તત્ત્વમસિ : ૪ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક) 1


૧૦.

“બપોર હજી હમણાં જ થઈ હતી. સાંજ ઢળતાં કેન્દ્ર પર પહોંચી જવાશે તેમ વિચારીને હું ચાલી નીકળવાને ઇરાદે મારો સામાન ઉપાડવા નમ્યો.

તે જ સમયે રસ્તાની સામી બાજુના ખડકોને કોતરીને બનાવાયેલા પાંચ ગોખલા મારી નજરે પડ્યા. હું ત્યાં ગયો તો જોયું કે દરેક ગોખને અંદર ઢળીને આરામથી બેસી શકાય એમ ખાસ કોચવામાં આવ્યા છે. નીચે લખ્યું છે: ‘ભીમ તકિયા.’ પછી ‘બિત્તુબંગા’ અને પેલી આકૃતિ. પાંડવોને માટે બનાવાયેલા ગોખલામાં હું બેઠો. પથ્થરને આવો કાળજીપૂર્વકનો આકાર આપી શકનાર બંને ભાઈઓને મેં મનોમન વખાણ્યા અને લ્યુસીને જવાબ લખવો બાકી છે તે વિચારતાં તેને પણ સ્મરી લીધી. વધુ બેસી રહેવું પાલવે તેમ ન હતું. મેં મારા થેલા ઉપાડ્યા. હાથમાં લાકડી-રૂપે એક સૂકી પાતળી ડાળ લીધી અને ચાલ્યો.

રસ્તાથી થોડે જ દૂર પહોંચ્યો અને મને સમજાયું કે સૂમસામ વનોમાં એકલપંડે ચાલવું કલ્પનામાં જેટલું રોમાંચકારી લાગે છે તેટલું હોતું નથી. આસપાસની સૃષ્ટિ દેખાતી બંધ થઈ અને ઊંચાં ઊભેલાં મહાવૃક્ષો વચ્ચે હું એકલો જ છું એ ખ્યાલ આવતાં જ મારો અરણ્ય-ભ્રમણનો ઉત્સાહ ઓસરવા માંડ્યો.

વાઘ તો આવે કે ન પણ આવે, મારાં ગાત્રો શિથિલ થવા માંડ્યાં. લાકડી પણ ન કહેવાય તેવી ડાળ એ હથિયાર નથી એ જ્ઞાન પણ મને લાધ્યું.
લગભગ ગભરાઈને પાછો રોડ પર જવાની તૈયારીમાં જ હતો ત્યાં હું એક તરફથી થોડી ખુલી જગ્યાએ પહોંચી ગયો. અચાનક મારી દૃષ્ટિ સમક્ષ પ્રકૃતિનું મનમોહક સ્વરૂપ ઊઘડ્યું હોય તેમ નીચેનો ઢોળાવ, પછી મેદાન, થોડાં ખેતરો, વૃક્ષો અને દૂર વહી જતી નર્મદાની ચળકતી જળરેખ મારા સમગ્ર અસ્તિત્વને સ્પર્શતાં હોય તેમ નજરે પડતાં હું રોમાંચિત થઈ ઊભો રહી ગયો.

મધ્યાકાશ પાર કરી ચૂકેલાં સૂર્યનાં કિરણો સદા જીવંત મહાનદ નર્મદાના પ્રવાહને ચાંદીના દોર જેમ ચમકાવતાં હતાં. જાણે પૃથ્વીની કેડ પર ચળકતો કંદોરો. નર્મદા નજરે પડતાં જ મને રાહત લાગી. ઘડી પહેલાં લાગેલો ભય નાશ પામ્યો હોય તેમ હું નિર્ભય અને નચિંત થઈને દૃશ્ય જોવામાં લીન થઈ ગયો.

આવું શાથી થયું તે હું નક્કી ન કરી શક્યો. કદાચ ખુલ્લી જગ્યામાં આવીને વધુ મોટો વિસ્તાર જોયાની કે પછી ધ્યાન બીજે જતાં વિચાર પરિવર્તનના માનસિક અસરને કારણે હું હળવાશ અનુભવતો હોઉં તેવું પણ હોઈ શકે.

હું હજી આગળ ચાલું કે નર્મદાને નીરખ્યા કરું તે વિચારતો હતો એટલામાં પાછળથી કોઈ ચાલ્યું આવતું હોય તેવો બોલાશ સંભળાયો.

‘કોણ છે રે?’ મેં બૂમ પાડી.

‘બાબરિયા હૂં, સાથમેં લોટિયા.’ સામેથી જવાબ આવ્યો.

બાબરિયો હોય તો તે આશ્રમે જ જતો હોવો જોઈએ. હું થોડી પળો રોકાયો અને પેલા બંને જણ મારી સાથે થઈ ગયા.

મેં કંઈ પૂછ્યું ન હતું છતાં બાબરિયાએ પોતે અહીં હોવાનું કારણ જણાવતાં કહ્યું, ‘પુનેમ હે, ઈથે ગુપતાજી કા બિયાજ દેણે આણાં થા લોટિયા કુ.’

‘તો?’ મેં પૂછ્યું.

‘એકલા કેથે આવે? રાડ પડે હે.’

‘એટલે તું જોડે આવ્યો, એમ?’ મેં પૂછ્યું.

‘હોવ, સંગાત.’ કહેતાં તેણે મારા હાથમાંથી અને ખભેથી થેલા લઈ લીધા. લોટિયો અને બાબરિયો વાતો કરતા આગળ ચાલ્યા. મને અરણ્યોની માયા સ્પર્શી અને હાથમાંની લાકડી ગોળ ઘુમાવતાં મેં ગીત ગણગણ્યું.

એક ત્રિભેટે પેલા બે જણ ઊભા રહ્યા. બંને તેમની બોલીમાં કંઈક ચર્ચા કરતા હતા. મેં પાસે જઈને પૂછ્યું, ‘કેમ? શું થયું છે?’

‘લોટિયા જાવે હે.’ બાબરિયાએ કહ્યું, પણ પેલો ગયો નહીં. મને લાગ્યું કે તે બંનેને સાથે જવા બાબતે કંઈક મૂંઝવણ છે. ‘તારે જવું હોય તો તું જા. હું તો અહીંથી એકલો જતો રહીશ.’ મેં બાબરિયાને કહ્યું.

‘કાહે?’ બાબરિયાએ પૂછ્યું. પછી આગળ કહે, ‘ઓ તો શામ સે પઈલે જિંદાસાગબાન કરીબ હો જાવેગા.’ પછી લોટિયા તરફ ફરીને કહ્યું, ‘ઈહાં પંઉચા તો ફિર કા બાત કા ડર?’

‘વાઘ આવે હે.’ પેલા લોટિયાને એકલા જતાં ડર લાગતો હતો.

બાબરિયાએ તેને સમજાવતાં કહ્યું, ‘ઓ ગુરુજી હે. એકલા ની છોડ સકું હૂં. તું જા બસ. આધ ઘંટે ભર ચલ, તો સાગબાન કી છાયા પકડ લેવે હે. ફિર કાહે કા ડર?’
પેલો અચકાતો-અચકાતો પણ ગયો, મારા મનમાં સાગબાન અને તેની છાયા વિશે જિજ્ઞાસા જગાવતો ગયો. વાઘથી ડરતો માણસ સાગબાનની છાયામાં હોય તો ડર ન લાગે તેવું સાંભળીને મને અત્યંત અચરજ થયું. સાગ તો આ અરણ્યોનાં પ્રાણવૃક્ષ છે. વાઘ-દીપડા-રીંછ આ બધાં આ સાગવૃક્ષો તળે જ રહેઠાણ અને ભ્રમણ કરતાં હશે. સાગના ઝાડથી વાઘ દૂર રહેતો હોય તે મારા માન્યામાં ન આવ્યું. મારી સમજણમાં કંઈક ભૂલ થતી હશે તેમ વિચારીને મેં બાબરિયાને પૂછ્યું, ‘શાની છાયા સુધી પહોંચી જવાનું?’

‘જિંદાસાગબાન તલક.’ બાબરિયાએ કહ્યું, પછી સ્વગત બોલતો હોય તેમ બબડ્યો, ‘ઉહાં બાઘ તો કા, કોઈ દૈત બી ના સતા સકે હે.’

બાબરિયો દરેક સાગની નહિ પણ કોઈ ખાસ જિંદાસાગબાનની વાત કરે છે તે સમજાતાં મેં પૂછ્યું, ‘એવું કેમ?’

બાબરિયાએ મારી વાતનો સીધો જ જવાબ આપવાને બદલે સામે પ્રશ્ન કર્યો, ‘મા’દેવ હે. ના સમજે? મા’દેવજી.’

‘હા,’ મેં કહ્યું. ‘શંકર ભગવાન.’

‘હાં, ઓ હી જ.’ બાબરિયાએ જવાબ આપ્યો. ‘આ પૂરા જંગલ બનાયા મા’દેવને, નરબદામાં કે ખેલન વાસ્તે.’

‘અચ્છા?’ મેં પ્રશ્નાર્થભાવે કહ્યું.

એ પછી બાબરિયો જાણે હજારો વર્ષ પહેલાંના સમયમાં સરકી ગયો હોય અને નજર સામે બધું જોતો હોય તેમ કહેતો ગયો. તેની કથા મને પણ કોઈ જુદા જ ભાવવિશ્વમાં ખેંચી ગઈ.

બાબરિયો બોલતો રહ્યો. કથા અને અમારાં ચરણો સાથેસાથે આગળ વધતાં હતાં. વાત એ છે કે સ્વયં ભગવાન શિવે, પોતાની અતિ લાડકી પુત્રી નર્મદાના આનંદ ખાતર આ અરણ્યોની રચના કરી છે. અરણ્યોના ઉદ્ભવ પછી કોઈને આ અરણ્યોનાં તમામ વૃક્ષોનો અધિપતિ નીમવા શિવજીએ પાર્વતીને આજ્ઞા કરી. દેવી પાર્વતીએ નંદી પાસે અભેદ્ય વનો વચ્ચે ટેકરીઓથી ઘેરાયેલા સપાટ મેદાનમાં એક દેદીપ્યમાન પર્વત બનાવરાવ્યો. તે પર્વતની બરાબર ટોચ ઉપર શક્તિએ પોતાના કુમળા હાથે સાગનું એક વૃક્ષ વાવ્યું.

શ્રીગંગાનદીના ઉદ્ગમસ્થાન પાસે બનાવેલી આ ટેકરી પર ઊભેલા આ ચિરંજીવ સાગવૃક્ષને પાર્વતીએ આ અરણ્યોનો અધિપતિ સ્થાપ્યો છે. ભગવાન શિવ અને માતા પાર્વતીએ સ્વમુખે આ વૃક્ષને આદેશ આપ્યો છે કે તેણે આ અરણ્યોનાં તમામ વૃક્ષોની, તેમાં વસતાં પ્રાણી, પક્ષીઓ અને જીવજંતુઓની અને જેણે પાપ ન કર્યું હોય તેવા મનુષ્યની રક્ષા કરવી.

જે દિવસે વાવવામાં આવ્યું તે જ દિવસે માણસની ઊંચાઈ જેટલું વધી ગયેલું તે સાગવૃક્ષ અત્યારે તો આકાશનાં વાદળોને અડી શકે એટલું ઊંચું થઈ ગયું છે.
જિંદાસાગબાન કદી સુકાયું નથી અને પ્રલયકાળ સુધી ક્યારેય સુકાવાનું નથી. આ મહાવૃક્ષ પાસેથી પસાર થનાર જો પોતે મનુષ્ય હોય તો તેણે વૃક્ષને નમન કરવું પડે. આવું ન કરવાની છૂટ માત્ર પ્રાણીઓને છે.

આ સાગબાનની છાયામાંથી એટલે કે શ્રીગંગાની આસપાસના પ્રદેશમાંથી પસાર થનાર માણસ બૂરો વિચાર, ચોરી કરવાનો વિચાર કે જાદુટોણા કરવાનો વિચાર કરે તો સાગબાનને તેની ખબર પડી જવાની અને જિંદાસાગબાન એની સજા પણ કરવાનો.

અરણ્યોમાં ચાલ્યો જતો હું મનોજગતમાં સૃષ્ટિના સર્જનકાળ સુધી પ્રવાસ કરી આવ્યો. વચ્ચે એક પણ પ્રશ્ન કર્યા વગર મેં જિંદાસાગબાનની વાત સાંભળી. બાબરિયો વાતવાતમાં મને સવાલ કરી બેઠો, ‘ઓ રાત કરથલી કા ડાયા અને ઉણકા ચોરંટાકા હાલ કા હુવા, માલૂમ?’

‘નહિ માલૂમ.’ મેં ચાલતાં રહીને જ જવાબ આપ્યો.

‘કરથલી ડાયા અપને કો બોત હુસિયાર જાણે હે.’

‘કેમ?’

‘ની માને જિંદાસાગબાન કો. તભી તો ગયા થા શિરિગંગાકા સહદ લેણે વાસ્તે.’ કહીને બાબરિયાએ કરથલી ટોલાના ડાયા અને તેના ચોરની વાત કરી.
થોડાં વર્ષો અગાઉ શ્રીગંગાનાં વનોમાં પુષ્કળ મધ બેઠું હતું. ઘણાને મન થાય કે ત્યાં જઈને મધ લઈ આવીએ, પણ જવું શી પેરે?

‘પૂરા એલાકા સાઠસાલી ટોલા કા.’ બાબરિયાએ કહ્યું, ‘દૂજે જિંદાસાગબાન કા ડર. અગર ઓ જાગ ગયા તો સમજ લો પ્રલ્લે હો જાવે.’

બાબરિયાની વાત કહેવાની રીત અદ્ભુત હતી. હું મુગ્ધ બનીને સાંભળતો ગયો.

કરથલી ટોલાનો ડાયો પોતાની લાલચ રોકી ન શક્યો. એક રાત્રે પોતાના બે ચોરંટા સાથે લઈને ગયો, શ્રીગંગાનાં અરણ્યોનું મધ ઉતારવા.

સદ્ભાગ્યે સાઠસાલી ટોલાનું તો કોઈ મળ્યું નહિ, પણ જેવો બીડીનો ધુમાડો મધપૂડા પર ફૂંક્યો કે માખીઓએ જ જિંદાસાગબાનને સાદ કર્યો હશે કે ગમે તેમ પણ વૃક્ષપુરુષ જાતે પ્રગટ થયા. જાણે અવંતીનગરીનો રાજા ભોજ તમામ અલંકારો પહેરીને વનમાં આવી ચડ્યો હોય તેવા રૂપાળા. આવીને મધપૂડાને બચાવવા ઊભા. સાગબાને પોતાનું ખડ્ગ તો હજી ઉગામ્યું પણ ન હતું ને પેલા બે ચોરંટામાંથી એક તો બેભાન થઈને પડ્યો. કરથલીનો ડાયો અને બીજો ચોરંટો માંડમાંડ પેલા બેભાન થયેલાને ઊંચકીને ભાગ્યા ત્યારે જીવ બચ્યો.

‘તને ક્યાંથી ખબર આ વાત કરથળીના ડાયાએ તને કહી?’ મેં બાબરિયાને પૂછ્યું.

‘ની કેવે.’ બાબરિયાએ જવાબ આપ્યો, ‘આપણે મુંહ સે કા બોલે? પણ માલુમ તો પડે.’

‘કેવી રીતે?’ મેં પૂછ્યું.

‘દૂસરે જ દિન સે કરથલી કા ડાયા અપણી સબ બેદ્યા ભૂલ ગીયા. અબ ના દવા કર સકે હે, ના મંતર-દોરા.’

‘અને પેલા બીજા બેઉ?’

‘ઉનકો કા હે? ઓ તો આપણે ડાયે કી બાત સે ગયે લાગે.’ મને લાગ્યું કે ખરેખરી જવાબદારી કોની હોઈ શકે તે નક્કી કરવામાં આ પ્રજા સહેજ પણ વાર કે ભૂલ નથી કરતી. તે દિવસે પુરિયાએ લક્ષ્મીને અને આજે બાબરિયાએ કરથલીના ડાયાને પ્રથમ જવાબદાર વ્યક્તિ તરીકે ઓળખાવતાં જરા પણ વાર ન કરી. એ સાથે મને આવું પણ લાગ્યું કે વૃક્ષમાં વૃક્ષદેવ કે વૃક્ષપુરુષ હોય તે વાત માત્ર દંતકથા અને અંધશ્રદ્ધા ગણાય તેવું બાબરિયાને સમજાવવું તે શિક્ષક તરીકે મારી ફરજ ગણાય; પરંતુ હું તેમ કરી શકું તે પહેલાં જ મને યાદ આવ્યું: હજી થોડા સમય પહેલાં જ સોમદ્રવા નર્મદાનું દર્શન મને અભયદાન આપી ગયું હતું. મને, એક ભણેલા, વિચારશીલ અને દરેક ઘટનાનું વિશ્લેષણ કરવાની ટેવવાળા માણસને પણ એક નદીને દૂરથી જોઈને આવી અનુભૂતિ થઈ, તો પછી આ અભણ, ભોળા આદિવાસીઓ એકાદ પરિચિત વૃક્ષ પાસે પહોંચીને પોતાને સલામત માનતા હોય તો મારે શા માટે તેમને રોકવા? બાબરિયાને મેં પૂછ્યું, ‘અહીંથી કેટલે દૂર છે તે સાગબાન?’

‘દૂર તો પડે હે.’ તેણે કહ્યું, ‘બસ બોત નહિ. થોડા ચલે બાદ છાયા તો લગ જાવે. પર હે દૂર.’

‘ક્યાં?’ મેં પૂછ્યું.

મારાં રોમરોમ ઊભાં થઈ જાય તેવો જવાબ મળ્યો: ‘રાણીગુફા કે ઉપર.’

રાણીગુફા શબ્દ સાંભળતાંવેંત જાણે ક્ષણમાત્રમાં હું જિમી બની બેઠો; અને મારી તમામ લાયકાતોની ઉપરવટ થઈને બાબરિયાને પૂછી બેઠો, ‘તું મને ત્યાં રાણીગુફા લઈ જઈ શકે?’

‘મું નીં જા પાવું.’ બાબરિયાએ કહ્યું, ‘સાઠસાલી નીં આને દે મુંને. સાઠસાલીકા ડાયા રજામંદી દેવે તો હિ જ જા પાવું હૂં.’

જિંદાસાગબાન! રાણીગુફા! મારી જિજ્ઞાસા ચરમસીમાએ પહોંચી ગઈ. મારે ત્યાં જવું જ છે. જરૂર પડે તો સાઠસાલી ટોલાના ડાયાને મળીને પણ રજા મેળવવી છે. આ માટે શું કરવું, કોને પૂછવું તે વિચારતો હું મૂંગો-મૂંગો ચાલતો રહ્યો. સાંજ ઢળતાં અમે કેન્દ્ર પર પહોંચ્યા.”

અક્ષરનાદ નર્મદાની આ અદ્વિતિય કથા – તત્ત્વમસિ આપને માટે નિ:શુલ્ક રજુ કરે છે. તો સામે પક્ષે અક્ષરનાદને આર્થિક બોજથી દૂર રાખવા ધ્રુવભાઈએ પણ આ પુસ્તક અક્ષરનાદ પર રજૂ કરવા કોઈ જ રકમ લીધી નથી, અરે તેમણે રોયલ્ટી લેવાની પણ ના કહી. તો આખરે અમે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે અક્ષરનાદ પર તત્ત્વમસિ નિ:શુલ્ક વાંચન માટે ઉપલબ્ધ થાય, અને વાચક પર ભરોસો રાખીએ. અહીં અક્ષરનાદ પર તત્ત્વમસિ વાંચીને કોઈકને મનમાં થાય કે લેખકને ભલે પ્રતિક રૂપે, પણ વળતર મળવું જ જોઈએ તો જે તે ભાવક નિઃશુલ્ક વાંચવા મળેલા આ ખજાના બદલ પોતાને ગમે તે રકમ ધ્રુવભાઈના ખાતામાં સીધી ભરી શકે છે. આ એક આગવો પ્રયાસ છે, ધ્રુવભાઈની જેમ વધુ સર્જકો પોતાનું સર્જન સર્વે માટે ઉપલબ્ધ કરી શકે એ માટેની જવાબદારી હવે વાચકની બની રહે છે. મને અક્ષરનાદના સુજ્ઞ વાચકો પર વિશ્વાસ છે કે તેઓ નિરાશ નહીં જ કરે. ધ્રુવભાઈ ભટ્ટની બેન્કની વિગતો આ સાથે આપી છે.
Name of account : Bhatt Dhruvkumar Prabodhrai
Name of the Bank HDFC bank
Account number : 01831930001854
IFSC : HDFC0000183
Branch : Lambhvel Road, Anand.
Type of Account : Saving

૧૧.

“આ અભેદ્ય મહા અરણ્યો મે-જૂનમાં આટલી કંગાળ અને વસ્ત્રહીન દશાને પામતાં હશે તે મેં કલ્પેલું નહિ. જેમજેમ સૂર્યનો પ્રકોપ વધતો ગયો તેમતેમ લીલો રંગ બદલાઈને પીળો કે ખાખી થતો ગયો. પાનખરમાં ખરેલાં સાગનાં પાન ઢોળાવો પર જાણે રાખ પથરાઈ હોય તેવાં ભાસે છે. વસંતમાં ફૂટેલાં નવાં પાન હજી બાળ કે કિશોરઅવસ્થામાં જ છે, તેથી વૃક્ષો હજી નવપલ્લવિત નથી લાગતાં.

હું જેને સદાકાળ જલભરી, ઝરણાંઓથી તૃપ્ત રહેતી અનેક વનસ્પતિઓના ભંડાર સમી માનતો તે કપિલમુનિની આ ભૂમિ, મેની શરૂઆતથી જ જળ, ઝરણ અને ફળ-ફૂલ-વિહીન દશામાં આવી ગઈ છે.

પાણીની શોધમાં ભટકતા પશુઓ છેક નર્મદાતટે જઈને અટકે છે. ક્ષીણદેહા નર્મદા પણ ખુલ્લા પથરાળ પટમાં શોધવી પડે તેમ, જાણે કોઈ નાના ઝરણ જેમ વહી રહી છે. પથ્થરો પર વરસતો સૂર્યાગ્નિ અમને બાળી મૂકે છે.

અન્ય ઋતુઓમાં વનોમાં સહેલાઈથી સંતાઈ શકતાં પશુઓ અત્યારે એકાદ વૃક્ષના થડ પાછળ રહીને જાતને સંતાડવાનો પ્રયત્ન કરે છે. આશ્રમના ફળિયામાં ઊભા રહીએ તોપણ સામેની ધાર પર થઈને નર્મદાતટે જતાં હરણો, ચિત્તળ, સસલાં, નીલગાય કે ક્યારેક દીપડાને પણ સ્પષ્ટ દેખી શકાય છે. પક્ષીઓ પણ હવે છૂપાં રહી શકતાં નથી. ચાંદની રાતે ઢોળાવો પર સાગ, સરાઈનાં થડ અને ડાળીઓ જાણે લશ્કરી શિસ્તથી ઊભેલાં હોય તેવાં લાગે છે.

ત્રણ દિવસે ડાયરી લખવનાની ફુરસદ મળી. ત્રણે દિવસ મારા માટે નવાનવા અનુભવો લઈને આવ્યા – ગયા. એક તો હરિખોહ તરફના દરવાજા પાસેનું સદાકાળ લીલું રહેતું બોરસલીનું વૃક્ષ મારું કાયમી સાથી બન્યું. ત્યાં નિશાળ કરવા માટે સાફસૂફીનું કામ એક આખો દિવસ ચાલ્યું. આસપાસની જગ્યાએ નાનો સમિયાણો બંધાયો. આશ્રમમાં કામે આવતા આદિવાસીઓ ઉપરાંત બહારથી પણ યુવાનો-સ્ત્રીઓ આ કામમાં જોડાવા લાગ્યાં હતાં. બીજે દિવસે તો થડ પર નાનું બૉર્ડ પણ લાગી ગયું. ‘બેદ્યાવન. બિત્તુબંગા, ઝૂરકો, પૂરિયા’ – હા, આ વિદ્યારણ્ય અહીં બોરસલી તળે કરવાનો નિર્ણય આ ચાર જણાંનો હતો.

આ સ્થળે જ ‘આદિવાસી વિવિધલક્ષી સહકારી મંડળી’ની સ્થાપના પણ થઈ. છેક જબલપુરથી સરકારી અધિકારી જાતતપાસ માટે અને સોસાયટીના સભ્યોને મંડળી કેમ ચલાવવી તે સમજાવવા આવેલા. તે દિવસે ગામેગામથી આવેલાં આદિવાસીઓને મેં નવા જ રૂપે જોયાં. તેમનો આનંદ, તેમનાં નૃત્યો, તેમનો ઉલ્લાસ – આ બધું જોઈને મને થતું હતું કે આ પૃથ્વીપટ પર સ્વયં પ્રકૃતિ સિવાય આટલો મુક્ત અને નિર્ભેળ આનંદ, કોઈ અનુભવી શકતું હોય તો તે માત્ર આ વનવાસીઓ. અતિશય ગરીબી, ભૂખમરો, ભવિષ્યના અનેક પ્રશ્નો બધું જ આમ સાહજિક આનંદમાં ઓગાળી નાખવાની શક્તિ આ આરણ્યકો ક્યાંથી મેળવતાં હશે તે હું ક્યારેય સમજી શકવાનો નથી.

લખતાં ગરમીથી ત્રાસીને હું નાહવા ગયો નાહીને બહાર નીકળ્યો ને બહાર સુપરિયા કોઈ સાથે વાત કરતી આવતી હોય તેવું લાગ્યું. સુપરિયા પોતે મારા ઘરે આવી હોય તેવો પ્રસંગ જવલ્લે જ બનતો. હું બહાર આવ્યો તો સુપરિયા અને ઝૂરકો કંઈક વાતો કરતાં હતાં. તે બંને ઓટલા પાસે આવીને ઊભાં. સુપરિયાએ કહ્યું, ‘પુરિયા બે દિવસથી આવી નથી.’

એકાદ જણ કામ પર ન આવ્યું હોય તો કેન્દ્રમાં કાંઈ વાંધો ન આવતો. પુરિયાની ગેરહાજરીથી સુપરિયા ચિંતિત જણાઈ તેની મને નવાઈ લાગી.

‘તે દિવસે તો હતી.’ મેં કહ્યું, ‘મંડળી માટે બધાં ભેગાં થયેલાં ત્યારે આખો દિવસ અહીં જ હતી.’

‘એ મને ખબર છે.’ સુપરિયાએ કહ્યું. ઝૂરકો કશું બોલ્યા વગર ચાલ્યો ગયો. ‘તે દિવસે તમારી સાથે બિવરી આવી ત્યારે તેણે કંઈ વાત કરેલી?’ સુપરિયાએ પૂછ્યું.

‘ના, કેમ કંઈ મુશ્કેલી?’ મેં પૂછ્યું.

‘ના, પણ પુરિયા ન આવી હોય તેવું ભાગ્યે જ બને અને કારણ વગર તે ન આવે તેવું ન હોય.’ સુપરિયા ઓટલા પર બેસતાં બોલી, ‘એમાં આ ઝૂરકો કંઈક નવી વાત લાવ્યો એટલે ચિંતા થઈ.’ સુપરિયા અટકી ગઈ. પછી વાત બદલતાં બોલી, ‘તમારું તાલુકાનું કામ પત્યું?’

‘હા.’ મેં કહ્યું અને જિંદાસાગબાન જોવા શ્રીગંગાના મુખ સુધી મને કોઈ લઈ જઈ શકે કે કેમ તે વાત પણ મેં સુપરિયાને પૂછી.

‘લઈ જાય તો આપણા બિત્તુબંગા જ લઈ જાય.’ સુપરિયાએ કહ્યું, ‘બિત્તુની મા સાઠસાલી ટોલામાં જતી-આવતી એટલે એ લોકો આ બે છોકરાઓને ત્યાં સહેલાઈથી જવા દે છે.’

‘હું તેમને પૂછી જોઈશ.’ મેં કહ્યું.

‘તમે ન પૂછશો. હું વાત કરું, પછી જોઈએ.’ સુપરિયાએ મને કહ્યું અને ઊભી થઈને પોતાના ઘર તરફ ચાલી. પુરિયાની વાત અધૂરી રહી તેનો થોડો અજંપો મને થયો. ઝૂરકો શું વાત લાવ્યો હતો તે સુપરિયાએ મને કહ્યું નહિ. રાત્રે સૂતાં અગાઉ લ્યુસીને પત્ર લખવાની ઇચ્છા હતી, પણ મોડું થયું હતું એથી લખ્યા વગર જ મેં લંબાવી દીધું.

આજ સવારથી તો હું સુપરિયા સાથે કેન્દ્રનાં કામોમાં રોકાયેલો રહ્યો હતો. સુપરિયા આદિવાસીઓને પોતાના વિસ્તારોમાં જ કામ મળી રહે તેવું કંઈક કરવા ઇચ્છે છે. સરકારી યોજનાઓની, અન્ય સંસ્થાઓની અને વિદેશોમાં ચાલતા કાર્યક્રમોની શક્ય તેટલી માહિતી એકઠી કરવા પત્રો લખવામાં અને ફાઈલો બનાવવામાં અમે આખો દિવસ કાઢ્યો.

વાતાવરણમાં ઉકળાટ છે એમાં વળી પંખા બંધ એટલે બંને જણ પરસેવે રેબઝેબ. સાંજે નિશાળ શરૂ થઈ તો વિદ્યાર્થીઓ પણ ઓછાં હતાં. પુરિયા આજ પણ ગેરહાજર હતી. વચ્ચે તો ઘણી નિયમિત આવતી. મેં રામબલીને બોલાવીને પૂછ્યું, ‘તારી બહેન કેમ આવી નથી?’

‘મરે રે! નીં આવે તો.’ કહી તેણે છણકો કર્યો. મેં આગળ કંઈ પૂછવાનું માંડી વાળ્યું. જગત સમસ્તને ચાહતાં શીખેલાં માનવી પોતાના જ માણસ પ્રત્યે આવો તિરસ્કાર કેમ રાખતાં હશે તે કોયડો હું ક્યારેય ઉકેલી શકવાનો નથી.

ટેમ્પુડિયો બરાબર ધ્યાનથી લખતો હતો. તેને ભણવાની મજા પડતી હતી. મેં પૂછ્યું, ‘ટેમ્પુડિયા, શું લખે છે?’

‘નીં, ચીતરું હૂં.’ તેણે પાટી સંતાડતાં શરમાઈને જવાબ આપ્યો. મારાં વિદ્યાર્થીઓને લખવું અને ચીતરવું તે અલગ ક્રિયા છે એ સમજાવતાં મને હજી લાંબો સમય લાગશે

અનેક વખત સમજાવ્યા પછી પણ આ બધાં ‘ક ચીતરું હૂં’ કે ‘મું કા નામ ચીતરું હૂં’ એમ જ બોલે છે.

‘લખે તો છે જ. લાવ, પાટી બતાવ.’ મેં તેને કહ્યું. તે ડરતો-ડરતો આવ્યો. મને પાટી બતાવી તો ગરબડિયા અક્ષરે લાંબુંલાંબું લખેલું. ભાષા પણ વ્યાકરણના કોઈ ખ્યાલ વગરની – માત્ર છૂટાછૂટા શબ્દો. મારે એને જ પૂછવું પડ્યું કે તેણે શું લખ્યું છે. તેણે શબ્દેશબ્દનો અર્થ સમજાવતાં અમને બધાંને જે સંભળાવ્યું, તેને ગોઠવવા પ્રયાસ કરું તો આવું લખાણ થાય:

‘મારા કૂતરાનું નામ ટીલિયો છે. તે ખૂબ બહાદુર છે. કોઈથી તે ડરે નહિ. મેં તેનું નામ રાજા પણ પાડ્યું છે. મારું નામ ટેમ્પ્યુડિયો છે. મારી માએ પાડ્યું હશે.’
ટેમ્પુડિયાના સર્જનને હું બિરદાવું તોપણ હાજર રહેલી જનમેદની તેને સમજી શકે કે કેમ તે પ્રશ્ન હતો. મેં ટેમ્પુડિયાને કહ્યું, ‘બહુ સરસ લખ્યું છે.’ અને પછી મારા વર્ગને પૂછ્યું, ‘ટેમ્પુડિયો નામ કોણે પાડ્યું છે – એની માએ જ કે ફોઈએ?’

જવાબમાં મજાની વાત જાણવા મળી. ટેમ્પુડિયાના જન્મસમયે તેની માતા બીજાં આદિવાસીઓ સાથે શહેર ગયેલી. પાછાં ફરતાં તે બધાં એક ટેમ્પામાં બેઠેલાં.

પ્રવાસમાં જ ટેમ્પામાં આ છોકરાનો જન્મ થયેલો. આથી એનું નામ ટેમ્પુડિયો પડી ગયું.

‘અરે વાહ!’ મેં કહ્યું, ‘તારા નામ પાછળ તો મોટો ઇતિહાસ છે!’ ટેમ્પુડિયો ખુશ થતો-થતો પાછો ભણવા બેઠો.

રાત્રે મેં સુપરિયા પાસેથી ‘મહાભારત’ લાવીને વાંચવાનું શરૂ કર્યું. રોજ એકાદ કલાક વાંચીશ તેવું નક્કી કર્યું છે. બને ત્યાં સુધી નિયમ ભંગ ન થાય તે જોઈશ.
સવારથી મારે ખેતરોનું કામ જોવા જવું હતું, પછી કાગળના કારખાનામાં થોડું રોકાવું હતું. હું ઘરમાંથી બહાર નીકળીને ખેતરો તરફ જવા વળ્યો. લગભગ બધા જ પોતપોતાના કામ પર આવી ગયા હતા. હું મુખ્ય દરવાજા સામેથી પસાર થયો કે મેં લીલાભાઈને દોડતો આવતો જોયો. કામ પર આવતાં મોડું થાય તો દોડવું પડે એવી કડક શિસ્ત તો અમારી છે નહિ. લીલાભાઈ આટલો ઉતાવળે કેમ આવે છે તે જાણવા હું ઊભો રહ્યો.

થોડે દૂરને અંતરેથી લીલાભાઈ ચીસો પાડતો હોય તેમ મોટા અવાજે કંઈક બૂમ પાડવા લાગ્યો.

વાઘ, દીપડો કે એવું કંઈ આ તરફ આવી ગયું હશે? – મેં મનોમન વિચાર્યું ત્યાં સુધીમાં તો લીલાભાઈ દરવાજામાં આવી ગયો. એ જ ક્ષણે મારા કાન પર મેં ક્યારેય ન સાંભળ્યા હોય તેવા શબ્દો પડ્યા, ‘પુરિયા ડાકીન ભઈ લીઈઈઈ…’

લીલો આવીને મારી પાસે ફસડાઈ પડ્યો અને ફરી બોલ્યો, ‘ઓ રે મા, પુરિયા ડાકીન ભઈ લી!’

તે શું કહેવા માગે છે તે હું સમજી ન શક્યો. કદાચ પુરિયા મૃત્યુ પામી! હું બાઘો બનીને ઊભો રહ્યો. લીલાએ ફરી જોરથી, આ કામ કરતા માણસોને સંભળાય તેમ એની ચીસ વહાવી.

ક્ષણભર સ્તબ્ધતા વ્યાપી ગઈ. વળતી પળે જ ખેતરમાંથી, મધકેન્દ્રમાંથી, કાગળ અને વાંસના કામની જગ્યાએથી પોતપોતાનું કામ પડતું મૂકીને બધાં જ બહાર આવી ગયાં. કોઈનીય રજા લેવાની પરવા કર્યા વગર બધાં દરવાજામાંથી નીકળીને પોતપોતાના ગામ તરફ રવાના થવા મંડ્યાં.

ઑફિસમાંથી સુપરિયા એકદમ દોડી આવી. કેન્દ્રમાં હજી થોડા યુવાનો હતા. સુપરિયાને અહીં ઊભેલી જોઈને તેઓ બહાર જતાં જરા ખમચાયા.

‘ઝૂરકા!’ સુપરિયાએ ઝૂરકાને કહ્યું, ‘જલદી જા, ભાઈ. ગણેશ શાસ્ત્રીને ખબર કર.’

ઝૂરકો થોડા વિચારમાં પડ્યો. સુપરિયાએ સત્તાવાહી સ્વરે કહ્યું, ‘જલદી જા.’ અને પછી સ્વર નરમ બનાવતાં બોલી, ‘તું જ જઈ શકશે, ભાઈ, તારા વિના આટલી ઝડપ કોઈની નથી.’

‘આટલી ઝડપ’ શબ્દો સાંભળતાં જ ઝૂરકો ચમક્યો અને તેણે નવાઈ- ભરી નજરે સુપરિયા તરફ જોયું. સુપરિયાએ હકારમાં મસ્તક ઝુકાવ્યું અને મલકી. આ રહસ્યમય મૌનમય વાર્તાલાપ શું થયો તે હું સમજું ત્યાર પહેલાં તો ઝૂરકાએ હરિખોહ તરફ દોટ મૂકી. હું સ્વસ્થ થઈ ગયો હતો. મેં પૂછ્યું, ‘શું થયું છે?’

‘સાંભળ્યું નહિ?’ સુપરિયા સહેજ ચિડાઈને બોલી. પછી દુ:ખી અવાજે કહ્યું, ‘થયું નથી, થશે. પુરિયાને ડાકણ બનાવી છે તે હવે કરશે કાળો કેર. મારી નાખશે છોકરીને!’
આટલી વારમાં તો બિત્તુ સુપરિયાના બૂટ લઈને આવી ગયો. બંને ભાઈઓ તીર-કામઠાં લઈને તૈયાર ઊભા.

‘ચાલો.’ સુપરિયાએ સાડીનો છેડો કમ્મરે વીંટ્યો અને મને કહ્યું, ‘હું જાઉં છું.’

‘હું પણ આવું જ છું.’ મેં કહ્યું અને આશ્રમના કાયમી નિવાસીઓને થોડી સૂચનાઓ આપીને અમે નીકળ્યાં.

હંમેશની હસતી-રમતી-ગાતી પુરિયા અચાનક ડાકણ બની જાય તે મારા માન્યામાં ન આવ્યું. એ પરમમંગલમયી વનકન્યાને માથે આવી પડેલા અશુભ ભાવિની આશંકાએ મને વ્યગ્ર કરી મૂક્યો.

રસ્તામાં સુપરિયાએ મને જે સમજાવ્યું તે પરથી હું એટલું સમજ્યો કે ડાકણ થઈ જવા સાથે જ પુરિયાએ આ અરણ્યોમાં રહેવાનો અધિકાર ગુમાવી દીધો છે. કાં તો તેણે આ અરણ્યો ત્યાગીને જવું પડે અથવા મૃત્યુ સ્વીકારવું પડે.

‘પુરિયા ડાકીન ભઈ લી હોઓઓ…’નો નાદ થોડા કલાકોમાં જ આતંક બનીને બીજની, પીપરિયા અને તેવરથી લઈને જલોરી અને તિલવરાનાં વનોમાં દાવાનળની જેમ ફેલાઈ જશે. એ વખતે દરેક ટોલા, દરેક કસ્બા, દરેક પંથનો આદિવાસી એક જ સ્વરે કહેશે: ‘નીં ચાઈએ ડાકીન ઈહાં પે.’

આ હરીભરી વનરાજિમાં, શીઘ્રગામિની નર્મદાને ખોળે, સત્યકામ જાબાલની ભૂમિમાં ઊછરેલી પુરિયા જાય તોપણ ક્યાં? કાકરાખોહનાં શુદ્ધ પારદર્શક જળ, હરિખોહની લીલીછમ હરિયાળી, સાગ-સરાઈનાં વનો અને સદા સત્ય નર્મદાનાં કોતરો સિવાય જેણે કંઈ જોયું જ નથી એવી એ વનબાળા બીજે ક્યાંક જતી રહે તોપણ જીવે શી પેરે?
‘આપણે પોલીસને જણાવીએ તો?’ મેં સુપરિયાને પૂછ્યું.

‘આટલો સમય નથી.’ સુપરિયાએ ઉતાવળે ચાલતાં જ જવાબ આપ્યો, ‘વળી શહેરના થાણામાં બે-ત્રણ પોલીસ માંડ હશે.’ પછી જરા રહીને ઉમેર્યું, ‘ને મારે પુરિયાને બચાવવા બીજા પાંચને મરવા નથી દેવાના.’

આવી પરિસ્થિતિમાં પણ સુપરિયા આટલું સ્પષ્ટ વિચારી શકે છે તે મને ગમ્યું. તેની દૃઢતા વધતી જતી હતી. અમે ઝડપથી આગળ ચાલ્યાં.

વચ્ચેવચ્ચે તીર-કામઠાં લઈને નિશ્ચલભાવે એક જ દિશામાં ચાલ્યા જતા આદિવાસી પુરુષો અમને મળતા રહ્યા. તેમને જોતાં મને સમજાઈ જતું કે આ બધા જો એક જ વિચારે એક જ સ્થળે ભેગા થવાના હોય તો પોલીસ તો શું ખુદ સુપરિયા કે ગણેશ શાસ્ત્રી પણ તેમને થંભાવી શકવાનાં નહિ.

ઈશ્વર જેવું કંઈ હોય તો માત્ર તે જ હવે પુરિયાને સહાય કરી શકે અથવા તેનું સર્જેલું એવું બીજું કોઈ આ સૃષ્ટિ પર હોય તો તે.

ધુલીટોલાનાં વનો સુધી પહોંચતાં દસ-સાડાદસ થઈ ગયા. પથ્થરો અને ઢોળાવો પર સતત ચાલ્યા કરવાથી મારા પગ છોલાતા હતા. ઝાડી-ઝાંખરાંના ઉઝરડા સુપરિયાના હાથ અને ગાલ પર નિશાન છોડતા જતા હતા, પણ તે પૂર્ણ સ્વસ્થ હતી. તેના વીખરાયેલા વાળ, વેરવિખેર મુખભાવો અને અસ્તવ્યસ્ત કપડાં પાછળ તેનું મન કોઈ અતૂટ વિશ્વાસ ધરાવતું હોય તેમ તે નિશ્ચલ ચાલી જતી હતી.

ધુલીટોલા પહોંચતાં પહેલાં વચ્ચે પાકી સડક પાર કરીને નાળામાં ઊતરી જવાનું થશે. આ રસ્તો મેં પુરિયા સાથે ફરવા આવતાં ઘણી વાર જોયો છે. આજે પણ પુરિયા જાણે ગાતી-નાચતી આગળ જતી મને દેખાય છે. દશેક મિનિટ અમે રોકાયાં. બિત્તુબંગાએ ખભેથી નાની પોટલી ઉતારી. તેમાંથી ચણા અને ગોળ કાઢ્યા. અમે ખાધું પછી તે બંને ઝરણામાંથી પાણી લઈ આવ્યા.

મોસમનો પહેલો વરસાદ કદાચ અત્યારે જ પડશે તેવું લાગતું હતું. વાદળો પાછળ તોફાન સંતાયેલું હોય તેમ આકાશ સૂમસામ, નિ:શબ્દ અને સ્થિર હતું.
સુપરિયા અને હું બંને ઉદ્વિગ્ન છતાં શાંત હતાં. ગણેશ શાસ્ત્રીના વાક્ય ‘શ્રદ્ધા હોવી જોઈએ’ની જાણે કસોટી કરી રહ્યો હોઉં તેમ હું શ્રદ્ધાવાન થવાની કોશિશ કરતો ચાલતો રહ્યો. સુપરિયાના મુખ પર દૃઢતા અને વિશ્વાસ ટકી રહેલાં મેં જોયાં; પણ હજી મને પોતાને આવો ભાવ જાગ્યો ન હતો.

સૂમસામ સડક, ચારે તરફ ટેકરીઓથી ઘેરાયેલી વનભૂમિને ચીરતી ચાલી જતી ડામરની પાકી સડક, માથે ગોરંભાયેલું પણ હલચલરહિત નિશ્ચલ આકાશ.
અચાનક સામે એક ટેકરી પર વીજળી પડી. મેં ચમકીને ભયાનક ગડગડાટી સાંભળવા જાતને તૈયાર કરી, પણ મોટા ચચરાટ સિવાયનો કોઈ અવાજ થયો નહિ.
થોડે આગળ વધતાં જ આકાશમાંથી જાણે કાપડનો ચંદરવો ચિરાતો હોય તેવા ચચરાટ સાથે તેજલિસોટો બીજી એક ટેકરીને સ્પર્શ્યો. સુપરિયા પણ ચમકી ગઈ. અમે બંને જણ ડામરની સડક પર પહોંચ્યાં. સડક પાર કરીએ તે પહેલાં તો કાળા આકાશમાંથી લંબાતો એક તેજલિસાટો સડક પર તતડી ઊઠ્યો. માથા પર મહાવસ્ત્ર ચિરાતું હોય તેવો ચચરાટ થયો. સુપરિયાએ મને હાથ પકડીને ખેંચ્યો અને અમે બંને જણ દોડીને સડક પાર કરી નાળામાં ઊતરી ગયાં. બિત્તુબંગા પણ પાછળ જ આવ્યા.
મારાં ગાત્રોમાં ભય વ્યાપી ગયો. સુપરિયા પણ થથરી ગઈ હતી. સાવ આટલે નજીક, કદમ-બે-કદમ દૂર વીજળી પડે અને કોઈ માણસ જરા પણ ઈજા વગર બચી જાય તેની મનોદશાનું વર્ણન કરવું અશક્ય છે. સ્વયં અનુભવ્યા વગર એ સ્થિતિને સમજવી શક્ય નથી. કહી કે લખીને એને વર્ણવવાનું સામર્થ્ય ભાષા પાસે નથી હોતું. એ એક એવી સ્થિતિ છે જ્યાં ભય, અભય, દુ:ખ, આનંદ અને સ્મૃતિઓ સહિત અનેકવિધ લાગણીઓ મનને ઘેરી વળે છે. એ અનુભૂતિ પાસે ભાષા મૂક રહી જાય છે.
અમે નાળામાં ઊતર્યાં અને વરસાદનાં મોટાં ફોરાં પડ્યાં. સૂકાં પાંદડાંઓ પર અને વૃક્ષો પર પડતાં ટીપાંએ વન ગજવી મૂક્યું. મને હતું કે હવે ઝંઝાવાતી પવન ફૂંકાશે અને આકાશ ધમરોળાશે; પણ એવું ન થયું. ટપ…ટપ છાંટા પડતા રહ્યા અને બાકીનું વાતાવરણ સ્થિર રહ્યું. હવામાં સુગંધ પ્રસરી, પણ ઠંડક ન થઈ. થોડી વારે છાંટા પડતા પણ બંધ થઈ ગયા.

સુપરિયાનું ધ્યાન આ કશામાં ન હતું. તે પુરિયા પાસે પહોંચવા અને શક્ય તે તમામ પ્રયત્ને તેને બચાવી લેવા સિવાયનું કશું વિચારતી નહિ હોય તેવું મને લાગ્યું.
મને શરમ આવી. સુપરિયા આટલી નાની વયે પણ માતા પોતાના બાળકને માટે કરે તેટલી દૃઢતાથી પુરિયા માટે બધું જ કરી છૂટવા ઇચ્છે છે. સુપરિયા જે રીતે આ આદિવાસીઓને પ્રેમ કરે છે. તેમની ચિંતા કરે છે, એમાંનું કંઈ હું કરતો નથી. જ્યાં સુધી હું એ નહિ કરી શકું ત્યાં સુધી કદાચ હું એક શિક્ષક તરીકે ખ્યાતિ પામીશ, બેએક આદિવાસી જાતિઓ પર રીસર્ચ પેપર કે રીપૉર્ટ તૈયાર કરીશ. બસ, એથી વિશેષ કશું નહિ હોય.

હું ઈશ્વરમાં માનતો નથી, મેં ક્યારેય પ્રાર્થના કરી નથી, છતાં આ પળે મનોમન ઇચ્છતો હતો કે એવી કોઈ શક્તિ જો આ સૃષ્ટિમાં હોય તો તે મને આટલો પ્રેમ અને આટલી સમજણનું દાન કરે કે આ સદા-સદા સત્ય ઋક્ષશૈલા નર્મદાનાં પરમપારદર્શક જળ જેવી નિર્મળ મતિથી, હું જેને ગંદાં, અભણ અને ગમાર માનું છું, તેઓને ચાહી શકું.

ધુલીટોલા પહોંચતાં જ સુપરિયા અને હું આદિવાસીઓનાં ટોળાં પાર કરતાં સીધાં જ ચોરા તરફ ગયાં. ગામમાં ઝૂંપડાંઓ ખાલી હતાં. માણસો ગામબહાર ટોળે મળ્યાં છે. ચોરામાં ત્રણચાર જાતિના ડાયાઓ, એક સ્ત્રી અને બીજા બે પુરુષોથી વધારે કોઈ હતું નહિ.

ડાયાઓએ સુપરિયાને હાથ જોડ્યા, પણ મારી હાજરી તેમને બહુ ગમી હોય તેવું લાગ્યું નહિ. બિત્તુબંગા ચોરાથી દૂર એક પથ્થર પર બેઠા.

‘ડોશી!’ સુપરિયાએ પેલી સ્ત્રીને કહ્યું, ‘શી છે આ બધી ધમાલ?’

તે સ્ત્રી એકદમ પોક મૂકીને રડી પડી, ‘પુરિયા ડાકિન ભઈ લી રે… ઓ મા રે! મારી છોરી ડાકિન ભઈ લી!’

સુપરિયા ડોશીની પાસે બેસી ગઈ અને ખિજાઈને કહ્યું, ‘રોયા વગર વાત કર. શું થયું?’ પણ પુરિયાની મા રડતી જ રહી અને રડતાં-રડતાં તેણે જે કહ્યું તે સાંભળીને મારાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં: પુરિયાની બહેન રામબલીનો છોકરો ગઈ કાલથી ગુમ હતો. બધાં તેને શોધતાં હતાં ને આજ પરોઢે નદીની ભેખડમાં જોયું તો પુરિયા અડધો ખાધેલો છોકરો લઈને બેઠી હતી.

માની ન શકાય તેવી હકીકત સાંભળીને હું મૂઢ થઈ ગયો. પુરિયા બાળકને મારી ખાય તે માનવા હું કોઈ કાળે તૈયાર ન હતો. સુપરિયાએ પાછળ ફરીને પેલા

પુરુષોમાંના એકને પૂછ્યું, ‘રામબલી ક્યાં છે?’

‘ભાગ ગઈ.’ તેણે કહ્યું, ‘કા વાસ્તે ઈહાં રુકે? ડાકિન ઉસે છોડેગી કા?’

‘ભાગવા શું કામ દીધી? તારી વહુ પર આવડું આળ ઓઢાડે એને ભાગવા દેવાય?’

‘છોરે કો ખા ગઈ. રામબલી કો બી ખા જાવે. કા વાસ્તે રુકે ઓ?’ પેલાને કંઈ ખબર જ ન પડી. પુરિયાનો મરદ ખરેખર ગમાર છે તેની મને ખાતરી થઈ ગઈ.

હવે મને લાગ્યું કે મારે સુપરિયાની વહારે જવું જોઈએ. મેં આગળ આવીને કહ્યું, ‘છોકરાને કોઈ જાનવરે મારી નાખ્યો હોય અને પુરિયા તેને લઈ આવતી હોય…’ હું પૂરું બોલી રહું તે પહેલાં સુપરિયાએ હાથ લંબાવીને મને કંઈ ન બોલવા ઇશારો કર્યો. હું અટકી ગયો.

સુપરિયાએ પેલી સ્ત્રીને કહ્યું, ‘સારું, હવે સાંભળ, હું પુરિયાને મારી સાથે લઈ જાઉં છું. ત્યાં જ રાખીશ. અહીં નહિ આવવા દઉં.’

મારા અનહદ આશ્ચર્ય વચ્ચે પુરિયાની મા, તેનો પતિ અને ત્રીજો તેનો ભાઈ હોય તેવો દેખાતો પુરુષ એકસાથે બોલી ઊઠ્યાં, ‘નીં જાણે દે. ડાકિન ભઈ તો મારની પડેગી. કાટ કે જલાવેંગે.’

‘એમ જીવતા માણસને કાપી ન નખાય.’ મેં હવે બીક બતાવતાં કહ્યું, ‘હું થાણામાં ખબર કરીશ તો પોલીસ પકડી જશે ને પૂરી દેશે.’

જવાબમાં પેલા લોકો કંઈ ન બોલ્યા પણ એક ડાયો બોલ્યો, ‘ડાકિન કો મારે હેં, પુલીસ કો કા લેણાદેણા? માનુસ કો થોડા મારતે હેં?’ અને મારા અજ્ઞાન પર તે થોડું હસ્યો.

‘પુરિયા કયાં છે?’ સુપરિયાએ ઊંચે સ્વરે પૂછ્યું પણ કોઈએ જવાબ ન આપ્યો. ‘કયાં છે પુરિયા?’ તેણે ફરી પૂછીને પુરિયાની માનો ખભો પકડીને તેને હલબલાવી નાખી.
‘બંદ કીથી હે. મારે ઘરમેં.’

સુપરિયા આગળ કંઈ બોલ્યા વગર સામેના બંધ બારણાંવાળા ઘર તરફ ગઈ. હું પણ પાછળ ગયો. બીજા કોઈએ અમને રોક્યાં નહિ તેથી મને નવાઈ પણ લાગી અને નિરાંત થઈ.

સાંકળ ખોલી તો સામે પુરિયા. તેના હાથે અને ગાલે લોહીના ડાઘ હતા. કદાચ તેણે બાળકના મૃતદેહને વહાલ કર્યું હશે.

‘ચાલ, પુરિયા, ઊભી થા.’ સુપરિયાએ અંદર જતાંવેંત પુરિયાનો હાથ પકડ્યો.

‘છોડ, છોડ મુંને.’ પુરિયાએ આંખો ફાડીને જવાબ આપ્યો. મારા આશ્ચર્યની સીમા ન રહી. પુરિયા સ્વયં સુપરિયાને આમ કહે તે હું જોવા-સાંભળવા છતાં માની ન શક્યો.
‘પુરિયા, ચાલ, ઊભી થા.’ મેં પણ કહ્યું.

‘ચલા જા ઈહાં સે!’ તે ગરજતી બોલી, ‘ખા જાઉં તુંને! દેખતા નંઈ? મું ડાકિન ભઈ લી.’ તેનો દેહ ધ્રૂજતો હતો.

સુપરિયાએ સામે એવી જ ચીસ પાડી, ‘કોણ કહે છે તું ડાકણ છે?’

‘મેરા મરદને બી બોલા.’ પુરિયાએ કહ્યું, ‘રામબલી બોલા. સબ ડાયા લોગ બોલા. મું ડાકિન ભઈ લી.’ અને પછી ઉમેર્યું, ‘રામબલી કા મરદ બી બોલા. મું છોરે કો ખા ગઈ!’
અચાનક મારા મનોજગતમાં અનેક સમીકરણો રચાઈ ગયાં. માનવસંબંધો, લાગણીઓનાં કેવાં નાજુક જાળાં રચતાં હોય છે તે મને પ્રત્યક્ષ દેખાયું. રામબલીનો, પોતાની માનો, ડાયાઓનો – બધાંનો આક્ષેપ પુરિયા સહી જાત, પોતાનો પતિ તો પોતાની સહાયે આવવાનો જ નથી તે પણ પુરિયા જાણતી હતી, પણ રામબલીનો પતિ, તેનો બનેવી, જેની સાથે તે હસતી, રમતી, આનંદતી તે તેનો સાચો મિત્ર પણ પોતાને સમજી ન શક્યો તે વાત પુરિયાનું મન જીરવી ન શક્યું. જે પળે રામબલીના પતિએ તેને ડાકણ કહી અને પોતાના બાળકની હત્યારણ ગણી તે જ ક્ષણે પુરિયાએ સ્વીકારી લીધું કે પોતે ડાકણ થઈ છે. આવા નજીવા કારણસર તે સ્ત્રી મરવા તૈયાર થઈ છે. તેના મનમાં શું છે તે અંતર્યામી જાણે અને સત્ય શું છે તે નદીની અવાવરુ ભેખડો જાણે છે.

આદિવાસીઓનો શોરબકોર અને ખડ્ગની ધાર આ બંનેમાંથી કોઈની ભાષા સમજશે નહિ. હવે શું કરવું તે અમે વિચારી ન શક્યાં. ઝૂંપડીમાંથી બહાર નીકળીને સુપરિયાએ આજુબાજુ જોયું. દરમિયાન પુરિયા બહાર ધસી આવી અને ડાયાઓ તથા બીજા બે પુરુષોએ મળીને તેને પકડી લીધી. ડાયાઓએ કંઈક વિચિત્ર સાદ કર્યો અને ગામ બહાર ઊભેલા જુવાનિયાઓ દોડી આવ્યા.

અમે ઘેરાઈ ગયાં. પુરિયા પોતે છૂટવા માટે જરા પણ તૈયાર હોત તો અમારો પ્રયત્ન સાર્થક થાત, પણ આટલા બધાની સાથે તે પણ અમને દૂર ધકેલતી હોય તેમ ખસી ગઈ.

ટોળું આગળ ચાલ્યું. પુરિયાને ઊંચકી લેવામાં આવી. ચોરા પર ચડીને કેટલાક યુવાનો આ તાલ જોતા હતા. રામબલીનો વર પણ તેમાં હતો. અચાનક સુપરિયા ચોરાના ઓટલે ચડી અને જોરથી બૂમ પાડી. ‘પુરિયા… હો…’

પુરિયાએ ચોરા તરફ જોયું તે જ પળે સુપરિયાએ હતી તેટલી તાકાતથી રામબલીના વરના મુખ પર તમાચો જડી દીધો. બધા હતપ્રભ થઈને જોતા રહ્યા અને વળતી જ પળે પુરિયાએ છૂટવાનો પ્રયત્ન કરતાં ચીસ પાડી, ‘મુંને નીં ખાયા છોરે કો!’

પણ એ પહેલાં તો ટોળું હો… હો કરતું દોડ્યું અને વળાંકમાં ઢોળાવ ઊતરી ગયું. બિત્તુબંગા આવ્યા ત્યારથી પથ્થરની મૂરત જેમ બેસી રહ્યા હતા તે ઊભા થઈને સુપરિયા પાસે આવી ગયા. હવે શું કરવું તે વિચારતો હું મૂંઝાઈને ઊભો રહ્યો.

સુપરિયા ઢીલી પડી ને ચોરા પર બેસી પડી. બિત્તુએ કહ્યું, ‘માર દેંગે, સામ તલક. અંધેરા હોવે તો ડાકિન કો નીં માર પાવે.’

આસુરી શક્તિ રાત્રે બળવત્તર બને છે તે ખ્યાલે ડાકણનો વધ સાંજ પહેલાં કરવાની તૈયારી થઈ ચૂકી હતી. જે નદીની ભેખડોમાં તે મળી આવી હતી ત્યાં જ તેનો અંતિમ શ્વાસ લેવાશે.

સુપરિયા ઊઠી. કંઈક નિર્ણય કર્યો હોય તેમ તેના મુખભાવો બદલાયા. બાજુના ઝૂંપડાના છાપરામાં ભરાવેલી મોટી ફરસી ખેંચીને તેણે હાથમાં બરાબર પકડી અને પૂરા વેગથી તે નદીના વળાંક તરફ દોડી.

તે શું કરવા જઈ રહી છે તે સમજાતાંવેંત હું ને બિત્તુબંગા તેની પાછળ દોડ્યા. મેં મારી તમામ શક્તિ ભેગી કરીને ચીસ પાડી, ‘સુપરિયા, રહેવા દેજે.’

પણ તે ઘણી ઝડપથી દોડી ગઈ. અમે પાછળ રહી ગયા હતા. તેને પકડી પાડીએ તે પહેલાં નદીના વળાંક પાસે તે પોતે જ થંભી ગઈ અને ફરસીને જમીન પર ફેંકી દીધી.

સુપરિયાની પીઠ અમારી તરફ હતી. વળાંક પાછળ નદીમાં તે શું જોઈ રહી છે તે અમને દેખાતું ન હતું.

ઉતાવળે પગલે અમે સુપરિયા પાસે પહોંચ્યા. વળાંક પાછળ જોયું તો નીચે ઊભેલું ટોળું શાંત થઈ ગયું હતું. નદીના સામા કિનારા પરથી ગંડુ ફકીર હથેળીમાં સળગતા કોલસા પર ધૂપ નાખીને ‘હટો-હટો’ કરતો ટોળા તરફ આવતો હતો. તેની પાછળ બે લંગોટધારી આદિવાસીઓ.

તે ત્રણેય જણની પાછળ મુખ ઢાંકતું મલીર ઓઢીને દૃઢ પગલે ચાલી આવતી હતી કાલેવાલી મા. પાછળ થોડે દૂર સાઠસાલી ટોળાના થોડા યુવાનો દૃઢતાથી ઊભા રહીને તેમની દેવીને જતી જોઈ રહ્યા હતા.

હું નદી તરફ જવા આગળ વધ્યો કે સુપરિયાએ હાથ પકડીને મને રોક્યો. અમે ત્યાં જ ઊભાં રહીને જોયા કર્યું.

આદિવાસીઓના ટોળામાં કેડી પડી ગઈ. ગંડુ ફકીર તે કેડી વચ્ચે આગળ વધ્યો. ધૂપવાળી હથેળી તેણે આગળ ધરી રાખી હતી.

પુરિયા પાસે પહોંચતાંવેંત તેણે ધૂપનો ધુમાડો પુરિયાના મુખ પર ફેરવ્યો. બીજે હાથે ઝોળીમાંથી કંઈક કાઢીને પુરિયાને માથે ફેંક્યું અને તરત જ પુરિયાનો હાથ પકડીને પાછો ટોળામાંથી બહાર તરફ ચાલ્યો.

કાલેવાલી મા ટોળા સુધી ન આવતાં થોડે દૂર ઊભી હતી. પુરિયાને ખેંચતો ગંડુ ફકીર કાલેવાલી મા પાસે પહોંચ્યો. ટોળા સામે જોઈને તેણે સળગતો ધૂપ અને કોલસા પુરિયાની આજુબાજુ વેર્યા અને મોટે અવાજે બોલ્યો, ‘બાંધે હે માને ઈસ ડાકિન કો. લે જા કે બંધ કર દેગી; ફિર કભી નહિ આયેગી યે યહાં પે.’

આટલું કહીને ગંડુ ફકીર ચાલતો થયો. પુરિયા, કાલેવાલી મા અને પાછળ સાઠસાલી ટોલાના લંગોટધારી યુવાનો પણ ધીમેધીમે સામા કિનારાની ભેખડો પાર ચાલ્યાં ગયાં. આ બધું એટલું ઝડપથી બની ગયું કે કોઈ કંઈ વિચારે અને બોલે તે પહેલાં તો પૂરું થઈ ગયું હતું.

સુપરિયાએ મારી સામે જોયું. તેના મુખ પર શાંતિ જોઈને મને આનંદ થયો. ગામમાં ગયા વગર અમે સીધાં જ સડક તરફ ચાલ્યાં. બિત્તુબંગા અમારી આગળ ચાલ્યા.

રસ્તે ચાલતાં સુપરિયા બોલી, ‘ઝૂરકા, તેં કામ કર્યું ખરું.’ મેં ચમકીને સુપરિયા સામે જોયું.

મેં પણ ઝૂરકાને બિરદાવ્યો, ‘કાલેવાલી મા, ગંડુ ફકીર – બધાંને એકસાથે સમયસર પહોંચાડવા ઝૂરકો આટલા ટૂંકા સમયમાં ન જાણે ક્યાં-ક્યાં પહોંચ્યો હશે!’
સુપરિયા માત્ર મલકી.

અબુધ આદિવાસીઓના ભોળા ગુનાઓને ધોઈ નાખવા હોય તેમ આકાશ ઓચિંતું વરસવા મંડ્યું. જેમતેમ અમે સડક સુધી તો પહોંચ્યાં. હવે બીજા બે-સવાબે કલાક આ વર્ષામાં, વનોમાં ચાલવું શક્ય ન હતું. સડક પર જ પલળતાં બેસી રહ્યાં અને એક ટ્રક આવી તેમાં બેસીને શહેર સુધી પહોંચ્યાં. ગુપ્તાજી ઘરે જ હતા. તેમનાં પત્ની અને મા પણ હતાં.

‘અબ ઈસે લગાયા અપને પાછળ. છોરી, તન્ને તો કયા કહું?’ માજીએ અમને બંનેને ધમકાવ્યાં. વરસાદમાં પલળતાં આવ્યાં હતાં એથી માજીને જેટલો ક્રોધ આવ્યો હતો એટલી જ ચિંતા થઈ. તરત જ અમને અંગૂછા અપાયા. બિત્તુબંગાને પણ ખાદીના ગમછા જેવું આપ્યું.

‘લે, મેરે પોતે કા હે. આ જાવેગા તુંને’ કહેતાં મને નવા જ લેંઘો-ઝભ્ભો કાઢી આપ્યા. સુપરિયાને તો ગુપ્તાજીનાં પત્ની અંદર લઈ ગયાં. મેં બાથરૂમમાં અને બિત્તુબંગાએ ફળીના કમરામાં કોરા જઈને કપડાં બદલ્યાં.

તરત જ ચા અને પકોડાં આવ્યાં. આટલું ઝડપથી બધું જ સંભાળી લેવાની આવડત માત્ર સ્ત્રીમાં જ હોઈ શકે તેવું વિચારતાં મેં બધાંની સાથે નાસ્તો કર્યો.

‘કહાં ભટકતે થે?’ પાર્વતીમાએ પૂછ્યું. જવાબમાં સુપરિયાએ તેમને બધી વાત કહી. માજીએ ધીરજપૂર્વક બધું સાંભળ્યું અને સ્વગત બોલતાં હોય તેમ જે શબ્દો કહ્યા તે પરથી મેં જાણ્યું કે સુપરિયાએ એક જ રાતમાં વીસવીસ ગાઉનો પંથ કાપીને ધાડ પાડવાની આવડત ધરાવતા યુવાન ઝૂરકાની શક્તિનો સન્માર્ગે ઉપયોગ કરી જાણ્યો અને ઝૂરકાએ તે વિશ્વાસથી નિભાવી જાણ્યો.

રાત્રે બધાં જુદાજુદા ઓરડામાં સૂતાં. બહાર તો વરસાદ હતો. માજી રાત્રે એક આંટો મારા કમરામાં પણ મારી ગયાં. મેં સૂતાં-સૂતાં જોયા કર્યું. મને બરાબર ઓઢવા-પાથરવાનું મળ્યું છે તે અને હું સૂઈ શક્યો કે નહિ તે જોવા આવ્યાં હશે. મોડું થઈ ગયું ન હોત તો કદાચ હું હાલરડું સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરત.

સવારે ગુપ્તાજીએ ઉતાવળ કરાવી, ‘ઠહરે હોંગે લોગ હમારી રાહ મેં.’ કહેતા તે જલદીજલદી બહાર નીકળ્યા. તેમને કોઈ કામસર જવું હશે તેવું લાગ્યું. અમે પણ ઝડપથી તેમની સાથે ગયાં. ડ્રાઇવર જીપ તૈયાર કરીને બજારમાં આવી ગયો હતો. અમે બેઠાં કે તરત નીકળ્યા.

થોડે દૂર જતાં જ બે-ચાર આદિવાસીઓ રસ્તાની કોરે બેઠેલા દેખાયા. ગઈ રાતના વરસાદથી ધોવાઈને સ્વચ્છ થયેલાં વનોની હળવાશ આદિવાસીઓનાં મુખ પર દેખાતી ન હતી.

ગુપ્તાજીએ જીપ ધીમી પડાવી. જીપ ઊભી રહી કે પેલા ટોળામાંથી બે-ત્રણ જણ આગળ આવ્યા. એક જણે રોકડ રકમ ગુપ્તાજીને આપી, બીજાએ મધ આપ્યું અને ત્રીજો હાથ જોડીને ઊભો.

‘અગલી પૂરણમાસી પર દેના.’ ગુપ્તાજીએ કહ્યું.

આ સાથે જ મને યાદ આવ્યું કે ગુપ્તાજીને વ્યાજ દેવાનો આ દિવસ છે. બાબરિયાએ મને આ કહેલું તે સમયે મને હતું કે વ્યાજ આપવા ગુપ્તાજીની દુકાને જવું પડતું હશે. આમ રસ્તાની કોરે બેસીને જીપ લઈને આવતા ગુપ્તાજીની રાહ જોવાતી હશે તેની મને ખબર ન હતી.

ગુપ્તાજીને મેં આ પ્રથા વિશે પૂછ્યું તો કહે, ‘હિંમત નહિ જુટા પાતે શહરમેં આનેકી. બસ યહાં તલક આવેંગે.’

જીપ ચાલી. હું અરણ્યોના નવા રૂપને નીરખતો બેસી રહ્યો. પાછળ રસ્તો સરતો જતો હતો. હવે ચોમાસું આવ્યું એટલે લીલોતરી વધશે. જંગલો જાતજાતનાં વેલબુટ્ટાઓથી સોહામણાં શોભી ઊઠશે. પતંગિયાં અને જીવજંતુઓ પ્રકૃતિનાં રહસ્યોને છતાં કરવા આવી પહોંચે.

વળી થોડે આગળ અર્ધનગ્ન આદિવાસીઓ ટોળે મળીને ઊભા હતા. જીપ ઊભી રહી. વ્યાજ-રૂપે પૈસા અથવા મધ કે કોળું-કાકડી જમા કરવાનો સિલસિલો ચાલ્યો. આવો આર્થિક વ્યવહાર મેં અગાઉ ક્યાંય જોયો-સાંભળ્યો ન હતો. ભૂતકાળમાં ગુપ્તાજી પાસેથી થોડીઘણી રકમ કે અનાજ-કાપડ ઉધાર લીધાં હશે એ એકમાત્ર કારણે આ અર્ધવસ્ત્રા આદિવાસીઓ આજે પૂનમ છે તે યાદ રાખીને વિકરાળ વનો અને ગિરિ-કંદરાઓ પાર કરતા આ રસ્તાની ધારે આવી પહોંચે છે. શહેરની દિશામાંથી જીપ ન આવે ત્યાં સુધી રાહ જોઈને બેસે છે.

‘એકાદ જણ પૈસા આપવા ન આવે તો તમે તેને ક્યાં શોધો?’ જીપ ઊપડી પછી મેં ગુપ્તાજીને પૂછ્યું.

‘શ્રી હરિ.’ ગુપ્તાજી મસ્તક પર હાથ ફેરવતાં બોલ્યા. પછી મારી તરફ ફરીને કહે, ‘એસા નહિ હોવે. વે લોગ જરૂર આવેંગે.’

‘કોઈ લખાણ-હિસાબ કર્યાં હોય તમે?’ મેં પૂછ્યું.

‘નહિ રે નહિ.’ ગુપ્તાજીએ કહ્યું, ‘લેન-દેન ચલતી રહતી હે.’ પછી ઉમેર્યું, ‘અગર મોટી બાત હોવે તો અપના ઘર લીખત દેતે હેં કભીકભી.’

‘ઘર?’ મને હસવું આવ્યું, ‘આ લોકોનાં ઘર તમે જોયાં છે?’

‘મેં પૈદા હી યહાં હુવા હું, ભાઈ.’ ગુપ્તાજીએ કહ્યું, ‘સબ જાનતા હૂં. કિસીકો ભી અપના ઘર નહિ હે.’ કહી થોડું અટક્યા. પછી ફરી ‘શ્રી હરિ’ બોલીને માથે હાથ ફેરવ્યો અને આગળ કહ્યું, ‘બરસાત મેં બેહ જાવે. દિવાલી પે બને ઈનકી ઝોંપડિયાં ઓ બી સરકારી જમીન પર. ન કોઈ ખત ન કોઈ દસતાવેજ.’ કહીને ગુપ્તાજીએ ઊંડો શ્વાસ લીધો અને એકલા જ બોલતા હોય તેમ બોલ્યા, ‘ફિર ભી ઘર તો આખિર ઘર હોતા હે. તુમ નહિ સમજોગે.’

મને સમજાઈ ગયું – બહુ સ્પષ્ટ સમજાઈ ગયું કે આ ભલાભોળા આદિવાસીઓએ જે ગીરવે મૂક્યું હોય તે ઘર નથી જ હોતું. ઘર તો માત્ર બહાનું છે. આ લોકો ગીરવે મૂકે છે સ્વયં પોતાની જાતને. દેવાદાર ઘર નથી. દેવાદાર છે ગુપ્તાજી પાસે ધન-અનાજ-કાપડ લેવા પગે ચાલીને ગયેલું અસ્તિત્વ અને તેનું નામ. એ અસ્તિત્વને, એ નામને બંધન છે કે તેણે દેવું અને વ્યાજ ચૂકવવાં. પૂનમને દિવસે વનો ખૂંદીને રસ્તાની એક તરફ ઊભા રહી જવાનો આદેશ આ બધાને પોતાને અંદરથી જ મળે છે, બહારથી નહિ.

આમાંનો કોઈ પણ દેણદાર જો પૈસા ન ચૂકવે તો ગુપ્તાજી કોઈ કાળે તેમનું લેણું વસૂલી શકે તેમ નથી. આ સત્ય હું જાણું છું, ગુપ્તાજી પણ જાણે છે અને સ્વયં પેલા દેવાદારો પણ જાણે છે. પરંતુ સાથેસાથે એ લોકો એ વાત પણ એટલી જ નિષ્ઠાથી જાણે છે કે તેઓ એવું કરવાના નથી. એમ ન કરવું તે જ ધર્મ છે. ગણેશ શાસ્ત્રીએ કહેલી તેવી સંસ્કૃતિની આજ્ઞા પણ હોઈ શકે. કદાચ આ સરળ સમજણ પણ એક કારણ હોય કે જેને લીધે આ દેશ હજારો વર્ષોથી ટકી રહ્યો છે.

ગણેશ શાસ્ત્રીએ મને જોવાનું, જાણવાનું, આ દેશનાં માનવીઓને ઓળખવાનું, ઘેરા-કાળા પથ્થરો વચ્ચેથી વહી રહેલી નર્મદા જેટલી જ જૂની આ સંસ્કૃતિના

તાણાવાણાની બારીકાઈને સમજવાનું સૂચવ્યું છે; પરંતુ મને લાગે છે કે હું મારું બાકીનું આખું જીવન માત્ર આ જ કામ માટે દેશાટન કરવામાં વિતાવું તોપણ દેશને – આ પ્રજાને પૂરેપૂરી ઓળખવાનું શક્ય નથી.”

12

“ચોમાસાએ હવે જમાવટ કરવા માંડી છે. સાગનાં મસ્તકો પરની લીલી કળીઓ હવે સફેદ ફૂલ બનીને મુગટ જેવા ગુચ્છ સર્જીને મહાલશે. ઠેકઠેકાણેથી ઝરણાંઓ દદડતાં ખીણમાં થઈને નર્મદામાં ભળવા દોડી જવા લાગ્યાં છે. ન જાણે ક્યાંથી અગણિત જીવડાંઓનાં ટોળાં ચારે તરફ ગુંજારવ કરતાં ઊડે છે. સુપરિયાએ અને મેં મળીને મચ્છરદાનીના ટુકડાઓથી બારીઓ પર પડદા લગાવ્યા છે. રાત્રે દીવાના અજવાળાથી આકર્ષાઈને આવતાં જીવજંતુઓ તે જાળી પર પાંખો ફફડાવતાં રહે છે.
ગઈ કાલ રાતથી પડતો વરસાદ સવારે રહી ગયો. બહાર આવ્યો તો સામે શણની કંથા પહેરેલો એક માણસ ઊભો હતો. મને કહે, ‘નર્મદે હર.’

‘નર્મદે હર’. મેં કહ્યું. પણ તે ગયો નહિ, કહે, ‘પરકમ્માવાસી હૂં, ચાતુર્માસ ઠહરૂંગા.’

‘પરકમ્માવાસી?’ મેં પૂછ્યું. પછી લાગ્યું કે કોઈ ઉપવાસી હશે એટલે તેને રસોડા તરફ દોરી ગયો અને કમળાને કહ્યું, ‘આમને જમાડવાના છે.’

‘ખુદ બના લેંગેં.’ પેલાએ કહ્યું, ‘પરકમ્માવાસી હૈ, માઈ.’

‘એ હોવ.’ કમળાએ સમજમાં ડોકું હલાવ્યું અને એક ડબામાંથી ચાવી કાઢીને મને આપતાં બોલી, ‘પરકમ્માવાસી હોવે હે.’

હું ચાવી લઈને ઊભો રહ્યો. કમળાને કંઈ પૂછું તે પહેલાં સુપરિયા આવી. કહે, ‘પરિક્રમાવાસીઓ માટે પાછળની ઓરડીઓ ખોલવી પડશે. બીજાઓ પણ આવશે, ચાતુર્માસ ગાળવા.’

‘શાની પરિક્રમા?’ મેં પૂછ્યું.

‘નર્મદાની.’ સુપરિયાએ કહ્યું. ‘વરસાદમાં જંગલના રસ્તાઓ બંધ રહે અને નર્મદામાં પૂર હોય એટલે પરિક્રમાવાસી જ્યાં સગવડ હોય ત્યાં ચાતુર્માસ ગાળે. આપણે પણ પરિક્રમાવાસીઓની સગવડ બને તેટલી સાચવીએ છીએ. કોઈ-કોઈ આવી ચડે તો રહે.’

નર્મદાની પરિક્રમા! આટલી લાંબી પથરાયેલી નદીની પરિક્રમા! મારા અચરજનો પાર ન રહ્યો. સુપરિયાએ મને જે વિગત સમજાવી તે જાણીને પણ હું ઘડીભર માની ન શક્યો કે કોઈ આવું કરે. નર્મદાકિનારાના કોઈ એકાદ સ્થળેથી માનવી પગપાળો આ યાત્રાએ નીકળી પડે છે, માર્ગમાં ભૂલથી પણ નર્મદાને ઓળંગી ન જવાય તે પ્રતિજ્ઞા સાથે. નગરો, મંદિરો, કસ્બાઓ, અરણ્યો અને પથ્થર-મઢ્યાં એકાંતો પાર કરતો તે નદીના ઉદ્ગમ સુધી પહોંચે છે. અમરકંટકમાં જે કુંડમાંથી આ મહાસરિતા વહી નીકળે છે તે કુંડને ફરીને તે સામા કિનારા પર એવી જ કઠિન યાત્રા કરતો, નર્મદાનાં નિર્મળ જળ જ્યાં સાગરને મળે છે ત્યાં સુધી જાય છે. સાગર-સંગમ-બિન્દુની પ્રદક્ષિણા કરીને પાછો ફરે છે એ સ્થળે જ્યાંથી તેણે આ યાત્રા શરૂ કરી હતી. આમ પૂરી થાય છે આ બારસો માઈલ લાંબી પથરાઈને વહેતી નદીની પરિક્રમા! અને તે પણ કોઈ જવલ્લે જ કરે છે તેમ નથી, વર્ષોવર્ષ અનેક જણ આ યાત્રાએ નીકળી પડે છે. લ્યુસી આ જુએ-સાંભળે તો તેને કેટલો રોમાંચ થાય! એમાંયે સ્વયં નર્મદા કોઈક વખત પરિક્રમાવાસીને દર્શન આપે છે તે જાણીને તો તે ઉત્તેજનાથી પાગલ થઈ જાય.

મારું અચરજ જોઈને સુપરિયાએ મને કહ્યું, ‘આ વર્ષે પરિક્રમાવાસીની સેવા તમારા પર. તેમની સેવા કરવી તે લહાવો ગણાય છે.’

‘ભલે.’ મેં કહ્યું. પેલા અજાણ્યા પરિક્રમાવાસીને તેનો ઉતારો ગોઠવાવી આપ્યો. તેને સીધુંસામાન પહોંચાડીને પાછા વળતાં મેં પૂછ્યું, ‘બાબા, અહીં સુધી આવતાં તમને શા અનુભવો થયા તે મારે નોંધવું છે. તમને ક્યારે સમય હશે?’

તે હસ્યો અને કહે, ‘સબ કા સુમિરન સબ કરૈ. ભાઈ, કહા-સુના તુમ્હે કયા કામ આયેગા? તું ખુદ હી ચલ કર દેખ લો. યહી ઠીક રહેગા.’ મેં પરિક્રમાવાસી તરફ જોયું. તે ફરી મલક્યો અને પૂછ્યું, ‘ચલના હૈ તુઝે? તો છોડ યે સબ ઔર નિકલ લે.’

મને પણ આવી પરિક્રમા કરી જોવાની ઇચ્છા તો થઈ. પેલો અજાણ્યો માણસ કહે છે તેમ નીકળી પડીએ તો! આ વિચાર આવતાં જ મને નર્મદાનાં મેં જોયેલાં સ્વરૂપો આંખ સામે તરવર્યાં. આ નદી, આ નદીતટ સાથે હું કોઈ અદૃશ્ય દોરે બંધાયો છું. ‘નર્મદા રક્ષા કરે’ તેવા આશીર્વાદ આપનારા અને તે સદેહે પ્રગટ થઈને દર્શન આપે છે તેવું માનનારા માનવીઓના પ્રદેશમાં હું એ માન્યતાના સત્યાસત્ય પર વિચારું તો ‘ઈશ્વર શું છે? બ્રહ્મ શું છે? જેને આધ્યાત્મિક અનુભવો કહે છે તે અને સાક્ષાત્કાર શું છે?’ તે પણ વિચારવું જ પડે.

આવું કશું જ મેં કદી વિચાર્યું નથી, જાણ્યું નથી. કદાચ એટલે જ ભૂતકાળમાં મારા વર્ગોમાં મેં ઠેરવીઠેરવીને આવી ભ્રમણાઓને નકાર્યા કરી છે; પરંતુ આજે આ પરિક્રમાવાસીની વાત અને તેનું યાત્રાએ નીકળી પડવાનું નિમંત્રણ મને છાતી ઠોકીને ‘આવું કશું હોતું જ નથી’ તેમ કહેતાં રોકે છે.

પરિક્રમાવાસીને તેનું કામ કરવા દઈને હું મારા ઘર તરફ ચાલ્યો.

અઠવાડિયું થંભેલો વરસાદ ફરી શરૂ થયો. વનોએ હવે જાણે નવો જન્મ લઈ લીધો છે. સાગ-સરાઈનાં ખુલ્લાં થડને હવે ઉપર ચડતા વેલાઓએ ઢાંકી દીધાં છે.
ખીણોમાં જ્યાં-જ્યાં ગામડાંઓ છે ત્યાં માનવીની હિલચાલ વધી ગઈ છે. બહારના પ્રદેશોમાં મજૂરીએ અને બીજાં કામોએ ગયેલાં સ્ત્રી-પુરુષો વરસાદ થતાં જ પોતાનાં ખેતરો સંભાળવા પાછાં આવી ગયાં છે. અરણ્યો માનવ કોલાહલથી ગાઈ ઊઠ્યાં છે. ચોમાસાએ આદિવાસી કેન્દ્રના કેટલાંક કામને પણ ઠપ કરી દીધાં છે. હાથકાગળને અને ભેજને કોઈ કાળે બને નહિ. આથી એ કામ તો સાવ અટકાવી જ દેવું પડ્યું.

હા, પેલી તરફ પગથિયા-ખેતીમાં નાનીનાની ક્યારીઓ પાડીને ડાંગર રોપવાનું કામ શરૂ થયું છે. પર્વતો પર વાદળ-સૂરજની તડકા-છાંયાની ભાત, પાછળ લીલીછમ ખીણોની પશ્ચાદ્ભૂમાં જળભરી ક્યારીઓ, તેમાં નીચાં વળીને ડાંગર રોપતાં આદિવાસી સ્ત્રી-પુરુષો – જાણે કોઈ નવું જ જગત સર્જાયુ હોય તેમ હું મુગ્ધ બનીને આ બધું જોઈ રહું છું.

આજે મને પણ ડાંગર રોપવા જવાની ઇચ્છા થઈ. મેં કહ્યું કે ‘હું આવું છું’ તો બધા મજૂરો હસી પડ્યા. એક જણ કહે, ‘નીં હોવે. ની કર સકો હો.’

‘છો.’ મેં કહ્યું, ‘પ્રયત્ન તો કરી જોઈશ. ભલે ન ફાવે’ અને હું તેઓની સાથે ગયો. અમે ઢોળાવ પરની ક્યારીઓએ પહોંચ્યા ત્યાં વરસાદ શરૂ થયો. એક આદિવાસીએ શણનો કોથળો લઈ તેનો બોસલો બનાવીને મને ઓઢવા આપ્યો. મેં લેંઘાના પાયસા ગોઠણ સુધી ચડાવી દોરીથી બાંધી લીધા. વરસતાં વરસાદે મેં ડાંગરની ઝૂડી હાથમાં લીધી અને ક્યારીના પાળા પરથી ક્યારીમાં ઊતર્યો. ઊતરતાં જ મારો પગ કાંડાથી ઉપર સુધી કાદવમાં ખૂંપી ગયો. બીજો પગ પણ પાળા પરથી ઊપડી ગયો અને હું સમતોલપણું ગુમાવીને ભરી ક્યારીમાં ચત્તોપાટ પડ્યો.

તરત જ ગોમિયો દોડી આવ્યો. મને ઊભો કરતાં તેનું હસવું તે સંતાડી ન શક્યો. બાકીના બધા પણ ખૂબ હસ્યા. લાગણી સંતાડવાનું ન શીખેલી પ્રજાને ગુનેગાર ગણવી તે હવે મારા માટે શક્ય પણ ન હતું. હું પણ બધા સાથે મળીને ખૂબ હસ્યો.

આખા શરીરે કાદવ. વાળ અને મોં પણ ખરડાઈ ગયાં. પેલો શણનો બોસલો તો તરબોળ વજનદાર થઈ ગયો હતો. તેને ઊંચકીને બાજુ પર મૂક્યે જ વરસાદ કાદવ ધોવે. તે ઉપરાંત ઘરે જઈને નાહવું પડશે.

‘નિ કરાં અબ. બેઠ જાવ.’ ગોમિયાએ કહ્યું, પણ મેં માન્યું નહિ. કાદવ- નીતરતા ભીના શરીરે, વરસતા વરસાદમાં પલળતાં મેં ડાંગરની પહેલી પણી રોપી. ધરતી સાથે આવો નાતો હું પહેલી વાર બાંધતો હતો. શાળામાં અમે વૃક્ષો વાવેલાં, પણ એ તો તૈયાર ખાડામાં તૈયાર રોપા મૂકીને માટી-પાણી વાળી દેવા જેવું યાંત્રિક. આ ભરી ક્યારીમાં પોચીપોચી ધરતીના પટ પર ધાન રોપતાં જે અનુભવ થયો તે મારા માટે તદ્દન નવો હતો.

થોડી જ પળોમાં મને એ પણ સમજાવા માંડ્યું કે વરસતા વરસાદમાં ઉઘાડા શરીરે સતત નીચા નમીને ચપચપ ડાંગર રોપ્યે જતા માનવીની વેદના શી ચીજ છે. બરડો જાણે તૂટી પડશે એવું મને લાગ્યું. હું તો માત્ર આનંદ ખાતર આ કામ કરી રહ્યો છું. ગમે ત્યારે અધૂરું મૂકીને બહાર નીકળી જઈ શકું; પરંતુ જેઓને મૂઠી ધાન માટે આ કામ કરતા જ રહેવું પડે છે તેની વેદના કેટલી અસહ્ય બનતી હશે – તેની કલ્પના મને થથરાવી મૂકે છે.

હવે જ્યારે-જ્યારે ખેતરોમાં કામ કરતાં માનવીને જોઈને સૌંદર્ય માણવાનું વિચારીશ ત્યારે તરત મન બોલી ઊઠશે, ‘જગત દેખાય છે તેટલું રમ્ય નથી.’

આજથી ગણેશ શાસ્ત્રી પણ ચાતુર્માસ ગાળવા કેન્દ્ર પર આવ્યા. ચોમાસામાં હરિખોહનો માર્ગ બંધ રહે. પહાડ પાછળના પાકા રસ્તે વારંવાર તેમની પાસે જવું-આવવું પણ લાંબું પડે અને નર્મદા ક્યારે છલકાઈને તેમના શિવમંદિરે આવી ચડે તે કોણ કહી શકે? આથી દર વર્ષે ચાતુર્માસ ગાળવા શાસ્ત્રી અહીં આવી જાય અને આસો ઊતર્યે પાછા નર્મદાકિનારે જતા રહે. કોઈ વર્ષે અહીં ન આવે તો અમરકંટક જઈને રહે છે, તેવું તેમણે કહ્યું.

શાસ્ત્રીજીનો ઉતારો તો મેં મારા જ ઘરમાં રખાવ્યો. સાંજથી જ તેમને કહી દીધું, ‘તબલાં શીખવવાં પડશે.’ શાસ્ત્રીજીએ હસીને મંજૂરી પણ આપી. તેમનો સાજ-સામાન મેં બરાબર ગોઠવ્યો.

શાસ્ત્રીજી આવ્યા તે દિવસે જ એક વધુ પરિક્રમાવાસી પણ આવ્યો. તેને લઈને પાછળની કુટિયા પર ગયો. કુટિયા જોઈને તે કહે, ‘હમ પરકમ્માવાસી હૈ, ઐસી જગા મેં ઠહરાતે હો? જરા અચ્છી જગા દિખાઓ.’

મેં તેને સમજાવ્યો. બાબરિયા અને ગોમિયાને બોલાવીને તેની ઝૂંપડી સરખી કરાવી ખાટલો પણ મુકાવી આપ્યો, તોયે તેને પૂરો સંતોષ થયો હોય તેવું ન લાગ્યું.

‘પરકમ્માવાસી કી સેવા કરના નહિ જાનતે.’ એવું પ્રમાણપત્ર આપીને જ મને છોડ્યો અને ઉપરથી સંભળાવ્યું, ‘ઐસે પુન્ય મિલતા હે કયા?’

કોઈ માણસની અંગત સેવા કરવાનો અનુભવ મને ન હતો. એમાંય પુણ્ય કમાવાની વાત તો મારા મનના સાતમા તળે પણ વસે તેમ ન હતી. છતાં કેન્દ્રના નિયમનો ભંગ ન થાય તે માટે મેં કઈ જવાબ ન આપ્યો.

સાંજે હું તેને જમવાનું આપવા ગયો તે સમયે પણ તેણે ફરી ક્રોધ કર્યો અને ગમે તેવા શબ્દો બોલ્યો. તે પરિક્રમાવાસી હતો એથી એને તો શું કહું? પણ સાંજે સુપરિયાને કહ્યું, ‘તમારું આ પરિક્રમાવાસીની સેવાનું કામ મારાથી નહિ થાય.’

‘કેમ? પેલી નવી મૂર્તિ સાથે નથી ફાવતું?’ સુપરિયાને કોણ જાણે ક્યાંથી પણ સમાચાર મળી ગયેલા લાગ્યા.

‘હા,’ મેં કહ્યું, ‘એ માણસમાં મને કોઈ રસ નથી.’

‘એ માણસમાં તો મને પણ રસ નથી.’ સુપરિયાએ કહ્યું, ‘પણ તે પરિક્રમાએ નીકળ્યો છે એટલું પૂરતું નથી?’

‘તમે પુણ્ય કમાવા ઇચ્છો તો મને વાંધો નથી, મારે પુણ્ય જોઈતું નથી.’ મને હતું કે મારા આવા જવાબથી સુપરિયાને લાગી આવશે અને તે ‘સારું’ કહીને મને મુક્ત કરશે. પણ તે કંઈ બોલી નહિ, સહેજ હસી, ઊંડો શ્વાસ લીધો અને પછી મને પૂછ્યું, ‘તમે એમ માનો છો કે હું કોઈ માણસને સાચવું છું? અને એ પણ પુણ્ય મેળવવા ખાતર?’

પછી મને જવાબ દેવાનો સમય આપ્યા વગર અદબ ભીડીને બે ડગલાં ચાલીને દૂર ક્ષિતિજ તરફ જોતાં બોલી, ‘એવું માનતા હો તો તમે ભૂલ કરો છો.’ પછી એકદમ મારી તરફ ફરી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ‘સુપ્રિયા કે બીજા કોઈ જે આ સેવા કરે છે તે પરિક્રમાવાસી માણસને સાચવવા નથી કરતા, પરિક્રમાને સાચવવા કરે છે. હજારો વર્ષથી ચાલી આવતી એક પરંપરાને જાળવવામાં મારાથી બનતું બધું હું કરીશ. રેવાને કિનારે ઠેરઠેર આવેલાં મંદિરો, ગામડાંઓનાં સુખી-દુ:ખી કુટુંબો, કેટલાંય જાણ્યાં-અજાણ્યાં દાનવીરો કે સાવ ભોળા અબુધ આદિવાસીઓ પરિક્રમાવાસીને સાચવે છે તે એટલા માટે કે આ પરંપરા ટકી રહે. રહી પુણ્યની વાત તમે તો હવે ઘણું જાણ્યું છે. શાસ્ત્રોમાં પુણ્ય તો એક વચનથી વિશેષ શું છે?’

હું કંઈ બોલ્યો નહિ. મૌન સેવીને સુપરિયાનું આ નવું રૂપ જોઈ રહ્યો. તે આગળ બોલી, ‘પુણ્ય કમાવાની ઇચ્છા તો ત્યારે થાય જ્યારે હું આ પ્રથાને ધાર્મિક ગણતી હોઉં.’ કહીને તેણે આંખો વિસ્તારી અને બોલી, ‘આ તો ઋષિમુનિઓએ સર્જેલી સાંસ્કૃતિક પરંપરા છે – અમારી બીજી મોટા ભાગની પરંપરાઓની જેમ. આ પરિક્રમા દરમિયાન પરિક્રમાવાસી પુણ્ય ભલે મેળવતો હોય, પરંતુ એ ઉપરાંત જે મેળવે છે એનું સાંસ્કૃતિક મૂલ્ય તમે પરિક્રમા કરો તો કદાચ જાણી શકો.’

‘પણ આવા મૂર્ખને સાચવવાથી શો ફાયદો?’ મારું મન હજી માનતું ન હતું.

સુપરિયાએ મારા તરફ ફરીને કહ્યું, ‘તે મૂર્ખ હોય માટે તેની સેવા ન કરું અને જ્ઞાની માણસ હોય તો જ સાચવું તેવું કરીશ તે દિવસે હું પરિક્રમાની સેવા નહિ કરી શકું. માણસ કેવો છે એની મને ચિંતા નથી. તેણે પરિક્રમા લીધી છે એટલું જ મારા માટે પૂરતું છે. મારે પરિક્રમાની સેવા કરવાની છે, પરિક્રમાવાસીની નહિ.’

હું ઊંડા વિચારમાં પડી ગયો. જતાં-જતાં સુપરિયાએ કહ્યું, ‘આખો રેવાખંડ જે કરી શકે, અર્ધા ભૂખ્યા રહેતા આદિવાસીઓ પણ કરી શકે તે કામ આપણાથી નહિ થાય?’
‘થશે.’ અજાણી પ્રેરણાની અસર તળે હોઉં તેમ વિશ્વાસથી મેં જવાબ આપ્યો અને સુપરિયાને જતી જોઈ રહ્યો.”

– ધ્રુવ ભટ્ટ

તત્ત્વમસિ – પ્રાકકથન

તત્ત્વમસિ – ૧

તત્ત્વમસિ – ૨

તત્ત્વમસિ – ૩

તત્ત્વમસિ – ૪

તત્ત્વમસિ – ૫

તત્ત્વમસિ – ૬

તત્ત્વમસિ – ૭


One thought on “તત્ત્વમસિ : ૪ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)