દિલ્હીનું અનોખું રવિવારી પુસ્તકબજાર.. દરિયાગંજ બુકમાર્કેટ – જીજ્ઞેશ અધ્યારૂ 11


?

દિલ્હીમાં જોવાલાયક અનેક સ્થળો છે, ઐતિહાસિક સ્મારકો, અદ્રુત સંગ્રહાલયો, દર્શનીય સ્થળો, ખરીદીના અને ઉજાણીના અનેક સ્થળો.. પણ એ બધામાં મારા જેવા પુસ્તકપ્રેમીને જો કોઈ જગ્યા સૌથી વધુ ગમી ગઈ હોય તો એ છે જૂની દિલ્હીના દરિયાગંજનું રવિવારી પુસ્તકબજાર.

દરિયાગંજ વિસ્તાર આઝાદી પહેલા અંગ્રેજોનો કેન્ટોન્મેન્ટ વિસ્તાર હતો. લગભગ ૧૯૬૪માં શરૂ થયું હોવાનું મનાય છે તે દિલ્હીનું આ પુસ્તક બજાર અનેક રીતે અનોખું છે. નામ જ સૂચવે છે તેમ દર રવિવારે સવારે નવ વાગ્યાની આસપાસ ભરાતું આ પુસ્તક બજાર બપોર સુધીમાં તો મહદંશે ખાલી થઈ જાય છે. લગભગ દોઢથી બે કિલોમીટર લાંબી, સામાન્યથી વધુ પહોળી એવી આ ફુટપાથ પર ફક્ત ચાલવા જેટલી જગ્યા છોડીને અનેક વિક્રેતાઓ તેમના પુસ્તકોની ચાદર પાથરી દે છે. અહીં તમને પીળી પડી ગયેલી વર્ષો જૂની એલિસ્ટર મેલ્કેઈનની નૉવેલથી લઈને મિર્ઝા ગાલિબની ગઝલો સુધીની, તસલીમા નસરીનની લજ્જાથી લઈને સઆદત હસન મન્ટોની વાર્તાઓ સુધીની, GRE, GMAT, Gate, TOEFL, SSC વગેરે જેવી અભ્યાસને લગતી, બાળકોની શાળાકીય પુસ્તકો, કોમિક્સ, પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સામયિકો, પોકેટ બુક્સથી લઈને અન્ય ભાષાના પુસ્તકો વગેરે લગભગ બધી જ કક્ષાના, પ્રકારના પુસ્તકો મળી રહેશે. પણ જો તમારે જોઈતા પુસ્તક વિશે અહીં કોઈ વિક્રેતાને પૂછશો તો કદાચ તેમને પુસ્તકનું કે લેખકનું નામ ખબર પણ નહીં હોય. મેં એકને ભૂલથી ભૈયા કહીને સંબોધ્યો તો તેને ખરાબ લાગી ગયું.. અહીં સાહિત્યનો દરિયો ઘૂઘવે છે, અગાથા ક્રિસ્ટી, ડેન બ્રાઊન, પાઊલો કોએલ્હો અને જૅન ઑસ્ટીનથી લઈને મહાદેવી વર્મા, હરિશંકર પરસાઈ, મિર્ઝા ગાલિબ, મૈથિલીશરણ ગુપ્તથી લઈને ચેતન ભગત, ઋષિ કપૂર, અનુપમ ખેર, શોભા ડે, રોબિન શર્મા.. લગભગ બધા લેખકો અને બધા જ પ્રકારના પુસ્તકોની હાજરી આ બજારમાં છે. કદાચ હાથમાં લેતા ચોપડી ધૂળવાળી ભલે મળે પણ શક્ય છે કે અંદરથી એ તદ્દન નવી જ હોય. પસ્તીમાંથી વીણાયેલા પુસ્તકોનો ઢગલો મહદંશે અલગ જ હોય છે. ગયા અઠવાડીયે જ પ્રકાશિત ખ્યાતનામ લેખકનું પુસ્તક પણ તમને અહીં સસ્તામાં વેચાતું જોવા મળશે. અમુક વિક્રેતાઓ વળી એવી સગવડ પણ આપે છે કે તમે ૧૦૦ રૂપિયામાં પુસ્તક ખરીદ્યું હોય તો પાછું આપવા આવો ત્યારે તેના ૬૦ રૂપિયા તમને પાછા મળે જેનાથી તમે બીજુ પુસ્તક લઈ શકો.

દિલ્હીના કોઈ પણ વિસ્તારમાંથી રાજીવચોક મેટ્રો સ્ટેશન પહોંચવુ સરળ છે, લગભગ બધી જ મેટ્રો લાઈન અહીં મળે છે, અહીથી નવા જ ખૂલેલા મેટ્રો સ્ટેશન દિલ્હીગેટ સુધી જશો તો તેના ગેટ નંબર ત્રણની બહાર જ પુસ્તકોનો આ મહાસાગર તમારી રાહ જોતો હશે. મંડી હાઉસ મેટ્રો સ્ટેશનથી ફક્ત એક સ્ટેશન દૂર અને પ્રખ્યાત ચાવડી બજારથી બે કિલોમીટરના અંતરે આવેલું આ બજાર વર્ષોથી વિદ્યાર્થીઓ, વાચકો, સંશોધનકર્તાઓ, કળાના ચાહકો અને ભાવકો માટે પ્રિય સ્થળ રહ્યું છે.

જો તમે ભાવતાલ કરવામાં માહેર હોવ તો આ સ્થળ તમારે માટે સ્વર્ગ છે. ૫૦૦ રૂપિયાનું પુસ્તક તમે ૧૦૦ રૂપિયા સુધીમાં લઈ શકો, મહદંશે દરેક પુસ્તક તેના છાપેલા ભાવથી અડધા ભાવમાં તો રકઝક વગર પણ મળી જશે. ઘણાંય વિક્રેતાઓ ફિક્સ ભાવે ૨૦, ૫૦ અને ૧૦૦ રૂપિયાના એક પુસ્તક લેખે વેચવા માટે પુસ્તકોનો ઢગલો મૂકી દે છે. અંગ્રેજીની કેટલીક જાનદાર આત્મકથાઓ, હિન્દીની પોકેટબુક્સ અને ખ્યાતનામ સાહિત્યકારોની નવલકથાઓ અને કાવ્યસંગ્રહો તમને આવા ઢગલામાં મળી આવે તે તદ્દન શક્ય છે, પણ એ માટે જરૂરી છે ધીરજ, બે કિલોમીટર લાંબી આ બજારના પ્રત્યેક વિક્રેતા લગભગ દોઢથી બે હજાર પુસ્તકો લઈને બેસે છે, અને એમાંથી પુસ્તક શોધવું એ મહેનત માંગી લેતું કામ છે, પણ અહીં ઘણાંય એવા પુસ્તકો મળી રહેશે જે વિશે તમે ફક્ત વિચાર્યું પણ નહીં હોય. નવા વિષયો અને ફક્ત નામથી જ જાણતા હોવ એવા સાહિત્યકારોના પુસ્તકો તદ્દન મામૂલી રકમ આપીને વાંચવા મળે એ અહીં સરળતાથી થઈ શકે છે. અનેક વિદેશીઓ અહીં ભારતીય સાહિત્ય, સંસ્કૃતિ અને કળાને લગતા પુસ્તકોની શોધમાં લટાર મારતા જોવા મળશે. ખૂબ ભીડ હોવાને લીધે તમારું પાકીટ અને મોબાઈલ સંભાળીને રાખવું હિતાવહ છે, જેથી તમે પુસ્તકોની દુનિયામાં ખોવાયેલા હોવ ત્યારે પાકીટ ન ખોવાઈ જાય. આખું બજાર ફરવા અને તમને જોઈતા પુસ્તકો શોધવામાં પાંચ-છ કલાક પણ ઓછા પડશે. અહીં સસ્તા ભાવે સ્ટેશનરી પણ મળી રહે છે અને રીસાઈકલ કરેલા કાગળમાંથી બનાવેલી અહીં વેચાતી સ્ટેશનરી લેવા પણ ખૂબ ધસારો થાય છે.

અઠવાડીયાના બીજા દિવસો પણ આ વિસ્તાર સાહિત્યથી જ ધમધમતો રહે છે, પણ અલગ રીતે.. દરિયાગંજમાં જ એસ. ચંદ, યુબીએસ પબ્લિશર્સ, જયકો, ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, હિમાલય પબ્લિશિંગ હાઊસ જેવા અનેક પ્રકાશકો આ જ વિસ્તારના અન્સારી રોડ પર છે, પણ આ બજારની વાત જ અલગ છે. પુસ્તક રસિયાઓ માટે દરિયાગંજ બજાર ખરેખર દરિયો છે, પુસ્તકોનો ગંજ પણ ખરો..

– જીજ્ઞેશ અધ્યારૂ

 

(મૂળ દિવ્યભાસ્કરની વેબસાઈટના એક્સપર્ટ બ્લોગ્સ વિભાગમાં તા. ૨૧ જૂનના રોજ પ્રકાશિત બ્લોગપોસ્ટ.)


Leave a Reply to HiteshCancel reply

11 thoughts on “દિલ્હીનું અનોખું રવિવારી પુસ્તકબજાર.. દરિયાગંજ બુકમાર્કેટ – જીજ્ઞેશ અધ્યારૂ