શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૯)


પ્રકરણ ૯

વસંતના એ દિવસોમાં, એક દિવસ શિન્ડલર પોતાની ફેક્ટરીમાંથી નીકળીને પોતાની બીએમડબ્લ્યૂમાં સીમા પાર ઝ્વિતાઉની વાસંતી મોસમમાં મહોરી ઊઠેલાં જંગલોમાં હંકારી ગયો. રૂવાંટીદાર કોલરવાળો કોટ પહેરીને બેઠેલો ઓસ્કર, ખાસ બનાવટના વ્હીલને એક હાથે સરળતાથી ફેરવતો, બીજે હાથે સિગારેટ સળગાવી રહ્યો હતો. એમિલીની સાથે-સાથે આજે એ પોતાનાં કાકી અને બહેનને પણ મળવા જવાનો હતો. ઘરનાં બધાં જ સભ્યો શિન્ડલરના પિતાની વિરુદ્ધમાં એક થઈ ગયાં હતાં; શિન્ડલરની માતાએ આપેલા ભોગ પ્રત્યે બધાંને કુણી લાગણી હતી. મૃત માતા અને પત્ની વચ્ચે કોઈ સામ્ય હોય તો પણ ઓસ્કર એ જોઈ શકતો ન હતો! આવી બાબત સમજવી, એ કંઈ બચ્ચાંના ખેલ ન હતા! જેસેનિક્સ તરફ જતો ઠંડોગાર રસ્તો એક પછી એક સિગારેટના સહારે પૂરો થઈ રહ્યો હતો. તેના પિતા તો જાણે પોતાને ભગવાન જ માનતા હતા, એટલે એમની સાથે વધારે સખ્તાઈથી કામ લેવું પડે તેમ હતું.

પોતાની કાકીઓને મળવા જવાનું ઓસ્કરને ખુબ જ ગમતું હતું, ખાસ કરીને ઓસ્કરના સુટની ડિઝાઇન જોઈને તેઓ જે રીતે આનંદપૂર્વક હાથ હલાવીને તેનું અભિવાદન કરતાં હતાં એ કારણે! ઓસ્કરની નાની બહેને એક રેલવે અધિકારી સાથે લગ્ન કર્યા હતા, અને રેલવે તંત્રે ફાળવેલા એક સુંદર એપાર્ટમેન્ટમાં બંને રહેતાં હતાં. રેલવે દ્વારા હેરફેર થતા માલસામાનના સંગ્રહ માટે એક વિશાળ જગ્યા તેના કબજા હેઠળ હોવાની સાથે, ઝ્વિતાઉમાં એક મોટું રેલવે જંક્શન પણ હોવાને કારણે તેનો પતિ ઝ્વિતાઉમાં એક મહત્વનો માણસ ગણાતો હતો. બહેન-બનેવી સાથે ચા-પાણી પીધા પછી શિન્ડલરે શરાબની લહેજત પણ માણી. બધાં વચ્ચે એકબીજાં પ્રત્યે માનની લાગણી પ્રવર્તતી હતીઃ શિન્ડલર કુટુંબનાં બાળકો એમ કંઈ સાવ ખરાબ ન હતાં!

માતાની માંદગીના આખરી દિવસોમાં ઓસ્કરની બહેને જ તેમની ચાકરી કરી હતી, અને હવે એ જ બહેન ચોરીછૂપીથી પિતાને મળવા જતી હતી અને તેમની સાથે સંપર્ક પણ રાખતી હતી. જો કે, પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરવાની દિશામાં આંગળી ચીંધવા સિવાય બહેન વધારે કંઈ કરી શકે તેમ પણ ન હતી! ચા-પાણી માટે બધાં એકઠા થયાં ત્યારે પિતા સાથે સમાધાન કરી લેવા એણે ઓસ્કર તરફ ઈશારો પણ કર્યો, પરંતુ જવાબમાં ઓસ્કર અણગમા સાથે કંઈક ગણગણ્યો, એટલું જ! ત્યાંથી નીકળીને ઓસ્કરે એમિલી સાથે પોતાને ઘેર ભોજન લીધું. રજાઓમાં ઓસ્કર ઘેર આવ્યો હોવાથી એમિલી ઉત્સાહમાં હતી. કોઈ વયસ્ક દંપતિની માફક બંને સાથે મળીને આ વર્ષનો ઇસ્ટરનો તહેવાર ઉજવી શકશે એવી તેની ધારણા હતી. અને તહેવાર સારી રીતે ઉજવાયો પણ ખરો! બંનેએ આખી સાંજ ઉત્સાહપૂર્વક ડાન્સ કર્યો, અને ભોજન સમયે કોઈ અજાણ્યાં સ્ત્રી-પુરુષની માફક આગ્રહ કરીને એકબીજાની સરભરા પણ કરી! પોતાના લગ્નની નિષ્ફળતા પ્રત્યે ઓસ્કરને અપાર આશ્ચર્ય થઈ રહ્યું હતું, કારણ કે અંદરથી તેને એવું લાગી રહ્યું હતું, કે પોતે એમિલી કરતાં કોઈ અજાણી વ્યક્તિની, કે ફેક્ટરીના કામદારોની પણ ઘણી વધારે સંભાળ રાખતો હતો!

એમિલીએ ક્રેકોવમાં આવીને ઓસ્કરની સાથે રહેવું કે નહીં એ સવાલ બંનેની વચ્ચે આવીને ઊભો હતો. ઝ્વિતાઉનો એપાર્ટમેન્ટ ખાલી કરીને એમિલી જો કોઈ ભાડૂતને સોંપી દે, તો પછી ક્રેકોવથી છટકી શકવાનો કોઈ રસ્તો તેની પાસે બચતો ન હતો! ઓસ્કાર સાથે રહેવાની પોતાની ફરજ હોવાનું પણ એ સ્વીકારતી હતી; કેથલિક નીતિશાસ્ત્ર મુજબ, ઓસ્કર પત્નીથી દૂર રહે એ “પાપાચારની તકને નિમંત્રણ” આપવા સમાન હતું. અને તો પણ, એક અજાણ્યા શહેરમાં જીવવું એમિલી માટે તો જ સંભવ બને તેમ હતું, જો ઓસ્કર તેની પૂરતી સંભાળ લે, તેની લાગણીઓ પ્રત્યે સભાન અને સંવેદનશીલ રહે! પરંતુ ઓસ્કરની તકલીફ એ હતી, કે પોતાના સ્ખલનોને એ છૂપાવીને રાખે એટલો આધાર પણ તેના પર રાખી શકાય તેમ ન હતું, કે! કેવો બેપરવા, નશેબાજ, હંમેશા હસતો જ રહે… તેને જોઈને ક્યારેક તો એવું લાગે, કે એના મનમાં ચોક્કસ એવું હશે, કે તેને ગમતી કોઈ પણ યુવતીને એમિલીએ પણ પસંદ કરવી જ જોઈએ!

ક્રેકોવ જઈને રહેવાનો વણઊકેલ્યો કોયડો એટલા વજન સાથે બંનેની વચ્ચે ઊભો હતો, કે ભોજન પૂરું થયું કે તરત જ, બધાંની રજા લઈને ઓસ્કર શહેરના મુખ્ય ચોકમાં આવેલા કાફેમાં જઈને બેસી ગયો. કાફેમાં માઇનિંગ ઇજનેરો, નાના વેપારીઓ, સેલ્સમેનમાંથી આર્મિ અધિકારી બની ગયેલા લોકો, વગેરે આવીને બેસતા હતા. પોતાના જૂના બાઇકર મિત્રોને કાફેમાં બેઠેલા જોઈને ઓસ્કર ખુશ થઈ ગયો. મોટાભાગના મિત્રોએ જર્મન સૈન્યનો ગણવેશ પહેર્યો હતો. તેમની સાથે બેસીને એ કોગ્નેક ઢીંચવા લાગ્યો. તેના જેવા જોરાવર માણસને ગણવેશ વગર જોઈને કેટલાક મિત્રોએ આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું.

“આવશ્યક ઉદ્યોગ…” ઓસ્કરે ગર્વપૂર્વક કહ્યું. “આવશ્યક ઉદ્યોગ.” બધા મિત્રો મોટરસાયકલ રેસના દિવસોને યાદ કરવા લાગ્યા. હાઇસ્કુલના દિવસોમાં ઓસ્કરે છૂટક સ્પેરપાર્ટ્સ એકઠા કરીને મોટરસાયકલ બનાવી હોવાની વાત કાઢીને કોઈએ તેની મજાક પણ કરી લીધી. આ બધી વાતોની ઓસ્કર પર એવી ગજબ અસર થઈ, જાણે નજીકમાં જ ૫૦૦ સીસીની ગલોની મોટરસાયકલ ધણધણતી ન હોય! કાફેમાં ઘોંઘાટ વધી ગયો, કોગ્નેક પીરસવાની ઉપરાછાપરી બૂમો પડવા માંડી. કાફેમાં જમવા માટે આવેલા ઓસ્કરના સ્કૂલના જૂના મિત્રો પણ આવીને તેમની સાથે ભળ્યા, અને જાણે વર્ષોથી ખોવાઈ ગયેલું ખડખડાટ હાસ્ય અચાનક જ બધાને મળી ગયું હોય એમ તેમના ચહેરા ચમકી રહ્યા. અને હકીકતે એમ જ તો બન્યું હતુંને!

પરંતુ એમાંની એક વ્યક્તિએ અચાનક આવીને બધાંને એકદમ ગંભીર બનાવી દીધા. “ઓસ્કર, સાંભળ! તારા પિતાજી અહીંયાં જ ભોજન લઈ રહ્યા છે.” ઓસ્કર શિન્ડલરે પોતાના હાથમાં પકડેલા કોગ્નેકના ગ્લાસ સામે જોયું. એનો ચહેરો લાલચોળ થઈ આવ્યો, પરંતુ બેપરવાઈ બતાવવા એણે પોતાના ખભા ઊછાળ્યા!

“તારે એની સાથે વાત કરવી જોઈએ,” કોઈ બોલ્યું. “બીચારા વૃદ્ધ માણસ, સાવ નબળા થઈ ગયા છે!”

ઓસ્કરે અચાનક જ પોતાને ઘેર જવાની ઇચ્છા વ્યક્ત કરી. એ ઊભો થવા ગયો, પણ મિત્રોના હાથ તેનો ખભો દબાવીને બેસી રહેવા માટે તેના પર દબાણ કરી રહ્યા હતા. “એમને ખબર છે કે તું અહીંયા છે…” મિત્રોએ ઓસ્કરને કહ્યું. એમાંના બે મિત્રો તો ઊભા થઈને બહાર ગયા, અને ભોજન પૂરું કરી રહેલા વૃદ્ધ હાન્સ શિન્ડલરને સમજાવવા લાગ્યા. હેબતાયેલો ઓસ્કર ઊભો થઈ ગયો હતો, અને બીલ ચૂકવવા માટે ખિસ્સું ફંફોસવા લાગ્યો. એટલામાં જ, ચહેરા પર દુઃખના ભાવો સાથે હેર હેન્સ શિન્ડલર બે યુવાનોના ટેકે ભોજનકક્ષમાંથી ઓસ્કર બેઠો હતો ત્યાં આવી પહોંચ્યા. તેમને જોઈને ઓસ્કર ઊભો જ રહી ગયો! પિતા પર અપાર ગુસ્સો હોવા છતાં, એણે મનોમન તો હંમેશા એવી જ કલ્પના કરી હતી, કે ક્યારેય પણ જો પિતાની સાથે સમાધાન કરવાનો સમય આવશે, તો જરૂર પોતાને જ ઝૂકવું પડશે, કારણ કે વૃદ્ધ પિતા તો ખુબ જ અભિમાની હતા! પરંતુ આજે, એવો પ્રસંગ આવ્યે ખુદ પિતા જ સામે ચાલીને તેની પાસે આવી રહ્યા હતા!

બંને એકબીજાની બરાબર સામે આવીને ઊભા, ત્યારે વૃદ્ધ શિન્ડલરના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. ઓસ્કરની માફી માગતા હોય તેવા ભાવ સાથે તેમની આંખ પરની ભમ્મરો ઊંચી થઈ ગઈ. તેમના આ ભાવોને સારી પેઠે સમજતો હોવાથી ઓસ્કર અંદરથી હચમચી ગયો. હેન્સ જાણે કહી રહ્યા હતા, કે મારા લગ્નજીવનની, કે બીજી કોઈ જ બાબતોમાં હું કંઈ જ કરી શકું તેમ ન હતો! તારી માતા અને મારી વચ્ચે જે કંઈ બની ગયું હતું, એ તો જાણે આપ મેળે જ બનતું ગયું હતું… આવા ભાવોની પાછળનો પિતાનો વિચાર ભલે બહુ સામાન્ય હોય, પરંતુ ઓસ્કરને લાગ્યું કે આવા જ ભાવો, હજુ આજે જ તેણે કોઈકના ચહેરા પર જોયા હતા! અરે હા, તેના પોતાના જ ચહેરા પર! એમિલીના એપાર્ટમેન્ટના ભોજનકક્ષના અરીસામાં જોતી વેળાએ પોતાનું પ્રતિબિંબ નીહાળતાં ઓસ્કરે આ જ રીતે ખભા ઉછાળ્યા હતા! લગ્ન અને બીજી બધી જ બાબતોમાં, બધું આપ મેળે જ બનતું જાય છે… એણે પોતાની સામે જ તો આ ભાવો વ્યક્ત કર્યા હતા! અને અહીંયાં… ત્રણ કોગ્નેક ગટગટાવી લીધા બાદ તેના પિતા તેની સામે એ જ ભાવો દર્શાવી રહ્યા હતા…!

“કેમ છે ઓસ્કર?” હેન્સ શિન્ડલરે પૂછ્યું. આ શબ્દોની સાથે-સાથે હેન્સના મોંમાંથી સિસોટી જેવો એક ભયાનક અવાજ આવી રહ્યો હતો. છેલ્લે મળ્યા ત્યાર કરતાં પિતાની તબિયત વધારે ખરાબ થઈ ચૂકી હતી.

હેન્સ શિન્ડલર પણ છેવટે તો એક માણસ જ હતોને! ઓસ્કરે વિચાર્યું. બહેનને ઘેર ચા પીતી વેળાએ તો બહેનની સમાધાનની દરખાસ્તને એ સ્વીકારી નહોતો શક્યો; પરંતુ અહીંયાં એ પિતાને વળગી પડ્યો! તેમના ગાલને ત્રણ વખત ચૂમી લીધા, તેમના ગાલ પરની દાઢીના વાળની ચૂભનને એણે અનુભવી લીધી. અને કાફેમાં બેઠેલા ઇજનેરો, સૈનિકો અને જૂના મોટરસાયકલ ચાલક મિત્રોના ટોળાએ આ પ્રસન્ન દૃશ્યને વધાવતાં પાડેલી તાલીઓના ગડગડાટ વચ્ચે એ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો!

આપનો પ્રતિભાવ આપો....