વલસાડી હાઇકુ – સંકલિત 4


અનેકવિધ સર્જકો જેમ કે ઉશનસ, આશા વીરેન્દ્ર, પ્રા. મનોજ દરૂ, બકુલા ઘાસવાલા, પરિતોષ ભટ્ટ, અશ્વિન દેસાઈ, ડૉ. અરૂણિકા દરૂ અને રમેશ ચાંપાનેરીના કુલ કુલ ૩૨ હાઈકુનું સંકલન જે પુસ્તક ‘વલસાડી હાઇકુ – ૨’ ઓગસ્ટ ૨૦૧૫ અંક, ‘સંસ્કારમિલન’ના અનિયતકાલિક ‘મિલન’ નો હાઈકુ વિશેષાંકમાંથી સાભાર લીધા છે.

ફરૂક્ કરતું
ખેતરમાંથી ઊડ્યું
કણસલું કો!

કાલે ખેતરે
ગાડું, ને આજે તો, લો
ખેતર ગાડે!

શશિકલાને
ફૂંક મારું કે
પૂર્ણિમા – ફુગ્ગો!

ડાળથી છેલ્લું
ખરે પર્ણ; પછી યે
ખરે શૂન્યતા!

વૃક્ષથી ખર્યું
પર્ણ, પર્ણપે ભાર
પંખી રવનો;

મધ્યાહનઃ વડ
નીચે કૂંડાળે વળ્યું
છાયાનું ધણ

– ઉશનસ

સત્તરાક્ષરી,
કાગળ પર કેવા,
તેજ લિસોટા!

વાદળી દોડી,
પર્વ શિખર પે
તરતી હોડી!

વાંચ્યો કાગળ
માડીનો, આંખે બાઝ્યા
આસુંપડળ

કોશિશ કરી
તરવાને જ માટે
ને લાશ તરે

– ડૉ. અરૂણિકા દરૂ

જીવન કેવું
ઇશારો કરે પર્ણ
પતન થતું

ડૂસકાં ભરે
ઉદાસ ગાંઘી-કથા
ટહુકો ડૂબે

છોડી ખારાશ
ગગને જઈ ઠરે
વરસે અમી

ન કોઈ છાંયો
હેબતાયું કફન
નનામી રડે

– અશ્વિન દેસાઈ

તેજ લીસોટો
પાથરી, કોઈ ગયું
ક્યાં છે સંતાઈ?

ફૂંક ન મારો
રાખ ઊડશે પછી
બળશે આંખો

થોડો ઉજાસ
માંગું આગિયા પાસ
દેશે ઉધાર?

આભને આંબું
મનમાં ઘણું થાતું
કેડી ના જડે

ગાંધીના ચશ્માં
પ્હેરી શકો તમે, જો
દ્રષ્ટિ બદલો

– આશા વીરેન્દ્ર

દિલ દુઃખે છે
પોતાના જ પારકાં
બન છે જ્યારે

દીકરી તો છે
વહાલનો દરિયો
કૂપા પ્રભુની

– પરિતોષ ભટ્ટ

ગર્ભદીપમાં
સ્ફૂટ્યો બ્રહ્મનાદ ને
ગુંજ્યો ગરબો!

અગ્નિની શાખે
સાત પગલાં સાથે
અદ્વૈત સખ્ય

તારા મૈત્રક
ઊભયનું, સર્જાયું
મંગળ લગ્ન

– બકુલા ઘાસવાલા

દીવડો બળે
ને આકાશ પ્રજ્વળે,
નીચે અંધારું

મુખકમલ
પર નેત્રકમલ
વાહ કલ્પના!

આંખ્યુના બાણે
વીંધી નાખ્યું હદય
એક પળમાં

આંખો મેં મીંચી
જોયું તો અંતરમાં
પ્રકાશપુંજ

– પ્રા. મનોજ દરૂ

સંગાથ તારો
ભયો ભયો, મારે તો
ખોબામાં વિશ્વ

શ્રદ્ધા જાગીને
આકાશ હેઠે આવ્યું
સૌના સંગાથે

સૂકી ડાળમાં
કૂંપળ ફૂટી ને મેં
વસંત જોઈ

મગજ નહીં
હદય તપાસી જો
મળી જઈશ

– રમેશ ચાંપાનેરી


Leave a Reply to હર્ષદ દવે Cancel reply

4 thoughts on “વલસાડી હાઇકુ – સંકલિત

 • vimala

  ફરૂક કરતું
  ખેતરમાંથી ઊડ્યું
  કણસલું કો!

  કાલે ખેતર
  ગાડું,ને આજે તો, લો
  ખેતર ગાડે!

  તેજ લિસોટો
  પાથરી, કોઇ ગયું
  ક્યાં છે સંતાઈ?

  મગજ નહીં
  હદય તપાસી જો
  મળી જઈશ.

  વાહ…! આ અને બધા જ “વલસાડી હાઇકુ” માટે વાહ,વાહ……

 • હર્ષદ દવે

  હાઈકુ કાવ્ય પ્રકાર છે અને માઈક્રો સર્જન પણ…અંતરતમને સ્પર્શે તે સાહિત્યનો જ પ્રકાર છે…સાહિત્યને ગ્રામ સંગ્રામના સીમાડે ‘વલસાડી’ કહીને શાને તાણી લાવ્યા હશે એવો પ્રશ્ન થાય…પરંતુ કેટલાક પ્રશ્નો અનુત્તર રહેવાને જ સર્જાયા હશે!

  • Kalidas V.Patel { Vagosana }

   સચોટ હાયકુ … મજા આવી ગઈ.
   એક મારું હાયકુઃ
   ન્યાય … !
   લેતાં લાંચ ,હું
   પકડાયો, છૂટ્યો
   લાંચ આપતાં
   કાલિદાસ વ. પટેલ{વાગોસણા}