તત્ત્વમસિ : ૮ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)


૨૨.

“અમે અમરકંટક પહોંચ્યાં તે દિવસ થોડો વરસાદ પડ્યો. વાતાવરણ રમ્ય અને ચાલવાની મજા પડે તેવું થઈ ગયું. વળતી સફરની કેડીઓ થોડી કઠિન હતી, પણ વાતાવરણે અમારો ઉત્સાહ અને ઝડપ ટકાવી રાખ્યાં. અત્યારે કપિલધારા પહોંચ્યાં છીએ અનેક પ્રપાતોની સ્વામિની નર્મદાના સહુથી ઊંચા પ્રપાત કપિલધારાને જોતી લ્યુસી ઊભી છે. પથ્થરોની ઘાટીને કોરીને નર્મદા વેગસહ ધસી રહી છે.

‘મેકલના પહાડો ઊતરીને મેદાનમાં જશે. ફરી પહાડો અને અરણ્યોમાં, ફરી મેદાન અને પછી ટેકરીઓમાં થતી આ પાતળી ધારા જેમજેમ આગળ વધતી જાય છે તેમતેમ અનેક નદી-નાળાંને પોતાનામાં લીન કરતી જળસમૃદ્ધ થતી રહે છે.’ શાસ્ત્રીએ કહ્યું તે લ્યુસીએ પોતાની ડાયરીમાં નોંધ્યું.

‘સમય હશે તો ક્યારેક તને ‘નર્મદાષ્ટક’ સંભળાવીશ અને તેનો અર્થ પણ સમજાવીશ. બહુ સુંદર કાવ્ય છે. શંકરાચાર્યે લખેલું.’ શાસ્ત્રીજીએ “નર્મદાષ્ટક”ની એક પંક્તિ ગાઈ અને અર્થ કહ્યો.

‘અદ્ભુત!’ લ્યુસીએ કહ્યું અને નકશો ખોલ્યો. ધ્યાનથી નર્મદાનું સ્થાન જોઈને બોલી, ‘આખા ભારતને બરાબર વચ્ચેથી બે ભાગમાં વહેંચે છે.’

‘હું એનાથી જુદું માનું છું.’ શાસ્ત્રીએ કહ્યું, ‘એ આ દેશને જોડે છે. ઉત્તરાખંડને અને દક્ષિણપથને જોડીને એકસાથે રાખે છે આ રેવા.’ શાસ્ત્રી થોડું અટક્યા અને દૂર સુધી નજર દોડાવતાં કહ્યું, ‘બેટા, અમરકંટકથી નીકળીને સમુદ્રને મળે છે ત્યાં સુધીમાં આ નદી કેટકેટલી શ્રદ્ધા, કેટકેટલી સાંત્વના, કેટકેટલા પ્રેમ, કેટકેટલો આદર અનેક પુણ્યો અને અગણિત દંતકથાઓનું સર્જન કરે છે. સમગ્ર દેશને ખૂણેખૂણે ઘરમાં બેસીને સ્નાન કરતા લોકો પણ આ નદીનું નામ લઈને શરીર પર કળશો ઢોળે છે.’

શાસ્ત્રી ભાવથી બોલતા ગયા, હું અને લ્યુસી સાંભળી રહ્યાં, ‘અનેક નામધારી આ જળધારા સાગરસંગમ પહોંચે ત્યાં સુધીમાં અનેક સ્વરૂપે પ્રગટ થાય છે, પોતે બદલાય છે અને તેના સંસર્ગમાં આવનારનાં જીવન બદલી નાખે છે.’ કહી શાસ્ત્રીજી આગળ ચાલ્યા. અમે તેમની પાછળ દોરાયાં.

‘પાણીના એક પ્રવાહનું આટલું સામર્થ્ય?’ લ્યુસી બોલી.

‘હા, આ ધરાતલ પર અન્યત્ર આવું હશે કે નહિ તે મને ખબર નથી.’ શાસ્ત્રીએ વાત પૂરી કરી.

કપિલધારાથી ચાલેલાં અમે બપોર સુધીમાં એક નાનકડા ગામમાં પહોંચ્યાં: શાસ્ત્રીજીના નાનપણના એક મિત્રને ત્યાં રોકાયાં. હું અને લ્યુસી ગામમાં કરવા નીકળ્યાં. નાનકડું ગામ. થોડી વારમાં તો અમે પાછાં ફર્યાં. જોયું તો યજમાનનો નાનો પૌત્ર જમીન પર આળોટતો કજિયે ચડેલો.

‘શું થયું આને?’ લ્યુસીએ છોકરાની પાસે જઈને તેને ઊભો કર્યો. લ્યુસીને જોઈને છોકરો શાંત તો પડી ગયો, પણ રિસાઈને ઓટલે જઈને સૂતો.

‘શું થયું હતું તેને?’ લ્યુસીએ મને પૂછ્યું. છોકરાની મા ગાયને ચારો નાખતી હતી. લ્યુસીની ભાષા તે સમજતી ન હતી, પણ લ્યુસી છોકરાના રડવાનું કારણ પૂછે છે તેવું સમજતાં તેને વાર ન લાગી. તે ગુસ્સામાં જ બબડી. ‘કંઈ નથી એને. એ છે જ અળવીતરો. અહીં આંગણામાં પીપળો વાવવો છે એને.’

મેં લ્યુસીને આ કારણ બતાવ્યું તો તેણે કહ્યું, ‘તો વાવવા દો તેને, શો વાંધો છે?’

‘વાંધો આપણને નથી’ મેં કહ્યું, ‘છોકરાની માને છે. અમારા લોકોની એવી માન્યતા છે કે પીપળો અપશુકનિયાળ વૃક્ષ છે અને તેને ઘરઆંગણે વવાય નહિ.’

‘પણ એ સાચું નથી.’ લ્યુસીએ કહ્યું. ‘ઑક્સિજનનો વિપુલ જથ્થો વાતાવરણમાં છોડતાં જે ગણ્યાંગાંઠ્યાં વૃક્ષો છે તેમાં આ વૃક્ષનો સમાવેશ થાય છે. હકીકતમાં તો પીપળો પવિત્ર ગણાવો જોઈએ.’

‘પવિત્ર જ ગણાય છે.’ શાસ્ત્રીએ ઘરની અંદર હીંચકે બેઠાંબેઠાં કહ્યું, ‘લ્યુસી, તેં આપણા મંદિરે આ વૃક્ષ જોયું ને? તેના થડ પર પૂજાપો અને સૂતરના દોરા છે.’

‘અરે હા!’ લ્યુસીને યાદ આવ્યું, ‘તો પછી અહીં વિરોધાભાસ કેમ?’ લ્યુસીની સંશોધનવૃત્તિ જાગી. તેણે નોટપેન કાઢ્યાં અને અંદર જઈ ડામચિયાના ટેકે ઊભી રહીને શાસ્ત્રીને પૂછ્યું, ‘બોલો, તમે શું કહો છો?’

‘જો, અહીં સાસરે આવેલી દીકરીને ક્યારેક મા-બાપ સાંભરે કે સાસરાના ઘરમાં કોઈને કહેવાય નહિ એવું મનદુ:ખ થાય ત્યારે એ પીપળા પાસે જઈને પોતાની વાત કહે છે. તને કદાચ આ નવું લાગશે, પણ મેં મંદિરના પીપળે આ નજરે જોયું છે. એટલે આ ઝાડ અપવિત્ર છે તે વાત તો હું ન માનું.’ શાસ્ત્રીએ હીંચકો ઠેલતાં કહ્યું, ‘તે છતાં ઘરઆંગણે પીપળાને અશુભ ગણ્યો છે તે કદાચ એ કારણે કે આ ઝાડનાં મૂળ એટલાં મોટાં થાય છે કે ઘર પાસે વાવીએ તો દીવાલો પાર જઈને તેનાં મૂળ ઘરને પોલું કરી નાખે. આ એક કારણ હોય તેને ઘરઆંગણે વાવવા પરના નિષેધનું.’

‘કદાચ એમ હોય.’ લ્યુસીએ કહ્યું, ‘તોપણ તે સીધી રીતે સમજાવી ન શકાય?’

‘લ્યુસી,’ શાસ્ત્રીએ કહ્યું, ‘અમારી ગરીબ, ભોળી અને આખોય દિવસ મહેનત કરવામાં ગાળતી પ્રજાને વૈજ્ઞાનિક કારણો અને વાતોમાં રસ ન પડે. અમે પાપ અને પુણ્ય કે શુકન અને અફશુકનને જ સમજવાનાં, એથી કોઈ પણ નિયમ પળાવવા માટે આવા નિષેધનો માર્ગ અપનાવવો સરળ બને.’

કહીને શાસ્ત્રીએ પાણી પીધું, પછી મને ઉદ્દેશીને કહ્યું, ‘તું પણ સાંભળ. પીપળો ઘર પાસે ન વવાય એ સાચું, પણ એને અપવિત્ર નથી મનાયો. આપણાથી એને કપાય પણ નહિ. એને માત્ર અપશુકનિયાળ જ કહ્યો હોત તો આ પ્રજા દેશમાં ક્યાંય પીપળો રહેવા ન દેત. આ ઝાડ ક્યાંય જોવા ન મળત. ઘરઆંગણે અપશુકનિયાળ મનાતું આ વૃક્ષ પાદર કે કૂવા-તળાવ કાંઠે પરમ પવિત્ર મનાય. એને કોઈ કાપે નહિ – ન એનું લાકડું બાળે. પીપળાને પાયેલું પાણી પિતૃઓને પહોંચે છે એવી ભાવના મૂકીને આ વૃક્ષને તો આપણે પિતૃ-સમાન સ્થાને મૂક્યું છે.’

‘હું સમજી શકું છું.’ લ્યુસીએ કહ્યું, ‘આવી બીજી માન્યતાઓ કે કથાઓ હશે?’

‘ઘણી.’ શાસ્ત્રીએ કહ્યું, ‘દરેક પ્રથા કોઈ ને કોઈ કારણસર પડી હોય. ઋષિમુનિઓ સાવ એમ જ નિયમો ઘડે એવું તો ન જ હોય ને?’ કહીને શાસ્ત્રી ઊભા થયા અને અંદરના કમરામાં જતાં રોકાઈને કહ્યું, ‘આવી પરંપરાઓ માનવી અને પ્રકૃતિ એકબીજાના જીવનક્રમાં વિક્ષેપરૂપ બન્યા સિવાય યથાવત્ ટકી રહે તે માટે સર્જાઈ છે. તું જેમજેમ ફરીશ તેમતેમ જાણીશ. આપણું તો જીવન જ પ્રકૃતિ પર નિર્ભર છે. એને છેહ દીધે આપણે ચાલવાનું નથી.’

લ્યુસી તેની ડાયરી લખતી હતી. મેં મારી નોંધપોથી લખી.

નાનકડું ગામ સાંજની પ્રવૃત્તિઓમાં રમતું થયું. મંદિરે ઝાલર વાગી. હું અને લ્યુસી મંદિરે જવા નીકળ્યાં.

પાછાં ફરતાં અમે બંને નદી તરફથી ચાલ્યાં. ‘તમે પાછાં ક્યારે આવો છો?’ લ્યુસીએ ચાલતાં-ચાલતાં સહજ રીતે પૂછ્યું અને મારાં આંગળાંમાં પોતાનાં આંગળાં સકાવ્યાં.
આછા અંધકારમાં મેં લ્યુસીના સ્પર્શનું અને કથનનું નિમંત્રણ આખા અસ્તિત્વમાં અનુભવ્યું. ‘અત્યારે જ ચાલ’ કહેવાની ઇચ્છા તો થઈ આવી, પણ તે સાથે જ લ્યુસીને અહીં રોકી રાખવાની ઇચ્છા વધુ પ્રબળતાથી બહાર આવી. મેં થોડું વિચાર્યું અને કહ્યું, ‘લ્યુસી, હું પાછો ફરું તે કરતાં તું અહીં આવે તેવું ન બને? આપણે સાથે મળીને ઘણાં કામ કરી શકીએ. આમેય આ વનોમાં રહેવું તને ગમે તો છે જ.’

‘મને અહીં ગમે છે તે સાચું, પણ એથી હું અહીં રહી પડું એવું તમે વિચારો તેની મને નવાઈ લાગે છે.’ લ્યુસીએ આંખો વિસ્તારતાં કહ્યું. થોડી વાર કંઈક વિચારીને જરા વ્યંગપૂર્વક હસી અને બોલી, ‘નદી સદેહે દર્શન દે છે એવી ભ્રમણાઓ વચ્ચે આવીને રહેવાનું તમે મને કહો છો? ઠીક છે, એ બધું જોઈ-સાંભળીને આપણે રોમાંચ અનુભવીએ, છાપાંઓ અને બીજાં માધ્યમો વડે આ બધું બીજાને જણાવવાનો આનંદ પણ લઈએ; પરંતુ આવી દંતકથાઓનાં પાત્ર બનવામાં મને રસ નથી.’ કહીને લ્યુસી થોડી વાર મૌન સેવી રહી. પછી આગળ ચાલતાં બોલી, ‘અને મને તો લાગે છે કે તમારે પણ હવે અહીં રોકાવાની જરૂર નથી.’

‘મારે હજી કામ છે. હું તાત્કાલિક તો નીકળી ન શકું.’ મેં કહ્યું.

‘શું કામ છે?’ લ્યુસીએ થોડું ચિડાઈને કહ્યું, ‘તમે અને ડૅડી બંને કોણ જાણે શું કરો છો? અહીંનો કે આફ્રિકાનો, એક પણ રીપૉર્ટ ડૅડી હજી સુધી રજૂ કરી શક્યા નથી. કોણ જાણે યુનિવર્સિટી પણ તેમને શા માટે પૈસા આપ્યા કરે છે!’

કહીને લ્યુસી મારા તરફ ફરીને ઊભી રહી અને બોલી, ‘તમેય આટલાં વર્ષોથી અહીં કામ કરો છો, પણ તમારા કામ વિશે મને અને ડૅડી સિવાય કોને માહિતી છે? હું તો અહીં પંદર કે વીસ દિવસ રહીશ, પણ પછીના થોડા જ દિવસોમાં દુનિયાનાં કેટલાંય છાપાંઓમાં મારું નામ અને ફોટા તમે જોઈ શકશો!’

મારું હૃદય ચિરાઈ ગયું. લ્યુસી આ રીતે વિચારતી હોય એવી કલ્પના પણ મેં નહોતી કરી. મેં તેનો હાથ છોડી દીધો. મારી વ્યગ્રતાને શમાવતાં મેં ધીમેથી કહ્યું, ‘મને વિચારવા દે.’ લ્યુસી એક ક્ષણ ઊભી રહી પછી ઝડપથી ચાલવા મંડી. થોડે આગળ જઈને અમે એક ખડક પર એકબીજાને અઢેલીને બેઠાં.

હું બેઠોબેઠો ઊગતા ચંદ્રના ઉજાશમાં નર્મદાને નીરખતો રહ્યો. મારું મન વિચારે ચડ્યું: અહીં રહીને હું શું કરીશ? લ્યુસી કહે છે કે અહીં હું જે કામ કરું છું તેની કોઈ કિંમત નથી. એનાથી મારી કોઈ ઓળખ બનતી નથી. વર્ષો પહેલાંની સાંજે જ્યારે મને આ કામ સોંપાયું ત્યારે મને પણ એ વિચાર આવી ગયો હતો. આજે ફરી નિર્ણયની ઘડી આવી છે ત્યારે મને કહેવામાં આવે છે કે મારું કામ વ્યર્થ છે. મારું જીવન વ્યર્થ, સ્થૂળ વીત્યું છે. મારું મન ભારે થઈ ગયું. મેં ખડક પર લંબાવ્યું અને જીવનમાં પ્રથમ વખત ઉચ્ચાર્યું: ‘નર્મદે હર!’ જાણે થોડી પળો માટે મારી આંખ મળી ગઈ.

સ્વપ્નમાં જ મને નર્મદા સદેહે સામે આવીને કહેતી હોય તેવું લાગ્યા કર્યું; જાણે કહેતી હોય: ‘તારું કોઈ કામ વ્યર્થ નથી. સ્થૂળ દેખાતાં કામો જ સૂક્ષ્મ વિકાસ તરફ દોરી જાય છે. માત્ર ધન કે યશ મેળવવામાં જીવન સમાપ્ત કરનારા તો અનેક છે. લાખોમાં એકાદ માનવી જ તું જે માર્ગે ચાલ્યો છે તે માર્ગે ચાલે છે.’

હું જાગી ગયો અને નિર્ણય સાથે ઊભો થયો. મેં લ્યુસીને કહ્યું, ‘મને જે લાગે છે તે હું મારી જાતે ચકાસી જોવા માગું છું. તું મને થોડો સમય આપ. એ દરમિયાન હું મારો રસ્તો શોધી શકીશ. જો સ્પષ્ટ નહિ થઈ શકું તો વળતી જ પળે હું ત્યાં આવીશ અને સત્ય મળશે તો…’ કહી હું અટક્યો અને ઊમેર્યું ‘તો તું મારી રાહ ન જોતી.’

‘ભલે.’ લ્યુસીએ જવાબ આપ્યો.”

* * * * * * *

અક્ષરનાદ નર્મદાની આ અદ્વિતિય કથા – તત્ત્વમસિ આપને માટે નિ:શુલ્ક રજુ કરે છે. તો સામે પક્ષે અક્ષરનાદને આર્થિક બોજથી દૂર રાખવા ધ્રુવભાઈએ પણ આ પુસ્તક અક્ષરનાદ પર રજૂ કરવા કોઈ જ રકમ લીધી નથી, અરે તેમણે રોયલ્ટી લેવાની પણ ના કહી. તો આખરે અમે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે અક્ષરનાદ પર તત્ત્વમસિ નિ:શુલ્ક વાંચન માટે ઉપલબ્ધ થાય, અને વાચક પર ભરોસો રાખીએ. અહીં અક્ષરનાદ પર તત્ત્વમસિ વાંચીને કોઈકને મનમાં થાય કે લેખકને ભલે પ્રતિક રૂપે, પણ વળતર મળવું જ જોઈએ તો જે તે ભાવક નિઃશુલ્ક વાંચવા મળેલા આ ખજાના બદલ પોતાને ગમે તે રકમ ધ્રુવભાઈના ખાતામાં સીધી ભરી શકે છે. આ એક આગવો પ્રયાસ છે, ધ્રુવભાઈની જેમ વધુ સર્જકો પોતાનું સર્જન સર્વે માટે ઉપલબ્ધ કરી શકે એ માટેની જવાબદારી હવે વાચકની બની રહે છે. મને અક્ષરનાદના સુજ્ઞ વાચકો પર વિશ્વાસ છે કે તેઓ નિરાશ નહીં જ કરે. ધ્રુવભાઈ ભટ્ટની બેન્કની વિગતો આ સાથે આપી છે.
Name of account : Bhatt Dhruvkumar Prabodhrai
Name of the Bank HDFC bank
Account number : 01831930001854
IFSC : HDFC0000183
Branch : Lambhvel Road, Anand.
Type of Account : Saving

* * * * * * * * *

૨૩.

“અરણ્યોની રાત્રીઓ નિત્યનવીન ભાષા બોલે છે. સાંજ ઢળે અને અરણ્યોનાં રહસ્યો જાગે છે. દિવસની ભાષા બોલવી બંધ કરીને અરણ્યો અંધકારની ભાષા બોલવાનું શરૂ કરે છે.

ઘુવડ, ચીબરીના ચિત્કાર, દૂરદૂર વાગતા ઢોલ, ક્યાંક સંતાઈને વહેતા ઝરણાનો ખળખળાટ, તમરાંના રણકાર, વાઘ કે દીપડાના ઘુરકાટ – રાત્રીની નીરવ શાંતિમાં દરેક અવાજને સ્પષ્ટપણે અલગ સાંભળી શકાય છે. અનુભવી કાન તો થોડે દૂરથી જતાં સરીસૃપની ગતિને પણ સાંભળી શકે તેટલી શાંત અને સ્પષ્ટ ભાષા અરણ્યો બોલે છે.

પછી નીખરે છે વનોનું ભયાવહ સૌંદર્ય. સુંદર ટેકરીઓ પર ક્યાંક વૃક્ષો પર પોતાનો શણગાર વિખેરતા આગિયા કે ચાંદની રાત્રે ચંદ્રનું પ્રતિબિંબ ઝીલતાં સાગબાનનાં ચળકતાં પાન. પૃથ્વી માનવદેહ ધરે તો આ અરણ્યોને ખોળે, ટેકરીઓ પર મસ્તક ટેકવીને સૂવા આવે એવી સૌંદર્યમય સૃષ્ટિનું સર્જન અહીં થાય છે.

કૃષ્ણપક્ષની રાત્રીએ આ ઘનવિજન વનોને જોવા નીકળ્યા હોય તેમ એક પછી એક ઝાંખા, ઉજ્જ્વલ તારકો ક્ષિતિજ પરથી ડોકિયાં કરી ધીરેધીરે આકાશ માર્ગે ગતિ કરે છે.
લ્યુસી મને પણ આકાશદર્શનનો શોખ લગાડી દેશે. આજે અડધી રાત સુધી અમે આકાશ તરફ જોયા કર્યું. સુપરિયા પણ થોડો સમય અમારી સાથે રહી.

‘આર્દ્રા,’ લ્યુસીએ ડાયરીમાં કંઈક નોંધતાં મને કહ્યું, ‘પારિજાત અને અભિજિત. તેં એમનાં સ્થાન જોયાં?’

‘હા,’ મેં કહ્યું, ‘પણ મને કંઈ યાદ નથી રહેવાનું.’

‘હું યાદ રાખવાનું નથી કહેતી. જરા વિચાર, તને કંઈ નવું સમજાય છે?’ હું જાણે તેનો વિદ્યાર્થી હોઉં અને તે શિક્ષિકા હોય તેમ લ્યુસીએ પૂછ્યું.

‘એમાં મને સમજ નહિ પડે.’ મેં કહ્યું.

‘તમારા બાપદાદાઓને પડતી હતી.’ લ્યુસીએ આકાશ સામે જોતાં કહ્યું, ‘પેલાં બુઢ્ઢાં પાર્વતીમાને પણ પડે છે.’

‘તું વળી પાર્વતીમાને ક્યાં મળી?’ મેં પૂછ્યું.

‘એમના ઘરે જ વળી.’ લ્યુસીએ ટૉર્ચના અજવાળે ડાયરીમાં કંઈક જોતાં જવાબ આપ્યો, ‘અહીં આવતાં પહેલાં બે દિવસ હું ગુપ્તાજીને ત્યાં રહી. ગુપ્તાજીની દીકરીને વચ્ચે રાખીને મેં માજી પાસે વાર્તાઓ સાંભળી.’ કહીને ફરી પાછી તે આકાશ તરફ જોઈને વિચારતી હોય તેમ આંટા મારવા લાગી. પછી મારી પાસે આવીને પૂછ્યું, ‘માજી કહેતાં હતાં કે આ નામ નક્ષત્રોનાં છે; પણ આ નકશામાં તો તારાનાં નામ હોય તે રીતે જ લખ્યું છે. કંઈ સમજાયું?’

‘શું?’ મને કંઈ સમજ ન પડી.

‘આર્દ્રા પોતે મૃગશીર્ષ નક્ષત્રનો જ એક ભાગ છે છતાં તમારાં ખગોળશાસ્ત્રોમાં તે એકલા તારાને પણ આર્દ્રા નક્ષત્ર હોવાનું ખાસ માન મળ્યું છે. એવું જ પારિજાત અને અભિજિતનું. આ બધાં પોતે એક જ તારો હોવા છતાં આખું નક્ષત્ર બનવાનું માન મેળવી ગયાં છે.’ કહીને લ્યુસી અટકી. ‘એવું શા માટે હોય?’

‘એ તો જેણે નક્ષત્રોમાં નામ પાડ્યાં હશે તે જાણે.’

‘સાવ સાચું.’ લ્યુસી જરા ઉત્સાહથી બોલી, ‘એ લોકો જ જાણે અને જાણતા જ હોવા જોઈએ કે આર્દ્રા અને પારિજાત બીજા તારાઓ કરતાં અલગ છે. તે અતિવિરાટ લાલ તારાઓ છે, ઘરડા તારાઓ છે અને પેલો અભિજિત એક એવો તારો છે, જેને પોતાના ગ્રહો હોવાનાં પ્રમાણ મળ્યાં છે.’ કહીને લ્યુસી મૌન સેવતી બેસી રહી. થોડી વાર આકાશ સામે ટૉર્ચ ફેંકતી બંધ કરતી રહી પછી બોલી, ‘કોણ હશે એ લોકો? અને શી રીતે જાણતા હશે કે આ તારાઓને પોતાની આગવી લાક્ષણિકતા છે! કોણ હતા એ લોકો અને ક્યારે હતા?’
‘હવે તું ગાંડી થઈ જાય ત્યાર પહેલાં આ બંધ કર.’ મેં દૂરબીન સમેટતાં કહ્યું.

‘ભલે’ લ્યુસી પણ ઊભી થઈ અને બધું ભેગું કરવા લાગી અને કહ્યું ‘સવારે પાછું મારે બહાર જવું છે.’

‘ક્યાં?’ મેં પૂછ્યું.

‘જંગલોમાં રખડવા.’ લ્યુસી થેલો ખભે ચડાવતાં બોલી.

‘બિત્તુબંગા લઈ જવાનો છે. અમારે ભીમતકિયા ને મુનિ કા ડેરા જોવા જવું છે.’

બિત્તુબંગા અને લ્યુસી વચ્ચે મિત્રતા કઈ રીતે થઈ હશે તે મને ન સમજાયું. હું કંઈ બોલ્યો નહીં. દૂરબીનની ઘોડી ખભે મૂકીને હું ઘર તરફ ચાલ્યો.

સવારે હું ઊઠ્યો ત્યારે લ્યુસી રખડવા નીકળી ગઈ હતી. મારે હિરની ટોલામાં નવું મધ-ઉછેર-કેન્દ્ર જોવા જવું હતું એટલે મારો પણ આખો દિવસ પ્રવાસમાં જ ગયો. સાંજે આવ્યો ત્યારે લ્યુસી હજી હમણાં જ આવી હોય તેમ સુપરિયાના ઓટલે બેસીને બૂટ ઉતારતી હતી. સુપરિયા ત્યાં જ બેસીને કંઈક લખતી હતી. બિત્તુબંગા લ્યુસીનો સામાન ઘરમાં મૂકવા જતો હતો. હું સીધો સુપરિયા પાસે ગયો અને ઘરમાંથી ખુરશી કાઢી ઓટલા સામે ગોઠવીને બેઠો.

‘મજા આવી?’ મેં લ્યુસીને પૂછ્યું.

‘હા.’ લ્યુસીએ કહ્યું અને પૂછ્યું, ‘આ બિયાસ મુનિ કોણ છે?’

સુપરિયાએ લખતાં-લખતાં જ મને કહ્યું, ‘મુનિ કા ડેરા જઈ આવી લાગે છે.’

‘હા, એ જ.’ લ્યુસીએ કહ્યું, ‘બિત્તુબંગા કહે છે કે તેણે એ ઓટલો બિયાસ મુનિને સૂવા-બેસવા માટે બનાવ્યો છે.’

‘બિયાસ મુનિ એટલે મહર્ષિ વ્યાસ.’ સુપરિયાએ કહ્યું, ‘મહાભારતના રચયિતા.’

‘અરે ના!’ લ્યુસી ચમકી પડતી હોય તેમ બોલી, ‘પણ બિત્તુબંગા તો કહે છે એ મુનિ…’

‘…ફરતા-ફરતા અહીં આવી ચડે છે અને ડેરા પર તેમને આરામ કરવાની જગ્યા છે.’ સુપરિયાએ વાક્ય પૂરું કર્યું અને આગળ બોલી, ‘લ્યુસી, અમે લોકો કેટલાક ઋષિઓ અને કેટલાક દેવતાઓને ચિરંજીવ માનીએ છીએ. અમને એવો વિશ્વાસ છે કે મહર્ષિ વ્યાસ, હનુમાનજી, અશ્વત્થામા – આ બધા સદાકાળ અરણ્યોમાં ભ્રમણ કરતા રહે છે. દેશનાં કોઈપણ વનોમાં ગમે ત્યારે જઈ ચડે છે. એમાંય રેવા તટનાં આ વનો તો તેઓને અતિ- પ્રિય હોઈ અહીં તો તેઓ અવારનવાર આવે છે.’

‘તમે માનો છો આવું?’ લ્યુસીએ અમને પૂછ્યું.

મારા માટે તો આ વાત જ નવી હતી, પણ સુપરિયાએ જવાબ આપ્યો, ‘મારા માનવા-ન-માનવાથી કોઈ ફરક પડવાનો નથી. પણ હું નથી જ માનતી એવું કહીશ તો તે પણ એ સાવ સાચું તો નહિ જ ગણાય. હું માનતી ન હોઉં છતાં ઘણી વાર આશ્રમનો દરવાજો બંધ થતો હોય ત્યારે મને વિચાર આવ્યો છે કે રાત્રે કોઈ દરવાજો ખટખટાવે અને હું ખોલું ને સામે અશ્વત્થામા ઊભા હોય તો શું થાય?’

સુપરિયાએ સહેજ અટકીને કાગળો બાજુ પર મૂકતાં લ્યુસી તરફ જોયું અને કહ્યું, ‘એ લોકોનું અસ્તિત્વ છે કે નથી તેનું મારે મન બહુ મહત્ત્વ નથી, પરંતુ તેવા ચિરપ્રવાસીઓના ક્ષેમકુશળની જવાબદારી પોતાને માથે છે તેવું સ્વીકારતી પ્રજાનું મહત્ત્વ હું સમજું છું. આ દેશના કેટલાય લોકો શ્રદ્ધાપૂર્વક આ પ્રવાસીઓની ચિંતા કરે છે. અરણ્યોમાં તેમને માટે આવાં સ્થાનો રચે છે. આ બિત્તુની મા નારદી જીવતી હતી ત્યાં સુધી રાત્રે ઘર બંધ કરતાં પહેલાં બારણે કુલડીમાં ભરીને તેલ મૂકવું કદી ભૂલી નથી. કદાચ કોઈ ચિરંજીવ પ્રવાસી આવી ચડે તો પગે માલિશ કરીને થાક ઉતારી શકે. અત્યારે પણ જોગા અને બીજી કેટલીય સ્ત્રીઓ તેલની કુલડી મૂકે છે.’

‘બહુ રોમાંચકારી લાગે છે.’ લ્યુસી અચંબાથી બોલી, ‘મને પણ એવું મન થાય ખરું કે આવા કોઈ મુનિ મને રસ્તામાં મળી જાય.’

‘મને જે ગમે છે તે મુનિનું મળી જવું નહિ.’ સુપરિયાએ કહ્યું, ‘એમ તો નર્મદાતટે અસાધારણ માપનાં પગલાં જોનારા કેટલાય માણસો છે. પણ મને તેમાં રસ નથી. આવી બધી વાતોથી ઉપરનું મને જે ગમે છે તે છે આ પ્રજાની પ્રતિબદ્ધતા. મુનિ આવે કે ન આવે, પોતાને ઓટલે બેસે કે ન બેસે પોતાની કુલડીમાંથી તેલની માલિશ કરે કે ન કરે, પોતે પોતાનું કાર્ય નિભાવવાનું છે. જે સંસ્કૃતિમાં જન્મ્યાં અને ઊછર્યાં તે સંસ્કૃતિનું ઋણ સ્વીકારીને તે નિભાવવાની પ્રતિબદ્ધતા જ મને આકર્ષે છે.’

‘તમે ઘણું જુદી રીતે વિચારો છો. હું આ વાતો લખીશ તો તમારો ઉલ્લેખ કરીશ.’ લ્યુસી બોલી. ‘એ જરૂરી નથી.’ સુપરિયાએ કહ્યું, ‘તું અહીં રોકાઈ શકે તો ઉલ્લેખ કરવા જેવાં ઘણાંને મળી શકાશે.’

‘હજી રોકાઈ શકત તો સારું થાત, પણ હવે મારે જવાનો સમય થવા માંડ્યો છે. મુંબઈમાં પણ મારે કામ છે અને હું જઉં ત્યાર પહેલાં મારે સાઠસાલીઓને મળીને જ જવું છે.’ કહીને લ્યુસી બૂટમોજાં લઈને ઊભી થઈ. અંદર જતાં બોલી, ‘ભૂખ બહુ લાગી છે.’ ”

૨૪

“હરિખોહવાળા દરવાજેથી અમે નીકળ્યાં. પીળું શર્ટ અને ભૂરું જીન્સ પહેરેલી ઉત્સાહથી ઊછળથી લ્યુસી, પોતાના સ્વભાવગત મૌનને સાથે રાખીને ચાલતો બિત્તુબંગા અને પાછળ હું.”

ડાબી તરફનો ઢોળાવ ઊતરી, ગલસંટાના ઝરણા વાટે થઈને એ ત્રણેય જણાં નર્મદાતટે પહોંચશે. તે પછી આ રહસ્યમય અરણ્યોમાં અગોચર સ્થાનેથી વહી નીકળતી શ્રીગંગાની વાટ પકડશે. બિત્તુબંગા અનેક વખત આ માર્ગે જઈ આવ્યો છે કે તેની મા નારદી પણ બેએક વખત શ્રીગંગાને માર્ગે થઈને ગઈ હતી અને ગઈ હતી આ ભલા-ભોળા આદિવાસીઓની કાલેવાલી મા.

આશ્રમથી કે નર્મદાતટેથી સાઠસાલીઓના ટોલામાં જવા માટે શ્રીગંગાનો કિનારો જ ટૂંકામાં ટૂંકો માર્ગ. બીજા બધા માર્ગો લાંબા પડે.

“…સુપરિયાએ કૅમેરા લેવા ન દીધો. લ્યુસી અફસોસ કરતી બોલી, ‘મારે માત્ર નોંધો કરીને ચલાવી લેવું પડશે.’

‘આપણે સાઠસાલીઓને જાણતાં નથી. સુપરિયાએ કૅમેરા લેવાની ના પાડી, તો કંઈ કારણ હશે જ ને?’ મેં લ્યુસીને સમજાવી.

નર્મદાકિનારે આવતાં અમને વાર ન લાગી. આઠ-સાડાઆઠમાં તો અમે પટમાં ઊતરી પણ ગયાં. અહીં નર્મદાના વિશાળ પથરાળ પટને કારણે અમે જંગલમાંથી બહાર આવી ગયાં હોઈએ તેવું લાગ્યું. નર્મદા પણ આ પથરાળ તળ પર વીખરાઈને નાનાં છીછરાં ઝરણાંઓમાં વહેંચાઈને આગળ વધે છે.

એક સપાટ ખડક પર અમે સામાન મૂક્યો અને નદીને નીરખતાં ઊભાં. બિત્તુબંગા સામાન પાસે બેઠો. લ્યુસી થોડે દૂર સુધી લટાર મારવા નીકળી.

મેં છીછરા પાણીમાં પગ બોળ્યા. જળનો સ્પર્શ થતાં જ મને અનેરી લાગણી થઈ. કપિલધારાની નર્મદા મને સાંભરી. ભરૂચ પાસે વિશાળ પટમાં વહેતી નર્મદા પણ દૃષ્ટિ સમક્ષ આવીને ઓઝલ થઈ ગઈ. આ નદીના તટપ્રદેશનું સંપૂર્ણ દર્શન મેં કર્યું નથી, ટુકડ-ટુકડે જ તેને જોયો છે, છતાં આ નદી મને તેના મોહપાશમાં બાંધતી ગઈ છે.
અચાનક મને બૂમ પાડવાની ઇચ્છા થઈ આવી. શાંત નિર્જન ખડકાળ સ્થળે ઊભાંઊભાં મેં જોરથી કહ્યું, ‘નર્મદે હર.’ સામેના ખડકો પર મારો અવાજ પડઘાયો:
‘… હર!’

લ્યુસી ચમકી. બિત્તુબંગા પણ આશ્ચર્ય પામ્યો. બંને ઝડપથી હું ઊભો હતો તે તરફ આવ્યાં. અચાનક મને લાગ્યું કે લ્યુસી કંઈક જુદી જ દેખાય છે. ભલે તે વિદેશિની હોય, ભલે તે પહેલી જ વાર અહીં આવી હોય અને હું પણ પહેલી જ વાર અહીં આવ્યો હોઉં, અગાઉ ક્યારેક કોઈક સમયે મેં લ્યુસીને અહીં જોઈ છે. જાણે અનાદિકાળથી હું અને લ્યુસી વારંવાર આ વનોમાં, આ પથરાળ સૂમસામ કિનારા પર આવતાં-જતાં રહ્યાં છીએ.

પથરાળ ભૂતલ પર વહી રહેલો રુદ્રજન્માનો પ્રવાહ મારા દેહની આરપાર વહેતો મેં અનુભવ્યો. ક્ષણ-બે-ક્ષણ મને લાગ્યું કે આ સ્થળે જડચેતન કશું જ બીજાથી અલગ પાડી શકાય તેવું નથી. બેઉ કિનારા ઘેરીને નમેલા કાળા ખડકો, બેએક મહાવૃક્ષો, લ્યુસી, હું, બિત્તુબંગા અને આ સદાસદા સત્ય શાંકરી ગંગા નર્મદા પળેપળે એકબીજાનાં સ્વરૂપોમાં બદલાતાં રહીએ છીએ.

‘રેવા! રેવા!’ મેં ફરી સાદ પાડ્યો.

લ્યુસી એકદમ મારી પાસે આવી. મારો હાથ પકડીને ખેંચતાં કહે, ‘તમને કંઈ થાય છે?’

‘ના.’ મેં કહ્યું, ‘ફક્ત આનંદ માણું છું’ આટલું બોલતાં જ મને જાણે કે રહસ્ય લાધી ગયું. આ આનંદ, આ નિર્મળ પ્રાકૃતિક અનુભવ, એ અનુભૂતિની ઇચ્છા આ દેશને એકરૂપે ટકાવી રાખનારો એક તંતુ છે.

પ્રકૃતિની ગોદમાં ઊછરતા આ જનોને પ્રકૃતિએ મુક્ત આનંદનું મહાદાન કરેલું છે. દેશના કોઈ પણ ખૂણે જાઓ, આ આનંદનાં મૂળ જોવા મળવાનાં જ છે. પ્રકૃતિ સાથેનો આ તાદાત્મ્ય-ભાવ દરેક ભારતીયને પેઢી- દર પેઢી વારસામાં મળતો રહ્યો છે. કદાચ આ આનંદને જ આધ્યાત્મિકતા કહેવાતી હશે? જો એવું હોય તો તે, પણ દરેક માનવીના મનમાં તેનો વાસ કોઈ ને કોઈ સ્વરૂપે છે. ક્યાંક કોઈ મનુષ્યમાં આ આનંદ પોતાના પરમ સ્વરૂપે પ્રગટે છે ત્યારે તે માનવી દેવત્વ લઈને ઊભો થાય છે. કહે છે, ‘અહં બ્રહ્માસ્મિ.’ તે પૂજાથી, ધર્મથી, વિધિ-વિધાનથી પર થઈ જાય છે. એ પોતે પણ પ્રકૃતિ જેવો જ નિર્મળ અને શ્રદ્ધેય બની રહે છે. પછી તે નમાજી બને કે ન બને, બંદગી તેને છોડીને જઈ શકતી નથી.

‘અહં બ્રહ્માસ્મિ’ સમજાવા સાથે જ સમજાય છે કે ખરેખર તો ‘અહં’ જેવું કંઈ જ અસ્તિત્વમાં જ નથી. જે છે તે બધું જ ‘તત્ત્વમસિ’ છે.

વર્ષો પહેલાં એક સાદાસીધા વેપારીના મુખે સાંભળેલા વાક્ય ‘યહાં તો સબ કુછ નર્મદા જ હે’નું મૂળ કેટલાંય વર્ષો અગાઉ પ્રસ્થાપિત થયેલી વિચારસરણીમાં સમાયેલું આજે સ્પષ્ટ જોઈ શકું છું.

લ્યુસી મને હાથ પકડીને દોરી જતી હોય તેમ ચાલી. મેં હાથ છોડાવ્યો અને તેનો ખભો થાબડ્યો. અમે ત્રણેય સામાન ગોઠવેલો હતો ત્યાં પહોંચ્યાં.

અચાનક મારાથી પુછાઈ ગયું, ‘લ્યુસી, તું પુનર્જન્મમાં માને છે?’ લ્યુસીએ જવાબ ન આપ્યો. તેણે ચમકીને મારા તરફ જોયું અને પછી ખડક પર જઈને બેઠીબેઠી વહી જતાં જળને જોઈ રહી.

થોડી વારે અમે પ્રવાસ આગળ ચલાવ્યો. લ્યુસીએ થેલામાંથી નાસ્તો કાઢીને મને અને બિત્તુબંગાને આપ્યો. તે ખાતાં-ખાતાં જ અમે ચાલ્યા કર્યું. શ્રીગંગા સુધી પહોંચીને અમારે નર્મદાની વિદાય લેવાની હતી. ત્યાં પાણી પીને અમે નર્મદાના ડાબા કિનારાથી નર્મદામાં ભળતી શ્રીગંગાના ખડકો પાછળ ચાલતાં થયાં. બપોર સુધીમાં તો અમે ઘણે આગળ નીકળી ગયાં. વચ્ચે બે વાર અડધો કલાક રોકાઈને આવ્યાં ન હોત તો-તો અત્યારે પહોંચવા આવ્યાં હોત, પણ જેમજેમ આગળ વધતાં હતાં તેમતેમ શ્રીગંગા સાંકડી અને વનો ગાઢાં બનતાં જ્યાં હતાં. લ્યુસી બિત્તુબંગાને સાઠસાલીઓ વિશે પ્રશ્નો પૂછતી હતી. પણ બિત્તુબંગા એક તો લ્યુસીની ભાષા ન સમજે અને બીજું આગળ ચાલતો હોઈ જંગલમાં વધુ ધ્યાન રાખે એથી તે કોઈ લાંબા જવાબો આપે તેમ ન હતો.

વચ્ચે એક જગ્યાએ ઝરખનું રહેઠાણ મળ્યું. બિત્તુબંગાએ ઝાંખરાંને લાકડી વડે ઊંચાં કરીને અમને ઝરખની બખોલ બતાવી. બે નાનકડાં ઝરખબાળ અમને ટગરટગર તાકી રહ્યાં.
ધીમેધીમે આસપાસનો કિનારો ઊંચો થતો ગયો. ભેખડો માથોડા કરતાં પણ ઊંચી થઈ ગઈ. મને ડર લાગવા માંડ્યો. જો આમ જ આગળ વધવાનું હશે તો આગળ અંધારી સાંકડી ગલી જેવી ખીણમાં જ પ્રવેશવું પડશે. અચાનક આગળ જતો બિત્તુબંગા કિનારાની ભેખડ તરફ ફરીને જાણે ભેખડમાં જ ઓગળી ગયો હોય તેમ દેખાતો બંધ થઈ ગયો. અમે તે સ્થળે પહોંચ્યાં તો ત્યાં ઉપર તરફ જતાં પગથિયાં કોતરેલાં હતાં અને ભેખડ પર લખેલું હતું: ઇનરા સીડી – બિત્તુબંગા.

બિત્તુબંગાની ભાષામાં ઇનરા સીડી એટલે સ્વર્ગનો માર્ગ. ઇન્દ્ર શબ્દ તે કદી બોલી ન શકે. બોલી ન શકે એટલે લખી પણ ન શકે. કોઈપણ આદિવાસીને જોડિયા શબ્દો બોલતો મેં સાંભળ્યો નથી.

આ કેવો દેશ છે! જેની એક પ્રજા સંસ્કૃત જેવી અસંખ્ય સમાસો અને જોડાક્ષરોથી ભરેલી ભાષામાં ઉત્તમ સાહિત્યનું સર્જન કરી શકતી, સરળતાથી બોલી શકતી, તે જ દેશની બીજી પ્રજા જોડાક્ષર બોલવામાં પણ મુશ્કેલી અનુભવે! લખવું અને ચીતરવું બંને જુદી ક્રિયા છે તે પણ સમજે નહિ. કેટલો મોટો વિરોધ!

આ સંસ્કૃતિના ઘડવૈયાઓએ આ બે અંતિમોમાં જીવતી પ્રજાને એક- સાથે ટકાવી રાખે તેવાં શાસ્ત્રો ઘડતાં કેટકેટલું વિચારવું પડ્યું હશે! જીવનને કેટલું નજદીકથી જોવું પડ્યું હશે! નગરથી નગર, અરણ્યોથી અરણ્યોમાં કેટલું ભટકવું પડ્યું હશે! ત્યારે થયું હશે આ પરંપરાઓનું સર્જન, આ સંસ્કારોનું સિંચન અને આ શાસ્ત્રાજ્ઞાઓનું ઘડતર. મહાજ્ઞાની અને સાવ અભણ પ્રજાઓ વચ્ચેનું સંતુલન કોઈ અકળ કળાથી કરાયું છે. દરેકની જીવન તરફની દૃષ્ટિ એક જ રહે, જીવન જીવવાનો અભિગમ સમાન રહે. ભાવનાઓમાં ભેદ ન રહે… શી રીતે કર્યું હશે આ જીવનદૃષ્ટિનું અવતરણ?

ઇનરા સીડી પર ઇન્દ્ર તો ચડ્યા હશે કે નહિ, અમે સરળતાથી ચડી ગયા. ત્યાંથી અડધો-એક કલાક ચાલીને અમે ઊંચા ખડકોથી ઘેરાયેલાં વનો વચ્ચે આવ્યાં. બિત્તુબંગા ત્યાં પહોંચીને ઊભો રહ્યો. થોડી વાર ઝાડીમાંથી બે આદિવાસીઓ આવ્યા. બિત્તુ સાથે કંઈક વાત કરી. પછી તે બંને આદિવાસીઓ આગળ ચાલ્યા અને અમે બધાં તેમને અનુસર્યાં.
મેં અનેક વૃક્ષો જોયાં છે, પણ આજે જે વૃક્ષ હું જોઈ રહ્યો છું તેવું જાજ્વલ્યમાન વૃક્ષ મેં ક્યારેય જોયું નથી અને ક્યાંય જોઈશ તેવો વિશ્વાસ પણ મને નથી. ભાષાશાસ્ત્રના નિયમો કદાચ કોઈ પૃથ્વીપતિ સમ્રાટ માટે વપરાતા હોય તેવા શબ્દો એક વૃક્ષ માટે વાપરવાની મનાઈ ફરમાવતા હશે, પરંતુ જે કોઈ મનુષ્ય આ મહાન, ગૌરવશાળી, દિગ્ગજ અને પરમ સ્વરૂપવાન, ઉન્નત-મસ્તક વૃક્ષને જુએ તે જગતનાં તમામ ભાષાશાસ્ત્રોની આજ્ઞાઓ ભૂલીને મનમાં આવે તે શબ્દોથી તેનું વર્ણન કરવા પ્રયત્ન કરશે; અને લાખ યત્ને પણ તે તેમ કરી શકવાનો નહિ. આવા પ્રસંગોએ મૌન એ સર્વશ્રેષ્ઠ ભાષા હોવાની પ્રતીતિ તેને થવાની.

ખડકોની ધાર ઉપર ઊભીને હું તથા લ્યુસી આ અલૌકિક ભૂખંડને સ્તબ્ધ બનીને જોઈ જ રહ્યાં. ચારે તરફ લીલીછમ ટેકરીઓથી ઘેરાયેલું પથરાળ મેદાન, વચ્ચે લાકડાનાં ગોળ છાપરાંવાળાં ઝૂંપડાં, લંગોટધારી આદિવાસી સ્ત્રી-પુરુષોની આવન-જાવન.

મેદાનની વચ્ચે જાણે ખાસ બનાવીને ગોઠવી હોય તેવી ઊંચી ટેકરી, ટેકરીની લગભગ ટોચ નજીક વિશાળ ગુફા અને તે જ ટેકરીને મથાળે ઊભેલું ગગનચુંબી સાગનું વૃક્ષ. હું અને લ્યુસી દંગ થઈને તે વૃક્ષને જોતાં રહ્યાં.

મને બાબરિયાએ કહેલી કથા યાદ આવી. એમાંનું કંઈ પણ સત્ય હોય કે ન હોય, પણ મને મનના છેક અંદરના ખૂણેથી ઊઠેલો અવાજ જાણે કહેતો હતો કે સ્વયં પાર્વતીને હાથે વવાયેલું વૃક્ષ તું જોઈ રહ્યો છે. મેં જિંદાસાગબાનને જોયા કર્યું; આમ છતાં એક એવું વૃક્ષ કે જેની સત્તા આ અરણ્યોમાં યોજનો સુધી ફેલાયેલી છે, જેના આશ્રયે જવાથી માનવી અને પશુપક્ષીઓ નિર્ભય બને છે, જે સદાકાળ જીવંત છે, જેનાં પાન ક્યારેય સુકાતાં નથી, જેમાં આ અરણ્યોના પ્રાણ સમો વૃક્ષોનો દેવ વાસ કરે છે અને જરૂર પડ્યે રાજા ભોજ જેવા ઐશ્વર્ય સાથે પ્રગટ થાય છે તે વૃક્ષાધિરાજ, આદિવાસીઓની શ્રદ્ધાના પ્રતીક, જિંદાસાગબાનને હું નજરોનજર નિહાળી રહ્યો છું. તે હું માની ન શક્યો.

બાબરિયાએ કહેલી કથામાં મારે વિશ્વાસ કરવો કે નહિ તે વિચારું છું તે સાથે જ રાણીગુફાનું લાકડાના દરવાજાવાળું મુખ મારી દૃષ્ટિ સમક્ષ આવે છે. મારા તમામ સંશયોથી પર થઈ જાય તેવી એક જ દલીલ મનમાં ઊઠે છે. જો જિમીએ કહેલી રાણીગુફાની કથાને હું માનું છું તો બાબરિયાની કહેલી જિંદાસાગબાનની કથાને કેમ ન માનું? બંને માટે મારી પાસેનું પ્રમાણ માત્ર એક જ રીતનું છે – બીજા પાસેથી સાંભળેલી વાત.

‘લ્યુસી,’ મેં કહ્યું, ‘જિંદાસાગબાન!’ આગળ બોલવું મારા માટે શક્ય ન હતું.

‘ઓહ! અદ્ભુત!’ લ્યુસી માત્ર આટલું જ બોલી શકી. પછી થોડી વારે સ્વસ્થ થતાં બોલી, ‘પૃથ્વી પર આવું સ્થળ છે તે જોવા છતાં માની નથી શકતી.’

અમે ઢોળાવ ઊતરીને લાકડાનાં ઝૂંપડાંઓ તરફ ચાલ્યાં. ચાલતાં- ચાલતાં લ્યુસીએ મને પૂછ્યું, ‘તમે માનો છો કે જિંદાસાગબાન વિશે તમે જે કંઈ સાંભળ્યું છે તેમાં તથ્ય હોય?’
‘તું માને છે કે એ વાતો સાચી હોય?’ મેં પૂછ્યું. પળ-બે-પળ લ્યુસીએ કંઈ જવાબ ન આપ્યો એટલે મેં કહ્યું, ‘મને સમજાતું નથી. પણ હું અહીં આવ્યો જ ન હોત અને આ વૃક્ષને જોયું ન હોત તો મેં તને “ના”માં જ જવાબ આપ્યો હોત, પણ અત્યારે મને સમજાતું નથી.” કહીને મેં લ્યુસીને ફરી પૂછ્યું, ‘તું માને છે કે…?’

લ્યુસી એકદમ ઊભી રહી. તેણે એ ક્ષણે જે શબ્દો મને કહ્યાં તે હું કદી પણ ભૂલી શકવાનો નથી.

‘મારા માનવા-ન-માનવાથી કોઈ ફરક પડવાનો નથી. હું તો કાલે કે પરમ દિવસે અહીંથી જતી રહીશ. ફરક પડશે તો તમારી માન્યતાથી. તમે ભણેલા છો, વિચારશીલ છો અને અહીં આ લોકો સાથે રહો છો.’ કહી તે અટકી ગઈ.

મેં હવે સ્પષ્ટ થવા પ્રયત્ન કર્યો અને કહ્યું, ‘હું એવું ઇચ્છું કે હું સત્યને શોધી શકું. જ્યાં સુધી તે ન કરી શકું ત્યાં સુધી મારી અંગત માન્યતા ગમે તે હોય, પરંતુ અહીંના લોકો, જે અમારી વાત માને છે, તેમને ક્યારેય એવું ન કહું કે તેમનું જિંદાસાગબાન એક મહાવૃક્ષ હોવાથી વિશેષ કશું નથી.’

લ્યુસી ઘડીભર મારા તરફ જોઈ રહી. મને સુપરિયા યાદ આવી. તે ભણી છે, ગણી છે, આધુનિકમાં આધુનિક માહિતી તેની પાસે છે. તે કમ્પ્યુટર પર કામ કરી શકે છે અને છતાં તેણે મને કહેલું, ‘એકવીસમી સદીમાં આપણે જગતની આગળ હોઈએ અને આપણી પરંપરાઓ આપણી સાથે હોય એવું હું ઇચ્છું.’

હું હજી વિચારતો જ હતો ત્યાં આગળ જતી લ્યુસી બોલી, ‘તમારી વાત મને સમજાતી નથી. તમારે વિકાસ પણ કરવો છે અને જૂનું કશું ત્યાગવું નથી.’ પછી તેણે અટકીને ઉમેર્યું, ‘જોકે ડૅડી કહેતા હોય છે કે સાંસ્કૃતિક રીતે ટકી રહીને, પરંપરાને જાળવી રાખીને વિકાસ સાધવાની કળા જગતની દરેક પ્રજા પાસે નથી, તમારી પાસે અને જાપાનીઓ પાસે તે છે.’

મેદાન અડધું પસાર કરીને એ લાકડાનાં ઝૂંપડાંઓ પાસે પહોંચ્યાં. એક નાનકડા ઘરમાં હોય તેવી ઘણી સગવડો લાકડામાંથી બનાવાયેલાં આ ઝૂંપડાંઓમાં હતી. લગભગ બધાં જ ઘરોની બાંધણી પૂર્ણપણે લાકડાની હતી અને ખીલા તરીકે પણ લાકડાને જ ઉપયોગમાં લેવાયું હતું.

લ્યુસી અને હું એક પછી એક ઘર જોઈ આવ્યાં. પોતે સ્ત્રી હતી તેથી લ્યુસી તો ઘરની અંદર જઈને પણ બધું જોઈ શકતી. મને બહાર જ ઊભા રહેવા કહેવાતું. એ લોકો જે ભાષા બોલતા હતા તે બિત્તુબંગા સિવાયનાં અમે બે સમજી શકીએ તેમ ન હતું. દરેક ઘર પર વ્યાધનું ચિત્ર અમે જોઈ શક્યાં.

થોડી વારે એક આદિવાસી આવીને અમને ઝૂંપડાંઓની વચ્ચે આવેલા થોડા મોટા ઝૂંપડા તરફ લઈ ગયો. ત્યાં એક ખૂબ વૃદ્ધ જણાતા પુરુષે અમારું સ્વાગત કર્યું અને લાકડાની પાટ પર અમને બેસાડ્યાં.

અજાણ્યા અને પોતાની ભાષા ન સમજતા માણસનું દિલ જીતવાની કળા સમું મોહક હાસ્ય લ્યુસીના મોં પર ચમક્યું. તે વૃદ્ધપુરુષે પણ હસીને પોતાની ભાષામાં કંઈક કહ્યું. લ્યુસીએ પોતાની નોટ કાઢી થોડી વાર પેન્સિલથી થોડા સ્કેચ કર્યા અને નોટ પેલા વૃદ્ધપુરુષના હાથમાં આપી. અમે બેઠાં હતાં તે સ્થળનો અને થોડા આદિવાસીઓનો અદ્ભુત સ્કેચ જોઈને પેલો ખુશ થયો. અમને કંઈ પણ પૂછ્યા વગર તે પાનું તેણે ફાડી લીધું અને સાચવીને અંદર મૂકી આવ્યો.

‘હું તમને પૂછું, તમે બિત્તુને અને બિત્તુ આ માણસને એ રીતે વાતો થઈ શકશે.’ લ્યુસીએ સૂચવ્યું અને બબ્બે દુભાષિયા દ્વારા અમારી વાતચીત ચાલી. ‘તમે દોરો છે તે ચિત્ર શાનું છે?’ લાકડા પર કોતરેલું શ્વાનમંડળ અને વ્યાધ બતાવીને અમે પૂછ્યું.

‘અમારા વતનનો દેવ – સાઠસાલી.’ જવાબ મળ્યો.

‘વતન?’ લ્યુસી અને હું બંને નવાઈ પામ્યાં.

‘તમે બધાં અહીંનાં વતની નથી? અહીં જ તો રહો છો તમે!’

‘રહીએ, પણ આ કંઈ વતન નથી. અમારા વડવાઓ વતનમાંથી અહીં આવ્યા.’

આ પ્રજા અહીંની નથી તો તેનું મૂળ વતન ક્યાં હશે તે વિચારતાં મેં અને લ્યુસીએ પૂછ્યું, ‘તમને ખબર છે કે આ ચિત્ર એ તારાનું છે? રાત્રે આકાશમાં દેખાય છે એ તારો જ તમારો દેવ છે?’

‘ના, એ અમારું વતન છે. ત્યાંથી જ તો અમારા પરદાદાઓ અહીં આવ્યા.’

‘ક્યાંથી?’ અમારા અચરજનો પાર ન રહ્યો, ‘પેલા તારામાંથી?’

‘હોવ…’ જવાબ મળ્યો, ‘સાઠસાલીના રહેવાસી અમે. અમારા વડવા કહેતા. બધું લખ્યું છે.’

‘તમારા વડવાઓ અહીં ક્યારે આવ્યા?’ લ્યુસીની આતુરતા અનહદ વધી ગઈ.

પેલો વૃદ્ધ જવાબ ન આપી શક્યો. તેણે પોતાની પત્નીને બોલાવી અને કંઈક વાત કરી. થોડી વારે તે સ્ત્રી બીજી એક વૃદ્ધાને બોલાવી આવી. ત્રણેય જણે થોડી વાતો કરીને બિત્તુબંગાને કંઈક કહ્યું.

અમને જવાબ મળ્યો, ‘અમારા વડવાઓ અહીં આવ્યા તે વખતે અહીં ઓલોપીનું રાજ હતું, એ રાણીએ અમારા વડવાને આશરો આપેલો, એવું અમારી કથામાં આવે.’

‘કેટલો સમય થયો? કંઈ કહી શકાય?’ લ્યુસીએ મને પૂછ્યું.

‘સમજાતું નથી.’ મેં કહ્યું, ‘કોઈ ઓલોપી નામની રાણીનું શાસન હતું તે વખતે એમના વડવાઓ અહીં આવેલા એટલું જ. એ રાણી ક્યારે હતી તે કેમ ખબર પડે?’

‘બધુ દંતકથા જેવું.’ લ્યુસી બબડી અને પૂછ્યું, ‘તમારા વડવાઓ પેલા તારામાંથી અહીં આવ્યા શી રીતે?’

આ અતિ મહત્ત્વના પ્રશ્નનો જવાબ અમને મૂંઝવી દેતો મળ્યો: ‘બધાં આવે છે તેમ અમે પણ આવીએ છીએ અને પાછાં જઈએ છીએ.’

‘લ્યુસી,’ મેં કહ્યું, ‘એ જન્મ-મરણની રીત કહે છે.’

‘ભલે.’ લ્યુસીએ કહ્યું, ‘પણ તમારા પહેલા વડવા અહીં આવ્યા એ શી રીતે આવ્યા હશે?’

જવાબમાં પેલો વૃદ્ધ થોડો ખિજાયો, ‘અમારી કથામાં લખ્યું છે તે ખોટું ન હોય.’ કહીને તે ઊભો થઈને ઘરમાં ચાલ્યો ગયો.

વાત વણસે ત્યાર પહેલાં બિત્તુબંગાએ અમને રોક્યાં. અમે વધુ પૂછ્યું નહિ. અમારી ઇચ્છા રાણીગુફામાં જવાની અને જિંદાસાગબાનને નજીકથી જોવાની હતી; પરંતુ ‘પુરુષોને રાણીગુફામાં જવાની મનાઈ છે’ તેમ કહીને મને જવા દેવાની મનાઈ ફરમાવાઈ. લ્યુસી એકલી જઈ શકી હોત, પણ અત્યારે તેને આ આદિવાસી સ્ત્રીઓ સાથે ફરીને શક્ય તેટલી વધુ માહિતી જોઈતી હતી. ‘હું કાલ સવારે જઈશ’ કહીને તે ચાલી. હું પાટ પર બેઠોબેઠો ડાયરી લખતો રહ્યો.

રાત્રે અમે બહાર લાકડાની પાટ પર ઘાસમાંથી વણેલી સાદડીઓ પર સૂતાં. લ્યુસી નાની ટૉર્ચ સળગાવીને ડાયરીમાં નોંધો ટપકાવતી હતી. મારી નજર રહીરહીને રાણીગુફા તરફ જતી હતી. એક વખત તો મને એવી ઇચ્છા પણ થઈ આવી કે રાત્રે બધાં સૂઈ ગયા પછી હું રાણીગુફામાં જઈ આવું, પણ સાઠસાલીઓના કે જિંદાસાગબાનના ખ્યાલે તેવું ન કરવાનું વિચારીને મેં પડખાં ઘસ્યા કર્યાં.

લ્યુસીએ લખવાનું બંધ કર્યું કે ઘસઘસાટ ઊઘી ગઈ. તેણે પોતાના વિશ્વપ્રવાસોમાં આવાં કેટલાંયે સ્થળો જોયાં હશે, કેટલાંયે મનોમંથન અનુભવ્યાં હશે, એથી તે આવાં આકર્ષણો પર વિજય મેળવીને નિરાંતે ઊંઘી શકી.

મારી આંખો પણ ઘેરાવા લાગી. ઝોકું આવે ત્યાર પહેલાં અચાનક મારા મનમાં તર્ક ઊઠ્યો. નાનાસાહેબ જો રાણીગુફામાં રહ્યા હોય, જિમીના દાદા જો રાણીગુફામાં કેદ થયા હોય, તો રાણીગુફામાં પુરુષોનો પ્રવેશ વર્જ્ય છે તે વાત સાચી નથી. પણ અત્યારે અડધી રાત વીત્યે કોઈને જગાડીને આ વાતનું નિરાકરણ કરવું શક્ય ન હતું. સવારે પેલા વૃદ્ધ ડાયાને પૂછવાનું નક્કી કરીને હું નચિંત થઈ સૂઈ ગયો.

સવારે સહુથી પહેલું કામ મેં ડાયાને મળવાનું કર્યું.

‘તમારા દાદાના સમયમાં પેલી ગુફામાં પુરુષો જઈ શકતા?’

‘ના. ક્યારેય નહિ. ઓલોપી રાણીની ગુફા. એમાં પુરુષોથી જવાય નહિ.’ બિત્તુબંગા દ્વારા જવાબ મળ્યો.

‘પણ નાનાસાહેબ નામના મરાઠા સરદાર તેમાં રહેલા, અંગ્રેજોનું રાજ હતું ત્યારે, લગભગ તમારા દાદાના સમયમાં.’ મેં ડાયાને કહ્યું.

‘ઓહોહો…’ ડાયો હસી પડ્યો, ‘મારો બાપ ત્યારે નાનો હતો. તેણે જોયેલો એ રાજાને. મારો બાપ કહેતો, ‘અમારા આઠ-દશ માણસો પેલા પંદર જણાને પકડી લાવેલા. સાંજે ડાયા સામે લઈ આવ્યા; તો રાજા બોલે: અમે દોસ્ત છીએ.” કહેતાં ડાયો સ્મૃતિઓમાં સરી ગયો અને આડાઅવળાં વાક્યોમાં બોલ્યો, ‘અમારા લોકને એની બોલી સમજ નહિ આવેલી. કાલેવાલી મા બી ના સમજી શકી; પણ અમે આશરે આવેલાને કાઢી ન મૂકીએ. ઓલોપી રાણીનો અમને એવો હુકમ. ફિરંગી લોક રાજાને મારવા નીકળેલા એટલે ભાગી આવેલો.’
મને થયું કે હવે ખજાનાની અને નાનાસાહેબને રાણીગુફામાં સંતાડ્યાની વાત આવશે. હું કાન માંડીને સાંભળતો હતો ને ડાયાએ આગળ કહ્યું, ‘પછી રાખેલા એ બધાને ત્યાં શીરીગંગા માથે ભવાનીના મંદિરની ગુફામાં.’

‘આ રાણીગુફામાં નહિ?’ મેં પૂછ્યું.

‘ના.’ ટૂંકો જવાબ મળ્યો. પછી ડાયાએ વાત આગળ વધારી, ‘પછી તું કહે છે તેવા ફિરંગી આવેલા. અમારા બધાને ખૂબ ધમકાવેલા, લાલચ આપેલી, પણ એમ અમારા માણસથી કંઈ દગો થોડો થાય? કોઈ કંઈ બોલ્યું જ નહિ. વરસાદથી ઉનાળા જેટલું રહેલો તે રાજા. પછી ગયો.’

કદાચ ડાયો ખિજાય તે ખ્યાલથી ખજાના વિશે પૂછવાની ઇચ્છાને મેં દબાવી, પણ નાનાસાહેબવાળી ગુફા જોઈ આવવાની ઇચ્છા હું રોકી ન શક્યો. ‘ભવાનીની ગુફા જોવા અમરાથી જઈ શકાય?’ મેં પૂછ્યું.

‘બિત્તુ તમને લઈ જાય.’ ડાયાએ કહ્યું, ‘પણ મારે એનું કામ છે.’

‘બહુ દૂર ન હોય તો અમે એકલાં પણ જઈ શકીશું.’ મેં કહ્યું. જવાબમાં બિત્તુબંગા અમને ઈનરા સીડી સુધી મૂકવા આવ્યો અને આગળ જતી કેડી બતાવીને પાછો ફર્યો.
ઈનરા સીડી ઊતરીને નદીમાં ઊતરવાને બદલે ઉપરના કિનારે રહીને નદીના મુખ તરફ સીધી ચાલી જતી કેડી પર અમે ચાલ્યાં.

પંદર-વીશ મિનિટ ચાલ્યાં હોઈશું કે એક ટેકરી પર પથ્થરની ફાટમાંથી નાનકડા ઝરણારૂપે પ્રગટ થતી શીરીગંગા નજરે પડી. થોડે ઉપર જતાં જમણી તરફ એક વિશાળ ગુફા, સિંદૂરના થાપા અને ત્રિશૂળ દેખાયાં.

‘આપણે પહોંચી ગયાં.’ લ્યુસી બોલી. હું પથ્થર પર ચડ્યો અને ત્યાં જ સ્થિર થઈ ગયો. ગુફાની એક તરફ ઊભેલા વૃક્ષ પાસે ઊભી રહીને મલીરધારિણી વૃક્ષની છાલ ઉખેડીને એકઠી કરતી હતી. તેની પીઠ અમારા તરફ હતી.

લ્યુસીનું બોલવું સાંભળીને તે સ્ત્રી અમારા તરફ ફરી અને એ જ ક્ષણે તેણે માથે ઓઢેલું મલીર મુખ પર ખેંચી લીધું. એ ક્ષણાર્ધમાં મારી નજર તેના ચહેરા પર પડી અને મારાથી બોલાઈ ગયું, ‘ઓહ, ના!’

કાલેવાલી મા સહેજ પણ વિચલિત ન થઈ. તેણે સ્વસ્થતાથી કહ્યું, ‘એકલાં કેમ આવ્યાં? ડાયાએ બિત્તુને સાથે ન મોકલ્યો?’

‘જી.’ હું કશું બોલી ન શક્યો. બે-ત્રણ પળ મૌનમય વીતી. પછી લ્યુસીએ મને પૂછ્યું, ‘કોણ છે આ?’

‘અશ્વત્થામા મરાયો છે?’ તે પ્રશ્નનો ઉત્તર આપતાં યુધિષ્ઠિરે જે મનોયાતના વેઠી હસે તેવી જ વેદના અનુભવતાં મેં જવાબ આપ્યો, ‘કાલેવાલી મા.’

મેં આકાશ સામે જોયું. મારા મનમાં ઊઠેલા જવાબને બહાર આવતો રોકી રાખવા મારે પ્રયત્ન કરવો પડ્યો. કેમે કરીને હું એવું બોલી ન શક્યો, ‘લ્યુસી, આ વનિતા છે, બિન્તા પોતે. સુપરિયાની જન્મદાત્રી અને અત્યારે આદિવાસીઓની કાલેવાલી મા.’

‘લ્યુસી, તું મારી સાથે વાત કરી શકીશ.’ કાલેવાલી માએ પૂછ્યું.

‘ના.’ મેં કહ્યું, ‘તમારે મારી સાથે જ વાત કરવી પડશે. લ્યુસી આપણી ભાષા જાણતી નથી.’

આ વાતનો કોઈ ઉત્તર ન મળ્યો. મેં લ્યુસીને કહ્યું, ‘લ્યુસી, વાત તો તારા દ્વારા જ થઈ શકશે. મા મારી સાથે વાત નહિ કરે.’

‘કેમ? એવું શા માટે?’ લ્યુસીએ પૂછ્યું. મારા આશ્ચર્ય વચ્ચે લ્યુસીનું બોલવું બિન્તા સમજી શકી. તેણે ઉત્તર આપ્યો. ‘કારણ કે આ એક પરંપરાગત રિવાજ છે. કાલેવાલી મા પુરુષોને દર્શન પણ ન આપે.’

મેં આ જવાબ લ્યુસી સુધી પહોંચ્યો. ‘તમે પણ એવું માનો છો?’ લ્યુસીએ પૂછ્યું.

‘ના.’ માએ કહ્યું, ‘પણ અહીંના લોકોનો વિશ્વાસ મને આમ કરવા પ્રેરે છે. મારા પહેલાંની કોઈપણ માએ ક્યારેય જે ન કર્યું હોય તે કરવા હું ન ઇચ્છું.’

‘તમે સાઠસાલી જાતિનાં નથી?’ લ્યુસીએ પૂછ્યું.

‘અમારામાંનું કોઈ સાઠસાલી નથી કે ન હતું.’ માએ જવાબ આપ્યો, ‘હું આ પ્રદેશમાં નીચે રાણીગુફામાં રહું છું એથી સાઠસાલીઓ મારી તમામ સેવા ઉઠાવે છે.’

લ્યુસીને ખૂબ નવાઈ લાગી. તેણે પૂછ્યું, ‘તમે શા માટે એમનાં દેવી બન્યાં? એ લોકો તમને પકડી લાવેલા?’

‘ના.’ મા હસી પડી, ‘મારે જ સંસારથી દૂર રહેવું હતું. બીજે ક્યાંય પણ જઈને રહું તો આટલી શાંતિ અને આટલી મુક્તિ મળે તે સંભવિત ન લાગ્યું. નર્મદાનાં વનો છોડીને મારે ક્યાંય જવું ન હતું. છતાં મારી રીતે સાધના કરવી હતી, એથી આ સ્થળે આવી. મારી અગાઉ જે મા હતાં તેમની પાસે રહી. હવે તેઓ નથી એટલે હું મા છું.’

અચાનક મને પૂરિયા સાંભરી આવી.

‘તમે દેવી છો?’ લ્યુસી સાવ વ્યાવસાયિક ઢબે પૂછ્યે જતી હતી તે મને યોગ્ય ન લાગ્યું. પણ મા જે સ્વસ્થતા અને શાંતિથી જવાબો આપતી હતી તે જોતાં લ્યુસીને કંઈ કહેવું મને યોગ્ય ન લાગ્યું.

‘ના.’ માએ કહ્યું, ‘હું પણ તારા જેવી જ સ્ત્રી છું, પણ જો આ રીતે હું બીજે ક્યાંય પણ રહી હોત તો ત્યાંનો સમાજ પણ મને દેવી બનાવ્યા સિવાય રહેવાનો ન હતો. એ કરતાં આ આદિવાસીઓની દેવી ગણાવામાં મને ઓછામાં ઓછી અડચણો છે.’

‘તમે અહીં શી રીતે આવ્યાં?’ લ્યુસીએ પૂછ્યું.

‘નારદી નામે એક આદિવાસી સ્ત્રી મારી સહેલી હતી. તેણે મને અહીં આવવા સૂચવેલું.’

‘બિત્તુબંગાની મા?’ લ્યુસીનો અવાજ આશ્ચર્યભાવથી સભર હતો.

‘હા.’ માએ કહ્યું.

મને લાગ્યું કે લ્યુસી વનિતાને ઓળખી જવા સુધી પહોંચવા આવી છે. આવું બને તોપણ કોઈને કંઈ ફરક પડે તેમ ન હોવા છતાં મેં વાત વાળવા પ્રયત્ન કર્યો, ‘લ્યુસી, નાનાસાહેબને અહીં રાખેલા.’

‘હા,’ માએ કહ્યું, ‘સાઠસાલીઓ બહુ પ્રેમાળ છે. જંગલમાં ભૂલા પડેલાને, મુશ્કેલીમાં મુકાયેલાને કે આશરે આવેલા કોઈને પણ જીવની જેમ જાળવે. ઘણી વાર ઘણા લોકોને ઉપયોગી થઈ પડે છે આ પ્રજા. નાનાસાહેબ આ સામેની ગુફામાં જ રહેતા.’

‘તેમનો ખજાનો…’ હું આગળ કંઈ બોલું તે પહેલાં માએ પોતાનો ઢાંકેલો ચહેરો મારા તરફ કર્યો. મલીર પાછળ છુપાયેલી આંખો મને જોતી હોવાનો અનુભવ હું કરી શક્યો. બિન્તાને આ આદિવાસીઓ દેવી શા માટે માને છે તે સમજતાં મને વાર ન લાગી. મેં માત્ર હાથ જોડીને કંઈ પણ બોલ્યા વગર માની આજ્ઞા સ્વીકારી લીધી અને ખજાના વિશેના તમામ સંશયોને મનમાંથી ધોઈ નાખ્યા.

‘અમે તે ગુફાઓ જોઈ શકીએ?’ મેં માને પૂછ્યું.

‘અંદર મંદિર છે, દર્શન કરી આવો.’ માએ કહ્યું.

હું અને લ્યુસી ગુફામાં ગયાં. ગુફા ઘણી વિશાળ હતી, પરંતુ પંદર માણસોના વસવાટ માટે નાની પડી હશે. નાના કદાચ અહીં પૂજારી તરીકે જ રહ્યા હશે. એક મહાન માનવીના થોડા સમયના રહેણાકને જોતો હોઉં એવા ભાવથી મેં ગુફા જોઈ. સ્વતંત્રતા માટે માનવીઓ કેવાકેવા ભોગ આપતા હોય છે તે વિચારતો હું લ્યુસી પાછળ બહાર નીકળ્યો. અમે ટેકરી ઊતરીને પાછાં ફર્યાં.

અમે જતાં હતાં ત્યારે માએ લ્યુસીને કહ્યું, ‘પાછી આવજે ક્યારેક.’ પછી જરા થંભીને આગળ કહ્યું, ‘તેં સાઠસાલીઓ વિશે બહુ નોંધો કરી છે તે જાણ્યું. હું તને વિનંતી કરું છું કે આ સ્થળ વિશે તેં જાણ્યું તે તારાથી બને તો સિદ્ધિના મોહથી જાહેર ન કરીશ. કદાચ લખે તોપણ આ સ્થળ અને અહીં આવવાનો માર્ગ દુનિયાને ન બતાવતી. અમે બહુ થોડાં બચી રહ્યાં છીએ. આખી દુનિયા અહીં ઊતરી આવીને અમને ખલેલ ન કરે તે જોજે.’

‘ભલે.’ લ્યુસીએ પાછાં આવી માનો હાથ પોતાના હાથમાં લઈને હોઠે અડાડતાં કહ્યું, ‘આ વાત હું તમારી આજ્ઞા ગણીને પાળીશ.’ પોતાનો થેલો ખભે ચડાવતાં લ્યુસીએ આગળ કહ્યું, ‘ક્યારેક જરૂર પાછી આવીશ, નર્મદાની પરિક્રમા કરવા.’

‘તું આવતી હો તો મારી સાથે ગુફામાં તને રાખીશ અને તારી સાથે પરિક્રમામાં પણ હું જોડાઈશ.’ માએ કહ્યું.

‘મારા આવવાથી અને સાથે રહેવાથી તમારા ધર્મમાં દખલ નહિ થાય?’ લ્યુસીએ સહજભાવે પૂછ્યું.

‘અમે જેનું પાલન કરીએ છીએ તે ધર્મમાં મહેમાનોથી થોડી દખલ થાય તોપણ અમે ચલાવી લઈએ છીએ; પરંતુ અમારું જે પાલન કરે છે તે ધર્મમાં તું દખલ નહિ કરે એટલી શ્રદ્ધા તારા પર રાખું તો તે જાળવજે.’ માએ કહ્યું. હું આ સાંભળીને ઘડીભર સ્તબ્ધ થઈ ઊભો રહ્યો. લ્યુસીએ મા સામે જોયું અને કહ્યું, ‘હું તમારી વાત માનું છું.’
અમે ટેકરી ઊતરી ગયાં.

રસ્તામાં લ્યુસીએ મને કહ્યું, ‘હું મુંબઈ જવાની છું. તમે સાથે આવો તો પાછા જતાં અગાઉ મારે નર્મદાનો સાગરસંગમ જોવો છે. એક નદીના ઉદ્ગમ અને સાગરસંગમ બંને જોયાનો રોમાંચ લઈને સ્વદેશ પાછાં ફરવાનું મને ગમશે.’

‘ભલે.’ મેં કહ્યું, ‘ભરૂચ તો મુંબઈ જતાં વચ્ચે જ આવશે. ત્યાં એકાદ દિવસ રોકાઈને સાગરસંગમ સુધી જઈ આવીશું. પછી હું પાછો આવીશ. મેં અમારી યોજના સુપરિયાને જણાવી. તેણે પૂછ્યું, ‘તમે જાઓ છો?…’ ”

– ધ્રુવ ભટ્ટ

તત્ત્વમસિ – પ્રાકકથન

તત્ત્વમસિ – ૧

તત્ત્વમસિ – ૨

તત્ત્વમસિ – ૩

તત્ત્વમસિ – ૪

તત્ત્વમસિ – ૫

તત્ત્વમસિ – ૬

તત્ત્વમસિ – ૭

તત્ત્વમસિ – ૮

તત્ત્વમસિ – ૯

તત્ત્વમસિ – ૧૦

તત્ત્વમસિ – ૧૧

આપનો પ્રતિભાવ આપો....