માઈક્રોકાવ્યો.. – પારસ હેમાણી 6


લઘુકાવ્યો, ઉર્ફ માઈક્રોકાવ્યોનો ખૂબ સુંદર સંગ્રહ પારસભાઈ હેમાણીએ ભેટ આપ્યો. ૧૦૮ મણકાની માળાના એ કાવ્યોમાંથી પસાર થતાં અને માણતા કાવ્યરચનાઓથી ક્યાંય વધુ વાતો એમાં બિટવીન ધ લાઈન્સ મળી. આ સુંદર કાવ્યરચનાઓનો સંગ્રહ “આપણી વાત” માંથી પસાર થવાની તક આપવા બદલ પારસભાઈનો આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ. આજે તેમના સંગ્રહમાંથી માણીએ કેટલીક જાનદાર રચનાઓ.. આ સંગ્રહમાં એટલી બધી સરસ લઘુકાવ્ય રચનાઓ છે કે એક પોસ્ટમાં નથી લઈ શકાયા એટલે તેનો બીજો ભાગ પણ માણીશું.

૧.

ટપાલીની
આંખમાંય વસંત ખીલી ઉઠે છે
જ્યારે
પરબીડિયું
તારે ત્યાંથી આવેલું હોય.

૨.

બિનવપરાશી
કાટ ખાધેલા નકુચામાં લટકતું તાળું,
બગાસા ખાધા કરે છે,
જાણે કે
VRS લીધું હોય!

૩.

મંદિરમાં
લટકાવેલો ઘંટ
પ્રભુદર્શને આવેલા
ભક્તોનાં હાથે
અથડાઈ અથડાઈને
લોહીલુહાણ થઈ ગયો છે!

૪.

બરાબર
૬.૧૭ મિનિટની ટ્રેન પ્લેટફોર્મ પર
હશે,
ટેક્સી પકડીને ઘરે આવતા ૭.૪૦ વાગી જશે
બસ
તારા જન્મદિવસની સાંજ
ભવ્ય રીતે ઉજવીશું..
પણ
અફસોસ
ટ્રેનને જરા પણ ઉતાવળ નથી!

૫.

ડૉક્ટરે
અલ્ટીમેટમ આપી દીધું,
સગા સંબંધીઓમાં આ સમાચાર ફરી વળ્યા,
કોઈ શોકાતુર
તો
કોઈ આનંદિત
ત્યાં જ
વકીલે કહ્યું,
“નો હોપ્સ,
મિલકત ટ્રસ્ટમાં ગઈ છે.”
ને
બધા રૂટિનમાં ગોઠવાઈ ગયા.

૬.

માળીનો
પરિવાર બે પાંદડે થયો
જ્યારથી
પ્લાસ્ટિકના ફૂલ બનાવવાની ફેક્ટરીમાં
નોકરી મળી છે.

૭.

શહેરના
બાળકને વાર્તા
સાંભળવી હોય
ત્યારે
દાદા દાદી
દિકરો બોલાવી લેશે
તેની
રાહ જોતાં
પડખાં ફેરવે છે.

૮.

લગ્નજીવનના
કેટલા વર્ષ વીતી ગયા
છતાં
સાથે સાથે
જીવી રહ્યાં છે
પુસ્તકના
બે પાનામાં થયેલી સીલાઈની જેમ
અકબંધ.

૯.

સાચી ભક્તિ
વિસર્જન
પામવાની હોવાં છતાંય
એટલી જ
શ્રદ્ધાથી
મૂર્તિ ઘડતો
મૂર્તિકાર

૧૦.

શર્ટના
તૂટેલા બટન ટાંકવાને બહાને
રમૂજમાં
ધીમેથી સોય ચુભાવે
ને
અમારો સંબંધ થઈ જાય છે
વધુ પ્રગાઢ!

૧૧.

વેદનાઓ
મહેમાન બનીને આવે છે
હસતા હસતા
આગતા-સ્વાગતા કરું છું
કારણ
અતિથિ
તો
દેવ કહેવાય ને?

બિલિપત્ર

ચાર માણસોનું
કુટુંબ
મંદીમાં
ખાવા ધાન નથી
ને
ભાડાના મકાનનું નામ
“લીલાલહેર” છે!
(‘હું અને તું’ સંગ્રહમાંથી)


6 thoughts on “માઈક્રોકાવ્યો.. – પારસ હેમાણી