પેંડા – એક ‘મિષ્ટી’ કથા 32


પેંડો શબ્દ વાંચતા જ બિચારા મધુમેહના દર્દીઓ ગાઈ ઉઠશે કે,

Pic Courtesy http://www.premnimithaas.com

‘હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ!”
(‘મરીઝ’ અબ્બાસ વાસીજીની રચના)

જો કે હાલ તો હવે સુગર ફ્રી પેંડા પણ મળતા થયાં છે. પોતાની હાલત પાંચસો-હજારની નોટ જેવી થઈ ગઈ હોય તો યે ચહેરા પર ગુલાબી રંગત જમાવી મોં મલકાવીને કહેશે “હવે પેંડા ક્યારે ખવડાવો છો?” અને પ્રતિભાવમાં આ પેંડા બોક્સમાં સજી ધજીને આવે એટલે શુભ સંકેતો હવામાં ઘુમરા આપોઆપ લેવા લાગે.

આમ તો ઘણી મિઠાઈઓ પાકશાસ્ત્રમાં પોતાનું સ્થાન ભોગવે છે પણ પેંડા “ઓપનર” તરીકે આજની તારીખે પણ અડીખમ છે. નોન-સ્ટ્રાઈકર એન્ડ પર લાડવા પણ અડીખમ જ છે. (કેટલાંય ભુદેવો મને આશિર્વાદ આપશે! જય પરશુરામ! જય વિઘ્નહર્તા ગણેશ મહારાજ!) બોર્ડમાં પાસ થયાની ખુશી હોય (હા હા પાસ.. તમારે સાલ્લું બોર્ડ ફર્સ્ટ જ આવવું હોય નહીં??) કે મફતલાલની વચલીનું રમણીકલાલના છગન સાથે ગોઠવાઈ ગયું હોય (હા ભઈ ખબર છે, બેય ચસ્કેલ છે.. પણ તમારે શું?), બચુભાઈનો પોયરો રિલાયન્સ જિઓમાં ગોઠવાઈ ગયો હોય (તમારી ટેણકી એની જોડે ફરતી એ ગમતું નહીં, અને હવે ટેણકી જોડે જ તમે જિઓ સિમ મંગાવ્યું, હેં ને?) કે રાવજી પટ્ટાવાળાને ત્યાં દીકરી આવી હોય (ત્રણ દીકરા માથે દીકરી આવે એટલે કેવો રાજી થયો, નહીં?) કે પછી તમારા બાજુના ટેબલવાળા મનસુખ મહેતાએ નેનો લીધી હોય (સેક્ન્ડ હેન્ડ જ સ્તો)… બધાં લાલ ક્લરના બાંધણીના કાગળવાળાં પૂંઠાના બોક્સમાં સ્પેશીયલ દાણાદાર પેંડા લાવે ત્યારે મોઢાની મિઠાશ મન સુધી પ્રસરે.. અને આપણે જ એ ખુશીના ભાગીદાર બની જઈએ. આવો અનુભવ મોતીચુર લાડુથી લઈને કાજુ કતરી કે બદામ રોલ લઈને કેડબરી સિલ્ક ખાઈને થતાં નથી. (આપણે બે મોઢે ખાઈ લઈએ તે અલગ વાત!! ગુજ્જુ રોક્સ)

કોઈ પણ શુભ પ્રસંગ બને એટલે “પેંડા ખવડાવો યાર” અથવા તો ભુદેવ આત્મા “લાડવા ખવડાવો જજમાન” એવું બોલે, ભલે પછી તમને કાજુ રોલ કે ડેરી મિલ્ક મળે. ક્યારેય તમે કોઈને એવું કહ્યું “અરે વાહ, તમારા છોકરાએ એટીકેટી સોલ્વ કરી! તો હવે મિલ્ક કેક ખવડાવો!” નહીં ને? (એટીકેટીમાં કોણ ખવડાવે? અરે ગોલ્ડન ટ્રાયવાળા પાસ થયાં હોય એને પૂછો. તમને પંજાબી ડિનર જમાડે બોસ્સ!)

કોઈ દુકાનનું ઉદ્ઘાટન થવાનું હોય ત્યારે તમને “પાન-ગુલાબ” લેવા આમંત્રે! તમે આમંત્રણને માન આપી ત્યાં પહોંચો એટલે સ્વાગત પાન કે ગુલાબથી ના થાય પણ ડિસ્પોઝેબલ પ્લેટ્સમાં વેફર્સ, ચેવડો અને પેંડાની હાજરીથી અચૂક થાય.

આ પેંડા ફેમિલી પણ ગજબનું હો! સફેદ પેંડા એ પેલા MDH મસાલાનાં દાદાજી જેવાં વર્ષોથી અડીખમ! તેમના જ્યેષ્ઠ પુત્ર કેસર પેંડા. આ કેસર પેંડાનું એક વાયડું સંતાન એટલે પેલા ઓરેંજ પિપર જેવો આકાર ધરાવતાં વાંકળીયા પેંડા. સફેદ પેંડાના બીજા પુત્ર એટલે માવાના પેંડા. એમને બે દીકરાં. ચોકલેટ પેંડા અને થાબડી પેંડા. માવાના પેંડાએ થાબડી સાથે પ્રેમ વિવાહ કરેલા છે. તમારી જાણ ખાતર! ગોત્ર એક જ છે પણ “લવ ઈજ્જ બ્લાઈન્ડ, યુ નો!”

If મિંયા – બીબી Wants જોOYY,
Then ક્યા કરેગા ‘કંદOY’Y ?!

મને તો માવાના પેંડા અને થાબડી પેંડા બહુ ગમે. કંપનીમાં GET તરીકે જોઈન થયો ત્યાર બાદ જ્યારે પદવીદાન સમારંભમાં મને એન્જિનિયરીંગમાં ગોલ્ડ મેડલ મળેલો (સાચે જ મળેલો ભઈ!) ત્યારે કંપનીમાં ડિપાર્ટેમેન્ટમાં માવાના પેંડા રાજકોટથી ખાસ મંગાવીને ખવડાવેલા. અને પબ્લિક ડિમાંડથી બીજી વાર પણ લાવેલો.

રાજકોટમાં પેંડાની અમુક બ્રાન્ડ તો બહુ પ્રખ્યાત છે, ઉપરાંત રાજકોટ નજીક કુવાડવાંના પેંડા પણ એટલાં જ પ્રખ્યાત! પત્નીનું પિયર જુનાગઢ છે અને ત્યાં થાબડી પેંડા બહુ સરસ મળે છે. જાત અનુભવ છે હોં ભઈ!

પેંડા તો મેં ચેન્નાઈ અને નોઈડામાં પણ ચાખ્યાં પણ ગુજરાત જેવો સ્વાદ કશે નહીં! અગાઉ જણાવ્યું તેમ પેંડાએ હજુ પણ પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખ્યું છે. ૨૦૧૪માં મોદીજીએ ભવ્ય વિજ્ય પ્રાપ્ત કર્યો તે સમયે મોદીજીના ચહેરાવાળા પેંડા પણ કોઈ કંદોઈએ હોંશથી બનાવ્યાં હતાં એવું જાણમાં છે. હાલની તારીખે કુળદેવી માતાના આશિર્વાદ લેવા જઈએ ત્યારે પેંડા અચુક લઈ જઈએ છીએ. વળી, અપવાસ ફરાળમાં પણ પેંડાની હાજરી સામાન્ય રીતે વર્તાય છે. મારા મમ્મી સુદ-બીજના ઉપવાસ વખતે સામાન્ય રીતે પેંડાને યાદ કરે જ!.

સફેદ પેંડા તો મને શાંતિનું પ્રતિક લાગે છે. એ લાગે પણ સાક્ષાત ભિષ્મ પિતામહ જેવા જાણે અનાદિકાળથી લોકોને મિઠાશથી વર્તવાનું ના કહેતા હોય? સાથે એલચીની મનમોહક સુગંધ તમારા મનને શાતા આપે.

કેસર પેંડા જાણે તરવરાટનું પ્રતિક. આ તરવરાટમાંને તરવરાટમાં અમારા નોઈડાના મૈકુ હલવાઈએ કેસર પેંડા પહેલી વાર બનાવ્યા. ભાઈ ભાઈ.. મજુરોની લાઈન લાગી! મને અચરજ થયું કે આ દરરોજ સાંજે દસ રુપિયાની જલેબી જાપટવાવાળા (અહીં ઉત્તર પ્રદેશમાં જલેબીની રેકડીઓ આપણા ગુજરાત કરતાં ક્યાંય વધુ!) આ મૈકુને ત્યાં કેમ લાઈન લગાવી ઉભા છે?!! મૈકુને પુછ્યું “અલ્યા તારા બાપ ગોતરમાં કોઈએ કેસરપેંડા બનાવ્યા નથી ને આ જમાવટ તે કેમની કરી?”

મૈકુ તો પોતાના બાજોઠ પર એવી રીતે બેઠો કે જાણે પોતે અમરેન્દ્ર બાહુબલી ‘ને હું કટપ્પા!! મને કહે “ભૈયા, કેસર પેંડા બનાવવા બધું તૈયાર કર્યું તે દિવસે કેસર જ ભુલાઈ ગયું!”

“તો પછી?”

“આ રઘાને સામે પાનના ગલ્લે દોડાવ્યો. દસ પડીકી પેલી કેસરવાળી પાનમસાલાની મંગાવી ‘ને ભેળવી દીધી . દાને દાને મેં કેસર કા દમ. એલચીનો ખર્ચોયે બચ્યો. હી હી હી!!”

તારી ભલી થાય મૈકુ હહરીના…. તંયે મને થયું કે આ મજુરોની લાઈન અહીંયા કેમની લાગી? બોલો આવા લોકો આપણા અજાણતાં જ કેસરીયા કરાવી નાખે.. નહીં?

માવાના પેંડા ખબર નહીં મને હંમેશા રોયલ લાગે. ચોકલેટી અંદાજ અને દેશી મિજાજ. શિયાળામાં ગુજરાત આવેલો ત્યારે રાજકોટથી આ રોયલ પેંડા લઈને નોઈડા આવ્યો. એક – બે દિવસ પેંડાનો સ્વાદ માણ્યા બાદ હું કેટલાક દિવસ આ રોયલ પેંડાને ભુલી ગયો. રવિવારે સાંજે ખુશ્બુદાર ગરમા- ગરમ ગાજર હલવો શ્રીમતિએ ચખાડ્યો ‘ને આ હા હા હા! મોજ કરાવી દિધી..મેં કહ્યું “શું વાત છે…આ તો કાંઈક અલગ જ બન્યો છે ને?”

શ્રીમતિજી ઉવાચ “તે બને જ ને.. માવો તો હતો નહીં એટલે પેલા પેંડા જ વાપરી નાખ્યાં!!”

બોલો લ્યો…!! ગુજરાતીને ય જુગાડમાં કોઈ ના પહોંચે! પણ હલવો હતો જોરદાર હોં… તમે પણ ટ્રાય તો કરજો! (તમારા જોખમે!)

આ સમગ્ર પેંડાગાથા લખતી વખતે મને મારો સ્કુલમિત્ર ‘પેંડો’ (જતીન) ખાસ યાદ આવ્યો. મિત્રની દુકાન જ પેંડાની. જતીનના જન્મદિવસ પર અમને પેલો વાંકળીયો પેંડો અચુક મળતો. એ ઉપરાંત રિષેષ દરમ્યાન જતીને ઘણીવાર પોતાના નાસ્તામાંથી પેંડો અમારી જોડે વહેંચ્યો છે.

હવે બસ એટલું જ મારી સૌને શુભેચ્છાઓ કે દરેકના જીવનમાં પેંડાની હાજરી નિયમિત પણે વર્તાય. તો ભઈ પેંડા ક્યારે ખવડાવો છો?

છમકલું ~ ((શ્રી પીંગળશીભાઈ ગઢવીની બહુ જાણીતી રચના “કહે રાધે પ્યારી”, જે ઓલરેડી ચારણી લોકગીતનો ભાગ બની ગઈ છે તેને ફકત નિર્દોષ હાસ્યના સ્વરુપમાં રજુ કરી છે. આમ છતાં જો કોઈની લાગણી દુભાઈ હોય તો દીલથી માફી માંગુ છું.)

પ્રમોશન ઉચ્ચારં, ઇન્ક્રીમેન્ટ આવં
બોનસ વધારં જોરદારં;
હજું ભેંસ ભાગોળં, છાસ છાગોળં
ઘેર ધમાધમ બઘડાટં.
ગાજર લટકાવં, ઢસરડા કરં,
મન્થ એન્ડ ડેટ નિરખ્યારી,
કહે રાધે પ્યારી મેં બલીહારી
પેંડા ખવડાવો ગિરધારી રે જલ્દી પેંડા ખવડાવો ગિરધારી!

– ગોપાલ ખેતાણી


Leave a Reply to shirish Dave Cancel reply

32 thoughts on “પેંડા – એક ‘મિષ્ટી’ કથા