વેદકાળની રાષ્ટ્રીય ભાવના – હિમા યાજ્ઞિક 2


जननी जन्मभूमिश्च स्वर्गादपि गरियसि|

જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે એ ભાવના સૌ કોઈએ રાખવી જોઈએ અને રાખે છે. કારણ એની તોલે કોઈ ભાવના આવી શકે નહીં.

જે માતૃભૂમિ થકી આપણું પાલન પોષણ થયું. બળ, બુદ્ધિ અને સુખ સમૃદ્ધિ પામ્યા, જે માતૃભૂમિએ આપણને સુરક્ષિત રાખ્યા તેનું ઋણ ચૂકવવાનો એક જ માર્ગ છે અને તે છે માતૃભૂમિની વંદના.

આર્ય લોકો ભારતમાં ભલે ગમે ત્યારે આવ્યા હોય, પરંતુ તેઓ આ ભૂમિ પર આવ્યા કે તરત જ ભારતભૂમિને પોતાની પવિત્ર ભૂમિ સમજવી શરૂ કરી છે. આર્યોએ ક્યારેય ભારતભૂમિને અલગ ગણી નથી. તેઓએ આ ભૂમિ સાથે એટલું બધું તાદાત્મ્ય સાધ્યું છે કે વેદમાં એક આખું ‘પૃથ્વીસુક્ત’ રચ્યું છે. જેમાં માતૃભૂમ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ પ્રગટ થાય છે. આ દેશની નદી, પર્વત, જળ, સ્થળ બધું જ પોતીકું લાગે છે.

આર્યોએ આ દેશને કેવળ માતૃભૂમિ નહીં ધર્મભૂમિ ગણી છે. ભાર્ત પ્રતિ પવિત્રતાની ભાવના સેવવી એ પ્રાચીન આર્યોની દેવી છે.

પ્રાચીનકાળનું ભારત તો દેવો કરતાંય અનુપમ એવાં મનુષ્યો અને સ્વર્ગ કરતાંય અનુપમ એવો દેશ હતો કારણ પ્રત્યેક દેશવાસીઓનું રાષ્ટ્રીય ચારિત્ર્ય એટલું ઉચ્ચ કક્ષાનું હતું કે માતૃભૂમિ પ્રત્યેનાં કર્તવ્યોને પૂરી પવિત્રતાથી અને શુદ્ધ મનથી પૂર્ણ કરવા સૌ તત્પર હતા.

સમષ્ટિ પાસે વ્યક્તિ ગૌણ છે તે જ રીતે રાષ્ટ્ર પાસે વ્યક્તિ, સમાજ, પ્રદેશ, ભાષા, ભાવ આ બધું જ ગૌણ બની જાય છે એમ તે માનતા.

તત્કાલીન આર્યપ્રજાને પૂર્ણ શ્રદ્ધા હતી કે વેદો દ્રારા જે જે આદર્શો સ્થાપિત કર્યા છે. જે જે માર્ગદર્શન આપ્યું છે તે મનુષ્યમાત્રને માટે કલ્યાણકારી જ છે. માનવજીવનની ઉન્નત્તિ માટે જ વેદોનું નિર્માણ થયું છે. અને એ નિશંક વાત છે, એમ આર્યો દ્રઢ પણે માનતા હતા. કારણ વેદોમાં સત્ય, અહિંસા, ક્ષમા, દયા, ઉદારતા, પરોપકાર અને સૌથી વધુ તો સદ્દવ્યવહાર વગેરે વગેરે વિષે જે જ્ઞાન આપ્યું છે તેના થકી જ માનવ સંસ્કૃતિ ઉચ્ચ સ્થાનને આંબી શકી છે.

આથી આર્યલોકોએ વેદોનાં મંત્રોનું ચિંતન કરી અર્થઘટન કર્યું છે અને એમાંથી સમાજ-ઘડતર, સમાજનું સંગઠન, સહકારભર્યું જીવન કેવી રીતે અમલમાં લાવવું તે વિચાર્યું છે. રાષ્ટ્ર નિર્માણ પછી તેનું રક્ષણ કરવું, તેનાં ઉદ્ધાર માટે આયોજનો કરવાં, દુષ્ટોનો નાશ કરવો, સજ્જનોની કદર કરવી તેમ જ વધુને વધુ શક્તિશાળી બનવાના સઘન પ્રયત્નો કરવા – વગેરે અંગે, માતૃભૂમિના ઉદ્ધાર માટે તથા એક ભૂમિ પર વસતાં સૌની ઉન્નતિ વિશે આર્યો ચિંતિત રહેતા અને ઉકેલ શોધી તેના ઉપયોગો યોજતા. અને એ માટે ઋગ્વેદ (૧૦/૧૫૧/૩ માં જે ચેતવણી પણ આપી છે કે ‘જ્યાં સુધી હદયમાં રાષ્ટ્ર પ્રત્યે, ધ્ર્મ અને સંસ્કૃતિ પ્રત્યે સાચી શ્રદ્ધા અને ગાઢ નિષ્ઠા જાગૃત ન થાય ત્યાં સુધી તેમના પ્રત્યે પ્રેમ નહીં થાય. ત્યાગ- બલિદાનની ભાવના જાગશે નહીં અને માતૃભૂમિ માટે સર્વસ્વ ન્યોછાવર કરી દેવાની ઉત્કંઠા પણ નહીં પ્રગટે.’

માટે સૌએ પહેલાં દેશ પ્રત્યે મમત્વ કેળવવાનું છે. જન્મભૂમિ માટે ગૌરવ લેતા શીખવાનું છે અને માતૃભૂમિને વંદના કરવા જેવું ઋજું હદય કેલવવાનું છે.

આ માટે કોઈ એકાદ-બે વ્યક્તિએ મહેનત નથી કરવાની. કોઈ રાજા આદેશ આપે અને માતૃભૂમિ માટે ફના થવાની વૃત્તિજાગે તે શક્ય જ નથી. કોઈ ચિંતક દેશ હિત માટે ચિંતન કરે એથી દેશ ભક્તિ ન જાગે પરંતું પ્રત્યેક વ્યક્તિના રોમ રોમમાંથી મ્દેશ હિતની લાગણી ટપકે તો જ આપણી રાષ્ટ્રિય ભાવના સુદઢ બને.

પ્રત્યેક વર્ણના લોકોએ આ ભગીરથ ભાવનાને સમાજમા પ્રત્યેક સ્તરે લાવવાની છે.બ્રાહ્મણે પોતાના યજમાનોને સત્ક્રર્મો પ્રતિ વાળવાના છે. વિશ્વ કલ્યાણની ભાવનાનાં બીજ રોપવાના છે જેથી સમાજ પ્રાણવાન બને, કિર્તીમાન અને ઓજસ્વી બને. અથર્વવેદ કહે છે કે આવો આદર્શ પૂર્ણ સમાજ બનાવવાની જવાબદારી ઋષિઓની છે અને ઋષિઓ તે કાર્ય બ્રાહ્મણ વર્ણ વડે થાય તેવી અપેક્ષા રાખે છે.

આર્ય પ્રજા ભાર્ત ભૂમિ પર આવી છે. જે નાની મોટી ટોળી સ્વરૂપ. એટલે સંગઠન, સહયોગ અને મૈત્રીભાવ એ તેઓનો સ્થાયી સ્વાભાવ હતો.સમાજમાં તો દરેક પ્રકારનાં માણસો હોય, દરેકનો દ્રષ્ટિકોણ જુદો, વિચારસરણી જુદી, સમજણ શક્તિ જુદી, અનુભવ નોખા નોખા, બુદ્ધિ-પ્રતિભા પણ અલગ અલગ પણ હોય, જ્ઞાન અભ્યાસનીમાત્રા પણ સૌ સૌની શક્તિ અને વૃત્તિ પ્રમાણે હોય. ગુણ સાથેઅવગુણ પણ હોય. સ્વાર્થી અને લોભી વૃત્તિવાળી વ્યક્તિઓ પણ હોય. છતા પણ દરેક વ્યક્તિ બીજા માટે સહિષ્ણુ અને ઉદાર રહે તો ઘણા ખરા પ્રશ્નો આપોઆપ હલ થઈ જાય. ‘માણસ પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ જુએ તો અર્ધું જગત શાન્ત થઈ જાય.’ એ સત્ય સમજાયું હોવાથી તેઓનું પ્રચલિત સૂત્ર હતું કે ‘સહિષ્ણુતા જ સંગઠનોનો પ્રાણ છે.’ ઋગવેદ પ્રમાણે કહીએ તો ‘અમારું હદય, મન અને સંકલ્પ એક જ હો. જેનાથી અમારું સંગઠન ક્યારેય તૂટે નહીં.’

આર્યપ્રજાએ ઋગ્વેદની આ ઋચાને શક્ય હોય ત્યાં રજૂ કરીને લોકોના મનમાં ઠસાવવા પ્રયત્ન કર્યા છે. ઋગ્વેદ (૧૦/૧૯૧/૩) કહે છે; ‘બધાં મનુષ્યોના વિચારો સરખા રહો. બધા સંગઠિત થઈને રહો, બધાનાં મન, ચિત્ત તથા યજ્ઞકાર્ય સમાન હો. બધાં હળી મળીને રહો.’

રાષ્ટ્રની રક્ષા કરવી એ પ્રત્યેકની ફરજ છે અને રાષ્ટ્ર હોય ત્યાં શત્રુઓ પણ હોવાના. આંતરિક અને બાહ્ય બન્ને પ્રકારના શત્રુઓનો સામનો કરવા બાબતે અથર્વ(૧૨/૧/૫)કહે છે કે ‘રાષ્ટ્રનિર્માણ માટે આપણે બધા નાગરિકો કર્મશીલ અને જાગૃત થઈએ. જે દેશમાં આળસુ અને પ્રમાદી માણસો હોય છે તે દેશ ગુલામ થઈ જાય છે.’

આથી આચાર્યોના ઉપદેશ અને રાજદંડ બન્ને રાષ્ટ્રના ઉત્થાન માટે જાગૃત રાખતા. પ્રજા પોતે પણ માનતી હતી કે રાષ્ટ્રહિતને સર્વોપરી સમજીને સ્વહિતોને પ્રસન્નતાથી છોડવા તત્પર રહીશું તો જ રાષ્ટ્રઋણથી મુક્ત થવાશે.

સામાન્ય રીતે એમ કહેવાય કે બ્રાહ્મણો, ઋષિઓ સૌને સંસ્કારી અને જ્ઞાની બનાવે એ જ તેનું કર્તવ્ય છે. પણ ના. સમય, પરિસ્થિતિ અનુસાર રાજ્યનીતિ ઘડવાનું કામ પણ તેઓનું હતું. આવી પડેલ સમસ્યાને સમજીને તેનો ઉકેલ લાવવાની આંતરસૂઝ વાપરીને રાજાને પણ યોગ્ય માર્ગે વાળવાનું કાર્ય બ્રાહ્મણોનું છે, ઋષિઓનું છે.

વસિષ્ઠ ઋષિ જેવા ઘણા ઋષિઓ રાજ્યધુરાને વ્યવસ્થિત ચલાવવામાં વ્યસ્ત રહેતા અને વ્યાસમુનિ જેવા અવારનવાર આવીને યોગ્ય સલાહ-માર્ગદર્શન આપી જતા.

ઋષિઓનો આદેશ હતો કે મનુષ્ય જીવનની ઇમારતનું નિર્માણ ધર્મના પાયા પર થવું જોઈએ. ધર્મનો અંકુશ હશે તો જ રાજતંત્ર નિરંકુશ નહીં થાય્. અશાન્તિ અને અરાજકતા નહીં ફેલાય. રાજસત્તાના મૂળ ધર્મની ધિંગી ધરતીમાં ધરબાયેલાં હોવાં જોઈએ અને તો જ યશસ્વી રાજ્યનાં મંડાણ થાય. કીર્તિનાં મીઠાં ફળ પામી શકાય.

એ સમયે નિયમિત વેદાધ્યાયની પરંપરા હતી. રોજ અમુક મંત્રો વિષે ચર્ચા-વિચારણા થાય. અર્થઘટન કરવામાં આવે અને એ જ્ઞાનગોષ્ટિમાંથી ઊપજેલું ડહાપણ રાજ્યકારભારમાં ઉપયોગી થતું. જ્ઞાનવાન, પ્રજ્ઞાવાન પુરુષોને રાજ્યાશ્રય મળતો અને તેમના થકી રાષ્ટ્ર-ૌત્થાનનાં સોપાન સર થતાં. સમાજના દુષ્ટ, દુર્ગુણી, દુરાચારી, માણસોની ઉપેક્ષા થતી. તેઓ થકી સમાજને નુકશાનકર્તા કાર્ય થઈ જાય તો તેનો આકરો દંડ પણ થતો.

અથર્વ(૫/૧૯/૧)માં ચેતવણી આપી છે કે ‘જ્યાં બ્રહ્મદેવતાઓ અને વેદવિદ્યાનો સતત અનાદર થાય છે ત્યાં રાષ્ટ્ર નષ્ટ થાય છે. કારણ ત્યાં કોઈ તેજસ્વી અને વીર હોતું નથી.’

વળી રાષ્ટ્રનાયક પણ ચોક્કસ સંસ્કારયુક્ત જ હોવો જોઈએ. કારણ સઘળો આધાર નેતા ઉપર છે જે નીતિના માર્ગે પ્રજાને દોરે છે. દુષ્ટોને દંડે છે અને સજ્જનોની પ્રતિષ્ઠા કરે છે. માટે અથર્વવેદ કહે છે કે ‘અમારા શિક્ષક, નેતા અને અધિકારીઓ સંયમ શીલ હોય, ભ્રષ્ટ ન હોય, અનર્થકારી ન હોય. જો આવો ગુણવાન અધિપતિ ના હોય તો અસાજિક તત્ત્વો ઊભરશે. ને આખરે રાજ્ય પતિત થઈ જશે.’

ઋગ્વેદમાં પણ ‘देवानां माम केतुरग्रे’ – શ્રેષ્ઠ માણસ જ જનતાનો નેતા થાય તેવો આદેશ છે.

તત્કાલીન પ્રજા સૈનિકો પાસેથી પણ અપેક્ષા રાખતી અને કહેતી, ‘આપણા સૈનિકો બળવાન હોય, શત્રુનાશની યોગ્યતા રાખતા હોય ને હંમેશા પ્રસન્ન રહેતાહોય. તેઓનાં શસ્ત્રો કુંઠિત ન હોય અને તેઓ રાષ્ટ્રની રક્ષા માટે પોતાના હિતને હોમી દેવા તત્પરા હોય.’ – અથર્વ (૪/૩૧/૧)

આર્યપ્રજા માનતી કે સ્વાભિમાન હોય તો જ દેશપ્રેમ વધે. રાષ્ટ્રરક્ષાનો અગ્નિ પ્રજ્વલિત રાખવામાં દેશભક્તિ સાથે સ્વાભિમાન ખૂબ જરૂરી છે. આથી સ્વાભિમાની આર્યપ્રજા સૈનિકોનું પણ માન જળવાય તે માટે જાગૃતિ રાખતા. સૈનિકોને પ્રોત્સાહન પૂરું પાડતા. પૂરી નિષ્ઠાથી, લાગણીથી અને મનોબળથી શત્રુસેના સામે શહાદત કેળવે તે માટે સૈનિકોનું જિવનધોરન ઊંચું અને ઊજળું રાખવા તેઓનો સર્વપ્રકારે, કદર કરતા, પૂરું વળતર આપતા. રાજા સૈન્યને માટે આદરભાવ રાખતા.

યજુર્વેદ (૧૯/૯)માં પ્રાર્થના કરવામાં આવી છે કે ‘હે પરમેશ્વર, આપ તેજ સ્વરૂપ છો, અમને તેજ આપો. વીર્યવાન છો અમને ઓજસ્વી બનાવો. આપ બળવાન છો, અમને બળ આપો. આપ ઓજસ્વી છો અમને ઓજસ્વી બનાવો. આપ દુષ્ટોને ભસ્મ કરો છો અમને પણ તે શક્તિ આપો. આપ સહનશીલ છે, અમને પણ એવો સહનશીલ બનાવો.’ આ રીતે ઈશ્વરીય ગુણો આપણામાં ઊતરે તેને માટે પણ પ્રાર્થના કરવામાં આવી છે.

આત્મશક્તિનો વિકાસ કરવા, સાંસારિક પ્રલોભનોનો નાશ કરવા પરક્રમ જરૂરી છે અને પરાક્રમ માટે શારીરિક બળ જરૂરી છે અને તે એટલા માટે કે યજુર્વેદ કહે છે તેમ ‘જ્યાં જ્ઞાન વડે સતકર્મોને જાગૃત રાખવા જરૂરી છે ત્યાં શસ્ત્ર વડે દુષ્ટોનો સંહાર કરવો પણ જરૂરી છે.’ ‘ભ્રાહ્મણ વર્નનાં જ્ઞાન અને ક્ષત્રિય વર્ણના તેજ જ્યાં સાથેરહેશે ત્યાં સમાજ હંમેશાં પ્રગતિ કરતો રહેશે.’સંસારમાં સત્કર્મી સાધુપુરુષોની રશા કરવી અને દુષ્ટ, દુરાચારી, પાપી લોકોનો સ્ંહાર કરવો અને એ માટે સામ, દામ, દંડ, ભેદ જેવી કોઈપણ રીતે દુરાચારી સદાચારી ન જ બને તો તેઓનો સંહાર કરવો એ ધર્મ છે. નિશાચરહીન કરૌ મહિ જગતને નિશાચરહીન કરવી એ જ સંસારને સુખી બનાવવાનો મૂળ મંત્ર છે. એવું યજુર્વેદનું મંતવ્ય સ્પષ્ટ છે.

આખરે માતૃભૂમિ માટેના આદરભાવને વ્યક્ત કરતા વિશ્વામિત્રને યાદ કરીએ તેઓ કહે છે; ‘હે ભરતજનો, આદિત્યો સ્વર્ગમાં એ સારું ગણાય. પુણ્યશાલી જનો સ્વર્ગમાં જાય એ સ્વાભાવિક છે પરંતુ મને સ્વર્ગની ઝંખના નથી.મારે આ ભરતભૂમિમાં સ્વર્ગ ઉતારવું છે. આપણે સ્વર્ગના નવા માર્ગ શોધવાના છે.’

આથી વધુ માતૃભૂમિનો આદર કયો હોઈ શકે!

– હિમા યાજ્ઞિક

(પ્રસ્તુત લેખ હિમા યાજ્ઞિકના પુસ્તક વેદકાલીન વ્યવસ્થામાંથી સાભાર લીધો છે. પુસ્તક અક્ષરનાદને ભેટ આપવા બદલ હિમાબેનનો ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ. પુસ્તક પ્રાપ્તિની વિગતો : મૂલ્ય – રૂ. ૧૬૫/-, પ્રકાશક – રન્નાદે પ્રકાશન, પ૮-ર, બીજે માળ, જૈન દેરાસર સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોનઃ (૦૭૯) ૨૨૧૧૦૦૮૧ – ૬૪. ઈ-મેલ : rannade_2002@yahoo.com)


Leave a Reply to DipakCancel reply

2 thoughts on “વેદકાળની રાષ્ટ્રીય ભાવના – હિમા યાજ્ઞિક