શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૬)


હાલ અક્ષરનાદ પર પ્રકાશિત થઈ રહેલી આ કૃતિ ‘શિન્ડલર્સ લિસ્ટ’ ગુજરાતી ભાષામાં પુસ્તકાકારે પ્રકાશિત થઈ રહ્યું છે. ઘણા મિત્રોએ પુસ્તકાકારે મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અક્ષરનાદ પર પૂર્ણાહુતી થયા બાદ, એટલે કે આશરે દોઢ-બે મહિના બાદ આ કૃતિ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થશે. પ્રથમ તબક્કામાં બૂક કરાવનાર મિત્રો-રસિકોને આ પુસ્તક પડતર કિંમત વત્તા પોસ્ટેજ સાથે ઉપલબ્ધ કરવાની નેમ છે. હાલ માત્ર ફેસબુક પર અશ્વિનભાઈના મેસેજ બોક્સમાં કે અહીં કમેન્ટબોક્સમાં જાણ કરશો. પ્રકાશન થયે તુરંત મિત્રોને એ વિશે જાણ કરીશું.


પ્રકરણ ૩૬

એમોન અને બૉસ સહિતના ઓસ્કરના બધા જ શરાબી મિત્રો ઓસ્કરને યહૂદી વાયરસનો શિકાર ગણાવીને ક્યારેક તેની મજાક ઉડાવતા હતા, અને તે પણ માત્ર કહેવા ખાતર નહીં! હકીકતમાં તેઓ શબ્દશઃ એવું માનતા હતા! અને તેઓ તો આવા વાયરસનો શિકાર થયેલા માણસનો કોઈ વાંક પણ કાઢતા ન હતા! સારા-સારા માણસો સાથે આવું થતું તેમણે જોયું હતું! મગજનો કેટલોક હિસ્સો ગુલામીમાં એવો સપડાઈ જતો હોય છે, જેમાં અડધી જગ્યામાં બેક્ટેરિયા ભરેલા હોય, અને અડધી જગ્યામાં જાદુ! એ બેક્ટેરિયા ચેપી હતા કે નહીં એવું કોઈ પૂછે, તો જવાબમાં તેઓ તરત જ હા કહી દેતા! જો જો, ખૂબ જ ચેપી છે આ બેક્ટેરિયા તો…! ઓબરલેફ્ટેનન્ટ સસ્મથના કિસ્સાને તેઓ ચેપ લાગવાના એક જાણીતા દાખલા તરીકે ટાંકતા હતા!

૧૯૪૪-૪૫ના શિયાળામાં ઓસ્કર અને સસ્મથ, ઓસ્ટવિટ્ઝમાંથી વધારાની ૩૦૦૦ સ્ત્રીઓને ચાલાકીપૂર્વક બહાર કાઢીને ૩૦૦થી ૫૦૦ના જુથમાં મોરાવિયાની નાનકડી છાવણીમાં લઈ આવ્યા હતા! આ કામ માટે ઓસ્કરે પોતાની લાગવગ, દલીલો, અને લોકોના હાથ ભીના કરવા જેવી પ્રયુક્તિઓને પણ કામે લગાડી હતી! એ સ્ત્રીઓના દસ્તાવેજો સસ્મથે તૈયાર કર્યા હતા. મોરાવિયાની ટેક્ટાઇલ મિલોમાં મજૂરોની તંગી હતી, અને બધા જ ઉદ્યોગપતિઓ યહૂદીઓ પ્રત્યે કંઈ હોફમેન જેટલી તીવ્ર નફરત ધરાવતા ન હતા. મોરેવિયામાં ફ્ર્યુડેન્થલ, જેગર્નડોર્ફ, લિબાઉ, ગ્રલિક અને ટ્રોટેન્યુ જેવી પાંચ જગ્યાએ આવેલી ફેક્ટરીઓએ, પોતાની જમીનોમાં છાવણી બનાવીને સ્ત્રીઓની એ ટૂકડીઓને તેમાં સમાવી લીધી હતી. આવી છાવણીઓ કંઈ સ્વર્ગ તો ન જ હતી! એ છાવણીઓમાં તો લિઓપોલ્ડની મરજી પ્રમાણે વહીવટીતંત્ર દ્વારા એસએસને જોઈએ એટલી ઘુસણખોરી કરવા દેવામાં આવી હતી! પાછળથી ઓસ્કરે એ કેમ્પમાંની સ્ત્રીઓને “પ્રમાણમાં સારું જીવન જીવતી સ્ત્રીઓ” ગણાવી હતી. પરંતુ હકીકતે ટેક્સ્ટાઇલ છાવણીઓ ઘણી નાની હોવાથી જ એ સ્ત્રીઓને ઘણી રીતે મદદરૂપ થઈ પડી હતી. કારણ કે અહીંની એસએસની ટૂકડીઓના સૈનિકો વૃદ્ધ અને આળસુ હતા, અને પ્રમાણમાં ઓછા પાગલ પણ ખરા! બસ, અહીં માત્ર ટાયફસથી ડરવાનું હતું! અને ભૂખને તો અહીં પાંસળી નીચેના ભારની માફક સાથે લઈને જ ફરવાનું હતું! પરંતુ વસંતરૂતુમાં મોટી છાવણીઓમાં સામુહિક દેહાંતદંડના જે હુકમોમાં થવાના હતા, તેનાથી આવી નાની-નાની અને અણઘડ સંસ્થાઓ બચી જવાની હતી!

પરંતુ એવું કહેવાતું હતું કે સસ્મથને યહૂદી સડાનો ચેપ લાગ્યો હતો, અને એ સડો ઓસ્કર શિન્ડલરને તો આખેઆખો ગળી જ ગયો હતો! ઓસ્કરે સસ્મથની મારફતે બીજા ત્રીસ મેટલવર્કરોની માંગણી મૂકી હતી. ઉત્પાદનમાંથી તેનો રસ ઊડી ગયો હતો એ એક સરળ હકીકત હતી. પરંતુ તટસ્થ મનથી વિચાર કરતાં એ એટલું સમજતો હતો, કે સેક્શન ‘ડી’ પાસે એણે જો પોતાની છાવણીનું અસ્તિત્વ પ્રમાણિત કરાવવું હશે, તો વધારે કુશળ કારીગરોની તેને જરૂર પડવાની જ હતી! એ શિયાળે ઘટેલી પાગલપણાથી સભર ઘટનાઓ પર નજર નાખીએ તો આપણે જોઈ શકીએ છીએ, કે એ ત્રીસ લોકો લેથ અને મશીનટૂલ્સના અનુભવી હતા એટલે ઓસ્કર તેમને બ્રિનલિટ્ઝમાં લાવવા ઇચ્છતો હતો તેવું ન હતું! તેને તો બસ વધારાના ત્રીસ માણસો જોઈતા હતા! એમિલિની દિવાલ પર લટકતા, ખુલ્લા સળગતા હૃદયના ઈસુની આબેહૂબ પ્રતિતિ આલેખવાના અમર્યાદ આવેશ સાથે તેણે એ માણસોને બ્રિનલિટ્ઝમાં લાવવાની અપેક્ષા રાખી હતી, એમ કહેવું જરા પણ અસાધારણ તો નહીં જ ગણાય! આ આખાયે વર્ણનમાં હેર ડિરેક્ટરને સંતનું સ્વરૂપ આપવાથી દૂર રહેવાનો સતત પ્રયત્ન કરવામાં આવ્યો છે. એટલે એક વિષયાસક્ત વ્યક્તિ એવા ઓસ્કરના આ સ્વપ્નને આધ્યાત્મિક ગણાવવાનો પ્રયત્ન કરવો પડે તેમ છે!

એ ૩૦ મેટલવર્કરોમાંથી મોશે હેનિગમેન નામના એક કેદીએ, પોતાના અશક્ય લાગતી એ મુક્તિ અંગે જાહેર ખુલાસો કર્યો છે. ક્રિસમસ પછી તરત જ, ઓસ્ટવિટ્ઝ-૩ની ખાણોમાંથી ‘ક્રપ વેસેલ-યુનિઅન આર્મામેન્ટ ફેક્ટરી’, ‘જર્મન અર્થ એન્ડ સ્ટોન’, ‘ફાર્બન સિન્થેટિક-પેટ્રોલિયમ પ્લાન્ટ’ અને ‘એરપ્લેન ડિસ્મેન્ટલિંગ એન્ટરપ્રાઇઝ’ જેવી ફેક્ટરીઓના ૧૦,૦૦૦ કેદીઓને કતારમાં ઊભા કરી દઈને તેમને ગ્રોસ-રોસેન તરફ રવાના કરી દેવાયેલા! એ ફેક્ટરીઓના આયોજકોને કદાચ એવી ધારણા પણ હોય કે લોઅર સિલેસિયા પહોંચી ગયા બાદ એ કેદીઓને જે-તે વિસ્તારની ફેક્ટરીની છાવણીઓમાં વહેંચી દેવામાં આવશે! ખરેખર જો આવું જ વિચારવામાં આવ્યું હોય, તો પણ એ કેદીઓની સાથે કુચ કરીને જનારા એસએસ અધિકારીઓના મનમાંથી એ વાત સાવ ભૂલાઈ ગઈ હોવી જોઈએ! વર્ષના એ નિર્દયી વળાંકના સમયે પડી રહેલી ભરખી જતી ઠંડીને પણ શું ભૂલી જવામાં આવી હશે? અને શું એ પણ ભૂલાઈ ગયું હશે કે હજારોની સંખ્યામાં કૂચ કરી રહેલા એ કેદીઓને ખવડાવીશું શું? અપંગો અને ખાંસીથી પીડાતા કેટલાયે કેદીઓને તો દરેક તબક્કાની શરૂઆતમાં જ અલગ તારવીને મારી નાખવામાં આવ્યા હતા! હેન્ગમેન કહે છે કે એ ૧૦,૦૦૦ કેદીઓમાંથી ત્રણ દિવસના અંતે માત્ર ૧,૨૦૦ કેદીઓ જ જીવતા બચ્યા હતા! એ સમયે ઉત્તર દિશામાં, સોવિયેત મિલીટરી કમાન્ડર કોનિએવના રશિયન સનિકો વૉરસોની દક્ષિણ તરફથી વિત્સુલા નદી પાર કરીને ચડી આવ્યા હતા, અને કેદીઓની કતારો જ્યાંથી કૂચ કરતી જઈ રહી હતી તે ઉત્તર-પશ્ચિમી રસ્તાને અવરોધીને પડ્યા હતા! એટલે જ હતપ્રભ થઈ ગયેલા કેદીઓના જૂથોને ઓપોલ નજીક ક્યાંક એસએસના એક મેદાનમાં રાખવામાં આવ્યા હતા. ત્યાંના કમાન્ડન્ટે કેદીઓની પુછપરછ કરીને તેમાંના કુશળ કારીગરોનાં લિસ્ટ બનાવ્યાં હતાં, પરંતુ થકવી દેતી એ પસંદગી-પ્રક્રિયા રોજેરોજ ચાલતી રહી, અને લિસ્ટમાંથી બાકાત રહેલા લોકોને ગોળી મારીને મારી નાખવામાં આવ્યા! જે કોઈ કેદીનું નામ બોલાય તેને એ ખબર રહેતી ન હતી કે તેણે શાની અપેક્ષા રાખવાની હતી. બ્રેડનો ટુકડો કે ગોળી? જોકે હેનિગમેનનું નામ બોલાયા પછી તેને અન્ય ૩૦ લોકોની સાથે ગાડીના એક ડબ્બામાં બેસાડી દેવામાં આવ્યો! એસએસના એક અધિકારી અને એક જર્મન સૈનિકની દેખરેખ હેઠળ તેમને દક્ષિણ દિશામાં રવાના કરી દેવામાં આવ્યા હતા. “એ મુસાફરી માટે અમને ભોજન આપવામાં આવ્યું હતું!” હેનિગમેન યાદ કરે છે. “આવું તો અમે ક્યારેય જોયું ન હતું!”

પાછળથી હેનિગમેને બ્રિનલિટ્ઝ પહોંચવાની અશક્ય લાગતી પરંતુ આનંદદાયક હકીકત કહી સંભળાવી હતી! “અમે માની જ નહોતા શકતા કે એવી પણ કોઈ છાવણી છે જ્યાં સ્ત્રીઓ અને પુરૂષો બંને સાથે કામ કરી રહ્યા હોય, જ્યાં કોઈ મારઝૂડ કરવામાં આવતી ન હોય, કે જેની અંદર એક પણ સૈનિક ન હોય!” તેના કહેવામાં થોડી અતિશયોક્તિ જરૂર હતી, કારણ કે બ્રિનિલિટ્ઝમાં પણ કેટલાયે જુદા-જુદા વિભાગો હતા! ઓસ્કરની સોનેરી વાળવાળી સ્ત્રી-મિત્ર ક્યારેક કોઈને ખુલ્લા હાથે તમાચો પણ મારી દેતી હતી! અને એક વખત એક છોકરાએ રસોડમાંથી એક બટાકું ચોર્યું ત્યારે લિઓપોલ્ડને ફરીયાદ કરી દેવામાં આવી હતી! કમાન્ડન્ટે તેને ગળામાં “હું બટાકા ચોર છું” લખેલું પાટિયું લટકાવીને મેદાનમાં આખો દિવસ એક સ્ટૂલ પર ઊભો રાખ્યો હતો! તેના મોંમાં એ બટાટું ખોસી દેવામાં આવેલું, અને મોંમાંથી દાઢી પર લાળ વહેતી રહી હતી. પરંતુ હેનિગમેન માટે આવી બાબતોનો હવાલો આપવાનું કોઈ જ મહત્વ ન હતું. એ પૂછે છે, “નરકમાંથી સ્વર્ગમાંથી આવવાની અનુભુતિને કઈ રીતે વર્ણવવી?”

હેનિગમેન ઓસ્કરને મળ્યો ત્યારે ઓસ્કરે તેને હાલ પૂરતો આરામ કરીને તબીયત સાચવવાનું, અને તે જ્યારે પણ કામ કરવા માટે તૈયાર હોય ત્યારે નિરીક્ષકને કહી દેવાનું કહ્યું હતું! આશ્ચર્યમાં મૂકી દે તેવી, અન્ય છાવણીઓથી તદ્દન વિરોધી કાર્યપદ્ધતિ જોતાં હેનિગમેન, પોતે કોઈ એકદમ લીલાછમ વાતાવરણમાં આવી ગયો હોય, જાણે અરિસાની સામે પાર પહોંચી ગયો હોય એવું અનુભવી રહ્યો હતો!

પતરામાંથી વસ્તુઓ બનાવવાનું કામ કરતા ૩૦ કારીગરો, પેલા મૃત્યુ પામેલા ૧૦,૦૦૦ કેદીઓ સામે તો સાવ મુઠ્ઠીભર જ ગણાય! એટલે એવું કહેવું જ પડે કે લોકોને બચાવી લેવાની બાબતમાં ઓસ્કરનો ફાળો બહુ મામુલી હતો! પરંતુ અનેક લોકોના આશ્રયદાતા તરીકે તેણે ગોલ્ડબર્ગ અને હેલન હર્ષને પણ બચાવી લીધાં હતાં, અને ડૉ. લિઓન ગ્રોસ અને ઓલેક રોસનરને બચાવી લેવાનો પણ તેણે પ્રયાસ કર્યો હતો. આવી જ નિ:સ્વાર્થ સમતા સાથે તેણે મોરાવિયા વિસ્તાર માટે ગેસ્ટાપો સાથે મોંધી સોદાબાજી પણ કરી હતી. આપણે જાણીએ છીએ કે સોદો તો થયો જ હતો, પરંતુ એ કેટલો મોંઘો પડ્યો હતો તે આપણે જાણતા નથી! પરંતુ એ સોદો અત્યંત મોંઘો પડ્યો હશે એ વાતમાં પણ બે મત નથી!

બેન્જામિન રોઝલેવ્સ્કી નામનો એક કેદી આ સોદાનો હિસ્સો બન્યો હતો. અગાઉ રોઝલેવ્સ્કી ગ્લિવાઇસના લેબર કેમ્પમાં કેદી તરીકે રહી ચૂક્યો હતો. હેનિગમેનની છાવણીની માફક, ગ્લિવાઇસનો લેબર કેમ્પ ઓસ્વિટ્ઝના વિસ્તારમાં આવતો ન હતો, પરંતુ ઓસ્ટવિટ્ઝની પેટા છાવણી બની શકે એટલો નજીક જરૂર હતો. જાન્યુઆરી ૧૨ સુધીમાં કોનિએવ અને ઝુકોવે હુમલા ચાલુ કર્યા ત્યારે હોસના અધિકારક્ષેત્ર હેઠળની દારુણ છાવણી અને અન્ય આશ્રિત જગ્યાઓ પર પણ તત્કાલ પકડાઈ જવાનું જોખમ તોળાઈ રહ્યું હતું. ગ્લિવાઇસના કેદીઓને ઓસ્ટબાહ્નના ડબ્બાઓમાં ચડાવીને ફર્નવર્લ્ડ તરફ રવાના કરી દેવામાં આવ્યા હતા. એ સમયે રોઝલેવ્સ્કી અને રોમન વિલનર નામનો તેનો એક મિત્ર ટ્રેઇનમાંથી કૂદી પડ્યા હતા! નાસી જવા માટે ડબ્બાની છતમાં મૂકેલી નબળી હવાબારીમાંથી કૂદી જવાની રીત એ સમયે લોકપ્રિય રીતોમાંની એક હતી! પરંતુ આ રીતે નાસી જવાનો પ્રયત્ન કરનારામાંથી ઘણા કેદીઓ ટ્રેનની છત પર ફરજ બજાવતા સૈનિકોની ગોળીનો શિકાર બની જતા! ભાગતી વેળાએ વિલનર પણ ઘવાયો હતો. તેમ છતાં તે આગળ મુસાફરી કરવામાં અને તેના મિત્ર રોઝલેવ્સ્કી સાથે મોરેવિયન સરહદના ઊંચાઈ પર વસેલા શાંત ગામોમાં થઈને છટકી શકવામાં સફળ રહો હતો. પરંત આગળ જતાં બંનેને એકાદ ગામડામાંથી પકડી લેવામાં આવ્યા હતા, અને તેમને ટ્રોપાઉની ગેસ્ટાપો ઑફિસે લઈ જવામાં આવેલા.

પકડાયા પછી તેમની તલાશી લઈને તરત જ એક કોટડીમાં પૂરી દેવામાં આવ્યા હતા. ગેસ્ટપોના એક માણસે આવીને તેમને કહ્યું પણ ખરું કે તેમની સાથે કંઈ ખરાબ વર્તન નહીં થાય! પરંતુ તેમની વાત સાચી માનવા માટે બંને પાસે કોઈ કારણ ન હતું. એ અધિકારીએ એમ પણ કહ્યું, કે વિલમરને વાગ્યું હોવા છતાં એ તેને દવાખાનામાં નહીં લઈ જાય, કારણ કે એવું કરવા જતાં તેને ફરી પાછો વહીવટીતંત્ર પાસે પહોંચાડી દેવામાં આવશે! રોઝલેવ્સ્કી અને વિલમરને લગભગ બે અઠવાડિયાં સુધી પૂરી રાખવામાં આવ્યા. ગેસ્ટાપો ઓસ્કરનો સંપર્ક કરીને બંનેની કિંમત નિશ્ચિત કરવા માગતા હતા! એ સમય દરમ્યાન બંનેને બચાવી રાખવા માટે જ કોટડીમાં પૂરવામાં આવ્યા હોય, એ રીતે જ એ અધિકારી તેમની સાથે વાતો કરતો હતો! પરંતુ  બંને કેદીઓ મનોમન એ વાતને સ્વીકારવા તૈયાર ન હતા! છેલ્લે જ્યારે દરવાજો ખૂલ્યો અને બંનેને બહાર કાઢવામાં આવ્યા, ત્યારે પણ તેમને એમ જ હતું કે હવે બંનેને ગોળીએ દઈ દેવામાં આવશે! તેને બદલે, બંનેને એસએસના એક માણસ સાથે દક્ષીણ-પૂર્વ તરફ બર્નો જતી ટ્રેઇનમાં બેસાડવા માટે રેલવે સ્ટેશન મોકલી આપવામાં આવ્યા!

એ બંને માટે પણ બ્રિનિલિટ્ઝ પહોંચવાનો અનુભવ અવાસ્તવિક, આનંદદાયક અને અચંબામાં નાખી દેનારો હતો! વિલનરને ડૉ. હેન્ડલર, લેવકોવિક્ઝ, હિલ્ફસ્ટેઇન અને બાઇબર્સ્ટેઇનની સારવાર હેઠળ દવાખાનામાં દાખલ કરી દેવામાં આવ્યો. રોઝલેવ્સ્કીને કોઈક ખાસ કારણોસર એક પ્રકારના આરામગૃહમાં રાખવામાં આવ્યો જેને ફેક્ટરીના નીચેના માળે એક ખૂણામાં બનાવવામાં આવ્યો હતો. હેર ડિરેક્ટરે બંનેની મુલાકાત લઈને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. ઓસ્કરના અસંગત લાગતા સવાલથી અને એ જ રીતે આજુબાજુના વાતાવરણથી રોઝલેવ્સ્કી ડરી ગયો હતો. વર્ષો પછી તેણે કબુલ્યા મુજબ, “મને તો એમ જ હતું, કે આ હોસ્પિટલમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ બીજી છાવણીઓની માફક સીધો મૃત્યુ તરફ જ જતો હશે!” બ્રિનલિટ્ઝમાં રાંધવામાં આવેલી જાડી પૉરિજ તેને ખવડાવવામાં આવી. શિન્ડલર પણ ઘણીવાર તેને મળવા આવી જતો હતો. પરંતુ તેણે કબુલ કર્યા મુજબ, હજુ પણ એ મુંઝવણમાં હતો અને બ્રિનલિટ્ઝની હકીકત હજુ પણ તેના ગળે ઉતરતી ન હતી!

એ વિસ્તારના ગેસ્ટાપો સાથે કરેલી ઓસ્કરે ગોઠવણ મુજબ ખીચોખીચ ભરેલી છાવણીની સંખ્યામાં ૧૧ ભાગેડુઓનો પણ ઉમેરો થયો હતો. તેમાંના બધાં જ કાં તો કૂચ કરતી વેળાએ કતારમાંથી છટકી ગયેલા, અથવા તો જાનવરોના ડબ્બામાંથી કૂદી પડેલા કેદીઓ હતા. મેલો-ઘેલો ગણવેશ પહેર્યો હોવાને કારણે તેમણે વસ્તીથી દૂર રહેવાના ઘણા પ્રયત્નો કર્યા હતા. કાનુન મુજબ તો આવા બધા જ ભાગેડુ કેદીઓને ગોળીથી ખતમ જ કરી દેવાના હતા!

૧૯૬૩માં તેલ અવિવના ડૉ. સ્ટેઇનબર્ગે, લોકોને પ્રેરણા આપે તેવી હિંમતભરી સત્યઘટનાઓ બાબતે સાહેદી આપી હતી. સ્યૂટન ટેકરીના વિસ્તારમાં સ્ટેઇનબર્ગે એક ડૉક્ટર તરીકે સેવાઓ આપી હતી. સિલેસિયાએ રશિયનોને ટેકો આપ્યો હોવાને કારણે, લાઇબરેકના ગવર્નર મોરેવિયાના વિશાળ વિસ્તારમાંથી લેબર કેમ્પોને બહાર રાખવામાં વધુ સફળ થયા ન હતા. ટેકરીઓમાં ફેલાયેલી નવી છાવણીઓમાંની એકમાં આવેલી એક જેલની અંદર સ્ટેઇનબર્ગને રાખવામાં આવ્યો હતો. લ્યુફ્તવેફની એ છાવણીમાં ખાનગી વિમાનોના કેટલાક ખાસ ભાગો જ બનાવવામાં આવતા હતા. એ છાવણીમાં ચાર સો કેદીઓ રહેતા હતા. સ્ટેનબર્ગના કહેવા મુજબ ત્યાંનું ખાવાનું અત્યંત ખરાબ હતું અને કામનો બોજો અસહ્ય હતો. બ્રિનિલિટ્ઝની છાવણી અંગેની અફવા સાંભળીને સ્ટેનબર્ગે ગમે તેમ કરીને એક પાસની વ્યવસ્થા કરી, અને ફેક્ટરી ટ્રકની મદદથી ઓસ્કરને મળવા ગયો. તેના કહેવા મુજબ, ઓસ્કર તો તરત જ બ્રિનલિટ્ઝના સ્ટોરનો એક ભાગ તેને સોંપી દેવા તૈયાર થઈ ગયો હતો. ઓસ્કરને જે મુખ્ય પ્રશ્ન અટકાવતો હતો તે એ હતો, કે એવું કયું કારણ બતાવી શકાય જેના કારણે સ્ટેઇનબર્ગ ખાદ્યસામગ્રી લેવા માટે બ્રિનિલિટ્ઝની અંદર નિયમિત રીતે આવી શકે? આખરે એવું નક્કી કરવામાં આવ્યું કે છાવણીના દવાખાનામાં દવા લેવા જેવા કોઈક બહાને એ છાવણીમાં નિયમિત આવ-જા કરતો રહેશે.

સ્ટેઇનબર્ગ કહે છે તેમ, એ પછી અઠવાડિયામાં બે વખત એ બ્રિનિલિટ્ઝની મુલાકાતે આવી જતો હતો, અને પાછા ફરતી વેળાએ પોતાની સાથે એ બ્રેડ, સેમોલિના, બટાટા અને સિગરેટો લઈ જતો હતો. સ્ટેઇનબર્ગ સામાન ભરતો હોય એ સમયે શિન્ડલર સ્ટોરની નજીકમાં ક્યાંક હોય તો પણ મોં ફેરવીને ચાલ્યો જતો.

પોતે જે સામાન લઈ જતો હતો તેનું ચોક્કસ વજન તો એ કહી નથી શકતો, પરંતુ એક ડૉક્ટર તરીકે પોતાનું મંતવ્ય આપતાં એ એટલું કહે છે, કે જો બ્રિનલિટ્ઝમાંથી તેમને ખાદ્યસામગ્રી મળતી મળતી ન હોત તો લ્યુફ્ટવેફની છાવણીના ઓછામાં ઓછા પચાસ કેદીઓ તો એ વસંતરૂતુમાં ચોક્કસપણે મૃત્યુ પામ્યા હોત! જો કે ઓસ્વિટ્ઝની સ્ત્રીઓના બદલામાં ખંડણી ચૂકવવાના કિસ્સા ઉપરાંત, ગોલેઝોવના લોકોને બચાવવાનો કિસ્સો પણ અત્યંત હેરત પમાડે એવો હતો. ગોલેઝોવ વિસ્તારમાં ઓસ્વિટ્ઝ-૩ની અંદર જ ખાણ અને સિમેન્ટનો પ્લાંટ આવેલાં હતાં, જ્યાં એસએસની માલિકીની જર્મન અર્થ એન્ડ સ્ટોન વર્ક્સ ફેક્ટરી આવેલી હતી. ૧૯૪૫ના આખાયે જાન્યુઆરી દરમ્યાન ઓસ્વિટ્ઝની એ ભયાનક જગ્યા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો; અને એ જ મહિનામાં, ૩૦ લુહારોના કિસ્સામાં બન્યું હતું તે જ રીતે ૧૨૦ ખાણિયા મજૂરોને ગોલેઝોવમાંથી જાનવરોના ડબ્બામાં ચડાવી દેવામાં આવ્યા હતા. તેમની મુસાફરી તો અન્ય ડબ્બાઓની મુસાફરીની જેમ ભયાનક જ રહી હતી, પરંતુ તેમની મુસાફરીનો અંત જરૂર અન્ય લોકો કરતા જરૂર સારો આવ્યો હતો!

એટલી નોંધ કરવી જરૂરી રહેશે, કે ગોલેઝોવના લોકોની માફક ઓસ્વિટ્ઝ વિસ્તારના લગભગ બધા જ લોકોને એ મહિને ખસેડવામાં આવી રહ્યા હતા. દોલેક હોરોવિત્ઝને મૌથૌસેન મોકલી આપવામાં આવ્યો હતો. જો કે નાનકડા રિચાર્ડને અન્ય નાનાં બાળકો સાથે પાછળ રાખવામાં આવ્યો હતો. એસએસ દ્વારા ત્યજી દેવાયેલા ઓસ્વિટ્ઝમાં એ રશિયનોને હાથ લાગ્યો હતો. રશિયનોએ પાછળથી યોગ્ય રીતે જ એવા પુરાવા સ્વરૂપેરૂપે તેને રજુ કર્યો હતો, કે રિચાર્ડ અને અન્ય બાળકોને મેડિકલ પ્રયોગો કરવા માટે જ ત્યાં રોકી રાખવામાં આવ્યા હતા!

હેનરી રોસનર અને તેનો નવ વર્ષનો પુત્ર ઓલેક, પ્રયોગશાળા માટે હવે ઉપયોગી ન જણાતાં તેમને એક કતારમાં ઓસ્વિટ્ઝથી દૂર ત્રીસ માઇલ સુધી ચાલતાં લઈ જવામાં આવ્યા હતા. રસ્તામાં જે કેદીઓ પડી જાય, તેમને ત્યાંને ત્યાં ઠાર મારી દેવામાં આવતા હતા. બચેલા કેદીઓને સોસ્નોવિકમાં એક માલગાડીમાં ચડાવી દેવામાં આવ્યા. બાળકો અને મોટેરાઓને અલગ પાડી રહેલા એક ચોકીદારે, ખાસ ભલમનસાઈ બતાવીને ઓલેક અને હેનરીને એક જ ડબ્બામાં સાથે રહેવા દીધા! ડબ્બામાં એટલી ભીડ હતી કે બધાએ ઊભા જ રહેવું પડે તેમ હતું. પરંતુ હેનરી જેને “એક હોશિયાર યહૂદી” તરીકે ઓળખાવે છે તેવા એક સદ્‌ગૃહસ્ત, ઠંડી અને તરસને કારણે ડબ્બામાં જ ઊભાં-ઊભાં મૃત્યુ પામેલા કેદીઓને ધાબળામાં વીંટીને તેમને ડબ્બાની છત પર રહેલા ઘોડા બાંધવાના હુક સાથે લટકાવી દેતા હતા! આથી ડબ્બામાં જીવતા લોકોને થોડી વધારે જગ્યા મળી રહેતી હતી. ઓલેકને થોડો આરામ મળી રહે એ માટે તેને પણ ધાબળામાં વીંટીને ઘોડાના હુક સાથે લટકાવી દેવાનો વિચાર હેનરીને આવ્યો. આમ કરવાથી ઓલેકને મુસાફરીમાં આરામ તો મળી જ ગયો, પરંતુ જ્યારે પણ ટ્રેઇન કોઈ સ્ટેશને કે પછી વચ્ચે ક્યાંક ઊભી રહે ત્યારે ઉપરથી બૂમો પાડીને ઓલેક ડબ્બાની બહાર નજીકમાં ઊભેલા સૈનિકોને ડબ્બામાં તારની જાળીમાંથી અંદર બરફ ફેંકવા માટે કહેતો! સૈનિકો ડબ્બાની અંદર બરફ ફેંકતા, અને તેને કારણે ડબ્બામાં ભેજ જળવાઈ રહેતો હતો. જમીન પડેલા બરફના થોડાક ટૂકડાઓ પર કેદીઓ તૂટી પડતા હતા!

દચાઉ પહોંચતાં ટ્રેઇનને સાત દિવસ લાગ્યા. રોસનરના ડબ્બામાંના અડધા લોકો તો ત્યાં સુધીમાં મોતને ભેટી ચૂક્યા હતા! છેલ્લે જ્યારે ટ્રેન ઊભી રહી અને દરવાજો ખોલવામાં આવ્યો, ત્યારે સૌથી પહેલો તો એક મૃતદેહ જ બહાર સરકી પડ્યો! તેની પાછળ ઊતરેલો ઓલેક, બરફમાં ઊભો રહીને ડબ્બાની નીચે પડેલા બરફના એક ટૂકડાને ઊંચકીને અકરાંતિયાની માફક ચૂસવા લાગ્યો. ૧૯૪૫ના જાન્યુઆરીમાં યુરોપમાં મુસાફરીની આ દુર્દશા હતી!

ગોલેઝોવની ખાણના કેદીઓની હાલત તો આથી પણ બદતર હતી. ‘યાદ વાસેમ’ના દફતરમાં સાચવી રાખવામાં આવેલી, માલગાડીના બે ડબ્બાઓની રસીદ દર્શાવે છે કે દસ કરતાં પણ વધારે દિવસો સુધી, કોઈ જ જાતના ખોરાક વગર, કેદીઓએ બંધ દરવાજે મુસાફરી કરેલી! આર નામનો સોળ વર્ષનો એક છોકરો યાદ કરે છે કે ડબ્બાઓની અંદરની દિવાલે જામી ગયેલા બરફને ખોતરીને તેણે પોતાની તરસ છીપાવી હતી! બર્કેન્યુમાં પણ તેમને નીચે ઉતારવામાં આવ્યા ન હતા. એ આક્રમક દિવસોમાં હત્યાકાંડ તેના છેલ્લા ચરણમાં હતો. ગોલેઝોવના કેદીઓને મારવા માટે પર્યાપ્ત સમય ન હતો. પહેલાં તો તેમના ડબ્બાઓને રેલવે લાઈનની બાજુમાં એમ જ છોડી દેવામા આવ્યા હતા! પરંતુ એન્જિનો સાથે જોડીને તેમના ડબ્બાને ફરીથી પચાસ કિલોમિટર દૂર છાવણીના દરવાજા સુધી ખેંચી જવામાં આવ્યા, જ્યાં કમાન્ડન્ટે પોતાની પાસે પૂરતી સગવડ ન હોવાના કારણસર તેમને નકારી કાઢ્યા. પથારી અને રાશનની ખેંચ બધી જ જગ્યાએ ઊભી ચૂકી થઈ હતી. આખરે જાન્યુઆરીના અંતે વહેલી સવારે છૂટા કરીને તેમના ડબ્બાને ઝ્વિતાઉના રેલ યાર્ડમાં ફરીથી ત્યજી દેવામાં આવ્યા!

ઓસ્કર કહે છે કે રેલવે સ્ટેશનમાંથી તેના એક મિત્રે ટેલિફોન કરીને બંધ ડબ્બાઓમાંથી રડવાના અને દિવાલ ખોતરવાના અવાજો સંભળાવાની જાણ કરી હતી. ડબ્બામાંથી આવી વિનવણીઓ અનેક જુદી-જુદી ભાષાઓમાં કરવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું હતું. ડબ્બામાં ફસાયેલા લોકોની યાદી જોતાં તેમાં સ્લોવેનિયન, પોલ, ઝેક્સ, જર્મન, ફ્રેન્ચ, હંગેરિયન, નેધરલેન્ડર્સ અને સર્બિયન પણ સામેલ હતા. ઓસ્કરને ફોન કરનાર માણસ તેનો સાળો હોવાની શક્યતા છે. એ બંને ડબ્બાઓને બ્રિનિલિટ્ઝ જતા પાટા પર ચડાવી દેવાની સૂચના ઓસ્કરે તેને આપી હતી.

સ્ટર્નના કહેવા મુજબ, માઇનસ ૩૦ ડીગ્રી સેલ્સિયસ (માઇનસ ૨૨ ડીગ્રી ફેરનહાઇટ)ની એ ભયાનક ઠંડી સવાર હતી. જો કે બાઇબર્સ્ટેઇન બહુ જ ચોકસાઈ સાથે કહે છે કે ઉષ્ણતામાન એ દિવસે માઈનસ ૨૦ ડીગ્રી (માઇનસ ૪ ફેરનહાઇટ) હતું. પોલદેક ફેફરબર્ગને તેની પથારીમાંથી ઊઠાડીને બોલાવવામાં આવ્યો હતો. બરફને કારણે લોખંડની જેમ જામી ગયેલા ગાડીના ડબ્બાના દરવાજાને તોડી નાખવા માટે પોતાના વેલ્ડિંગના સાધનો લઈને એ બરફથી લદાયેલા પાટા સુધી પહોંચી ગયો. અંદરથી આવતા અપાર્થિવ અવાજો તેણે પણ સાંભળ્યા હતા!

આખરે દરવાજા ખૂલ્યા ત્યારે જે દૃશ્ય તેમને જોવા મળ્યું તેનું વર્ણન કરવું અત્યંત મુશ્કેલ છે. દરેક ડબ્બાની વચ્ચોવચ્ચ, ઠંડીથી ઠુંઠવાઈ ગયેલા મૃતદેહોના વાંકાચૂકા શરીરોનો એક પિરામિડ રચાઈ ગયો હતો. સો કે તેથી થોડા જ વધારે કેદીઓ બચી શક્યા હતા તેમના શરીરમાંથી ભયાનક વાસ આવતી હતી, હાડપિંજર જેવાં તેમનાં શરીરો એકદમ ઠૂંઠવાઈ ગયાં હતાં. તેમાંના કોઈનું વજન ૭૫ પાઉન્ડથી વધારે નહીં રહ્યું હોય!

ઓસ્કર આ વખતે જાતે પાટા પાસે આવ્યો ન હતો. ગોલેઝોવથી આવેલા લોકો માટે વર્કશોપમાં એક ખૂણે હુંફાળી જગ્યા તૈયાર કરાવવા માટે એ ફેક્ટરીમાં જ રોકાયો હતો. કેદીઓએ હોફમેનની છેલ્લી-છેલ્લી નકામી મશીનરીને પણ હટાવી દઈને ગેરેજમાં મૂકી દીધી હતી. ઘાસ મગાવીને જમીન પર પાથરી દેવામાં આવ્યું હતું.

અન્ટરસ્ટર્મફ્યૂહરર લિઓપોલ્ડ સાથે વાત કરવા માટે શિન્ડલર તેની ઑફિસ તરફ રવાના થયો. લિઓપોલ્ડ તો ગોલેઝોવના કેદીઓને છાવણીમાં પ્રવેશ આપવા માગતો જ ન હતો. આ બાબતે તે ગોલેઝોવના લોકોને મળેલા અન્ય કમાન્ડન્ટ જેવો જ હતો! લિઓપોલ્ડે એવું ખાસ કહ્યું, કે આ બધા લોકો શસ્ત્રોના કારીગરો છે એવું બહાનું કોઈ જ કાઢી શકે તેમ નથી! ઓસ્કરે તેની વાત સ્વીકારી લીધી, પરંતુ તે છતાં તેમને ફેક્ટરીની સંખ્યામાં ગણી લઈને એ દરેકના પેટે દરરોજના ૬ જર્મન માર્ક આપવાની તેણે ખાતરી આપી. “તેઓ સાજા થઈ જાય પછી હું તેમને ઉપયોગમાં લઈ શકીશ,” ઓસ્કરે કહ્યું. લિઓપોલ્ડ આ વાતનાં બે પાસાં જોઈ શક્યો. પહેલું તો એ, કે ઓસ્કરને કોઈ રીતે રોકી શકાય તેમ તો હતો જ નહીં! બીજું એ, કે બ્રિનિલિટ્ઝનો વિકાસ થવાથી, અને મજૂરો પેટે ચૂકવાતા નાણાં વધવાને કારણે હેસીબ્રૂક ખુબ જ ખુશ થવાનો હતો! લિપોલ્ડે ઝટપટ એ માણસોને પાછલી તારીખથી હિસાબમાં ચડાવી દીધા! આમ ગોલેઝોવના કેદીઓને ફેક્ટરીના દરવાજામાં માત્ર પ્રવેશ અપાવવા માટે પણ ઓસ્કરે તેમની બદલીમાં નાણાં ચૂકવવાં પડ્યાં હતાં.

નવા કેદીઓને વર્કશોપની અંદર ધાબળામાં લપેટીને ઘાસ પર સુવડાવી દેવામાં આવ્યા. એમિલિ પણ પોતાના એપાર્ટમેન્ટ પરથી બે કેદીઓની મદદથી બે મોટા વાસણોમાં પૉરિજ લઈ આવી હતી. ડોક્ટરોએ હિમડંખ અને તેના માટે જરૂરી મલમની નોંધ કરી. ડૉ. બાઇબર્સ્ટેને ઓસ્કરને જણાવ્યા પ્રમાણે ગોલેઝોવના લોકોને વિટામિનની જરૂર હતી. પરંતુ મોરેવિયામાં એ ક્યાંયથી મળવાની શક્યતા ન હતી. આ દરમ્યાન ઠુંઠવાઈ ગયેલા સોળ મૃતદેહોને તડકામાં મૂકવામાં આવ્યા. તેમની સામે તાકી રહેલા રેબી લેવાર્તોવ સમજી ગયા હતા કે તેમનાં શરીરો જે રીતે વાંકાંચૂંકાં વળી ગયાં હતાં એ જોતાં, પરંપરાગત રીતે તેમને દાટવાનું શક્ય બનવાનું ન હતું! લેવાર્તોવ જાણતા હતા કે આ બાબતે કમાન્ડન્ટ સાથે ચર્ચા કરવી જ પડશે. સેક્સન ‘ડી’ની ફાઇલમાં આ બાબતે કેટલાંયે માર્ગદર્શનો આપવામાં આવ્યાં હતાં, જેમાં આવાં મૃતકોને બાળીને તેનો નાશ કરવાની સૂચના આપવામાં આવી હતી. બૉઇલર રૂમમાં આ માટે આદર્શ વ્યવ્સ્થા ઉપલબ્ધ હતી પણ ખરી! ઔદ્યોગિક બૉઇલરો શરીરને સાવ વરાળ બનાવી દે એટલાં કાબેલ હતાં! તો પણ શિન્ડલર અત્યાર સુધીમાં બે વખત મૃતદેહોને બાળવાની મનાઈ કરી ચૂક્યો હતો.

પહેલી વખત, જ્યારે જેન્કા ફિજેનબમ બ્રિનલિટ્ઝના દવાખાનામાં મૃત્યુ પામી ત્યારે! લિઓપોલ્ડે તો તરત જ તેનાં શરીરને બાળી નાખવાનો આદેશ આપી દીધો હતો. ઓસ્કરને સ્ટર્ન દ્વારા જાણ થઈ હતી કે ફિજેનબમ અને લેવાર્તોવ આવું કરવાની સખત વિરુદ્ધમાં હતાં. તે ઉપરાંત, ઓસ્કરનો પોતાનો અંતરાત્મા પણ પોતાની અંદર રહેલા કેથલિક અંશોને કારણે આમ કરવાનો વિરોધ કરતો હશે! એ વર્ષોમાં કેથલિક ચર્ચ મૃતદેહોને બાળવાની સખત વિરુદ્ધમાં હતું. લિઓપોલ્ડને ભઠ્ઠીઓનો ઊપયોગ કરવાની ના પાડવાની સાથોસાથ ઓસ્કરે પોતાના સુતારોને એક કૉફિન બનાવવાનો હુકમ કરીને પોતે જ ઘોડાગાડીની વ્યવસ્થા કરી, અને લેવાર્તોવ અને યુવતીના કુટુંબને સૈનિકોની દેખરેખ હેઠળ એ યુવતીને જંગલમાં દાટી આવવાની પરવાનગી આપી હતી!

ફિજેનબમ પિતા-પુત્ર ઘોડાગાડીની પાછળ ચાલતાં, પગલાંની ગણતરી કરતાં-કરતાં ગયા હતા, જેથી યુદ્ધ પૂરું થાય ત્યારે જેન્કાના શરીરને ફરીથી ખોદી શકાય! સાક્ષીઓ કહે છે કે આ પ્રકારનાં ફાલતુ કામોમાં કેદીઓને વાપરવાને કારણે લિઓપોલ્ડ ગુસ્સે થયો હતો. બ્રિનિલિટ્ઝના કેટલાક લોકો તો એમ પણ કહે છે, કે ઓસ્કર પોતે એમિલિ કરતાં પણ લેવાર્તોવ અને ફિજેરબમ કુટુંબ સારું વર્તન કરતો હતો!

શ્રીમતી હોફસ્ટેટર મૃત્યુ પામ્યાં ત્યારે ફરી એક વખત ઓસ્કરે લિઓપોલ્ડને ભઠ્ઠીનો ઉપયોગ કરવા દેવાની મનાઈ ફરમાવેલી. સ્ટર્નની વિનંતીને લક્ષ્યમાં લઈને ઓસ્કરે વધુ એક કૉફિન તૈયાર કરાવડાવ્યું, અને શ્રીમતી હોફસ્ટેટરના જન્મ-મરણના વર્ષો લખેલી લોખંડની તકતી પણ કૉફિનની ઉપર લગાવવાની રજા આપી હતી. લેવાર્તોવની સાથે યહૂદી ધાર્મિક વિધી મૂજબ જરૂરી સંખ્યામાં લોકોને મૃતદેહની પાસે કદિશ વાંચવાની અને છાવણીની બહાર જઈને અંતિમયાત્રામાં જોડાવાની પરવાનગી પણ આપવામાં આવી હતી.

સ્ટર્નના કહેવા મુજબ ઓસ્કરે શ્રીમતી હોફસ્ટેટરને ખાતર જ ડ્યૂશ-બિલાઉ નામના નજીકના જ એક ગામડામાં કેથલિક વસ્તીની પાસે એક યહૂદી કબ્રસ્તાનનું નિર્માણ કરાવ્યું હતું. તેના કહેવા મુજબ, શ્રીમતી હોફસ્ટેટર ગુજરી ગયા તે રવિવારે જ ઓસ્કરે એ ગામના ચર્ચમાં જઈને એક દરખાસ્ત મૂકી હતી. ગામની વહીવટસભાએ બહુ ઝડપથી કેથલિક કબ્રસ્તાનની નજીકની જમીનનો એક ટૂકડો ઓસ્કરને વેંચવા માટે સહમતી આપી દીધી હતી. સભાના કેટલાક સભ્યોએ આ દરખાસ્તનો વિરોધ કરેલો એ જાણીતી હકીકત છે, કારણ કે એ અરસામાં, પવિત્ર જમીનમાં કોને દફનાવી શકાય અને કોને નહીં એ બાબતે ધાર્મિક કાયદાની જોગવાઈઓનું અર્થઘટન બહુ જડ રીતે કરવામાં આવતું હતું!

જો કે, કેટલાક મહત્ત્વના કેદીઓના કહેવા મુજબ, ગોલેઝોવના ડબ્બાઓ વાંકાંચૂંકાં અંગોવાળા મૃતદેહોનો ઢગલો લઈને આવ્યા એ સમયે જ ઓસ્કરે યહૂદી કબ્રસ્તાનની જમીન ખરીદી હતી! પાછળથી મળી આવેલા અહેવાલોમાં ઓસ્કરે પોતે કહ્યા મુજબ, ગોલેઝોવના મૃતકોને માટે જ તેણે એ જમીન ખરીદી હતી. એક અહેવાલ મુજબ, સ્થાનિક ધર્મગુરુએ એવું સૂચન કર્યું હતું, કે ચર્ચની દિવાલોની પાછળના વિસ્તારમાં આત્મહત્યા કરી હોય તેવા લોકો માટે આરક્ષિત રાખવામાં આવેલી જગ્યાએ ગોલેઝોવના લોકોને દફનાવવા! જવાબમાં ઓસ્કરે તેમને કહેલું કે ગોલેઝોવના લોકો આત્મહત્યાને કારણે મૃત્યુ નથી પામ્યા! આ બધા તો સામુહિક હત્યાકાંડના મૃતકો હતા. આખરે ગોલેઝોવના કેદીઓ અને શ્રીમતી હોફસ્ટેટરના મૃત્યુને એકસરખા ગણીને તેમને ડ્યૂશ-બિલાઉ ગામના એ અજોડ યહૂદી કબ્રસ્તાનમાં સંપૂર્ણ વિધીપૂર્વક દફનાવવામાં આવ્યા હતા!

આ ઘટના બાબતે બ્રિનલિટ્ઝના લોકો જે રીતે વાતો કરે છે તે જોતાં, આ દફનવિધીને કારણે છાવણીની અંદર એક પ્રકારની નૈતિક તાકાત ઊભી થઈ ગઈ હતી! માલગાડીમાંથી ઊતારવામાં આવેલા વિકૃત મૃતદેહો જાણે માણસોનાં શરીર હોય એવું લાગતું જ ન હતું! તેમની સામે જોનારના શરીરમાં માનવજીવનની અનિશ્ચિતતાના વિચારે ભયનું લખલખું પસાર થઈ જતું હતું! ડબ્બામાંથી ઊતારવામાં આવેલા એ અપાર્થિવ દેહોને નતો ભોજન આપી શકાય તેમ હતું, ન તેમને નવડાવી શકાય તેમ હતાં, કે પછી તેમને કોઈ હુંફ પણ આપી શકાય તેમ ન હતી. કોઈક રીતે પણ તેઓ માનવી હોવાનું દર્શાવી શકાય તેમ હતું, તો એ માત્ર ધાર્મિક વિધી દ્વારા જ! લેવાર્તોવના ધાર્મિક કદ્દિશના ગાનમાં બ્રિનલિટ્ઝના કેદીઓ માટે અનુકંપાની જે ઊંડી લાગણી જોવા મળતી હતી, તે યુદ્ધ પહેલાના ક્રેકોવમાં શાંતિના સમયે થતી વિધીઓમાં પણ જોવા મળતી ન હતી!

આવનારા ભવિષ્યમાં થનારા કેદીઓના મૃત્યુ માટે પણ યહૂદી કબ્રસ્તાનને તૈયાર રાખવા માટે ઓસ્કરે મધ્યવયના એક એસએસ અન્ટર્સ્કારફ્યૂહરરને રોકીને તેને મહેનતાણું પણ ચૂકવ્યું હતું. એમિલિ પોતાની લેવડદેવડો પોતાની રીતે જ કરતી હતી. બેજસ્કીએ બનાવેલા બનાવટી દસ્તાવેજોની મદદથી વોડકા અને સિગરેટોને બે કેદીઓ પાસે પ્લાંટની એક ટ્રકમાં ચડાવીને એમિલી, તેમની સાથે જર્મન કબજા હેઠળની સીમા નજીક આવેલા મોટી ખાણ ધરાવતા ઓસ્ટ્રાવા નામના ગામમાં પહોંચી ગઈ હતી. ઓસ્કરના અનેક સંપર્કોનો ઉપયોગ કરીને, એક લશ્કરી હોસ્પિટલમાંથી હિમડંખ માટેના મલમ, સલ્ફા અને ડૉ. બાઇબર્સ્ટેઇન જેને મેળવવા અઘરા માનતા હતા એવા પેલા વિટામિનો મેળવવામાં પણ એ સફળ થઈ હતી. આવી મુસાફરીઓ એમિલિ માટે હવે સહજ બની ગઈ હતી. પતિની માફક એ પણ હવે મુસાફરીમાં માહેર થવા લાગી હતી.

શરૂઆતમાં થયેલા એ મૃત્યુ પછી બ્રિનલિટ્ઝમાં અન્ય કોઈનાંયે મૃત્યુ થયાં ન હતાં. ગોલેઝોવથી આવેલા યહૂદીઓ ભૂખમરાને કારણે અશક્ત થઈ ગયા હતા, અને એ પરિસ્થિતિમાંથી તેમને કોઈ રીતે બચાવી શકાય તેમ ન હતું! પરંતુ એમિલિમાં એક પ્રકારનું હઠીલાપણું હતું, જે આ પરિસ્થિતિને સ્વીકારવા તૈયાર ન હતું! એ તો વાસણોમાં ફેરિના ભરી-ભરીને તેમની પાછળ લાગી ગઈ હતી. ડૉ. બાઇબર્સ્ટેઇન કહે છે, “એમિલીએ સારવાર ન કરી હોત, તો ગોલેઝોવમાંથી લાવવામાં આવેલા કેદીઓમાંથી એક પણ જીવતો રહી શક્યો ન હોત!” ફેક્ટરી ફ્લોર પર પુરુષો હરવા-ફરવા લાગ્યા હતા, પોતે કંઈકને કંઈક કામ કરતા રહેવાનો પ્રયાસ પણ કરતા રહેતા હતા! એક દિવસ તેમાંના એક યુવાન કેદીને એક યહૂદી સ્ટોરમેને એક બોક્સ ખેંચીને મશીન સુધી લઈ જવાનું કહ્યું. “બોક્સનું વજન પાંત્રિસ કિલો છે,” જવાબમાં યુવકે તેને પરખાવી દીધેલું. “અને મારું પોતાનું વજન બત્રીસ કિલો છે. તું જ કહે, કે હું આ બોક્સ કઈ રીતે લઈ જઈ શકું?”

નકામા મશીનોથી ભરેલી, ભંગાર જેવી એ ફેક્ટરીમાં શિયાળાના એક દિવસે, કેદમાંથી છૂટ્યા પછી હેર એમોન ગેટે શિન્ડલર કુટુંબને મળવા માટે અને તેમનો આભાર માનવા માટે આવી ચડ્યો. ડાયાબીટિસને કારણે એસએસ કોર્ટે તેને બર્સેલ્યુની જેલમાંથી મુક્ત કર્યો હતો. મેડલ વગરના ગણવેશનો એક કોટ તેણે પહેર્યો હતો. તેની આ મુલાકાતના કારણો બાબતે ઘણી અફવાઓ ઊડી હતી, જે આજ સુધી સાંભળવા મળે છે! કેટલાકના મત પ્રમાણે ગેટે મદદની આશાએ આવ્યો હતો, બીજા કોઈક એવું માનતા હતા કે ઓસ્કર પાસે તેની કોઈક અમાનત પડેલી હતી, રોકડ રકમ કે પછી ક્રેકોવમાં એમોને કરેલા છેલ્લા સોદાઓના પરીણામ સ્વરૂપ એવું જ બીજું કશુંક, જેમાં ઓસ્કરે એમોનના એજન્ટની ભૂમિકા અદા કરી હોય! ઑફિસમાં ઓસ્કરની નજીક કામ કરતા કેટલાક લોકો માનતા હતા કે એમોને ઓસ્કરને બ્રિનલિટ્ઝના વહીવટીતંત્રમાં કોઈક હોદ્દો આપવાની વિનંતી પણ કરી હતી. તેને કોઈ કામનો અનુભવ ન હતો એવું તો કોઈ કહી શકે તેમ હતું નહીં! હકીકતે એમોનના બ્રિનલિટ્ઝ ખાતે આવવાના આ ત્રણેય હેતુઓ સાચા હોવાની શક્યતા હતી, પરંતુ ઓસ્કરે તેના એજન્ટ તરીકે કામ કર્યું હોવાની કોઈ શક્યતા દેખાતી નથી.

દરવાજામાંથી છાવણીની અંદર આવી રહેલા એમોનને જોઈને તરત જ ખ્યાલ આવી જાય તેમ હતો, કે જેલ અને આપત્તિઓએ તેને દૂબળો કરી મૂક્યો હતો. ચહેરા પરની ચરબી ઊતરી ગઈ હતી. ૧૯૪૩માં ક્રેકોવમાં વસાહતના વિલીનીકરણ માટે આવ્યો ત્યારે દેખાતો હતો, એવો જ હવે એ દેખાતો હતો. અને છતાંયે એ બંનેમાં થોડું અંતર પણ હતું. પહેલાંનો એમોન કમળાને કારણે પીળો પડી ગયેલો હતો, તો અત્યારનો એમોન જેલને કારણે કાળો થઈ ગયો હતો! અને જો ખરી પરખ હોય, અને તેની સામે હિંમતપૂર્વક તેની સામે  ધ્યાનથી જોવામાં આવે, તો સામનો કર્યા વગર મળેલી એક હાર પણ તેના ચહેરા પર જોવા મળે તેમ હતી! તે છતાંયે લેથ પર કામ કરી રહેલા કેદીઓ, દુઃસ્વપ્નોના અતળ ઊંડાણેથી અછડતી નજરે, અગાઉથી જાણ કર્યા વગર ટપકી પડેલા, દરવાજા અને બારી પાસેથી પસાર થઈને ચૂપચાપ ફેક્ટરીના મેદાનમાંથી હેર શિન્ડલરની ઑફિસમાં જઈ રહેલા એમોનને જોઈ રહ્યા હતા. જડની જેમ ખુરસી પર ચીપકી રહેલી હેલન હર્ષ, એમોન ફરી એક વખત અદૃશ્ય થઈ જાય એવી પ્રાર્થના કરતી ચૂપચાપ બેઠી હતી! પરંતુ એમોન પસાર થતો હતો ત્યારે બીજા કેદીઓ તો સીસકારા કરતાં, વાંકા વળીને મશીન પાસે થૂંકી રહ્યા હતા! સમજુ સ્ત્રીઓ પણ હાથમાંના ગુંથવાના સોયા તેની સામે તાકીને જાણે તેને પડકાર આપી રહી હતી! આ તેમનો બદલો હતો, એ બતાવવા માટે કે આટઆટલા ભય છતાં, આદમ હજુ પણ જીવતો હતો, અને ઈવ આજે પણ મોજુદ હતી!

એવાં કેટલાંક સ્થળો હતાં, જ્યાં હોપસ્ટર્નફ્યૂહરર એમોન, સસ્પેન્શન હેઠળ પણ નોકરી કરી શકે તેમ હતો. એ ખરેખર જો બ્રિનલિટ્ઝમાં નોકરી કરવા માગતો હોય તો પણ ઓસ્કરે તેને એવું ન કરવા માટે સમજાવી લીધો હતો! અથવા તેના મગજમાંથી એ વાત કઢાવી નખાવી હતી. એ રીતે આ મુલાકાત, અન્ય મુલાકાતો જેવી જ રહી હતી.

સૌજન્ય ખાતર હેર ડિરેક્ટર ઓસ્કર એમોનને પ્લાંટની મુલાકાતે લઈ ગયો, ત્યારે પ્લાંટના ફ્લોર પર પણ તેની વિરુદ્ધમાં સક્રિય પ્રતિક્રિયાઓ થઈ રહી હતી. ઑફિસમાં પાછા ફર્યા બાદ પોતાનું અપમાન કરનાર કેદીઓ સામે સજા કરવાની માંગણી કરતા એમોનને જોવામાં આવ્યો હતો. જવાબમાં ઓસ્કરે પણ બબડાટ કરીને, એ નાલાયક યહૂદીઓને સજા કરવાની કસમ ખાઈને, પોતે હેર ગેટે પ્રત્યે સંપૂર્ણ માન ધરાવતો હોવાની વાત કરી હતી!

એસએસ દ્વારા એમોનને જેલમાંથી તો છોડી મૂકાયો હતો, પરંતુ તેના કેસની તપાસ હજુ ચાલુ જ હતી! એમોનની વહીવટી કાર્યવાહી બાબતે મિતિક પેમ્પરને પુછપરછ કરવા માટે એસએસ કોર્ટના એક ન્યાયાધિશ છેલ્લા કેટલાંક અઠવાડિયાંથી બ્રિનિલિટ્ઝ ખાતે આવી ગયા હતા.

પુછપરછ શરૂ થતા પહેલાં જ કમાન્ડન્ટ લિઓપોલ્ડે સાવચેત રહેવા માટે પેમ્પરને ચેતવ્યો હતો! એણે કહેલું કે તેની પાસેથી પુરાવા કઢાવી લીધા પછી ન્યાયાધિશ પોતે જ કદાચ તેને દકાઉ લઈ જઈને મારી નાખશે! પેમ્પરે પણ ડહાપણ વાપરીને ન્યાયાધિશને પ્લાઝોવની મૂખ્ય કચેરીમાં તેનું કામ સાવ બીનમહત્ત્વનું હોવાની ખાતરી કરાવવાનો પૂરો પ્રયાસ કરેલો.

એમોનને કોઈક રીતે જાણ થઈ ગઈ હતી, કે એસએસના તપાસકર્તાઓ પેમ્પરને પટાવી રહ્યા હતા. એમોન બ્રિનલિટ્ઝ આવ્યો કે તરત જ તેણે પોતાના એ ભૂતપૂર્વ ટાઇપિસ્ટને ઑસ્કરની ઑફિસના સ્વાગતકક્ષમાં એક તરફ બોલાવીને ન્યાયાધિશે તેને કેવા પ્રશ્નો પૂછ્યા હતા એ જણાવવા કહ્યું હતું. પેમ્પર જોઈ શકતો હતો કે પોતાનો એક સમયનો કેદી, એસએસની કોર્ટમાં રજુ કરવા માટે તેની વિરુદ્ધના પુરાવાઓ લઈને હજુ પણ જીવી રહ્યો હોવાનો વસવસો એમોનની આંખોમાં સ્પષ્ટપણે સળવળતો હતો! એમોન અહીં તો શક્તિહિન હતો! નબળો, ઉદાસ અને જૂનોપૂરાણો કોટ પહેરીને પરાભૂત અવસ્થામાં એ ઓસ્કરની ઑફિસમાં ઊભો હતો. પરંતુ તેનું કંઈ કહેવાય નહીં! હજુ પણ એ એમોન હતો, સત્તા હજુ પણ તેના સ્વભાવમાં હતી. પેમ્પરે તેને જવાબમાં કહેલું, “પુછપરછ બાબતે કોઈને કંઈ કહેવાની ન્યાયાધિશે મને ના પાડી છે.” સાંભળીને ગેટે ગુસ્સે થઈ ગયો હતો. હેર શિન્ડલરને કહી દેવાની ધમકી પણ તેણે આપી હતી. અને અહીં જ એમોનની નપુંસકતાનું પ્રમાણ જોવા મળતું હતું! એક કેદીને શિક્ષા કરવા માટે આ પહેલાં એણે ક્યારેય ઓસ્કરની મદદ લેવા જવું પડ્યું ન હતું!

એમોનની મુલાકાત પછી છેક બીજી રાત સુધીમાં સ્ત્રીઓના ચહેરા પરનો આનંદ પાછો ફર્યો હોય એવું દેખાતું હતું. એમોન હવે તેમને સ્પર્ષી શકતો ન હતો! બધી સ્ત્રીઓ ખાતરી આપી રહી હોવા છતાં હેલન હર્ષની ઊંઘ હરામ થઈ ગઈ હતી.

એમોન છેલ્લી વખત કેદીઓની નજર સામેથી પસાર થયો, ત્યારે તે કારમાં બેસીને ઝ્વિતાઉ સ્ટેશન જઈ રહ્યો હતો. આ પહેલાં એવું ક્યારેય બન્યું ન હતું કે એ ત્રણ-ત્રણ વખત કોઈ જગ્યાએ જઈ આવે, અને છતાંયે એક પણ કેદીની જિંદગી એણે બરબાદ કરી ન હોય! તેની પાસે હવે કોઈ જ સત્તા રહી ન હતી એ સ્પષ્ટ હતું. અને છતાંયે જતી વેળાએ તેની નજર સાથે નજર મેળવવાની હામ કોઈનામાં ન હતી! બ્યુનોઝ એરથી સિડની સુધી, ન્યુયોર્કથી ક્રેકોવ સુધી કે લોસ એન્જલસથી જેરુસલેમ સુધી પહોંચેલા પ્લાઝોવની કેદમાં રહેલા કેદીઓ, ત્રીસ-ત્રીસ વર્ષ પછી ઊંઘમાં પણ એમોનના ગુસ્સાભર્યા ચહેરાને ભૂલી શકતા ન હતા!

આમ, તેના પોતાના શબ્દોમાં કહીએ, તો એમોન ક્યારેય સંપૂર્ણ નિષ્ફળ ગયો ન હતો.

.

આપનો પ્રતિભાવ આપો....