સામે હતું. રેતીના ઢગલા ઉપર ક્યાંક ક્યાંક ગાંડો બાવળ ઉગેલો, એ સિવાયની વનસ્પતિની તો આશા કેમ રાખી શકીએ? પવન સૂસવાટા મારતો હતો અને એ વચ્ચેથી અમારી ગાડી હવા કાપતી પસાર થઈ રહી હતી. રસ્તા પર ડામર ઓછો અને મૃગજળ વધારે દેખાતું હતું. અમારે સામ સેન્ડ-ડયુન્સમાં જોવા હતા એવા ઢૂવાઓનો અહીં પાર ન હતો.

અમારો વિચાર હતો કે એકાદ ઢૂવા પાસે ગાડી ઊભી રાખીને જાત-અનુભવ લઈએ. પરંતુ અમે કયા ઢૂવા પર ચડવું, 50-60 ફીટ ઊંચા ઢૂવા પર ચડવામાં ખતરો કેવો હોઈ શકે તેની ચર્ચા કરવી, રેતીમાં પગ ખૂંપવા માંડે તો શું કરવું, ઢૂવા પર ચડતી વખતે જ પવન વધારે આક્રમક બને તો…વગેરે પ્રશ્નોની ચર્ચા કરતા હતા. અમારી એ ચર્ચા જોકે ફાલતુ હતી. કેમ કે આ રેતીમાં એવો કોઈ ખાસ ખતરો ન હતો. એ વાતની અમને ક્યાંથી ખબર હોય?

અમે ઢૂવા પાસે પહોંચીએ એ પહેલા ઢૂવો જ અમારી પાસે આવી પહોંચ્યો. એટલે કે એક ઢૂવાનો છેડો છેક રસ્તાની મધ્ય સુધી લંબાતો હતો. જેથોડાં-ઘણાં વાહનો આ રસ્તેથી પસાર થતાં હતાં એ બાજુમાંથી ધીમેથી પસાર થતાં હતાં. અમે એઢૂવાની જ મુલાકાત લેવાનું નક્કી કર્યું. ગાડી બાજુમાં ઊભી રાખી ત્યાં જ અમને ઢૂવા પર ચડવામાં ખતરો નથી એવું સર્ટિફિકેટ મળી ગયું, કેમ કે ત્યાંના ગામના બાળકો ઢૂવા પર ચડીને રમતાં હતા.

અમે બાળકોની માફક ઉપર ચડયા, રેતીના વિવિધ રંગો તપાસ્યા કેમ કે દૂરથી એકરંગી દેખાતા રેતીના કણો પણ પચરંગી હતા. બાળકો સાથે વાતો કરી, ઉપરથી દેખાતું અફાટ રણ જોયું. ઉપરથી જોયું તો થોડે દૂર છૂટાં-છવાયાં પાંચ-સાત મકાનો નજરે પડયાં. બાળકોને પૂછયું તો એમણે કહ્યું કે આ તો અમારું ગામ છે. આવું ગામ હોય? ગણીને પાંચ-સાત મકાન હતાં. એ પણ એકબીજાંથી ખાસ્સાં દૂર. રસ્તાના કાંઠે સૌથી પહેલું એક બાંધકામ હતું. અે જોકે મકાન નહીં, પણ જનરેટરની ઑફિસ હતી. અહીં લાઇટ માટે આ જનરેટર સિવાય કોઈ વિકલ્પ ન હતો.

રખેવાળી માટે નજીકમાં ચોકીદારની ઓરડી હતી. તેણે ચા-પાણીનું પૂછયું. થોડી વાતો કરી અને આવાં ગામો પણ હજુ ભારતમાં છે. એવાઅમારા કેટલાક મિત્રોના અચરજભાવ સાથે ત્યાંથી રવાના થયા. વહેલું આવે તનોટ.

રાઇફલના બદલે હાથમાં પૂજાની થાળી

અઢી-ત્રણ કલાક પછી આખરે નિર્જન વિસ્તાર વચ્ચે થોડું બાંધકામ દેખાવાની શરૃઆત થઈ. એ તનોટ મંદિર અને આસપાસ વસેલાં ગામો હતાં. લશ્કરના વિવિધ પ્રકારનાં બાંધકામો, લશ્કરી જવાનોની આવન-જાવન…વગેરે ચહલ-પહલ વચ્ચે અમે ગાડી પાર્ક કરી મંદિર તરફ આગળ વધ્યા. મોટા કદનાં બકરાં આટાં મારતાં જોઈ કેટલાક મિત્રોએ શંકા પણ વ્યક્ત કરી કે આ ક્યાંક પાકિસ્તાની જાસૂસો તો નથી ને!

તનોટ માતા મંદિર

મંદિરના પ્રાંગણમાં જ તનોટ માતાનો ઇતિહાસ લખ્યો હતો. એપ્રમાણે પાકિસ્તાનમાં આવેલા હિંગળાજ માતાજીનું જ આ એક સ્વરૃપ છે. મંદિરના પ્રાંગણમાં હળવો કોલાહલ થતો હતો, ધજાઓ પવનમાં ફરફરતી હતી, ઘંટારવનો પણ ધીમો અવાજ આવતો હતો. એ બધું જોતાં અમે મંદિરની લાંબી પરસાળમાં પ્રવેશ્યા. એસાથે જ અમને એક પછી એક સરપ્રાઇઝ મળવાની શરૃઆત થઈ.

સાૈથી પહેલું સરપ્રાઇઝ તો એ કે લાંબી પરસાળના અંતે ગર્ભગૃહ હતું, પણ વચ્ચે ક્યાંય મંદિર-સહજ ગંદકી ન હતી. વધુમાં મંદિરમાં સામાન્ય નાગરિકો ઓછા અને બીએસએફના જવાનો વધારે હતા. અમેઆગળ વધ્યા એટલે ધીમે ધીમે સુવાસ ફેલાવતી એક ધૂણી જોવા મળી. અેમાં કેટલાક ત્રિશૂલ ખોડેલા હતા. એ પછી મંદિરનું ગર્ભગૃહ હતું, જ્યાં પૂજા સહિતની કામગીરી બીએસએફના જવાનો જ કરતાં હતા. વાહ! હાથમાં ‘ઇન્સાસ’ કે ‘એક-47’ લેવા ટેવાયેલા જવાનો સવાર-સાંજ પૂજાની થાળી, હાથમાં ઝાંઝ-પખવાજ લઈને બુલંદ અવાજે ગાતા ગાતા પૂજાવિધિ કરે છે.

ફૂટેલી પાકિસ્તાની તોપ

મંદિરનું મહત્ત્વ એ વાતે વધ્યું છે કે અહીં દુશ્મનોના ગોળા-બારૃદ નિષ્ફળ નીવડયા છે. 1965 અને પછી 1971ના યુદ્ધ વખતે પાકિસ્તાને આ વિસ્તારમાં જબરદસ્ત તોપમારો કર્યો હતો. બંને યુદ્ધમાં કુલ મળીને 3 હજારથી વધુ ગોળા-શસ્ત્રો આ મંદિર તથા આસપાસના વિસ્તારમાં ફેંકાયા. પણ ફૂટયાં કેટલાં? મંદિરના પ્રાંગણમાં તો એકેય નહીં. આસપાસમાં કેટલાક ગોળા ફૂટયા, પણ કોઈ નુકસાન કરી ન શક્યા. મંદિરના પ્રાંગણમાં એક ઊંટ ઊભું હતું. તેના પૂંછડા સાથે એક ગોળો અથડાયો પણ એય ફૂટયો તો નહીં જ!

એ પછીઆ મંદિરનું રક્ષણ માતાજીએ કર્યું એવી વાત ફેલાતા વાર ન લાગી. બૉર્ડર ફોર્સના જવાનોની પણ શ્રદ્ધા વધી ગઈ. ભારતીય લશ્કરે ન ફૂટેલા પાકિસ્તાની તોપ-ગોળા એકઠા કર્યા. તેમાંથી 9 ગોળા અહીં મંદિરમાં ગર્ભગૃહની બાજુમાં શો-કેશમાં પ્રદર્શિત કરાયા છે. સાથે સાથે યુદ્ધની શૌર્યગાથા રજૂ કરતાં ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજો પણ રજૂ કર્યા છે.

કેટલાક ગોળા લશ્કરે પોતાના અભ્યાસ માટે રાખ્યા હશે, બાકીના પાકિસ્તાનને પરત કરી દીધા. અહીં રહેલા ગોળા હવે ફૂટે એમ નથી કેમ કે તેનો વિસ્ફોટક પદાર્થ તો બહુ પહેલેથી કાઢી નાખવામાં આવ્યો છે. આજેતો આ મંદિર તેની વિશિષ્ટતાને કારણે ઘણું પ્રચલિત છે. ઈશ્વર સાથે મોતનો અનુભવ કરાવતા ગોળા બીજે જોવા પણ ક્યાં મળે? અમે પણ એ બધી વાતોથી ધન્યતા અનુભવી રહ્યા હતા.

દરમિયાન મંદિરમાં જવાનો કૃષ્ણજન્મોત્સવની તૈયારી કરી રહ્યા હતા. અમારા મિત્રો તેમની પાસે પહોંચી ગયા. જવાનો સાથે વાતો કરી કામમાં મદદ કરવા લાગ્યા. સામાન્ય રીતે મંદિરોમાં ભક્તોને ઈશ્વરોથી દૂર રાખવા માટે મંદિરના ઠેકેદારો પૂરતો પ્રયાસ કરતાં હોય છે. અહીં એવી કોઈ જફા ન હતી.

પાકિસ્તાની સૈનિકો પણ જેની પૂજા કરે છે…

સામાન્ય મંદિરોમાં સામાન્ય નાગરિકો બાધા-માનતા માટે આવે, તો અહીં સૈનિકો પોતાની માનતા કરવા આવે છે. ભારતના જવાનો તો આવે એમાં નવાઈ નથી, પરંતુ પાકિસ્તાની સૈનિકોએ પણ અહીં માથું ટેકવ્યાના દાખલા નોેંધાયા છે. 1965ના યુદ્ધ વખતે ગોળાબારી કર્યા પછી પણ મંદિરને કંઈ ન થયું. એ વાતની પ્રભાવિત થઈને એ પછી પાકિસ્તાની બ્રિગેડિયર શાહનવાજ ખાન આ મંદિરે ખાસ છત્ર ચડાવવા આવ્યા હતા.

તનોટ ગામનું નામ છે અને તેની વસતી 500થી વધારે નથી. દૂર, સાવ છેવાડે કહી શકાય એવા ગામે સ્વાભાવિક રીતે જ સુવિધાઓ પહોંચી શકી નથી. આવા છૂટા-છવાયાં ઘણાં ગામો રણના ઢૂવા પાછળ છુપાયેલાં પડયાં છે. ત્યાં શિક્ષણ, મેડિકલ કૅમ્પ વગેરે સમાજોપયોગી પ્રવૃત્તિ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. અહીં શ્રદ્ધાળુઓ રહી શકે એવી પૂરતી સગવડ છે. જોકે ત્યાં ખાસ સામગ્રી મળી શકે એવી દુકાનો નથી એટલે જરૃરી ચીજો જેસલમેરથી સાથે લેવી રહી.

તનોટની બાજુમાં જ લોંગવાલા ચેકપોસ્ટ છે. અહીં આવતા પ્રવાસીઓ લોંગેવાલા અને ખાસ તો ત્યાં પાકિસ્તાન પાસેથી કબજે લીધેલી રણગાડી જોવા અચૂક જાય છે. બાઇકિંગના શોખીનો માટે આ રૃટ ફેવરિટ છે.

અમે પણ અહીં નિરાંતે ફર્યા, કેમ કે આખો વિસ્તાર જ નિરાંતનો છે. અહીં કોઈ ઇચ્છે તો પણ ઉતાવળ કરવાનું કોઈ કારણ મળતું નથી. અામ-તેમ આંટાફેરા કરી અમે પરત ગાડીમાં સવાર થયા અને રણના ઢૂવા વચ્ચેથી પસાર થતાં ફરી જેસલમેર તરફ આવવા રવાના થયા.

જેસલમેરમાં જ બપોરા કર્યા પછી અમદાવાદ તરફ અમારી ગાડી આગળ વધી. રસ્તામાં એક સ્થળે કદાવર રાજસ્થાની પથ્થરો કપાતા હતા. માર્લબના ઉત્પાદન માટે રાજસ્થાન જાણીતું છે. આ પથ્થર જોકે ઍક્ઝેટ માર્બલના નહીં પણ બીજા પ્રકારના સ્ટોન પેદા કરવા માટેના હતા. વિશાળ પથ્થરને કાપવા માટે અહીં વિશાળ ચકરડી હતી. અમે એ સ્થળના સંચાલક-માલિકને પૂછીને પથ્થર-કટિંગ જગ્યામાં આંટો મારી લીધો. એ સાથે જ રણમાં રખડવાનો પ્રવાસ પૂરો થયો.

પ્રવાસ માહિતી

  • જેસલમેર રાજસ્થાનના પશ્ચિમ ભાગે છે, એટલે અમદાવાદથી દૂર થાય છે એમ જયપુરથી પણ 575 કિલોમીટર દૂર છે. ગુજરાતથી ત્યાં જવા માટે રોડ માર્ગ બાડમેર થઈને જઈ શકાય છે. અમદાવાદથી ટ્રેન પણ ઉપબ્ધ છે. જોધપુર જોકે નજીક છે, પણ તોય પોણા ત્રણસો કિલોમીટર તો ખરું જ.
  • ચારે બાજુ રેતી હોવાથી અહીં રણ પ્રવાસની જ બોલબાલા છે. રણમાં જીપ ચલાવવી, ઊંટ સફર કરવી, ડેઝર્ટ સફારી પર જવું, રણમાં તાણેલા તંબુમાં રાતવાસો કરવો, રાજસ્થાની સંગીત માણવું…વગેરે વિકલ્પો અહીં ઉપલબ્ધ છે.
  • જેમને ભીડભાડ ઓછી પસંદ હોય એમને જેસલમેર વધારે માફક આવે એવું છે. અહીં સામાન્ય રીતે પ્રવાસીઓની ભીડ થતી જ નથી. અલબત્ત, ઉનાળામાં રણનું તાપમાન આકરું હોય એટલે પ્રવાસ મુશ્કેલ બને.
  • જેસલમેરથી તનોટ જતી વખતે વાહનમાં પૂરતું બળતણ અને ખાવા-પીવાની સામગ્રી હોવી જોઈએ, કેમ કે રસ્તામાં કંઈ મળે ખરાં, ન પણ મળે.

– લલિત ખંભાયતા

પુસ્તક ‘રખડે એ રાજા’ માંથી સાભાર, અક્ષરનાદને આ પુસ્તક ભેટ આપવા બદલ શ્રી લલિતભાઈ ખંભાયતાનો ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ..

પુસ્તકપ્રાપ્તિની વિગતો –
પ્રકાશક – બુકશેલ્ફ, અમદાવાદ.
પુસ્તકની કિંમત – ૨૨૫/- રૂ.,
પ્રાપ્તિસ્થાન – ૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી.રોડ, નવરંગપુરા, અમદાવાદ,
સંપર્ક – 079-26441826,
બુકશેલ્ફની વેબસાઈટ પરથી ઓનલાઈન ઓર્ડર માટે
Click Here


8 thoughts on “જેસલમેર : રણની રેતને ખાળતું નગર મળે.. – લલિત ખંભાયતા