માઈક્રોફિક્શન.. – સમયોચિત સાહિત્ય સ્વરૂપ.. – કલ્પેશ પટેલ. (‘સર્જન’ અંક ૪) 3


સાહિત્ય ક્યાં લગી ટકશે? મારો જવાબ છે જ્યાં લગી માનવજાત ટકશે. મનુષ્યની લાગણી, સંવેદના, દુઃખ, પીડા અને હર્ષને સાહિત્ય વિધ વિધરૂપે અને સ્વરૂપે તેની સચ્ચાઈ સમેત પ્રગટ કરે છે. મનુષ્યના આત્માનો એ અવાજ છે. વાલ્મીકિ અને વ્યાસ, કાલિદાસ અને ભવભૂતિ, કબીર અને તુલસી, નરસિહ અને મીરા કે પછી અખો અને પ્રેમાનંદ દરેકે આ જ તો કર્યું છે.

સાહિત્યનું કન્ટેન્ટ અલબત્ત સંવેદના ભલે હોય પરંતુ માત્ર એટલાથી કલાકૃતિ બનતી નથી. સંવેદના અને વિષયવસ્તુ ઉપરાંત એમાં જરૂરી છે એનું ફોર્મ – સ્વરૂપ. સમયના વીતવા સાથે જરૂરીયાત ઊભી થતી ગઈ તેમ તેમ અવનવા સાહિત્ય સ્વરૂપો અસ્તિત્વમાં આવતા ગયા. સાથે સાથે નવા યુગને પ્રતિકૂળ થવા લાગેલા કેટલાક સ્વરૂપો આઉટ ઓંફ ડેટ થતા ગયા. ડાયનાસોરની જેમ મહાનવલો હવે ભૂતકાળ છે. અલબત્ત ભવ્ય ભૂતકાળ! શરૂશરૂમાં સાહિત્ય પદ્યમાં જ હોય એવી માન્યતા વર્ષો સુધી રહી. અઢારમી સદી પછી ગદ્ય અને એમાય ફિક્શન સર્વાધિક પોપ્યુલર થયું. નવલકથા જુદીજુદી રીતે જીવનને ઊંડાણમાં લેતી થઇ. અસંખ્ય પાત્રો ધરાવતી નવલકથાને પણ વધુ કલાની સૂક્ષ્મતા સુધી લઇ જવાના સર્જનાત્મક પ્રયાસો થતા રહ્યા. જેમાંથી એકાદ બે પાત્રોનો જ સંઘર્ષ નિરૂપતી લઘુનવલો પણ જન્મી. નવલના સમાન્તરે જ નવલિકાએ ગજું કાઢ્યું. જેમાં સ્લાઈસ ઓંફ લાઇફ એટલે કે સમગ્ર જીવન નહિ પરંતુ જીવનના કોઈ એક ચોક્કસ કાલખંડને કલાના સ્તરે ઊંચકવામાં આવે છે. સામયિકોમાં પ્રગટ થતી, એકાદ બેઠકમાં જ વાંચી શકાય એવી નવલિકાઓંનો પણ એક જમાનો હતો.

નવલિકા આજે અપ્રસ્તુત છે એવું કહેવાનો આશય નથી. મારે તો એટલું જ કહેવું છે કે સાહિત્ય માનવજીવન સાથે જોડાયેલું છે, માનવ માટે છે અને તેથી જ મનુષ્યના જીવનમાં આવતું પરિવર્તન એમાં ઝીલાશે જ! આજે માણસનું જીવન અગાઉ કરતા વધારે સંકુલ બન્યું છે. સતત દોડધામ એ વર્તમાન મનુષ્યની નિયતિ છે. એ આશીર્વાદ છે કે અભિશાપ એની ગવેષણામાં આપણે નથી પડવું. પરંતુ હવે આપણી પાસે એવો ફાજલ સમય નથી કે આપણે પ્રસ્તારી લેખન વાંચી શકીએ. આપણી શાશ્વત દોડમાં વિશ્રામની સ્થિતિ હવે દિવસોમાં નહિ, કલાકોમાં પણ નહિ બલકે ક્ષણોમાં છે. સંકુલતા અને સુક્ષ્મતા એની વિશેષતા છે. આજકાલ માઈક્રો શબ્દ બધે જ વપરાવા લાગ્યો છે જેનો શબ્દકોશગત અર્થ નાનું, લઘુ, સુક્ષ્મ એવો થાય છે. માઈક્રોફિક્શનને સુક્ષ્મ કથા કહી શકાય.પણ તેના નામ કરતાય મહત્વનું એનું કામ છે. એ જો જાણી-નાણીને લખવામાં ન આવે તો એક ટુચકો બની શકે. માઈક્રોફિક્શન લખવું એટલે વીજળીના ચમકારે મોટી પરોવવું. મર્યાદિત સ્પાનમાં બહુ મોટી વાત કરી દેવી. સુરેશ દલાલે વાર્તાવિશ્વની પ્રસ્તાવનામાં હળવી શૈલીમાં માર્મિક રીતે ટુચકો અને વાર્તાનો ભેદ બતાવ્યો છે. કોઈ એ કહ્યું કે માત્ર એક જ વાક્યની વાર્તા હોઈ શકે? કે જેમાં રોમાન્સ, રહસ્ય અને ધર્મ હોય? તો કોઈએ પડકાર ઝીલતાં લખ્યું : ઓંહ ગોડ, આઈ એમ પ્રેગનન્ટ બટ ડોન્ટ નો હું ઈઝ ધ ફાધર? તો આ ટુચકો છે. માઈક્રોફિક્શન નથી. ભાષાનો મેદ પણ નહિ, ઠઠારો પણ નહિ અને બિનજરૂરી પ્રસ્તાર પણ નહિ. ઘૂંટાયેલ શબ્દની સાથે અનુભૂતિની સઘનતા હોવી જોઈએ. લેખક પાસે એડીટીંગની કળા હોવી જોઈએ. વધારાનું એક વાક્ય નહિ બલકે શબ્દ પણ કળાને મારી નાખે. અઘરું છે, બહુ અઘરું છે.પણ અશક્ય નથી. આજના યુગની સાથે તાલ મિલાવવા માટે આ સ્વરૂપ સાર્થક તેટલું સમયોચિત છે. શુભકામનાઓ.

– કલ્પેશ પટેલ

(કલ્પેશભાઈનો પરિચય – મુખ્યત્વે વાર્તાકાર છું. વખતોવખત નવલકથાઓ પણ લખતો રહ્યો છું. આંતરિક જરૂરીયાતથી પ્રેરાઈને નિબંધો પણ લખ્યા છે. બાહ્ય તેમજ આંતરિક જીવનનું વિવેચન સાહિત્ય દ્વારા થાય છે. સાતેક નવલકથાઓ અને ત્રણ વાર્તાસંગ્રહો પ્રગટ થયા છે. મહાભારત મારા રસ અને અભ્યાસનો વિષય રહ્યું છે જેને આધારે મેં મહારથી કર્ણ, શિખંડીની, વિકર્ણ, વિજયયાત્રા અને પ્રતિક્રિયા નવલો આપી છે, વિજયયાત્રાને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવી છે. વાડ વાર્તાસંગ્રહ પણ પુરસ્કૃત થયો છે. પંદરેક પુસ્તકો પ્રકાશિત થયા છે.
કલ્પેશ પટેલ, વતન-સોનાસણ, તા પ્રાંતિજ જિલ્લો –સાબરકાંઠા, હાલનું સરનામું – ૨૨૭/૨ કિસાનનગર ,સેક્ટર-૨૬ ,ગાંધીનગર ૩૮૨૦૨૮,
ભ્રમણભાષ ૯૯૭૯૯૯૧૯૦૯
ઈ મેલ kalpeshsonasan@gmail.com)

માઈક્રોફિક્શન સામયિક્ સર્જનનો ચોથ અંક પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે.. અહીં ક્લિક કરીને ડાઊનલોડ કરો..


Leave a Reply to gopalkhetaniCancel reply

3 thoughts on “માઈક્રોફિક્શન.. – સમયોચિત સાહિત્ય સ્વરૂપ.. – કલ્પેશ પટેલ. (‘સર્જન’ અંક ૪)