રોલ નંબર સાત અને આઠ – અજય ઓઝા 3


રોલ નંબર સાત..

‘યસ સર’ નરેશ બોલ્યો. હમેશ કરતા પણ બમણા ઉત્સાહથી અને ઊભો થઈ ને એ બોલ્યો, ‘યસ સરર..’ મારું ધ્યાન ખેંચવા માટેની એની હરકત બહુ સ્પષ્ટ જણાઈ આવી.

‘કેમ નરેશ.. આજે તો કંઈ બહુ ઉત્સાહમાં? શું વાત છે?’ મેં પૂછ્યું એટલે એ ફરી ઊભો થયો. મેં ધ્યાનથી જોયું તો તેણે આજે પહેલી જ વાર યુનિફોર્મ પહેર્યો હતો, નવો યુનિફોર્મ.

‘અરે વાહ, યુનિફોર્મ આવી ગયો? બહુ સરસ ભાઈ.’ મેં શાબાશી આપી. પણ એ બેઠો નહિ, મારી પાસે આવ્યો. ‘સાયબ, ડ્રેસમાં મારો ફોટો..’

‘અરે હા, ચાલ નવા યુનિફોર્મમાં તારો ફોટો તો લેવાનો જ હોય ને.’ કહી મેં એનો ફોટો પાડ્યો અને ટેબ્લેટના રજીસ્ટરમાં એના પ્રોફાઈલમા સેટ કર્યો ત્યારે તેનો જૂનો ફોટો અને જૂની યાદોના એનીમેશન આપોઆપ આંખ સામે ‘પ્લે’ થવા લાગ્યા.

મારા વર્ગમાં નરેશ એક માત્ર એવો વિદ્યાર્થી હતો જેણે ક્યારેય યુનિફોર્મ પહેર્યો જ નહોતો. વરસે દહાડે બે જોડી યુનિફોર્મ માટે શિષ્યવૃત્તિના પૈસા દરેકને આપવામાં આવતા. એટલે ગરીબ મા-બાપ પણ પોતાના બાળકને યુનિફોર્મ અપાવી શકે. નરેશને પણ એ પૈસા મળતા.

હું દર વરસે નરેશના પપ્પાને બોલાવીને રૂબરૂ જ પૈસા આપતો અને ખાસ સૂચના આપતો કે આ વરસે આ પૈસામાંથી યુનિફોર્મ લેવાનો ભૂલશો નહિ. તેના પપ્પા સંમતિમાં માથું હલાવી પૈસા લઈ જાય, પણ યુનિફોર્મ અપાવે નહિ. નરેશને પૂછીએ તો એ કહે કે મને ખબર નથી, મારા પપ્પા ડ્રેસ અપાવે તો પહેરું ને. એના પપ્પાને પૂછું તો એ પણ વાત ઉડાવી દે, ‘શું સાયેબ તમે પણ..? ડ્રેસ ન પેરે તો છોકરો ભણશે જ નહિ? નો ભણે તોયે હું? અમારે તો મજૂરી જ કરવાની હોય ને!’

એકવાર તેના મમ્મી આવ્યા ત્યારે એણે ચોખવટ કરી, ‘શું કહુ સાહેબ? આનો બાપ કમાતો ધમાતો કાંય નથી, ને રાત પડે પીવા જોવે. દારૂની લતે ચડી ગ્યો છે. તમે જે પૈસા આપો છો એ બધાયે એમા જ ઉડાડી દેય છે, કઈ કહીયે તો આપણને ય ધોલધપાટ કરે, આ નરિયાને ય મારે, હાથ ઉપાડી લે, શું કરવું?’

પરિસ્થિતિ સમજવામાં મને વાર ન લાગી. મેં એમને કહ્યું, ‘જો પૈસા તમને જ મળે એવું કરીએ તો? તમે નરેશને ડ્રેસ અપાવી શકશો ને?’

‘હા, હા સાહેબ. એવું કરી દ્યો તો બધું હું માથે લઈ લઉં.’ નરેશના મમ્મી ખુશ થતા બોલ્યા.

મેં કહ્યું, ‘જુઓ, આ વરસથી શિષ્યવૃત્તિના પૈસા રોકડા મળવાના નથી. તમે નરેશનું બૅન્કમાં ખાતું ખોલાવો. અને એની સાથે તમારું નામ પણ ખાતામાં રાખવાનું. પૈસા માત્ર તમારી સહીથી જ મળી શકશે.’

મેં એમને બૅન્કમાં ખાતુ ખોલવા માટેની જરુરી વિધિ માટે મદદ કરી ખાતુ ખોલાવી આપ્યુ. આ વરસના પૈસા તેના ખાતામાં જમા થયા એટલે એમને નરેશ સાથે સમાચાર મોકલાવી દીધા હતા.

પછી તો હું પણ ભૂલી ગયો હતો, પણ આજે નરેશે નવો યુનિફોર્મ બતાવ્યો એટલે બધું તાજું થયું. ફોટો પડાવ્યા પછી પાછો કહે, ‘સાયબ, થોડા રૂપિયા વધ્યા છે, એ પાછા આપવાના છે કે મારે જ રાખવાના ?’

એની નિખાલસતા સ્પર્શી જાય એવી, મેં કહ્યું, ‘ભાઈ એ વધેલા પૈસાની તારે નોટબૂક લેવાની અને તારે જ વાપરવાના છે. પાછું કંઈ આપવાનું નથી.’ એ ખુશ થઈ ગયો ને પોતાની જગ્યાએ ધીમી ચાલે પહોંચ્યો.

યુનિફોર્મમાં એને જે ગર્વનો અહેસાસ થઈ રહ્યો હતો તે એના ચહેરા પર સાફ દેખાઈ રહ્યો હતો. નરેશનો ઉત્સાહ બેવડાયેલો જોઈ મેં એના પ્રોફાઈલમાં એક વાત નોંધી કે પરિસ્થિતિ સમજીને વાલીને સહયોગ આપીયે તો એટલા જ ઉત્સાહથી વાલી પણ સપોર્ટ કરતા જ હોય છે. ઘરમાં કોઈ એક વ્યક્તિ તો એવી સમજદાર મળી જ આવે જે આપણી વાત સમજે. અને બાળકનું શું? બાળકને તો આખરે ભણવું જ હોય છે ને!

* * *

રોલ નંબર આઠ..

સંગીતા એ માત્ર હાથ ઊંચો કર્યો. એ બહુ ઓછું બોલે, હાજરી માટે પણ માત્ર હાથ ઊંચો કરવાથી રોડવાઈ જતું હોય તો જીભ ઊંચી ના કરે એવી.

મેં એને પાસે બોલાવી કડક સૂચના આપી, ‘જો આજથી તારે પાણી ભરવા જવાનું બંધ, રીસેસમાં ઘરે જવાનું જ નહિ. મને પૂછ્યા સિવાય બહાર જ નહિ જવાનું.’

આદત મુજબ એણે માથું હલાવ્યું ને બેસી ગઈ.

એની આળસ ઉડીને આંખે વળગે એવી. બધી છોકરીઓ બે ચોટલા લે પણ સંગીતા એક જ ચોટલો રાખે, ને એ પણ બે-ત્રણ દિવસે ઓળતી હશે. કદાચ રોજ નહાવાનું એને ફાવતું નહિ હોય એમ લાગે. રીસેસમાં અને રજામાં જલદી વર્ગની બહાર દોડી ને નિકળી શકાય એવી મોકાની જગ્યાએ જ એને બેસવું ગમે. નોટબૂકમાં લખતી વખતે પાનું પૂરૂ થઈ જાય તો પણ ફેરવ્યા વગર જ નીચે ટેકામાં રાખેલી પાટી પર આગળ લખવા માંડે. લખાણ અધૂરું મૂકવું કે અનુસંધાન બીજે પાને ખેંચી જવાનું એને ગમે જ નહિ!

પહેલા ધોરણમાં બેસાડી ત્યારે ક્લાસનું બારણું બંધ કરવા જ ન દે. શિયાળૉ હોય, બહાર ઠંડો પવન હોય તો પણ બારણું બંધ કરીયે કે તરત જ મોટેથી રડવા માંડે અને બારણું ખોલાવ્યે જ છૂટકો કરે ! એને અંદર કોઈક પ્રકારની બીક રહે કે હું રૂમમાં પૂરાઈ જઈશ! એ બીક મનમાંથી દૂર કરતા એક વરસ લાગેલું.

ક્લાસમાં એનો અવાજ ન હોય. ચુપચાપ પોતાનું કામ કર્યા કરે. પણ દરેક વાતમાં મૂંગા રહેવાની એણી આદત આ દિવસોમાં મને પણ છેતરી ગઈ. હમણા હમણા એને રીસેસમાં વધુ સમય ઘેર જવા માટે રજાની જરૂર પડ્તી, ‘સાયબ, પાણી આવવાનો ટાઈમ થયો છે, મારે ઘરે પાણી ભરવા જવું પડશે. જાઉં?’

શાળાની ઘણી દીકરીઓને ઘરની પરિસ્થિતિને પહોંચી વળવા પાણી ભરવાના સમયે રજા લઈ ઘરે જવું પડતું હોય એટલે એ બાબતે હું પણ ના પાડું નહિ. એટલે સંગીતા પણ રોજ રીસેસ પછી પાણી ભરવા માટે ઘરે જતી અને પછી બહુ મોડી આવતી.

પણ ગઈ કાલે જે બન્યું એ સમજ્યા પછી મેં એને પાણી ભરવા માટે ઘેર જવાની રજા લેવા માટે ચોખ્ખી ના પાડી દીધી.

કાલે એ પાણી ભરવા ગઈ પછી ખાસ્સી વાર સુધી આવી જ નહિ. મેં એના વાલીને ફોન કર્યો, થોડી વારમાં કામે ગયેલા એના મમ્મી આવી ગયા. એટલી વારમાં તો સંગીતા પણ આવી ગઈ. પાણી ભરવામાં એ પરસેવાથી અને પાણીથી ભીંજાઈ ગયેલી હતી.

મેં તેના મમ્મીને કહ્યું, ‘આ સંગીતાને માથે રોજ આમ પાણી ભરવાની જવાબદારી નાંખો છો પણ મને એમાં ખૂબ ચિંતા રહે છે. તમે બીજો કોઈ રસ્તો ન કરી શકો?’

તેના મમ્મી કહે, ‘પણ સાહેબ, મેં એને પાણી ભરવા જવાનું ક્યારેય કહ્યું જ નથી!’

મને નવાઈ લાગી, ‘તો ? એ તો રોજ રીસેસમાં પાણી ભરવા માટે જાય છે અને બહુ મોડી આવે છે. આજે વધુ મોડું થયું એટલે તમને બોલાવ્યા.’

સંગીતાના મમ્મી ગુસ્સ્સે થયા, ‘એલી છોડી, હાચું બોલ.. ક્યાં જા છો? મેં તને પાણી ભરવાનું કહ્યું છે?’

સંગીતા ગભરાય ગઈ, ‘ના… પણ… ‘

‘પણ… પણ… શું ? કોણ તને પાણી ભરવા જવાનું કહે છે ?’ તેના મમ્મી બરાબર ખિજાયા.

‘કાકાએ કીધું તું.. ‘ એટલું બોલી સંગીતા રડવા માંડી.

જાણે વીજળી પડી, ‘મૂઓ… તારો કાકો… મારી છોડીનેય…-‘ ગાળો બોલતા તેના મમ્મી તેને મારવા જતા હતા પણ મેં અટકાવ્યા, ‘એમાં એનો શું વાંક છે?’

‘એમા તમને કાંય નહિ હમજાય સાહેબ..’ ગુસ્સાને કાબુ કરવા જતા સંગીતાના મમ્મીને પણ આંખમાં આંસુ આવી ગયા.

મેં કહ્યું, ‘હવે એવું કરજો, એના કાકા ઘરે જ હોય તો પછી એને જ પાણી ભરવાનું સોંપી દ્યો ને, સંગીતાને ભણવાનુંયે બગડે નહિ.’

ઉશ્કેરાયેલા સંગીતાના મમ્મી કહે, ‘અરે સાહેબ, તમારે મારી છોકરીને રજા આપવાની જ નહિ. એના કાકાને તમી નહિ ઓળખો, પાણી તો રોજ એ જ ભરે છે.’ પછી પરસેવો લૂછતા જતા જતા કહે, ‘અમારી શેરીમાં પાણી આવવાનો ટેમ તો રાતના આઠ વાગ્યા નો છે!’

– – અજય ઓઝા
(મો- ૯૮૨૫૨૫૨૮૧૧) ૫૮, મીરા પાર્ક, ‘આસ્થા’, અખિલેશ સર્કલ, ઘોઘા રોડ, ભાવનગર-૩૬૪૦૦૧ (ગુજરાત)

એક વર્ગશિક્ષક તેના વર્ગના વિદ્યાર્થીઓને કેટલા ઓળખતો હોય? દરેક વિદ્યાર્થીની અંગત વિશેષતાઓ, તેમના ગમા – અણગમા, તેમના પરિવારના સંજોગો અને પરિસ્થિતિ, તેમની ક્ષમતાઓ અને ખામીઓ.. રોલ નંબર મુજબ જો એક શિક્ષકને કહ્યું હોય કે તમારા વિદ્યાર્થીઓનો પરિચય આપો તો એ કઈ રીતે આપે?

આજના સમયમાં જ્યારે વિદ્યાનું સંપૂર્ણપણે વ્યાપારિકરણ થઈ રહ્યું છે ત્યારે અજયભાઈ તેમની આ ‘રોલ નંબર..’ શ્રેણી દ્વારા એક નવો જ ચીલો ચાતરે છે. હજી ઘણી શાળાઓ અને શિક્ષકો એવા છે જે વિદ્યાર્થીઓના સર્વાંગિ વિકાસ માટે તેમને પૂરેપૂરા પિછાણે છે, તેમની પ્રગતિમાં લાગણીશીલ રસ ધરાવે છે. આવા જ શિક્ષકોને અક્ષરનાદ પર અજયભાઈની આ શ્રેણી અર્પણ. આ શ્રેણીમાં એકે એક વિદ્યાર્થીની આગવી વાત, એમની આગવી વિશેષતાઓ અને સંઘર્ષની વાત હ્રદયસ્પર્શી બની રહે છે. આજે પ્રસ્તુત છે રોલ નંબર સાત અને આઠ.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “રોલ નંબર સાત અને આઠ – અજય ઓઝા

  • Vinod Dhanak

    શિક્ષક તરીખે વીધ્યાર્થી ઓની લાગણી અને ભાવના સમજવા માટે આપને હાર્દિક અભિનન્દન.

    ગાંધીજી કહેતા હતા કે શિક્ષક માં બે ગુણો અનિવાર્ય છે

    એજ તે તેના વિષયમાં નિષ્ણાત હોવો જોઈએ અને બીજું તે શુદ્ધ ચારિત્ર ધરાવતો હોવો જોઈએ તેમણે ઉમેરેલ કે તે કદાચ તેના વિષયના થોડો નબળો હશે તો હું ચલાવી લાઉ પણ ચરિત્ર માં જરા પણ ના ચલાવી લઉં.