શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (ઉપસંહાર) 2


હાલ અક્ષરનાદ પર પ્રકાશિત થઈ રહેલી આ કૃતિ ‘શિન્ડલર્સ લિસ્ટ’ ગુજરાતી ભાષામાં પુસ્તકાકારે પ્રકાશિત થઈ રહ્યું છે. ઘણા મિત્રોએ પુસ્તકાકારે મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અક્ષરનાદ પર પૂર્ણાહુતી થયા બાદ, એટલે કે આશરે દોઢ-બે મહિના બાદ આ કૃતિ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થશે. પ્રથમ તબક્કામાં બૂક કરાવનાર મિત્રો-રસિકોને આ પુસ્તક પડતર કિંમત વત્તા પોસ્ટેજ સાથે ઉપલબ્ધ કરવાની નેમ છે. હાલ માત્ર ફેસબુક પર અશ્વિનભાઈના મેસેજ બોક્સમાં કે અહીં કમેન્ટબોક્સમાં જાણ કરશો. પ્રકાશન થયે તુરંત મિત્રોને એ વિશે જાણ કરીશું.


ઉપસંહાર

ઓસ્કરની ચડતીના દિવસો હવે પૂરા થઈ ચૂક્યા હતા. યુદ્ધે તેને ચડતીના દિવસો દેખાડ્યા હતા એ રીતે શાંતિનો સમય તેને ક્યારેય ચડતી આપવાનો ન હતો! ઓસ્કર અને એમિલિ હવે જર્મનીના મ્યુનિકમાં પહોંચી ગયા હતા. થોડો સમય તેઓ રોસનર બંધુની સાથે રહ્યા હતા, કારણે કે હેનરી અને તેનો ભાઈ મ્યુનિકના એક રેસ્ટોરન્ટમાં સંગીત પીરસવા માટે જોડાઈ ગયા હતા, અને ઠીક-ઠીક સમૃદ્ધ પણ થઈ ગયા હતા! રોસનરના સાંકડા અને ખીચોખીચ એપાર્ટમેન્ટમાં એક જૂનો કેદી ઓસ્કરને મળ્યો ત્યારે તેનો ફાટેલો કોટ જોઈને એ આઘાત પામી ગયો હતો! ક્રેકોવ અને મોરાવિયાની તેની સંપત્તિ તો રશિયનોએ કબજે લઈ લીધી હતી અને બચેલું ઝવેરાત ખાવા-પીવામાં વપરાઈ ગયું હતું. ફિજનબમ કુટુંબ મ્યુનિકમાં આવ્યું ત્યારે તેઓ ઓસ્કરની નવીનતમ પ્રેમિકાને મળ્યા હતા! એ યહૂદી છોકરી બ્રિનલિટ્ઝમાંના બચી ગયેલાઓમાંની કોઈ ન હતી, પરંતુ તેના કરતાં પણ ખરાબ છાવણીમાં રહીને આવી હતી! ઓસ્કરને મળવા આવનારા લોકો, ઓસ્કરની આવી નબળાઈઓને કારણે એમિલિ માટે શરમ અનુભવતા હતા.

ઓસ્કર તો હજુ પણ બધા માટે એવો જ અત્યંત ઉદાર મિત્ર રહ્યો હતો, અને બીજાને સરળતાથી ન મળી શકે એવી વસ્તુઓ બહુ આસાનીથી શોધી કાઢતો હતો! આખાયે મ્યુનિકમાં ચીકનની તંગી હતી ત્યારે ઓસ્કર ક્યાંકથી ચીકન શોધી કાઢતો હોવાની વાત હેનરી રોસનર યાદ કરે છે. રોસનર બંધુઓ, ફેફરબર્ગ દંપતિ, ફિજનબમ અને સ્ટર્નબર્ગ દંપતિ જેવાં તેની સાથે જ જર્મનીમાં આવેલાં યહૂદીઓની સાથે જ એ રહેતો હતો. કોઈ શંકાશીલ માણસ એમ પણ કહી શકે, કે એ સમયે કોન્સનટ્રેશન કેમ્પ સાથે સંકળાયેલા જર્મનો સંરક્ષણાત્મક કવચ મેળવવા માટે પોતાના યહૂદી મિત્રોની સાથે જ રહે એ જ ઉચિત હતું! પરંતુ ઓસ્કરનો આ આધાર આ પ્રકારની વ્યક્તિગત ચાલાકીથી ઘણો આગળ નીકળી ચૂક્યો હતો. શિન્ડલરના કેદીઓ જ હવે તો તેનું કુટુંબ બની ગયા હતા!

એ બધું ચાલી રહ્યું હતું ત્યારે, દકાઉની જેલનો એક કેદી આગલા ફેબ્રુઆરીમાં ‘બેદ તોલ્ઝ’ ખાતે એસએસ સેનેટોરિયમમાં દરદી તરીકે દાખલ થયો, ત્યારે જનરલ પેટનના અમેરિકન સૈનિકોના હાથે એમોન ગેટેની ધરપકડ થયાના સમાચાર તેને મળ્યા હતા. યુદ્ધ પૂરું થયે એમોનને નવી પોલિશ સરકારના હાથમાં સોંપી દેવામાં આવ્યો હતો! હકીકતે, ચૂકાદો સંભળાવવા માટે પોલેન્ડ મોકલવામાં આવેલો પહેલો જર્મન એમોન હતો! કેટલાયે જૂના કેદીઓને આ સુનવણી માટે સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યા હતા, અને હેલન હર્ષ અને ઓસ્કર શિન્ડલર પોતાનો બચાવ કરશે એમ માનીને એમોને તેમને પોતાના સાક્ષી તરીકે બોલાવ્યાં હતાં! સુનવણી સાંભળવા માટે ઓસ્કર તો ક્રેકોવ ગયો ન હતો. પરંતુ ત્યાં ગયેલા અન્ય કેદીઓએ જોયેલું કે ડાયાબિટિસને કારણે દૂબળા પડી ગયેલા એમોને સૌમ્ય ભાષામાં, પરંતુ કોઈ જાતના પ્રશ્વાતાપ વગર પોતાનો બચાવ રજુ કર્યો હતો. તેણે એવો દાવો કર્યો હતો કે તેણે કરેલી હત્યાઓ અને દેશવટાના હુકમો પર તેના ઉપરીઓએ સહી હરેલી હોવાથી, એ બધા જ ગુના તેના ઉપરીઓના ગણાવા જોઈએ, તેના પોતાના નહીં! એણે કહેલું કે કમાન્ડન્ટ તરીકે તેણે કરેલી હત્યાઓની વાતો, કેદીઓએ તેના પર દ્વેષ રાખીને કરેલી અતિશયોક્તિ માત્ર હતી! એ ખરું, કે કેટલાક ભાંગફોડિયા કેદીઓને મારી નાખવામાં આવ્યા હતા! પરંતુ યુદ્ધમાં તો કોઈને કોઈ ભાંગફોડિયા હોય જ છે!

કોર્ટ સમક્ષ સાક્ષી આપવા માટે પોતાને બોલાવવામાં આવે તેની રાહ જોઈ રહેલા મિતિક પેમ્પરની બાજુમાં પ્લાઝોવનો એક અન્ય કેદી પણ બેઠો હતો. કઠોડામાં બેઠેલા એમોનની સામે તાકીને એ કેદી મિતિકના કાનમાં ગણગણ્યો હતો, “આ માણસનો મને આજે પણ ડર લાગે છે!” પરંતુ સૌથી પહેલા સાક્ષી તરીકે પેમ્પરે કઠોડામાં ઊભા રહીને એમોને કરેલા ગુનાઓની સંપૂર્ણ યાદી આબેહૂબ રજુ કરી આપી હતી! તેના પછી ડૉ. બાઇબર્સ્ટેઇન અને હેલન હર્ષ તથા અન્ય લોકો પણ હતાં, જેમની યાદશક્તિમાં એ ઘટનાઓ ચોકસાઈ અને ઊંડી પીડા સાથે કોતરાઈ ગયેલી હતી. સપ્ટેમ્બર ૧૩, ૧૯૪૬ના દિવસે એમોનને ક્રેકોવમાં જ મૃત્યુપર્યંત ફાંસીને માચડે લટકાવી દેવામાં આવ્યો હતો. એ દિવસે વિયેનાની અંદર કાળાબજારના આરોપસર એસએસ દ્વારા એમોનની ધરપકડ થયાને બરાબર બે વર્ષ પૂરા થઈ રહ્યાં હતાં! ક્રેકોવના અખબારોમાં છપાયા મુજબ, પોતાના કૃત્યો માટે કોઈ પ્રકારના ખેદ વગર પોતાના મૃત્યુ પહેલાં રાષ્ટ્રિય સમાજવાદીઓને સલામી આપ્યા પછી એમોન ફાંસીને માચડે ચડી ગયો હતો! અમેરિકનો દ્વારા અટકાયતમાં રાખવામાં આવેલા કમાન્ડન્ટ લિઓપોલ્દને ઓસ્કરે જ મ્યુનિકમાં ઓળખી બતાવ્યો હતો! કોર્ટમાં યોજવામાં આવેલી ઓળખપરેડ વખતે ઓસ્કરની સાથે ગયેલા બ્રિનલિટ્ઝના એક કેદીએ કહેલું કે ઓસ્કરે લિઓપોલ્દને પૂછેલું, “તું ઇચ્છે છે કે હું તારી ઓળખાણ આપું! કે પછી તું નીચે શેરીમાં ગુસ્સે થઈને ઊભેલા પચાસ યહૂદીઓ પર આખી વાત છોડી દેવા માગે છે?” લિઓપોલ્ડને પણ ફાંસીની સજા આપવામાં આવી હતી, બ્રિનલિટ્ઝમાંના તેના ગુનાઓ માટે નહીં, પરંતુ એ પહેલાં બઝદિનમાં એણે કરેલા ગુનાઓ માટે!

ઓસ્કરે આર્જેન્ટિનામાં ન્યુટ્રિયાનો ઉછેર કરનાર ખેડુત બનવાની યોજના કદાચ અગાઉથી જ વિચારી રાખી હતી. ન્યુટ્રિયા નામના સાઉથ અમેરિકન દરિયાઈ ઊંદર તેની કિંમતી ચામડી માટે જાણીતા હતા. ઓસ્કરને લાગ્યું કે જે પ્રકારની આર્થિક તકોને કારણે ૧૯૩૯માં તે ક્રેકોવમાં સ્થાયી થઈ શક્યો હતો, એવી જ આર્થિક તકો તેને એટલાન્ટિક પાર પણ બોલાવી રહી હતી! એ પોતે તો હવે અકિંચન હતો. પરંતુ જોઇન્ટ ડિસ્ટ્રિબ્યૂશન કમિટિ નામના આંતરરાષ્ટ્રીય યહૂદી સંગઠનને યુદ્ધ દરમ્યાન ઓસ્કરે અહેવાલ મોકલ્યો હતો, અને તેમની પાસે ઓસ્કર વિશે જાણકારી પણ હતી. એ સંસ્થા ઓસ્કરને મદદ કરવા ઇચ્છતી હતી. ૧૯૪૯માં એમણે ઓસ્કરને રહેમ રાહે ૧૫૦૦૦ અમેરિકન ડૉલર ચૂકવ્યા હતા, અને સાથે-સાથે જોઇન્ટ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના વાઇસ-ચેરમેન એમ. ડબ્લ્યુ. બેકલમેન દ્વારા સહી કરેલ પ્રમાણપત્ર પણ લખી આપ્યું હતું (“જેને લાગુ પડે તેમ હોય તેને”)! એ પ્રમાણપત્રમાં લખ્યું હતું કેઃ

“અમેરિકન જોઇન્ટ ડિસ્ટ્રિબ્યૂશન કમિટિએ શ્રી શિન્ડલરની યુદ્ધ સમયની અને વ્યવસાયલક્ષી કાર્યવાહીને ઝીણવટપૂર્વક ચકાસી છે… આ સાથે અમે હૃદયપૂર્વક ભલામણ કરીએ છીએ કે શ્રી શિન્ડલર દ્વારા જે કોઈ સંસ્થાઓ અને વ્યક્તિઓનો સંપર્ક કરવામાં આવે, તેમણે શ્રી શિન્ડલરની ઉત્કૃષ્ટ સેવાઓના બદલામાં, તેમને મદદ કરવા માટે જે કંઈ પણ શક્ય હોય તે બધું જ કરી છૂટવું. પહેલાં પોલેન્ડમાં અને પછી જર્મન કબજા હેઠળના ચેક વિસ્તારમાં નાઝી લેબર ફેક્ટરી ચલાવવાના બહાના હેઠળ શ્રી શિન્ડલરે યહૂદી સ્ત્રીઓ અને પુરુષોને ફેક્ટરી કામદાર તરીકે રાખીને તેમને ઓસ્ટવિટ્ઝ અને અન્ય કુખ્યાત કોન્સન્ટ્રેશન કેમ્પોમાં મૃત્યુના મોંમાં જતાં બચાવી લીધાં હતાં. સાક્ષીઓએ જોઇન્ટ ડિસ્ટ્રિબ્યૂશન કમિટિને કહ્યું છે કે બ્રિનલિટ્ઝની શિન્ડલરની છાવણી, એ નાઝીઓ દ્વારા કબજે લેવાયેલા વિસ્તારોમાંની એક માત્ર એવી છાવણી હતી જ્યાં ક્યારેય યહૂદીઓની હત્યા ન થઈ હતી, કે તેમને માર પણ મારવામાં આવ્યો ન હતો! યહૂદીઓને આ છાવણીમાં હંમેશા એક માણસ ગણીને જ વ્યવહાર કરવામાં આવ્યો હતો.

આજે જ્યારે શ્રી શિન્ડલર પોતાનું નવું જીવન શરૂ કરવા જઈ રહ્યા છે, ત્યારે તેમણે એક સમયે જે રીતે આપણા ભાઈઓને મદદ કરી હતી એ જ રીતે આવો, આપણે પણ તેમને મદદરૂપ થઈએ.”

જહાજમાં બેસીને ઓસ્કર આર્જેન્ટિના પહોંચ્યો ત્યારે જેલમાંના છ યહૂદી કુટુંબોને પણ તે પોતાની સાથે લઈ ગયો હતો. તેમની મુસાફરીનો ખર્ચ પણ તેણે જ ભોગવ્યો હતો. એમિલિ સાથે એ ‘બ્યુનસ એઇર્સ’ વિસ્તારમાં એક ખેતરમાં સ્થાયી થયો અને લગભગ દસ વર્ષ સુધી તેણે ત્યાં જ કામ કર્યું. તેણે બચાવેલા કેટલાયે યહૂદીઓમાંથી ઘણા આ આખાયે સમય દરમ્યાન તેને મળ્યા જ ન હતા! તેમના માટે તો એક ખેડુતના સ્વરૂપમાં ઓસ્કરની કલ્પના કરવી પણ અઘરી હતી, કારણ કે ઓસ્કર આ પ્રકારની એકધારી જિંદગીથી ક્યારેય ટેવાયેલો ન હતો! કેટલાક લોકો કહે છે કે એમેલિયા અને બ્રિનલિટ્ઝ આટલી હદે સફળ થયા હોય તો સ્ટર્ન અને બેંકર જેવા ઊંડું જ્ઞાન ધરાવતા માણસોને કારણે જ! આર્જેન્ટિનામાં ઓસ્કર પાસે તેની પત્નીની કુશાગ્ર બુદ્ધિ અને ગ્રામ્યજીવન માટે આવશ્યક મહેનત સિવાય આ પ્રકારના માણસોનો સાથ ન હતો! એક દસકા સુધી ઓસ્કરે ન્યુટ્રિયાનો ઉછેર કર્યો હતો. એ સમય દરમ્યાન એટલું સાબિત કરી શકાયું હતું કે ટ્રેપિંગને બદલે બ્રીડિંગ પદ્ધતિ દ્વારા વધારે ગુણવતાવાળી ચામડી ધરાવતાં ન્યુટ્રિયાને ઉછેરી શકાતા નથી! એ સમયે ન્યુટ્રિયાનો ઉછેર કરતી કંપનીઓમાંથી ઘણી નિષ્ફળ નીવડી હતી! ૧૯૫૭માં શિન્ડલરના ખેતરે નાદારી નોંધાવી. એમિલિ અને ઓસ્કર બ્યુનસ એઇર્સના એક દક્ષિણી પરગણા સેન વિસેન્ટમાં, બ્નાઈ બ્રિથ નામની યહૂદી સંસ્થા દ્વારા આપવામાં આવેલા મકાનમાં રહેવા ચાલ્યાં ગયાં. ઓસ્કરે થોડા સમય માટે સેલ્સ રીપ્રેસન્ટેટિવ તરીકે કામ કર્યું. જો કે ઓસ્કર એકાદ વર્ષમાં જ ત્યાંથી પાછો જર્મની ચાલ્યો ગયો, પરંતુ એમિલિ ત્યાં જ રહી ગઈ!

ફ્રેંકફર્ટમાં એક નાનકડા એપાર્ટમેન્ટમાં રહીને ઓસ્કરે એક સિમેન્ટ ફેક્ટરી ખરીદી શકાય એટલી મિલકત એકઠી કરી લીધી હતી. પોલિશ અને ચેકોસ્લોવેકિયાની તેની સંપત્તિમાં ગયેલા નુકસાનની ભરપાઈ પશ્ચિમ જર્મનીના નાણા મંત્રાલય પાસેથી મેળવવાની શક્યતા પણ તેણે ચકાસી જોઈ હતી!

પરંતુ તેના પ્રયત્નોનું કોઈ ખાસ ફળ તેને મળ્યું નહીં! ઓસ્કરે બચાવેલા યહૂદીઓ તો એમ જ માને છે, કે નાગરીક સેવાઓમાં વચ્ચેના હોદ્દાઓ પર રહેલા લોકોમાં હજુ પણ હિટલરવાદ બાકી રહ્યો હોવાને કારણે જ જર્મન સરકાર ઓસ્કરને તેનાં લેણાં નાણાં આપવામાં નિષ્ફળ રહી હતી! પરંતુ હકીકતે ઓસ્કરના દાવામાં કેટલીક ટેકનીકલ ખામીઓ રહી જવા પામી હતી, અને મંત્રાલય દ્વારા ઓસ્કર સાથે કરવામાં આવેલા પત્રવ્યવહારમાં કોઈ અમલદારી દ્વેષ શોધી કાઢવો શક્ય ન હતો.

શિન્ડલરનો સિમેન્ટનો વ્યવસાય, જોઇન્ટ ડિસ્ટ્રિબ્યૂશન કમિટિએ આપેલાં નાણાંની સાથે-સાથે, યુદ્ધ પછીના જર્મનીમાં સમૃદ્ધ થયેલા શિન્ડલરના કેટલાયે યહૂદીઓએ તેને ઉછીનાં આપેલાં નાણાં પર ઊભો કરવામાં આવ્યો હતો! જો કે તેના એ વ્યવસાયનો ઇતિહાસ તો બહુ જ ટૂંકો છે. ૧૯૬૧ સુધીમાં ઓસ્કર ફરીથી નાદાર થઈ ગયો હતો. ઉપરાછાપરી આવેલા આકરા શિયાળાને કારણે જર્મનીમાં બાંધકામ ઉદ્યોગ ખતમ થઈ ગયો હોવાથી ઓસ્કરની ફેક્ટરીને ફટકો પડ્યો હતો. પરંતુ શિન્ડલરના કેટલાક યહૂદીઓ માને છે કે ઓસ્કરની કંપનીની નિષ્ફળતા માટે તેની અધીરાઈ અને અશિસ્ત જ જવાબદાર હતા!

ઓસ્કર મુશ્કેલીમાં છે એ જાણીને ઇઝરાયલમાં સ્થાયી થયેલા ‘શિન્ડલરના યહૂદીઓએ’ એ વર્ષે તેને આવવા-જવાના ખર્ચની વ્યવસ્થા કરી આપીને ઇઝરાયલની મુલાકાતે આવવાનું આમંત્રણ આપ્યું. ઇઝરાયલમાંથી પ્રકાશિત થતાં પોલિશ ભાષાનાં છાપાંમાં એવી જાહેરાતો આપવામાં આવી હતી, કે જર્મન ઓસ્કર શિન્ડલરને ઓળખતા બ્રિનલિટ્ઝ કોન્સન્ટ્રેશન કેમ્પના જૂના કેદીઓએ છાપાંનો સંપર્ક કરવો! તેલ અવિવમાં ઓસ્કર શિન્ડલરનું બહુ ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓસ્કરે બચાવેલા યહૂદીઓના બાળકો ઓસ્કરને ઘેરી વળ્યા હતા! ઓસ્કર થોડો જાડો જરૂર થઈ ગયો હતો, પરંતુ તેને ઓળખતા લોકો કહે છે કે એ તો આજે પણ એ જ જૂનો અને અજેય ઓસ્કર હતો! તેની નિપુણ વિનોદવૃત્તિ, અમર્યાદ મોહકતા અને શરાબ માટેની તેની તૃષ્ણા, બબ્બે નાદારીને પાર કરીને પણ આ બધું જ એમનું એમ જળવાઈ રહ્યું હતું!

એ વર્ષ એડોલ્ફ આઇકમેનના મુકદ્દમાનું વર્ષ હતું, અને ઓસ્કરની ઈઝરાયલની મુલાકાતે આંતરાષ્ટ્રિય સમાચારપત્રોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. આઇકમેનના મુકદ્દમાની સુનવણીની સાંજે ‘લંડન ડેઇલી મેઇલ’ના સંવાદદાતાએ, બે અલગ-અલગ માણસોના અહેવાલો વચ્ચે રહેલા તફાવત ઉપર એક લેખ લખ્યો હતો; અને દાખલો આપવા માટે ઓસ્કરને મદદ કરવા માટે શિન્ડલરના યહૂદીઓએ કરેલી વિનંતીની પ્રસ્તાવના ટાંકીને લખ્યું હતું “આપણે ઈજિપ્તના દુઃખોને ભૂલ્યા નથી, આપણે હેમનને પણ ભૂલ્યા નથી અને આપણે હિટલરને પણ ભૂલ્યા નથી! આટઆટલા અન્યાયીઓની વચ્ચે, આવો આપણે એક ન્યાયી માણસને પણ ન ભૂલીએ! આવો આપણે ઓસ્કર શિન્ડલરને પણ યાદ કરીએ!”

હત્યાકાંડમાંથી બચી જનારા કેદીઓઓમાં પણ ઓસ્કરના પરોપકારી લેબર કેમ્પ બાબતે કેટલીક શંકા-કુશંકાઓ પ્રવર્તતી હતી, અને શિન્ડલરની જેરુસલેમની મુલાકાત સમયે એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો દ્વારા આ શંકા-કુશંકાને અવાજ પણ આપવામાં આવ્યો હતો! ઓસ્કરને પૂછવામાં આવ્યું હતું, “એવું કઈ રીતે બન્યું, કે તમે ક્રેકોવ વિસ્તારના બધા જ ઉચ્ચ એસએસ અધિકારીઓને ઓળખતા હતા?” તેમને જવાબ આપતાં ઓસ્કરે કહેલું, “ઇતિહાસના એ તબક્કે, યહૂદીઓના ભવિષ્ય બાબતે હું જેરુસલેમના મુખ્ય રેબી સાથે તો ચર્ચા ન જ કરી શકુંને!” ઓસ્કરના આર્જેન્ટિનાના વસવાટના અંતિમ તબક્કે, ‘યાદ વાસેમ’ના ડિપાર્ટમેન્ટ ઑફ ટેસ્ટિમનીઝે તેની પાસે ક્રેકોવ અને બ્રિનલિટ્ઝમાંની તેની પ્રવૃત્તિ બાબતે એક કેફિયત માગેલી, જે ઓસ્કરે આપેલી પણ ખરી! હવે ઇત્ઝાક સ્ટર્ન, જેકોબ સ્ટર્નબર્ગ અને મોશે બેજસ્કી (જે એક સમયે ઓસ્કર માટે ખોટા સ્ટેમ્પ બનાવનાર મુખ્ય કારીગર હતો, અને હવે એક આદરણીય વિદ્વાન વકીલ હતો), આ ત્રણેયના અંગત પ્રયત્નો અને તેમના પ્રભાવને કારણે જ ઓસ્કરને અધિકૃત રીતે બિરદાવવાના પ્રશ્નને ‘યાદ વાસેમ’ના બોર્ડ ઑફ ટ્રસ્ટીઝ દ્વારા હાથ પર લેવામાં આવ્યો હતો! બોર્ડના ચેરમેન હતા જસ્ટિસ લેન્દાઉ, જે આઇકમેનના મુકદ્દમાના પ્રિસાઇડિંગ જજ પણ હતા!

‘યાદ વાસેમ’ સંસ્થાએ ઓસ્કર વિશે સાહેદીઓ મંગાવી હતી. શિન્ડલરના યહૂદીઓએ તેમને વિપુલ પ્રમાણમાં સાહેદીઓ મોકલી પણ ખરી! વિપુલ પ્રમાણમાં આવેલી આ કેફિયતોમાં, ઓસ્કરને લગતી ચાર કેફિયતો બહુ જ મહત્ત્વ ધરાવે છે. ઓસ્કરની સહાય ન હોત તો પોતે મૃત્યુ પામ્યા હોત એવું જણાવવાની સાથે-સાથે આ ચારેય સાક્ષીઓ યુદ્ધની શરૂઆતના સમયે ઓસ્કરે અપનાવેલી વ્યાવસાયિક રીતભાતની ટીકા પણ કરે છે! એ ચાર ટીકાત્મક કેફિયતોમાંથી બે કેફિયતો પિતા-પુત્રની જોડીએ લખેલી છે જેમને આ પુસ્તકમાં અગાઉ ‘સી’ નામ વડે દર્શાવવામાં આવ્યા હતા. ક્રેકોવમાં આવેલી પિતા-પુત્રની એનેમલવેરની દુકાનમાં, ઓસ્કરે પોતાની સ્ત્રી-મિત્ર ઇન્ગ્રિડની નિમણુક એક ટ્ર્યુહેન્ડર (નિરીક્ષક) તરીકે કરાવી હતી. ત્રીજી કેફિયત ‘સી’ની સેક્રેટરીએ આપી હતી જેમાં ઓસ્કરે ‘સી’ને મુક્કા માર્યાના અને દમદાટી આપ્યાના આરોપો કર્યા હતા. આ બાબતે ઊડેલી વાતો સ્ટર્ને અગાઉ ૧૯૪૦માં ઓસ્કરને કહી હતી. ચોથી કેફિયત એક એવી વ્યક્તિએ આપી હતી જે યુદ્ધ પહેલાં ઓસ્કરની એનેમલની ફેક્ટરીમાં ભાગીદાર હતો. તેની ફેક્ટરીનું નામ પણ તેના જ નામ પરથી ‘રેકોર્ડ’ રાખવામાં આવેલું હતું, અને ઓસ્કરે એ ફેક્ટરીમાં રેકોર્ડનો કોઈ જ હિસ્સો હોવાનું નકારી કાઢ્યું હતું!

શિન્ડલરના અનેક કેદીઓએ આપેલી હકારાત્મક કેફિયતોની વિરુદ્ધમાં આવેલી આ ચાર કેફિયતોને જસ્ટિસ લેન્દાઉ અને તેમના બોર્ડ દ્વારા બિનમહત્ત્વની માનવામાં આવી હશે. તેમણે એ કેફિયતો પર કોઈ ટિપ્પણી પણ કરી ન હતી. એક તરફ જ્યારે આ ચારેય વ્યક્તિએ પોતાની કેફિયતોમાં ઓસ્કરને પોતાના તારણહાર તરીકે દર્શાવ્યા જ હતા, ત્યારે બોર્ડ દ્વારા એવું તારણ કાઢવામાં આવ્યું હોવાનું કહેવાય છે, કે ઓસ્કરે એ ચાર લોકોની વિરુદ્ધમાં કોઈ ગુનો કર્યો હોય તો પણ, આટલા બધા લોકોને બચાવી લેવાના કાર્યમાં પડેલી બેસુમાર તકલીફો પણ તેણે વહોરી લીધી જ હતી!

ઓસ્કરનું બહુમાન કરનારી સૌથી પહેલી સંસ્થા તેલ અવિવની મ્યુનિસિપાલિટી હતી! પોતાના ત્રેપનમા જન્મદિવસે ઓસ્કરે પાર્ક ઑફ હીરોઝમાં પોતાના નામની તકતીનું ઉદ્ઘાટન કર્યું હતું! એ તકતીમાં તેને બ્રિનલિટ્ઝના ૧૨૦૦ યહૂદીઓના તારણહાર તરીકે દર્શાવવામાં આવ્યો છે. આ આંકડો ભલે તેના પ્રયત્નોની ગંભીરતાનું સંપૂર્ણ વર્ણન કરી ન શકતો ન હોય, પરંતુ એ તકતી લોકોના પ્રેમનું અને તેના તરફની આભારવશતાનું પ્રતિબિંબ હોવાનું પ્રમાણ તો આપે જ છે! દસ દિવસ બાદ જેરુસલેમમાં ઓસ્કરને ‘પવિત્ર વ્યક્તિ’ તરીકે જાહેર કરવામાં આવ્યો. આ બિરુદને ઇઝરાયલનું એક અગત્યનું બહુમાન ગણવામાં આવે છે. આ બહુમાન એક એવી પ્રાચિન માન્યતા પર આધારિત છે, જેમાં બીનયહૂદીઓમાં જે સદ્ગૃહસ્ત હોય તેને ઇઝરાયલનો ઈશ્વર ચોક્કસ મદદ કરતો હોવાનું માનવામાં આવે છે! મ્યુઝિઅમ તરફ જતા, એવન્યુ ઑફ રાઇટિયસ અને યાદ વાસેમ વચ્ચેના માર્ગ પર કેરબનું એક વૃક્ષ રોપવા માટે પણ ઓસ્કરને આમંત્રણ આપવામાં આવ્યું હતું! એ ઉપવનમાં અન્ય પવિત્ર લોકોના નામે વાવવામાં આવેલા કેટલાંયે વૃક્ષોની વચ્ચે એ વૃક્ષ આજે પણ ઓસ્કરના નામની એક તકતી સાથે સચવાયેલું છે. ક્રપ્સ એન્ડ ફાર્બન્સના ઇતિહાસમાં, પોતાના યહૂદી કામદારોને અભૂતપૂર્વ હદે અને અનધિકૃત રીતે ભોજનસામગ્રી પૂરી પાડીને સાચવનાર જુલિયસ મેડરિટ્સ અને તેના પ્લાઝોવના સુપરવાઇઝર રાઇમન્ડ ટિસના નામનું એક-એક વૃક્ષ પણ ત્યાં મોજુદ છે! એ ગિરિમાળા પર કેટલાંક સ્મારકવૃક્ષો તો આજે દસ ફીટથી પણ વધારે ઊંચા થઈ ગયાં છે!

આ તબક્કે જર્મન વર્તમાનપત્રોએ યુદ્ધમાં ઓસ્કરના બચાવકાર્ય અને ‘યાદ વાસેમ’ના આ પ્રસંગો વિશે અનેક અહેવાલો પ્રગટ કર્યા હતા. પરંતુ આ પ્રકારના પ્રશંસાત્મક અહેવાલોએ ઓસ્કરના જીવનમાં કોઈ ફાયદો કરાવી આપ્યો ન હતો!

ઊલટું ફ્રેંકફર્ટની શેરીઓમાં ઓસ્કરનો હુરિયો બોલાવવામાં આવતો હતો, તેના પર પત્થરો ફેંકવામાં આવતા હતા. કામદારોની એક ટોળકી હંમેશા તેની ઠેકડી ઊડાડતી રહેતી હતી અને “યહૂદીઓની સાથે તેને પણ બાળી નાખવો જોઈતો હતો” એવાં ટોણા મારતી રહેતી હતી! ૧૯૬૩માં તેને ‘યહૂદીને ચુંબન કરનાર’ કહીને પજવતા એક ફેક્ટરી કામદારને એણે મુક્કો મારી દીધો હતો! એ કામદારે માર મારવા બાબતે તેની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. જર્મન ન્યાયતંત્રમાં સૌથી નીચલા દરજ્જાની સ્થાનિક કોર્ટના જજે ઓસ્કરને લાંબુલચ ભાષણ આપીને નુકસાની ભરપાઈ કરવાનો હુકમ કર્યો હતો. ન્યૂયોર્કના ક્વિન્સ વિસ્તારમાં રહેતા હેનરી રોસનરને એણે પત્રમાં લખેલું, “હું જો એમને સંતોષી નહીં શકું, તો જરૂર આત્મહત્યા કરી લઈશ!”

આવી માનહાનીઓને કારણે પોતે બચાવેલા કેદીઓ પરની ઓસ્કરની પરાધીનતા વધતી ગઈ! એ કેદીઓ જ હવે તેના ભાવનાકીય અને આર્થિક આધારસ્તંભ હતા! પોતાની જિંદગીના આવનારા વર્ષોના બધા જ મહિના એણે તેલ અવિવ અને જેરુસલેમમાં એ કેદીઓની સાથે સન્માન અને સુખરૂપ વિતાવવાના હતા! તેલ અવિવની બેન યેહુદાહ સ્ટ્રીટમાં આવેલા રુમેનિયન રેસ્ટોરન્ટમાં એણે નિઃશુલ્ક ભોજન લેવાનું હતું! રાતના રોજિંદા શરાબ સેવનને ત્રણ ડબલ ગ્લાસ સુધી સિમિત રાખવાના મોશે બેજસ્કીના પુત્રવત્‌ પ્રયત્નોનો પણ ક્યારેક તેણે સામનો કરવો પડવાનો હતો! આખરી દિવસોમાં તરછોડાયેલો ઓસ્કર, ફરી-ફરીને ફ્રેન્કફર્ટ સેન્ટ્રલ રેલવેસ્ટેશનથી થોડેક જ દૂર આવેલા પોતાના ખખડધજ સાંકડા એપાર્ટમેન્ટમાં પાછો આવી જતો હતો! લોસ એન્જલસથી પોલદેક ફેફરબર્ગ પોતાના સાથી યહૂદી કેદીઓને અને બચી ગયેલા બધા જ કેદીઓને દર વર્ષે પત્ર લખીને, પોતાની એક દિવસની આવક નાઉમેદ, એકલવાયા અને નિરાશ થઈ ગયેલા ઓસ્કર શિન્ડલરને દાનમાં આપવા માટે આગ્રહ કરતો રહેતો હતો!

કેદીઓ સાથેના તેના સંપર્કો દર વર્ષે મોસમની જેમ તાજા થતા રહેતા હતા! અડધું વર્ષ એ ઇઝરાયલમાં ભટકતો રહેતો, અને અડધું વર્ષ ફ્રેન્કફર્ટમાં! નાણાંની ખેંચ તેને સતત વરતાતી રહેતી હતી. ઇત્ઝાક સ્ટર્ન, જેકોબ સ્ટર્નબર્ગ અને મોશે બેજસ્કી હજુ સુધી જે સંસ્થાના સભ્ય તરીકે કાયમ રહ્યા હતા એ તેલ અવિવની સમિતિ, ઓસ્કર માટે પૂરતું પેન્શન મેળવવા માટે જર્મન સરકારના સંપર્કમાં રહીને સતત પ્રયત્નશીલ રહેતી હતી. તેમની વિનંતીના મૂળમાં યુદ્ધ સમયે ઓસ્કરનુ ઉદાત્ત વર્તન, તેણે ગુમાવેલી મિલકત અને અત્યારે તેના નાજુક થઈ ગયેલા આરોગ્ય પર તેઓ આધાર રાખતા હતા. જો કે જર્મન સરકાર તરફથી સૌ પ્રથમ અધિકૃત પ્રતિભાવ રૂપે, ૧૯૬૬ની પહેલી જુલાઈના રોજ કોનરાડ એડેન્યુઅરના પ્રમુખપદ હેઠળ એક કાર્યક્રમમાં ઓસ્કરને ‘ક્રોસ ઑફ મેરિટ’ અર્પણ કરવામાં આવ્યો. છેક પહેલી જુલાઈ ૧૯૬૮ના દિવસે જર્મનીના નાણા મંત્રાલયે ખુશીપૂર્વક એવું લખાણ કરી આપ્યું, કે તેઓ આજની તારીખથી ઓસ્કરને પ્રતિ માસ ૨૦૦ જર્મન માર્કનું પેન્શન આપશે. એ વાતના ત્રણ મહીના પછી પેન્શનર શિન્ડલરને બિશપ ઑફ લિમ્બર્ગના હાથે પિપલ નાઇટહૂડ ઑફ સેંટ સિલ્વેસ્ટરનો ખિતાબ અર્પણ કરવામાં આવ્યો!

ઓસ્કર એ સમયે પણ યુદ્ધના ગુનેગારોને ઝડપી પાડવા ફેડરલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટને મદદ કરવા માટે ઇચ્છુક હતો. આ બાબતે એ હજુ પણ એટલો જ ઝનૂની હતો. ૧૯૬૭માં પોતાના જન્મદિવસે પ્લાઝોવના ઘણા બધા અધિકારીઓ બાબતે તેણે ગુપ્ત માહિતી આપી. એ દિવસે તેણે રજુ કરેલા પુરાવાઓની નકલ દર્શાવે છે કે સાહેદી આપવામાં તેને કોઈ જ હિચકિચાટ થયો ન હતો! તે એક જાગૃત સાક્ષી હતો! એસએસની કોઈક વ્યક્તિ માટે જો એ કંઈ જાણતો ન હોય, કે પછી બહુ ઓછી માહિતી ધરાવતો હતો, તો એણે એ બાબત પણ બહુ સ્પષ્ટ રીતે કહી હતી.

આવું એણે એમથર, એસએસના ઝગસબર્જર અને બહુ ગુસ્સૈલ ગણાતી સ્ત્રી નિરીક્ષક ઓહનેસોર્જની બાબતમાં કર્યું હતું. જો કે બૉસને ખૂની અને શોષણકર્તા કહેતી વેળાએ એ જરા પણ અચકાયો ન હતો! પોતાની જુબાનીમાં એણે કહેલું, કે ૧૯૪૬માં મ્યુનિકના એક રેલવે સ્ટેશન પર એણે બૉસને ઓળખી કાઢ્યો હતો, અને પાસે જઈને તેને પૂછેલું પણ ખરું, કે પ્લાઝોવની ઘટનાઓ પછી એ ઊંઘી શકે છે ખરો કે!

ઓસ્કર કહે છે કે, એ સમયે બૉસ પુર્વ જર્મનીના પાસપોર્ટ હેઠળ રહેતો હતો. પ્લાઝોવના જર્મન આર્મામેન્ટ વર્ક્સના પ્રતિનિધિ મોહવિંકલ નામના એક નિરીક્ષકને પણ એ ખુલ્લી રીતે દોષિત ઠેરવે છે. “બુદ્ધિશાળી પરંતુ ઘાતકી,” કહીને ઓસ્કર તેનું વર્ણન કરે છે. ગેટેના બોડીગાર્ડ ગ્રનના સંદર્ભે એમેલિયાના કેદી લામસની હત્યાના પ્રયાસની ઘટનાનું વર્ણન એ કરે છે, જે ઘટનાને તેણે વોડકા આપીને અટકાવી હતી! તેની આ કથનીની સાહેદી તો ‘યાદ વાસેમ’માં કેટલાયે કેદીઓએ પોતાના નિવેદનોમાં આપી હતી. એસએસ અધિકારી રિતસેક વિશે ઓસ્કર કહે છે કે તેની છાપ ખરાબ જરૂર હતી, પરંતુ તેણે આચરેલા ગુનાઓ બાબતે તે અંગત રીતે કંઈ જાણતો ન હતો. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ઓસ્કરને બતાવેલા ફોટામાં દેખાતો જાડો માણસ એ ખરેખર રિત્સેક છે કે નહીં એ બાબતે પણ એ ચોક્કસ કહી શકતો ન હતો. જસ્ટિસ ડિપાર્ટમેન્ટની યાદીમાં એક માણસ એવો હતો જેના માટે ઓસ્કર બેમર્યાદ વખાણ કરવા તૈયાર હતો. એ હતો ઇજનેર હથ, જેણે ઓસ્કરને તેની છેલ્લી ધરપકડના સમયે મદદ કરી હતી! એ કહે છે કે, કેદીઓમાં પણ હથ બહુ જ આદરણીય અને પ્રખ્યાત માણસ ગણાતો હતો.

સાઠ વર્ષની ઊંમરે ઓસ્કરે હર્બ્યુ યુનિવર્સિટીના પોતાના જર્મન મિત્રો માટે કામ કરવાનું શરૂ કર્યું. ઓસ્કરના જીવનમાં કોઈક નવો ધ્યેય ઉમેરવાના ઈરાદે, શિન્ડલરના યહૂદીઓની તીવ્ર ઇચ્છાના પરીણામે આ ગોઠવણ કરવામાં આવી હતી. પશ્ચિમ જર્મનીમાં ફંડ ભેગું કરવાથી આ કામની શરૂઆત થઈ. અધિકારીઓ અને વેપારીઓને પટાવવાની અને મોહમાં નાખવાની ઓસ્કરની આવડતનો ફરી એક વખત ઉપયોગ કરવામાં આવ્યો. જર્મની અને ઇઝરાયલના બાળકોના આદાન-પ્રાદનની યોજના ઊભી કરવામાં પણ તેણે મદદ કરી.

સ્વાસ્થ્યની અનિશ્ચિતતા વચ્ચે પણ એ જીવતો રહ્યો, અને એક યુવાનની માફક શરાબ પણ પીતો રહ્યો! જેરુસલેમની કિંગ ડેવિડ હોટેલમાં તેને મળી ગયેલી એનમેરી નામની એક જર્મન સ્ત્રીના પ્રેમમાં એ પડ્યો હતો. ઓસ્કરની પાછલી જિંદગીમાં એનમેરી જ તેની લાગણીનો આધારસ્તંભ બની રહી હતી.

ઓસ્કરની પત્ની આજે પણ તેના તરફથી કોઈ પણ પ્રકારની આર્થિક મદદ વગર સેંટ વિન્સેંટ ખાતે પોતાનાં નાનકડાં ઘરમાં જીવી રહી છે. આ પુસ્તક લખાય છે ત્યારે પણ એ ત્યાં જ રહે છે. બ્રિનલિટ્ઝમાં રહી હોવાને કારણે અત્યંત પ્રખ્યાત વ્યક્તિ તરીકે તે જાણીતી થઈ ચૂકી છે. ૧૯૭૩માં જર્મન ટેલિવિઝન દ્વારા બનાવવામાં આવેલી એક દસ્તાવેજી ફિલ્મમાં, એક ત્યક્તા પત્ની માટે સહજ એવી કડવાશ અને દુઃખની લાગણી દર્શાવ્યા વગર એણે ઓસ્કર અને બ્રિનલિટ્ઝ વિશે, બ્રિનલિટ્ઝમાં તેના પોતાના કાર્યો વિશે વાતો કરી હતી.

બહુ જ વિચારપૂર્વકનો અભિપ્રાય આપતાં એણે કહેલું, કે યુદ્ધ પહેલાં ઓસ્કરે કંઈ જ નોંધપાત્ર કાર્ય કર્યું નહોતું, અને એ જ રીતે યુદ્ધ પછી પણ એણે ખાસ કશું કર્યું નથી! આથી એક રીતે એ ભાગ્યશાળી હતો, કે ૧૯૩૯ અને ૧૯૪૫ના એ નાનકડા પરંતુ વિકરાળ સમયગાળામાં તેને એવા માણસો મળ્યા, જેમણે ઓસ્કરની અંદરની પ્રતિભાને બહાર આણી!

૧૯૭૨માં અમેરિકન ફ્રેન્ડ્ઝ ઑફ હીબ્રૂ યુનિવર્સિટીની ન્યૂયોર્ક એક્ઝીક્યુટિવ ઑફિસની ઓસ્કરે લીધેલી મુલાકાત દરમ્યાન, ન્યૂ જર્સીની એક મોટી કંસ્ટ્રક્શન કંપનીમાં ભાગીદાર એવા તેના ત્રણ કેદીમિત્રોએ, શિન્ડલરના અન્ય પંચોતેર કેદીઓના એક જુથની આગેવાની લઈને ટ્રુમેન રિસર્ચ સેંટરનો એક આખો માળ ઓસ્કરને અર્પણ કરવા માટે ૧૨૦,૦૦૦ અમેરિકન ડૉલર એકઠા કર્યા! એ સ્થળ પર બૂક ઑફ લાઇફ નામે એક પુસ્તક પ્રદર્શિત કરવામાં આવ્યું, જેમાં ઓસ્કરના બચાવકાર્યોનો સંપૂર્ણ ચિતાર અને તેણે બચાવેલા કેદીઓની સંપૂર્ણ સૂચી મૂકવામાં આવી! એ ત્રણમાંથી બે ભાગીદારો, મરી પેન્ટાયરર અને આઇઝેક લેવેન્સ્ટેઇનને ઓસ્કર બ્રિનલિટ્ઝમાં લઈ આવ્યો, ત્યારે તેઓ માત્ર સોળ વર્ષના હતા! ઓસ્કરના આ બાળકો જ હવે તેના વડિલની, તેના સહારાની અને તેના સન્માનના સ્ત્રોતની ભૂમિકા નીભાવી રહ્યા હતા!

ઓસ્કર અત્યંત બીમાર હતો. બ્રિનલિટ્ઝમાં સેવાઓ આપનાર ડૉક્ટરોમાંના એલેકઝેન્ડર બાઇબર્સ્ટેઇન આ જાણતા હતા. ડોક્ટરોમાંથી એકે ઓસ્કરના નજીકના મિત્રોને ચેતવ્યા, “આ માણસ જીવી શકે તેમ છે જ નહીં. એનું હૃદય તો માત્ર જીદને વશ થઈને જ ધબકી રહ્યું છે.”

ઓક્ટોબર ૧૯૭૪માં ફેન્કફર્ટ રેલવે સ્ટેશન નજીકના પોતાના એપાર્ટમેન્ટમાં એ બેભાન થઈને ઢળી પડ્યો, અને ઓસ્ક્ટોબરની નવમી તારીખે એ હોસ્પિટલમાં જ મૃત્યુ પામ્યો. તેના મૃત્યુના પ્રમાણપત્રમાં લખ્યા મુજબ, મગજ અને હૃદયની આર્ટરીઝના અત્યંત બરડ થઈ જવાથી રક્તાઘાત થવાને કારણે તેનું મૃત્યુ થયું હતું! પોતાની અંતિમ ઇચ્છામાં તેણે પોતાને જેરુસલેમમાં જ દફનાવવામાં આવે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી. પોતાના કેટલાયે કેદી મિત્રો પાસે અગાઉ તેણે આ વાત કરી હતી! જેરુસલેમના સંત ફ્રાન્સિસ સંપ્રદાયના દેવળના પાદરીએ, ચર્ચના એક નાસ્તિક પુત્ર હેર ઓસ્કર શિન્ડલરને જેરુસલેમના લેટિન કબ્રસ્તાનમાં દફન કરવાની મંજૂરી માત્ર બે અઠવાડિયામાં જ આપી દીધી હતી!

ઓસ્કરના શરીરને વજનદાર શબપેટીમાં મૂકીને જેરુસલેમની ભીડભાડવાળી શેરીઓમાં થઈને કૅથલિક કબ્રસ્તાન સુધી પહોંચાડવામાં બીજો એક મહિનો પસાર થઈ ગયો. કબ્રસ્તાનની દક્ષિણે, ન્યૂ ટેસ્ટામેન્ટમાં ગેહેના નામે ઓળખાતી વેલી ઑફ હિનમોન આવેલી છે. અખબારોમાં છપાયેલા અંતિમયાત્રાના ફોટાઓમાં શિન્ડલરના અન્ય યહૂદીઓની વચ્ચે ઇત્ઝાક સ્ટર્ન, મોશે બેજસ્કી, હેલન હર્ષ, જેકોબ સ્ટર્નબર્ગ અને જુડા ડ્રેસનર જોવા મળે છે.

ઓસ્કર શિન્ડલરના મૃત્યુનો શોક પ્રત્યેક ભૂખંડમાં પાળવામાં આવે છે.

* * *

એપેન્ડિક્સ

એસએસની અધિકૃત પદવીઓ અને તેના આર્મિ પર્યાયો

  • ઓબર્સ્ટ-ગ્રપેન ફ્યૂહરર : જનરલ
  • ઓબરગ્રુપેનફ્યૂહરર : લેફ્ટનન્ટ જનરલ
  • ગ્રપેનફ્યૂહરર : મેજર જનરલ
  • બ્રિગેડફ્યૂહરર : બ્રિગેડિયર જનરલ
  • ઓબરફ્યૂહરર : આર્મિમાં કોઈ પર્યાય નથી
  • સ્ટેન્ડાર્ટેનફ્યૂહરર : કર્નલ
  • ઓબરસ્ટર્મબેનફ્યૂહરર : લેફ્ટનન્ટ કર્નલ
  • સ્ટર્મબેનફ્યૂહરર : મેજર
  • હોપસ્ટર્મફ્યૂહરર : કેપ્ટન
  • ઓબરસ્ટર્મફ્યૂહરર : ફર્સ્ટ લેફ્ટનન્ટ
  • અન્ટરસ્તર્મફ્યૂહરર : સેકન્ડ લેફ્ટનન્ટ

અનૌપચારિક પદવીઓ

  • ઓબરસ્કારફ્યૂહરરઃ સિનિયર અનૌપચારિક પદવી
  • અન્ટરસ્કારફ્યૂહરરઃ સાર્જન્ટ
  • રોટનફ્યૂહરરઃ કોર્પોરલ

2 thoughts on “શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (ઉપસંહાર)