રાવણ – રાજ્યમાં અખબારો હોત તો…! – વિનોદ ભટ્ટ 6


( સામયિક આનંદ ઉપવન નવેમ્બર-૧૬ દીપોત્સવી અંકમાંથી સાભાર)

રામાયણ સીરિયલમાં લંકેશની ભૂમિકા ભજવનાર અભિનેતાએ છાપાના પ્રભાવનો મહિમા કરતાં જણાવ્યું છે કે રાવણના સમયમાં અખબાર હોત તો રાવણ ચોક્કસપણે દુષ્કૃત્યોથી અળગો રહ્યો હોત.

જોકે કોઈ એવી દલીલ કરી શકે કે હિટલરના સમયમાં છાપાં હતાં ને સદ્દામ હુસેનના વખતમાં પણ છાપાં હતાં પણ તે બન્ને પર છાપાં કોઈ અસર પાડી શક્યાં નહોતાં. અમારા એક પરિચિત પ્રધાન કહે છે કે, તે છાપામાં છપાતા પોતાના ફોટા રસપૂર્વક જુએ છે, ફોટાની સાથે શું લખાય છે એ વાચવાની ભાગ્યે જ દરકાર કરે છે.એ કામ માહિતી ખાતાનું છે, પ્રધાનો વિશે છાપાવાળા ને પ્રજા શું માને છે એ અંગેની માહિતી એકઠી કરવાનું કામ માહિતી ખાતાનું છે.

પણ જો રાવણના જમાનામાં અખબારો પ્રગટ થતાં હોત તો રામાયણના પ્રસંગોનું રિપોટિંગ કેવું હોત એ જાણવાની પ્રજાને મજા પડત. સીતાહરણનો કિસ્સો છપાવાળા કેવી ભાષામાં છાપત.
(એ. એફ. પી.) અયોધ્યા

આયોધ્યા ખાતે ના અમારા ખાસ ખબરપત્રીના જણાવ્યા અનુસાર અહીંથી ૮૯ માઈલ દૂર આવેલ જંગલમાં ઝૂંપડી બાંધીને રહેતી સીતા રામચંદ્ર નામની એક ગરીબ પણ સુંદર ઓરતની એકલતાનો લાભ લઈને એક બાવો બહાદૂરીપૂર્વક તેને નસાડી જવામાં સફળ થયો હતો.

બનાવની વિગત એવી છે કે, આ ઓરતે સોનાની બંગડી માટે જીદ્દ કરતાં તેનો વર નામે રામચંદ્ર બાજુના ગામમાં બંગડી લેવા ગયો હતો. આ સુંદર ઓરત ઘરમાં એકલી જ છે એની જાણ બાવાને અગાઉથી હોઈતે ભિક્ષા માગવાને બહાને આવ્યો હતો ને અબળાનું અપહરણ કર્યું હતું.

સાધુવેશે લોકોનાં બાળકો ઉઠાવી જવાના કિસ્સા છાશવારે બનતા જ હોય છે. હજી ગયે અઠવાડિયે જ કિષ્કિંધા (વાયા રામપૂરા ભંકોડા) ગામની સીમમાંથી પાંચ બાળકોને ઉપાડી જવાના સમાચારની શાહી હજી સૂકાય નથી ત્યાં પારકી પરણેતરને ઉઠાવી જવાનો કિસ્સો બનવાથી અયોધ્યા તેમજ આસપાસનાં નગરોની પ્રજા ભયથી સ્તબ્ધ થઈ ગઈ છે. આ ઘટનાથી હેબતાઈને પોતાના વિસ્તારમાં ફરતા શકમંદ હાલતમાં ફરતાં સાત બાવાઓને પકડીને લોકોએ ધીબી નાખ્યાના સમાચાર છે. એક બિનસત્તાવાર સમાચાર પ્રમાણે પોતાની પત્નીથી ત્રાસેલા એક પતિએ રસ્તા પરથી પસાર થતા એક બાવાને ઊભો રાખીને પૂછ્યું હતું કે બોલ, મારી બૈરીને ઉપાડી જવાનું શું લઈશ? ત્યારે બાવાએ તેની પત્નીનું વજન જાણવા માંગ્યું હતું.

સ્ટોપ પ્રેસ

લંકાનરેશ રાવણે સીતાના અપહરણની જવાબદારી પોતાના શિરે લેતાં ‘ શ્રીલંકા સમાચાર’માં નિવેદન અપતાં સ્પષ્ટપણે જાહેર કર્યું હતું કે, સામાન્ય જનને એમાંય સ્ત્રીઓને છેતરવા માટે સાધુનો વેશ જ આદર્શ હોઈ પોતે તે વેશ ધરીને સીતાનું અપહરણ કરી ગયો હતો. પોતાના ચાર્ટર્ડ પ્લેન ‘મંદોદરી સેવન’ દ્રારા તે સીતાને આશોકવાટિકા ખાતે હંકારી ગયો હતો. કોઈ અંગત રાગદ્રેષ, કિન્નાખોરી, કે બ્લેક – મેઈલિંગ માટે સીતાનું અપહરણ કર્યાનો રાવણે ચોખ્ખો ઈનકાર કર્યો હતો. સાથે સાથે કોઈને છોડાવવા માટે કે કશું મેળવવા માટે સીતાને બાનમાં પકડયાના આરોપનું પણ તેણે ખંડન કર્યું હતું.

લંકેશ ઓઝા નામના લેખકે ‘લક્ષ્મણરેખા’ નામના વિચારપત્રમાં ચર્ચાપાત્ર રૂપે રાવણના આ દુષ્કૃત્યનો સખત ભાષામાં ઊધડો લીધો હતો ને એવી ચેતવણી ઉચ્ચારી હતી કે રાવણે આ કૃત્ય આચર્યું તેને જાહેરમાં દુષ્કૃત્ય કહેવા સુધી પોતે તૈયાર છે. આની દૂરગામી અસર પ્રજા પર પડશે. યુવાન પેઠી રાવણમાંથી પ્રેરણા લઈને ગમે તેની રૂપાળી સ્ત્રીઓને ઉપાડી જશે, કુંવારી કન્યાઓને ભગાડવાને બદલે અન્યની પરણેતરોને ઉઠાવી જશે. આ કારણે કુંવારી છોકરીઓ તેમ જ પરણેલી સ્ત્રીઓ – એ બન્ને પ્રકારની સ્ત્રીઓ રખડી જશે. રાવણના આ આતંક સામે અવાજ ઊઠાવવામાં નહિ આવે તો ચોરે અને ચૌટે રાવણો પેદા થશે, માટે આનો વિરોધ કરતાં ચર્ચાપત્રો લેખકોએ લખવા જોઈએ. અત્યારે સમય નવલકથાઓ ને નવલિકાઓ લખવાનો નથી. પણ કેવળ ચર્ચાપત્રો લખવાનો છે આ અંગે વિશેષાંકો પ્રગટ કરવાનું પણ વિચારી શકાય. સાહિત્ય પરિષદે પણ એક ઠરાવ દ્રારા રાવણના આ હિચકારા કૃત્યને વખોડી કાઢવું જોઈએ.

‘આવાઝ દર્શન’ નામના સ્ત્રી પાક્ષિકે ‘સીતાહરણ’નો ખાસ અંક પ્રગટ કરીને તેના તંત્રીલેખમાં રાવનની રેવડી કરતાં લખ્યું હતું કે એક સ્ત્રીને આ રીતે બળજબરીથી પોતાને ત્યાં ગોંધી રાખવી એ માત્ર સીતાનું જ નહિ, સમગ્ર સ્ત્રીજાતિનું હડહડતું અપમાન છે. પોતાના આ કુકર્મ બદલ રાવણે પ્રાયશ્વિત કરવું હોય તો તે માટે હજીય સમય છે.તેણે રામચંદ્રની ક્ષમા માગી સીતાજી પાસે રાખડી બંધાવી સ્વમાનભેર સીતાજીને તેમના પતિના હાથમાં સોંપી દેવાં ને તેને થયેલ માનસિક સંતાપ બદલ સુવર્ણ મૃગનો ફરકોટ બનાવી આપવો જોઈએ.

લાયન્સ ક્લબ ઓફ અયોધ્યા (વેસ્ટ)ના નેત્રયજ્ઞના કાર્યક્રમમાં અતિથિપદેથી બોલતાં અને ડોન-લંકાના પત્રકારોને સંબોધતાં વિભીષણે જણાવ્યું હતું કે રાવણનાં પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે ને ગમે તે ક્ષણે સત્તા પરથી ઉથલી પડશે. ‘રાવણને ઉથલતાં કેટલો સમય લાગશે?’ એવા એક પત્રકારના પ્રશ્નના જવાબમાં ગુસ્સે થૈ જતાં વિભીષણે કહ્યું હતું કે, હું કોઈ જ્યોતિષી નથી કે તમને કહી શકું કે કેટલાં સમયમાં તે ઊથલી પડશે, પણ એક વાત ચોક્ક્સ છે કે આ દિવાળી તે પોતાના સિંહાસન પરથી નહિ જોઈ શકે.

‘શ્રીલંકાવૃત’માં જ્યોતિષીની કોલમ લખતા ગ્રહણ વર્મા નામના જ્યોતિષીએ રાવણની કુંડળીની સમીક્ષા કરતાં લખ્યું હતું કે નવરાત્રીમાં ઉગ્ર અને સંહારક ગ્રહ મંગળ મિથુન રાશિમાં છે એટલે શનિ – મંગળ બંન્નેનો પ્રતિયોગ છે. આને કારણે નજીકના ભવિષ્યમાં શ્રીલંકામાં કોઈ મોટી હોનારત કે અગ્નિકાંડ થશે. જે પ્રજા માટે ખૂબ જ આઘાતજનક ગણાશે. એક માણસના અવિચારી પગલાને કારણે સમગ્ર પ્રજાના ભાગે સહન કરવાનું આવશે. શ્રીલંકામાં અણધાર્યા પ્રસંગો, તોફાનો,હિંસાત્મક ઘટનાઓ ને સામૂહિક મૃત્યુના બનાવો બનશે. રાવણના સ્વાસ્થ્ય માટે અમંગળ સમય સમજવો. છત્રભંગનો યોગ છે. રાવણે પોતાના માથાં સંભાળવાં, દસેદસ માથામાં ઈજા થાય એવો ગ્રહસંકેત છે.’દશેરાના દિવસે પ્રજાને જલેબી ખાવાનો યોગ છે.

બંદર જેવા ગણાતા કેટલાક આતંકવાદીઓ સામૂહિક રીતે શ્રીલંકા પર ત્રાટક્યા હતા ને ‘સીતા મૈયાકો છોડ દો’ નાં સૂત્રો પોકારીને લંકામાં એક મોટી આગ ચાંપી હતી. આ આગથી પ્રજાની કરોડો રૂપિયાની મિલકત નાશ પામી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. આગનો વિમો લેનાર વિમા કંપનીનું આખું મકાન પણ આગમાં બળીને ખાખ થઈ જવા પામ્યાનો અહેવાલ અમારા ખબરપત્રીએ મોકલી આપ્યો છે.

રાવણને લીધે જ પ્રજાની તમામ મિલકતો આગમાં હોમાઈ ગઈ છે એવા આરોપ સાથે વિનોદ દેવ નામના એક રિટ-સ્પેશિયાલિસ્ટ વકીલે રાવણ સામે કોર્ટમાં રૂપિયા ૧૮૭૦ કરોડની નુકશાનીનો દાવો ઠોકી દીધો છે ને આ અંગે ન્યાયાધીશશ્રીએ રાવન પર કારણદર્શી નોટિસ કાઢી છે.

કેટલાક આગલ પડતા પત્રકાર-કટારલેખકોને પોતાને ત્યાં ભોજન પર નિમંત્રી રાવણે ખુલ્લા મનથી કેટલીક વાતો કરી હતી. રાવણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સીતાહરણ જેવા સાવ મામૂલી કિસ્સાને વિભીષણ તેમજ મારા કેટલાક હિતશત્રુઓએ ખોટી રીતે ચગાવ્યો છે, પણ પ્રજા એવા પેટબળ્યાઓને ક્યારેય માફ નહિ કરે. મને સત્તા પરથી ફેંકી દેવા પાછળ કેટલાંક વિદેશી તત્ત્વોનો હાથ હોવાના પુરાવા પણ મારી પાસે છે જે યોગ્ય સમયે પ્રજા સમક્ષ મૂકીને એ તત્ત્વોને હું ઉઘાડાં પાડીશ. રાવણના પ્રાસાદમાં સાઈકલો લઈને ગયેલા પત્રકારો તેના બંગલામાંથી બહાર નીકળ્યા ત્યારે તેમની પાસે વાયુદૂત (મેઈડ-ઈન-શ્રીલંકા)સ્કૂટર હતાં. બીજા દિવસે પ્રગટ થયેલ ઘણાં ખરાં અખબારોના તંત્રીલેખમાં લખ્યું હતું કે સીતાહરણનો કિસ્સો એ કોઈ ગંભીર બાબત નથી અને રાવણનો એ સાવ અંગત સવાલ છે અને જો ગુનો બનતો હોય તોપણ રામ સામે રાવણ કરેલ ગુનો છે – એ બન્ને એકબીજા સાથે ફોડી લેશે. પ્રજાને આની સાથે કોઈ લેવાદેવા નથી. અખબારોમાં છપાતા સમાચારોને ગંભીરતાથી લેવાને બદલે પ્રજાએ દેશને આગળ વધારવા તન, મન ને ધનથી કામે લાગી જવું જોઈએ.

– વિનોદ ભટ્ટ


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “રાવણ – રાજ્યમાં અખબારો હોત તો…! – વિનોદ ભટ્ટ