મઠારેલું સાહિત્ય – પી. કે. દાવડા 13


ઓગણીસમી સદીના અંત સુધી હિન્દુસ્તાનમાં સાહિત્યના પુસ્તકો છાપવાની સુવિધા ઉપલબ્ધ ન હતી.

અઢારમી સદી પછીના સાહિત્યની થોડી હસ્તપ્રતો મળી આવી છે, નરસિંહ-મીરાંના સમયની હસ્તપ્રતો પણ ઉપલબ્ધ નથી. જે કંઈ હસ્તપ્રતો ઉપલબ્ધ છે, એ અલગ અલગ હસ્તાક્ષરોમાં હોવાથી અન્ય લોકોએ સાચવી રાખવા લખી રાખી હોય, અથવા કોઈએ લહિયાઓ પાસેથી લખાવી અને સાચવી રાખી હોવાનો સંભવ છે. એ સમયનું સાહિત્ય, જે મુખ્યત્વે ભક્તિ સાહિત્ય હતું, એ કંઠોપકંઠ સચવાયેલું હતું, જે વીસમી સદીમાં છાપવાની સેવાઓ ઉપલબ્ધ થયા બાદ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થયું. આને કારણે આજે આપણે જે નરસિંહ – મીરાંની રચનાઓ વાંચીએ છીએ, એ નરસિંહ – મીરાંની મૂળ રચનાઓ કરતાં ખૂબ જ અલગ છે.

સંસ્કૃત પછી પ્રાકૃત અને ત્યાર પછી જૂનું ગુજરાતી અને ત્યારબાદ આજે બોલાતું અને લખાતું ગુજરાતી, આ પ્રત્યેક તબક્કે મૂળ કૃતિઓમાં ફેરફારો થયા છે એના અનેક પુરાવાઓ મળી આવ્યા છે.

અહીં હું નરસિંહ મહેતાની મૂળ કૃતિઓ અને એમાં ફેરફાર થયા હોય એવી એક બે કૃતિઓ નમૂના તરીકે આપું છું, એ ઉપરથી તમને ખ્યાલ આવશે કે આજે આપણે “જળકમળ છાંડી જાને બાળા..” કે “જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા..” કે “વૈષ્ણવજનતો તેને રે કહીયે..” ગાઈએ છીયે, એની મૂળ રચનાઓના શબ્દો કેવા હશે.

છાપકામની સગવડ મળ્યા પછી, સંકલનકારોએ અને સંપાદકોએ પણ મૂળ રચનાઓમાં સુધારા-વધારા કર્યા હોવાના પૂરાવા છે.

આજે આપણે જે રચનાઓને, એ સમયગાળામાં આટલું ઉચ્ચપ્રકારનું સર્જન થતું હતું કહીને નવાજીએ છીયે, એમાં થોડો વિવેક દર્શાવવાની જરૂર છે. આ વાત હું એ મહાન સર્જકોને ઉતારી પાડવા નથી કહેતો, માત્ર એક તર્કબધ્ધ વાત રજૂ કરૂં છું. ઝવેરચંદ મેધાણીની ખૂબ જ પ્રખ્યાત રચના “છેલ્લો કટોરો” ના મૂળ શબ્દો આ પ્રમાણે હતા,

“છેલ્લો ક્ટોરો ઝેરનો આ પી જજો બંધું,
સાગર પીનારા અંજલી નવ ઢોળજો બંધુ.”

ગાંધીજીને આ કવિતા પહોંચાડતા પહેલાં, ફૂલછાબ અને જન્મભૂમિના અધિપતિ અમૃતલાલ શેઠે બંધુની જગ્યાએ બાપુ શબ્દ વાપરી, ગાંધીજીને પહોંચાડેલી. આ ફેરફારે મેઘાણીને ગાંધીજીના મુખે રાષ્ટ્રશાયર બનાવી દીધા.

હવે નરસિંહ મહેતાની મૂળ શબ્દોવાળી પંક્તિઓ અને એને મળતા શબ્દોવાળી આજે ઉપલબ્ધ પંક્તિઓ જોઈએઃ

(૧)

ઘના ગ્રંથ ગરબડ કરી, વાત નવ કહી ખરી, જેણે જેમ જાણું, તેણે તેમ કીધું;
આત્માનું કારજ, કોઈ ધકી નવ સરૂં, અછે કરમને માથે દોશ જ દીધું.

(૨)

ગ્રંન્થે ગડબડ કરી, વાત ન ખરી કહી, જેહને જે ગમે તેને તે પૂજે;
મન – વચન – કર્મથી આપમાની લહે, સત્ય છે એ જ મન એમ સૂઝે.

(૧) મૂળ ભાષામાં છે, જ્યારે (૨) હાલમાં વપરાતી ભાષામાં છે.

હવે એક આખી રચનાનો દાખલો જોઈએ. પહેલા મૂળ ભાષામાં અને પછી હાલમાં વપરાતી ભાષામાંઃ

(૧)

હું ખરે તું ખરો, હું વિના તું નહીં, હું રેહીશ તાંહાં લગી, તું રેહઈશ;
હું જતે તું ગઓ, અનિરવાચી રહો, હું વિના તુંને કોણ કહેશે?

સગુઅણ હોએ જાંહાં લગી, નિરગુણ તાંહાં લગી, તમ કહે સદગુરૂ વાત સાચી,
સગુણ સમતાં નિર્ગુણ ગઓ છે શમી, શેખ પૂરણ અનિરવાચી.

શિવને જીવતો, ના એ છે હે કજો, જીવ હોએ તાંહાં લગે શિવ હોએ,
જીવ સમતાં, શિવ સહેજે સમાઈ ગઓ, ટલીજા એ ધંધનામદોએ.

તાહેરા માહેરા નામનો નાશ છે, લુંણને નીર દ્રષ્ટાંત જોતે,
મેહેતો નરશઈ કેહે, વસ્તુ વિચારતાં, વસ્તુ રૂપ થાશે વસ્તુ પોતે.

(૨)

હું ખરે તું ખરો, હું વિના તું નહીં, હું રેહઈશ ત્યાં લગી તું રહેશે.
હું જતે તું ગયો, અનિર્વાચી રહ્યો, હું વિના તું તને કોણ કહેશે?

સગુણ હોય જયાં લગી, નિર્ગુણ ત્યાં લગી, તેમ કહે સદગુરૂ વાત સાચી;
સગુણ શમતાં ગયો છે નિર્ગુણ શમી, સુખ પૂરણ રહ્યો રે અનિર્વાચી.

શિવને જીવનો ન્યાય તે એક છે, જીવ હોય ત્યાં લગી શિવ હોયે;
જીવ શમતાં શિવ-સાંસો શમાઈ ગયો, ટળી જાય દ્વન્દે નામ દોયે.

તાહરાં માહરાં નામનો નાશ છે, જેમ લૂણ-નીર દ્ર્ષ્ટાંત જો તે;
મહેતા નરસૈં કહે, વસ્તુ વિચારતાં વસ્તુ રૂપે થાશે રે વસ્તુ પોતે.

આ સંદર્ભમાં બીજી એક વાતનો પણ ખ્યાલ આવે છે. એ સમયમાં કોપીરાઈટ જેવી કોઈ વિચારધારા અસ્તિત્વમાં ન હતી. દરેક ભક્ત કવિ, અન્ય ભક્ત કવિઓની રચનાઓમાંથી થોડી પંક્તિઓ, મામુલી ફેરફાર સાથે, પોતાની રચનામાં સામીલ કરી દેતા.

ક્યારેક ક્યારેક તો અનેક પંક્તિઓ ઉછીની લઈ, પોતાની રચના તરીકે રજૂ કરતા. રાજસ્થાનમાં બોલાતી ભાષા, વૃજભાષા અને આવી અન્ય ભાષાઓની રચનાના વિચારો અને શબ્દો પોતાની રચનામાં લઈ, લોકો સમક્ષ રજૂ કરતા. આને લીધે મૂળ રચના કોની હતી એ ચોક્ક્સપણે કહેવું મુશ્કેલ છે. આપણે એક બે ઉદાહરણ જોઈયે.

નરસિંહ મહેતાનું આ પદ જુઓ…

“મોહમાયા લેપે નહીં તેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે,
રામનામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે … વૈષ્ણવજન

હવે એ સમયના કવિ વાછાના પદ જુવો…

માયા માટે લોપાએ નહી ને ધારે વૈઇરાગ મનામાં હારે,
રામનામ શું ખાલી રાખે અડશેઠ તીરથ મનમાં હારે..

નરસિંહ મહેતાનું પદ-

વણલોભીને કપટ રહિત છે, કામ-ક્રોધ નિવાર્યા રે,
ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં કુળ ઈકોતેર તાર્યા રે..

હવે વાછાનું આ પદ….

નિર્લોભીને કપટ રહિત કામ-ક્રોધને માર્યા રે,
તેવી શ્ણવના દરશન કરતાં કુળ ઇકોતેર તાર્યા રે…

હવે પ્રશ્ન એ કે આ બે પદમાંથી મૂળ પાઠ કયો? વળી પદના મૂળ કર્તા કોણ? નરસિંહ કે વાછો?

– પી. કે. દાવડા


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “મઠારેલું સાહિત્ય – પી. કે. દાવડા

 • vkvora2001 Atheist Rationalist

  મુળ પ્રત ને પછીની પ્રતમાં ફેરફાર સામાન્ય લોક દ્વારા થાય છે. એટલું જ નહીં ઘણીં વીવેચક જે રજુઆત કરે છે એ મુળ કરતાં અલગ હોય છે અને એને માન્ય ઘણવામાં આવે છે.

 • સુબોધભાઇ

  ગુજરાતી ભાષામા વલ્લભભાઈ ભટ્ટે શ્રી બહુચરાજી માતા નો “આનંદનો ગરબો ” તેમજ માઇ સ્તુતિ ના ઘણા પદો/ભકિત ગાન સંવત-૧૬૦૦ મા રચેલા. એવી જ રીતે ” શિવાનંદ સ્વામી ” માટે પણ કહી શકાય. ( માતાજીની આરતી વગેરે ) આથી આ રચનાઓ હાલ ના સ્વરૂપે કેવી રીતે સચવાઈ ને
  આપણે પ્રાપ્ત કરી હતી. …
  તે જાણી શકાય એવો આગ્રહ છે

 • Rajul Kaushik

  સરસ અને રસપ્રદ સંશોધન. અત્યંત ઝીણવટભર્યા અભ્યાસ પછી અમારા સુધી જે અર્ક પહોંચે છે તે જાણવા- માણવાનો આનંદ આવે છે.

 • Pravin Shah

  વાહ, નરસિંહ મહેતા રચિત અસલી પંક્તિઓ જાણવા મળી. મજા આવી ગઈ.
  કદાચ થોડું એવું પણ હોય કે એ જમાનામાં ગુજરાતી ભાષાની ચોક્કસ જોડણી નક્કી થયેલી ન હોવાથી, કવિઓ શબ્દોની જોડણી પોતાની રીતે કરતા હોય. દા.ત.
  ‘સગુણ’ ને બદલે ‘સગુઅણ’

 • સુરેશ જાની

  સરસ સંશોધન. ભાષા શાસ્ત્રીઓ માટે બહુ જ મજાનો વિષય.
  જો કે, બન્ને પાઠ પણ ટાઈપ સેટમાંથી જ લીધા હશે ને? જેણે મૂળ હસ્તપ્રત પરથી ટાઈપ કર્યું હશે , તેની ચિવટ પર બહુ આધાર રાખે છે. અભ્યાસુ ભાષાશાત્રીઓ એવી હસ્તપ્રત પર સંશોધન કરીને લેખ લખે , તો આ રસપ્રદ વિષયને પૂરતો ન્યાય મળે.
  ——————–
  બીજી અને અગત્યની વાત – કોઈ પણ સંશોધન લેખમાં સંદર્ભ સૂચિ હોવી બહુ જ જરૂરી છે. તો જ અભ્યાસુ માણસોને તે દિશા બતાવી શકાય.

  • P. K. Davda

   આ લેખ તૈયાર કરવા માટે મેં અનેક શ્રોતનો અભ્યાસ કર્યો છે, પણ એમાં મોટા ભાગના પીએચ.ડી. ના વિદ્યાર્થીઓના થીસીસ મને વધારે ઉપયોગી થયા હતા. દરેક શ્રોતમાંથી માત્ર મેં ઉદાહરણો જ લીધા છે, બાકીનું લખાણ અને વિચાર મારા પોતાના છે. મેં ઘણીવાર જોયું છે કે રહીમ અને કબીર બન્નેના નામે એકના એક દોહા છે.
   ભાષાનો ઈતિહાસ મેં ઘણીવાર વાંચ્યો છે. સંસ્કૃતમાંથી પ્રાકૃત, પ્રાકૃતમાંથી જૂનું ગુજરાતી, પછી ગાંધી યુગનું ગુજરાતી. મને થયું કે નરસિંહ-મીરાં ગાંધીયુગના ગુજરાતીમાં કેવી રીતે લખી શકે? બસ એટલે જ આ વિષયમાં મેં શોધખોળ આદરી. એક ઉદાહરણ આપું,
   પુત્તેં જાયેં કવણું ગણું, અવગણું કવણું મૂવેણ,
   જો બપ્પીકી ભૂમિ ચંપી જઈ અવરેણ?
   આ પ્રાકૃતનું આધુનિક સ્વરૂપ આવું હોઈ શકે
   પુત્ર જનમ્યાથી કોણ ગુણ, અવગુણ કોણ મર્યાથી,
   જો બાપુકી ભૂમિ ચાંપી જાય બીજાથી?

   • Jayendra

    દાવડાભાઈ,
    આપના ઉત્તરથી આનંદ થયો. પણ માફ કરજો કે આ જે પીએચડી ની થીસીસની વાત કરી તો તેનો રેફરન્સ આપવો પણ જરુરી છે. આમ કરવાથી તે થીસીસ લખવાવાળાને ઉત્તેજન અને આનંદ મળે કે મારુ કાર્ય ઉપયોગી છે. સાથેસાથે મારા જેવા કોયને સંસોધન કરવાનો શોખ હોય તો તેને પણ દિશા સુચન થાય. આ સાથે સુરેશભાઈ જાનીનો પણ આભાર, જેણે મારી વાતને સાથ આપ્યો.
    જયેન્દ્ર ઠાકર