‘મન્ટો’ ફિલ્મ રિવ્યૂ – જીજ્ઞેશ અધ્યારૂ 2


ઘણાં વખતે ફિલ્મ જોઈને અજબ સંતોષ થયો. મન્ટો ફિલ્મ વિશે પહેલીવાર સાંભળેલું દિલ્હીમાં ગયા વર્ષે થયેલા ટાઈમ્સ લિટરેચર ફેસ્ટિવલમાં જેમાં નંદિતા દાસને સાંભળવાનો અવસર મળેલો. (જુઓ નીચેનો વિડીઓ) કોઈએ એમને પૂછ્યું હતું કે મન્ટો એક ફિલ્મ તરીકે એમની વાર્તાઓને, એમના જીવન અને વ્યક્તિત્વને કેટલો ન્યાય આપી શક્શે? બે કલાકમાં તમે કેટલુંક બતાવી શક્શો. નંદિતાએ કહેલું કે મન્ટોના જીવનનો સૌથી અગત્યનો ભાગ – ૧૯૪૬થી ૧૯૫૦ સુધીનો સમય ફિલ્મમાં લેવાયો છે, અને ફિલ્મ જોયા પછી મને લાગે છે કે જાણે આથી વધુ સચોટ રીતે મન્ટો વિશે, એમના સર્જન અને એમના વ્યક્તિત્વ વિશે કોઈ કહી શક્યું હોત નહીં. મન્ટોના ચાહકો માટે આ એક અદનો અવસર છે.. આર્ટફિલ્મનું લેબલ લઈને આવી હોવાથી ‘મન્ટો’ ફિલ્મ જલ્દી જ થિએટરોમાંથી નીકળી જશે, પણ એ પહેલા એને જોઈ આવો.. રેસ ૩ કે વીરે કી વેડિંગ જેવી વાહિયાત ફિલ્મોને બદલે મન્ટો બે વખત જોઈ શકાય એવી ફિલ્મ છે. એક અદના લેખકને, ભારત અને પાકિસ્તાનના ભાગલાથી આહત થયેલા એક સર્જક જીવને એના સર્જનોથી ઓળખવાનો આ ફિલ્મથી વધુ સારો અવસર ભાગ્યે જ મળશે. નંદિતા દાસને તેમના આ સુંદર સાહસ બદલ વધાવી લેવા જોઈએ. અને ક્યાંક મનને ખૂણે આશાનું એવું બીજ પણ રોપાયું કે આપણા ઝવેરચંદ મેઘાણી કે ગુણવંતરાય આચાર્ય કે મરીઝના જીવન પર પણ આવી કોઈ સુંદર ફિલ્મ બને તો!

મન્ટોની વાર્તાઓની, એમના સ્વભાવની જે ખાસિયતોના એમના ચાહકો મુરીદ છે એ લગભગ બધું જ નવાઝુદ્દીન સિદ્દિકી પોતાના અભિનયમાં લઈ આવે છે. ચોળાઈ ગયેલો ઝભ્ભો, ગોળ કાચવાળા ચશ્મા અને હાથમાં સતત રહેતી સિગરેટ, ઘરના સભ્યો કરતા પોતાની વાર્તાઓના પાત્રો પ્રત્યે વધારે લાગણી અને પ્રેમ, મન્ટોનો અને સ્વભાવમાં એક બેબાક નાફિક્રી – નવાઝુદ્દીન આ વખતે મન્ટો તરીકેના અભિનય માટે પુરસ્કારો ન જીતે તો જ નવાઈ.

એના જેટલી જ સરસ પાત્રપસંદગી છે રસિકા દુગલની. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયામાંથી અભિનયમાં પોસ્ટ ગ્રેજ્યુએટ એવા રસિકા દુગલ મન્ટોની પત્ની સાફિયાના પાત્રમાં નવાઝની લગોલગ ઉભા રહે છે. અભિનયની બારીકીઓ અને સાદગી એમનામાં ઝળકે છે. બંનેનો અભિનય અદ્રુત છે, આપણને લાગે કે જાણે એ જ સમયમાં, એ જ લોકોની વચ્ચે આપણે એમની વાતો, એમની જિંદગીને સાવ નજીકથી જોઈ રહ્યાં છીએ. એકબીજાના પૂરક એવા નવાઝ અને સાફિયા વચ્ચેની લાગણી, પતિ પત્ની વચ્ચેની સમજણ ખૂબ અસરકારક રીતે પડદે ઉભરી આવી છે. રસિકાએ એવી પત્નીનો ભાગ ભજવ્યો છે જે પ્રેમાળ અને લાગણીશીલ છે, પણ એ સાચું કહી દેતા પણ અચકાતી નથી. એ સિવાય પણ ફિલ્મમાં કૅમિઓમાં ચમકી જતા પરેશ રાવલ, ઋષિ કપૂર, દિવ્યા દત્તા, જાવેદ અખ્તર, ઈલા અરુણ, ગુરદાસ માન.. મન્ટોની વિવિધ વાર્તાઓને આગવા અભિનયથી ફિલ્મમાં ગોઠવી આપે છે. મુંબઈની ત્યારની ફિલ્મોના મોટા સિતારાઓ, અશોક કુમાર, નૌશાદ, કે. આસિફ, નરગિસ, હિમાંશુ રાય, બોમ્બે ટોકિઝ, ફિલ્મીસ્તાન અને સાગર સ્ટુડિયોઝ પણ દેખાડાયા છે, પણ એ બધાનો રેફરન્સ ફિલ્મમાં મન્ટોના પાત્રની આભા વધારવા પૂરતો જ છે એ દ્રષ્ટિએ એડિટિંગની કચાશ કહી શકાય.

હવે વાત ફિલ્મની.. નંદિતા દાસની મન્ટો એક ફિલ્મ તરીકે, એક લેખકની જીવનકથા તરીકે શાનદાર ફિલ્મ છે. ૧૯૪૬થી ૧૯૫૨ના સમયના મન્ટોના જીવન પર આધારિત વાતો, એમની પ્રસિદ્ધ વાર્તાઓ અને એમના જીવનના અગત્યના પ્રસંગોને સાંકળી લઈને આખી ફિલ્મ ખૂબ સરસ રીતે ગૂંથાઈ છે. એક લેખકના જીવન પરથી ફિલ્મ જોઈએ ત્યારે ભયસ્થાન એ હોય કે એમની વાર્તાઓ કેટલી ને કેવી રીતે આવશે, એમના જીવનના પ્રસંગો કેટલો રસ જન્માવી શકે અને વાર્તાઓ સિવાય એના જીવનમાં લોકોને કેટલો રસ પડે! જો કે મન્ટો એટલા ચર્ચામાં છે કે એમના વિશે વધુ જાણવાની તાલાવેલી સ્વભાવિક છે. ખાસ કરીને ૨૦૧૨માં, જ્યારે એમની જન્મશતાબ્દી હતી, ત્યારથી એમની વાર્તાઓ અને અન્ય લખાણ ખૂબ પ્રચલિત થયા છે. ફિલ્મમાં એક અલગ રીતે ફિલ્માવાયેલો જૂના સમયનો આગવો અનુભવ છે, શરૂઆતમાં ઈસ્મત ચુગતાઈ અને મન્ટો જ્યારે મુંબઈમાં સાથે ઉજાણી કરતા દેખાયા છે ત્યાં મન્ટોને એમની વાર્તાઓમાં આવતી વેશ્યાઓ અને દલાલો વિશેની પૃચ્છાનો જવાબ આપતા કહે છે,

“अच्छा, उन्हेंं वहां जाने की खुली ईजाजत है, और हमें उनके बारेमें लिखनेकी भी नहीं? नीम के पत्ते कढ़वे ही सही, खून तो साफ करते है। अगर आप इन अफ़सानों को बर्दाश्त नहीं कर सकते तो इसका मतलब यह है कि यह ज़माना नाक़ाबिले-बर्दाश्त है।”

જ્યારે મન્ટો એના પર ‘ઠંડા ગોશ્ત’ માટે ચાલી રહેલા કેસ અંતર્ગત ભરી અદાલતમાં કહે,

“सवाल ये है की जो चीज जैसी है वैसी ही पेश क्योंं न की जाए? में तो बस अपनी कहानियों को आईना समजता हुं, जिसमें समाज अपने आपको देख सके।”

ત્યારે લાગે જાણે એ આજના જ સમાજની વાત કરે છે. જાણે એ એની વાર્તાઓથી આપણા સમાજને આજે પણ અરીસો દેખાડે છે. ફિલ્મમાં એક દ્રશ્ય એવું છે જ્યારે કોમી હુલ્લડ દરમ્યાન અશોક કુમાર અને મન્ટો એક કારમાં સાથે મુસ્લિમ વિસ્તારમાંથી જઈ રહ્યાં છે, મન્ટોને ચિંતા છે કે ભીડ અશોક કુમાર હિન્દુ હોવાને લીધે એના પર હુમલો કરી બેસશે, એ બચવા પોતાના ખિસ્સામાંથી ટોપી કાઢીને પહેરવા જાય છે, પણ અશોક કુમાર એને રોકે છે, ભીડ તેમને ઓળખીને ગાડી માટે ખાલી રસ્તો બતાવે છે. એ પ્રસંગ વિશે પત્ની સાથે વાત કરતા મન્ટો પોતાનો ડર વર્ણવે છે, અને ખિસ્સામાંથી બે ટોપી કાઢે છે, એક મુસ્લિમની અને એક હિંદુની.

ફિલ્મમાં ઘણાં સુંદર દ્રશ્યો છે, આખી ફિલ્મ અનેક નાનકડા આશ્ચર્યોથી ભરપૂર છે. મન્ટો શરાબ પીએ છે, હિંદુ મુસ્લિમ તોફાનોથી એ ચિંંતામાં છે, એ ભારત છોડી પાકિસ્તાન જવાનું વિચારે છે ત્યારે મિત્ર એને રોકવા દારૂ બતાવીને કહે છે,

“तुम कौनसे सच्चे मुसलमान हो!”

અને મન્ટો જવાબ આપતા કહે છે,

“इतना तो हुं की मारा जा सकुंं।”

મન્ટોના પાત્રની ખુદ્દારી, સ્વાભિમાન અને પોતાના લેખન પ્રત્યેના ગર્વને પણ અદ્દલ રજૂ કરાયો છે, મન્ટોને ફિલ્મમાં મોંઘી અને સારી પેન ભેગા કરતાં દેખાડાયા છે, પણ વાર્તાઓ એ પેન્સિલથી લખે છે, અને સંપાદકને કહે છે,

“पेन्सिलसे लिखा है इसका मतलब ये नहीं कि तुम अल्फाज मिटा सक्ते हो।”

મન્ટોની વાર્તાઓ, ખોલ દો, તોબા ટેક સિંગ, ઠંડા ગોશ્ત વગેરે ફિલ્મમાં ખૂબ સરસ રીતે વણાઈ છે. થોડાક વખત પહેલા માઈક્રોફિક્શનના અમારા ગૃપમાં એક ટાસ્ક કરેલો, જેમાં મનગમતી ફિલ્મ લઈને એની “લોગલાઈન” કે એનો સાર એક વાક્યમાં લખવાનો હતો અને પછી એના પરથી વાર્તા લખવાની હતી. મન્ટોમાં કંઈક એવી જ રીતે, મન્ટોને આ વાર્તાઓ જ્યાંથી મળી એ પરિવેશમાં જઈને એમને દેખાડવાનો યત્ન થયો છે, એ વાર્તાઓ તરીકે નથી આવતી, પણ મન્ટોએ જોયેલા કે વિચારેલા એ પ્રસંગો – જેના પરથી એ વાર્તાઓ લખાઈ – તરીકે ખૂબ ચતુરાઈથી પણ કલાત્મક રીતે દર્શાવાઈ છે. સૌથી સરસ તો ઠંડા ગોશ્તનું ફિલ્માંકન છે. એ રીતે જોઈએ તો કૅમિઓમાં પણ પાત્રોએ પોતાના ચમકારા દેખાડ્યા છે. એની માઈક્રોફિક્શન પણ વાંચતા દેખાડાયા છે, અને નવાઝુદ્દીન જે રીતે એ વાર્તાઓ વાંચે છે.. માશાઅલ્લાહ કહેવાનું મન થઈ જાય.. ખાસ કરીને નવાઝુદ્દીનનું આ વાર્તાનું પઠન..

छुरी पेट चाक करती हुई नाफ़ के नीचे तक चली गई। इज़ार-बंद कट गया। छुरी मारने वाले के मुँह से दफ़्अतन कलमा-ए-तअस्सुफ़ निकला।

“चे चे चे चे… मिस्टेक हो गया।”

મન્ટો જોવા ફક્ત પચીસ-ત્રીસ જણ હતા, બે કપલ અમારી લાઈનના એક ખૂણામાં – ફિલ્મથી સાવ અનભિજ્ઞ, સાવ નિર્વિકાર પોતાનામાં વ્યસ્ત હતા, પણ બાકીના અઠંગ મન્ટો ચાહકો હતા.. પોતાના જીવનમાં મન્ટોએ જે તકલીફો ભોગવી એનો સાર એ એક જ વાક્યમાં આપે છે, “मेरा सबकुछ वहींं तो है!” ભારતમાં એના પિતા, માતા અને દીકરા આરિફની કબર છે, અને એ પાકિસ્તાનમાં છે. એના મનમાં ભાગલાને લીધે અને એ પછીના કોમી તોફાનોને લીધે આક્રોશ છે, એ કહે છેઃ

जब गुलाम थे तो आजादी के खाब देखते थे, अब आजाद है तो कौनसा खाब देखेंंगे?

પાકિસ્તાન ગયા પછી ઠંડા ગોશ્ત પર કેસ થયેલો છે, વાર્તાઓ બદલ પૈસા મળતા નથી, નિરાશ થયેલા મન્ટોથી લખી શકાતું નથી, ઘરમાં ચડભડ થાય ત્યારે પત્નીને કહે છે,

“मेंं इतना लिखुंगा की तुम भूखे नहीं मरोगे..”

અને મન્ટોની બેકારી, ગરીબી અને કોર્ટકેસથી કંટાળેલી સાફિયા કહે છે,

“यही तो फिक्र है, की आपके लिखने की बजहसे भूखे मरेंगे. सारी हमदर्दी सिर्फ अपने किरदारोंके लिए बचाके रक्खी है।”

છેલ્લે તોબા ટેકસિંગના સંવાદની વાત જે ફિલ્મના ટ્રેલરમાં પણ ખુબસૂરત રીતે મૂકાયો છે,

पाकिस्तान और हिंदुस्तान

और

मन्टो

Manto Movie Review Gujarati Nandita Das Nawazuddin Siddiqui


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “‘મન્ટો’ ફિલ્મ રિવ્યૂ – જીજ્ઞેશ અધ્યારૂ