ગુજરાતનું કાશ્મીર : ડાંગ – મેહુલ સુતરીયા 13


સ્વાગત છે આપનું ગુજરાતના કાશ્મીર – ડાંગમાં..

પ્રકૃતિને માણવા પ્રકૃતિમય બનવું એ પહેલી શરત છે. એકવાર પ્રકૃતિની સાથે થોડો સમય પ્રકૃતિમય બનીને વિતાવી જુઓ, પ્રકૃતિના આ અપાર સ્નેહનો અનુભવ આપ ચોક્કસ કરી શકશો.

આજના ફાસ્ટ સમયમાં માનવી પ્રકૃતિની સાથે વધુ અને વધુ સમય વિતાવવા થનગની રહ્યો છે. કારણ પ્રકૃતિને ખોળે શાંતિ છે,પ્રેમ છે અને છે વિશાળ ઉદારતાં, આપણા અસ્તિત્વને સ્વીકારવાની. પરંતુ જરૂર છે આપણી પ્રકૃતિમય દ્રષ્ટિની જે જોઈ શકે તેની સુંદરતા,તેનું સૌન્દર્ય. આ ક્ષણે કવિ શ્રી કલાપીની એક સુંદર પંક્તિ યાદ આવે છે. ‘સૌન્દર્યને પામતા પહેલા સૌન્દર્ય બનવું પડે….!’

આજે આપની સમક્ષ લાવી રહ્યો છું એક એવું સ્થળ કે જે મારા હ્રદયના એક ખૂણામાં કેટલીય અવિસ્મરણીય યાદો બનીને વસેલું છે. જેને આપણે ગુજરાતનું કાશ્મીર કહી શકીએ ! જી ! હાં . ડાંગ – ગુજરાતનું કાશ્મીર.

દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રની સરહદે અડીને આવેલો ડાંગ જિલ્લો . ચારેકોર પથરાયેલું કુદરતી સૌન્દર્ય. બારેમાસ વહેતી નદીઓ,ગીચ જંગલો,ઉંચા વૃક્ષો …. કુદરતે જાણે સ્વર્ગને ધરતી પર ઉતાર્યું ન હોય !!…

ડાંગ સાથે મારે હ્રદયનો સંબધ રહ્યો છે તેનું એક મૂળભૂત કારણ એ કે મારા સસરા આ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવે એટલે દર વેકેશનમાં મારી પત્ની નિલમ અને બે પુત્રો આર્યન અને યશ સાથે ત્યાં જવાનું થતું. ડાંગ જવાનું થાય એટલે ઓછામાં ઓછો ૧૦ થી ૧૨ દિવસનો કાર્યક્રમ હોય જ . અમદાવાદમાં જેમ હું બાઈક લઈને ફર્યો છું તેવું જ ભ્રમણ મેં ડાંગના એ ડુંગરાળ અને ઢોળાવો વાળા રસ્તાઓ પર કર્યું છે. સાચું કહું તો ડાંગના એ કુદરતી સૌન્દર્યને ખોબલે ખોબલે પીધું છે અને હજી પણ જાણે તૃષા રહી ગઈ હોય એમ દર વેકેશનમાં ત્યાં જવાનો જાણે કે અંતરમનમાંથી સાદ આવે છે. અને ડાંગના એ બે ગામોની યાદો જ્યાં મેં ઘણો સમય વિતાવ્યો છે એવા સુબીર અને પિંપરી જાણે મને બોલાવે છે. સાંજ પડ્યે વગર કોઈ કામે બાઈક લઈને નીકળી પડવાનું કુદરતના એ સૌન્દર્યને પામવા, અને એમાં પણ જયારે ચોમાસામાં ધીમીધારે વરસાદ વરસતો હોય અને બાઈક પર નીકળ્યા હોઈએ તો તેનો આનંદ શબ્દોમાં વર્ણવવો શક્ય જ નથી. સુબીરની વાત કરું તો હમણાં થોડા સમય પહેલા જ તેને તાલુકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. સુબીરના જંગલો ગાઢ છે અને સાપ ત્યાં વધુ જોવા મળે છે અમારું ક્વાટર્સ મુખ્ય રસ્તાની બાજુમાં જ આવેલું અને રસ્તાની પેલે બાજુ જ ગાઢ જંગલ. રાત્રે અંધારું થયા પછી બહાર નહિ નીકળવાનું કારણ સાપ અને મોડી રાત્રે વાઘ અને દીપડાની આવવાની બીક. જંગલની રાત્રિ ખૂબ બિહામણી હોય છે અને તેમાં પણ જયારે ચોમાસુ હોય અને લાઈટ ન હોય ત્યારે જીવજંતુઓના તીણા અવાજો અને રાત્રિનો અંધકાર ચોક્કસ ભય પમાડે. ચોમાસાની રાત્રિમાં રસ્તા પર આવેલા વૃક્ષો પર આગિયા જોવાની મઝા પડી જાય, જાણે કે કોઈએ લાઈટની સીરીજ લગાવી હોય તેવું દ્રશ્ય ઉભું થતું હોય છે.

ડાંગની નદીઓ વિષે થોડીક વાત કરું તો ત્યાની નદીઓ પથરાળ છે અને ખૂબ ઊંડી છે એટલે ચોમાસામાં તો તે બિહામણું રૂપ ધારણ કરતી હોય છે.. પિંપરી ખાતે અમને ક્વાટર્સ ન મળ્યું હોવાથી ગામમાં એક નળિયાવાળા પણ પાકા મકાનમાં રહેતાં હતાં અને અમારા

ઘરની સામે જ ખાપરી નદી વહેતી હતી. ઉનાળામાં અમે વેકેશનમાં જઈએ એટલે નદીમાં ન્હાવા જવાનો નિત્યક્રમ. ઉનાળામાં પણ ભરપૂર પાણી નદીમાં રહેતું અને અમે ન્હાવા જતા ત્યારે નદીમાં ખૂબ નીચે ઉતરીને જવું પડતું. નદી એટલી ઊંડી પથરાળ છે કે જયારે ચોમાસામાં પાણીનો આવરો ખૂબ હોય ત્યારની કલ્પના માત્રથી ધ્રુજારી આવી જાય. ચોમાસામાં જયારે આ નદીમાં પૂર આવતું ત્યારે રાત્રે પાણીના અવાજથી જ ઊંઘ ન આવતી.

અત્યારે પિંપરી ગામ વધુ ને વધુ હાઈ-ટેક બનતું જાય છે. ગામમાં વઘઈ – આહવા મેઈન રોડ પર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની શાખા અને એટીએમ છે. ગામમાં ઝેરોક્ષ, ઈન્ટરનેટ, પ્રિન્ટ વગેરેની સગવડતા ધરાવતી દુકાનો આવેલી છે. ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. હવે તો પિંપરીની જેમ બધા ગામડાઓ વિકસવા લાગ્યા છે અને ગામોમાં તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે છે.

ડાંગના ગામડાઓમાં મોટેભાગે આદિવાસી લોકો રહે છે અને તેઓનો મુખ્ય ખોરાક નાગલીની રોટલીનો છે. આપણી જેમ ઘઉં અને બાજરીનો ઉપયોગ ખૂબ ઓછો થાય છે. તેઓ ડોડીના તેલનો ઉપયોગ ખોરાક રાંધવામાં કરે છે. ડોડીએ એક વૃક્ષ પર થાય છે અને આ પ્રકારના વૃક્ષો જંગલમાં હોય છે ત્યાંના લોકો આવા વૃક્ષ પરથી ડોડીના ફળ લાવે છે અને તેનું તેલ કાઢી તેનો ઉપયોગ ખોરાક માટે કરે છે.આ ઉપરાંત તેમના મુખ્ય વ્યવસાયમાં ખેતી અને પશુપાલન છે. ત્યાંના લોકો ખડતલ છે અને પોતાના જીવનથી સંતૃષ્ટ છે.

ડાંગની બીજી એક મુખ્ય વિશેષતાની વાત કરું તો ત્યાં ભરાતું અઠવાડિક બજાર. દરેક ગામમાં એક ચોક્કસ વારે આ બજાર ભરાય અને તે બજારમાં જીવન જરૂરી તમામ વસ્તુઓ મળી રહે. આજુબાજુના ગામ લોકો પણ તેમના નજીકના ગામ ખાતે આ બજારમાં ખરીદી કરવા જતા હોય છે. આખા અઠવાડિયાનો સામાન એ બજારમાંથી લઇ લેવાનો. અત્યારે તો ત્યાં પણ ગામમાં મોટી મોટી દુકાનો થઈ ગઈ છે એટલે જોઈતી ચીજવસ્તુ ગમે ત્યારે મળી શકે છે.

ડાંગનું મુખ્ય મથક આહવા છે અને આપ ત્યાં પ્રવાસીગૃહમાં રોકાઈ શકો છો. ડાંગમાં ઘણી જગ્યાએ ફોરેસ્ટ ખાતાના રેસ્ટ હાઉસ આવેલા છે જે લગભગ જે તે ગામથી થોડે બહાર અલાયદી જગ્યાએ આવેલા છે અને આ રેસ્ટ હાઉસ ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ માટે જ ફાળવેલા હોય છે એટલે સામાન્ય માણસોને ત્યાં રોકવાની પરવાનગી આપવામાં આવતી નથી. ગામથી દૂર આ પ્રકારના રેસ્ટ હાઉસ આવેલા હોવાથી રાત્રે ત્યાં ચોકકસ બીક લાગે. મારો અનુભવ છે કે સુબીરમાં અમારા ક્વાટર્સથી એકાદ કી.મી.દૂર રેસ્ટ હાઉસ છે અને તે ઉંચાઈ પર છે એટલે ત્યાં અમે મોબાઇલનું ટાવર પકડવા જતા કારણકે અમારા ક્વાટર્સમાં નેટવર્ક નહોતું મળતું. ઘણીવાર રાત્રે જમીને ઘરે અમદાવાદ ફોન કરવાનો થતો તો રેસ્ટ હાઉસ પર જતા. ઘરથી બહાર નીકળતા જ એક શાંત અંધકાર અને આ પણ જંગલનો અંધકાર સામે કોઈ આવી રહ્યું હોય કે કોઈ હિંસક પશુ ઉભું હોય તો પણ આપણને ખ્યાલ ન આવે. સૌ પ્રથમ આજુ બાજુ બેટરીથી લાઈટ નાખીને ચેક કરી લેતા કે કોઈ તકલીફ તો નથીને બહાર નીકળવામાં ! ત્યારબાદ જલ્દીથી બાઈક સ્ટાર્ટ કરીને અંધકારને ચીરતા પહોંચી જતા એ રેસ્ટ હાઉસના ઢાળ પર, છેક રેસ્ટ હાઉસ સુધી નહિ . હવે એમ ન પૂછતાં કે કેમ તમે રેસ્ટ હાઉસ સુધી નહોતા જતા !!? બાઈકની લાઈટ ચાલુ રાખીને ફટાફટ વાત કરીને પાછા આવી જતા એટલી બીક રાત્રે ત્યાં લાગતી. તે વખતે તો ફક્ત બી.એસ.એન.એલ.નું નેટવર્ક જ મળતું બાકીની કંપનીઓના ટાવર જ નહોતા.

જીવનમાં આ પ્રકારના અનુભવો મેળવવા જરૂરી છે અને આવા અનુભવો ચિરસ્થાયી રહેતા હોય છે.તો આપને હું આ મારી યાદો થકી આમંત્રણ આપું છું ડાંગ આવવાનું.

હવે હું આપણે લઇ જઇ રહ્યો છું ડાંગના એવા પ્રાકૃતિક અને સૌન્દર્યથી તરબોળ સ્થળો સુધી જેને જોઇને આપ ચોક્કસથી કહી ઉઠશો જવું પડશે આ સૌન્દર્ય સુધી.

માયાદેવી – સ્વર્ગની અનુભૂતિ :

વઘઈથી આહવા રોડ પર પિંપરી ગામથી કાલિબેલ થઈને માયાદેવી જવાય.રસ્તામાં કુદરતના આ સૌન્દર્યના અમીરસને પીતાં પીતાં આપ ક્યારે માયાદેવી પહોંચી જાઓ તેનો ખ્યાલ જ ન આવે.વાંકા ચૂંકા રસ્તાઓ, ક્યાંક ઉંચા ઢાળ તો રસ્તામાં ક્યાંક સમાંતર આપણી સાથે ચાલતી નદી આપના મનને પ્રફુલ્લિત કરી દેશે. માયાદેવી પહોંચતા અંદર પ્રવેશ કરીએ એટલે પ્રથમ ભોલેનાથન દર્શન થાય . મંદિરમાં દર્શન કરતાં આપના કાને પાણી ક્યાંક ધોધ સ્વરૂપે પડતું હોય તેવો ધ્વનિ સંભળાય. ઝટ દર્શન કરીને આપ એ દિશા તરફ નજર કરો તો આપને સંભળાય પાછળ વહેતી પૂર્ણા નદીના ધોધ સ્વરૂપે પડતાં પાણીનો અવાજ. પૂર્ણા નદીની બરોબર મધ્ય ભાગમાં આવેલું છે માયાદેવીનું સ્થાનક. માયાદેવીના ઈતિહાસ વિષે થોડીક વાત કરીએ તો માયાદેવીની મૂળ ઉત્પતિ કથા શિવપુરાણમાં સતિખંડમાંથી લેવામાં આવી છે. હિમાલય મહારાજ મૈનાદેવીના ઘરે પ્રકટ થાય છે. તારકાસુર શિવને પામવા જંગલમાં ભટકે છે અને માયાદેવીની પાછળ પડે છે ત્યારે નારદ મુનિ તેન કહે છે કે ઈશ્વરની માયા છે ! માયાદેવીને મેળવવાના વિચાર છોડ. સપ્તઋષિઓ હિમાલય અને મૈનાદેવીને સંદેશો આપે છે શિવ અને તેના માતાપિતા માયાદેવીને શોધવા નીકળી છે. ત્યારે માયાદેવી પૂર્ણા નદીની આ ગૂફામાં મળે છે. ગૂફા માયાદેવી ઉમૈયા તરીકે પ્રચલિત છે.

અત્યારે નદીની મધ્યમાં આર.સી.સી.નો રસ્તો બનાવેલો છે જ્યાં પહેલાં ફક્ત વાંસનો બનાવેલો એક પુલ હતો . બંને તરફ પાણી અને વચ્ચે થઈને માયાદેવી માતાજીના મંદિરે દર્શન કરવા જવાનું. જતા જતા અવશ્ય બીક લાગે કારણકે બંને બાજુ ઊંડું પાણી આવેલું છે. માયાદેવી માતાજીની ગૂફા સ્વયંભૂ પથ્થરોથી બનેલી છે. ગૂફામાં દર્શન કરવા જતા આપણા શિર પર માતાજીના આશિર્વાદ સ્વરૂપ પૂર્ણા નદીના પાણીનો જળાભિષેક થાય. શિવરાત્રીના દિવસે અહિયાં મોટો મેળો ભરાય છે અને દૂર દૂરથી પ્રવાસીઓ અહીં આવે છે.માયાદેવીની ગૂફા નદીની બરોબર મધ્યમાં આવેલી હોવાથી ચોમાસાની ઋતુમાં જઇ શકાતું નથી. બાકીના દિવસોમાં જયારે પાણી રસ્તા પરથી પસાર ન થતું હોય ત્યારે ચોક્કસથી જઇ શકાય છે.

મહાલનું જંગલ :

મહાલનું જંગલ સુબીરથી નજીકમાં જ આવેલું છે. મહાલનું જંગલ ઘણું ગાઢ છે અને અનેક જીવોનું આશ્રયસ્થાન છે. મહાલના જંગલ તરફનો રસ્તો સૂમસામ રસ્તો દિવસે પણ ડર અનુભવાય તેવો હોય છે. દિવસના સમયે વાઘ કે દીપડો નથી દેખાતા પરંતુ આપ ભાગ્યશાળી હોવ તો રાત્રીના સમયે આપને રોડ પર આરામ ફરમાવતાં પણ નજરે પડે.

ગિરમાળ ધોધ :

ડાંગમાં બે ધોધ આવેલાં છે. એક છે વઘઈ પાસે આવેલો ગીરાધોધ જયારે બીજો ગિરમાળ ગામ પાસે આવેલો ગીરાધોધ. વઘઈ પાસે આવેલો ગીરાધોધ મીની ગીરાધોધ તરીકે ઓળખાય છે જયારે ગિરમાળ ગામ પાસે આવેલો ગીરાધોધ ખૂબ મોટો છે. આ ધોધને જોવા માટે પ્રવાસીઓ દૂર દૂરથી આવે છે.આ ધોધ એટલો ભયજનક પણ છે.નદીનાં પાણીનો પ્રવાહ ઊંચાઈએથી પડે છે જેનાં કારણે નીચે મોટો ખાડો પડી ગયો છે જેથી પાણી ઉછળતું પણ નથી. આ ધોધની મુલાકાત લેતાં સમયે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે.

વઘઈ બોટનીકલ ગાર્ડન :

વઘઈ બોટનીકલ ગાર્ડન એશિયાનું બીજા નંબરનું આયુર્વેદિક ઔષધિઓનું ગાર્ડન છે. વન વિભાગ દ્વારા તેની જાળવણી કરવામાં આવે છે. દુર્લભ એવી તમામ પ્રકારની ઔષધિઓ આ ગાર્ડનમાં છે. આપ ડાંગના પ્રવાસે જાઓ તો વઘઈ બોટનીકલ ગાર્ડનની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ.

શબરી ધામ :

આહવા – નવાપુર રોડ પર સુબીર ગામમાં શબરી ધામ આવેલું છે. સુબીર અત્યારે તાલુકો છે. ઉંચી ટેકરી પર શબરીનું મંદિર આવેલું છે. ઉપર ચડવા અને ઉતરવાનો રસ્તો અલગ-અલગ અને અત્યંત ઢાળવાળો છે. ખૂબ સંભાળીને વાહન ઉપર લઇ જવું પડે છે. પ્રથમવાર એ ઢાળ ચડાવતાં હોઈએ ત્યારે ચોક્કસ પરસેવો છૂટી જાય. મંદિરના પ્રાંગણમાંથી ડાંગની સુંદરતાને ખૂબ સારી રીતે જોઈ શકો છો. નજીકમાં આવેલાં પંપા સરોવરની મુલાકાત પણ આપ લઇ શકો છો.

ચોમાસાની ઋતુમાં ડાંગ સોળે કળાએ ખીલી ઉઠે છે. રોજબરોજની દોડધામભરી જિંદગીથી શાંતિ મેળવવાં પ્રકૃત્તિના ખોળે જઈશું તો તન અને મનને એક નવી તાજગી મળશે.આશા છે કે આ આર્ટીકલ આપને ડાંગના પ્રવાસ માટે ઉપયોગી બની રહેશે. આપનાં સૂચન આપશો તો ગમશે.
તો, આ ચોમાસામાં આઓ છો ને ડાંગ?!

– મેહુલ એલ. સુતરીયા

સી/૨૦૧, શ્રી હરિ સ્ટેટ્સ, નવા નરોડા,અમદાવાદ. મોબાઈલ – ૮૧૪૦૨૪૧૨૩૪

અક્ષરનાદ પરના આવા જ સુંદર પ્રવાસવર્ણનો માણવા અહીં ક્લિક કરો.


13 thoughts on “ગુજરાતનું કાશ્મીર : ડાંગ – મેહુલ સુતરીયા

  • GOHEL ASHVINKUMAR KARSHANBHAI

    વાહ ડાંગ એટલે ડાંગ
    જેની સંસ્કૃતિ જેની સભ્યતા અને …..ઘણું બધું જેની તુલનાં જ ક્યાંય ના થાય….

  • કિશન ચૌધરી

    ગુજરાત નો ગરીબ જિલ્લો છે પણ સૌંદર્ય ની દ્રષ્ટિ ખુબ આમિર છે ડાંગ.

  • કિશન ચૌધરી

    મિત્ર..તમારો આ લેખ વાંચી ને હું ઘણો ખુશ થયો. મને પણ તમારો આ લેખ વાંચી ને ડાંગ યાદ આવી ગયું. ખરેખર ડાંગ સ્વર્ગ સમાન છે ….શબરીધામ, મહાલનું જંગલ, ગિરાધોધ,ગિરિમાળધોધ, તેમજ રસ્તા પણ એવા કે, ડુંગર ની ઢાળ માં એટલે રસ્તા પર થી ખીણના જંગલો કે, ડુંગરો પરથી નીચે દેખાતા ઘરો ખુબ રળિયામણા લગતા હોય છે.. હરિયાળી એટલી સુંદર કે આપણું મન મોહી ઉઠે… એક વાર ડાંગ ની મુલાકાત અવસ્ય લેવી જોઈએ, ગુજરાત ગરીબ પ્રદેશ છે પણ સૌંદર્ય થી અમીર છે એમ કહેવામાં ખોટ નથી…

  • મેહુલ સુતરિયા

    મારા લેખનનાં ઓવારણાં લઇ આ આર્ટીકલને પ્રકાશિત કરવા બદલ શ્રી જીજ્ઞેશભાઈ અને મને પ્રોત્સાહન પૂરું પાડવા બદલ આપ સૌ મિત્રો અને વડીલોનો આભાર વ્યક્ત કરું છું.

  • ઉમાકાન્ત વિ.મહેતા.(ન્યુ જર્સી)

    ” તિલક કરતા ત્રેપન વહ્યા,
    જપમાળાના નાકા ગયા ….”
    અતુલ વલસાડમાં નોકરીના ૫૩ તો નહિ પણ ૩૫ વર્ષ ઊંધું ઘાલી પસાર કર્યા, અને છતાં આ સૌંદર્ય માણી ન શક્યા!
    અહો આશ્ચર્યમ્ !
    સુંદર અને સરળ શૈલીમાં પ્રવાસ વર્ણન. વાંચવાની મજાઆવી. ધન્યવાદ મેહુલભાઈ

  • UMAKANT V. mehta

    ” તિલક કરતા ત્રેપન વહ્યા,
    જપમાળાના નાકા ગયા ….”
    અતુલ વલસાડમાં નોકરીના ૫૩ તો નહિ પણ ૩૫ વર્ષ ઊંધું ઘાલી પસાર કર્યા, અને છતાં આ સૌંદર્ય માણી ન શક્યા!
    અહો આશ્ચર્યમ્ !
    સુંદર અને સરળ શૈલીમાં પ્રવાસ વર્ણન. વાંચવાની મજાઆવી. ધન્યવાદ મેહુલભાઈ
    ઉમાકાન્ત વિ.મહેતા.(ન્યુ જર્સી)
    Sent from Yahoo Mail for iPad

  • Anila Patel

    કુદરત કોને ના ગમે ?વાચતા વાચતાજ ત્યા પહોચી જવાયુ. જવુતો જરુર છે. જોઈએ હવે ભાગ્ય ક્યારે સાથ આપે છે?
    આપની વર્ણનશઈલી અતીસુન્દર છે. બીજા અાઆવઆ લેખૉ મૂકતઆ સો?

  • સુરેશ જાની

    જ્યારે ત્યાં હતો ત્યારે આવા લ્હાવા લેવાની તક કદી ન માણી.
    ખેર… આ સરસ લેખ અહીં સૂચવ્યો…
    https://sureshbjani.wordpress.com/2017/06/06/daang/

    જે વાચકોને આ હરકત ગમી હોય તેમને અહીં આવું પ્રદાન ઉમેરી શકાય તેવો સહકાર આપવા હાર્દિક ઈજન છે –

    https://sureshbjani.wordpress.com/2016/12/16/guj_places/

  • gopal khetani

    અત્યંત રસપ્રદ વર્ણન મેહુલભાઈ. વાંચીને જ ઈચ્છા એવી થઈ કે બની એટલું જલ્દી ડાંગ પ્રવાસનું આયોજન કરવું છે.

    • મેહુલ સુતરિયા

      ચોક્કસ. આ ચોમાસામાં જરૂરથી જાઓ. બે દિવસ પ્રવાસ લંબાવશો તેની ખાતરી આપું છું.