શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૧)


પ્રકરણ ૩૧

શિન્ડલર વિશે કોઈપણ ચર્ચા નીકળે, યુદ્ધમાં બચી ગયેલા હેર ડાયરેક્ટર ઓસ્કર શિન્ડલરના મિત્રો આંખનું મટકું મારીને માથું ધુણાવીને ઓસ્કરના શુભ આશયોનો સરવાળો કરવાનો લગભગ ગાણિતિક પ્રયત્ન કરવાનું શરુ કરી દેતા હતા! શિન્ડલરના યહૂદીઓમાં ભાઈચારાની જે લાગણી હજુ પણ જોવા મળે છે તેની પાછળ તેમની એક જ દલીલ હોય છે, કે “મને તો સમજાતું જ નથી કે ઓસ્કરે આવું શા માટે કર્યું હશે!” વાતની માંડણી કરવા માટે એવું કહી શકાય ખરું, કે ઓસ્કર એક જુગારી હતો, લાગણીપ્રધાન વ્યક્તિ હતો, વગેરે. સંબંધોમાં પારદર્શિતા અને કંઈક સારું કામ કરવા માટેની સ્વભાવગત સરળતા તેને પસંદ હતી. ઓસ્કર પ્રકૃતિએ એક એવો ક્રાંતિકારી હતો જેને વ્યવસ્થાતંત્રનો ઉપહાસ કરવો ગમતો હતો; તેના સ્વભાવમાં ઉપર-ઉપર દેખાતી આંતરિક શાંતિની ઓથે, જરર પડ્યે આક્રમક બની શકવાની, કોઈનો પણ પ્રતિકાર કરવાની અને કોઈનાથી દબાઈ ન જવાની એક પ્રચંડ શક્તિ છુપાયેલી હતી! પરંતુ અહીં વાપરવામાં આવેલો એક પણ શબ્દ, જ્યાં-ત્યાંથી એકઠા કરીને નોંધેલા કે પછી ઉમેરેલા આ બધા જ શબ્દો, ઓસ્કરના એ સાતત્યભર્યા દૃઢનિશ્ચયનું વર્ણન કરી શકે તેમ નથી, જેના આધારે ૧૯૪૪ની પાનખરમાં એમેલિયાના તેના સાથિદારો માટે ઓસ્કરે એક અંતિમ સ્વર્ગ ઊભું કરી આપ્યું હતું.

અને એ સ્વર્ગ માત્ર તેના સાથિદારો પૂરતું જ સીમિત ન હતું! સપ્ટેમ્બરની શરુઆતમાં પોજોર્ઝ જઈને એણે મેડરિટ્ઝની મુલાકાત પણ લીધી હતી, જેણે એ સમયે ૩૦૦૦થી પણ વધારે કેદીઓને પોતાની ગણવેશ ફેક્ટરીમાં કામ આપ્યું હતું. એ પ્લાન્ટને પણ હવે બંધ કરવાનો હતો. મેડરિટ્ઝને તેના સિલાઈ મશીનો પાછા મળી જવાના હતા, અને તેના કામદારો અદૃશ્ય થઈ જવાના હતા! “આપણે જો સાથે મળીને પ્રયત્ન કરીએ,” ઓસ્કરે તેને કહ્યું. “તો ચાર હજારથી વધારે લોકોને આપણે બહાર કાઢી શકીએ. મારા કામદારોની સાથે અને તમારા કામદારોને પણ! આપણે તેમને કોઈ અન્ય જગ્યાએ સુરક્ષિત રીતે વિસ્થાપિત કરી શકીએ, મોરાવિયા તરફ.”

બચી ગયેલા મેડરિટ્ઝના કામદારો તેને હંમેશા બહુ આદરપૂર્વક યાદ કરે છે. તેની ફેક્ટરીમાં ચોરીછૂપીથી આવતાં બ્રેડ અને મરઘી મેડરિટ્ઝના પોતાના ખર્ચે આવતા હતા, અને એ પણ માથે સતત તોળાઈ રહેલી તલવાર હેઠળ! ઓસ્કર કરતાં મેડરિટ્ઝની ગણના વધારે સ્થિર માણસ તરીકે કરવી પડે. કોઈ મહાન માણસ તરીકે નહીં, કે નહીં કોઈ પૂર્વગ્રહથી પ્રેરાઈને! એણે ક્યારેય ધરપકડનો સામનો કરવો નહોતો પડ્યો, પરંતુ પોતાને બચાવવાને બદલે એણે ઘણી વધારે માણસાઈ દાખવી હતી. પોતાની કુશાગ્ર બુદ્ધિ અને જુસ્સાનો ઉપયોગ તેણે જો ન કર્યો હોત તો એ ક્યારનોયે ઓસ્વિટ્ઝ ભેગો થઈ ગયો હોત!

અને ઓસ્કરે આજે તેની સામે જેસેનિક્સ પર્વતમાળાની ઉંચાઈઓ ઉપર મેડરિટ્ઝ-શિન્ડલરની સંયુક્ત છાવણી બનાવવાનો એક દૂરદૃષ્ટિભર્યો વિચાર રજુ કર્યો હતો. ધુમ્મસ આચ્છાદિત એવું સુરક્ષિત અને નાનકડું ઔદ્યોગિક સામ્રાજ્ય!

મેડરિટ્ઝ આ યોજનાથી પ્રભાવિત થયો હતો, પરંતુ એણે હા પાડી દેવાની એકદમ ઉતાવળ ન કરી. એ સમજતો હતો, કે યુદ્ધમાં ભલે હાર થઈ હોય, એસએસનું તંત્ર સુધરવાને બદલે વધારે જક્કી બની ગયું હતું. તેની માન્યતા દુઃખદ રીતે સાચી પણ હતી, કારણ કે આવનારા મહિનાઓમાં પ્લાઝોવના કેદીઓ પશ્ચિમના ડેથ કેમ્પોમાં મૃત્યુના મુખમાં હોમાઈ જવાના હતા! એસએસ મુખ્યાલય અને તેના હોશિયાર ફિલ્ડ ઓપરેટિવો તથા કોન્સન્ટ્રેશન કેમ્પોના કમાન્ડરો પણ ઓસ્કર જેટલા જ હઠીલા હતા અને કેદીઓ પ્રત્યે તેના જેટલો જ માલિકીભાવ ધરાવતા હતા.

મેડરિટ્ઝે જો કે ના પણ પાડી ન હતી. વિચારવા માટે તેને સમય જોઈતો હતો. એ વાત એ ઓસ્કરને કહી શકે તેમ ન હતો, કારંણ કે હેર શિન્ડલર જેવા ઉતાવળીયા અને પ્રતિભાશાળી માણસ સાથે ફેક્ટરીની જમીનમાં ભાગીદારી કરવામાં તેને ડર લાગતો હતો.

મેડરિટ્ઝ પાસેથી કશોયે સ્પષ્ટ પ્રત્યુત્તર મળ્યો નહીં તો પણ ઓસ્કર તો પોતાના રસ્તે આગળ વધ્યો જ! બર્લીન જઈને એણે કર્નલ એરિક લેન્જને પોતાની સાથે ભોજન લેવા માટે આમંત્રણ આપ્યું. “હું તોપગોળા બનાવવાનો ઓર્ડર પૂરો કરી શકું તેમ છું,” ઓસ્કરે લેન્જને કહ્યું. “હું મારી ભારે મશીનરી પ્લાઝોવમાંથી ખસેડીને મોરેવિયામાં લઈ જઈશ.” લેન્જ બહુ મહત્વનો માણસ હતો. એ કોન્ટ્રાક્ટની ખાતરી પણ આપી શકે તેમ હતો, અને ઓસ્કરને જરૂર હતી એવા ભલામણપત્રો વિસ્થાપન સમિતિ અને મોરેવિયામાં જર્મન અધિકારીઓ પર એ દીલથી લખી આપે તેમ હતો. એ સંદિગ્ધ અધિકારીએ ઘણી બધી વખત મદદ કરી હોવાનું ઓસ્કરે આગળ જતા જાહેર કરેલું. લેન્જ હજુ પણ અત્યંત નિરાશાની સ્થિતિમાં હતો, નૈતિકતામાં માનતા હોય એવા ઘણા જર્મનોમાંનો એ એક હતો, જેઓ તંત્રની અંદર રહીને જરૂર કામ કરતા હતા, પરંતુ હંમેશા તંત્રને માટે નહીં! એણે ઓસ્કરને ખાતરી આપતાં કહ્યું, “આપણે ચોક્કસ આ કામ કરી શકીશું. પરંતુ તેના માટે પૈસા આપવા પડશે. મને નહીં, પણ બીજાને!”

લેન્જને વચ્ચે રાખીને ઓસ્કરે બેન્દલર સ્ટ્રીટ પાસે ઓકેએચની વિસ્થાપન સમિતિના એક અધિકારી સાથે વાતચીત કરી. એ અધિકારીએ કહ્યું, “એવું બને, કે વિસ્થાપનની સૈદ્ધાંતિક મંજુરી મળી જાય. પરંતુ એમાં એક મોટું વિઘ્ન છે. લાઇબીરેકના કિલ્લામાંથી શાસન કરી રહેલા ગવર્નરે, અને મોરેવિયા પ્રાંતના વડાએ યહૂદીઓની પોતાના વિસ્તારમાંથી મજૂર છાવણીઓને દૂર જ રાખવાની નિતિ અપનાવેલી છે.”

“એસએસ કે યુદ્ધ મંત્રાલય હજુ સુધી તેમના અભિગમમાં પરિવર્તન લાવવા માટે તેમને સમજાવી શક્યા નથી.” એ અધિકારી જણાવ્યું. “આ મડાગાંઠ બાબતે તેમની સાથે ચર્ચા કરવા માટે કોઈ વ્યક્તિ સક્ષમ હોત તો એક માત્ર યુદ્ધ મંત્રાલયની ટ્રોપાઉ ઑફિસમાં કામ કરતા મધ્યવયના જર્મન ઇજનેર સસ્મથ જ છે. તમે મોરાવિયામાં વિસ્થાપન માટે કઈ જગ્યા મળી શકે તેમ છે તે બાબતે સસ્મથ સાથે વાત કરી જુઓ! તે દરમ્યાન મુખ્ય વિસ્થાપન સમિતિના સભ્યો જરૂર તમને ટેકો આપશે. પરંતુ તમે એટલું સમજી શકશો, કે તેઓ જે રીતે દબાણ હેઠળ આવેલા છે, અને યુદ્ધને કારણે તેમની અંગત સગવડો પર જે રીતે કાપ મૂકાયો છે તે જોતાં, તમે એ સભ્યોને કોઈક રીતે મદદરૂપ થઈ શકો તો તેઓ તમને તરત જ પરવાનગી આપી દેશે. અમે ગરીબ શહેરીઓ બહુ જ અછતમાં જીવી રહ્યા છીએ, હેમ, સિગરેટ, કપડાં, કોફી… આવી બધી વસ્તુઓ…”

આ બધી જ વસ્તુઓનું ઉત્પાદન પોલેન્ડમાં તો છેક શાંતિના સમયે થતું હતું. એ અધિકારી કદાચ એવું માનતો હશે, કે પોલેન્ડમાં બનેલી આ બધી જ વસ્તુઓ ઓસ્કર પોતાની સાથે કારમાં લઈને જ ફરતો હશે! હકીકતમાં તેને ભેટ આપવા માટે આ બધી વસ્તુઓ પણ ઓસ્કરે બર્લીનમાંથી કાળાબજારના ભાવે ખરીદવી પડી હતી!

હોટેલ એડલનના એક ટેબલ પર બેઠેલા વૃદ્ધ સદ્ગૃહસ્થે, હોલેન્ડની કડક ગણાતી શરાબ ૮૦ જર્મન માર્ક પ્રતિ બોટલ જેટલા સસ્તા ભાવે હેર શિન્ડલરને લાવી આપી હતી. સમિતિના અધ્યક્ષને ડઝનથી ઓછી બોટલ તો આપી શકાય એમ ન હતું! પરંતુ કોફી, ઓસ્કરને જો કે સોનાના ભાવે મળી હતી! અને હવાનાનો ભાવ તો પાગલ થઈ જવાય એવો ઊંચો હતો! ઓસ્કર આ બધી જ વસ્તુઓ ભેટ આપવા માટે થોકબંધ લઈ આવ્યો હતો. મોરેવિયાના ગવર્નરની મુલાકાતના સમયે એમને પણ પૂરતો ઉત્સાહ રહેવો જોઈએને! ઓસ્કરની આ વાટાઘાટો ચાલતી હતી એ અરસામાં એમોન ગેટેની ધરપકડ કરી લેવામાં આવી!

કોઈએ એમોન વિશેની માહિતી ઉપર સુધી પહોંચાડી દીધી હોવી જોઈએ! કોઈ ઈર્ષાળુ જુનિઅર અધિકારી કે પછી ક્યારેક વિલાની મુલાકાતે આવેલો અને એમોનની વિલાસી જીવનશૈલીથી આઘાત પામેલો કોઈ ચિંતિત નાગરીક હોય! એકર્ટ નામના એસએસના એક ઉચ્ચ તપાસ અધિકારીએ એમોનના આર્થિક સોદાઓ બાબતે તપાસ શરૂ કરી હતી. બાલ્કનીમાં બેસીને એમોને કરેલા ગોળીબારો એકર્ટની તપાસનો વિષય ન હતા. પરંતુ નાણાંની ઉચાપત અને કાળાબજારના સોદા ઉપરાંત તેના હાથ નીચેના કેટલાક અધિકારીઓએ કરેલી ફરિયાદ મુજબ, એમોન દ્વારા તેમની સાથેની કરવામાં આવેલી સતામણી બાબતે એકર્ટ ચોક્કસ તપાસ કરવાનો હતો.

એસએસ દ્વારા ધરપકડ થવાના સમયે એમોન રજા લઈને વિયેનામાં પોતાના પબ્લિશર પિતાને મળવા ગયો હતો. શહેરમાં એમોનના એક એપાર્ટમેન્ટ પર દરોડો પાડીને એમણે લગભગ ૮૦૦૦૦ જર્મન માર્ક જેટલી એવી મોટી રકમ પણ પકડી પાડી હતી, જેના બાબતે એમોન કોઈ સંતોષકારક ખુલાસો આપી નહોતો શક્યો! તે ઉપરાંતમાં એપાર્ટમેન્ટના છાપરા પર સંઘરી રાખેલી લગભગ દસ લાખ જેટલી સિગરેટો પણ તેમને મળી આવી હતી. એમોનનો વિયેનાનો એપાર્ટમેટ તેના કામચલાઉ રહેણાકને બદલે કોઈ વેરહાઉસ જેવો લાગતો હતો!

એસએસ કે પછી જર્મન સિક્યુરિટી મુખ્યાલયના બ્યુરો ‘વી’ની ઑફિસ, કમાન્ડન્ટ ગેટે જેવા સફળ અમલદારની ધરપકડ કરવા ઇચ્છે એ પણ પહેલી નજરે તો એક નવાઈની વાત હતી! પરંતુ આ અગાઉ બ્યુકેમવાલ્ડમાં થયેલી અનિયમિતતાઓની તપાસ કરીને કમાન્ડન્ટ કોચને ગુનેગાર ઠેરવવાનો પ્રયાસ તેઓ કરી ચૂક્યા હતા. વિખ્યાત રુડોલ્ફ હોસને સકંજામાં લેવા માટે પણ પુરાવાઓ શોધવાનો પ્રયત્ન તેઓ કરી ચૂક્યા હતા. છાવણીના એ પ્રખ્યાત અધિકારી દ્વારા જે સ્ત્રી ગર્ભવતી થયાનો તેમને વહેમ હતો એ વિયેનીઝ યહૂદી સ્ત્રીની પુછપરછ પણ તેઓ કરી ચૂક્યા હતા. આથી એમોનના એપાર્ટમેન્ટની તલાશી લેવાયા પછી, ધુંઆપુંઆ થઈ રહેલા એમોન પાસે માફી મળવાની ખાસ કોઈ આશા બચી ન હતી!

એમોનને તપાસ માટે તેઓ બ્રેસલાઉ લઈ ગયા અને પછી  ચૂકાદો આવે ત્યાં સુધી તેને એસએસની જેલમાં પૂરી દેવામાં આવ્યો હતો. પ્લાઝોવમાં ચાલતી ઘટનાઓ બાબતે પોતે કંઈ જાણતા જ ન હોવાનું દર્શાવવા માટે તેઓ એમોનની વિલામાં જઈને એમોને કરેલી છેતરપિંડીમાં હેલન હર્ષ પણ સામેલ છે કે નહીં, એ શંકાએ તેની પુછપરછ પણ કરી આવ્યા હતા. આવનારા મહિનાઓમાં હેલનને પ્લાઝોવની બેરેકના ભોંયરામાં આવેલી કોટડીમાં પુછપરછ માટે બે વખત લઈ જવામાં આવવાની હતી. કાળાબજારમાં એમોનના સંપર્કો, તેના એજન્ટો, પ્લાઝોવની ઝવેરાતની દુકાન, કપડાંની દુકાન, ગાદી બનાવવાનો પ્લાંટ, વગેરે કઈ રીતે ચાલતા હતા, એ વિશે એમણે હેલનને પ્રશ્નો પૂછ્યા હતા. પૂછપરછ કરનારાઓએ હેલનને ન તો માર માર્યો કે ન કોઈ ધમકી આપી! પરંતુ હેલન એમોનની એ જ ટોળકીની સભ્ય હોવાનો વહેમ તેઓ નાખી રહ્યા હતા, જે ટોળકી અસલમાં તેના પર ત્રાસ ગુજારતી હતી! પોતે આજ સુધી જે ગૌરવશાળી મુક્તિની કલ્પના કરી હતી, હવે એ મુક્તિ જ હેલનને અશક્ય લાગતી હતી; પરંતુ એમોનને એસએસના જ માણસો પકડી જશે એવી કલ્પના તો એ ક્યારેય ન કરી શકી હોત! પોતાના આગવા કાયદાઓને અનુસરીને તેઓ હેલનને એમોનની સાથે સાંકળવાનો પ્રયત્ન કરવા લાગ્યા ત્યારે હેલનને લાગ્યું, કે પુછપરછની કોટડીમાં જ કદાચ એ પોતાની માનસિક સ્વસ્થતા ગુમાવી બેસશે! અધિકારીઓએ હેલનને એ પણ જણાવ્યું, કે ચિલોવિક્સ કદાચ તેમને આ તપાસમાં મદદ કરી શક્યો હોત! પરંતુ ચિલોવિક્સ તો મૃત્યુ માપ્યો હતો!

પરંતુ આખરે તેઓ પોલીસના માણસો હતા! થોડા સમયમાં જ તેમને ખ્યાલ આવી ગયો, કે સારી રસોઈ બનાવવાની થોડી-ઘણી માહિતી સિવાય હેલન પાસેથી તેમને બીજી કોઈ માહિતી મળવાની ન હતી! હેલનના શરીર પર પડેલા ઘા બાબતે તેઓ જરૂર તેને પૂછી શક્યા હોત, પરંતુ ક્રુરતાભર્યો જાતિય વ્યવહાર કરવાના આરોપોસર તેઓ એમોનને પકડી શક્યા ન હોત! સેકસેનહાઉસેનની છાવણીની અંદર ક્રુરતાભર્યા જાતિય વ્યવહારની તપાસ કરવા જતાં, હથિયારધારી ચોકિયાતોએ તેમને છાવણીની બહાર તગેડી મૂક્યા હતા! બુકેનવાલ્ડની છાવણીમાં કમાન્ડન્ટ વિરુદ્ધ સાહેદી આપવા માટે નક્કર સાક્ષી આપે એવો એક એક હંગામી સૈનિક તેમને મળી આવ્યો હતો ખરો, પરંતુ પોતાની જ કોટડીમાં એ બાતમીદાર મૃત હાલતમાં મળી આવ્યો હતો! એસએસની તપાસ ટીમના અધિકારીએ, એ મૃત સૈનિકના પેટમાંથી મળી આવેલા ઝેરના નમુના ચાર રશિયન કેદીઓને ખવડાવી દેવાનો હુકમ કર્યો હતો. એ ચારેય કેદીઓને પોતાની નજર સામે મૃત્યુ પામતા જોઈ રહ્યો હતો, અને સાથે-સાથે કમાન્ડન્ટ અને કેમ્પના ડૉક્ટરની વિરુદ્ધના પુરાવાઓને પણ! હત્યા અને ક્રુર જાતિય આચરણ અંગેનો કેસ ચાલવા છતાં જે આવો આશ્ચર્યજનક ચુકાદો આપવામાં આવ્યો હતો! તે ઉપરાંત, છાવણીના અધિકારીઓએ એકમેકને મદદ કરીને જીવંત પુરાવાઓનો નાશ કરી દીધો હતો! આથી બ્યુરો ‘વી’ના માણસોએ હેલનને તેની ઈજાઓ બાબતે કોઈ જ પ્રશ્ન ન પૂછ્યો. તેઓ માત્ર નાણાકીય ઉચાપતની બાબતને જ વળગી રહ્યા, અને છેવટે તેમણે હેલનને પરેશાન કરવાનું પણ છોડી દીધું. મિતેક પેમ્પરની પણ એમણે પુછપરછ કરી હતી.

પેમ્પર એટલો હોશિયાર હતો કે એમોન વિશે એણે ખાસ કોઈ વાત ન કરી, ખાસ કરીને માનવતા વિરુદ્ધ તેણે કરેલા ગુનાઓની તો નહીં જ! એમોને કરેલા નાણાકીય ગોટાળા બાબતે થોડી ઊડતી વાતો સિવાય એ બહુ ઓછી જાણકારી ધરાવતો હતો!

એણે તો, પોતે એક સાવ તટસ્થ, કહ્યાગરો અને સાધારણ ટાઇપિસ્ટ હોવાનો દેખાવ કર્યો. “હેર કમાન્ડન્ટ આવી કોઈ બાબતે મારી સાથે વાત કરતા ન હતા,” એવું કહીને એ સતત આજીજી કરતો રહ્યો. પરંતુ તેના નાટકની પાછળ, હેલન હર્ષની માફક એણે પોતે પણ ભોગવેલી તીવ્ર અવિશ્વાસની પીડા જ કારનભૂત હતી! એમોનની ધરપકડની એક માત્ર ઘટના પોતે જીવતો રહેશે તેવી ખાતરી તેને આપવા માટે સમર્થ હતી. રશિયનો તાર્નોવ પહોંચે કે તરત જ એમોન પોતાનો છેલ્લો પત્ર લખાવીને આ ટાઇપિસ્ટની હત્યા કરી નાખવાનો હતો… પોતાના જીવનની બસ આટલી જ સીમા તેને દેખાતી હતી. અને એટલે જ તેને એક વાતની ચિંતા સતાવતી હતી, કે એમોનને ક્યાંક બહુ જલદી છોડી દેવામાં આવશે તો!

પરંતુ તપાસ અધિકારીઓને એમોન બાબતે માત્ર અનુમાનો લગાવવામાં રસ ન હતો. ઓબરસ્કારફ્યૂહરર લોરેન્ઝ લેન્ડ્સડોર્ફરે પોતાની જુબાનીમાં પેમ્પરને પુછપરછ કરનારા એસએસ ન્યાયાધિશને માહિતી આપેલી, કે કેપ્ટન ગેટેએ પોતાના યહૂદી સ્ટેનોગ્રાફર પેમ્પરને કેટલીક માર્ગદર્શિકાઓ અને આયોજનો ટાઇપ કરવા માટે આપેલાં. યહૂદી બળવાખોરો છાવણી પર હુમલો કરે તો પ્લાઝોવના જર્મન સૈનિકોએ એ માર્ગદર્શિકા અને આયોજનોનું પાલન કરવાનું હતું. આ આયોજનોને કઈ રીતે અમલમાં મૂકવાના છે તેની પેમ્પર સાથે ચર્ચા કરતી વેળાએ એમોને, અન્ય કોન્સન્ટ્રેશન કેમ્પના આયોજનોની નકલો પણ પેમ્પરને બતાવી હતી. આવા ખાનગી દસ્તાવેજો એક યહૂદી કેદી પાસે આ પ્રકારે ઉઘાડા પડી ગયાની બાબત જાણીને ન્યાયાધિશ એવા તો ચોંકી ગયા હતા, એમણે તરત જ પેમ્પરની ધરપકડનો હુકમ આપી દીધો.

બે ભયાનક અઠવાડિયાં પેમ્પરે એસએસ બેરેકની નીચે ગાળ્યાં. તેને મારવામાં તો નહોતો આવ્યો, પરંતુ બ્યુરો ‘વી’ના શ્રેણીબદ્ધ અધિકારીઓ અને બે એસએસ ન્યાયાધિશો દ્વારા સતત તેની પુછપરછ કરવામાં આવી. એ અધિકારીઓની આંખોમાં પેમ્પર એટલો સ્પષ્ટ નિષ્કર્ષ વાંચી શકતો હતો, કે તેને ગોળી મારી દેવાનો રસ્તો તેમના માટે સૌથી સુરક્ષિત હતો! પ્લાઝોવના સંકટ સમયના આયોજન બાબતે પ્રશ્નો પૂછતી વેળાએ એક દિવસ પેમ્પરે એસએસના ભોંયરામાં પ્રશ્નકર્તાઓને પૂછ્યું, “મને આ જગ્યાએ શા માટે રાખવામાં આવ્યો છે? જેલ તો આખરે જેલ જ છે. આમ પણ મને આજીવન કારાવાસ તો આપવામાં આવ્યો જ છે.” વાતનો અંત લાવવા માટે તેણે ગણતરીપૂર્વક દલીલ કરી હતી, કે કાં તો તેને આ કોટડીમાંથી છોડી મૂકવામાં આવે, અથવા તો પછી ગોળી મારી દેવામાં આવે! પુછપરછ પૂરી થઈ ગયા પછી ફરી વખત દરવાજો ખુલ્યો ત્યાં સુધી પેમ્પરે થોડા કલાકો તો ચીંતામાં ગાળ્યા. તેને બહાર કાઢીને ફરીથી છાવણીમાં તેની ઝૂંપડીમાં મોકલી આપવામાં આવ્યો. જો કે કમાન્ડન્ટ એમોન વિશે તેને આ પ્રશ્નો કંઈ છેલ્લી વખત પૂછવામાં નહોતા આવ્યા!

એમોનની ધરપકડ પછી એક પણ, જુનિયર અધિકારી એમોનની ભલામણો કરવા માટે દોડી ન ગયો. તેઓ સાવધ થઈ ગયા હતા! તેઓ રાહ જોઈ રહ્યા હતા. એમોનના ખર્ચે સૌથી વધારે શરાબ પી જનાર બૉસે અન્ટર્સ્ટર્મફ્યૂહરર જોહ્નને જણાવ્યું કે દૃઢનિશ્ચય સાથે આવેલા બ્યુરો ‘વી’ના આ તપાસ આધિકારીઓને લાંચ આપવાનો પ્રયત્ન કરવો જોખમી હતો! એમોનના ઉપરીઓમાંથી સ્કર્નરને બળવાખોરોને ઝડપી લેવા માટે રવાના કરી દેવામાં આવ્યો હતો, અને આગળ જતાં નિએપોલોમાઇસના જંગલોમાં લડાઈ દરમ્યાન એ મૃત્યુ પામવાનો હતો. એમોન ઓરેઇનબર્ગના એવા અધિકારીઓના હાથમાં પડી ચૂક્યો હતો જેમણે ક્યારેય તેની વિલામાં ભોજન લીધું ન હતું; અથવા જો લીધું હોય તો તેઓને આઘાત લાગ્યો હશે, અથવા તો એમોનની ઈર્ષ્યા થઈ હશે! એસએસ દ્વારા છોડી મૂકવામાં આવ્યા બાદ, નવા કમાન્ડન્ટ કેપ્ટન બર્શર માટે કામ કરતી હેલન હર્ષને એમોન તરફથી મૈત્રીભાવે લખેલી એક ચિઠ્ઠી મળી હતી, જેમાં તેણે પોતાના કપડાં, થોડી રોમાંચક અને જાસુસી નવલકથાઓ, અને જેલમાં તેને રાહત મળી રહે તે માટે થોડી શરાબ એક પાર્સલમાં ભરી રાખવાની સૂચના લખી હતી. પત્ર જાણે હેલનના કોઈ સંબંધીએ મોકલ્યો હોય એ રીતે લખાયો હતો. “મહેરબાની કરીને મારા માટે થોડી વસ્તુઓ એકઠી કરીને રાખીશ?” એણે પત્રમાં લખ્યું હતું, અને છેલ્લે એ પણ લખ્યું હતું, “આશા રાખું છું કે આપણે ફરી બહુ જલદી મળીશું.” તે દરમ્યાન, ઓસ્કર, ઇજનેર સસ્મથને મળવા માટે ટ્રોપાઉ નામના શહેર ગયો હતો. પોતાની સાથે એ શરાબ અને હીરા લઈ ગયો હતો, પરંતુ આ કિસ્સામાં તેની જરૂર પડી નહીં. સસ્મથે ઓસ્કરને કહ્યું, કે આ અગાઉ યુદ્ધ મંત્રાલય માટે ચીજ-વસ્તુઓ બનાવવા માટે મોરાવિયાના સરહદનાં ગામોમાં થોડી યહૂદી છાવણીઓ નાખવા માટેનું સૂચન એણે પોતે જ કર્યું હતું! જો કે આવી છાવણીઓ તો ઓસ્વિટ્ઝ કે પછી ગ્રોસ-રોસેનના નિયંત્રણ હેઠળ જ બની શકે તેમ હતી, કારણ કે મોટા કોન્સન્ટ્રેશન કેમ્પની વગ હેઠળના એ વિસ્તારો પોલિશ-ચેકોસ્લોવેક સરહદોને વળોટી ચૂક્યા હતા. પરંતુ વિશાળ કબ્રસ્તાન જેવા ઓસ્વિટ્ઝ કરતાં નાનકડી છાવણીઓમાં કેદીઓની સુરક્ષા વધારે સચવાય તેમ હતું. સસ્મથ જો કે તેને કોઈ મદદ કરી શક્યો ન હતો. લાઇબેરેકના કિલ્લામાં ઓસ્કરના સૂચનને કચરામાં ફેંકી દેવામાં આવ્યું હતું. ઓસ્કરની પોતાની તો કોઈ જ વગ હતી નહીં! કર્નલ લેન્જ અને વિસ્થાપન સમિતિના પેલા સદ્ગૃહસ્થે કરેલી સહાયથી જ માત્ર કંઈક કરી શકાય તેમ હતું!

યુદ્ધક્ષેત્રમાંથી ખાલી કરાયેલા પ્લાંટોને ફરીથી સ્થાપી શકાય તેવી યોગ્ય જગ્યાઓની એક સુચી સસ્મથની ઑફિસમાં હતી. ઝ્વિતાઉના ઓસ્કરના ગામની નજીક, બ્રિનિલિટ્ઝ નામના એક ગામડાના પાદરે હોફમેન કુટુંબના વિયેનિઝ બંધુઓનો એક વિશાળ ટેક્સ્ટાઇલ પ્લાન્ટ હતો. તેમના પોતાના શહેરમાં તેમનો માખણ અને ચીઝનો વ્યવસાય હતો; પરંતુ ઓસ્કર જે રીતે ક્રેકોવમાં આવ્યો હતો એ જ રીતે મહા સ્થળાંતરના સમયે તેઓ સ્યૂટન વિસ્તારમાં આવીને કાપડ ઉદ્યોગના માંધાતા બની ગયા હતા. તેમના પ્લાંટની વિશાળ ઇમારત અત્યારે સાવ ઉજ્જડ પડી હતી, અને માત્ર થોડા સ્પિનિંગ મશીનોને સંઘરવા માટે જ વપરાતી હતી. ઝ્વિતાઉ ખાતેના રેલવેના જે ડિપો સાથે એ જગ્યા જોડાયેલી હતી, શિન્ડલરના બનેવી ત્યાંના માલવહન વિભાગના કર્તાહર્તા હતા. પ્લાન્ટની ઇમારતના દરવાજાની નજીકથી જ રેલવેની લાઈન જતી હતી. “બંને ભાઈઓ જબરા નફાખોર છે.” સસ્મથે સ્મિત સાથે કહ્યું. “એકાદ સ્થાનિક ટોળકીનો તેમને ટેકો છે, પરગણાની પંચાયત અને જિલ્લા અધ્યક્ષ તેમના ખિસ્સામાં છે. પરંતુ તમને કર્નલ લેન્જનું પીઠબળ છે.”

“હું તરત જ બર્લીનને લખી જણાવું છું.” સસ્મથે ખાતરી આપી, અને હોફમેનના મકાનનો ઓસ્કરને ઉપયોગ કરવાની પરવાનગી આપવા માટે ભલામણ કરી.

બ્રિનિલિટ્ઝ નામના એ જર્મન ગામને ઓસ્કર બાળપણથી જાણતો હતો. એ ગામનું વંશીય ચારિત્ર્ય તેના નામમાં જ દેખા દેતું હતું!, જેમ ચેકોસ્લોવેકિયામાં ઝ્વિતાઉને ઝ્વિતાવા કહેવાતું હતું, એ રીતે ચેક લોકો તો તેને ‘બર્નેનેક’ નામથી જ ઓળખતા હતા! બ્રિનિલિટ્ઝના રહેવાસીઓએ એવી કલ્પના પણ નહીં કરી હોય તો હજારો યહૂદીઓ તેમની પડોશમાં રહેવા આવી જશે! ઝ્વિતાઉના લોકોમાંથી જે કેટલાકને હોફમેનની ફેક્ટરીમાં કામદાર તરીકે નિમણુક અપાઈ હતી, એમને પણ યુદ્ધ પૂરું થવાના આ સમયે પોતાના ઔદ્યોગિક વિસ્તારમાં આવા નિમ્ન કક્ષાના ઉદ્યોગની ભેળસેળ ગમવાની ન હતી.

અને તો પણ ઓસ્કર એ જગ્યા પર અછડતી નજર નાખવા માટે પોતાની કાર લઈને ત્યાં પહોંચી ગયો! ત્યાં જઈને એ સીધો જ હોફમેન બંધુઓની ફેક્ટરીના કામદારોને મળવા ન ગયો, કારણ કે એવું કરવાથી કંપનીના ચેરમેન પદે બેઠેલા અક્કડ હોફમેન બંધુને કડક ચેતવણી મળી જાત! તેને બદલે કોઈની પણ રોકટોક વગર એ આખી જગ્યામાં ફરી વળ્યો. એક મેદાનની ફરતે બે માળ ધરાવતું એ ઔદ્યોગિક સંકુલ જુનવાણી ઢબે બંધાયેલું હતું. સંકુલનું ઊંચી છતવાળા ભોંયતળિયામાં જુના મશીનો અને ઊનના કરંડિયા ભરેલાં હતાં. ઉપરના માળને ઑફિસો અને હળવા સાધનો રાખવા માટે બનાવાયો હોવાથી મોટા પ્રેસિંગ મશીનોનો ભાર એ ખમી શકે તેમ ન હતો. નીચેનો માળ ડેફના નવા વર્કશોપ અને ઑફિસો તરીકે કામ આપી શકે તેમ હતો. અને એક ખૂણામાં હેર ડાયરેક્ટરનો એપાર્ટમેન્ટ અને તેની ઉપરના માળે કેદીઓની બેરેક બનાવી શકાય તેમ હતી.

જગ્યા જોઈને એ ખુશ થઈ ગયો હતો. જેમ બને તેમ જલદી ક્રેકોવ પાછા પહોંચીને કામકાજ શરૂ કરવા માટે, જરૂરી રકમ ખર્ચ કરવા માટે અને ફરીથી મેડરિટ્ઝ સાથે વાત કરવા માટે એ તલપાપડ થઈ ગયો. મેડરિટ્ઝ માટે પણ સસ્મથ જરૂર કોઈને કોઈ જગ્યા શોધી કાઢશે, કદાચ બ્રિનિલિટ્ઝમાં જ એવી જગ્યા મળી જાય!

બ્રિનિલિટ્ઝથી એમેલિયા પાછા આવીને એણે જોયું, કે લુફ્ટવેફના એક ફાઈટર પ્લેને સાથી રાષ્ટ્રોના એક બોમ્બર વિમાનને એમેલિયાની ફેક્ટરીની ઉપર જ તોડી પાડ્યું હતું, મેદાનના છેવાડે આવેલી બે બેરેકનો ભૂક્કો થઈ ગયો હતો. તૂટી પડેલા વિમાનનો વાંકો વળી ગયેલો વચ્ચેનો ભાગ કાળોમેશ થઈને જમીનદોસ્ત થઈ ગયેલા ઝૂંપડાઓની સામે જ પડ્યો હતો. ઉત્પાદન બંધ કરી દઈને પ્લાન્ટની જાણવણી પૂરતા માત્ર થોડાક કેદીઓ જ એમેલિયામાં રહ્યા હતા. કેદીઓએ સળગી રહેલા વિમાનને નીચે આવતું જોયું હતું. વિમાનમાં બે માણસો હતા અને તેમનાં શરીરો તદ્દન બળી ગયાં હતાં. મૃતદેહોનો કબજો લેવા આવેલા લુફ્તવેફના માણસોએ આદમ ગારદેને આપેલી માહિતી પ્રમાણે એ બોમ્બર વિમાન સ્ટર્લિંગ હતું અને તેના ચાલકો ઓસ્ટ્રેલિયન હતા. એક માણસના હાથમાં અડધું બળેલું અંગ્રેજી બાઇબલ હતું, હાથમાં બાઈબલ સાથે જ એ અથડાયો હોવો જોઈએ. અન્ય બે માણસો પેરેશુટ વડે ગામડાઓમાં ઊતરી ગયા હતા. તેમાંનો એક ઈજાઓને કારણે મૃત હાલતમાં પેરેશુટમાં જ ફસાયેલો મળી આવ્યો હતો. બળવાખોરો બીજા ચાલક સુધી પહોંચી ગયા હતા અને તેને કોઈક અજાણી જગ્યાએ છૂપાવી દીધો હતો.

ક્રેકોવની પૂર્વ દિશાએ આવેલા ગાઢ જંગલોમાં છુપાયેલા બળવાખોરોને એ ઓસ્ટ્રેલિયનો સાધન-સામગ્રી પહોંચાડતા હતા. ઓસ્કરને કોઈ પ્રકારની મદદ જોઈતી હોય તો એ આ ઘટનામાંથી મળી શકે તેમ હતી. કેટલા અકલ્પ્ય અંતરેથી ઓસ્ટ્રેલિયાના કોઈક અંતરિયાળ ગામથી અને એ લોકો ક્રેકોવને ઝડપથી ખતમ કરી દેવામાટે  આવી પહોંચ્યા હતા! એણે તરત જ ઓસ્ટબાહ્‌નના પ્રેસિડેન્ટ ગેર્તિસની ઑફિસના કર્તાહર્તાને ફોન લગાવ્યો, અને તેમને ડેફ માટે માલ પરીવહનની મદદની તાતી જરૂરિયાત બાબતે ચર્ચા કરવા માટે ભોજન પર આમંત્રણ આપ્યું.

સસ્મથ સાથે ઓસ્કરે વાત કર્યાના એક જ અઠવાડિયામાં બર્લીન શસ્ત્ર વિભાગે મોરાવિયાના ગવર્નરને સૂચના આપી કે ઓસ્કરની શસ્ત્રોની ફેક્ટરીને બ્રિનિલિટ્ઝમાં હોફમેનની સ્પિનિંગ મિલની જગ્યા ફાળવવાની છે. સસ્મથે ઓસ્કરને ફોન કરીને જાણ કરી, કે ગવર્નરના અમલદારો કાગળિયા કરવાની કાર્યવાહીને થોડી ધીમી પાડવાથી વિશેષ કંઈ કરી શકે તેમ ન હતા. પરંતુ હોફમેન અને ઝ્વિતાઉ વિસ્તારના સમાજવાદી પાર્ટીના કેટલાક લોકો આપસમાં ચર્ચા-વિચારણા કરીને મોરાવિયાની અંદર ઓસ્કરની ઘુસણખોરીની વિરુદ્ધમાં ઠરાવ કરી ચૂક્યા હતા. ઝ્વિતાઉની સમાજવાદી પાર્ટીના નેતાએ બર્લીન પત્ર લખીને ફરિયાદ કરી દીધી કે પોલેન્ડના યહૂદી કેદીઓ મોરેવિયાના જર્મનોના આરોગ્ય માટે મોટું જોખમ હતા. આધુનિક ઇતિહાસ જોતાં, શીતળાનો રોગ એ વિસ્તારમાં પહેલી વખત ફેલાય એવી શક્યતા હતી; અને યુદ્ધમાં શંકાસ્પદ મહત્ત્વ ધરાવતી ઓસ્કરની હથિયારોની નાનકડી ફેક્ટરી સાથી રાષ્ટ્રોના બોમ્બર વિમાનોને એ વિસ્તારમાં આકર્ષશે, જેના પરીણામે હોફમેનની મહત્ત્વની મિલોને પણ નુકશાન ભોગવવું પડશે. બ્રિનિલિટ્ઝના પ્રતિષ્ઠિત લોકોની મર્યાદિત વસ્તીની સામે શિન્ડલરની સૂચિત છાવણીના યહૂદી ગુનેગારોની સંખ્યા ઘણી વધારે થઈ જશે અને ઝ્વિતાઉના પ્રામાણિક લોકો માટે એ એક કેન્સર સાબીત થશે.

આ પ્રકારનો વિરોધ સફળ ત્યાય તેવી કોઈ સંભાવના ન હતી, કારણ કે એની રજુઆત બર્લિનના એરિક લેન્જની ઑફિસમાં જ કરવામાં આવી હતી. આથી ઇમાનદાર સસ્મથે ટ્રોપાઉની અપીલને કાઢી જ નાખી! તેનાથી વિરુદ્ધ ઓસ્કરના પોતાના ગામની દિવાલો પર ઓસ્કર વિરુદ્ધના પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા. “યહૂદી ગુનેગારોને બહાર રાખો.” અને ઓસ્કર આ તરફ નાણાં વહેવડાવી રહ્યો હતો! મશીનરી ખસેડવાની પરવાનગી આપવામાં ઝડપ કરવા માટે એ ક્રેકોવની વિસ્થાપન સમિતિને નાણાં ખવડાવી રહ્યો હતો. બેંક હોલ્ડિંગ બાબતે અનુમતિ આપવા માટે ક્રેકોવના આર્થિક વિભાગને એ ખુશ કરી દેવાનો હતો. એ દિવસોમાં રોકડ રકમ પસંદ કરવામાં આવતી ન હતી, આથી એણે બધી જ ચુકવણી ચીજવસ્તુઓ દ્વારા કરી હતી… કેટલાયે કિલો ચા, જુતાની કેટલીયે જોડી, કારપેટ, કોફી, ડબ્બાબંધ માછલી, વગેરે… ક્રેકોવના ચોકમાં આવેલી માર્કેટની પાછળ સાંકડી ગલીઓમાં અમલદારોને જોઈતી વસ્તુઓના વધઘટ થતા ભાવો માટે એ રકઝક કરતો રહેતો. તેને ખાતરી હતી, કે જો એ લાંચ નહીં આપે, તો ચોક્કસ છેક છેલ્લા યહૂદીને ઓસ્વિટ્ઝ મોકલી આપવામાં આવશે ત્યાં સુધી એ લોકો એને રાહ જોવડાવવાના હતા!

ઝ્વિતાઉના લોકો યુદ્ધ મંત્રાલયને ઓસ્કર કાળાબજાર કરતો હોવાની ફરિયાદો કરતા હતા, તેની જાણ સસ્મથે ઓસ્કરને જ કરી હતી. એણે ઓસ્કરને કહ્યું, “મને જો કોઈ આવા પત્રો લખતા હોય તો એવું માની જ લો કે એમણે મોરાવિયાના પોલીસવડા ઓબર્સ્ટર્મફ્યૂહરર ઓટ્ટો રેશ પર પણ પત્રો લખ્યા જ હશે. તમારે રેશને તમારી ઓળખાણ આપીને, તમે કેવા અદ્ભૂત માણસ છો તેનો તેમને પરીચય કરાવવો જોઈએ!”

રેશ જ્યારે કેટોવાઇસ વિસ્તારનો એસએસ પોલીસવડો હતો ત્યારથી ઓસ્કર તેને ઓળખતો હતો. સદ્ભાગ્યે ઓસ્કર જ્યાંથી સ્ટીલ ખરીદતો હતો એ સોસ્નોવિકની ફેરમ એજી કંપનીના ચેરમેનને રેશ સાથે મિત્રતા હતી. પરંતુ બર્નોના બાતમીદારોને ઉતાવળે મળવા જવામાં ઓસ્કર, મિત્રતાની આછીપાતળી ઓળખાણ પર આધાર રાખવા માગતો ન હતો. એણે સુંદર કટવાળો એક હીરો પોતાની સાથે લીધો, અને મુલાકાત દરમ્યાન કોઈક રીતે એણે એ હીરો રેશના હાથમાં મૂક્યો. રેશના હાથમાં હીરો પહોંચતા જ ઓસ્કરની બર્નો બાબતની બધી જ સમસ્યાઓનું સમાધાન મળી ગયું!

પાછળથી ઓસ્કરે અંદાજ કાઢતાં, ૧૦૦,૦૦૦ જર્મન માર્ક, એટલે કે લગભગ ૪૦,૦૦૦ ડૉલર જેટલી રકમ બ્રિનિલિટ્ઝ ખાતે સ્થળાંતર કરવા માટે લાંચ આપવા પેટે વપરાઈ હતી. બચી ગયેલા કેટલાક યહૂદીઓને આ રકમ હંમેશા ખોટી લાગશે! પરંતુ તેમને આગળ પૂછીએ તો માથું ધૂણાવીને તેઓ અચૂક કહેવાના, “ના, વધારે! એ રકમ ચોક્કસ આથી વધારે જ હોવી જોઈએ!”

એક પ્રારંભિક લિસ્ટ ઓસ્કરે બનાવી રાખ્યું હતું, જે એણે વહીવટીભવનમાં મોકલી આપ્યું હતું. એક હજારથી પણ વધારે નામો એ લિસ્ટમાં સામેલ હતા. હેલન હર્ષનું નામ એ લિસ્ટમાં નવેસરથી જોડી દેવામાં આવ્યું હતું, અને તેની સામે વાંધો લેવા માટે હવે એમોન હાજર ન હતો! ઓસ્કરની સાથે મોરાવિયા જવા માટે મેડરિટ્ઝ પણ કબુલ થાય તો એ લિસ્ટ હજુ પણ લાંબું બની શકે તેમ હતું. એટલે ઓસ્કરે મેડરિટ્ઝના વિશ્વાસુ એવા ટિસ સાથે સંપર્ક ચાલુ જ રાખ્યો હતો. ટિસને ઓળખતા મેડરિટ્ઝના કેદીઓ જાણતા હતા કે આવું લિસ્ટ બની રહ્યું છે અને તેમનાં પોતાનાં નામો પણ એ લિસ્ટમાં સામેલ કરી શકાય તેમ છે. ટિસે કોઈ જ જાતની અનિશ્ચિતતા બતાવ્યા વગર, કેદીઓને એ લિસ્ટમાં પોતાનાં નામ નોંધાવી દેવાની સલાહ આપી. પ્લાઝોવની એસએસ ઑફિસમાં પડેલા ઢગલાબંધ કાગળોમાંથી ઓસ્કરના એ ડઝન પાના સુરક્ષિત ભવિષ્ય માટે સૌથી અગત્યના હતા!

પરંતુ મેડરિટ્ઝ હજુ પણ એ નક્કી કરી શક્યો ન હતો કે તેણે ઓસ્કર સાથે જોડાવું છે કે નહીં, અને એ લિસ્ટમાં એ પોતાના ૩૦૦૦ નામો ઉમેરવા ઇચ્છતો હતો કે નહીં!

આ તબક્કે, ઓસ્કરના એ લિસ્ટના કાલાનુક્રમ જેવી ઐતિહાસિક બાબત અંગે ઘણી અસ્પષ્ટતા પ્રવર્તે છે. એ લિસ્ટના અસ્તિત્વ અંગે કોઈ બે મત નથી! એ લિસ્ટની નકલ તો આજે પણ યાદ વાસેમના સંગ્રહાલયમાં જોઈ શકાય છે. અને ઓસ્કર અને ટિસે છેલ્લી ઘડીએ યાદ કરી-કરીને એ અધિકૃત લિસ્ટમાં જોડેલા નામો અંગે પણ કોઈ અનિશ્ચિતતા પ્રવર્તતી નથી, એ સ્પષ્ટ જોઈ શકાય તેમ છે! એ નામો લિસ્ટમાં ચોક્કસ છે જ! પરંતુ સંજોગો અનેક દંતકથાઓને ઉત્તેજન આપતા હોય છે. અહીં સમસ્યા એ છે, કે એ લિસ્ટ સાથે એવી ઉત્તેજક તીવ્ર લાગણીઓ જોડાયેલી છે, કે પોતાની જ ગરમીમાં એ ઝાંખું પડી જતું લાગે છે! નિર્વિવાદપણે એ લિસ્ટ એક ઉત્તમ વસ્તુ છે, એ લિસ્ટ જીવન છે! પરંતુ એ લિસ્ટની આસપાસના અત્યંત સાંકડા હાંસિયાની આજુબાજુ અનેક મતમતાંતરો પ્રવર્તે છે!

એ લિસ્ટમાં જેમના નામો છે તેમાંના અમુક લોકો કહે છે, કે ગેટેની વિલા પર એક મહેફિલનું આયોજન થયું હતું, જેમાં એસએસના અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ એકબીજા સાથે પસાર કરેલા જુના દિવસોને ફરીથી યાદ કરવા એકઠા થયા હતા. કેટલાક એવું માને છે કે ગેટે પણ એ મહેફિલમાં હાજર હતો! પરંતુ એસએસ દ્વારા તેને જામીન પર છોડવામાં આવ્યો જ ન હતો એટલે એ શક્ય નથી! અન્ય કેટલાક લોકો માને છે કે એ મહેફિલ ઓસ્કરની ફેક્ટરીમાં તેના જ એપાર્ટમેન્ટમાં યોજાઈ હતી! બે વરસ કરતાં પણ વધારે સમય સુધી ઓસ્કરે ત્યાં એક-એકથી ચડિયાતી મહેફિલો યોજી હતી. એમેલિયાનો એક કેદી ૧૯૪૪ની શરૂઆતના દિવસો યાદ કરતાં કહે છે, કે એ વખતે પોતે રાતપાળીમાં ચોકિદાર હતો, અને ઓસ્કર ઉપર પોતાના એપાર્ટમેન્ટમાં ચાલી રહેલા શોરબકોરથી કંટાળીને ફરતો-ફરતો, રાત્રે એક વાગ્યે નીચે તેના આ ચોકીદાર મિત્ર માટે બે કેક, બસો સિગરેટ અને શરાબની એક બોટલ લઈને આવ્યો હતો!

પ્લાઝોવની એ મહેફિલમાં જે બન્યું હોય તે ખરું, પરંતુ મહેમાનોની યાદીમાં ડૉ. બ્લેન્ક, ફ્રાન્ઝ બૉસ, અને એક અહેવાલ મુજબ બળવાખોરો સામેની લડાઈમાંથી રજા લઈને આવેલા ઓબરફ્યૂહરર જુલિઅન સ્કર્નર પણ મોજુદ હતા. મેડરિટ્ઝ અને ટિસ પણ એ મહેફિલમાં હાજર હતા. પાછળથી ટિસે જણાવ્યું હતું, કે પોતે ઓસ્કર સાથે મોરાવિયા જવાનો ન હોવાની વાત મેડરિટ્ઝે સૌ પ્રથમ વખત એ મહેફિલમાં ઓસ્કરને કરી હતી. “યહૂદીઓ માટે હું કરી શકતો હતો એ બધું જ કરી છૂટ્યો છું,” મેડરિટ્ઝે ઓસ્કરને કહ્યું હતું. તેનો એ દાવો વ્યાજબી પણ હતો. એણે ઓસ્કરને એ પણ જણાવ્યું, કે છેલ્લા કેટલાયે દિવસોથી ટિસ તેની પાછળ પડ્યો હોવા છતાં તેના ગળે આ વાત ઉતરતી ન હતી!

મેડરિટ્ઝ પણ આખરે તો એક માણસ હતો! આગળ જતાં જો કે તેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. મૂળ વાત એમ હતી કે એ એવું માનતો હતો, કે મોરાવિયા જવાથી યહૂદીઓને કોઈ ફાયદો થવાનો ન હતો. જો તેને ખાતરી થઈ હોત તો એણે જરૂર પ્રયત્ન કરી જોયો હોત, એવું લાગે છે.

એ મહેફિલ બાબતે બીજી જાણીતી બાબત એ છે, કે એ મહેફિલમાં બહુ ઝડપથી નિર્ણયો લેવાયા હશે, કારણ કે શિન્ડલરનું લિસ્ટ એ સાંજે જ પહોંચાડી દેવાનું હતું. જીવતા રહેલા બધા જ યહૂદીઓના મંતવ્યોમાં આ એક બાબતે તો એકમત પ્રવર્તે જ છે. હવે બચી ગયેલા યહૂદીઓ આ બાબતે તો જ કંઈક કહી શકે, કે તેની વિગતોમાં તો જ કોઈ ઉમેરો કરી શકે, જો તેમણે ઓસ્કર પાસેથી એ વાત સાંભળી હોય, જેને આવી વાતમાં ઉમેરો કરવામાં રસ હતો! પરંતુ ૧૯૬૦ના પ્રારંભમાં, ટિસે પોતે આ બાબતની સત્યતાની કબુલાત કરી હતી. પ્લાઝોવના કમાન્ડન્ટ તરીકે કામચલાઉ રીતે નીમાયેલા બુશરે કદાચ ઓસ્કરને કહેલું, “હવે બહુ થયું, ઓસ્કર! આપણે કાગળો પૂરા કરીને હવે ફેરબદલ ચાલુ કરવાની છે…” પરિવહન ઉપલબ્ધ કરવા બાબતે ઓસ્ટબાહ્‌ન તરફથી કોઈ બીજી જ સમયમર્યાદા લાદવામાં આવી હતી. આ કારણે લિસ્ટમાં ઓસ્કરની સહીની ઉપરની જગ્યામાં ટિસે મેડરિટ્ઝના કેટલાક કેદીઓના નામો પણ ટાઇપ કરી નાખ્યા હતા. લગભગ સીત્તેર નામોને લિસ્ટમાં પાછળથી ઉમેરવામાં આવ્યાં હતાં એવું ટિસના પોતાના અને ઓસ્કરના સ્મરણના આધારે ટિસે લખ્યું હતું. એ લિસ્ટમાં ફિજેનબમ કુટુંબનું નામ પણ હતું, જેમની તરુણવયની પુત્રી હાડકાના અસાધ્ય કેન્સરથી પીડાતી હતી; તો સિલાઈ મશીનોના સમારકામમાં નિષ્ણાત એવા યુટેકનો કિશોર પુત્ર પણ તેમાં સામેલ હતો. ટિસે લખ્યા પ્રમાણે હવે એ બધાને યુદ્ધક્ષેત્રના કુશળ કામદારોનો દરજ્જો પ્રાપ્ત થઈ ચૂક્યો હતો. ઓસ્કરના એપાર્ટમેન્ટમાંથી હવે ગીતો સંભળાવા લાગ્યા હતા, મોટેથી વાતો કરવાના અને ખડખડાટ હસવાના અવાજો આવી રહ્યા હતા; સિગરેટોના ધુમાડાના ગોટેગોટા નીકળતા હતા, અને કેદીઓના નામ અંગે એકબીજાને પુછપરછ કરતાં ઓસ્કર અને ટિસ એક ખૂણામાં ઊભા રહીને, તેમની પોલિશ અટકોના સાચા સ્પેલિંગ અંગે સગડ મેળવવાના પ્રયત્ન કરતા હતા.

આખરે, ઓસ્કરે ટિસનો હાથ પકડીને તેને રોકવો પડ્યો. “હવે આપણી હદ આવી ગઈ છે,” એણે કહ્યું. “આપણે જેટલાં નામો લખ્યા છે તેમાં પણ એ લોકો અડચણો ઊભી કરવાના છે.” તો પણ ટીસ નામો બાબતે ગડમથલ કરતો રહ્યો, અને બીજા દિવસે સવારે પણ એ પોતાને દોષ દેતો જ ઊભો થવાનો હતો! કારણ કે એક નામ તેને બહુ મોડે-મોડે યાદ આવ્યું હતું. પરંતુ હવે તો કામની આડે એ બેવડ વળી ગયો હતો, તેની પોતાની પણ હદ આવી ગઈ હતી. આટલા બધા લોકોનાં નામોને યાદ કરવાં એ જે તે લોકોને નવેસરથી પેદા કરવા જેટલું અઘરું કામ હતું! એ વેળાએ તેના મનમાં કોઈના પ્રત્યે નારાજગી ન હતી, પરંતુ શિન્ડલરના એપાર્ટમેન્ટની અંદરની હવા એ સમયે એટલી તો બંધિયાર થઈ ગઈ હતી, કે ટિસ એમાં શ્વાસ લઈ શકે તેમ ન હતો!

જો કે, યહૂદી કારકુન માર્સેલ ગોલ્ડબર્ગ પાસે પહોંચ્યા બાદ એ લિસ્ટની ગુપ્તતા જોખમાય તેવી શક્યતા હતી!

નવા કમાન્ડન્ટ બશર તો માત્ર છાવણીને સમેટવાના કાર્ય માટે જ આવ્યા હતા. કેટલીક આંકડાકીય મર્યાદાઓ સિવાય, એ લિસ્ટમાં કોનાં નામો હતાં એ વિષે પણ એમણે ખાસ વિચાર કર્યો ન હતો! આમ ગોલ્ડબર્ગ પાસે એ લિસ્ટ સાથે છેડછાડ કરવાની સત્તા હતી. કેદીઓને તો એ વાતની જાણ હતી જ કે ગોલ્ડબર્ગ જરૂર લાંચ માગશે! ડ્રેસનર કુટુંબ પણ આ જાણતું હતું. લાલ જિનિયાના કાકા, એક સમયે ભીત પાછળ છૂપાવા દેવાનો ઇનકાર કરના શ્રીમતી ડ્રેસનરના પતિ ઉપરાંત જેનેક અને યુવાન ડેન્કાના પિતા જુડા ડ્રેસનર પણ આ જાણતા હતા! “અમે ગોલ્ડબર્ગને લાંચ આપી હતી.” શિન્ડલરના લિસ્ટમાં પોતે કઈ રીતે ઘુસ્યા, એવા પ્રશ્નના જવાબમાં ડ્રેસનર કુટુંબ સહજ રીતે જવાબ આપી શકે તેમ હતું. કેટલી રકમ ચૂકવવામાં આવી હતી એ બાબતે તેમને કંઈ જ જાણ નથી. એ જ રીતે ઝવેરી વલ્કન પોતે, તેની પત્ની અને તેનો પુત્ર પણ કદાચ એ જ રીતે એ લિસ્ટમાં આવ્યાં હશે!

પોલેક ફેફરબર્ગને આ લિસ્ટ બાબતે એસએસના હાન્સ સ્કર્બર નામના એક અધિકારીએ જાણ કરી હતી.

મધ્ય વીસીની ઉંમરનો યુવાન સ્કર્બર એસએસના અન્ય અધિકારીઓની માફક શેતાન તરીકે પ્લાઝોવમાં કુખ્યાત હતો. પરંતુ કેદી અને એસએસ અધિકારી વચ્ચે જે રીતે બધે જ એક સંબંધ સ્થપાઈ જતો હોય છે એ રીતે ફેફરબર્ગ તેનો થોડો માનીતો બની ગયો હતો. બન્યું એવું, કે બેરેકની અંદર એક ગ્રુપ-લીડર તરીકે બારીઓ સાફ કરવાની જવાબદારી ફેફરબર્ગ પર હતી. સ્કર્બરે કાચની ચકાસણી કરી ત્યારે તેને કાચ પરના ડાઘ તેના જોવામાં આવ્યા હતા. એટલે એણે તો સામાન્ય રીતે બને એમ, મૃત્યુદંડની જાહેરાત કરતાં પહેલાં જ તેણે ગુસ્સે થઈને પોલદેક પર તાડુકવાનું ચાલુ કર્યું. સામે ફેફરબર્ગે પણ મગજ ગુમાવીને સ્કર્બરને ચોખ્ખું સંભળાવી દીધું, કે બારીઓ બરાબર સાફ થયેલી જ છે એ બંનેને ખબર છે! અને સ્કર્બરને જો ગોળી મારવાનું કારણ જ જોઈતું હોય, તો એ કોઈની રાહ જોયા વગર કરી શકે છે!

ફેફરબર્ગના ગુસ્સાએ સ્કર્બરને કંઈક અજબ રીતે આશ્ચર્યમાં નાખી દીધો હતો. એ પછી ફેફરબર્ગ સામો મળી જાય ત્યારે સ્કર્બર ઘણી વખત તેને ઊભો રાખીને તેના અને તેની પત્નીના સમાચાર પૂછી લેતો, અને ક્યારેક તેની પત્ની મિલા માટે સફરજન પણ આપતો! ૧૯૪૪ના ઉનાળામાં પોલદેકે પ્લાઝોવથી બાલ્ટિકના સ્ટટથોફની બદનામ છાવણી તરફ જતી ટ્રેઇનમાં ચડાવી દેવામાં આવેલી મિલાને ઉતારી લેવા માટે સ્કર્બરને જ વિનંતી કરી હતી. હાથમાંનો કાગળ હલાવતો સ્કર્બર મિલાનું નામ બોલતો રેલવે સ્ટેશન પહોંચ્યો ત્યારે મિલા પશુઓના ડબ્બામાં ચડવાની તૈયારી જ કરતી હતી! બીજી એક વખત એક રવીવારે, પોલદેક ફેફરબર્ગની બેરેકમાં આવીને શરાબના નશામાં તેની અને અન્ય કેદીઓની સામે રડતા-રડતા સ્કર્બરે પ્લાઝોવમાં પોતે ‘ભયાનક કૃત્યો’ કર્યા હોવાની કબુલાત કરી હતી! એણે કહેલું કે પશ્ચાતાપરૂપે એ બધાને પૂર્વીય મોરચે મોકલી આપશે! અને છેવટે તેણે એવું કરેલું પણ ખરું!

આજે એણે પોલદેકને જાણ કરી હતી, કે શિન્ડલર પાસે એક લિસ્ટ છે જેમાં નામ લખાવવા માટે પોલદેકે જે કંઈ પણ કરવું પડે તે કરવું જોઈએ! વહીવટીભવનમાં જઈને પોલદેકે ગોલ્ડબર્ગને એ લિસ્ટમાં પોતાનું અને મિલાનું નામ ઉમેરવા માટે આજીજી કરી. છેલ્લા દોઢ વર્ષમાં શિન્ડલર ઘણી વખત પોલદેકને મળ્યો હતો, અને તેને બચાવી લેવાનું વચન પણ આપ્યું હતું.

પરંતુ, પોલદેક હવે એવો નિષ્ણાત વેલ્ડર બની ગયો હતો, અને ગેરેજના નિરીક્ષકોને ઉચ્ચ ગુણવત્તાવાળા કામ કરવા માટે તેની એટલી બધી જરૂર પડતી હતી, કે હવે તેઓ પોલદેકને છૂટો કરે તેવી શક્યતા હતી જ નહીં! અને હવે ગોલ્ડબર્ગ એ લિસ્ટ પોતાના હાથ નીચે દબાવીને બેઠો હતો. લિસ્ટમાં એણે પોતાનું નામ પણ ચડાવી દીધું હતું. અને હવે અત્યારે ઓસ્કરનો આ જૂનો, અને એક સમયે સ્ટ્રાઝેવ્સ્કીગોના ઓસ્કરના એપાર્ટમેન્ટમાં ઘણી વખત આવ-જા કરતો મિત્ર, ઓસ્કર સાથેના જૂના સંબંધોના દાવે પોતાનું નામ પણ એ લિસ્ટમાં ઉમેરવાની અપેક્ષા રાખતો હતો. “તારી પાસે હીરા છે ખરા?” ગોલ્ડબર્ગે ફેફરબર્ગને પૂછ્યું.

“તું સાચે જ હીરા માગે છે?” પોલદેકે પૂછ્યું.

લિસ્ટના રૂપમાં અકસ્માતે જેના હાથમાં અસાધારણ વગ આવી ગઈ હતી એ ગોલ્ડબર્ગે જવાબ આપ્યો, “આ લિસ્ટ માટે હીરા જ ચૂકવવા પડશે.”

વિયેનિઝ સંગીતનો ચાહક કેપ્ટન ગેટે હવે જ્યારે જેલમાં હતો, ત્યારે તેના દરબારી સંગીતકારો રોસનર બંધુ પણ લિસ્ટ સુધી પહોંચવાનો રસ્તો શોધવા માટે મુક્ત હતા. દોલેક હોરોવિત્ઝે આ અગાઉ પોતાની પત્ની અને પુત્રને એમેલિયામાં પહોંચાડ્યા જ હતા. તેણે પણ પોતાનું, પત્નીનું, પુત્રનું અને યુવાન પુત્રીનું નામ લિસ્ટમાં ચડાવવા માટે ગોલ્ડબર્ગને રાજી કરી લીધો હતો. હોરોવિત્ઝે પહેલેથી જ પ્લાઝોવના મુખ્ય વર્કશોપમાં કામ કર્યું હતું, અને થોડી રકમ છુપાવીને મૂકી રાખવાની જોગવાઈ પણ એણે કરી રાખેલી, જે આજે માર્સેલ ગોલ્ડબર્ગને ચૂકવી દેવા આવી હતી.

એ લિસ્ટમાં સામેલ અન્ય લોકોમાં બેજસ્કી બંધુઓ સામેલ હતા, યુરી અને મોશે. અધિકૃત રીતે તો તેઓ મશીન ફિટર અને ડ્રાફ્ટ્સમેન ગણાતા હતા. યુરી હથીયારો વિષે જ્ઞાન ધરાવતો હતો, અને મોશે બનાવટી દસ્તાવેજ બનાવવામાં નિષ્ણાત હતો. લિસ્ટના સંજોગો એટલા તો અસ્પષ્ટ છે, કે બેજસ્કી બંધુઓને તેમની આ આવડતોને કારણે તેમાં સામેલ કરવામાં આવ્યા હતા કે નહીં એ પણ કહી શકાય તેમ નથી!

પોતાના લગ્નને માણવામાં વ્યસ્ત જોસેફ બાઉને પણ આગળ જતાં કોઈક તબક્કે આ લિસ્ટમાં સામેલ કરવામાં આવનાર હતો, પરંતુ તેની જાણ બહાર જ! લિસ્ટ બાબતે બધાને અંધારામાં રાખવાનું ગોલ્ડબર્ગને અનુકુળ આવતું હતું. જોસેફનો સ્વભાવ જોતાં એવું ધારી શકાય એમ છે, કે એણે એ શરતે જ ગોલ્ડબર્ગનો ખાનગી સંપર્ક કર્યો હશે, જો તેની પત્ની અને માતાને પણ તેની સાથે એ લિસ્ટમાં સમાવવામાં આવે. છેક છેલ્લે સુધી તેને જાણ થવાની ન હતી કે બ્રિનિલિટ્ઝના લિસ્ટમાં તેના એકલાનું નામ જ સામેલ થવાનું છે! સ્ટર્નની વાત કરીએ, તો હેર ડાયરેક્ટરે તેને પહેલેથી જ સામેલ કરી લીધો હતો. સ્ટર્ન એક માત્ર એવો માણસ હતો જેની પાસે ઓસ્કરે પોતાના ગુના પણ કબુલ્યા હતા. સ્ટર્નના સૂચનોને ઓસ્કર ખૂબ જ માન આપતો હતો. ૧ ઓક્ટોબર પછી કોઈપણ યહૂદી કેદીને કેબલ ફેક્ટરી જવા માટે કે પછી અન્ય કોઈપણ કારણસર પ્લાઝોવની બહાર જવા દેવામાં ન આવ્યા. તેની સાથે-સાથે, બ્રેડ ખરીદવા માટે પોલિશ કેદીઓ સાથે લેવડદેવડ કરતા યહૂદીઓને અટકાવવા માટે પોલિશ જેલના અધિકારીઓએ બેરેકમાં ચોકિદારોને મૂકી દીધા હતા. ગેરકાયદે બ્રેડના ભાવો એવા આસમાને પહોંચી ગયા હતા, કે ઝ્લોટીના ચલણ સાટે ખરીદી જ ન શકાય! બ્રેડના એક લોફ માટે પહેલાં એકાદ જૂનોકોટ, અને ૨૫૦ ગ્રામ બ્રેડ માટે એક ધોયેલું ગંજી આપવું પડતું હતું. પરંતુ હવે તો ગોલ્ડબર્ગની જેમ બ્રેડ ખરીદવા માટે પણ હીરો આપવો પડતો હતો!

ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં ઓસ્કર અને બેન્કર કોઈક કારણસર પ્લાઝોવ ગયા ત્યારે હંમેશની માફક બંને સ્ટર્નને મળવા માટે બાંધકામ કચેરીમાં ગયા. સ્ટર્નનું ટેબલ એમોનની ખાલી ઑફિસથી થોડે દૂર હતું. વાત કરવાની આટલી છૂટ તેમને આજ પહેલાં ક્યારેય મળી ન હતી! સ્ટર્ને શિન્ડલરને બ્રેડના ભાવમાં આવેલા ઉછાળાની વાત કરી.

ઓસ્કરે બેંકર તરફ ફરીને કહ્યું, “વેકર્ટને પચાસ હજાર ઝ્લોટી મળી જાય તેવી વ્યવસ્થા કરી દે.” યહૂદી રિલીફ ઑફિસના નામે ઓળખાતી યહૂદીઓની સામાજિક સ્વાવલંબન સંસ્થામાં ચેરમેનના પદ પર હવે ડૉ. માઇકલ વેકર્ટ હતા. ઉપર-ઉપરનો દેખાવ કરવા ખાતર, અને થોડું ઘણું વેકર્ટના જર્મન રેડક્રોસ સાથેના વગદાર સંબંધોને કારણે એ ઑફિસનું કામકાજ ચાલુ રાખવામાં આવ્યું હતું. છાવણીમાં રહેતા ઘણા પોલિશ યહૂદીઓ તેના તરફ શંકાની દૃષ્ટિએ જોતા હતા જે અમુક રીતે વાજબી પણ હતું, અને યુદ્ધ પછી આ જ શંકાને કારણે તેને અદાલત સમક્ષ ઊભો પણ રાખવામાં આવનાર હતો. પરંતુ વેકર્ટ જ એક એવો માણસ હતો જે ૫૦,૦૦૦ ઝ્લોટી જેટલી મોટી રકમની બ્રેડ આટલી ઝડપથી શોધીને પ્લાઝોવમાં લાવી શકે! અદાલતે જો કે તેને નિર્દોષ ઠેરવીને છોડી મૂક્યો હતો.

સ્ટર્ન અને ઓસ્કર વચ્ચે વાતચીત ચાલતી હતી. ઉથલપાથલના એ સમય અંગે, અને બ્રેસ્લાવની કોટડીમાં એમોન કેવા-કેવા જલસા કરી રહ્યો હશે, વગેરે બાબતો અંગે એમની વચ્ચે થયેલી વાતોની વચ્ચે ૫૦,૦૦૦ ઝ્લોટીની એ વાત તો જાણે એક સાવ નાનકડી બાબત જ હોય એ રીતે ઓસ્કર બોલ્યો હતો! એક અઠવાડિયા પછી શહેરમાંથી કાળાબજારમાં ખરીદેલી બ્રેડને કપડાં, કોલસા કે લોખંડના ભંગારની નીચે છૂપાવીને પ્લાઝોવમાં ચોરીછૂપીથી ઘૂસાડી દેવામાં આવી. એક દિવસની અંદર જ બ્રેડના ભાવો વ્યાજબી સ્તર સુધી નીચા આવી ગયા.

ઓસ્કર અને સ્ટર્ન વચ્ચે આવી રીતે છૂપા વહેવારો કરવાની સુંદર સમજૂતી હતી, જે આગળ જતાં પણ ઘણી વખત કામમાં આવવાની હતી.

હાલ અક્ષરનાદ પર પ્રકાશિત થઈ રહેલી આ કૃતિ ‘શિન્ડલર્સ લિસ્ટ’ ગુજરાતી ભાષામાં પુસ્તકાકારે પ્રકાશિત થઈ રહ્યું છે. ઘણા મિત્રોએ પુસ્તકાકારે મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અક્ષરનાદ પર પૂર્ણાહુતી થયા બાદ, એટલે કે આશરે દોઢ-બે મહિના બાદ આ કૃતિ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થશે. પ્રથમ તબક્કામાં બૂક કરાવનાર મિત્રો-રસિકોને આ પુસ્તક પડતર કિંમત વત્તા પોસ્ટેજ સાથે ઉપલબ્ધ કરવાની નેમ છે. હાલ માત્ર ફેસબુક પર અશ્વિનભાઈના મેસેજ બોક્સમાં કે અહીં કમેન્ટબોક્સમાં જાણ કરશો. પ્રકાશન થયે તુરંત મિત્રોને એ વિશે જાણ કરીશું.

આપનો પ્રતિભાવ આપો....