કેદારકંઠ શિખર સાથે સાક્ષાત્કાર.. – મેઘના ભટ્ટ દવે 26


નાનપણથી જ કેમ્પિંગ અને ટ્રેકિંગનું મને આકર્ષણ ખરું પણ એવી તકના બારણે ટકોરા પડતા સુધીમાં ઘણો જ સમય પસાર થઈ ગયેલો. જીવનમાં પરિવર્તનો આવતાં રહ્યા અને પ્રાથમિકતાઓ પણ બદલાતી રહી. આ બધાંમાં ટ્રેકિંગમાં જવાનો મારો શોખ અને સ્વપ્ન હૈયાના કોઇક ખૂણે ઢબુરાઇને પડ્યા હતા જેનો મને ખ્યાલ પણ ન હતો. અચાનક જ વર્ષો-જૂનું સપનું સાકાર થવાની તક, હિમાલયના ટ્રેકિંગમાં જોડાવાની તક સામે આવીને જ્યારે ઊભી રહી ત્યારે બેઘડી માટે તો હું અવાચક બની ગઇ અને મારા શરીરમાં એક અજાણ્યા રોમાંચની કંપારી છૂટી ગઈ.

અને લગભગ એક મહિના પહેલા અમે ઉત્તરાખંડમાં ૧૨૮૫૦ ફુટની ઊંચાઇએ આવેલા કેદારકંઠ શિખરના ટ્રેકિંગની તૈયારી શરૂ કરી દીધી. ક્યારેય ના અનુભવેલા અનુભવની તૈયારી, હાડ થીજાવી દે એવી માઇનસ ૧૨ ડિગ્રી ઠંડીમાં રહેવાની તૈયારી અને સૌથી મહત્વ એવી શિખરને સર કરી શકાય એવી તાકાત ભેગી કરવાની તૈયારી. બુટ, સ્વેટર, જેકેટસ, હાથમોજાં, પગનાં મોજાં, થર્મલવેર, ગરમ વાંદરાટોપી, મફલર, રેઇનકોટ, વોટરપ્રૂફ હાથમોજાં, ટી શર્ટ, ટ્રેક સુટ, દવાઓ અને મોઇસ્ચર ક્રીમનું પેકિંગ કરવાનું પણ ચાલુ કરી દીધુ. ગુજરાતી હોઈએ અને ક્યારેય ના ભુલીએ એવો નાસ્તો જેમ કે ગાંઠીયા, સુખડી, પુરી, થેપલા, ચેવડો સાથે ડ્રાઈ ફ્રુટ અને ખજુર જેવો પૌષ્ટિક નાસ્તો પણ ખરો.

અમારે અમદાવાદથી દિલ્હી, દિલ્હીથી દહેરાદૂન ટ્રેનમાં અને દહેરાદૂનથી અમારા બેઝ કેમ્પ સાંકરી બસમાં જવાનું હતું. અમારી બેચમા અમારુ ગૃપ સૌથી મોટુ હતુ, જેમાં 16 ટ્રેકર્સ હતા. દિલ્હી જવા માટે અમે બધા જ રાત્રે 10 વાગે અમદાવાદ પ્લેટર્ફોમ પર મલ્યા. દરેકના ચહેરા જ એમની ખુશીની ચાડી ખાતા હતા જાણે અત્યારથી જ શિખર પર ચડી રહ્યા હોય. પણ અમારી મંઝીલ થોડી દુર હતી, ખરેખર તો થોડી નહી ઘણી દુર હતી.

અમદાવાદથી સાંકરી; ૧૩૯૬ કિ.મી.

કહે છે ને કે હસતે-હસતે કટ જાયે રાસ્તે એમ અમે અમદાવાદથી દિલ્હી, દિલ્હીથી દહેરાદૂન સુધીની સફર ટ્રેનના સેકન્ડ સ્લીપર ક્લાસમા પુરી કરી, અહીં હું સેકન્ડ ક્લાસનો ઉલ્લેખ ખાસ એટલા માટે કરુ છુ કેમ કે અમે ટુરિસ્ટ નહી ટ્રાવેલર હતા અને ટ્રાવેલરને અનુકુળ વાતાવરણ સેકન્ડ ક્લાસ સિવાય ક્યાંય ના મળે, 2 ટાયર અને 3 ટાયર પણ એની સામે ટૂંકા પડે. અંતાક્ષરી, ડમ્બ-શેરાડસ્, ઘણો બધો નાસ્તો અને હા ફોટોગ્રાફ્સ તો ખરાજ, લગભગ 20 કલાકની સફરમાં અમે ઘણી બધી ટ્રેન મુસાફરીની યાદો એકઠી કરી લીધી. પણ અમારી ખરી સફર તો હવે શરૂ થવાની હતી જે હતી દહેરાદૂનથી સાંકરીની. અમારે ઉત્ત્તરાખંડ ટ્રાન્સર્પોટેશનની બસ દ્રારા સાંકરી પહોંચવાનુ હતુ. જેવી અમારી બસ મસુરી વટાવી વધુ ઊંચાઈ પર જવા લાગી એટલે ગૃપનાં કેટલાક લોકોને ચક્કર આવવા, ઉબકા આવવા, ઊલટીઓ થવી આવા પ્રોબ્લેમ શરૂ થઈ ગયા. આવુ થવાનુ કારણ AMS જેને Acute Mountain Sickness કહે છે જે હવાનુ દબાણ ઘટવાથી અને ઓક્સીજન લેવલ ઘટવાથી થાય છે અને ખાસ તો આપણુ શરીર આ વાતાવરણને અનુકુળ કે ટેવાયેલુ ના હોવાથી આપણને વધુ અસર કરે છે. સાંકરી જવાનો રસ્તો ખુબ જ સાંકડો હતો કે જ્યાં મુશ્કેલીથી ફ્કત એક સમયે એક વાહન પસાર થઈ શકે અને વધુમાં એક તરફ ખાઈ અને બીજી તરફ ભેખડોથી ઘેરાયેલો હતો. AMS ની અસરના લીધે લોકોને ઊલટીઓ થવા લાગી હતી પણ બસની બહાર મોં કાઢવુ શક્ય ના હતુ. ગૃપના અનુભવી ટ્રેકરની સુચના પ્રમાણે અમે વોમિટીંગ માટે પોલિથીન બેગનો ઉપયોગ કર્યો. અમારી પરીસ્થિતી ખુબ જ દયનીય બની ગઈ હતી, પણ અમારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ ના હતો. લોકોએ અમને માઈન્ડ ડાઈવર્ટ કરવા કહ્યુ જેથી કદાચ સતત થતી વોમિટીંગ પર કંટ્રોલ થઈ શકે. ખરાબથી અતિ ખરાબ તબિયત અને એમાં પણ ઈચ્છા અને શક્તિ બંન્નેનો સંપૂર્ણ અભાવ હોવા છતાં અમે અંતાક્ષરી રમ્યા. અને અહિંથી જ અમારા ચિત્ર-વિચિત્ર અનુભવોની હારમાળા શરૂ થઈ ગઈ. 20 કલાકની આરામદાયક અને 8 કલાકની કપરી મુસાફરીના અંતે અમારા જીવમાં જીવ ત્યારે આવ્યો જ્યારે કંડક્ટરે “સાંકરી” ના નામની બૂમ પાડી.

પહેલો દિવસ – સાંકરી બેઝ કેમ્પ

અમારા બેઝ કેમ્પ પાસે બસ-સ્ટોપના હોવા છતાં અમારી બસના ડ્રાઈવર અમને ખાસ જ્યાં બેઝ કેમ્પ બનેલો હતો ત્યાં સુધી મુકી ગયા. શહેરમાં રહીને મટીરીઆલીસ્ટીક અને મતલબી બની ગયેલી આપણી લાઈફસ્ટાઈલની સામે અહીં નિસ્વાર્થ ભાવે, કોઈપણ જાતના બદલાની અપેક્ષા રાખ્યા વગર કોઈ મદદ કરે એ એમારા માટે સુખદ આંચકા જેવુ હતુ. લાગ્યુ કે હજુ પણ અંતરીયાળ વિસ્તારોને શહેરી રંગ લાગ્યો નથી અને એના લીધે જ માનવતા નામની વસ્તુ જીવીત છે.

બસમાંથી ઉતરતા જ અમને અમારો બેઝ કેમ્પ દેખાયો, પહાડના ઢોળાવ પર બાંધેલા ઘણા બધા મોટા-મોટા ટેંટ અને એક સૌથી મોટો અને બધી બાજુથી ખુલ્લો ટેંટ. પાકુ બાંધકામ કરેલી ફક્ત ત્રણ જ જગ્યા, રસોડુ અને લેડીસ-જેન્ટ્સ ટોઈલેટ-બાથરૂમ. પહાડના એક લેયરથી બીજા લેયર સુધી ચડવા માટે કામચલાઉ રીતે ચુનાથી રંગેલા નાના-મોટા પથ્થરોને ને ગોઠવીને બનાવેલા પગથીયા. બેઝ કેમ્પનો દેખાવ પોલિસ કે મિલીટરી કેમ્પ જેવો આવી રહ્યો હતો પણ આગળ જતા ખબર પડી કે અહીંના નીતિ-નિયમો પણ મિલીટરી જેવા જ હતા. સૌથી પહેલા અમારી એટેંડેન્સ રજીસ્ટર કરાવી અમને અમારા ટેંટ ફાળવવામા આવ્યા. એક ટેંટની કેપેસિટી ૧૦ લોકોની અને બોયઝ/ર્ગલ્સનાં ટેંટ અલગ-અલગ. કેમ્પ લિડર દ્રારા અમને સૌથી પહેલી સૂચના એ મળી કે સામાન મૂકી ને ફટાફટ એક્ટીવિટી એરીયામાં ગરમ-ગરમ ચા-નાસ્તો કરવા આવી જવું. ત્યારબાદ અમને અમારા બ્લેંકેટ, સ્લીપીંગ બેગ અને રકસક આપવામાં આવ્યા. રકસક એટલે ટ્રાવેલિંગ અને ટ્રેકિંગમાં ઉપયોગમાં લઈ શકાય એવી ખાસ પ્રકારની બનાવટની શોલ્ડર બેગ, જેમાં ઘણા બધા નાના-મોટા ખાનાં હોય છે જે ટ્રેકિંગ માટે વધારે અનુકુળ ગણાય છે.

લગભગ સાંજે ૭ વાગ્યે અમારુ ડિનર રેડી હતુ, આમ પણ હિમાલય પ્રદેશમાં દિવસ વહેલો ઊગે છે અને રાત પણ વહેલી પડે છે. અને ટ્રેકિંગનાં નિયમોનુસાર બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર માટે ચોક્કસ સમય ફાળવેલો હોય છે અને એ સમય પ્રમાણે જ આપણે અનુસરવુ પડે છે. ખાવા-પીવાની દરેક વસ્તુ અમને કેમ્પ તરફથી મળી રહેતી હતી પણ જમવાના વાસણ અમારે અમારા જ વાપરવાનાં હતા અને સાફ પણ અમારે જ કરવાના હતા, આવી ખબર પડતાં જ બધાના હાજા ગગડી ગયા. કારણ કે પાણી અતિશય ઠંડુ હતુ, એટલું કે જો પાણી હાથ પર પડે તો હાથ સુન્ન પડી જાય. આથી અમે હિંમત એકઠી કરી સહિયારી સહમતીથી દરેકના વાસણ સાફ કરવાના વારા રાખી લીધા. સદભાગ્યે અમને વાસણ સાફ કરવા માટે ગરમ પાણી આપવામા આવ્યુ અને જાણે અમને ભગવાન મળી ગયા. ચોખ્ખાઈની ઘરમાં અને ઓફીસમા જે બડાઈઓ હાંકતા હોઈએ એ બધું જ ત્યારે ભુલાઈ ગયુ અને બસ જેમ બને એમ જલ્દી આ કામ પતાવવામાં લાગી ગયા.

ડિનર પતાવ્યા પછી અમારે એક્ટીવીટી એરીયામાં એકઠા થવાનું હતુ. નિયમ પ્રમાણે શિખર માટે નીકળનારા ગૃપે આગલી રાત્રે બેઝ કેમ્પ પર કેમ્પ-ફાયરનું આયોજન અને સંચાલન કરવાનું આથી આજે અમારે પ્રેક્ષક બનવાનુ હતુ અને સાથે-સાથે એ પણ ખબર પડી કે આવતી કાલે અમારે હોસ્ટ બનવાનુ હતુ. આથી ગૃપમાં શું કરશું, કોણ કરશે એવો બધો ગણગણાટ શરૂ થઈ ગયો. કેમ્પ ફાયર માટે સામાન્ય રીતે આપણે સાંભળ્યુ હોય એ કે પિક્ચરમાં જોયુ હોય રીતે એક જગ્યાએ લાકડાને શંકુ આકારમાં ગોઠવી એમાં અગ્નિ પ્રકટાવવામાં આવે છે અને એની ફરતે બધાં બેસીને જુદા-જુદા કાર્યક્રમ રજુ કરે. પણ એક્ટીવીટી એરીયામા આવતા જ અમને આશ્ર્ચર્ય થયું કેમકે કેમ્પ ફાયરનાં કાર્યક્રમ માટે બધા એકઠા તો થયેલા પણ આજુ-બાજુ ક્યાંય પણ ફાયરનું નામો-નિશાન ન હતુ. કેમ્પ ફાયરનો કાર્યક્રમ શરૂ થતાં પહેલા જ અમારા કેમ્પ ઈંસ્ટ્રક્ટરે અમારી દ્વિધાનો અંત લાવ્યો. અહીં પર્યાવરણનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે જેમ કે ગમે ત્યાં કચરો ન ફેંકવો, કુદરતની જાણવણી કરવી પછી એ સૂકાયેલા લાકડા પણ કેમ ના હોય.

Camping at Kedarkantha

પહેલા તો અમને કેમ્પ ફાયર નહિ હોય એવુ સાંભળીને ખુબ જ દુ:ખ થયું કારણ કે જયારે પણ આપણે કેમ્પની કલ્પના કરી હોય ત્યારે કેમ્પીંગના પ્રતિકરૂપે ટેંટ અને કેમ્પ ફાયર જ તાદૃશ થતા હોય છે. છતાં કેમ્પ ઈંસ્ટ્રક્ટરની વાત સાંભળ્યા પછી લાગ્યુ કે એમની વાત તદન વ્યાજબી છે, આપણે જરૂર સિવાય કોઈપણ વસ્તુનો બગાડના કરવો જોઈએ. કેમ્પ ફાયરનાં સ્થાને એક ત્રિકોણાકાર વાંસનો ટોપલો ઉંધો મુકેલો હતો અને એની ફરતે ફેયરીલાઈટ્સ લગાવેલી હતી આ પ્રકારનાં સેટીંગથી ફાયર જેવો ભ્રામક દેખાવ ઊભો કરેલો હતો. ખુબ જ મજાક મસ્તી સાથે અમે કેમ્પ ફાયરનો આનંદ માણી અને ગરમ-ગરમ બોર્નવિટાને ન્યાય આપી અમે અમારા ટેંટ તરફ પ્રસ્થાન કર્યુ. આ બધાની વચ્ચે અમને એક વસ્તુ વારે-વારે ટ્રેકિંગ પર આવવાના અમારા નિર્ણયને ઢંઢોળીને પુછી રહી હતી એ હતી અહીંની કાતિલ ઠંડી. વાર્તાઓમાં જેમ રાજકુમારી દિવસે ના વધે એટલી રાત્રે વધે એમ અહીં ઠંડી પણ એ રાજકુમારીની જેમ ક્ષણે ક્ષણે વધી રહી હતી. રાત્રે ટેંટમાં ઠંડી ના આવે એ માટે અમે અમારા લગેજથી ટેંટની દરેક સાઈડ કવર કરી દીધી, સાથે-સાથે સ્લીપીંગ બેગમાં કઈ રીતે ગોઠવાવુ એ પણ શીખી લીધુ. ઊંચી-નીચી પથરાળ જમીનની ઉપર તાડપત્રી અને સાદી જાડા કાપડની સાદડી અને એની ઉપર સ્લીપીંગ બેગમાં અમે કે જેમા પડખું ફેરવવુ પણ એક મોટુ ટાસ્ક હતું અને અમારી ઉપર 2 થી 2.5 કિલોનો બ્લેંકેંટ. આ બઘી જ વસ્તુઓ સાથે એડજસ્ટ થતા-થતા અને બીજાના આપણા જેવા જ એડજસ્ટ થવાના પ્રોબ્લેમ સાંભળતા ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના રહી. અને હયુમન સાયકોલોજી પ્રમાણે આપણા જેવી તકલીફ જો બીજાને પણ થાય તો માનસિક શાંતિ થાય છે કે તકલીફ સહન કરવા વાળા આપણે એકલા નથી.

બીજો દિવસ – Orientation & Acclimatization

Acclimatization એટલે શરીરને નવી જગ્યાના હવા-પાણી કે પરિસ્થિતિને અનુકુળ બનાવવુ. કોઈ પણ ટ્રેકર પહાડી વિસ્તારના વાતાવરણને ટેવાયેલા હોતા નથી, અને આગળના પ્રવાસમાં કોઈ તકલીફના પડે એની તકેદારી રૂપે Acclimatization walk કરાવવામા આવે છે. હોસ્ટેલ અને સ્કુલ છોડ્યાના ઘણા વર્ષો બાદ અમે ફરી એ જ બાળપણ જીવી રહ્યા હતા અને Whistle & bell ના ઈશારે દરેક પ્રવૃતિ કરી રહ્યા હતા. ફરીથી જાણે શૈશવના સંસ્મરણો યુવાનીની પાંખ લગાવી દરેક ક્ષણ ફરી જીવી રહ્યા હતા. એજ બાળપણના નિર્દોષ તોફાનો, લાઈનમા પહેલા ઊભા રહેવાની રેસ, કોણ મોડુ આવ્યુ છે એની સર પાસે ચમચાગીરી કરવી અને એમને દંડ મળતા ખી-ખી કરીને હસવાનુ. દરેક વ્યક્તિ અહીં પોતાની ઉંમર, હોદ્દો કે સામાજીક દરજ્જો ભુલીને ફક્ત બાળક બનવામાં લાગેલી હતી. ચા/કોફી પતાવી અમારે જોગીંગ અને એક્સરસાઈઝ કરવા જવાનું હતુ. લગભગ 2 કિમી જેટલુ જોગીંગ કર્યા બાદ અમને એક ખુલ્લી જગ્યાએ એક્સરસાઈઝ કરાવવમા આવી. અગાઉ ટ્રેકિંગ કરી ચુકેલા મિત્રોએ અમને મહિનાઓ પહેલા જ જણાવી દિધેલુ કે રેગ્યુલર વોક અને એક્સરસાઈઝ કરવી જેથી ટ્રેકિંગમા એકસાથે વોક કરવાનુ આવે ત્યારે તકલીફ ના પડે.

અહીં કુદરતી સૌન્દર્યનો તો જાણે કે ખજાનો હતો. જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં લીલાછમ પર્વતોએ સફેદ રંગની ચાદર ઓઢી હોય એમ દરેક પર્વતોની ટોચ પર બરફ પથરાયેલો હતો. ત્યાંથી દેખાતા ત્રણ પહાડ સ્વર્ગારોહિણી, બંદરપૂંછ અને કાલાનાગ વિશે ઈંસ્ટ્રક્ટરે અમને જણાવ્યુ. જેમાનું સ્વર્ગારોહિણી શિખર પાર કરવુ ખુબ જ મુશ્કેલ છે, જે ચારે તરફથી બીજા પહાડો, ગ્લેશિયર અને મોટા-મોટા ખડકોથી ઘેરાયેલુ હોવાના લીધે એને સીધું પાર કરી શકાય એવી કોઈ શક્યતા જ નથી. મહાભારતની કથા પ્રમાણે પાંચ પાંડવો માંથી ફક્ત યુધિષ્ઠિર જ સદેહે સ્વર્ગની સીડી ચડી શક્યા હતા અને જે પર્વત પરથી ચડ્યા હતા એ પર્વત એટલે આ સ્વર્ગારોહિણી. અને આ લોકકથા પરથી જ આ પર્વતનું નામ સ્વર્ગારોહિણી પડ્યુ હોવુ જોઈએ. ત્યારબાદ પરત આવતા અમે સાંકરી ગામની અંદરથી પસાર થયા જેથી અમે ત્યાંના લોકોને, એમની રહેણી-કહેણી ને નજીકથી નિહાળી શકીએ.

થોડું જ ચાલ્યા હશુ કે ખુલ્લી જગ્યા નજરે પડી. ખુલ્લા મેદાનની બરોબર વચ્ચે ખુબ જ જુનુ લાકડાનું એક મકાન અને એની ચારે તરફ રાખોડી રંગના પથ્થરોથી બનાવવામા આવેલો કઠેડો અને એ જ પથ્થરોનું ફ્લોરીંગ. આ પશુપતિનાથનું મંદિર હતુ. મંદિરની બાંધણી સામાન્યત: મંદિર કરતા અલગ જ હતી આથી જ અમારામાંથી કોઈપણ પહેલા સમજી ના શક્યુ. પશુપતિનાથ એટલે પશુનાં નાથ જે શિવનું જ એક સ્વરૂપ છે. મંદિરની બાંધણી તથા તેની આસ-પાસની જગ્યા ખુબ જ જુનવાણી હતી. અંગ્રેજો જે અમુક વિસ્તારોમાં પહોંચી શક્યા ન હતા તેમાં આ ગામડાઓનો પણ સમાવેશ થાય છે. કદાચ આ જ કારણે દાયકાઓ પછી પણ આ વિસ્તારોનું સૌંદર્ય અક્ષુણ્ણ રહ્યુ છે અને કાળની થપાટોની તેના પર કોઈ અસર થઈ નથી.

મંદિર બંધ હોવાના લીધે અમે દર્શન ના કરી શક્યા. આ મંદિર વર્ષમાં અમુક દિવસો જ દર્શનાર્થીઓ માટે ખુલે છે અને રોજ ફક્ત પુજારી જ પૂજા અર્ચના કરી શકે છે. આ વિસ્તારમાં દરેક ગામના મુખ્ય દેવતા હોય છે. અહીં એક વસ્તુ અમને બધાને આશ્ર્ચર્યમાં મુકી રહી હતી, મંદિરનાં ગર્ભદ્વારની ચારે તરફ ઘણા બધા શિલ્ડ, ટ્રોફી અને મેડલ લગાવેલા હતા. ઈંસ્ટ્રક્ટરના જણાવ્યા પ્રમાણે કેદારકંઠ શિખર પર દર વર્ષે મેળો ભરાય છે જેમા આસ-પાસના દરેક ગામના લોકો ઉત્સાહથી ભાગ લે છે અને ત્યાં ઘણી બધી રમતોનું પણ આયોજન થાય છે. અહીં દરેક ગામના યુવાનો આ રમતોમાં પોત-પોતાના ગામનું પ્રતિનિધિત્વ કરે છે. અને જો એમની જીત થાય તો આખું ગામ એ જીતનું સહભાગી બને છે. અને જે રીતે આપણે જીતીને આવ્યા પછી આપણી ટ્રોફી સૌથી પહેલા આપણા માતા-પિતાને આપીએ છીએ, એમ આ લોકો ગામના મુખ્ય દેવતા ને જ પોતાના માતા-પિતા માની અને જીતીને લાવેલી દરેક ટ્રોફી, શિલ્ડ અને મેડલ ભગવાનને અર્પણ કરે છે. મંદિરનાં ચોગાનમાં અમને ટીમ બિલ્ડીંગ ગેમ્સ રમાડવામાં આવી જેથી અમે એકબીજાને ઓળખી શકીએ.

અમે બેઝ કેમ્પ પારે પહોંચ્યા જ હશુ ત્યારે જ અમારી આગળનું ગૃપ શિખર માટે રવાના થઈ રહ્યુ હતુ. આથી અમારે એ લોકોને ઉત્સાહ, જોશ અને વિનીંગ સ્પીરીટ સાથે વિદાય કરવાના હતા. તાળીઓનો ગડગડાટ અને “ઓલ ધ બેસ્ટ”ની ચીચીયારીઓ એક અલગ જ પ્રકારનો રોમાંચ જગાવી રહી હતી. કદાચ આવી જ રોમાંચક લાગણીને વાચા આપવા જ “એન્ડ્રાલાઈન રશ ” શબ્દ બન્યો હશે.

આવનાર દિવસોમાં રકસેક ઉંચકીને ચાલી શકીએ અને પરીસ્થીતિને અનુકુળ થઈ શકીએ એ માટે અમારે અમે ઉંચકી શકીએ એટલો વજન રકસકમા ભરી અમુક kms સુધી ચાલવાનુ હતુ આથી રકસક સાથે અમે લગભગ 2-3 kms સુધી ટ્રેકિંગ કર્યું. થોડો સમય રેસ્ટ કરવા માટે અમે એક સમતળ જગ્યાએ રોકાયા અને આ સમયનો પણ સદ્ઉપયોગ કર્યો. સૌએ પોતાનો પરિચય સાથે કેટલામો ટ્રેક કરી રહ્યા છે એની જાણકારી આપી. ત્યારબાદ ગૃપ લિડર, કો-ગૃપ લિડર, એન્વાયરન્મેન્ટ લિડર અને કેમ્પ ફાયર હોસ્ટ કરવા માટે 2 માસ્ટર ઓફ સેરેમનિ ચુંટવાની પ્રક્રિયા આગળ વધારી. ગૃપ લિડર અને એન્વાયરન્મેન્ટ લિડર શોધવામા બહુ મહેનત ના કરવી પડી કારણ કે ગૃપમાં અનુભવ અને ઉંમર બન્નેમાં સિનીયર એવા બે ટ્રેકર પહેલેથી જ હતા. બંન્ને લગભગ ૪૫-૫૦ ની ઉંમરના હોવા ટ્રેકિંગ પર આવેલા. એમના કહેવા મુજબ વ્યક્તિ શારીરિક રીતે પછી, પહેલા માનસિક રીતે વૃધ્ધ બને છે. જો તમે માનસિક રીતે યુવાન હોવ તો તમે ઉંમરને પણ હાથતાળી આપી શકો. એમની આ અમૂલ્ય શિખ અમે પણ ગાંઠે બાંઘી લીઘી.

કો-ગૃપ લિડર અને માસ્ટર ઓફ સેરેમનિ માટે અમુક સભ્યોએ સામેથી ઈચ્છા દર્શાવી અને અમે એ સહર્ષ વધાવી લીધી. અહીથી માસ્ટર ઓફ સેરેમનિએ કારોબાર સંભાળી લીધો અને કેમ્પ ફાયર કઈ રીતે વધુમાં વધુ રોચક અને મજેદાર બની શકે એની ચર્ચા-વિચારણા શરૂ કરી દીધી. ડાન્સ, કપલ ડાન્સ, ગૃપ ડાન્સ, સ્કીટ, માઈમ, સોલો સોંગ, ગૃપ સોંગ, રીજનલ સોંગસ, ગુજરાતી ગરબા અને માસ્ટર ઓફ સેરેમનિના રૂપમાં સ્ટેંન્ડીંગ કોમેડીયન તો ખરા જ. વિવિધસભર કાર્યક્રમ જોઈને હેડ કેમ્પ લિડર ખુબ જ ખુશ થઈ ગયા કે હજુ સુધી અમારા જેટલો સરસ કાર્યક્રમ કદાચ જ કોઈએ કર્યો હશે. અમારી સાથે-સાથે ત્યાંના રહેવાસીઓમા પણ એટલો જ ઉત્સાહ હતો. તેઓએ ગઢવાલી લોકૃનૃત્ય રજુ કર્યુ અને અમારામાંના કેટલાક ઉત્સાહી લોકો પણ એમા જોડાયા. શરૂઆતમા અમારો ગઢવાલી ડાન્સ કોમેડી ડાન્સ બની ગયો પણ થોડી વારમાં અમે પણ શીખી ગયા. જેમ ગુજરાતી ગુજરાત છોડે પણ ગરબા ના છોડે, એમ હિપહોપ કે રેપ સોંગ પર જે ગરબા કરી બતાવે એ જ ખરો ગુજરાતી. આ જ પ્રણાલીને જીવંત રાખવા અમે પણ ગઢવાલી લોકગીત પર ગરબા રમ્યા અને અધૂરામાં પુરું ગઢવાલી લોકોને પણ ગરબા રમતા કરી દીધા. અમારા આશ્ચર્ય વચ્ચે જ્યારે ત્યાંના સ્થાનિક ગઢવાલી ગાયકે “પંખીડા તું ઉડી જાજે પાવાગઢ રે…” ઉપાડ્યું, ત્યારે તો દરેકનાં આનંદનો પાર ન રહ્યો. ગૃપનાં દરેક ગુજરાતી ટ્રેકરની આંખો ગુજરાતી હોવાના ગર્વથી જ ચમકી ઉઠી.

આપણે તો આપણી સંસ્ક્રુતિ, આપણી પરંપરાનો આદર કરતા જ હોઈએ છીએ પણ જ્યારે બીજા લોકો કે જેમને દૂર-દૂર સુઘી આ વસ્તુઓ સાથે કોઈ સંબંધ નથી છતાં એની કદર કરે ત્યારે જે લાગણી થાય એને કદાચ હજુ સુધી શબ્દ નથી મળ્યા, એ ફક્ત અનુભવવાથી જ સમજી શકાય છે. પંખીડા સાંભળતા જ ગૃપના દરેક ગુજ્જુ ટ્રેકર નિસંકોચ ગરબા રમવા જોડાઈ ગયા. અમારા માંથી કોઈ ને પણ ગરબાને વિરામ આપવાની ઈચ્છા ના હતી. જેમ બિનગુજરાતી લોકો કહે છે એમ 1 કિમી ચાલતા થાકી જાય પણ આખી રાત ગરબા રમતા ના થાકે એને કહેવાય ગુજરાતી. છતાં મન મનાવી અમે કાયૅક્મને વિરામ આપ્યો અને ત્યારબાદ વહેલી પડે સવારના રાગ સાથે નિંદ્રાદેવીને ન્યાય આપ્યો.

ત્રીજો દિવસ – સાંકરી બેઝ કેમ્પથી જુડા તળાવ – ૮૭૦૦ ft.

સવારે બ્રેકફાસ્ટ પતાવી, સ્લીપીંગ બેગ અને બ્લેંકેટ જમા કરાવી અને અમારે એક્ટીવીટી એરીયામા એકઠા થવાનુ હતુ. અમારે બને એટલો ઓછો સામાન લેવાનો હતો અને એમા સૌથી વધારે ગરમ કપડા, અને વધુમાં વધુ પગનાં મોજા જરૂરી હતા. અમને આપવામાં આવેલા બ્રેકફાસ્ટ, લંચ, ડિનર ખુબ જ સારા હતા, છતાં ગૃપના બધા જ ગુજરાતીઓએ નાસ્તો ભરેલો જે આગળ જતા અમને ભારે પડેલો. ચઢાણમાં સપોર્ટ મળે એ માટે અમે લાકડી ખરીદ કરેલી. અમને 2 ગાઈડ આપવામા આવ્યા જે પુરા ટ્રેકિંગ દરમિયાન અમારી સાથે રહેવાના હતા. ટ્રેકિંગ કેમ્પ લિડર, કેમ્પ ઈંસ્ટ્રક્ટર, ગાઈડ દરેક વ્યક્તિ ઓફીસીયલ સર્ટિફાઈડ માઉન્ટેનીયર્સ હતા. કવિ શ્રી ઉમાશંકર જોષીની રચનાની જેમ “ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા…”, પણ અહીં એ શક્ય નહોતું, અમારે પણ અર્જુનની જેમ સારથીની જરૂર હતી. અમારા પછી આવેલા ગૃપે અમને તાળીઓના ગડગડાટ અને ચીચીયારીઓથી પ્રોત્સાહિત કર્યા. જાણે અમે કોઈ શિખર પર નહી યુધ્ધ કરવા જઈ રહ્યા હોય, પણ એ અજાણી આંખોમાં એક વિશ્ર્વાસ ઝળકાઈ રહ્યો હતો, એ વિશ્ર્વાસ હતો જંગ જીતવાનો.

પંખીઓની કિલકારીઓ, પાઈન-દેવાદારનાં આભને અડતા ઉંચા ઉંચા વૃક્ષો અને પાશ્ર્વાદભુમા હિમાલયની ગિરિમાળાઓ વચ્ચે નાની-નાની કેડીઓ, અને એમાં સુસવાટા મારતા ઠંડા પવનની સામે ઝીંક ઝીલતા અમે આગળ વધ્યા. હવેનું ચઢાણ ચાલવા કરતા ઘણું જ અઘરુ હતુ આથી મુશ્કેલી પડી રહી હતી અને થાક પણ લાગ્યો હતો. બપોર સુધી ચાલ્યા પછી એક જગ્યાએ અમે વિરામ લીધો અને બેઝ કેમ્પથી સાથે લાવેલ લંચ કર્યુ. અમારે ચોક્કસ સમય સુધીમાં પહેલા કેમ્પ જુડા કા તલાવ પહોંચવાનુ હોવાથી આરામ કરવો શક્ય જ ના હતો. રસ્તામાં થોડા-થોડા અંતરે દેખાતો બરફ થાક ભુલાવી શકતો હતો. લગભગ 2-3 કલાકના ચઢાણ બાદ અમે જુડા કા તલાવ પહોંચી ગયા અને પહોંચતા જ અમારો થાક દૂર થઈ ગયો, પહાડોની વચ્ચે આવેલા ખુલ્લા મેદાન, જ્યાં નજર કરો ત્યાં બરફ જ બરફ અને એની વચ્ચે લગાવેલા ટેંટ, આ બધુ ખુબ જ રોમાંચક હતુ. અમને ગરમ ગરમ ટોમેટો સૂપ સાથે ઉષ્માભર્યુ સ્વાગત મળ્યુ. બરફને જોઈને જે ઈચ્છાઓ અમે આખા રસ્તે દબાવી રાખી હતી એ પુરી કરવાનો અમને પુરતો સમય મળી ગયો. વોટરપ્રુફ જેકેટ, ટ્રેક-પેન્ટ અને ગ્લોવઝ પહેરીને સેના તૈયાર હતી. બરફ એવી વસ્તુ છે કે જે ભલભલાને બાળક બનાવી દે એમ અમે બધા પણ બરફમાં ખુબ જ રમ્યા જેમ કે બરફના ગોળા બનાવી એક-બીજાને મારવા, સ્નો-મેન બનાવવા, બરફમાં આળોટવું, કુદકા ને ભુસકા મારવા વગેરે વગેરે.

આ દરેક મસ્તી, મજાક અને તોફાનોને અમે કચકડે કંડારી લીધા, આ એ જ યાદો હતી કે જેને જોઈને અમે આ એક-એક ક્ષણ ફરી જીવવાના હતા. સાંકરી છોડતા જ અમે ઈલેકટ્રીસીટીને આવજો કહી દીધુ હતુ એટલે કુદરતી પ્રકાશમા જ કામ ચલાવવાનુ હતુ આથી અંધારુ થાય એ પહેલા લગભગ 6:30 વાગ્યે અમે ડિનર કરી લીધું, 7pm સુધીમા તો જાણે રાતના 10 વાગ્યા હોય એવુ લાગવા લાગ્યુ. તાપમાન -12 સુધી પહોંચી ગયુ હતુ અને અમને કેમ્પ લિડરે કહ્યુ કે જેમ-જેમ રાત વધતી જશે એમ ઠંડી પણ વધશે. આટલા વહેલા ડિનર તો કરી લીધુ પણ આટલી વહેલી ઊંઘ તો કઈ રીતે આવે? આથી કેમ્પ લિડરની પરમિશન લઈ ગૃપના દરેક સભ્યો અમારા ટેંટમાં એકઠા થયા. અને વાતોનો દોર શરૂ થયો, કોઈએ પોતાના અનુભવનો પટારો ખોલ્યો, તો કોઈએ અલક-મલકની વાતો જણાવી અને હા, ટાઢા પોરના ગપ્પા મારવાવાળાઓની પણ કમી ના હતી. અમારી વાતો અને અવાજમાં વધુ જોર ત્યારે આવ્યુ જ્યારે રાતની કડકડતી ઠંડીમાં અમને ગરમ-ગરમ બોર્નવિટા મલ્યુ. દૂધ ના ભાવે, બોર્નવિટા ના ભાવે એવા નખરા કરનારાઓ પણ ચુપચાપ ગટગટાવી ગયા.

આ જ બધી મસ્તી, મજાક વચ્ચે જ ગૃપમાંથી એક વ્યક્તિ ટેંટ બહાર ગઈ અને કહ્યુ કે બધા જલદી બહાર આવો. અમે ચોંકયા શું થયુ હશે ? બહાર નીકળતા જ કંપારી છુટી ગઈ, હાડ થીજાવી દે એટલી ઠંડી હતી. કંઈ સમજીએ એ પહેલા જ એમણે અમને ઉપર જોવા કહ્યુ. ઉપર જોતા જ જાણે ઠંડી પણ એક ધબકારો ચુકી ગઈ. આખું આકાશ હજારો ને લાખો તારલાઓ થી ઝગમગી રહ્યુ હતુ. એવુ લાગી રહ્યુ કે પૃથ્વીથી અંતરિક્ષ નું અંતર જાણે ઘટી ગયુ હોય અને અમે એના સાક્ષી બન્યા હોય. આંખો પુરા આકાશ ને મન ભરીને પીવા માંગતી હતી અને હાથ લાંબો કરી તારાઓ ને મુઠ્ઠીમાં ભરી પોતાના કરી લેવાની સ્વાર્થી ઈચ્છાઓ પણ જાગૃત થઈ રહી હતી. પોલ્યુશન અને કોંક્રીટનાં જંગલો સાથે અબોલા લીધેલા તારલાઓ અહીં મન મુકીને હાસ્ય વેરી રહ્યા હતા. આ ક્ષણે એવો વિચાર પણ આવી ગયો કે આ દશ્ય જોઈ ને જ અમારું ટ્રેકિંગ સફળ થઈ ગયુ, હવે કદાચ શિખર સુધી ના પહોંચી શકીએ તો પણ કોઈ રંજ નથી. છતાં જેમ કે છે ને કે “જીવન ચલને કા નામ ચલતે રહો સુબહો શામ” એ રીતે અમારે પણ આગળ વધવાનું હતું.

ચોથો દિવસ – જુડા તલાવથી લુહાસુ (કેદારકંઠ બેઝ-કેમ્પ) – 10250 ft.

આજે અમારે કેદારકંઠ બેઝ કેમ્પ પહોંચવાનું હતુ આથી ચા-નાસ્તો કરી અને જરૂર પુરતુ લંચ પેક કરીને અમારી સેના તૈયાર હતી નેક્સ્ટ કેમ્પ તરફ કૂચ કરવા માટે. થોડું જ ચાલ્યા હોઈશું ત્યાંજ ખુલ્લુ મેદાન જેવું નજરે પડ્યુ, પણ એ મેદાન નહિ તળાવ હતું, “જુડા કા તલાબ”. હિમાચ્છાદિત પહાડોની ગિરીમાળાઓ અને દેવાદારનાં વૃક્ષો ની હારમાળાઓ વચ્ચે આવેલું આ કુદરતી તળાવ જામી ગયુ હતું. હળવેકથી ડગલાં ભરતા અમે તળાવની વચ્ચે ગયા. જામી ગયેલા તળાવ પર ચાલવોનો અનુભવ ખરેખર અવિસ્મરણીય હતો. માનવસહજ ડર સાથે અમે તળાવ ઉપર થોડો સમય પસાર કર્યો. ફોટોગ્રાફ્સ અને હાસ્યની છોળો વચ્ચે બનેલા એક બનાવે દરેકને ચિંતામાં મુકિ દિધા. 48 લોકોના ગ્રુપમાંનો એક ટ્રેકર જંપીંગ ફોટો લેવાના ચક્કરમાં સમતોલન ના જાળવી શકતા જામેલા બરફ પર સીધો પટકાયો અને થોડીવાર થવા છતા પણ એ જગ્યાએથી ના હલ્યો ના તો બીજાએ હલાવવા છતાં કોઈ પ્રતિક્રિયા આપી.

ગૃપમાંની બે-ત્રણ નર્સો એ આપેલી પ્રાથમિક સારવાર બાદ દસેક મિનિટ પછી તે સળવળ્યો અને ભાનમાં આવ્યો. એની પરિસ્થિત જોઇને ગાઇડે એવું સૂચન કર્યું કે તેની સ્થિતિ સારી ન હોય તો કોઇ એક ગાઇડ તેને બેઝ કેમ્પ સુધી પાછો મુકી જશે. પણ તેની તબિયતમાં સુધારો જણાતા તેણે ટ્રેકિંગ ચાલુ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી.

બરફ પર ચાલવું આટલું જોખમી હોઇ શકે તેનો અમને અંદાજ આવ્યો ન હતો. હિમાલયના બર્ફિલા પહાડોમાં જો સહેજ પણ હોશિયારી કરી તો હાડકાં ખોખરાં થતાં વાર લાગતી નથી. માણસ ગમે તેવો તીસમારખાં હોય પણ કુદરત આગળ તે લાચાર છે. પરિસ્થિતિની ગંભીરતા સમજી લોકોએ વધુ સમય પસાર ના કરતા આગળ વધવાનું ઉચિત માન્યુ. બરફના થર વચ્ચે બનેલી કેડીઓ પરનો બરફ સખત ગયો હતો આથી અમે બરફમાં ચઢવાની ટેકનિક અપનાવી. સૌથી પહેલા લાકડીને કેડીની બાજુના બરફના થરમાં અંદર સુધી ખૂંપાવી, એડી બરાબર ગોઠવીને પછી આખો પગ મુકવો આનાથી બરફમાં પગની પકડ બરાબર આવે છે. અમારી પહેલા ગયેલા ગૃપનાં ટ્રેકર્સ શિખર સર કરીને અમને સામે મળવા લાગ્યા, અને હિંમત આપવા લાગ્યા કે આગળ ઘણું જ સહેલુ છે, બસ તમે હવે પહોંચી જ ગયા છો વગેરે વગેરે. આવું સાંભળીને ખરેખર અમારા જીવમાં જીવ આવ્યો. અને બધી તાકાત એકઠી કરીને ચાલવાનું ચાલુ રાખ્યુ.

૩૦ મિનિટનો લંચ બ્રેક લઈ ફરી આગળ વઘ્યા. અમારી ફોટોગ્રાફી, મજાક, મસ્તી, તોફાનો ઓછા થઈ ગયા, અને બધું ધ્યાનચઢવા પર જ કેન્દ્રિત કર્યુ. કેટલાક લોકોને વારે વારે શ્ર્વાસ ચડી રહ્યો હતો. અનુભવી ટ્રેકર્સે સલાહ આપી કે શ્ર્વાસ ચડે ત્યારે ઊંધા ફરીને ઊભા રહેવું અને ઊંડા શ્ર્વાસ લેવા, આ પ્રમાણે કરવાથી શ્ર્વાસ નોર્મલ થઇ જશે. અને એવુ જ થયુ, અમે આ સલાહ પ્રમાણે ધીમે ધીમે આગળ વધ્યા અને આખરે કેદારકંઠ બેઝ-કેમ્પ (લુહાસુ) પહોંચ્યા. જેમ જેમ આગળ વધી રહ્યા હતા એમ એમ પ્રકૃતિની અવનવી છટાઓ ખીલી રહી હતી. બેઝ કેમ્પની આ જગ્યા પહેલાનાં કેમ્પ કરતા પણ સુંદર હતી. ટેંટ ફાળવાયા પછી, અમે ખુબ જ ટેસ્ટી સૂપ પીધું, ૧૦૨૫૦ ft ની હાઈટ પર આટલું સ્વાદિષ્ટ ભોજન મળવું આશ્ચર્યજનક હતું અને છોગામાં ડિનરમાં આપવામા આવેલ ગુલાબજાંબુએ તો દરેકના દિલ ખુશ કરી દીધા. અમારે પરોઢિયે ૨.૩૦ વાગે ઉઠવાનું, બેડ ટી-બ્રેકફાસ્ટ પતાવી ૪ વાગ્યા સુધીમાં શિખર પર ચઢવાનું ચાલુ કરવાનું હતું. ચઢતી વખતે સાથે ફક્ત પાણીની બોટલ અને ટોર્ચ જ સાથે રાખવાની હતી.વહેલી સવારે ચડાઇ શરૂ કરવાની હોવાથી ફરજીયાત 8.00 વાગ્યા સુધીમા ઊંઘી જવાનું હતું.

પાંચમો દિવસ – લુહાસુથી કેદારકંઠ સમિટ – ૧૨૫૦૦ ft.
કેદારકંઠ સમિટથી રીર્ટન લુહાસુ, લુહાસુથી અરગાઁવ – ૮૦૦૦ ft.

પૂઆખરે એ દિવસ આવી ગયો જેના માટે અમે લગભગ ૧૪૦૦ kms નો પ્રવાસ ખેડીને આવ્યા હતા. વહેલી પરોઢે ઉઠીને ખાવું થોડું મુશ્કેલ તો છે જ, પણ આજે અમારી શારીરિક ક્ષમતાની સૌથી મોટી કસોટી થવાની હતી અને એટલે જ શરીરને કંમ્પલસરી ઇંધણની જરૂર હતી. આથી ઈચ્છા ના હોવા છતાં અમે પરોઢિયે 3 વાગે બ્રેકફાસ્ટ કર્યો. હિમાલયમાં હવામાનનું કંઈ કહી ના શકાય વરસાદ પડે કે સ્નોફોલ પણ થાય આથી અમે ગરમ કપડાનાં ત્રણ ચાર થરની ઉપર વોટરપ્રુફ જેકેટ, ટ્રેક-પેન્ટ અને ગ્લોવઝ પણ ચડાવ્યા. સાથે નાની સાઈડ બેગમાં જરૂર પૂરતી દવાઓ, થોડા ગ્લુકોઝના ટીકડા અને કપુર લીધા.

૧૦૦૦૦ ફીટની ઊંચાઈ પછી હવા પાતળી થઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય તો કપૂર સૂંઘવાથી રાહત રહે છે. ટીમ લીડરના શોર્ટ-બ્રિફીંગ પછી કડકડતી ઠંડી, ચારેબાજુ બરફ અને ટોર્ચ અને લાકડીના સહારે અમે ધીમે ધીમે એક લાઇનમાં ગોઠવાઇને ચઢવાનુ શરૂ કર્યુ. સદભાગ્યે એ પૂનમની રાત હોવના લીધે અજવાળુ હતુ, છતાં ટોર્ચની જરૂર પડી રહી હતી. દિવસે સુંદર અને આહલાદક લાગતુ દ્રશ્ય રાત્રે બિહામણું બની જાય છે. હિમાલયના પહાડો વર્ષોથી ધ્યાનમાં બેસેલા અઘોરીનો ભાસ કરાવતા હતા જ્યારે વૃક્ષો એમના ભયાનક રખેવાળોની ગરજ સારતા હતા. પંખીઓની કિલકારીઓનુ સ્થાન શિયાળની લારીઓએ લઈ લીધેલું.

કેડીઓ વધુને વધુ સીધાં ચઢાણવાળી અને લપસણી થઈ રહી હતી જેનાથી અમારી ગતિ ધીમી થતી ગઈ. બેઝ-કેમ્પ પર અમને કહેલુ કે અમને કદાચ રીંછનો ભેટો થઈ શકે છે, રીંછ તો ના જોયુ પણ સપાટ બરફ પર તાજા જ પડેલા રીંછનાં પગલા જોયા. જંગલી જાનવરનો ભય કેવો હોય એ એ સમયે સમજાયુ જ્યારે ગાઈડે કહ્યુ કે રીંછ નજીકમાં જ ક્યાંક હોવુ જોઈએ. ભગવાનને પ્રાર્થના કરતા કરતા અમે ચડવાનું ચાલુ રાખ્યુ પણ થાક લાગવાથી વારે વારે ઊભા રહેવા લાગ્યા. પણ આ આરામ ગાઈડને મંજુર ના હતો. અમે જેવા ઊભા રહીએ કે એની “no wait”, ”no wait”ની બૂમો ચાલુ થઈ જાય. તેમની બૂમોથી અમે એટલા ટેવાઇ ગયા હતા કે ટ્રેકિંગ પુરું થયા પછી પણ તેના પડઘા કાનમાં ખાસ્સા વખત સુધી ચાલુ રહ્યા હતા. પણ અમારા ગાઈડભાઈ ખરેખર મજેદાર અને ઉત્સાહી માણસ હતા. આવી આકરી ચડાઇ એના માટે રમતવાત હતી. કોઇને ચડાઇમાં તકલીફ પડે તો તે તરત જ તેની મદદે દોડતા પહોંચી જતા હતા.

એક સમય એવો આવ્યો જ્યારે હું પણ એમાની એક હતી. જેને Altitude / Mountain Sickness કે છે એનો હું ભોગ બની હતી. ચઢાણ એકદમ સીધુ આવવા લાગ્યુ, અહીં બરફ ન હતો પણ એની જગ્યાએ મોટા મોટા ખડકો અને તેની બંન્ને બાજુએ ઊંડી ખીણ હતી. જો પગ લપસ્યો તો હાડકું પણ હાથ ન આવે એવી એ વિકરાળ જગ્યા હતી. આકરી ચડાઇ અને પહાડની ભયાનકતાના કારણે હું હિંમત હારવા માંડી, મને એવો પણ વિચાર આવ્યો કે અમદાવાદનું શાંત અને સગવડભર્યું જીવન છોડીને હું શા માટે અહીં આવી ? મને નબળાઇ જેવું લાગવા માંડ્યું. શ્વાસ લેવામા મુશ્કેલી થવી, ચક્કર આવવા, શરીરમાં સેન્સેશન્સ થવા વગેરે વગેરે લક્ષણો જણાવા માંડ્યા. થોડીવાર આરામ કર્યા વગર આગળ વધવું મારા માટે અશક્ય હતું આથી બધાંનાં સૂચનથી મને એક મોટા પથ્થર પર સૂવડાવવામા આવી. આ સમયે એવું લાગ્યું કે હવે ન તો હું શિખર સુધી જઈ શકીશ કે ન તો હું બેઝ-કેમ્પ પાછી ફરી શકીશ.

લગભગ ૧૦-૧૫ ઊંડા શ્વાસ લીધા અને ગ્લુકોઝ ટેબલેટ્સ લીધી ત્યારબાદ થોડું સારું લાગ્યુ. ગાઈડે બેઝ-કેમ્પ પાછુ જવા તૈયારી બતાવી, મારું મન લલચાઇ તો ગયું પણ એને હાર મંજૂર નહોતી. અહીંથી હું અમારુ લક્ષ્ય કેદારકંઠ જોઈ શકતી હતી, એ પણ જાણે મને સર કરવાનો પડકાર ફેંકી રહ્યો હતો. લક્ષ્યની આટલા નજીક આવ્યા પછી હિંમત હારવી મને સ્વીકાર્ય ન હતી અને ત્યાં પ્રોત્સાહિત કરનારાઓની પણ કમી નહતી. ત્યાની હવાઓમાં કંઈક મુગ્ધ કરે એવુ હતુ.

ટ્રેક દરમિયાન કયારેય વાત ના થઈ હોય અને નામ પણ ના જાણતા હોય એ લોકો પણ એકબીજાને હિંમત આપી રહ્યા હતા અને આગળ વધવા પ્રોત્સાહિત કરી રહ્યા હતા. અમને અહીં જ શીખવા મળ્યું કે ટ્રેકીંગનો અર્થ પહેલા આવવાની દોટ મૂકવી એવો નથી કે નથી કોઈ સ્પર્ધા. એ તો છે એકબીજાની સાથે ચાલવું, દરેક પરિસ્થિતિમા સાથ આપવો પછી એ કપરી હોય કે સહેલી. પૂરતી સ્ટ્રેન્થ એકઠી કર્યા બાદ અમે આગળ વધ્યા. એક ટોચ પર પહોંચ્યા એટલે અમને લાગ્યુ કે અમે શિખર પહોંચી ગયા, પણ પહોંચતા જ ખબર પડી કે હજુ એક પહાડ ચઢવાનો છે. આ સાંભળીને લોકો ભાંગી પડ્યા. ત્યાંજ અમને ઊગતા સૂર્યનાં દર્શન થયા, એ સૂર્યની પહેલી કિરણ અમારા માટે આશાની પહેલી કિરણ હતી, જાણે કુદરત પણ કહેતી હોય “આગે બઢો, હમ તુમારે સાથ હૈ“.

નીચુ જોઈને ચાલવામા ખ્યાલ જ ન રહ્યો કે ક્યારે હિમવર્ષા ચાલુ થઈ ગઇ, આગળ જઈ રહેલા ટ્રેકરર્સની ચીચીયારીઓ સાંભળી ત્યારે ખ્યાલ આવ્યો. જીવનમા પહેલી જ વાર સ્નો ફોલ જોવાનો લ્હાવો મળ્યો અને જાણે અત્યાર સુધીની બધી જ તકલીફો બરફમાં ઓગળી ગઈ. અમે કોઈ પરિકથાના પ્રદેશમાં કે સ્વર્ગમાં આવી ગયા હોઇએ એવી લાગણી થઇ. સ્નો ફોલના લીધે અમારામાં થોડો હિંમતનો સંચાર થયો હતો. પણ ગાઈડ તરફથી એલર્ટનું પણ સિગ્નલ મળ્યું કે જો સ્નોફોલ વધી ગયો તો અમે શિખર સુધી નહિ પહોંચી શકીએ અને પાછા વળવુ પડશે, એટલે અમે ઝડપ વધારી. ભારે મુશ્કેલી અને આકરી ચડાઈને અંતે અમે આખરે શિખર પર પગ મૂક્યો. જંગ જીત્યો રે મારો કાણીઓ રે લોલ ની જેમ અમે પણ સમયસર અને સલામતપણે શિખર પર લેંન્ડીંગ કરી દીધુ હતું. અહીં ઠંડી એટલી કે ફોટો પાડવા માટે ગ્લોવ્ઝ કાઢતા જ ફ્રોસ્ટ-બાઈટ થતુ હોય એવુ લાગ્યુ. પણ જે લાગણી અમે અનુભવી રહ્યા હતા એ અલૌકિક, અદ્-ભુત હતી.

મુશ્કેલીઓ વેઠીને શિખરે પહોંચવાની અનુભૂતિ અલગ જ હોય છે. આ અનુભૂતિને જ્યારે વર્ણવવા માટે જ્યારે શબ્દો ખૂટી પડે છે ત્યારે તેમનું સ્થાન અશ્રુ લે છે. પછી બધા જ લોકોએ કેમેરાની ચાંપો ધડાધડ દબાવીને આ રોમાંચક દૃશ્ય કેદ કરી લેવાનું શરૂં કર્યું. હું એક ખડક પર બેસી ગઈ અને કારણ કે હું આ મારી નાનકડી સિદ્ધિને બરાબર માણી લેવા માગતી હતી. મારે અહીંની આસપાસની દરેક વસ્તુને મારી સ્મૃતિમાં કેદ કરવી હતી જેથી હું દુનિયાના કોઈપણ ખૂણે હોઉં અને જ્યારે પણ સ્મૃતિ વાગોળવાની ઈચ્છા થાય ત્યારે ફક્ત આંખ બંધ કરીંને અનુભવી શકુ. એ પછી હિમાલયની ગિરિમાળાઓ હોય, ગુલાબી તડકો આપતો સુરજ હોય, પંખીઓની કિલકારીઓ હોય, છેક ક્ષિતિજ સુધી લંબાયે જતી ચારેબાજુએ પથરાયેલ બરફની ચાદર હોય કે અને ખુબ જ ખુશ અને આનંદિત લાગતા ચહેરાઓ હોય. અત્યારે જ્યારે હું આ લખી રહી છું ત્યારે પણ રૂવાંડા ઊભા થઈ જાય એટલો રોંમાંચ અનુભવી રહી છું એજ એ વાતનો પુરાવો છે કે મે એ યાદગાર પળોને સારી રીતે સમેટી હતી. અહીં અમારા માટે શિખર અટલે કેદારકંઠ અને તેની ઊંચાઈ ૧૨૫૦૦ ft છે. જ્યાં હતુ માત્ર ખડકાળ પથ્થરોની વચ્ચે ગોઠવેલુ સંહારના દેવ એવા ભગવાન શિવનું ત્રિશુળ. પર્વતની ટોચ પર અડગ રહેલુ ત્રિશુળ, પુરા બ્રહ્માંડ પર રહેલા ભગવાન શિવનાં આધિપત્યનો જાણે પુરાવો આપતુ હતુ.

વાદળો ઘેરાવા લાગ્યા હોવાથી વધુ સમય ત્યાં પસાર કરી શકાય એમ ના હતો. ગાઈડે બ્રિફીંગ કર્યુ કે અમને ઊપર ચઢતા જેટલો સમય લાગ્યો એનો ફક્ત ૫૦50% સમય અમને ઉતરતા થશે કારણ કે બરફ પર સરકીને ઉતરવાનુ હતુ. બરફમાં સ્લાઈડ કરવુ થ્રીલીંગ તો હતુ જ પણ સાથે સાથે થોડું જોખમી પણ હતુ. સ્લાઈડ કરતા અને બરફમા ચાલતા અમે ખરેખર ઘણા જલદી બેઝ કેમ્પ પહોંચી ગયા. બેઝ કેમ્પ પહોંચતા જ કેમ્પ લિડરે અમારુ સ્વાગત કર્યુ. અહીંથી લંચ પતાવી અને ટેંટ પણ ખાલી કરવાના હતા કારણ કે અમારા પછીની ટ્રેકિંગ બેચ અહીં પહોંચી ગઈ હતી. અને અમારે આગળના કેમ્પ જવા માટે નીકળવાનુ હતુ. મને થોડી નબળાઈ લાગી રહી હતી આથી મારી રકસેક મે પોર્ટર દ્રારા કેમ્પ સુધી મોકલાવી. હવે જે રસ્તાથી અમારે ઉતરવાનુ હતુ ત્યાં બરફ ન હતો પણ બરફ ઓગળવાના લીધે કીચડ થઈ ગયેલો અને લપસણીઓ પણ. સાથે સાથે કોઈ કેડી પણ બનેલી ના હતી ફક્ત ખરબચડો અને ખાડાટેકરાવાળો ઢોળાવ જ હતો. પડતા-આખડતા લગભગ અઢી કલાકના અંતે અમે અરગાઁવ કેમ્પ પહોંચી ગયા. આ જગ્યાએ બરફ વધુ પીગળી રહ્યો હોવાથી સૌથી વધુ ઠંડી લગભગ-17 or -18 અમને અહીં લાગી. ગરમ ગરમ બટાકાવડા અને ચાએ અમારો થોડો-ઘણો થાક ઊતારી દીધો. આજનો દિવસ અમારા માટે ખુબ જ લાંબો હતો. ઘણા લોકો જમ્યા વગર જ ઊંઘી ગયા, હું પણ એમાની જ એક હતી.

છઠ્ઠો દિવસ – અરગાઁવથી સાંકરી બેઝ કેમ્પ

આગલા દિવસનો થાક ઊતારી આજે બધા તાજગીભર્યા અને ખુબજ અનંદિત લાગી રહ્યા હતા અને કેમ ના હોય, કેમ્પ લીડરના કહેવા પ્રમાણે અત્યાર સુધીના શિખર પર ગયેલા 12 ગૃપમાંથી ફક્ત અમારા ગૃપનાં 100% ટ્રેકર્સ શિખર સુધી સમયસર પહોંચી શક્યા હતા. બ્રેકફાસ્ટ પતાવી અમે સાંકરી બેઝ કેમ્પ જવા રવાના થયા. ઉતરાણ, ચઢાણ જેટલું મુશ્કેલ નથી હોતુ. આથી અમને ઊતરતા વધુ મુશ્કેલી ના પડી. બેઝ કેમ્પ પર આવીને સૌથી પહેલા બધા ગરમ પાણીથી ન્હાયા. એક વાત તો કહેવાની રહી જ ગઈ. આ 3-4 દિવસ દરમિયાન અમે એકપણ વાર ન્હાયા ન હતા એના બે કારણ હતા. પહેલું તીવ્ર ઠંડીમાં હાથમોંજાં કાઢવા જ્યાં શક્ય ન હતા ત્યાં ન્હાવાની વાત તો દુર જ રહી અને બીજુ કારણ બાથરૂમની અનુપલબ્ધિ. હા શુલભ શૌચાલય ઉપલબ્ધ ખરા પણ થોડા હટકે.

વિગતવાર જણાવુ તો જ્યાં કેમ્પ લગાવેલો હોય ત્યાંથી થોડે દૂર એક ઊંડો ખાડો ખોદેલો હોય અને તેની બરાબર વચ્ચે બન્ને છેડે સમાંતર બે લાકડા મુકેલા હોય, આ પ્રતિકૃતિને અંગત બનાવવા માટે તેને ત્રણ બાજુએ થી પેક અને એક બાજુએથી ચેઈનથી ખુલી શકે એવો કપડાનો બનાવેલો એક વ્યક્તિની કેપેસિટીવાળો ટેંટ. તમારે તમારા શસ્ત્ર સરંજામ જેમ કે પાણી, ટોઈલેટ પેપર, ટોઈલેટ સોપ વગેરે લઈને જવાનું, ત્યાં કોઈપણ પ્રકારની સુવિધાની અપેક્ષા રાખવી નહી. જો તમારો કાર્યક્રમ ચાલુ હોય અને જોરદાર પવનનાં લીધે ટેંટ ઉડી જાય તો તમારા નસીબ. લંચ બાદ અમે છેલ્લીવાર બ્રિફીંગ માટે એકઠા થયા, કેમ્પ ઈંસ્ટ્રક્ટરે અમારી સફળતાને બિરદાવી. ગૃપમાનાં ઘણા લોકો નીકળવાની તૈયારીમાં હતા. એ દિવસે ૩૧ ડિસેમ્બર હતી અના YHAI ના આયોજકોએ ઘણી મહેનત અને લગનથી ખાસ ટ્રેકર્સ માટે ન્યુ યર પાર્ટીનું આયોજન કરેલું આથી કેમ્પ ઈંસ્ટ્રક્ટરે અમને અરજ કરી કે અમે પણ ન્યુ યર પાર્ટી સેલિબ્રેટ કરીને બીજા દિવસે સવારે નીકળીએ.

અમારા ગૃપ પાસે પુરતો સમય હતો આથી અમે એમની ઈચ્છાને સહર્ષ વધાવી લીધી, પણ ખરેખર તો પાર્ટીના નામથી જ બધા લાલચુ થઈ ગયેલા. સતત પાંચ દિવસથી સમય, આજ્ઞા, નીતિ-નિયમો અને વ્હીસલના અવાજ સાથે ઊગતી અમારી સવાર અને ઢળતી સાંજ આ બધાથી ટેવાઈ ગયેલુ અમારુ માઈન્ડ અને શરીર હજુ અમને મળેલી હળવાશ સ્વીકારી શક્યું નહોતુ. આ જ કારણ છે કે આપણા મિલિટ્રીના જવાનો રીટાર્યડ થયા પછી પણ આટલા શિસ્તબદ્ધ હોય છે. આ સેલિબ્રેશન માટે ખાસ બનાવવામાં આવેલા અને જોતા જ મોંમાં પાણી આવી જાય એટલાં સ્વાદિષ્ટ અને ભાત-ભાતના વ્યંજનો પર અમે લગભગ પર ટૂટી જ પડ્યા જાણે વર્ષોથી ભૂખ્યા હોઈએ.

બીજા દિવસે જવાવાળા ગૃપે કેમ્પ ફાયર કાર્યક્રમ રજુ કર્યો અને અમને ટ્રેકિંગ સફળતા પુર્વક પાર પાડવા બદલ સર્ટિફિકેટ એનાયત કરવામા આવ્યા. અને આખરે અમે ડાન્સ પાર્ટી માટે તૈયાર હતા આ રાત્રે અમને બુમો પાડવાની છૂટ હતી, મોડા સુધી જાગવાની પણ છૂટ હતી, ટૂંકમાં આજે બાંધ્યો ઘોડો છુટ્ટો હતો. લાઉડ મ્યુઝીક, થનગનતા પગ અને ચિચીયારીઓ વચ્ચે ખ્યાલ જ ના રહ્યો કે ક્યારે 12 વાગવા આવ્યા. ૧૨ વાગ્યા પહેલા જ મ્યુઝીક બંધ કરી દેવામા આવ્યું અમને બધાને અચરજ થયું ત્યાં જ અમારા કેમ્પ લિડરે અનાઉન્સ કર્યુ કે આજે બધા ન્યુ યરની સાથે-સાથે કોઈનો બર્થ ડે પણ સેલિબ્રેટ કરાશે. અચાનક લાઈમલાઈટમાં આવવુ કેને કહેવાય કે પબ્લિક એંગ્ઝાયટી કેવી હોય શકે એ હું અનુભવી રહી હતી. કારણ કે અહીં મારા જ બર્થ ડેની અનાઉન્સમેન્ટ થઈ રહી હતી.

મારા હસબન્ડના લીધે મારા સિવાય બેઝ કેમ્પમાં લગભગ દરેકને આ સરપ્રાઈઝ બર્થ ડે સેલિબ્રેશનની જાણ હતી. મારા જીવનનો સૌથી યાદગાર બર્થ ડે મે સાંકરીમાં ઉજવેલો. અને જીવનભર યાદ રહી જાય એવી હટકે કેક પણ કટ કરી કારણ કે મને જાણવા મળેલુ કે મારા હસબન્ડના અથાગ પ્રયત્નો બાદ પણ સાંકરીમા કેક જેવી વસ્તુ મળી શકી ના હતી આથી એમણે મસ્કાબનને કેક નુ સ્વરૂપ આપી એમણે મારા બર્થ ડે સેલિબ્રેશનને વધુ સ્પેશિયલ બનાવી દીધુ. હું ખરેખર નસીબદાર હતી કે આ રીતે મારો બર્થ ડે સેલિબ્રેટ કરી શકી. એક ખાનગી વાત કહુ તો 1st જાન્યુઆરીએ બર્થ ડે હોવાનો આજ ફાયદો હું વર્ષોથી ઉઠાવી રહી છુ. આમ ઘણી બધી કેક મતલબ મસ્કાબન ખાઈ, ઘણી બઘી બર્થ ડેની શુભેચ્છાઓ મેળવી અને 2016નુ વેલકમ કર્યુ અને કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરી. મ્યુઝીક અને ડાન્સે અમારો બધો થાક થોડા સમય માટે તો ભુલાવી જ દીઘેલો પણ અમારી સફર હજુ બાકી હતી અને અમારે વહેલી સવારે દહેરાદૂન જવા નીકળવાનુ હતુ આથી અમે બધા સામાન પેક કરી ઊંઘવાની તૈયારીમાં લાગી ગયા.

અમે બપોર થતા દહેરાદૂન પહોચ્યા અને એ દિવસ લોકલ સાઇટ સીઇંગ માટે ત્યાં જ રહેવાનુ નક્કી કર્યુ. અમે ધર્મશાળામાં રોકાયા, અહીં ધર્મશાળાનો ઉલ્લેખ એટલા માટે કર્યો કારણ કે અમારો મતલબ ફકત રાત રોકાવાનો અને ન્હાવા-ધોવાનો જ હતો કારણ કે બાકીનો સમય અમે ફરવામાં જ વીતાવવાના હતા. અને મે જેમ આગળ કહ્યુ એમ અમે ટુરિસ્ટ નહી ટ્રાવેલર હતા અને ટ્રાવેલર માટે જરૂરી છે કે જ્યાં થઈ શકે ત્યાં કરકસર કરીને કામ ચલાવવુ. અને આમ પણ અમે એડવેન્ચર ટ્રીપ પર હતા નહી કે લગ્ઝ્યૂઅરિઅસ હોલિ ડે પર.

આગલો દિવસ આરામ કરી અમે વહેલી સવારે ફરી તૈયાર થઈ ગયા બીજા એડવેન્ચર માટે. જે હતુ વાઈટ વોટર રાફ્ટીંગ કે રીવર રાફ્ટીંગ જે ઋષિકેશમાં થતુ હતુ. પહાડો અને ખડકાળ પ્રદેશમાંથી પસાર થતી નદી રસ્તામાં આવતા ઢોળાવ, પથ્થરો અને ખડકો પર વેગથી અથડાવાથી ખુબ જ તોફાની અને વેગીલી બને છે. આ નદીના પ્રવાહમા ૬-૮ વ્યક્તિની ક્ષમતા વાળી રબ્બરની હવા ભરેલી બોટ જેને રાફ્ટ (તરાપો) કહેવાય છે એમા બેસીને ખુબ જ સ્ફુર્તિથી હલેસા મારીને વચ્ચે આવતા રેપિડ પાર કરવાના, અહીં નદીની લહેરો ખુબ જ મોટી અને ઊંચી-નીચી થઈ જાય છે, જો સ્ફુર્તિથી હલેસા ના મારીએ તો બોટ ઉંધી પણ થઈ શકે છે અને આપણે પાણીમાં તણાઈ શકીએ. રેપિડ 6 typeના હોય છે ઈઝી થી એક્સટ્રીમ ડિફીકલ્ટ અને એ પ્રોફેશનલ ટ્રેઈન્ડ ગાઈડના માર્ગદર્શન હેઠળ જ પાર કરવાના હોય છે.

ઋષિકેશમાં રીવર રાફ્ટીંગ બુકિંગ ઓફીસથી અમને રાફ્ટીંગના સ્ટાર્ટીંગ પોઈન્ટ સુધી વાહનમાં લઈ જવામા આવ્યા જેનું અંતર લગભગ ૧૮-૨૦ કિલોમીટર હતું. સલામતી અને સુરક્ષા માટે અમને ફોમ-વેસ્ટ અને સેફ્ટી હેલ્મેટ પહેરાવવામા આવ્યા. દસ મિનિટના બ્રિફીંગ, ગાઈડન્સ અને ઈંસ્ટ્રક્શન્સ બાદ અમે રાફ્ટીંગ ચાલુ કર્યુ. એકબીજાને પાણીની છોળો ઊડાવતા અમે આગળ વધ્યા. રેપિડમાં પ્રવેશ કરતાં જ હ્દયના ધબકારા વધી ગયા અને એને નજર સામે જોતા જ લાગ્યુ હવે આ વમળમાંથી નીકળવું શક્ય જ નથી.

થોડી ક્ષણો માટે શાંત વહેતી ગંગાએ જાણે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. અમારી બોટ પણ કાગળની હોડીની જેમ પોતાનુ અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરી રહી હતી. ગંગાની લહેરો એટલી મોટી હતી કે હલેસા મારવા છતાં એ આખી બોટને સમાવી લેતી હતી. પણ જેવા લહેરમાંથી બહાર નીકળીએ એટલે એવુ લાગે કે નવું જીવન મળી ગયુ. ક્ષણવાર માટે પાણીના આ રૌદ્ર સ્વરૂપે અમને કુદરતની પ્રચંડ તાકત સામે મનુષ્યની ક્ષમતા સમજાવી દીધી હતી. રેપિડમાંથી બહાર નીકળતા જ અમે રાહતનો શ્ર્વાસ લીધો પણ હજુ તો અમે એક જ રેપિડ પાર કર્યુ હતુ આગળ ઘણા બાકી હતા અને અમારે આ રીતે 18 kms નુ સાહસ ખેડવાનું હતું. જેમ-જેમ આગળ વધતા ગયા એમ-એમ નાના-મોટા રેપિડ આવતા ગયા અને સમય જતાં અમારો આત્મવિશ્ર્વાસ પણ પાછો આવતો ગયો અને એના લીધે અમે રીવર રાફ્ટીંગ એડવેન્ચરનો આનંદ માણી શક્યા. ગંગામા ડૂબકી મારવા કરતા પણ વધુ આનંદ અમને રાફ્ટિંગ કરવાથી થયો કારણ કે અમે એવો અનુભવ કરેલો કે જાણે અમે ગંગામાં નહી, ગંગા અમને પોતાનામાં સમાવી રહી હોય. ઋષિકેશમાં લોકલ સાઈટ સીંગ કરી અને હરિદ્વારની સાયં આરતિનો લાભ લઈ અને દહેરાદૂન પાછા ફર્યા. દહેરાદૂનથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદની રીર્ટન ટ્રેન બુકીંગ અમે કરાવેલું જ હતુ.

દહેરાદૂનથી દિલ્હી ઓવર-નાઈટ મુસાફરી કરી અમે વહેલી સવારે નવી દિલ્હી પહોંચ્યા. અમદાવાદની ટ્રેન દિલ્હી કેન્ટ.થી પકડવાની હતી એટલે સૌથી પહેલા અમે દિલ્હી કેન્ટ. પહોંચ્યા પણ અમને પહોંચતા જ ખબર પડી કે ટ્રેન અઢી કલાક મોડી છે. અઢી કલાક ટાઈમ-પાસ કર્યા બાદ અને છોગાનો બીજો એક કલાક રાહ જોયા બાદ અમારી પ્રતિક્ષાનો અંત આવ્યો અને અમે છેવટે અમારી બર્થ પર ગોઠવાયા. ગોઠવાયા તો ના કહી શકાય કારણ કે બધા લગભગ પડતાવંતે જ ઊંઘી જ ગયેલા. મોડી રાત્રે અમે અમદાવાદ પહોંચી છુટા પડ્યા એ પ્રોમિસ સાથે કે બીજી ટ્રીપ આના કરતા પણ યાદગાર કરીશું. ત્યાં સુધી વાગોળવા માટે અમે ઘણી બઘી યાદો, પછી એ ખુશીની હોય કે મુશ્કેલીની, હસવાની હોય કે રડવાની, અમારી દરેક સિદ્ધિ, દરેક સારી-નરસી પળો ભેગી કરી લીધી હતી, અમારા કેમેરામાં, ફેસબુકમાં, વૉટ્સઅપમાં, અમારી વાતોમાં અને સૌથી મહત્વનુ અમારા સંસ્મરણોમાં કે જે કદાચ કેમેરા, ફેસબુક કે વોટ્સઅપ માંથી દુર થઈ શકે પણ અમારા સંસ્મરણો હવે જીવન પર્યત અમારી સાથે રહેવાના હતા.


26 thoughts on “કેદારકંઠ શિખર સાથે સાક્ષાત્કાર.. – મેઘના ભટ્ટ દવે