જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૯) 1


સમયાંતરે અક્ષરનાદ પર પ્રસ્તુત થાય છે બાર મિત્રો દ્વારા લખાયેલી, “કથાકડી” નામની વિક્રમસર્જક વાર્તા લખનાર “શબ્દાવકાશ” ગ્રુપની એક સહિયારી લઘુનવલ, ‘જીવન અંંતરંગ’. આજે પ્રસ્તુત છે આ લઘુનવલનો પલ્લવ અંજારિયા લિખિત નવમો ભાગ..

આરાધના કન્સલ્ટીંગ રૂમની બારી બહાર જોતાં જોતાં વિચારી રહી હતી. એણે નિલયનું ગુલાબ પગ નીચે કચડી નાખેલું, તોય પોતાનો રોષ છુપાવવા અસમર્થ રહી હતી. નિલયને શું ખબર કે આ પ્રેમ શબ્દ આરાધનાને કેટલો દઝાડે છે. નિલય એનો બાળપણનો દોસ્ત એટલે એણે હસતા મોઢે વાત વાળી લીધેલી. નિલય પોતાના ભગ્ન હ્રદયના કારણે આરાધનાથી ખૂબ નારાજ હતો. આરાધનાએ એને સમજાવવા ખૂબ પ્રયાસ કર્યાં પણ વ્યર્થ. આરાધનાને જ્યારે નિલય અને અનુષા વચ્ચેની તકરારની ખબર પડી ત્યારે એ અનુષાને મનાવવા પહોંચી ગયેલી. બધું યાદ કરતી એ પોતાના કન્સલ્ટીંગ રૂમની બારી પાસે ઊભી હતી. આરાધનાની નજર બારી બહાર ગઈ. બહાર વરસાદ હજી હમણાં જ અટક્યો હતો. એક યુવતી પોતાના એક્ટિવાને કીક મારી રહી હતી. એ જોઈ આરાધના પોતાના ભૂતકાળમાં સરી પડી.

વરસતો વરસાદ હજી માંડ અટક્યો હતો. ઠેરઠેર ખાબોચિયાં અને કીચડનું સામ્રાજ્ય હતું. કોલેજના પ્રથમ દિવસનો થનગનાટ પગમાં પહેરી આરાધનાએ એક્ટિવાને કીક મારી. ઉબડ-ખાબડ રસ્તા ઓળંગતી એ કોલેજ તરફ ધપી રહી હતી. પાણી વધુ હતું ત્યાં એ સંભાળીને વાહન ધીમું પાડી દેતી. એક જગ્યાએ રસ્તો થોડો કાચો હતો ત્યાં ખૂબ કીચડ જમા થયેલ. કોલેજનો દરવાજો ૭૦૦ મીટર દૂર હતો અને એક્ટિવા કીચડમાં ફસાઈ ગયું. આરાધનાએ ખૂબ પ્રયત્નો કર્યાં પણ તે બહાર કાઢી ના શકી. સમય આગળ વધતો હતો અને આરાધનાને પહેલા દહાડે મોડું પહોચવું ખટકતું હતું. દૂરથી એક વાહન આવતું દેખાયું. એ એક બાઈક હતું. જેમ જેમ એ નજીક આવ્યું એના પર બીરાજમાન વ્યક્તિના વ્યક્તિત્વે સમગ્ર સૃષ્ટિ થંભાવી દીધી. એણે એક ખૂણામાં એનું બાઈક પાર્ક કર્યું. જીન્સ ચડાવ્યું, ગોગલ્સ સ્ટાઈલમાં બાઈક પર ટીંગાડ્યાં. આશરે છ એક ફીટ એની ઊંચાઈ. એણે આજુબાજુ નજર કરી એક પથ્થર વ્હિલને ઢાળ મળે એ રીતે ગોઠવ્યો. ચોક આપી ફૂલ રેસ કરી એક્ટિવા સ્ટાર્ટ કર્યું. એક્ટિવા છલાંગ મારતું કીચડમાંથી બહાર. અહો આશ્ચ્રર્યમ્! નાનપણમાં ઊચ્ચાલન ભણવામાં આવતું, પણ એનો સાચો ઊપયોગ આજ જોવા મળ્યો.

આરાધનાના આશ્ચર્ય વચ્ચે એ એની આગળ એની જ કોલેજમાં પ્રવેશ્યો. આશ્ચર્યે એની સીમા ઓળંગી જ્યારે જાણ્યું કે એ પોતાના જ વર્ગમાં હતો. ક્લાસની બહાર જ્યારે એણે રેઈનકોટ કાઢ્યો ત્યારે આરાધના એને અનિમેષ આંખોથી જોઈ રહી. મંદાર મહેતાનું વ્યક્તિત્વ જ એટલું પ્રભાવશાળી હતું કે એને જોઈને ભાગ્યે જ કોઈ એના પ્રેમમાં પડ્યા વગર રહી શકે! છ ફૂટ ઊંચો, સશક્ત, સુદ્રઢ, સોહામણું અને કસરતી શરીર, ગોરો વાન અને આકાશી રંગની એની આંખો. એક અલગ જ અદામાં ઓળાયેલા વાળ… સૂપરમેનનું પાત્ર જાણે કોમિક બૂકમાંથી સજીવન થયું હોય એવો એ લાગતો હતો.

ખૂબ ટૂંકા સમયમાં આરાધનાએ મંદારની મિત્રતા કેળવી લીધી અને બન્ને ખૂબ સારા મિત્રો બની ગયાં. મંદાર ક્યારેય પોતાના જીવનની વાત આરાધનાને કરતો નહીં. તેથી આરાધનાને એનો પરિચય કોલેજ પૂરતો સીમિત હતો. તદ્ ઉપરાંત મંદાર અલગ માટીનો માણસ હતો. એના વિચારો અને રહેણી કહેણી લોકોથી એકદમ અલગ હતાં. એનું અલ્લડપણું અને નિખાલસ સ્વભાવ એના વ્યક્તિત્વની આગવી બાજુઓ હતી. તે કારણે તો આરાધના એની પાછળ પાગલ હતી. આરાધના જ શું કામ! કોલેજની લગભગ તમામ છોકરીઓ એની દીવાની હતી.

આરાધના પણ રૂપ-રૂપનો અંબાર હતી. કેટલાંય છોકરાઓ એની એક ઝલક મેળવવા તલપાપડ રહેતા. પણ એણે ક્યારેય કોઈને મચક આપી નહોતી. આરાધના અને મંદારની જોડી ખૂબ સોહામણી લાગતી, જાણે એકમેક માટે સર્જાયા ન હોય! અંતે એ દિવસ પણ આવ્યો, જ્યારે આરાધના મંદારને પોતાના મનની વાત કહેવાની હતી. એને એ દિવસે ખૂબ ઉચાટ હતો. રાત્રે સરખી ઊંઘ પણ નહોતી આવી. મંદારને એ ખૂબ સારી રીતે ઓળખતી. બંને રોજ મળતાં. આમ એ બન્ને કોલેજમાં એકબીજાનો પડછાયો બની રહેતાં, છતાં મંદારના એક હિસ્સાથી એ સદંતર અજાણ હતી. એનો પરીવાર, એનું ઘર, એનું ખાનદાન, એનો ભૂતકાળ અને એનુ અંગત જીવન. તેમ છતાં એણે મંદારને પોતાના મનની વાત કહી, “મંદાર હું તને ખૂબ ચાહું છું. શું તું મને ચાહે છે? મારો હાથ થામીશ?”

મંદારનું આવું રીએક્શન એણે પહેલાં ક્યારેય જોયું ન હતું ક કલ્પ્યું ન હતું. મંદારના ભવાં તંગ થયાં, દાંત પીસાયા, આંખો લાલ થઈ ગઈ…”ફરી આ વાત ક્યારેય ના કરતી.” આટલું બોલી એ ત્યાંથી પવન વેગે નીકળી ગયો. આરાધના દિગ્મૂઢ અવસ્થામાં વિચારી રહી… “એણે આવું કેમ કર્યું હશે? કેમ આટલો અકળાયો હશે?”

બીજી તરફ મંદારની આંસુ નીતરતી આંખો સામે ભૂતકાળના એ ધૂંધળાં દ્રશ્યો ઘૂમરાવા લાગ્યાં જેને ભૂલવા એ અથાક પ્રયત્નો કરતો એ પ્રસંગો ફરી તાજા થઈ ગયા.

***

અનુ ખૂબ વ્યથિત હતી. એ નિલયથી ક્યાંક દૂર જતી રહેવા માંગતી હતી. ઘરમાં પણ એના પપ્પા સમજ્યા વગર પેલા સુજોય સાથે એની વાત આગળ વધારી રહ્યા હતા. એમણે મંથનરાય (સુજોયના પપ્પાને) ચા પીવા આમંત્રણ આપેલું. એમના આવવા પહેલાં એ ત્યાંથી ભાગી છૂટવા ઈચ્છતી હતી. કેમકે એ સુજોયને પગથી માથાં સુધી ઓળખતી હતી. સુજોય જેટલો સંસ્કારી એના પપ્પાને લાગતો એનાથી સદંતર વિપરિત અસંસ્કારી-અસામાજીક અને છેલબટાઊ હતો. સુજોય સાથે પરણવા કરતાં એ કૂવો પૂરવો પસંદ કરે. પપ્પા પાછા એવું પણ માનતા હતા કે અનુને સુજોય ગમશે. મંથનરાય અમસ્તા વારંવાર ફોન કરી અનુનો હાથ નહોતા માંગતા. એ જાણતા હતા કે અનુને કોઈ છોકરો મળે તેમ નથી અને પુત્રના લક્ષણોથી તો તેઓ પરિચિત જ હતા. એવામાં નિલયની આ હરકત અને દાક્તરનું પોતાના સ્વસ્થ હોવાનું નિદાન આ બધું એને દ્વિધા અને દ્વંદ્વમાં ધકેલી રહ્યું હતું. આમ જવું કે તેમ જવું, આ સાચું કે તે સાચું? રસ્તો મળતો નહોતો. આ બધી પળોજણોથી નાસી છૂટવા અને ખાસ તો નિલયથી એ દૂર જવા માગતી હતી, માટે એણે પૂનાની વોલ્વો બસ પકડી. એક્સપ્રેસ હાઈવે પર પસાર થતાં દ્રષ્યોમાં મન પરોવ્યું. વડોદરામાં બસ પેસેન્જર ભરવા રોકાઈ ત્યારે અનુષાની આંખો બંધ હતી અને કાનમાં હેડફોન હતાં પણ એક ચિર-પરિચિત સુગંધે એની બધી ઈન્દ્રિયો સચેત કરી નાખી. આંખના પડળો પર મણ મણનો ભાર ખડકાઈ ગયો. એને આંખો ખોલવી હતી, પણ કોઈ અકળ ભાર એને એમ કરતાં રોકી રહ્યો હતો.

“સીટ નંબર એફ ક્યાં હશે?” એક યુવાનનો અવાજ એના કાને અફળાયો. બસના પગથિયાં પરથી અવાજ આવતો હતો અને અનુ તો છેલ્લેથી પાંચમી સીટ પર હતી. અનુએ આંખ ખોલી અને જાણે એના સમગ્ર અસ્તિત્વમાં ભૂકંપ સર્જાયો, એના શ્વાસમાં વાવાઝોડું ફૂંકાવા લાગ્યું અને એના રોમેરોમમાં અગનઝાળ લાગી. આ માણસ આટલાં વરસો બાદ કેમ ભટકાયો? વિધીનો શો સંકેત છે આમાં? એણે પોતાનો ચહેરો દૂપટ્ટાથી ઢાંકી દીધો. એ વ્યક્તિ એનાથી બે સીટ આગળ બેઠો. એ જ ઊંચો સશક્ત બાંધો, એ જ મોહક આંખો અને સ્મિત, એ જ એના એસ્પેન પરફ્યૂમની સુગંધ. ભૂતકાળના પ્રસંગો અનુની ફરતે ગોળગોળ ઘૂમરાવા લાગ્યા. બારમા ધોરણની એક્ઝામ અને એનો પડોશી કમ જીગરી મિત્રને તાવ આવ્યો હતો. અનુએ નક્કી કર્યું કે એ એના ઘેર જઈને વાંચશે. “આંટી કેમ છે મંદારને?”

“બેટા તાવ ઉતરવાનું નામ લેતો નથી. ઠીક થયું તું આવી. એને સારું લાગશે.” આંટીએ કહ્યું.

આખી રાત એણે મંદારને માથે કોલોનના પોતાં મુક્યાં અને એ સાંભળે એમ બોલી બોલીને વાંચ્યું. એ વર્ષે મંદારને એ વિષયમાં વર્ગમાં હાઈએસ્ટ માર્કસ આવેલા. બાળપણથી આજ સુધી જોડે રમ્યાં, જોડે ભણ્યાં એ મંદાર અને અનુષા હવે યૌવનના ઉંબરે આવી ઊભાં. બન્ને એકમેક વગર અધૂરાં હતાં.

ગ્રેજ્યુએશન પૂર્ણ થઈ રહ્યું હતું. હવે એકાદ મહિનામાં પરીક્ષા હતી. મંદાર આગળ ભણવા બહારગામ જવાનો હતો, માટે એ મનોમન મુંઝાઈ રહ્યો હતો. મંદારે વસંત પંચમીના દિવસે અનુષાને પુછી લીધું “અનુ, આપણે બાળપણથી સાથે છીએ અને આપણને એકબીજા વિના ચાલતું નથી. આગળ અભ્યાસ માટે હું બહારગામ જઈશ. કદાચ આપણે આટલા ફ્રિક્વંટ્લી નહીં મળી શકીએં.” “હમ્મ…તો?” વળતો સવાલ અનુએ પુછ્યો. “તો શું? ચાલને આપણે સગપણ કરી લઈએ” અનુ ખડખડાટ હસવા માંડી..”હા હા હા હા…એટલે તને ચિંતા છે કે તારી અનુ તારી પાછળ કોઈ બીજાને વરી જશે તો? હાય મા…”

“જો ચિબાવલી મજાક નહીં કર, હું સિરીયસ છું. તને યાદ છે ને કે ઘર-ઘર રમતાં ત્યારે પણ હું કોઈ બીજાને તારો હસબંડ થવા ના દેતો..” મંદાર બોલ્યો…

“તે હું પણ કાયમ તારી જ ટીમમાં રહેતી બધી રમતમાં, ભલે સામેની ટીમના કેપ્ટન મોટાભાઈ હોય. છતાં આજ અચાનક કેમ આટલો પઝેસીવ થઈ ગયો હં?” અનુએ પણ સંમતિ આપી. “જો અનુ આવતા મહિને પરીક્ષા અને પછી બહુ-બહુ તો બે મહિનામાં હું ક્લિનીકલ સાયકોલોજીમાં માસ્ટર્સ કરવા ઊપડી જઈશ. પણ મારું મન ત્યાં લાગશે નહીં. માટે આપણે આજે જ ઘેર વાત કરી લઈએ.” મંદારે પોતાની અધિરાઈ વ્યક્ત કરી. “પણ તને મારી ખામીની વાત તો ખબર છે ને! આંટી માનશે? સ્વીકારશે મને? મને એ કાયમ કહેતાં કે કોલેજમાં મંદાર માટે કોઈ ફૂટ્ડી શોધજે..તારી જવાબદારી” અનુએ વાસ્તવિકતા સામી ધરી.

મંદાર જવાબ શોધવા રહ્યો ત્યાં બેલનો અવાજ સંભળાયો. બંન્ને ક્લાસ તરફ ચાલ્યાં.

*
“એને પોતાને તો ખબર હતી કે એ ક્યારેય મા નહીં બની શકે, તો પછી એની એવી હિંમ્મત કેમ ચાલી કે મારા મંદારને ભોળવી ગઈ? શું અમારે અમારા મંદારના બાળકો ના રમાડવા હોય?” મંદારના મમ્મી ગુસ્સામાં મંદારના પપ્પાને કહેતાં હતાં.

માર્કંડરાય મહેતા એક બાહોશ વકીલ હતા, પણ ઘરમાં એ દલીલબાજી ટાળતા.

“તેં મંદારને પુછ્યું? એની શી ઈચ્છા છે?” માર્કંડરાય બોલ્યા.

“એની ગમે તે ઈચ્છા હોય પણ અભ્યાસ એણે તમારી મરજી મુજ્બ કર્યો છે. એ આપણાથી દૂર હોસ્ટેલમાં રહેવાનો છે. એ બધું હું સહન કરવા તૈયાર છું. પરંતુ એક એવી છોકરી જે ક્યારેય મા નથી બની શકવાની એ મને મારી વહુ તરીકે કદાપિ મંજૂર નથી.” જ્હાન્વીબેને અંતીમ ફેંસલો સંભળાવી દિધો.

**

અંતે મંદાર રસ્તામાં ભટકાઈ ગયો. એ અનુષાથી નજર ચોરી રહ્યો હતો.

“કેમ મીસ્ટર ક્યાં ગાયબ છો?” અનુષાએ પુછ્યું “સગપણના વાયદા કરી છૂમંતર થઈ ગયા તમે તો…” …

“મ્મ મ મારે પેકિંગ ચાલુ છે. એ.. એ એટલે ટાઈમ નથી મળતો…” છએક સેકંડ અનુ એની આંખો સામે જોઈ રહી. કોઇ સંવાદ ન થયો, પણ સમજદાર અનુષા ઘણુંખરું સમજી ગઈ.

“અ અ મારે બ બજાર જવાનું છે…લેટ થાય છે…બ બ બાય.” કહી એ ચાલ્યો ગયો. અનુ એને જતો જોઇ રહી.

જવાના દિવસ સુધી મંદાર દેખાયો નહીં એટલે અનુષા ખૂદ એના માટે કાર્ડ અને બૂકે લઈ એને મળવા ચાલી. એણે રાબેતા મૂજબ ડોરબેલ મારી. દરવાજો ખૂલતાં વાર લાગી અને દૂર એક અવાજ સંભળાયો “જો પેલી આવી લાગે છે. તું ઢીલો ના પડતો. હું એને એવું સંભળાવીશ કે ફરી આ દરવાજે ક્યારેય નહીં ફરકે.” ..”પણ મમ્મી એ…” મંદાર આગળ બોલે એ પહેલાં જ્હાન્વીબેન બોલ્યાં “કાં એ કાં હું એટલું યાદ રાખજે.” થોડી ક્ષણો બાદ દરવાજો ખૂલ્યો. “આંટી કેમ છો? મંદાર ક્યાં છે?” અનુષાએ પૂછ્યું. “મંદાર નીકળી ગયો. અને હા આજ પછી એને મળવા આવવાની તસ્દી નહીં લે તો અમારા પર મોટી મહેરબાની થશે.” જ્હાન્વીબેને આકરાં વેણ કહ્યાં. “પણ કેમ આંટી થયું શું? મારી કોઈ ભૂલ?” અનુષા પૂરું બોલે એ પહેલાં એ બોલ્યાં “તને ખબર હતી કે તારો કોઈ હાથ પકડશે નહીં એટલે મારા ભોળીયા મંદારને ફસાવ્યો. તને જરાય શરમ ના આવી? તું તો છે વાંઝણી, એમાં મારા મંદારનો શો ગુન્હો કે એ પણ સંતાન વગરનો રહે?” અનુષા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મંદાર દોડતો બહાર આવ્યો “મા તમે આ શું બોલો છો? તમને આ શોભા નથી દેતું. અનુ હું મા વતી માફી માગું છું. હું તને વાત કરવા,,,” પણ ત્યાં સુધીમાં અનુષા ત્યાંથી જતી રહી હતી. મંદારે પણ જ્હાન્વીબેનને કહી દીધું, “મા તમારું માન રાખવા મેં મારા પ્રેમ અને અરમાનોની બલી ચઢાવી…જેમ પપ્પાનું મન રાખવા મેં મારા સપનાઓની હોળી કરી…હવે તમે સાંભળો હું મંદાર માર્કૅડરાય મહેતા આજીવન કુંવારો રહીશ. જો અનુ નહી તો બીજું કોઈ નહીં”

અનુષા ખૂબ દૂઃખી હતી અને નિરાશ હતી. એણે મંદાર પાસે ક્યારેય આવી અપેક્ષા રાખી નહોતી. મંદારે જવા પહેલા એને મળવા, ફોન પર વાત કરવા અનેક પ્રયાસ કર્યાં પણ અનુષાએ બધા દરવાજા બીડી દીધાં હતાં. અનુષાના ઘરવાળાં આ ઘટનાથી લાંબો સમય અજાણ રહ્યાં.

**

પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજના પ્રથમ દિવસે મંદાર બાઈક પર જતો હતો અને યોગનુયોગ એક છોકરીનું એક્ટિવા કીચડમાં ફસાયું …….

**

આજે આટલા વર્ષો બાદ અનુષાને મંદાર દેખાયો, એ પણ એવા સમયે જ્યારે એ ખરેખર એને યાદ કરતી હતી. પણ એ એનાથી ચહેરો છૂપાવી રહી…..અને બસ વડોદરાથી ઊપડી…

– પલ્લવ અંજારિયા


આપનો પ્રતિભાવ આપો....

One thought on “જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૯)