પર્યાવરણનો વિકાસ – ધ્રુવ ગોસાઈ 2


વિકાસ શબ્દ આપણને સહુને મનપસંદ થઈ પડ્યો છે. કદાચ એ આપણી રહેણીકરણીના સારા-નરસાપણાનો માપદંડ બનવા લાગ્યો છે. વિકાસ જરૂરી ખરો, પણ તેને મેળવવા ખાતર જે ચૂકવણું હોવું જોઈએ એ લઘુત્તમ હોવું ઘટે. આજે જ્યારે આપણે સહુ કદમ મિલાવીને ભારતને વિકાસશીલ દેશમાંથી વિકસિત બનાવા તરફ આગળ વધ્યા છીએ ત્યારે પર્યાવરણને લગતી બાબતો આપણા ધ્યાનમાં ન આવે.. કદાચ વિકાસના ભારે લાભ સામે પર્યાવરણવાદી લોકોની દલીલો નગણ્ય જ લાગે. આ બધું સ્વાભાવિક પણ છે, નજીકના ફાયદાને ભોગે દૂરના નુકસાન થોડા જોવા બેસાય! કાર્બન ડાયોક્સાઇડ, એસિડ વર્ષા, ગ્લોબલ વોર્મિંગ જેવા ભારે શબ્દોને સામાન્ય લોકોમાં વાત પૂરતા કે પછી વિદ્યાર્થીઓને વક્તૃત્વ સ્પર્ધામાં કે ક્યાંક પર્યાવરણના લેખોમાં ધ્યાને આવે છે; બેશક જાણવા જ જોઈએ, પણ સામાન્ય ભારતીયને મન એમાં આપણે ગુમાવવાનું શું?

આ ભારે શબ્દોની ટિપ્પણીમાં ઉતર્યા વગર સરળ શબ્દોમાં જાણીએ કે આટલા વર્ષોમાં આપણે આપણી આસપાસ ફળીયામાં, શેરીમાં, ગામના ગોંદરે, પેલા મહાદેવના મંદિર માં શું શું ગુમાવ્યુ? બસ આ જ આપણને લગતો વિષય બને છે. શહેરો પહેલાથી ઘણુંય ગુમાવીને બનેલા છે, એમને હવે નવું કશું ખોવાનું રહેતું નથી; બાકી રહ્યા ગામડા! વિકાસ અહીં થઇ રહ્યો છે, ગુમાવાનું ખોવાનું અહીં શરૂ થવા લાગ્યું છે, શું શું ગુમાવે છે અપણા ગામ અને કેવો છે આપણા ગામડાં નો વિકાસ?

ભારતના આધુનિક ગામ ‘ડસ્ટ ફ્રી’ થવાની હોડમાં લાગ્યા છે. હવે સાંજે ઊડતી ગોધુલીથી બધાને શ્વસનતંત્રની બીમારીઓ શરૂ થવા લાગી છે. ગામના ચૌરે ચૌટે હવે વૃક્ષના ખરી પડતા પાનને કારણે તકરાર ન થાય એટલે ત્યાં ફાઇબરના શેડ બને છે. ગંદા કહેવાતા ગામ હવે સ્વચ્છ બન્યા છે. ગામમાં દરેક ફળીયાની ગટર હવે સીધી જ ગામના તળાવમાં કે નજીકની નદીમાં આસાનીથી ઠાલવી શકાય છે. ગામમાં હવે પાક્કા રસ્તા બન્યા છે એટલે કાદવની સમસ્યા નથી થતી, પછી ભલેને આંગણાની જમીન ચેતન ગુમાવે. હવે ખેતર સુધી પહોંચવાના રસ્તા એટલે કે દેશી ભાષામાં નેળીયા કે નળી જે પહેલા ખેતર જવા આવવા અને ચોમાસામાં ખેતરોમાંથી વધારાના પાણીના નિકાલ માટે વપરાતા એ સરસ કોન્ક્રીટના બની ગયા છે. ખેતરોના સ્તર કરતાં પણ એ સરસ ઊંચા છે. હવે ચોમાસામાં પાણી નિકાલનું શું થશે એની ફિકર થશે નહીં.

ખેતર ફરતે જે વાડ હતી, જે જીવંત ઢાલ હતી, પુષ્કળ વેલાને ઔષધિઓના વિકાસ માટે સાનુકૂળ બનતી એને સ્થાને હવે સરસ કાંટાળી તારની વાડ છે. ગામમાં ઘર આંગણાના પંખીઓ હવે પરેશાન કરતા નથી. ખબર નહીં ક્યાં નવું ઠેકાણું શોધ્યું હશે. ચકલીઓ તો ફોટામાં જ રહી ગઈ છે.. ખિસકોલીઓ, કાબર ને કબૂતરોય આવતા નથી.. એથીય વધુ ઘણું બધુ હવે આપણી આસપાસ નથી, વિચારવા બેસીએ તો ઘણું ખોવાયેલું જણાશે. માનવતા ગુમાવી, પર્યાવરણ ગુમાવ્યું, કોણ જાણે આ વિકાસનું ભૂત બીજું શું શું આપણી પાસેથી છીનવશે… રાહ જોતા રહીએ… ગુમાવતા રહીએ… જય હિન્દ!

એક વિકાસ શાખાના ઈજનેરના શબ્દોમાં પર્યાવરણનો વિકાસ, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સૌને અર્પણ

– ધ્રુવ ગોસાઈ


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “પર્યાવરણનો વિકાસ – ધ્રુવ ગોસાઈ