તલ્લાક.. તલ્લાક.. તલ્લાક.. – કુલદીપ લહેરુ 21


“એમને હલવો બહુ ભાવે છે, ઓફિસથી ઘરે જલ્દી પહોંચીને એમના માટે બનાવીશ. અમારી મેરેજ એનિવર્સરી છે આજે! મા, તું ફોન મૂક. મારે મોડું થાય છે. ખુદા હાફીઝ.”

બેલ વાગતા જ દરવાજો ખોલવા મુનિઝા રસોડામાંથી ઉતાવળે દોડી. ડાઇનિંગ ટેબલનો પાયો પગના પંજા સાથે અથડાયો અને એ નીચે પટકાઈ. ત્યાં સુધીમાં અનસ વીસેક વખત બેલ વગાડી ચૂક્યો હતો. ધીમે-ધીમે દુ:ખાવા સાથે એ ઉભી થઈ અને દરવાજો ખોલ્યો. એને હતું કે આજે અનસ રોજની જેમ નહીં વર્તે. દુકાનનો થાક અને ગુસ્સો એના પર નહીં ઉતારે. પણ..

“કેમ આટલી વાર લાગી દરવાજો ખોલતા? કંઈ પડી જ નથી શૌહરની! આખો દિવસ ગધેડાની માફક દુકાને વૈંતરું કરવાનું અને ઘરે પણ તું શાંતિ લેવા ન દે. મળી ગયો હશે કોઈ.. ફોન પર ચોંટેલી હશે વાતો કરવામાં એની સાથે.. મને તો લાગે છે કે તારા પેટમાં રહેલું આ બાળક પણ મારું નહીં હોય.. બસ હવે બહુ થયું. અમન-ચેન જ નથી ઘરમાં.”

“અરે પણ.. સાંભળો તો ખરા.. હું..”

“મારે કંઈ નથી સાંભળવું. પણ હવે તું ધ્યાનથી સાંભળ, હું તને તલ્લાક આપું છું, તલ્લાક.. તલ્લાક.. તલ્લાક..”

શું બની ગયું એ સમજાય એ પહેલા એક ધક્કો આવ્યો અને એ ઘરના દરવાજાની બહાર ફેંકાઈ ગઈ. લગભગ એક વર્ષ પછી અમદાવાદનું વધુ એક ઘર છૂટાછેડાની સાક્ષી બનવા જઈ રહ્યું હતું. કોર્ટમાં અરજી થઈ ગયાને સાડા પાંચ મહિના વીતી ચૂક્યા હતા.

“મનિષભાઈ, પંદરથી વીસ દિવસમાં ડિવોર્સ થઈ ગયાનું હુકમનામું મળી જશે.”

“હમ્મ..”

“પતિ-પત્ની અલગ થાય એ પહેલા તેઓ પોતાના નિર્ણય પર ફરી એકવાર વિચાર કરી શકે એ માટે કાયદો છ મહિના આપે છે. તમે પણ વિચાર્યું જ હશે. તરૂબેન મનના મેલા નથી અને એમના તરફની તમારી લાગણી પણ અછાની નથી. ટીયા સાત વર્ષની છે. એના માનસ પર શું અસર થશે એ પણ..”

“આપણે પછી વાત કરીએ. તબિયત સારી નથી. માથું થોડું ભારે લાગે છે.”

એડવોકેટ મુનિઝા પોતાની વાત પૂરી કરે એ પહેલા એમને અટકાવીને મનિષે ફોન મૂક્યો. થોડીવાર ઊંઘી જવાનો પ્રયત્ન કર્યો. પણ મુનિઝાના શબ્દોએ એને વિચારોના ચકડોળે ચડાવી દીધો હતો.’ તરૂબેન મનના મેલા નથી, ટીયાના માનસ પર..?’ મુનિઝાનો એકએક અક્ષર એના મનમાં સોયની જેમ ખૂંચી રહ્યો હતો. એણે તરૂને ફોન કર્યો. ફોનની રિંગ પૂરી થઈ ગઈ. મેસેજ લખીને મોકલવા માટે વોટ્સએપ ખોલ્યું. પણ એને યાદ આવ્યું કે તરૂએ એને બ્લોક કર્યો હતો. એણે સાદો એસએમએસ ટાઇપ કર્યો. પાંચ-છ વાર ડીલીટ કરીને ફરી લખ્યો. ફટાફટ લેખો લખતો હાસ્ય લેખક મનિષ આજે શબ્દો શોધી રહ્યો હતો. અચાનક ચક્કર આવતા એણે ફોન બાજુમાં મૂક્યો. ચાર-પાંચ મિનિટો વીતી હશે ત્યાં ફોનની રિંગ વાગી. એ તરૂ માટે ખાસ સેટ કરેલો રિંગટોન હતો. એક સમય એવો પણ હતો કે એ સાંભળીને એ દિવાનો થઈ જતો. એણે ફોન રિસીવ કર્યો.
થોડી ક્ષણો બાદ મનિષે મૌન તોડ્યું.

“હલ્લો..”

“તમે ફોન કર્યો હતો. કંઈ ખાસ કામ?”

“તરૂ, ટીયા શું કરે છે?”

“ગઈકાલે તાવ આવ્યો હતો. અત્યારે પપ્પા અને હું એને ડૉક્ટર પાસે લઈ જવાના છીએ.”

“તરૂ, હું પણ આવું છું. એનું ધ્યાન રાખજે. અને.. અને તારું પણ.”

સામે છેડેથી ફોન મૂકાઈ ગયાનો ટોન સંભળાવા લાગ્યો. પહેર્યા હતા એ જ વસ્ત્રોમાં ટીયાના ડૉક્ટર પાસે મનિષ પહોંચી ગયો. એ રીક્ષામાંથી નીચે ઉતર્યો. ક્લિનિકની બહાર તરૂની કાર પડી હતી. એ ઝડપથી ક્લિનિકના પગથિયાં ચડી ગયો. કેબિનમાં ડૉક્ટર ટીયાને તપાસી રહ્યા હતા. મનિષને જોઈને ટીયા એની પાસે દોડી જઈને એને વળગી પડી. મનિષ અને તરૂની આંખો ભીની થઈ ગઈ. ડૉક્ટરે આપેલી દવાઓ લઈને તેઓ કારમાં ગોઠવાયા. તરૂ કાર ડ્રાઇવ કરી રહી હતી.

“તરૂ, આપણું જીવન ખોટી દિશામાં જઈ રહ્યું છે. તને નથી લાગતું?”

“હવે વધુ દિવસો નથી રહ્યા મનિષ. આ બધું પહેલા વિચારવાની જરૂર હતી.”

“હજુ કંઈ નથી બગડ્યું. ક્યાંક હું ખોટો હતો તો ક્યાંક તારો ઇગો મોટો હતો. હું મારી ભૂલ સ્વીકારું છું. હું નથી કહેતો કે તું પણ કબૂલાત કર પણ આપણા ઝઘડામાં ટીયાનો શું વાંક? તું કાર સારી ડ્રાઇવ કરે છે, આપણું જીવન પણ એ જ રીતે ડ્રાઇવ ન કરી શકે? આપણે એક બીજાને એક તક ન આપી શકીએ?”

તરૂએ કંઈ બોલ્યા વિના કાર પોતાના ઘર તરફ વાળી લીધી. તલ્લાકની એક અયોગ્ય પદ્ધતિનો ભોગ બનેલી મુનિઝા અને કાયદો આજે એક પરિવાર તૂટતો બચાવવામાં નિમિત્ત બન્યા હતા.

– કુલદીપ લહેરુ


આપનો પ્રતિભાવ આપો....

21 thoughts on “તલ્લાક.. તલ્લાક.. તલ્લાક.. – કુલદીપ લહેરુ