ભેજાફ્રાય કે આપણી ભાષાની કમાલ! – હર્ષદ દવે 12


ફૂલછાબ, શનિવાર, ૨૧-૭, યુવાભૂમિ, ‘જીવન સંજીવની’ કૉલમ)

અખો કહે છે, ‘ભાષાને શું વળગે ભૂર?’ બાય ધ વે ‘ભૂર’ એટલે શું તેની બહુ ઓછાને ખબર હશે. તેનો અર્થ છે : મૂર્ખ, લુચ્ચું. પણ તેનો સુરતી અર્થ છે ‘નામશેષ’. એ ઉપરાંત તેનો અર્થ છે ઘણું કે વધારે!

મને ભાષા પ્રત્યે પ્રેમ છે. ભલે પછી તે ગુજરાતી હોય કે હિન્દી કે પછી અંગ્રેજી. આજે અહીં ભાષા વિષે સાવ નવી જ વાત કરવી છે.

જો તમે તમારા મગજને સ્વસ્થ અને સતર્ક રાખવા ઈચ્છતા હો તો હિન્દી ભાષાનો ઉપયોગ કરો. આપણા દેશના વૈજ્ઞાનિકોના મંતવ્ય મુજબ અંગ્રેજી ભાષાની સરખામણીમાં હિન્દી ભાષા બોલવાથી મગજ વધારે તંદુરસ્ત રહે છે. નહીં, હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે કે મને તેના પ્રત્યે આકર્ષણ છે માટે હું આ નથી કહેતો.

‘રાષ્ટ્રીય મસ્તિષ્ક અનુસંધાન કેન્દ્ર’ ના ડૉકટર એક સંશોધન કર્યા પછી એવા તારણ પર આવ્યા છે એટલે તેઓ એમ કહે છે. તેમણે કહ્યું છે કે: ‘હિન્દીભાષી લોકો માટે મગજને સ્વસ્થ અને સતર્ક રાખવાની સહુથી ઉમદા રીત એ છે કે તેઓ વધારેમાં વધારે હિન્દી ભાષામાં પુસ્તકો વાંચે અને તેમનું મોટેથી વાંચન કરે, પઠન કરે. અંગ્રેજી ભાષાનો ઉપયોગ જરૂર પડે ત્યારે જ કરે.’

વિજ્ઞાનનું સામયિક ‘કરંટ સાઈન્સ’ માં પ્રકાશિત સંશોધનમાં મગજનાં નિષ્ણાતોનું એવું કહેવું છે કે: ‘અંગ્રેજી ભાષા વાંચતી વખતે મગજનો ફક્ત ડાબો ભાગ જ સક્રિય રહે છે, જયારે હિન્દી ભાષા વાંચતી વખતે મગજનો જમણો તથા ડાબો, બંને ભાગો સક્રિય થઇ જાય છે. ‘રાષ્ટ્રીય મસ્તિષ્ક અનુસંધાન કેન્દ્ર’ ની ભવિષ્યમાં બીજી ભારતીય ભાષાઓની અસરો ઉપર અભ્યાસ કરવાની પણ યોજના છે.

આ સંશોધન સાથે જોડાયેલા ડૉકટર નંદિની સિંહનાં મત મુજબ આ અભ્યાસના પહેલાં તબક્કામાં વિદ્યાર્થીઓને મોટેથી અંગ્રેજી ભાષામાં વાંચવા માટે કહેવામાં આવ્યું અને ત્યારબાદ તેમને હિન્દી ભાષામાં મોટેથી વાંચવાનું કહેવામાં આવ્યું.

આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મગજનો એમ.આર.આઈ. કરવામાં આવતો રહ્યો. નંદિનીનાં કહેવા પ્રમાણે મગજની તપાસ કરવાથી ખબર પડી કે અંગ્રેજી ભાષામાં વાંચતી વખતે વિદ્યાર્થીઓના મગજનો ફક્ત ડાબો ભાગ જ સક્રિય રહ્યો હતો. કારણ કે અંગ્રેજી એક સીધી રેખામાં વંચાતી ભાષા છે, તેથી મગજને વધારે કસરત કરવી પડતી નથી. બીજી બાજુ હિન્દી ભાષાના શબ્દોમાં ઉપર,નીચે, ડાબી-જમણી તરફ જોડાયેલા કાના-માત્રા, અનુસ્વારો અને અન્ય સંકેતોને કારણે તેને વાંચવા માટે મગજને વધારે કસરત કરવી પડે છે. એટલે તેનો જમણો ભાગ પણ સક્રિય થઇ જાય છે. આ સંશોધન પર સુપ્રસિદ્ધ મનોચિકિત્સક ડૉ. સમીર પારેખ એમ કહે છે કે: ‘એમ થવું શક્ય છે. હિન્દી ભાષાના મૂળાક્ષરોની જે વ્યવસ્થા છે તેનાથી મગજને ઘણો ફાયદો થાય છે.’

આ વાતમાં તથ્ય છે. તેથી મને એમ લાગે છે કે હિન્દી ભાષા વિષે અંગ્રેજી ભાષાના સંદર્ભમાં જે વાત કહેવામાં આવી છે તે જ વાત આપણી ગુજરાતી ભાષાને યથાતથ લાગુ પાડી શકાય તેમ છે. એટલું જ નહીં પણ ભારતની મોટા ભાગની ભાષાને એ વાત લાગુ પડી શકે. ભલે એ ભવિષ્યની યોજનામાં આવરી લેવામાં આવે પરંતુ આજે આપણને આપણી ગુજરાતી ભાષા માટે જે ગૌરવ છે તે ત્યારે અવશ્ય વધી જશે. આમ પણ આપણી રાષ્ટ્રભાષા હિન્દીનો તો પૂરા વિશ્વમાં ડંકો વાગે છે! અને ગુજરાતીએ પણ કાઠું કાઢ્યું છે!

સંશોધન અને અભ્યાસનું તારણ આ રીતે મેળવવામાં આવ્યું:
v વિદ્યાર્થીઓના સમૂહને પહેલાં અંગ્રેજીમાં અને ત્યારબાદ હિન્દીમાં મોટેથી વાંચવા માટે કહેવામાં આવ્યું.
v એ દરમિયાન તેમના મગજનું સ્કેનિંગ કરવાનું ચાલુ રાખવામાં આવ્યું.
v અંગ્રેજીમાં વાંચતી વખતે મગજનો ફક્ત ડાબો ભાગ જ સક્રિય રહ્યો પણ જયારે હિન્દીમાં વાંચતી વખતે વિદ્યાર્થીઓના મગજના બંને ભાગો સક્રિય થઇ ગયા.
v વૈજ્ઞાનિકોનો મત: જો તમે હિન્દીભાષી હો તો અંગ્રેજીનો માત્ર સંપર્ક-ભાષા તરીકે જ ઉપયોગ કરો.

– હર્ષદ દવે


Leave a Reply to Ashish Vaishnav Cancel reply

12 thoughts on “ભેજાફ્રાય કે આપણી ભાષાની કમાલ! – હર્ષદ દવે