નવા રસ્તાની ખોજમાં.. – દિનેશ જગાણી 3


આજે વહેલી સવારે ચાલીને પાછો ફરતો હતો ત્યારે ચાલતા જતા લોકો નું એક ટોળું સામે મળ્યું. આગળ જતાં બીજા લોકો પણ મળ્યા. પછી ખબર પડી એ બધા અંબાજી ચાલતા જતા યાત્રિકો હતા. બે દિવસ પછી પોષી પુનમ હોઈ આ યાત્રિકો અંબાજી જઇ રહ્યા છે. એવું કયું તત્વ છે જે આટલી વહેલી સવારે, જ્યારે બીજા લોકો પથારીમાંથી બહાર નીકળવા વિચાર કરતા હશે ત્યારે આ લોકોને આટલી ઠંડીમાં પોતાના બધા કામ બાજુ પર મૂકી ચાલી નીકળવા પ્રેરિત કરતું હશે?

ત્યાર બાદ તો આખા રસ્તે એ યાત્રિકો અને યાત્રા સબંધી વિચારો આવતા રહ્યા. વહેલી ધુમ્મસ ઓઢેલી સવાર, રસ્તાની બંને તરફ ના લીલા ખેતરો.. પૂર્વ દિશામાંથી ફેલાયેલો આછો પ્રકાશ અને યાત્રિકો ના ચાલ્યા ગયા બાદ એકલા પડી ગયેલા રસ્તા પર ચાલતો હું.

આપણી સંસ્કૃતિ માં ચાલીને થતી ધાર્મિક યાત્રાઓનું ખૂબ મહત્વ છે. આપણા પૂર્વજોએ યાત્રાઓ સાથે ધર્મ ને જોડી ખૂબ વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક દીર્ઘદ્રષ્ટિ નો પરિચય આપ્યો છે. આમ પણ આપણે ત્યાં લોકો ને કશુંક કરવા પ્રેરવા હોય કે કશું કરતા અટકાવવા હોય તો એ બાબતને ધર્મ સાથે જોડવી પડે છે! ચાર ધામની યાત્રા કે નર્મદાની પ્રદક્ષિણા તો સદીઓથી થતી આવી છે. કોઈ ગિરનાર ની પ્રદક્ષિણા કરે છે તો કોઈ અંબાજી ચાલતું જાય છે. કોઈ ડાકોર ચાલી ને જાય છે તો કોઈ રણુંજા ચાલતું જાય છે. હવે સ્થાનિક સ્તરે પણ લોકો આવી યાત્રાઓ કરતા થયા છે અગિયારસ , પાંચમ, પૂનમ જેવી તિથિઓ પર આસપાસના ધાર્મિક સ્થળો એ લોકો ચાલતા જતા થયા છે. અમારે ત્યાં મગરવાડા, મજાદર અને સેભર પણ ખૂબ પ્રખ્યાત છે. ગુરુવારે સાંઈબાબા ના મંદિરે ચાલી ને લોકો ન જતા હોય એવું ગુજરાત નું કોઈ શહેર ખરું?

બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગિરમાળા પસાર થાય છે. અહીં મેં એક ખાસ વાત નોંધી છે કે દરેક ઊંચા શિખર પર કોઈ ને કોઈ ધજા તો ફરકતી હોય! કોઈ દેવ નું સ્થાનક તો હોય જ! બનાસકાંઠા જ કેમ આખા ભારતવર્ષ ને લઈ લો, આપણાં મોટા ભાગ ના પ્રખ્યાત દેવસ્થાનો કોઈ ઊંચા પર્વત શિખર પર, ગાઢ જંગલમાં કે ઊંડી ખીણો માં આવેલા છે. આપણા દેવો પણ પ્રકૃતિ પ્રિય છે! મને ઘણી વાર એક પ્રશ્ન થાય કે ભારત જેવા દેશમાં કે જ્યાં સૌથી વધારે ધર્મ પર ચિંતન થયું, સૌથી વધારે ધાર્મિક સાહિત્ય રચાયું, હિંદુ, બૌદ્ધ, જૈન જેવા મહાન ધર્મો જે ભૂમિ પર પેદા થયા, સ્વયં ભગવાને જ્યાં વારંવાર અવતાર લીધા એ ભૂમિ પર જંગલો અને બીજી પ્રાકૃતિક સંપ્રદાનો આટલી હદે વિનાશ કેવી રીતે થઇ શકે? પશુ, પંખી, કીટકો ની અમુક સ્પીસીસ નો નાશ કેવી રીતે થઈ શકે? નદીઓ, જળાશયો, ખોરાક, હવાનું આટલું પ્રદુષણ કેવી રીતે હોઈ શકે? જે દેશે ભગવાનની બાળ લીલાઓના ગુણ ગાન કર્યાં હોય ત્યાં બાળકોની સ્થિતિ આટલી ખરાબ કેવી રીતે હોઈ શકે?

આતો વાત થઈ ધાર્મિક યાત્રાઓની પણ એ સિવાય પણ લોકો હવે ઘર ની બહાર નીકળતા થયા છે. અત્યારના આધુનિક ડોટ કોમ યુગ માં આવા કોઈ યાત્રી ને જોઉં ત્યારે હજુ પણ માણસજાત માટે આશાનું કિરણ દેખાય છે. સામાન્ય રીતે આપણો ઉછેર એ રીતે થાય છે કે કોઈ એક ચોક્કસ સ્થળે આખી જિંદગી પુરી થઈ જતી હોય છે. દુનિયા જ્યારે આટલી વિશાળ છે ત્યારે આપણે એક જ જગ્યા પર આખી જિંદગી કેવી રીતે પુરી કરી શકીએ? કેટ કેટલા રસ્તા આપણ ને બોલાવતા હશે? કેટ કેટલી કેડિઓ આપણાં પગલાં પડ્યા વિનાની સુની હશે? કેટ કેટલા પર્વતો, જંગલો, નદીઓ, પુલો, વળાંકો આપણી રાહ જોતા હશે?

આપણાં માતાપિતા, શિક્ષકો, મિત્રો, આસપાસ માહોલ મુજબ આપણી ચોક્કસ વિચારસણી ઘડાતી હોય છે. અમુક ઉંમર પછી આપણામાં ખાસ કંઈ નવું ઉમેરાતું હોતું નથી. એક ચોક્કસ પ્રકારના ઢાંચામાં, ઔપચારિકતાઓ પુરી કર્યાંમાં આખી જિંદગી વીતી જતી હોય છે. પ્રવાસો-યાત્રાઓ આપણામાં કશુંક ઉમેરે છે. પોતાની જાત સાથે રહેવાનો સમય આપે છે. નવો પરિવેશ, નવા દ્રશ્યો જુના થઈ ગયેલા મન ને નવા વિચારો આપે છે. ત્યાં નવી હવા હોય છે નવા લોકો હોય છે. ક્યારેક એવું પણ બને કે કોઈ એકાદ જણ એવું મળી જાય કે તમારી જિંદગી ની આખી દિશા જ બદલાઈ જાય! તો દોસ્તો, શુ વિચારો છો? કેલેન્ડરમાં જુઓ હવે રજા ક્યારે આવે છે, અને નીકળી પડો કોઈ ન જોયેલી દિશામાં. શી ખબર કોઈ રસ્તો તમારી રાહ જોઈ રહ્યો હોય!

– અલિપ્ત જગાણી


Leave a Reply to DineshCancel reply

3 thoughts on “નવા રસ્તાની ખોજમાં.. – દિનેશ જગાણી