નોંધપાત્ર માઈક્રોફિક્શન (અક્ષરનાદ સ્પર્ધા-૪) ભાગ ૨ – આશા શાહ, સુષમા શેઠ, કાજલ ભુવા, વિષ્ણુ ભાલિયા 2


પાંચ દિવસ પ્રસ્તુત કરી રહ્યાં છીએ માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસેક વાર્તાઓ સ્પર્ધક મિત્રોની એવી માઈક્રોફિક્શન છે જેને આદરણીય નિર્ણાયકોએ વધુ ગુણ આપ્યા છે. આ પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની બીજી ચાર વાર્તાઓ. આજના સર્જકો છે આશા શાહ, સુષમા શેઠ, કાજલ ભુવા અને વિષ્ણુ ભાલિયા.

૫. અરજી

“આવી ગરમીમાં આજે વળી પાછા હેરાન થવા ઉપડો છો એમ ને..?”

“હં..ઉં..! મારા બબાના ઘરે આ વખતે દીકરો આવે એ માંગવા જવામાં વળી કેવી હેરાનગતિ..?”

“તે તમે હેરાન ન થાઓ પણ ભગવાનને તો કરોને..! મને તો એ નથી સમજાતું કે એમ ભગવાન રીઝે ખરાં…”

“હાસ્તો વળી… માંગવાથી શું નથી મળતું.. હું તો કહું છું તમે પણ ચાલોને! શું આખો દિવસ આ મુઆ છાપામાં મોઢું ઘાલીને બેઠા ર્યો છો..?”

“બધાને મળે જ એવું ના હોય. તમે જેના કહેવામાં આવીને ઉપડો છો એ તમારા માસીના ઘરે ચોથા લક્ષ્મીજી પધાર….”

“હં.. એ જે હોય તે પરભુને અરજી કરવાની હિંમત નથી મારા માસીએ હારી ને નથી હું હારવાની એ હોંભળી લ્યો ભઈસા’બ… હવે તમે હાલો છો કે પછી હું નીકળું..??”

“ના.. ના.. તમે જ જાઓ પણ જરા સંભાળીને જજો.. આ જુઓ છાપામાં આજના સમાચાર.. બે આખલાની લડાઈમાં એક વૃધ્ધાનું મૃત્યુ..” પત્નિ સામે ચિંતાતુર નજરે જોતાં સુબોધચંદ્ર બોલ્યા.

“આજકાલ ઢગાઉ બવ વધી ગ્યા છે. એનું કાંઈ કારણ તો હમજાવો ભઈસા’બ…!” સુમિત્રાબહેન હળવા નિ:શ્વાસ સાથે બોલી ગયા.

પત્નિ સામે નજર મિલાવતા સુબોધચંદ્ર બોલ્યા, “કારણમાં તો એવું છે ભાગ્યવાન કે, સંતાનમાં દીકરો જ મળે એવી અરજી થઈ તો કોઈક માટે હતી ને કબૂલ કોઈક માટે થઈ છે…”

– આશા શાહ

૬. ઝાંઝરની જોડ

મેલીઘેલી જમની અને ઢીલી હાફપેન્ટ વાળો ગંદો ગોબરો છોટુ; પોતાની ઝૂંપડીની નાનકડી દુનિયામાં મોજથી રહેતા. કચરાના ડબ્બામાં ત્યજી દેવાયેલા બાળકને છાતીએ વળગાડતી જમની બોલેલી, ‘આવડો આ મને ચ્યમનો ભટકાણો?’

નાનપણથી અબુધ છોટુ જનની સાથે કચરાના ઢગલામાંથી કામની વસ્તુ વીણવા જતો. ખભે લટકાવેલા કધોણા થેલામાં કચરો ભેગો ઠાલવવો એ બંનેનો રોજિંદો ક્રમ. ઝૂંપડીએ પાછા ફરી, ભંગારની વસ્તુઓ અલગ કરી , ભંગારવાળાને ત્યાં આપી, જોઈતી રકમ રળી લેતાં, ખાધાખોરાકીનો મેળ પડી જતો. બંને પોતપોતાની મરજીના માલિક, એકબીજાને વ્હાલ કરે, હસે, રમે, ગાય, અલક-મલકની વાતો કરતાં પોઢી જાય. જમનીની દુનિયા એટલે છોટુ. છોટુ માટે જમની એટલે સર્વસ્વ. સ્નેહની બેડીએ બંધાયેલા બે જણ, બે ઘડીય છૂટાં ન પડે.

તે દિવસે કચરાના ઢગલામાં કંઈક ચમકતું જોઈ જમનીની આંખો ચમકી. ‘ઓલી કમુડી પે’રે એવી ઝાંઝર.’ ઘરે જઈને પગમાં પહેરી, એને જોઈને રાજીરાજી. ફાટેલી ગોદડીની નીચેથી પેલી ઘૂઘરીવાળી ઝાંઝર પહેરતી અને પાછી મૂકતી ઉદાસ જમનીને છોટુ રોજ જોયા કરે. જોડ વગરની એક ઝાંઝર કેમ પહેરાય?

એક દિ’ છોટુ દોડતો ગયો ચાંદીવાળાની દુકાને જ્યાં આવી ઘૂઘરીવાળી ઝાંઝર વેચાતી મળે. શોકેસમાં જોયા કર્યું, પછી હિંમત કરીને પગથિયા ચડવા ગયો પણ.. ‘ચોર, ચોર.. મારો સા..’ એની બંધ મુઠ્ઠી જોઈને શેઠે રાડ પાડી.

માર ખાઈને અધમૂવો થયેલ છોટુ અને એની બિડાયેલી મુઠ્ઠીમાંથી રણક્યા વગર સરી પડેલી પેલી ઝાંઝર..

જમનીની બહાવરી આંખો પોતાની મોંઘી જણસ શોધી રહી..

– સુષમા શેઠ

૩. પૂજા

દાદીમા પૂજા કરતાં હતાં. પૂજા, અર્ચના અને પ્રણામ કારમાંથી દોડીને આવ્યાં અને પાછળથી દાદીમાને બાથ ભરી ગયાં. દાદા પણ ઝડપથી હસતાં -હસતાં આવ્યાં. લ્યો !ઉનાળુ વેકેશન શરૂ. આખો ‘દી ધમાચકડી. કેરી, લાડું, મુરબ્બો, હિંચકો, રમકડાં, નવા કપડાં, ઢગલાબંધ તોફાન અને મોજમજા. જોતજોતામાં ૩૫ દિવસ ક્યાં જતાં રહ્યાં એ તો ખબર જ ન પડી.

૧૧મી જૂને કોઈ ઉઠવા જ તૈયાર નહોતું અને દિવસ પણ જાણે ઉગવા નહોતો માંગતો. કોઈ સૂતું જ હતું ક્યાં? આખી રાત કાલે છોકરા જતાં રહશે એ વિચારવામાં જ સવાર પડી ગઈ.

છોકરાં રડતાં-રડતાં ગયાં. ગાડી ગઈ પછી દાદા-દાદી નિઃસાસો નાખતાં ઘરમાં આવ્યાં. બંનેની આંખમાં આંસુ હતાં. દાદીએ દાદાનો હાથ પકડીને ઊંચું જોયું. તેમની આંખોમાં પ્રશ્ન હતો, “હવે શું કરીશું?”

દાદા નિઃશ્વાસ નાખી બોલ્યાં, “હવે તમે કરો પૂજા અર્ચના..”

“અને તમે?” દાદી રડતાં-રડતાં બોલ્યાં.

“મારા ભગવાન તો ગયા, હવે પાંચ મહિનાનું વેકેશન..”

– કાજલ નાજાભાઈ ભુવા

૪. આઘાત

“લખમણભાઈ, લીજો. આતાને કાં’ક થઈ ગયુંશ.”
દરિયાના સીના ઉપર લાચાર બની તણાતા આઠ ખલાસીમાંથી તીણી રાડ આવી.

“બાપા…! બાપા…!” શબ્દો થીજી ગયા.

“આતાને, આધાત લાગી ગીયો !” એકના સૂકાયેલા ગળામાંથી નિસાસો સર્યો.

લખમણ બાપના શબને બાથમાં જકડવા મથ્યો, ત્યાં રૂઠેલો દરિયો ભરખી જવાના મૂડમાં હોય તેમ માથે પટકાયો. ક્ષણભર શ્વાસ રૂંધાયો. થર્મોકોલના સહારે ડૂબકાં લેતા; ખલાસીએ હાથની પકડ મજબૂત કરી લીધી. મનમાં વેદના થઈ: ‘બાપના દેહને રખડતો થોરો મેલી દેવાઈ !’

લખમણે વેધક નજર ભૂખ્યા દરિયા પર નાખી. તેની સૂજેલી આંખોમાં દર્દ ઘૂંટાયું. આવેશમાં પોતાને ધિક્કાર્યો. આઠ જિંદગી તેના થકી જ જીવન-મરણ વચ્ચે ઝઝૂમતી હતી. બચપણથી જ આંગળી પકડીને દરિયાના પાઠ ભણાવનાર બાપની લાશને તેણે કમ્મરે બાંધી. બાપનું માનીતું વહાણ, તેની નજર સામે જ દરિયામાં ઓગળી ગયું હતું.

વહેલી સવારના તેમના શબ્દો એકાએક કાનમાં અફળાયા: “વા’ણ ધીમું રાખ. હામે ઈસ્ટીમર શે!”

“પન, આપણે ઈની પે’લા નીકળી જાયું.” તે મક્ક્મ રહેલો. પણ… તેની જીદ! અને એક ભયાનક ગર્જના સાથે બધું ખતમ.

“કો’કનું વા’ણ આવેશ.” રાડ ગુંજી. હાથ હલાવી ઇશારા થયા.

અજાણ્યું વહાણ નજીક આવ્યું. તેમાંથી રાંઢવું ઘા થયું.

“પે’લા, આ સેરો ખેંચો.” લખમણે હાથ લંબાવ્યો.

વહાણના ખલાસીની આંખો ફાટી ગઈ. કમ્મરમાં બાંધેલ દોરડા સહિત લાશ બહાર આવી. અને… લખમણે અત્યાર સુધી રોકી રાખેલો ખારો દરિયો બહાર ધસી આવ્યો.

– વિષ્ણુ ભાલિયા


2 thoughts on “નોંધપાત્ર માઈક્રોફિક્શન (અક્ષરનાદ સ્પર્ધા-૪) ભાગ ૨ – આશા શાહ, સુષમા શેઠ, કાજલ ભુવા, વિષ્ણુ ભાલિયા