નવરસમાં ઝબોળાયેલી માઈક્રોફિક્શન – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક 14


માણસ સ્વાદ માણી શકે તે માટે ઈશ્વરે એની જીભ પર વિવિધ ૬ જગ્યાએ સ્વાદેન્દ્રિયો આપી. માણસ ઈશ્વરથી બે ડગલાં ઉપર ઉઠ્યો, અને પોતાની અલ્પમતિ મુજબ સાહિત્યને વિવિધ રીતે માણી શકે તે માટે ૯ રસ તેણે સર્જ્યા. વિવિધ પુસ્તકોમાં આ નવ રસની વિગતે સમજ આપવામાં આવી છે. કોઈ એક વાનગીમાં બધા જ સ્વાદ આવી શકે ખરાં? અથવા કોઈ એક જ પદાર્થને અલગ અલગ રીતે સજાવી ૬ સ્વાદ મેળવી શકાય ખરા? આ તો જોકે પાકશાસ્ત્રનો વિષય છે, પણ સાહિત્યક્ષેત્રે રસની વાત નીકળે ત્યારે આ વાત ઉદભવે. ‘સર્જન’ ગ્રુપમાં અપાયેલ એક પ્રોમ્પટને નવ રસમાં ઝબોળીને અહીં પ્રસ્તુત કરાયો છે. એક જ વિષય પર બ્રેઈન સ્ટોર્મિગ કરીને જ આ રીતે રજૂ કરી શકાય. માણીએ નવ રસમાં ઝબોળાઈને પીરસાયેલો પ્રોમ્પટનો રસથાળ….

પ્રોમ્પટ : “શાનાં નાટક! અને હું નાટક કરું છું?” એ તોછડા સ્વરે

(૧) બિભત્સ રસ

“શાનાં નાટક! અને હું નાટક કરું છું?” એ તોછડા સ્વરે બોલી. આ સાંભળનારાઓના ટોળામાંથી મોટાભાગના લોકોની નજર એની હાંફતી છાતી પર હતી.

આ લોલુપતાથી કંટાળેલી એણે સરી ગયેલા પાલવથી પાછી જાતને ઢાંકતા ગર્જના કરી, “આજના યુગમાં એકલી રહેતી સ્ત્રીને પોતાની જાત બચાવવા જે કરવું પડતું હોય તેને તમે જો નાટક કહેતા હો તો હા.. હું નાટક કરું છું….”

વિખરાતા ટોળામાં દ્રાક્ષ ખાટીના ભાવ સાથે ગણગણાટ હતો કે જવા દો ને એ તો છે જ લુખ્…..

(૨) હાસ્ય રસ

“આ ઉંમરે જેટલો સત્સંગ કરીએ ને એટલો સારો.. આ તો રમેશે સરસ જગ્યા બતાવી છે જયાં અમારા જેવા રિટાર્યડ માણસો સત્સંગ કરી શકે છે.” દિનકરભાઇએ બૂટ પહેરતા પહેરતાં પહેરતાં પત્ની પન્નાને કહ્યું.

દીકરા અને વહુ સાંભળતા તો નથી ને એની ખાતરી કરીને પન્નાબેને કહ્યું, “બસ હવે બહુ નાટકો સારા નથી લાગતા.”

“શાનાં નાટક! અને હું નાટક કરું છું?” એ તોછડા સ્વરે બોલવા જતા હતાં ત્યાં જ પત્નીએ ગઇ કાલની ઝભ્ભામાં રહી ગયેલી મેટની શોની ટિકિટ બતાવી અને આંખ મીંચકારી પૂછ્યું, “આજે કયા થિયેટરમાં સત્સંગ રાખ્યો છે?”

(૩) ભયાનક રસ

રુમ ૩૨, અમિત નામ છે એનું. મેડિકલનો સ્ટુડન્ટ હતો. હોસ્ટેલમાં રહેતા છોકરાઓમાં અડધી રાતે મોર્જ રુમ ( શબ રુમ)માં જઇને દરેક શબ પાસે એક ચોકલેટ મૂકીને પાછા આવવાની ચેલેન્જ થઇ હતી અને એ અંદર ગયો હતો… રામ જાણે શું જોયું!! તે દોડીને પાછો આવ્યો ત્યારથી સૌને અજીબ અજીબ વાતો કરતો.. લોકો એને નાટકીયો કહેવા માંડ્યા… અને એક સમયે બોર્ડમાં ફર્સ્ટ આવેલ છોકરો આજે આ ગાંડાની હોસ્પિટલમાં દર્દી નંબર ૩૨૧ બની ગયો. હમણાં જો જો એનાં રુમ પાસેથી પસાર થશો એટલે અંદરથી તોછડો અવાજ આવશે..
“શાનાં નાટક! અને હું નાટક કરું છું? હું સાચું કહું છુ ૯ નંબરની લાશે મારી પાસે બીજી ચોકલેટ માંગી હતી.”

(૪) રૌદ્ર રસ

“શાનાં નાટક! અને હું નાટક કરું છું?” એ તોછડા સ્વરે બોલ્યો. ઓફિસના સૌથી શાંત અને કદી કોઇની પણ જોડે વાત ન કરતા સૌમિલભાઇનું આ રૌદ્ર રુપ બધાંને આશ્ચર્ય પમાડતું હતું.

કેબિનની બહાર સંભળાય તેમ તે બોલ્યાં, “સર, ખોટા સર્વે રિપોર્ટ ઉપર હું સહી કદી નહીં કરું… મારી પ્રામાણિકતા તમને નાટક લાગતી હોય તો, હા હું નાટક કરું છું.”

એમના બહાર આવતા જેટલા જોરથી બોસની કેબિનનું બારણું પછડાયું એટલા જ જોરથી સત્યની જીત થઇ…

(૫) કરુણ રસ

“મારો દીકરો કેટલો મોટો થઇ ગયો છે!” કહીને પરેશભાઇ દીકરાના માથા પર ચુંબન કરવા આગળ વધ્યાં.

“પપ્પા, આવા નાટકો બંધ કરો તો સારું.” છણકો મારીને સંજુ રુમની બહાર નીકળી ગયો.

“શાનાં નાટક! અને હું નાટક કરું છું?” એ દીકરાની જેટલા જ તોછડા સ્વરે બોલવા જતાં હતાં પણ મનની મનમાં જ રહી ગઇ…

(૬) વીર રસ

“શાનાં નાટક! અને હું નાટક કરું છું? જો તમને અમારી રીતની આઝાદીની લડત અને દેશપ્રેમ નાટક લાગતા હોય તો નાટક… પણ જો જો ને એક દિવસ આ નાટકીયો એવો ખેલ બતાવશે કે જગત આખું વાતો કરશે.”

અંગ્રેજોની છાવણીમાં જીવતો બોમ્બ બનીને ૩૨ અંગ્રેજોને મારી નાખનાર દીકરાની શહિદી વિષે સાંભળતા જ ગાંધીવાદી બાપને દીકરાના આ છેલ્લા શબ્દો યાદ આવ્યા..

(૭) અદ્ભુત રસ

“બહારવટિયાના દીકરાના હાથમાં બંદૂક શોભે! આ શું ચરખા પકડવાના નાટક છે?” જાલિમસિંગના ઘેઘૂર અવાજથી ચંબલ આખું ધ્રુજી ઊઠ્યું.
દીકરા માધાસિંગે ચરખામાંથી આંખ ઊંચીં કર્યા વગર જ કહ્યું, “શાનાં નાટક! અને હું નાટક કરું છું? એમ જો તમને લાગતું હોય તો આ ખીણની બહાર નીકળો… હિન્દુસ્તાનના લાખો લોકો આ નાટક કરે છે અને અમારો ડાયરેકટર મોહનદાસ ગાંધી બંદૂકના બળે નહી સત્યના જોરે અન્યાય સામે લડે છે!”

(૮) શાંત રસ

“શાનાં નાટક! અને હું નાટક કરું છું?” એ તોછડા સ્વરે બોલવા માંગતો પણ ન હતો અને એનામાં ઊગી નીકળેલ સન્યાસ એને એમ કરવાની પરવાનગી પણ નહોતો આપતો..

સન્યાસની પરવાનગી માંગતા ચિડાયેલી માની આંખોમાં સજળ નેત્રે જોઇ એણે એટલું જ કહ્યું કે, “આપણે સૌ નાટક તો કરીયે છીએ, આ ઇશ્વરની બનાવેલ રંગભૂમિમાં.. ખાલી મારો રોલ બદલવાનો સમય થયો છે મા…’

(૯) શૃંગાર રસ

“બસ હવે નાટક ન કરીશ.” ચેટ બોકસમાં લખાયેલ શબ્દોમાં ચીડ કરતા વ્હાલ વધું હતું.

“શાનાં નાટક! અને હું નાટક કરું છું? જો તને આ બધું નાટક લાગતું હોય તો તું કાલિદાસનું મેધદૂત ફરી વાંચજે… એક યક્ષ પોતાની પ્રિયતમાને મેઘ એટલે કે વાદળ દ્વારા સંદેશો મોકલે છે… આ આજના જમાનામાં કેટલાય મારા જેવા યક્ષો પોતાની પ્રેમિકાને ઇન્ટરનેટ ઉપર મેસેજ નથી મોકલતા એટલે આપણે બધા પણ કાલિદાસના જીવંત પાત્રો જ છીએ ડિયર…” એણે જયાં મેસેજ સેન્ડ કર્યો સામેથી કિસની ઇમોજી આવી… અને સ્વર્ગમાં બેઠેલા કાલિદાસ પણ પોતાના અમર પાત્રોને જોઇ ખુશ ખુશ થઇ ગયા.


Leave a Reply to swati shahCancel reply

14 thoughts on “નવરસમાં ઝબોળાયેલી માઈક્રોફિક્શન – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક