એકવીસ માઈક્રોફિક્શન વાર્તાઓ – ડૉ. હાર્દિક યાજ્ઞિક 14


(૧) હિપ્નોટીઝમ

દારુડીયા બાપથી છુપાવીને રાખેલી રોટલી માએ ધરી ત્યાં તો રતલી અને નાનોભાઇ શનો રીતસરના દોડ્યા… રોટલી પણ એટલી સૂકાયલી કે બન્ને બાજુએથી ખેંચતા ભાઈબહેનના જોર સામે ટકી રહી..

અચાનક નાનકડા ભાઈની આંખોમાં રતલીથી જોવાઈ ગયું. ભાઈની બે દિવસથી ભૂખી આંખોએ કોણ જાણે કેવું વશીકરણ કર્યુ કે રતલીના હાથમાંથી રોટલીનો પોતાનો ભાગ આપોઆપ છૂટી ગયો.

(૨) ગરીબની દિવાળી

“સપરમાં દહાડેય માંગવા આવે છે. હવે ના પાડી દિવાળી કોણ બગાડે. જો પેલા પાછળના ડબ્બામાં જૂના પૌવા પડ્યા હશે.. નાખ એના વાટકામાં…” મોટા બંગલાના દરવાજે તોરણ બાંધતા બાંધતા ડૉ. શાહે પત્નીને બૂમ પાડીને કહ્યું.

ડોકટરને ત્યાંથી વાસી ખોરાક મેળવીને તેમનું નવુ વર્ષ તાજુ રહે એવા આશિર્વાદ આપી એક ગરીબ આગળ વધ્યો.

(૩) ભેદ

કોઈ ભક્ત દ્વારા લાવેલા સફરજનને સહર્ષ સ્વીકારતા મહારાજની નજર અનાયાસે એના પર વીંટાળેલા છાપા પર ગઈ. ચૂપકેથી છાપાનો ટુકડો ગાદી પાસે મૂક્યો.. આખાય પ્રવચન દરમ્યાન ધ્યાન સતત એના પર છપાયેલ ફોટા અને “પપ્પા હવે તો પાછા આવી જાવ” ની જાહેર વિનંતી પર જ હતું.

પછીના ચાર દિવસથી ગામમાં એક જ વાત ચર્ચાય છે કે ગામવાળાથી કોઈ મોટો ગુનો થયો હશે નહીં તો આમ કોઈને કહ્યા વગર અચાનકજ સિધ્ધબાબા અલોપ ન થઈ જાય.

(૪) દુર્ભાગ્ય

આપણે પૈસા પછાડો અને તપાસ કરાવો જો છોકરી હોય ને તો અબોર્શન……

(૫) સૈનિકની અધૂરી ઇચ્છા

સિયાચીન ગ્લેશિયરની બરફની ચાદરોમાં હાથમા ગરમાગરમ કાવાનો કપ લઇ એ વિચારતો કે ગઇકાલના હુમલામાં પોતે મારેલ સામેના દેશનો જવાન આમ જોવા જઈએ તો એના દેશ માટે તો શહીદ જ થયો ને?

કમસેકમ અમારી સીમામાં પડેલી એની લાશ એના ઘરવાળાને મળવી જ જોઈએ.. પણ એ શક્ય ન હતું.. કદાચ હું એ શહીદ માટે કંઈ કરી શક્યો હોત તો?

(૬) મૃગજળ

જુગારના દાવમાં એને લાંબે ગાળે મોટો ફાયદો દેખાતો… એ રમતો.. હારતો.. પણ થોડું વધારે રમીશ તો જીત મળી જ જશે એમ માની વધુને વધુ રમતો ગયો.. હારતો ગયો. પણ જેટલું રમે એટલી જીત દૂર જતી રહી.

(૭) સ્પેશ શટલ

નાનકડો જયુ આજે સવારથી ઉંચે ઉડે એવુ કાગળનુ સ્પેશશટલ બનાવામાં પડ્યો હતો. એની અંદર એણે એક ચિઠ્ઠી મૂકી “પપ્પા, મમ્મી કહેતી હતી કે તમે દૂર અવકાશમાં ગયા છો. તો પાછા કયારે આવશો? તમારા વગર નથી ગમતું.”

સ્કુલમાં ટીચરે કહ્યું હતુ કે સ્પેશશટલ જ એક એવુ યાન હોય જે દૂર અવકાશમાં વાદળોનીય પાર જઈ શકે.

(૮) અશ્વત્થામા

“અર્જુનની પુત્રવધુ ઉત્તરાના ગર્ભમાં રહેલ બાળકને બ્રહ્મશિરા શસ્ત્રનો ઉપયોગ કરીને અશ્વત્થામાએ બાળી નાખ્યો હતો.. જેની સજા સ્વરુપે કૃષ્ણે એને કુષ્ટ રોગથી પીડાતા, કળિયુગના અંત સુધી તિરસ્કૃત અવસ્થામાં ભટકવાનો શ્રાપ આપ્યો હતો..” ટી.વી.માં કોઇ મહારાજના મુખે આ વાત સાંભળતા સિસ્ટર રત્નાને પોતે જ્યાં કામ કરતી તે મેટરનીટી હોમના ડૉ. અસિત યાદ આવ્યા અને એના મનમાં થયું “એમણે તો કેટલાય.!!”

(૯) અણગમો

“મને આ ભીખારાઓ ઉપર બહુ ચીડ છે. ગાડીથી મંદિર સુધી પહોંચતા પહોંચતા ભીખ માંગી માંગીને જીવ લઇ લે સાલાઓ…” રોજની જેમ બબડતા બબડતા રમણિકશેઠ મંદિરમાં પહોંચ્યા. હાથ જોડી ધંધાની ઉન્નતિ, દિકરાના લગ્ન, ચાર વર્ષથી ચાલતા કોર્ટકેસનો નિકાલ અને શેરબજારમાં રોકેલા નાણા બમણા થવાની પ્રાર્થના બે હાથ જોડીને ઇશ્વરને કરી..

(૧૦) પડછાયો

“મોટાભાઈ મારું શરીર, ને હું એમનો પડછાયો. જ્યાં એ ત્યાં હું.. એ કહે એ મારા માટે પથ્થરની લકીર..” અમિત નાનપણથી જ દરેકને આમ કહેતો.

ગઇકાલે મોટાભાઇએ એની પાસે કેટલીક સાઈન કરાવી. આંધળા વિશ્વાસે વાંચ્યા વગર અમિતે દરવખતની જેમ સાઈન કરી.. વખત જતે પરિસ્થિતિનું ભાન થયું.. ને આજે મોટાભાઈ પડછાયા વગરના થઇ ગયા.

(૧૧) સંવાદ

કોઈકના લગ્નમાં આજે ૬૦ વર્ષ પછી બન્ને એકબીજાની સામે આવ્યા. બોખા ચહેરા મલકાયા.. દિકરા અને પૌત્રોની વચ્ચે વાત કેમ કરાય? એટલે બન્ન્નેની મોતીયો આવેલી આંખોએ બને એટલુ જોર કરીને વાતો ચાલુ કરી… અંતે એક પણ શબ્દ વગર બેઉને એટલું સંભળાયુ કે હજીય હ્રદયના એક ખૂણામાં પ્રેમ અંકબંધ છે.

(૧૨) અટકેલો સમય

“બેટા, મારી ઘડીયાળના સેલ આજે તો લઈ આવીશ ને?” સતત છઠ્ઠા દિવસે ઓફિસ જતા દિકરાને રિટાયર્ડ બાપે કહ્યું.

છણકો કરી દિકરાએ કહ્યું, “જોઈશ, જો ટાઇમ મળે તો.”

પોતાની નિઃસહાય હાલત પર દયા ખાતા બાપે બંધ ઘડીયાળમાં પોતાનો અટકેલો સમય જોયો.

(૧૩) અર્ધસત્ય

“જાનુ, હું કેવી લાગુ છું?”

“સરસ, પણ..”

(૧૪) દૂધપીતી (દિકરી)

દિકરાના તરછોડ્યા પછી જયારે દિકરી અને જમાઈ એમને પોતાના ઘરે લઇ ગયા ત્યારે આ જ દિકરીનો જન્મ ન થાય તે માટે લીધેલી પણ નિષ્ફળ ગયેલી ગોળીઓ એમને યાદ આવી..

(૧૫) જટાયુ

રાત્રીના અંધકારને ચીરીને આવતી કોઇ સ્ત્રીની ચીસો સાંભળીને પોતાની રહી સહી તાકાત અને લાકડીના સહારે એ ગલીમાં ગયો. એક સ્ત્રીને ઘસડતો માણસ જોયો.. બને એટલા જોરથી એ એમની ઉપર તૂટી પડ્યો.. એક સન્ન કરતી ગોળી આવીને હાડકાના એ માળાને પીંખી નાંખ્યો.. આજે પણ સીતાને લઇ જતા રાવણને જટાયુ ન રોકી શક્યો…

(૧૬) દુર્ભાગ્ય

અથાગ મહેનત પછી, ૯૦% લાવ્યા પછી પણ એને મેડિકલમાં એડમિશન ન મળ્યું.

એનુ દુર્ભાગ્ય કે અનામતના દેશમાં બ્રાહ્મણના ઘરે એણે જન્મ લીધો હતો.

(૧૭) અર્ધસત્ય

અમને ઈશ્વર પર સંપૂર્ણ શ્રદ્ધા…

(૧૮) કર્ણ

“અમે બધા બૉસ અને મેનેજમેન્ટની સામે પડ્યા છીએ અને તું તો જાણે છે કે એ બધાએ ખોટું કર્યું છે તો પણ તું બોસની તરફેણમાં કેમ? અમારી જોડે આવ, તું તો યુનિયનનો લીડર થઇ શકે તેમ છે.” હડતાલે ચડેલાઓએ રાજેશને સમજાવ્યો.

કશુંય બોલ્યા વગર એ એકલો ઓફિસમાં કામ કરવા આગળ વધ્યો. એની નજર સામે એ દિવસો હતા જયારે કોઈ એનો હાથ નહોતું પકડતું ત્યારે આ જ ખોટા બોસે એને મદદ કરી હતી.

(૧૯) અમરત્વ

“બેટા, છે દુસમનની સોડી પણ આજ દુસમન બહારગામે ગયો સે ને દુસમનનો દુસમન એની સોકરીનું શીયળ લુંટી એને મારી નાંખે.. આજ દુસમની ભૂલી એ સોડી ને બસાવી ઈ આપણો ધરમ…” એમ બોલીને દુશમનની છોકરીને બચાવીને મૃત્યુને પામેલ આ બન્ને જણ આમ તો અહીં પાળીયા થઇ ગયા પણ અમાર ગામ માટે તો એ પાળિયા નહી અમરત્વની નિશાની છે. આમ બોલતા આપા પથ્થરના બે દેવને પગે લાગ્યા.

(૨૦) બીજી ઇનિંગ

સ્કુટરને દિવ્યાબેનની એકદમ પાસે ઉભુ રાખી સંજયભાઈએ હેલમેટ ઉતારતા કહ્યું, “લે ચલ.”

દિવ્યાબેન શરમ અને સંકોચ સાથે બોલ્યા “પણ સમાજ અને લોકો!”

“થોડી વાત કરી ભૂલી જશે.. પણ આપણે બાકીનું જીવન પોતાની મસ્તીથી જીવી શકીશું.. બોલ આવે છે?” સંજયભાઈના શબ્દોમાં આત્મવિશ્વાસ હતો.

દિવ્યાબેન પૂજાની થાળી રસ્તા પર જ મૂકી સ્કુટર ઉપર બેસી ગયા. બીજા દિવસે છાપાના ચોથા પાને હેડલાઈન હતી, “૬૦ વર્ષના એક વિધુરે તેની જ સોસાયટીમાં રહેતી એક વિધવાને ભગાડી..”

(૨૧) ધર્મ

મંદિરના દાદરા ચડતા સુવાક્ય નજરે પડ્યું “માનવ સેવા એજ સાચો ધર્મ.”

અચાનક શું સુઝ્યું કે એણે હાથમાં રહેલ લોટાનું દૂધ બહાર ભીખ માંગતા છોકરાને પીવડાવી દીધું.. આજે મહાદેવ ખૂબ પ્રસન્ન થયા હોય તેવી ખુશી અંદરથી એને થતી હતી.

– ડૉ. હાર્દિક યાજ્ઞિક

આ એકવીસ વાર્તાઓ – ડ્રેબલ્સના શીર્ષક ‘સર્જન’ ગ્રૂપમાં જોડી બનાવીને થીમ તરીકે અપાયા હતા જેના આધારે મિત્રોએ માઈક્રોફિક્શન વાર્તાઓ લખી. હાર્દિકભાઈએ એ દરેક થીમ પર હાથ અજમાવ્યો.. અને પરિણામ સ્વરૂપ પ્રસ્તુત છે આ અનોખી એકવીસ વાર્તાઓ.. વોટ્સએપમાં આજકાલ જેમની માઈક્રોફિક્શન્સ વાયરલ થઈ નામ વગર કે અન્યોને નામે ફરે છે એવા હાર્દિકભાઈની આ વાર્તાઓ પણ તેમના નામ સાથે વાયરલ થાય એવી શુભેચ્છાઓ આપવી અસ્થાને તો નથી ને?


Leave a Reply to M VarCancel reply

14 thoughts on “એકવીસ માઈક્રોફિક્શન વાર્તાઓ – ડૉ. હાર્દિક યાજ્ઞિક