ત્રણ પદ્યરચનાઓ – પરબતકુમાર નાયી 4


૧. પડછાયા ફરે છે..

આ સિતારા એકબીજા સાથમાં વાતો કરે છે,
કોણ છે જે વાદળોમાં આટલી ઈર્ષા ભરે છે!

એક દા’ડો ઉન્નતિમાં મોભ થઈ ઉભા રહ્યા’તા,
એ જ માણસ આ અમારા સુખથી સળગી મરે છે.

એ બને કે જિંદગીમાં કો’ક દિવસ ઘરનું માણસ,
આપણી સામે રહીને ઘર વિશે પૂછ્યા કરે છે!

આ ભીંજાયું આંગણું એ ઝાકળોનો દોષ ક્યાં છે?
એક શાયર યાદ લઈને રાતભર રખડ્યાં કરે છે.

એટલે સાલ્યા કરે છે આંગણાને ખોટ એની,
આજ પણ એ આંખ અંદર લઈને પડછાયા ફરે છે.

૨. યાદ આવે છે..

ઘણાં વર્ષો પછી પણ ગામની ધરતી પૂછાવે છે,
અમારી ધૂળની વ્હાલા તમોને યાદ આવે છે?

Advertisement

રડે છે આજ પણ શેરી વચાળે આંખ બે પ્યારી,
તમે આવો, તમે આવો બધા રટણા લગાવે છે.

સુકાયાં આંગણામાં ખીલતાં ગુલાબના ફૂલો
હવે પરસાળ ડેલી ખેતરો આંસુ વહાવે છે.

થયો છે પીપળો સૂનો, ઉજડ્યું ગામનું પાદર,
રસીલું એક જણ કાગળ લખી યાદો અપાવે છે.

ટહુકા આજ પણ છે કાનને દ્વારે ય ફળિયાના,
સળગતો ખાલીપો જે ‘દર્દ’ને કાયમ રડાવે છે.

૩. તું કહે તો..

તું કહે તો હાથ કાંટાથીય વીંધાવી શકું,
પણ પછી હું લાગણીનો છોડ નૈ વાવી શકું.

આ નથી કોઈ રમત કે દાવ આપી દાવ લઉં,
તું ભલે આવી શકે પણ હું નહીં આપી શકું.

છે ઘણો રસ્તો ભયાનક જાણ છે એની મને,
આમ પણ આ જિંદગીમાં કઈ રીતે ફાવી શકું!

Advertisement

અટપટા તો અટપટા પણ માર્ગ તેં આપ્યા ઘણાં,
આપના ઉપકારને હું કેમ ભૂલાવી શકું!

ધારણા મારા વિશે તારી હવે ખોટી પડે,
કાગડો તો બોલશે પણ હું નહીં આવી શકું!

– પરબતકુમાર નાયી ‘દર્દ’

(શ્રી પરબતકુમાર નાયીએ આ ત્રણ કાવ્યરચનાઓ અક્ષરનાદને પાઠવી એ બદલ તેમનો આભાર. તેઓ સરદારપુરા (૨) પ્રાથમિક શાળા, મુ. સરદારપુરા, પો. રવેલ, તા. દિયોદર, જિ. બનાસકાંઠાના આચાર્યશ્રી છે. તેમની સંપર્ક વિગતો.. મો. ૩૬૦૧૮ ૯૪૪૬૪, e-mail : Parbatkumarnayi100@gmail.com)


Leave a Reply to Parbatkumar Cancel reply

4 thoughts on “ત્રણ પદ્યરચનાઓ – પરબતકુમાર નાયી