ભૂરિશ્રવાનુંં કથાનક – હિમા યાજ્ઞિક 2


(શ્રી હિમા યાજ્ઞિકના પુસ્તક ‘ભારતીય સંસ્કૃતિમાં શિવમહિમા – વિશેષે મહાભારતના સંદર્ભમાં’ માંથી સાભાર. પુસ્તક અક્ષરનાદને ભેટ આપવા બદલ તેમનો ખૂબ આભાર. પુસ્તકપ્રાપ્તિની વિગતો લેખને અંતે આપી છે.)

મહાભારત યુદ્ધ દરમિયાન દ્રંદ્રયુદ્ધ જાણે એક અને અદ્રિતીય હતુઁ. બંને મહારથીઓ હતા. બંંને યુદ્ધકૌશલ્ય દાખવનારા હતા.

સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા શ્રીકૃષ્ણનો તથા વૃષ્ણિ-અંધકાદિ યાદવોનો કટ્ટર દુશ્મન હતો. સાથેસાથે યજ્ઞયાગાદિ પ્રસંગે પુષ્કળ દક્ષિણા આપનાર તથા ખ્યાતિ ધરાવતો દાબવીર પણ તે હતો. જ્યારે વૃષ્ણિ અને અંધકવંશીઓમાંં વાઘ સમાન શ્રેષ્ઠ એવો સાત્યકિ અર્જુનનો શિષ્ય તો ખરો, પણ સાથેસાથે ધનુર્વિદ્યામાં તેનાથી સહેજે ઊતરતો નહોતો. સાથેસાથે તે શ્રીકૃષ્ણનો પરમ મિત્ર અને પૂર્ણ વફાદાર સાથી પણ ખરો.

પહેલાં તો બંંને એકબીજા વાગ્બાણોથી વીંધવા લાગ્યા. ધીમેધીમે બંને યોદ્ધાઓ પોતાનું પરાક્રમ બતાવવા જાણે અધીરા થયા. અનેક મહાયોદ્ધાઓ સાથે આજે લડીને થાકેલો સાત્યકિ અત્યારે જાણે મરણિયો બન્યો હતો. સામે તાજોમાજો થઈને યુદ્દ્ઘમાઁ ઊતરેલો ભૂરિશ્રવા રથયુદ્ધ કરવા ધસી આવ્યો.

એકબીજાનાં ધનુષબાણ કપાયાં, બંને રથવિહોણા થયા, એટલે પટ્ટાબાજી ખેલવા તત્પત તે બંંનેએ તલવારો ખેંચી. અંંતે મલ્લયોદ્ધમાંં નિપુણ એવા બંંને બાહુયુદ્ધ ખેલવા લાગ્યા. અડવડે, હેઠા પડે, ગડગડે – એમ બંને મલ્લસમા શૂરવીરો એકબીજાને હંંફાવતા હતા, પરંતુ પહેલેથી જ થાકેલો અને શરીરે અનેક જગ્યાએથી જખમી થયેલો સાત્યકિ ભૂરિશ્રવાની બરાબરી કરવામાંં કામિયાબ નીવડતો નથી.

સાત્યકિની આવી દશા જોઈને ચિંતિત થયેલા શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે: ‘તું જો તો ખરો! યદુવંશીઓ અને અંધકંવંશીઓમાં શ્રેષ્ઠ એવો સાત્યકિ ભૂરિશ્રવાના વશમાં આવી પડ્યો છે.’

ત્યાં તો ક્રોધે ભારાયેલા મહાબાહુ ભૂરિશ્રવાએ યુદ્ધદુમર્દ સાત્યકિને ઊંચકીને ભોંય ઉપર પછાડ્યો. સર્વ સેનામાં હાહાકાર થવા લાગ્યો. વનરાજ સિંહ હાથીને બળપૂર્વક ખેંચે તેમ કુરુશ્રેષ્ઠ ભૂરિશ્રવા સાત્વતશ્રેષ્ઠ સાત્યકિને રણભૂમિ પર ઘસડવા લાગ્યો. મ્યાનમાંંથી તલવાર બહાર કાઢી, એક હાથે સાત્યકિના કેશ પકડીને ખેંંચ્યા અને છાતીમાંં કચકચાવીને એક લાત મારી.

શ્રીકૃષ્ણ અજંપ થઈ ગયા. તેઓ ચિંતા અને દુ:ખમિશ્રિત સ્વરે અર્જુનને ફરીથી કહે છે: ‘હે સમર્થ પાર્થ! તું સત્ત્વરે કોઈ ઉપાય કરી તારા આ પરમવીર શિષ્ય સાત્યકિનું રક્ષણ કર.’

શ્રીકૃષ્ણે બબ્બે વખત અર્જુનનું સાત્યકિ પ્રતિ ધ્યાન દોર્યું ત્યારે પ્રશ્ન થાય કે અત્યાર સુધી અર્જુન શું કરતો હતો? ઊભો ઊભો જોતો હતો? ના, અર્જુનની સ્થિતિ નાજુક છે. તે દ્રિધામાં છે. બંંને વીરોનાં પરાક્રમની મનોમન પ્રશંસા કરતાં-કરતાં ઊંડે-ઊડે ચિંતા પણ તેને સતાવે છે કે દ્રોણાચાર્ય યુદ્ધિષ્ઠિરને પકડશે તો નહીં ને? સાત્યકિને મદદ કરવી કે યુદ્ધનિયમોને અનુસરી ક્ષત્રિયધર્મ પ્રમાણે તટસ્થ રહેવું? બંને વિચારો એક સાથે ચાલે છે. આ બધા ઉપરાંત જયદ્રવધની પ્રતિજ્ઞા પૂરી કરવાની તો હજુ બાકી જ છે અને સૂર્યાસ્ત થવાને હવે ઝાઝી વાર પણ નથી.

‘મહાભારત’ના શ્રીકૃષ્ણ માનવીય સ્વાભાવ ધરાવતા છે, એટલે સ્વાભાવિક છે કે સાત્યકિની હાલત જોતાં તેઓ બાવરા બની જાય, ચિંતાતુર થૈને સાત્યકિને બચાવવા અધીરા થઈ જાય, એથી તો તેઓ અર્જૂનને ફરી ફરી તાકીદ કરે છે.

અને વાસુદેવ શ્રીકૃષ્ણના વચનને આ વખતે માન્ય કરી પાંડુપુત્ર અર્જુને તલવાર અને બાજુબંંધસોતો ભૂરિશ્રવાનો હાથ બાણ છોડી કાપી નાંંખ્યો. પાંચ ફેણવાળા સર્પની જેમ ઊછળીને ભૂરિશ્રવાનો કપાયેલો હાથ ફંગોળાઈને પૃથ્વી પર દૂર પડ્યો.

હાથ કપાઈ જવાથી પાંખ વીનાના મંદરાચળપર્વત જેવો ભૂરિશ્રવા લાગતો હતો. એણે અર્જુનની સામે ધગેલ તાંબા જેવી આંખો ફાડીને એવી રીતે જોયું કે જાણે ત્રણે લોકને બાળી નાખવા માગતો ન હોય!

ક્રોધાયમાન ભૂરિશ્રવા અર્જુનનિ નિંદા કરવા લાગ્યા. તે કહે છે..’હે કુંતીપુત્ર અર્જુન! તેં અતિ નીચ કર્મ કર્યું છે. મારું ધ્યાન ન હતું, હું બીજા સાથે એટલે કે સાત્યકિ સાથે લડી રહ્યો હતો ત્યારે તેં વચમાં આવીને મારો હાથ કાપી નાખ્યો? રણભૂમિમા6 તારી સાથે યુદ્ધ નહીંં કરનાર ઉપર પ્રહાર કરીને તે ક્ષાત્રધર્મની વિરુદ્ધ વર્તન કેમ કર્યું? આવું અધર્માચરણ તે તારી બુદ્ધિથી નહીં જ કર્યું હોય, ચોક્કસ કૃષ્ણની પ્રેરણાથી જ કર્યું હશે.’

સર્વે લોકો શ્રીકૃષ્ણ અને અર્જુન ઉપર ફિટકાર વરસાવા લાગ્યા, કુરુશ્રેષ્ઠ ભૂરિશ્રવાની પ્રશંસા કરવા લાગ્યા.

અર્જુન અને શ્રીકૃષ્ણને આવા કડવા અને કટાક્ષભર્યા વચન સંભળાવી મહાબાહુ, યુપધ્વજ, મહા યશસ્વી ભૂરિશ્રવાએ સાત્યકિને છોડી દીધો, યુદ્ધ બંધ કર્યું અને યુદ્ધભૂમિ ઉપર જ આમરણાંંત ઉપવાસ કરવા બેસી ગયો. ડાબા હાથેથી બાણોનું આસન તૈયાર કર્યું અને બ્રહ્મલોકમાં જવાની ઈચ્છાથી પ્રાણોનો પ્રાણોમાંંહોમ કરવા લાગ્યો. દ્રષ્ટિને સૂર્યમાં સ્થિર કરી, નિર્મળ મનને જળમાં એકાગ્ર કર્યું. મૌનવ્રત ધારણ કરી, મહાઉપનિષદનું ધ્યાન ધરતો ભૂરિશ્રવા યોગયુક્ત બન્યો, અંત:કરણમાં શિવજીનું ધ્યાન કર્યું, શિવજીને સંબોધીને પ્રાર્થના કરી, ‘મારો દેહ તામસી છે. ઘુવડને અંધકાર સાથે પ્રેમ હોય છે તેવો હુંં અજ્ઞાની છું. તમારે શરણે આવ્યો છું.’

ત્યાં તો અણધારી ઘટના ઘટી. ભૂરિશ્રવા વડે છોડી દેવાયેલો, ધરતી પર પછડાયેલો શિનિપૌત્ર સાત્યકિ ઊભો થઈ ગયો અને રણભૂમિમાં આમરણાંત અનશન પર બેઠેલા, અર્જુન દ્રારા જેનો એક હાથ કપાયેલો છે તેવાયોગારૂઢ ભૂરિશ્રવાનું મસ્તક પોતાની તલવાર વડે છેદી નાંખ્યું.

જેમ હાથીને પોતાના ગળાની ફૂલમાળા ક્યારે સરી પડી તેની ખબા ન પડે તેમ શિવજીના ચરણમાં દ્રઢ પ્રીતિ રાખીને ભૂરિશ્રવાએ પોતાનો દેહ છોડ્યો.

સર્વત્ર હાહાકાર મચી ગયો.

યુદ્ધના નિયમો નેવે મૂકાઇ ગયા, એથી સર્વ સૈન્યો મોટેથી નિંદા કરવા લાગ્યા, એટલે સાત્યકિ વધુ રોષે ભરાઈને કહેવા લાગ્યો,’મેં પ્રતિજ્ઞા કરેલી જ હતી કે કોઈ મારું અપમાન કરશે, જે કોઈ મને સંગ્રામમાં નીચે પાડી નાખી જીવતેજીવ ક્રોધથી લાત મારશે તે શત્રુએ મુનિવ્રત ધારણ કર્યું હશે તો પણ હું તેનો વધ કરીશ.’

યુદ્ધ મેદાનની આ ઘટના આપણને વિચાર કરવા પ્રેરે છે. ધૃતરાષ્ટ્રને પણ સવાલ થાય છે, ‘શ્રી કૃષ્ણ અને અર્જુનના ત્રીજા હદયસમો સાત્યકિ ભૂરિશ્રવા સામે પરાજય કેમ પામ્યો?’

વ્યાસજીએ એક દેખીતું કારણ તો આપ્યું છે કે સાત્યકિ અન્ય સાથે યુદ્ધ કરીને થાકેલો અને ઘાયલ હતો, જ્યારે ભૂરિશ્રવા યુદ્ધમાં તાજોમાજો જ ઊતર્યો હતો, અતાંયે સાત્યકિ વીર અને પરાક્રમી છે. શ્રી કૃષ્ણનું તેણે પીઠબળ પણ છે, તો પણ ભૂરિશ્રવાએ સાત્યકિને પકડી લઈ બળ પૂર્વક જમીન ઉપર પછાડ્યો અને તેના કેશ પકડી ક્રોધથી લાતો મારી એ કેમ બન્યું?

ત્યારે સંજય ધુતરાષ્ટ્રને સમજાવે છે કે કોઈ ગૂઢ, અપાર્થિવ, દૈવી પ્રેરણા આ અધર્મ કૃત્ય પાછળ કારણભૂત હતી.

સંજયને દિવ્યદ્રષ્ટિ છે,માહિતીઓનો ભંડાર છે, તેથી સાત્યકિ અને ભૂરિશ્રવાનો જન્મ ક્યાં સંજોગોમાં થયેલો તેની માંડીને વાત કહે છે,

‘પૂર્વે અગ્નિનો પુત્ર સોમ, સોમનો પુત્ર બુધ, બુધનો પુરૂરવા અને પુરૂર્વાનો આયુ, આયુનો નહુષ અને નહુષનો દેવસમાન રાજર્ષિ પુત્ર યયાતિ. યયાતિનો યદુ અને યદુનો દેવમીઢ. દેવમીઢનો શૂર, શૂરનો વસુદેવ. આ શૂર ધનુર્વિદ્યામાં શ્રેષ્ઠ અને યુદ્ધમાં કાર્તવીર્ય સહસ્ત્રાર્જુન સમાન વીર હતો. શૂરનો બીજો પુત્ર તે શિનિ. આથી શ્રીકૃષ્ણના પિતા વસુદેવ અને સાત્યકિના પિતા શિનિ. વસુદેવ અને શિનિ બંને સગા ભાઈઓ. શ્રીકૃષ્ણ અને સાત્યકિ બંને પિત્રાઈ થયા.’

તે અરસામાં મહાત્મા દેવકની કન્યા દેવકીનો સ્વયંવર રચાયો. માનવંતા ક્ષત્રિયો એકત્રિત થયા. આ સ્વયંવરમાં શિનિએ પણ સ્થાન શોભાવેલું. દેવકીને જોઈ તેને પોતાના ભાઈ વસુદેવ સાથે વિવાહ કરવાનો મનસૂબો કર્યો. આથી સર્વ રાજાઓને પરાજિત કરી, દેવકીને રથમાં બેસાડી તેનું હરણ કર્યું. રાજા સોમદત્ત આ સાંખી શક્યા નહીં, તેમણે શિનિને પડકાર્યો.બંને વચ્ચે દર્શનીય અને અદ્ભૂત દ્રંદ્રયુદ્ધ થયું.

શિનિરાજાએ પરાજિત રાજા સોમદત્તને બળપૂર્વક ઊંછકીને ભૂમિપર પછાડી, તેના કેશ પકડીને, હાથમાં તલવાર ઊંચકીને તેની છાતીમાં લાત મારી. શિનિનો આશય તો સોમદત્તનું મસ્તક કાપી નાખવાનો હતો, પરંતુ હજારો રાજાઓ જેઓ આ દ્રંદ્રયુદ્ધ વિસ્મય પૂર્વક નિહાળી રહ્યા હતા તેઓ વચ્ચે પડ્યા એટલે ‘જા, હું તને જીવતો છોડૂં છું.’ એમ કહીને શિનિએ સોમદત્તને જવા દિધો.

અપમાન અને હારથી ધૂંધવાયેલા સોમદત્તે બદલો લેવાનું નક્કી કર્યું. તે માટે મહાદેવજીને પ્રસન્ન કરવા ઊગ્ર તપ આદર્યું, ભગવાન આશુતોષને રીઝવ્યા. ભક્તવત્સલ ભગવાન શંકરે વરદાન માગવા કહ્યું ત્યારે સોમદત્તે માગ્યું,’હે ભગવાન! હું એવો પુત્ર ઈચ્છુ છું જે યુદ્ધ ભૂમિમાં હજારો રાજઓની સન્મુખ શિનિના સંતાનને ભૂમિપર પટકીને તેને પોતાના પગથી લાત મારે.’

કૃપાનિધાન ભગવાન મહાદેવે’તથાસ્તુ’ કહ્યું અને ત્યાંથી અંતર્ધાન થઈ ગયા.

મહાદેવજીના તે વરદાનથી સોમદત્તને પુષ્કળ દક્ષિણા આપનારો, યાચકોની કામના પૂરી કરનારો, યજ્ઞશીલ ભૂરિશ્રવા પુત્રરૂપે જન્મ્યો અને એ જ કારણથી રણ ભૂમિમાં ભૂરિશ્રવાએ શિનિપુત્ર સાત્યકિને ભૂમિ પર પટકી લાત મારી હતી.

પૂર્વજન્મ ચોક્કસપણે અસ્તિત્વ ધરાવે છે તેનોં અસંખ્ય ઉદાહરણો ‘મહાભારત’માં ઠેકઠેકાણે આપણને સાંપડે છે. ‘દ્રોણપર્વ’ માં અધ્યાય ૧૧૭,૧૧૮ અને ૧૧૯માં સાત્યકિ અને ભૂરિશ્રવાના પૂર્વજન્મનાં કર્મનું કથાનક છે.

****

પોતાની સાથે લડતો ન હોવા છતાં અર્જૂનને તીક્ષ્ણ બાણથી સાત્યકિને હણવા ઉગામેલા ભૂરિશ્રવાના હાથેને કાપી નાખ્યો. ભુરિશ્રવાએ શ્રીકૃષ્ણ અને અર્જુન ઉપર અધર્માચરણ કરવાનો આક્ષેપ કર્યો. તે પછી પણ લયયોગ દ્રારા દેહ છોડી પરમાત્મા પ્રાપ્ત કરવાની પ્રક્રિયા કરતો હતો ત્યારે અત્યારસુધી ભુરિશ્રવા દ્રારા પરાજિત થયેલો સાત્યકિ ભુરિશ્રવાનું મસ્તક કાપી નાખેએ અત્યંત હિચકારું કૃત્ય હોવાથી સૌ ફિટકાર વરસાવે તે સ્વાભાવિક છે.

આવું શા માટે બન્યું તે સમજવા આપણે ભૂરિશ્રવા અને સાત્યકિ પૂર્વ જન્મ જાણવા પડશે. પૂર્વે સાત્યકિના પિતા શિનિએ ભુરિશ્રવાના પિતા સોમદત્તને આ જ રીતે ભૂમિ પર પતકી, કેશ પકડી ઘસડ્યા હતા અને તેમનો શિરચ્છેદ કરવા તલવાર ઉગામેલી. અપમાનિત સોમદત્તે ભગવાન શંકરનું ઘોર તપ કરેલું અને પ્રસન્ન થયેલા ભગવાન પાસે શિનિના પુત્રને હજારો રાજાની સન્મુખ આ જ પ્રમાણે ભૂમિ પર પટકી, તેના કેશ ખેંચી, તેને પગથી લાત મારે તેવો પરાક્રમી પુત્ર વરદાનમાં માગેલો.

કેશ ખેંચી ભૂમિ પર પછાદવો, શત્રુના મસ્તક પર પગ મૂકવો કે લાત મારવી એ તે જમાનમાં શત્રુને અપમાનિતકરવા, તેના સ્વમાનને ઠેસ પહોંચાડવા, તેનું અહં ઘવાય તેવું કરવામાં કે તેને ગ્લાનિ પહોંચાડવા માટે અત્યંત સચોટ દાવ હશે, તેથી જ આવા કૃત્યને વખોડતાં તે સમયના ‘તેજસ્વી પ્રશંસા'(!) વર્ણવતાં સંસ્કૃત સુભાષિતો તાદ્રશ વર્ણન કરે છે,

‘બીજાના પગનો પ્રહાર થાય તોપણ જે મૌન રાખે તેને ક્ષમાશીલ નહીં, પરંતુ હલકો (કાયર) જાણવો.’

‘જ્યાં સુધી શત્રુઓના ઉંચા મસ્તકો પર તિરસ્કારથી પગ મૂકવામાંં ન આવે ત્યાં સુધી કીર્તિ સ્વર્ગ સુધી કેવી રીતે ચડે? કારણ કે તેને શત્રુઓના મસ્તક વિના કોઈ આલંબન નથી હોતું.’

‘જો રાજા તેજ વિનાનો હોય તો તેના પોતાના લોકો અને બીજા લોકો પણ વિકૃત – દૂષિત થઈ જાય છે, એના પર દરેક માણસ નિ:શંકપણે પગ મૂકે છે’

ભૂરિશ્રવા ભૂમિ પર ડાબા હાથ વડે બાણોનુંં આસન રચી એકાગ્ર ચિત્તે યોગ માર્ગનો પ્રવાસી બન્યો.

જીવ અને શિવ, આત્મા અને પરમાત્માને જોડવાની ક્રિયા તે જ યોગ. મન સાથે સઘળી જ્ઞાનેંદ્રિયોને વશ કરી આવુ અનુસંંધાન કેળવવાનું છે. અનેક યોગોની શાસ્ત્રોમાં ચર્ચા વિચારણા થઈ છે. એ સહુનું એક માત્ર ધ્યેય તે પરમાત્માની પ્રાપ્તિ.

યોગને જાણનારા, વિચારનારા કે પ્રાપ્ત કરનારા યોગીઓના શિવજી નેતા છે, માર્ગદર્શક છે, અગ્રણી છે તેમજ પ્રણેતા છે. સાધકને આંગળી ઝાલીને યોગની સર્વ સિદ્ધિના સર્વોચ્ચ શિખર પર પહોંચાડનારા એ શિવજી જ છે.

યોગસાધનાના મુખ્ય ચાર પ્રકાર – હઠયોગ, લયયોગ, મંત્રયોગ અને રાજયોગમાંથી ભૂરિશ્રવાએ લયયોગનો આશરો લીધો.

ધ્યેયાકાર વિષયની અથવા શબ્દાદિ વિષયની વિસ્મૃતિ થાય તે લયયોગ. ઓમકારના જપથી કે બ્રહ્મના ધ્યાનથી ચિત્ત તેમાં ધીરે ધીરે લય પામતું આવે છે. વાણી મનમાં, મન પ્રાણમાં અને પ્રાણ બ્રહ્મમાં લય પામે છે.

મન ઈંદ્રિયોનું સ્વામી બને છે ત્યારે તે શાંત, સ્થિર, શુદ્ધ અને નિર્વાસનિક થાય છે. આવું શુદ્ધ મન પરમ મંગલ તત્વનું ધારક બની શકે. પૌરાણિક પરંપરાથી આ પ્રમાણેનો અર્થ ચાલ્યો આવે છે.

સાંકેતિક ભાષામાં વૃષભ એ ધર્મનું સ્વરૂપ છે. વૈદિક પરિભાષામાં વાક, પ્રાણ અને મનને ધેનુ, વૃષભ અને વત્સ તરીકે જાણ્યા છે. વાક એટલે ઈંદ્રિયો, મન એટલે સંકલ્પ – વિકલ્પ. એ બંને જ્યારે પ્રાણ દ્વારા સંરક્ષણ પામે ત્યારે આત્મતત્વ સધાય.

અને તેથી જ શિવને વૃષભ વાહન અને વૃષભધ્વજ કહેવામાં આવ્યા છે.

(દ્રોણપર્વ અધ્યાય ૧૧૭-૧૧૯)

– હિમા યાજ્ઞિક

(પુસ્તક પ્રાપ્તિ માટે : પુસ્તકની કિંમત – ૩૫૦/- રૂ. કુલ પાન ૨૯૦, પ્રકાશક – પ્રવીણ પ્રકાશન પ્રા. લિ., લાભ ચેમ્બર્સ, મ્યુ. કોર્પો. સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન (૦૨૮૧), pravinprakashan@yahoo.com)


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “ભૂરિશ્રવાનુંં કથાનક – હિમા યાજ્ઞિક

  • Niranjan Shastri

    काफी समय के पश्च्यात कभी ंंनही प्राप्य इतिहास पिये यदु वंशावली अर्जुन से सोम्ं का बाहु छेद आदि
    धन्यवाद
    गुजराती ंंमे प्रतिभाव कैसे लिखे कृपया बताये
    आभार

  • Harshad Dave

    રસપ્રદ, ધર્મ, અધર્મ, નીતિ, ન્યાય અને કર્મનાં કારણો, અસરો અને પરિણામો સામે પક્ષે માનવો, દેવતાઓ અને અવતારો…તપોબળ, વરદાન અને યુદ્ધ ભૂમિ ના આધાર પર રચાયેલી પૌરાણિક કથાઓ સહુને કોઈ ને કોઈ પાઠ શીખવે છે…જે વ્યક્તિની જીવનશૈલી બદલી શકે. સ-રસ રજૂઆત…