જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૧) 13


આજથી અક્ષરનાદ પર શરૂ થઈ રહી છે બાર મિત્રો દ્વારા લખાયેલી, “કથાકડી” નામની વિક્રમસર્જક વાર્તા લખનાર “શબ્દાવકાશ” ગ્રુપની એક સહિયારી લઘુનવલ, ‘જીવન અંંતરંગ’. આજે પ્રસ્તુત છે આ લઘુનવલનો નિવારોઝીન રાજકુમારે લખેલો પ્રથમ ભાગ..

૧.

“હે ડિયર, ખૂબ ખૂબ અભિનંદન“ વોટ્સએપ મેસેજ કર્યા બાદ ડૉ. આરાધનાએ બે ટીક થઇ ત્યાં સુધી એકીટશે મેસેજ જોયા કર્યો, પછી મોબાઈલ ટેબલ પર મૂકી, બાજુમાં પડેલું કાર્ડ ઉઠાવી બે ચાર વાર ફેરવી ફેરવીને જોયું અને વિચારમાં મગ્ન થઈને એ કાર્ડથી પોતાના મોં પર હવા વીંઝવા લાગ્યા. ‘નિલયની સગાઈ થઇ ગઈ!’ આનંદની સાથે જ આશ્ચર્યની બેવડી લાગણી થઈ આવી.

મોબાઈલમાં મેસેજનો ટોન સાંભળીને નિલયે કમને મેસેજ ખોલ્યો. આંખો સામે ઝબૂકી રહેલા મેસેજે એને જાણે નવેસરથી નીચોવી નાખ્યો. એક ઝનૂન સાથે જવાબ આપ્યા વગર એણે મોબાઈલ પાછો મૂકી દીધો. નજર સામે સતત આવા અનેક મેસેજ તરવર્યા કરતા હતા.

જાણે ખેલ ખેલી નાખવો હોય એમ આજે ચાર દિવસે એણે ફેસબુક ઓપન કરીને પોતાનું પ્રોફાઈલ પિક્ચર બદલ્યું. બીજી જ પળે ટપોટપ કમેન્ટ્સ અને લાઈક્સ આવવા લાગી, એક એક નામ સાથે એમના ચહેરા એની નજર સામે આવતા રહ્યા. એ કમેન્ટ કરનારના મનમાં ઉઠતા સવાલો અને ઉત્કંઠા સમજવા મથી રહ્યો હતો.

“નીલુ, ચાલ હવે તો જમી લે.“ મમ્મીનો સાદ સંભળાતા જ એણે ડાઈનીંગ ટેબલ પર બેઠા બેઠા જ લેપટોપની સ્ક્રીન નમાવી દીધી અને પાસે પડેલી થાળી પોતાની નજીક સેરવી. સરિતાબેન રસોડામાંથી બોલતા રહ્યા અને નિલય કોઈ જવાબ આપ્યા વિના જમતો રહ્યો.

બરાબર સામે બેઠેલી સીમાએ પડખે બેઠેલા વિવેકભાઈને નિલય તરફ જોવા ઈશારો કર્યો. આંખના ઈશારે ‘બધું ઠીક છે’ એમ કહી વિવેકભાઈ હાથ ધોવા ઉભા થઇ ગયા.

વાતાવરણમાં એક ભાર છવાઈ રહ્યો હતો. રસોડામાંથી ડોકિયા કરતા સરિતાબેને સીમાને ઈશારો કર્યો, “નિલય, એનો મેસેજ આવ્યો કે નહીં?” સીમાએ પૂછ્યું, જવાબમાં નિલય એની સામે ખાલી આંખે જોઈ રહ્યો.

“આવશે એટલે પહેલા તને જ કહીશ ઓકે?“ નિલયે કહ્યું. ખબર નહી કેમ ગમે તેવો ગુસ્સો આવે પણ તોય એનાથી સીમા પર ગુસ્સે થઇ શકાતું નહીં.

“અરે, હું તને મદદ કરું.. એકાદ મેસેજ કરને.. એ પણ રાહમાં હશે યાર.“ ભાઈબેનની ગુસપુસ સરિતાબેન માણી રહ્યાં હતાં. નિલય શાંતિથી જમતો રહ્યો. આવીને પાછળ સોફા પર બેસી ગયેલા વિવેકભાઈએ ટીવીમાં ધ્યાન પરોવી દીધું.

“મમ્મી! બસ હવે ચાલને, બહુ થયું.. તું પણ જમવા બેસી જા.” સીમાના અવાજે દોરાઈને આવ્યા હોય તેમ સરિતાબેન પ્લેટમાં બે રોટલી લઈ આવીને બેઠા.

“નિલય, તેં આજે શાકમાં વાંધો ન કાઢ્યો?“ એમ બબડતા એમણે સીમા સામે જોયું. થાળીની બાજુમાં પડેલી વાટકીમાં હાથ ધોઈ, નેપકીનથી લૂછી, નિલયે ફરી વાર મોબાઈલ હાથમાં લીધો. સરિતાબેન અને સીમાની વાતો તરફ જાણે એના કાન બહેરા થઇ ગયા હોય એમ એ પોતાના પ્રોફાઈલ પિક્ચર તરફ જોતો રહ્યો. ધડાધડ કમેન્ટ આવતી હતી અને અભિનંદનની વર્ષા થતી હતી.

“સર, કાલે તો પાર્ટી પાકી…”

“પેંડાથી નહીં ચાલે, વ્યવસ્થિત પાર્ટી જોઇશે..“

“છૂપે રુસ્તમ નીકલે યાર. યે કબ હુઆ?“ બેંક મેનેજર નિલય કાલે પાર્ટી આપવી જ પડશે એવી માનસિક તૈયારી કરવા લાગ્યો. પછી તેણે વિચાર્યું કે કાલે જવું જ નથી. અનેક વિચારોથી એ ઘેરાતો રહ્યો . ત્યાં જ વોટ્સ એપ પર ફરી મેસેજ આવ્યો.

‘અનુષા..’ એક ફોટો ડાઉનલોડ થતો હતો. મોબાઈલ પર દેખાતું એ ચકરડું જાણે અદ્દલ નિલયનાં મનનું પ્રતિબિબ હતું! નિલયને યાદ આવ્યું કે એ વખતે એક પછી એક વિધિના અને આમંત્રિત સગાવ્હાલાઓના ફોટા લેવાતા હતા. હાથમાં નાળીયેર લઈને ઉભેલા સરિતાબેનને ફોટોગ્રાફરે “આંટી, તમે ખૂબ સુંદર છો.” એમ કહ્યું ત્યારે આખા હોલમાં હાસ્ય ફરી વળ્યું હતું. ગુલાબી સાડી પહેરેલા સરિતાબેન વધુ ગુલાબી થઇ ગયા હતા એ યાદ આવતા નિલયના ચહેરા પર સ્મિત ફરકી ગયું.

સરિતાબેન એટલે નિલયના જીવનની ઘરી, જેના વિનાના જીવનની કલ્પના જ ન કરી શકાય એવી એની મા. નિલયની આંખો પર લાગણીનો ભેજ બાઝી ગયો. સરિતાબેન સીમા સાથે વાતોએ વળગેલા હતા. ‘કેટલું સ્લો છે આજે આ વાઈફાઈ.‘ એવું વિચારતો એ સરિતા બેન સામે જોયા કરતો હતો. નિલય, નિલય અને નિલય.. સરિતાબેન સતત આ શબ્દની આજુબાજુ જીવતા હોય એવું બધાને લાગતું. વાતોડિયા સ્વભાવના સરિતાબેન બાલમંદિરમાં શિક્ષક હતા. સરળ સ્વભાવને લીધે ફક્ત વાલીઓ સાથે જ નહીં પણ રસ્તે ચાલતા દરેક જણ સાથે એ નિરાંતે વાતો કરતા. ઘરના બધા એમના આ સ્વભાવથી અકળાતા પરંતુ એ અકળામણની તસુભાર અસર સરિતાબેન પર પડતી નહીં.

ફોટો ડાઉનલોડ થઈ ગયો.. નિલય બેઠેલો હતો અને અનુષા ઉભેલી હતી… બંને એકબીજાની સામે જોઈ રહ્યા હતા એવો ફોટો જોઈને નિલયને લાગ્યું કે એ પોતાની જાતને છેતરે છે. વિવેકભાઈ કોઈ સાથે ફોનમાં વાત કરી રહ્યા હતા. અલબત સગાઈ વિષે જ વાત હતી.

અચાનક નિલયને લાગ્યું કે આખા ઘરમાં ખુશીની જગ્યાએ સમાધાન ફરી વળ્યું છે. દરેક જણ પોતાની ઉદાસી એકમેકથી છૂપાવી રહ્યા છે. ફરીવાર એણે ફોટા તરફ જોયું.

ફોટોગ્રાફરની સુચના પ્રમાણે ફોટા લેવાતા રહ્યા. નાના બાળકોથી લઈને વડીલોએ પોતાની રીતે અભિનંદન – આશિર્વાદ આપ્યા. મલકાતા ચહેરે બધા ફોટા પડાવી રહ્યા હતા. ભેટ સોગાદોની આપલે પણ ફોટામાં કેદ થઇ રહી હતી.. લેવડદેવડ વખતે પાડેલા ફોટા સાબિતી રૂપે કામ આવે એ હવે રહી રહીને નિલયને સમજાયુ હતું. આવા પ્રસંગે યુવતી અને યુવક એકમેકને જમાડતા હોય એવા ફોટા નિલયને કાયમ હાસ્યાસ્પદ લાગતા છતાં આજે એના એ પ્રકારના ફોટા જ લેવાતાં હતા. બંનેના હાથમાં રહેલી વીંટીના ફોટા પડ્યા. સીમા ખડખડાટ હસીને કહેતી હતી ‘વીંટી પહેરાવતા હોય એવો ફોટો તો પડે જ ને!’ ભાઈને પરણાવવાનો હરખ બેનને કેમ ન હોય? ક્યારેક નિલયને સીમા નાની બહેન ઓછી અને મોટી બહેન વધુ લાગતી. મન પડી ભાંગે એવા સંજોગોમાં મજબૂત ખડકની જેમ અડીખમ ઉભી રહેતી સીમા પર એને વ્હાલ કરતા માન વધુ હતું.

એકબીજાના હાથ પર હાથ હોય એવો પોઝ આપીને ફોટો પડાવ્યો ત્યારે નિલયને પોતાની જાત પર જ બહુ નવાઈ લાગેલી કે પોતે આટલું બધું એડજેસ્ટ કરી શક્યો!

અચાનક ફોટોગ્રાફરે મોટા અવાજે કહ્યું, “નિલયકુમાર, હવે તમે ઉભા થઇ જાઓ, અનુષાબેન તમે સોફા પર બેસી જાવ.“ નિલયને યાદ આવ્યું કે આ સાંભળી આખા હોલમાં સોપો પડી ગયો હતો. કોઈ અજાણ હતા એટલા માટે નહીં પણ નિલય કઈ રીતે રીએક્ટ કરશે એ ડરે દરથી બધા શાંત પડી ગયા હતા..

નિલય ફોટા સામે જોઈ રહ્યો.. એક નાના અણસમજુ છોકરાનો દબાયેલો અવાજ એના કાનમાં ગૂંજતો હતો, “એમને તો ઉભા થવા માટે ઘોડી જોઇશે ને..“

(ક્રમશઃ)

– નીવારોઝીન રાજકુમાર, (મુંબઈ. બી એડ કોલેજમાં પ્રાધ્યાપક.)

A/103, krishna regency, Near shahad flyover, Shahad, Kalyan, Thane, maharashtra.


13 thoughts on “જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૧)