કામણગારી કચોરીઓ – રૂચિર શાહ 2


“કચોરીને ફ્રાઈડ મોમોઝ કહું તો ચાલે? ના, સહેજ પણ નહીં અને આજ પછી બોલતો પણ નહીં.” હેમંતઋતુ શરૂ થતાંજ બધા સ્વાસ્થ્ય પ્રેમીઓ સવારે બાગમાં, જીમમાં દોડતા, યોગા કરતા દેખાશે. કેટલાય એવા દેખાશે જેના આખા વર્ષ દરમ્યાન સવારે સાડા આઠ પહેલા નસકોરા બંધ નથી થતા ને ભાઈ / બહેન સવારે બાગમાં અનુલોમ-વિલોમ કરતા હશે અને બધુ પતી ગયા પછી બહાર નીકળી આમળા, કડવા લીમડાના રસ પીતા જોવા મળશે.

કેમ? ખબર છે?

ગુજરાતીઓમાં શિયાળાનું અલગ પ્રકારનું આકર્ષણ જોવા મળશે. શિયાળામાં ઘરનાં શાકભાજીનું બજેટ કદાચ બમણું થઈ જતું હોય છે અને કેમ ન થાય? પેલી તાજી બાંધેલી નાની નાની ક્વાંટ – છોટાઉદેપુરની થોડી વધારે કડવી મેથીની ઝૂડીઓ, મરવા પડેલા માણસના મોઢામાં મૂકો ને પ્રાણ પૂરે એવા એ રિંગણાં, વાલોળ, સૂરતી પાપડી, લાલચોળ ગાજર અને પાંચ પાંચ દાણા ભરેલી તુવેર. મુંહ માંગી રકમ દે દેંગે!! શિયાળાની શરૂઆતમાં શાકભાજી મોંઘા હોય છે એટલે જમવામાં આંબામોર હળદર અને થોડું સલાડ ખાઈ ને લુત્ફ ઉઠાવીએ છીએ. એ તો ઠીક તુવેર ૬૦ રૂપિયે કિલો હોય તો પણ અઠવાડિયામાં એકાદ વાર તુવેર – રીંગણાંનું શાક પણ થઈ જાય. પણ ક્યારે તુવેર જરા ૪૦ રૂપિયે કિલો થાય અને ક્યારે જેના માટે આટલી બધી કસરત કરીએ છીએ એ કચોરીઓ ઘરે બને એની રાહ જોવાય છે.

કચોરી એવી વસ્તુ છે ને કે જો કદાચ યમરાજના તેડા આવ્યા હોય અને એ વખતે ગરમ ગરમ કચોરી પીરસાતી હોય તો એ ખુશી ખુશી અમરત્વ આપીને જતા રહે! તુવેરના દાણા, મરચા અને ધાણાને બે વાર પેલા મરચા કટર માંથી પસાર કરી, એક લોઢિયામાં તેલ મૂકી, એમાં હિંગ જીરા નો કડક વઘાર અને પછી માવો બધો ઠાલવી એમાં તલ અને કોપરાનું છીણ અને જોઈતા મસાલા. આહાહાહા!! બસ હવે તો લોટ બાંધી ગરમ તેલમાં તળીને ફટાફટ મૂકી દો અને કચોરી એકલી ખાવાની? ના, પેલી ધાણા મરચાની થોડું વધારે લીંબુ નાખેલી ચટણી તો છે જ પણ દહીંમાં થોડો કચોરી નો માવો, થોડું મીઠું અને દહીંના ભાગની ખાંડ નાખી ફ્રિજમાં ઠંડી થવા મૂકી દો.

હવે મેઇન વાત એ છે કે આ જે માવો તૈયાર થયો એને બધાથી સાચવવો કેવી રીતે. કારણ કે જો સાવચેતી માટે પૂરતા પગલાં લેવામાં ન આવે તો કચોરી બનતા પહેલા માવો સફાચટ થવાના પૂરા ચાન્સ!! અમુક જબરાઓ તો એક વાડકી જેટલું ચાખવામાં કાઢે અને પછી રિવ્યુ આપે, ‘મમ્મી, થોડું લીંબુ ઓછું છે.’ અને લીંબુ નાખ્યા પછી બીજી એક વાડકી ઉલાળી જાય! પણ મમ્મીએ ઘણી દિવાળી જોઈ છે, એને ખબર છે કે લીંબુ બરાબર જ છે એટલે નાખે પણ નહી.

ડિસેમ્બરથી જાન્યુઆરીની વચ્ચે અહીં ગુજરાતમાં એન.આર.આઈ’ઝની લગ્નની સીઝન ચાલુ થાય. બધા ન્યૂ જર્સી વાળા નવી જરસી પહેરીને અહીયાં! ઘરે સામાન્ય રીતે કોઈ અમેરિકાવાળું જમવા આવવાનું હોય તો એવી એવી વાનગીઓ બને કે અને એટલી એટલી માત્રામાં બને કે એવું થાય આ લોકો આટલા ભૂખ્યા આવ્યા હશે? અમેરિકાવાળું કોઈ ઘરે જમવા આવે તો અમને ઉત્સાહ એ વાતનો રહે કે એક તો કઇંક લાવ્યા હશે અને બીજું એ કે કીડી જેટલું જમશે. એટલે જે દૂધપાક, માલપુવા, કચોરી બનાવ્યા હશે એ અમને બીજે દિવસે સવારે પણ ઝાપટવાં મળશે.

અમારે સમાજમાં ક્ચોરીને લઈને એક કિસ્સો બહુ પ્રચલિત છે. લોકો કચોરી પાછળ કેવા ગાંડા છે એની પ્રતીતિ આ કિસ્સાથી થાય. અમારે શેઠકાકા ખાવાના ખૂબ શોખીન. એમનું માનવું એવું કે ડાયાબિટીસ તો શેર માર્કેટની જેમ ઉપર નીચે થયા કરે પણ આ મીઠડી વાનગીઓ, મીષ્ટાન, તેલમાં તળેલા ફરસાણ આ બધું ન હોય તો જીવવું કેમ? એમના મતે તો આપણે આ બધું ન ખાવાથી ડોક્ટરોની તબીયત પર પર માઠી અસર પડે છે! આપણે ત્યાં કચોરી હોય કે સમોસા, સવારે ઠંડા ખાવાનો મહિમા ઘણા બધા ઘરે છે. આ અમારા શેઠકાકા જયારે કચોરી થાય ત્યારે એટલા સરખા ભાગ પાડે કે ૧૧ કચોરી હોય તો બન્નેના ભાગે સાડા પાંચ કચોરી આવે! એટલે એ પોતે પોતાના ભાગની બધી કચોરી ખાઈ જાય અને કાકીથી બધી ન ખવાય એટલે કાકી એમના ભાગની બચેલી ફ્રીજમાં મૂકી દે. હવે જ્યારે કાકી સૂઈ જાય ત્યારે અડધી રાત્રે શેઠકાકા બધી કચોરી થોડી થોડી ચાખીને એંઠી કરી દે! અને પછી સ્વર્ગની નિંદ્રામાં લીન થઈ જાય.

આ વખતે કેરી અને તુવેર શીગ બન્ને પર ક્લાઈમેટ ચેન્જની અસર દેખાઈ છે. સિઝનમાં થોથા ભરીને આવતી તુવેર શીંગ અને કેરીઓ માંડ બજારમાં દેખાઈ છે અને એ પણ ઓફ-સીઝન ભાવે! હજુ પણ યાદ છે છોટાઉદેપુરથી બોડેલીની વચ્ચે રસ્તા પર ઢગલાબંધ લોકો તુવેર શીંગ અને કાચા કેળા લઈને બેસતા. અને એ તુવેર શીંગની વાત જ અલગ હતી. પાંચ છ દાણાવાળી તુવેર શીંગ ફોલવા બેસો તો ગપ્પા મારતા મારતા ૧-૨ કિલો તો આમ ફોલાઈ જાય! ઘરે નિયમ રહેતો કે જે ફોલશે એને ખાવા મળશે. નાના હતા ત્યારે આ નિયમને એટલો ગંભીરતાથી લેતા કે ઊંચું જોયા વગર શીંગો ફોલવા મંડી પડતા.

તો વાતનો સાર એ જ કે પાણીને લીધે ત્રીજું વિશ્વ યુદ્ધ થશે એ બધાંને ખબર છે પણ આ કચોરીઓ ને લીધે કેટલા ઘર ભાંગ્યા છે અને કેટલા ભાંગશે એનો ડેટા હજુ સુધી સરકારે બહાર નથી પાડ્યો. કચોરી બને એટલે બધાએ સરખા ભાગે વહેચીને મૂકી દેવાની. અને જો વહેંચ્યા પછી વધે તો એના પણ સરખા ભાગ પડે અને ભાઈ સાહેબ!! જો એક પણ કચોરી આમતેમ થઈ, ઘરમાં દંગલ થઇ જાય! ખેર!! જોઈએ આ કૈકેયી કેટલા ઘર ભંગાવે છે! પણ આપણે શું? આપણે તો ઝાપટ્યા કરવાની.. બીજુ બધું મોહ માયા છે મારા ભાઈ!


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “કામણગારી કચોરીઓ – રૂચિર શાહ

  • Aruna Parekh

    વાહ કે વાહ ! મોઢામાં પાણી આવી ગયું
    કચોરીનો લેખ બહુ સરસ

  • anil sheth

    Kamangari Kachori, nice articles, bring me at my 10 yrs age old life. same thing happened in our family, but at the time tuver was 75-85 paisa one lb. after mid sissone price drop to 25-40 paisa for 1 lb. than our family buy 5 lbs tuver and night time start with unfold tuver same drama start as per your articles. this is time of 1952-53. i am now 76 yrs old. excellent. anil sheth.