ચિત્ર પરથી માઈક્રોફિક્શન વાર્તા ૨ (૩૮ વાર્તાઓ) 12


એક ફોટા પરથી તમે કેટલી વાર્તાઓ વિચારી શકો? બે, ચાર.. દસ! ‘સર્જન’ વોટ્સએપ ગ્રૂપના સભ્યોએ રચી છે ૨૦૦ શબ્દોની મર્યાદામાં એક જ ચિત્ર પરથી સિત્તેરથી વધુ માઈક્રોફિક્શન વાર્તાઓ, આપેલા ચિત્ર પરથી, ચિત્રને આધારે અને એને પશ્ચાદભૂમાં રાખીને લખાયેલી આ માઈક્રોફિક્શનમાઁથી કેટલીક પસંદગીની વાર્તાઓ આજે પ્રસ્તુત છે.. અહીં જોવા મળશે એક જ ફોટાને આધારે અનેક સર્જકોના પોતાના વિચારવિશ્વ, તેમની સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ અને લેખન પદ્ધતિથી તેમણે રચેલી સપ્તરંગી વાર્તાઓ. જુઓ માઈક્રોફિક્શન વાર્તાલેખનના આ નવીન પ્રયોગ દ્વારા સર્જનશક્તિ અને કલ્પનાનો વ્યાપ..

આ વખતે માઈક્રોફિક્શન માટે આપેલ ચિત્ર હતું..

A lonely boy

ઉપરોક્ત ચિત્રને આધારે ૩-૪ ઑગસ્ટ, ૨૦૧૬ની ચિત્ર પરથી લખાયેલી માઈક્રોફિક્શન પ્રસ્તુત છે..

૧. ચિચિયારી – સંજય ગુંદલાવકર

“હેં..! પપ્પા?” આંખો ખૂલી, સંજુ ઘરે હતો. ડૂમો ભરાયો. મમ્મીને કહેવાને કોઈ ફાયદો ન હતો.
“સંજુ, આપણે રિસોર્ટ જઈએ છીએ.” સંજુએ આંખો પટપટાવી. શૈલાએ કોરા કપાળ પરથી પસીનો લૂછ્યો.
સંજુએ જોયું, પપ્પા લાવતા તેવું જ લાલ કલરવાળું ટીશર્ટ ને જીન્સની પેંટ. નાહી ધોઈ, તૈયાર થઈ, નાસ્તો પતાવ્યો. “સંજુ, આ દવા પી લે.”
મને કંઈ થયું નથી, તોય મમ્મી દવા કેમ આપે છે? ને દવા બારી બહાર ફેંકી દીધી.
ચાલુ દિવસ હોવાથી રિસોર્ટમાં ભીડ નહીંવત હતી. સ્વિમિંગ-પૂલ સામે એક બાંકડે સંજુ ગોઠવાયો. “સંજુ, પાણીમાં નથી જવું?” સંજુ નિરુત્તર પાણીને તાકી રહ્યો. શૈલાનો આ પ્રયત્ન પણ નાકામ રહ્યો. બે વર્ષ થવા આવ્યા, હવે શૈલાને રડવુંય આવતું ન હતું, પણ સંજુ હજી હિજરાતો. “હું તારી માટે જેકેટ લાવું છું હં. કશે જતો નહીં.”
પપ્પા સ્વિમિંગ શિખવાડવાના હતા. પણ પપ્પા..! સામે છેડે પંપ ચાલુ થયો. પૂલમાંથી પાણી બહાર ફેંકાવા લાગ્યું. ‘સંજુ, સ્વિમિંગ નથી શીખવું?’ ને અચાનક, સ્વિમિંગ-પૂલમાં પપ્પા દેખાયા. “હેય.. પપ્પા!” એની આંખોમાં હર્ષ છલકાયો.
“મમ્મી?” સંજુ હરખાયો. પણ મમ્મી ન દેખાઈ. પૂલની ધાર પર આવીને તાળી વગાડવા લાગ્યો, નાચવા લાગ્યો. “પપ્પા!” સંજુએ પાણીમાં છલાંગ લગાવી. ધબાંગ..
સંજુ લગભગ ડૂબવા લાગ્યો. “પપ્પા” સંજુ જોર જોરથી રડવા લાગ્યો. ધ્રાસ્કો પડ્યો. “પપ્પા” એટલામાં પ્રેમાળ અવાજ આવ્યો, ‘સંજુ! કેમ રડે છે?’ સંજુએ જોયું તો.. “મારા પપ્પા!”

– સંજય ગુંદલાવકર

૨. સ્વાભિમાન – સરલા સુતરિયા

‘શું જુવો છો કુંવર? મોતીમહાલના પાછલા ભાગમાં આવેલા સ્વિમિંગપૂલની સામે ખુરશીમાં બેસીને એકટક પાણીને જોઈ રહેલા રાજને એની દાઈમાએ પૂછ્યું.
‘દાઈમા! રાજમાતા કહેતાં હતાં કે, ‘સ્વિમિંગપૂલમાં જલપરીઓ તરતી હોય. એ જલપરીઓ પતિ સુખને આગ લગાડી દેતી હોય છે. ‘પતિસુખ’ એટલે શું હે દાઈમા? જો એ જલપરી મળે તો એને પૂછવું છે કે મારા રાજમાતાનું પતિસુખ શા માટે લઈ ગઈ?’
દાઈમા ચુપચાપ રાજના વાળમાં હાથ ફેરવતાં રહ્યાં.
ગુંચળું વળીને પડેલી યાદો સળવળીને બેઠી થઈ ગઈ.
અહીં આજ સ્વિમિંગપૂલમાં એક પત્નીવ્રતની કસમોનું સરેઆમ લીલામ કરતાં રાજાને લિલિયાની સાથે રંગરેલિયા મનાવતા સગી નજરે જોયા પછી રાજમાતા આક્રોશથી ઉકળી ઊઠ્યાં હતાં. પોતાનું સ્વાભિમાન એમને રોકતું હતું એટલે રાજાને કોઈ સવાલ કર્યાં વગર પોતાની જાતને રાજમહેલથી સાવ અલિપ્ત કરી લીધેલી. એમનું વિશ્વ રાજકુમાર રાજવીરસિંહ પૂરતું જ સીમિત કરી દીધેલું.
લિલિયા તો રાજાને લૂંટાય એટલું લૂંટીને પરત જતી રહેલી, પણ રાજમાતા રાજાને માફ નહોતા કરી શક્યાં.
આજે રાજવીરનો જન્મદિન હતો…એ સ્વિમિંગ પૂલની બેંચ પર ઉદાસ બેઠો પાણીને તાકતો હતો. એને યાદ આવતી હતી ગયા જન્મદિને માતા-પિતા સાથે પૂલમાં કરેલી ધમાલ મસ્તીની.
‘બેટા, આજે શું ભેંટ આપું આપને?’ રાજમાતાએ હરખભેર પૂછ્યું રાજને.
‘મા! જે માગું એ આપશો મને?’
‘હા બેટા,’
‘મા! મને આપનો અને પિતાજીનો પ્રેમ જોઈએ છે….એક સાથે.’
પુત્રને ખાતર રાજમાતા પોતાનું સ્વાભિમાન..

– સરલા સુતરિયા

૩. શોષણ – પ્રતિભા ભટ્ટ અધ્યારૂ

અચાનક ટી.વી.માં સમાચાર ફ્લેશ થયા, ‘કિડ્સ સ્ટાર’ પર તેના કાકાનો અત્યાચાર…. બે ત્રણ ન્યુઝ રિપોટર કિડ્સ સ્ટાર ‘કુશ’ના બંગલા પાસે ઊભા હતા અને તેના કાકાને સવાલો પૂછતા હતા, “અમને ખબર પડી છે કે તમે તમારા મોજશોખ પૂરા કરવા આ બાળકનું છેલ્લા આઠ વર્ષથી શોષણ કરી રહ્યા છો? તેની બાળ કલાકાર તરીકે મજૂરી કરાવો છો? ઊંમરમાં મોટો ન દેખાય અને આટલો જ ક્યુટ લાગે એ માટે તમે તેને હોર્મોનલ ઈજેક્શન અપાવડાવો છો? માત્ર અને માત્ર પૈસા માટે તમે તમારા ભાઈના છોકરાનું શોષણ કરી રહ્યા છો? જવાબ આપો..”
સવાલોના જવાબમાં કુશના કાકા માત્ર, “ના એવું નથી, એનો શારીરિક બાંધો જ એ પ્રકારનો છે…” એવી દલીલ કરી અને મીડિયામાં વધારે વાત કરવાની ના પાડી દીધી. પણ મીડિયાવાળા એમ કંઈ છોડે તેમ નહોતા. તેમણે પ્રશ્ન કર્યો “તમે શું કામ કરો છો?”
“છેલ્લા આઠ વર્ષથી હું જ કુશની બધી એપોઈંટમેંટ અને એગ્રિમેંટ નક્કી કરું છું..”
મિડીયાવાળા સ્વિમિંગ એરિયામાં પૂલ તરફ મોં કરી બેસેલા લાલ શર્ટ અને બ્લ્યુ જીન્સવાળા કુશને બોલાવતા રહ્યા. પણ તે નિરુત્તર જ રહ્યો…

– પ્રતિભા ભટ્ટ અધ્યારૂ

૪. ખુશી – શૈલેષ પરમાર

“તમે તો કાંઇ કહો ? હજુ એની માટે બધું નવું છે.” શશીએ આજે પણ રાહુલને ટકોર કરી.
“હમમ.. વાત સાચી પણ રોજ હું એને ગમે એવું કરું છું, એની ઉદાસી દૂર થાય એવું બધું કરી ચૂક્યો છું, આજે છેલ્લો પ્રયત્ન કરી જોવ, નહીં તો..”
રાહુલ ફ્રેશ થઇને યશને શોધવા પડ્યો. છેલ્લે સ્વિમિંગ પૂલના બાંકડા પર બેઠેલો જોયો, “બેટા કેમ આમ ઉદાસ છે ? શું જોઈએ તારે ?”
“હું મારા ઘરે ક્યારે જઈશ ? ત્યાં મારા ફ્રેન્ડસ મારી રાહ જોતા હશે.” યશએ સહજ કહી દીધું.
રાહુલ પાસે દત્તકપુત્રના સવાલનો કોઈ જવાબ ન હતો.

– શૈલેષ પરમાર

૫. બગીચાનું ફૂલ – શૈલેષ પંડ્યા

ભૌતિક સુવિધાથી સજ્જ એવી પબ્લિક ડે સ્કૂલમાં, હોસ્ટેલમાં ઈશાનનાં એડમીશનની વિધિ પતાવી બન્ને આજુબાજુમાં શાળાનું પરિસર જોવા ગયા. શાળાની પાછળના ભાગમાં એક સરસ મજાનું મોટું મેદાન અને ડાબી બાજુ સ્વિમિંગ-પૂલ. સ્વિમિંગ-પૂલ જોઈ ઈશાન તો રાજી રાજી થઇ ગયો.
ત્યાંજ સંધ્યાની નજર સ્વિમિંગ-પૂલ પર આરસની બેંચ પર લાલ ટીશર્ટ પહેરીને બેઠેલા, એકીટશે પાણીમાં જોઈ રહેલા એક છોકરા પર પડી.
સંધ્યાએ પૂછ્યું, “શું જુએ છે, બેટા? તારું નામ શું છે?”
છોકરાએ સજળ આંખોએ ઈશાન તરફ આંગળી ચીંધી વેધક પ્રશ્ન કર્યો, “આંટી, તમે આના સાચા મમ્મી છો?”
નિર્દોષ સવાલ સુરભીના હૃદય સોંસરવો ઉતરી ગયો.
ચડસા-ચડસી, સ્ટેટસને માટે પોતાના નાનકડા ફૂલને કેટલો અન્યાય કરવા જઈ રહી હતી, જે ઉમરમાં બાળકને મા-બાપની સૌથી વધારે જરૂરીયાત હોઈ એ ઉમરમાં છોકરાને હોસ્ટેલમાં મુકવાની ફેશનમાં પોતે પણ અંધ બની ઇશાનને આજ અહીં લઇ આવી હતી.
“કેમ ? આવું કેમ પૂછે છે બેટા?”
“સાચી મમ્મી કંઈ થોડી પોતાના છોકરાને આવા પાંજરામાં પૂરે, મારી સાચી મમ્મી તો ભગવાનના ઘરે ગઈ છે, એટલે મારે તો અહીં રહેવાનું એમ નવી મમ્મીએ કહ્યું છે.”
સંધ્યાની આંખોનો બંધ તૂટી ગયો, ઈશાનની સાથે પેલા બાળકને પણ છાતીસરસો ચાંપી દીધો. આંખોનું વરસતું ચોમાસું ત્રણેયને ભીંજવતું રહ્યું.
બગીચાનું ફૂલ પાછું બગીચામાં…

– શૈલેશ પંડ્યા

૬. અગત્સ્ય – શૈલેષ પંડ્યા

સ્વિમિંગ-પૂલનાં બાંકડા પર બેઠા બેઠા એકીટશે પાણીને જોઈ એની આંખો ચમકી ગઈ. એણે મહાભારત સીરિયલમાં જોયું હતું કે અગત્સ્ય નામના ઋષિએ આખો દરિયો પી લીધો હતો, એણે વિચાર્યું કે, ‘કાશ એ અગત્સ્ય હોત તો આજ આખો સ્વીમિંગ-પૂલ પીને ખાલી કરી નાખત અને પોતાની વહાલસોઈ નાનકડી સોનુને એમાંથી બહાર કાઢી બચાવી લેત ! જે ગયા વર્ષે આજના દિવસે આ સ્વિમિંગ-પૂલમાં ડૂબીને મૃત્યુ પામી હતી.’

– શૈલેષ પંડ્યા

૭. રાજીપો – રક્ષા બારૈયા

“પલ્લવી, જમવું નથી બેટા?”
દાદી ડગુમગુ ચાલતાં પૌત્ર-વધૂનાં રૂમમાં પહોંચ્યા. ડબલબેડ પર ઉંધી સૂતેલી પલ્લવી બેધ્યાનપણે કોઇક જૂના આલ્બમના પાનાં ઉથલાવી રહી હતી. સાવ નજીક આવી પહોંચેલા દાદીના હળવા સ્પર્શથી તે ઝબકી ગઇ.
“આટલો જૂનો આલ્બમ લઇને બેઠી છો પણ કોઈને ઓળખે છે ખરી?” દાદી એક એક ફોટામાં દેખાતા ચહેરાની ઓળખાણ કરાવવા લાગ્યા. મોટાભાગના ફોટા કેદારના જ હતા. પૌત્રની અલગ અલગ અવસ્થાના ફોટા વિષે દાદી વિગતવાર માહિતી વગર અટકયે ઠાલવી રહ્યાં હતાં. પલ્લવી હોંકારો કરીને શાંત થઈ જતી.
બદલાતી વયનાં કેદારના દરેક રૂપને સમજવા મથતી પલ્લવીએ નોંધ્યું કે કેદાર ઘણા ફોટામાં સાવ રડમસ જ દેખાય છે. કેમેરા સામે જોતો હોય પણ નજર કંઇક જુદી જ તસ્વીર દેખાડતી હતી.
“દાદી, કેદારને ફોટા પડાવવું નહોતું ગમતું?”
“એને શું ગમતું ને શું ન ગમતું કાંઈ સમજાતું નહોતું બેટા ! આ જો આમાં તને એની પીઠ જ દેખાય છે? સાવ ટબૂડો હતો ત્યારથી મનમાન્યું ના થાય એટલે આમ તોબરો ચડાવીને સ્વિમિંગ પૂલના બાંકડે જઇને બેસતો. આઠમો જન્મદિવસ હતો એનો, લાલ ટીશર્ટમાં ખૂબ શોભતો પણ સાયકલ ના મળી એમાં રીસાયેલો ! થોડો મોટો થયો ને રીસ ચડે ત્યારે ઘરની બહાર જાય તો કલાકે પણ પાછો ના આવે, પછી શોધવા જવું પડતું.”
“કેદાર લગ્ન પછી તરત વિદેશ જતાં રહયાં છે તો એમને શોધવા જવું પડશે દાદી?”

– રક્ષા બારૈયા

૮. એક ભૂલ – શીતલ ગઢવી

એ જ બેસવાની ઢબ. પાછળથી બિલકુલ પોતાની છબી. ક્યાંય નજીવો ફર્ક નહતો. એવો જ લાલ શર્ટ અને બ્લુ જીન્સનું પેન્ટ. પોતે પણ બાળપણમાં બેગી પેન્ટ પહેરતો. વિશાલ આ બધું વિચારતો હતો ત્યાંજ સામેથી છબી આવતી દેખાઈ.
છબી એને જોઈ ન જાય એટલે વિશાલ સ્વિમિંગ પૂલ તરફના પ્રવેશદ્વારે અટકી ભૂતકાળમાં સરી પડ્યો.
“વિશાલ તારાં વગર તો હવે એક દિવસ પણ જીવવું મુશ્કેલ છે. તું કહેતો હોય તો કાલે ભાગીને તારી સાથે લગ્ન કરી લઉં.”
“મારી ક્યાં ના છે. ભાગીને લગ્ન મારે નથી કરવાં. તારાં બાપ પાસે તારો હાથ માંગવા આવીશ. મારાં મમ્મી ડેડીને ખબર છે આપણાં વિષે. હું કંઈ ભાગેડુ નથી બનવા માગતો. મેં તને દિલથી ચાહી છે.”
“સાચ્ચે તું મારાં પપ્પા પાસે મારો હાથ માંગવા આવીશ! ઓ.. વિશાલ તું મારી સમજની બહાર છે. ક્યારેક ગંભીર ક્યારેક મજાક. તારાં ઘરના મારા માટે શું બોલ્યા?”
“શું બોલે, રાજાને ગમે એ રાણી !”
છબી આ વાત સાંભળી એકદમ ઉછળી પડી. ત્યાં સર્જાયેલાં એકાંતમાં બધી સીમાઓ વટાવી નાંખી.
“તમે લોકોએ વિશાલને જોયો?”
આ બાજુ છબીને મહિના રહ્યાં. ડૉક્ટરે ગર્ભપાતની સ્પષ્ટના ભણી. મા બાપ સમાજમાં હાંસીને પાત્ર થયા. તેઓએ દીકરી સાથે શહેર છોડ્યું.
આજે અચાનક છબીને અહીં રિસોર્ટમાં જોઈ. વિશાલની કાપો તો લોહી ના નીકળે એવી હાલત હતી.

– શીતલ ગઢવી

૯. તૂટેલી ડાળ – શીતલ ગઢવી

એક બાળક લાલ શર્ટ અને બ્લુ જીન્સ પહેરેલું સ્વિમિંગ પૂલ પાસે વિચારમાં લીન થઈ બેઠકે બેઠું હતું.
પાછળથી એક વૃદ્ધ આવ્યા. કુતૂહલતાથી એની પાસે ગયા અને સવાલ કર્યો.
“દીકરા તારે નથી જવું પાણીમાં?”
એને ઉત્તરમાં હાથમાં રહેલી તૂટેલી ડાળી પાણીમાં ફેંકી અને ઉભો થઈને જતો રહ્યો.
વૃદ્ધ એને પેલી તૂટેલી ડાળ સાથે સરખાવવાં મથી રહ્યાં.

-શીતલ ગઢવી

૧૦. સમર કેમ્પ – સંજય થોરાત

સમર કેમ્પનો આજે છેલ્લો દિવસ હતો.
સ્વિમિંગ-પૂલમાં નાના બાળકો પાણીમાં હાથ પછાડી આગળ આવવા મહેનત કરતાં હતાં.
દસેક વર્ષનો બાળક કોર્નરવાળી લેનમાં તરી રહ્યો હતો.
‘ચલ, ઈશાન ચલ, જલદી આગળ નીકળ… હાથ પગ માર… કમોન યૂ કેન ડુ ઈટ… કમોન, કમોન ફાસ્ટ… માર જોરથી હાથ, થોડું બાકી છે.’ મમ્મી બૂમો પાડતી રહી.
સ્પર્ધા પતી… અને ઈશાન બીજો આવ્યો. એ જેવો બહાર આવ્યો એનાં ભીના બરડા પર મમ્મીએ કચકચાવીને ધોલ ઠોક્યો.
‘ઈશાન, ધીસ ઈઝ નોટ એક્સપેક્ટેડ ફ્રોમ યુ. માત્ર પાંચ સેકન્ડથી તારો પહેલો નંબર ગયો… આ બધા વચ્ચે મારી ઈજ્જત ગઈ…’
‘સોરી…’ ઈશાને રડતાં રડતાં કહ્યું.
‘સોરી શેનો કહે છે, નો એક્સક્યુઝ, બીજી સ્પર્ધામાં તારે ફર્સ્ટ…’ મમ્મીની હીટલરશાહી ચાલુ જ હતી.
એણે ડબ્બામાંથી ચીઝનું ચકતું કાઢી અડધું ખાધું. એની ઉઘાડી પીઠ પર ફરી એક પડી.
‘પુરું કર… આય વોન્ટ એનર્જી ઈન યોર નેક્સ્ટ એપેમ્પ્ટ.’
મમ્મી સામે ઘુરકિયાં કરતાં વધેલું ચીઝ દાઝ ગળા નીચે ઉતારી ગયો.
…અને એ આ વખતે ફર્સ્ટ આવ્યો. મમ્મીનો અહમ સંતોષાયો…
લાલ ટીશર્ટ અને બ્લ્યુ જીન્સ પહેરીને બાંકડે આવીને ગુમસુમ બેઠો. બધાં લોકો ચાલ્યાં ગયાં હતાં.
‘મમ્મી, મારું રિસ્ટ વૉચ આ ડીપબાથમાં…’
ફરી એક ધોલ… પણ, આ છેલ્લો હતો. ઈશાને મમ્મીને ધક્કો મારી દીધો.
‘કમોન મમ્મી, ઈફ યુ વોન્ટ ટુ લીવ…’
…અને ઈશાન મમ્મીને મોટીવેટ કરવા પણ ના રોકાયો…

– સંજય થોરાત

૧૧. માસૂમ સવાલો – વિરલ દેસાઈ

‘આવું કેમ જોઈ રહેવાય..?
પણ પપ્પા આવું શું કરવા કરતા હશે.?
બધી વાતમાં મમ્મીને મારે, અને હું જોઈ રહું.
મમ્મી કહેતી હતી હું મરી જઈશ..
મમ્મીનાં ગયા પછી મારું શું થશે.? પપ્પા પછી, મને પણ મારશે? હું પણ આ પાણીમાં પડી ને મરી જાઉં?’
સ્વિમિંગ પૂલના બાંકડે લાલ ટીશર્ટ પહેરેલો ધ્રુવ બેઠાંબેઠાં આવા લોહી થીજી જાય એવા વિચારો કરી રહ્યો હતો.
એટલામાં એક હાથ પાછળથી આવ્યો.એ ઝબકીને પાછળ જુએ છે, તો એની મમ્મી હાથમાં કંઈક લઈને ઊભી હતી.
“લે ધ્રુવ, તું કહેતો હતોને, તારે psp જોઇએ છે?”
“તારા પપ્પા લઈને આવ્યા.”એ મમ્મીને વળગીને રડી પડ્યો.
મા સમજી ગઈ હોય તેમ બોલી, “થાય, જીવન છે બેટા !”
આટલુ નાનું બાળક પણ જાણે જવાન દીકરો હોય એમ બોલ્યો,”મમ્મી હું છું ને”

– વિરલ દેસાઈ

૧૨. દ્રઢ આત્મવિશ્વાસ – હાર્દિક પંડયા

આજે શ્રીકાંત ગહન વિચારોમાં લીન સ્વિમિંગ પૂલ પર એક બાંકડા પર બેઠો હતો. પૂલમાં સ્વિમિંગ કરતાં લોકોને જોઈ રહ્યો હતો. તેનાં ચહેરા પર કોઇપણ પ્રકારના હાવભાવ ન દેખાયા. તે ઘણીવાર આવી રીતે અહીં આવી બેસી જતો.
મને એની પાસે જઈ વાત કરવાનું અને પૂછવાનું મન થયું. શું થયું? કેમ આમ બેઠો છે? શું વિચારે છે? હું તેની પાસે ગયો ખરો. પણ સવાલો અંતરમાં જ રહ્યા. હું તેને એક પણ સવાલ પૂછી ન શક્યો. હું તેને અને તે મને એકીટસે જોઈ રહ્યા. મેં એનાં માથા પર હાથ ફેરવ્યો. એણે મારી સામે એક નિર્દોષ સ્મિત રેલાવ્યું અને એક નોટબુક ખોલી કંઈક લખવા લાગ્યો.
મને તેનાં લેખનમાં ખલેલ પાડવાની ઈચ્છા ન થઇ. હું ત્યાંથી નીકળી ગયો. રાત્રે તેનાં રૂમમાં ગયો તો તે પેલી નોટબુક હાથમાં લઈને સૂઈ ગયેલો. મેં ધીમે રહીને હાથમાંથી લઈને વાંચ્યું. અંદર લખેલું… ‘એક દિવસ મારા પગ સાજા થશે અને હું પણ સ્વિમિંગ કરીશ.’

– હાર્દિક પંડયા

૧૩. પ્લીઝ, મમ્મી – જાહ્નવી અંતાણી

“રોહન, બેટા, શું વિચારે છે?? કેમ આમ અહી બેંચ પર બેસી ગયો, ત્યાં જો પેલીબાજુ સર બધાને કંઇક સમજાવે છે. તું સ્વીમ સ્યુટ પહેરી આવ. આમ કેમ મોઢું ફુલાવીને બેઠો છે!!”
રોહનને આજે સ્વિમિંગ શીખવાનો પહેલો દિવસ હતો, કેનાએ કેટલું સમજાવ્યો તોય અહીં આવી, બધાથી દૂર આ વ્હાઈટ બેંચ પર એકલો બેસી ગયો. વેકેશનનો પહેલો જ દિવસ હતો. એને સોસાયટીમાં મિત્રો સાથે ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવું હતું, તોફાન મસ્તી કરવી હતી. પરંતુ વેકેશનમાં સ્વિમિંગનો પ્લાન તો મમ્મીએ પહેલેથી કરી રાખ્યો હતો.
મમ્મી એ લાલ ટી શર્ટ અને બ્લુ જીન્સ પહેરવા આપી, પણ એના ચહેરા પર ખુશી કે તાજગી દેખાઈ નહિ.
પહોંચીને મમ્મી એની ફ્રેન્ડસ સાથે વાતોએ વળગી, રોહન સાંભળતો રહ્યો, “મારે રોહનને અહીંથી સીધો ટેનિસ માટે લઇ જવાનો છે, આસપાસના મિડલ ક્લાસ છોકરાઓ સાથે મસ્તી કરે એ તો મને જરાય ન ગમે. યુ સી, હંમેશા એક્ટીવ રહેતા બાળકો જ સ્માર્ટ લાગે.”
આવું સાંભળ્યા બાદ રોહન સીધો બેંચ પર બેસી ગયો અને મનમાં બોલ્યો, “મમ્મી હું ત્યાં બાલભવનમાં ટેનિસ રમું કે ઘર પાસે ક્રિકેટ, શું ફર્ક છે? બંને છે તો ગેઈમ જ ને!! આ મમ્મી કેમ સમજતી નથી! પ્લીઝ, કોઈ સમજાવોને!”

– જાહ્નવી અંતાણી

૧૪. રિક્ત સ્થાન – જીજ્ઞેશ અધ્યારૂ

લાલ ટીશર્ટ અને બ્લ્યૂ જીન્સ પહેરેલો યશ સ્વિમિંગ-પૂલના બાંકડે પૂલ તરફ મોં કરીને બેઠો હતો, જાણે દિંગતમાં કંઈક જોઈ રહ્યો.
શચીના મૃત્યુ પછી જ્યારે ઈશાનને પરણીને એ આવી ત્યારે તેના અસ્તિત્વને નકારનારો યશ.. લગ્નની પ્રથમ રાત્રીએ ઈશાનને વળગીને સૂઈ ગયેલો, હનીમૂનમાં મનોજને છૂટો ન પડવા દેતો.. શચી-ઈશાનનો એ પુત્ર આમ તો પરાણે વહાલો લાગે એવો હતો, પણ સરજુને સખત ખટકતો, એ વિચારતી કે અમારું સંતાન થશે ત્યારે યશ મિલકતમાં ભાગીદાર બનીને ઉભશે.. એ કાંટો બની રહ્યો..
ઈશાન નોકરીએ ગયો, સરજુએ હાઉસકોટ ઉતારીને એન્ગલ પર ભેરવ્યો, સ્વીમસૂટમાં આવૃત સુડોળ કાયાને એણે હળવેથી પૂલના પાણીમાં તરતી મૂકી, આંખો બંધ કરી, મુલાયમ કાયા પર પાણીની લહેરો અનુભવતી એ મત્સ્યકન્યાશી તરવા લાગી.
અચાનક તેનું ધ્યાન સ્વિમિંગપૂલના બાંકડે બેસીને દિંગતમાં કંઈક જોઈ રહેલા યશ તરફ ગયું. ઘૃણાનો ઉભરો આવ્યો, એણે યશને પોતાની પાસે ઈશારાથી બોલાવ્યો અને તેને ખેંચીને ઊંડા પાણીમાં ધકેલી દીધો.. એ ડૂબતો રહ્યો અને સરજુ તેને દબાવી રહી..
*
પંદરેક દિવસે ઈશાનનો આઘાત શમ્યો, સ્વિમિંગપૂલમાં ડૂબીને મૃત્યુ પામેલા નાના છોકરાઓની ઘટનાઓ અસામાન્ય નહોતી. ક્રિયાકર્મ વગેરે પત્યા અને ઈશાન પાછો ઓફિસ ગયો, સરજુને માંડ હાશ થઈ. આનંદનો ઉભરો આવ્યો; થાક ઉતારવા એણે સ્વીમસૂટ પહેર્યો, હાઉસકોટ ચડાવ્યો અને સ્વિમિંગપૂલ તરફ ચાલી..
લાલ ટીશર્ટ અને બ્લ્યૂ જીન્સ પહેરેલો યશ સ્વિમિંગપૂલના બાંકડે પુલ તરફ મોં કરીને બેઠો હતો..

– જીજ્ઞેશ અધ્યારૂ

૧૫. રહસ્ય – હેતલ પરમાર

“નિશીત, આપણે આવ્યાને એક વીક થવાં આવ્યું આ રેસ્ટોરન્ટમાં પણ તે માર્ક કર્યું? અહીઁના સ્વિમિઁગ પૂલમાં કોઈ ન્હાવા જતું જ નથી. કેમ? અને હા… વળી રાત્રે ઘણીવાર મેં લાલ ટી- શર્ટ અને બ્લ્યુ જીન્સ પહેરેલો દસેક વરસનો છોકરો બેંચ પર સુનમુન બેઠેલો જોયો છે.”
“નીરા…શું તું પણ ચલ, એ બધું છોડ.. ચાલ ડીનર કરી લઈએ.” કહેતા નિશીત ઊભો થઈ ગયો..
નીરા પણ વિચારોની સાથે જ ઊભી થઈ ગઈ..
અડધી રાત્રે જ્યારે નીરાની આંખ ખૂલી ગઈ તે વિન્ડો તરફ ગઈ.. અને આજે પાછો આજે એ જ છોકરો એ જ પરિસ્થિતિમાં બેઠેલો જોયો.. ને નીરાએ નક્કી કરી લીધું આજે તો જઈને તપાસ કરવી જ છે.. એ ગઈ પેલાં સ્વિમિઁગ પૂલ પાસે બેઠેલાં છોકરા પાસે અને બોલી…
“હાય, તારું નામ શું છે? હેલ્લો….લીટલ ચેમ્પ…!!”
અને પેલા છોકરાએ મોઢું ઊંચું કર્યું..
આ..હ..
ચહેરો તો જાણે પાણીમાં રહીને ફૂલી ગયા જેવો હતો.. આંખોનાં ડોળાં ચમકતાં સફેદ રંગનાં..ને
ડરામણો દેખાવ….
નીરા તો જોઈને જ ડઘાઈ ગઈ…
ત્યાં જ પેલો છોકરો બોલ્યો…
“આંટી.. મને બચાવી લો ને.. હું ડૂબી રહ્યો છું.. પ્લીઝ..” કરતો ઊભો થયો ને નીરાને જોરદાર ધક્કો મારીને પોતાની સાથે સ્વિમિઁગ પૂલમાં ખેંચતો ગયો…
“નિશીત..બચાવ…” ની બૂમ સાંભળતાં બધાં દોડી આવ્યા.. અને જ્યારે નીરાની આંખ ખૂલી ત્યારે પોતાનાં રૂમમાં ગભરાયેલી હતી !

– હેતલ પરમાર

૧૬. અહેસાસ – જાગૃતિ પારડીવાલા

“રાહુલ, ક્યાં જાય છે.?” કડક અવાજમાં રાજુભાઇએ કહ્યું.
“પપ્પા, પાછળ જ … .સ્વિમિંગ .. ના પપ્પા.. ગાર્ડનમાં જાવ છું.” ડરતાં ડરતાં રાહુલે કહ્યું .
“જા, મને ખબર છે તું સ્વિમિંગ એરિયામાં જ જવાનો છે, ભૂતનો વાસ તો પીપળે જ હોયને.” રાહુલે સાંભળ્યું ન સાંભળ્યું કરી દોડીને સ્વિમિંગ એરિયામાં આવેલ બેઠક પર જઇ બેસી ગયો.
“મમ્મી, જો… આજે મે મારું બધું જ કામ જાતે કર્યું છે. વાળ પણ જાતે ઓળીયા છે. જોને બરાબર છે ને? તું પહેલાં કહેતી હતીને, તારે પોતાનું કામ જાતે જ કરવાનું. મમ્મી, મેં તને પાણી માં જતા જોયેલી, તો બહાર કેમ નથી આવતી? પપ્પા કહેતા હતા તું હવે ક્યારેય બહાર નહીં આવે, શું એ સાચી વાત છે?” ને રાહુલ ડૂસકાં ભરી રડવા લાગ્યો. પછી આંસુ જલ્દી લૂંછી નાખ્યા જેથી કોઈ જોઈ ન જાય.
એક ઠંડી હવાનું મોજું એની પાસેથી પસાર થઇ ગયું જાણે કોઈ એને અહેસાસ દેવડાવતું હતું કે, બેટા રડ નથી, હવે તારે તારી જાતે જ મોટા થવાનું છે…
રાહુલને વાત્સલ્યતાનો અનુભવ થયો અને એ પોતાની રૂમમાં જવા પગ ઉપાડતો હતો ત્યાં જ સાવકી માનો અવાજ આવ્યો, “રાહુલ, ત્યાં જ બેસવાનું છે કે? સર આવ્યાં છે ભણવા જા હવે…”

– જાગૃતિ પારડીવાલા

૧૭. આનંદ – કેતન પ્રજાપતિ

આજે આનંદનો પાંચમો જન્મ દિવસ હતો. ને નીતાએ પિકનીકનું આયોજન કર્યું હતું.
નીતાએ બૂમ પાડી, “ચાલો બધાં ફટાફટ તૈયાર જાઓ.”
બધા ગાડીમાં ગોઠવાઈ ગયા હતા. પણ આનંદ ગાડીમાં નહોતો. નીતા તેને શોધતા શોધતા સ્વિમિંગ પૂલ પાસે આવી. ત્યાં બાંકડા પર લાલ ટીશર્ટ અને બ્લુ જીન્‍સ પહેરીને આનંદ પૂલ તરફ મોં રાખી બેઠો હતો.
“આનંદ બેટા, તારે પિકનિકમાં નથી આવવુ ?”
આનંદે કહ્યું, “ના મમ્મી, મારે નથી આવવુ.”
“મને એ કહે તું અહીંયા બેસીને શુ વિચારે છે?”
“મમ્મી, પપ્પા કયારે આવશે?”
આ સવાલથી નીતા હચમચી ગઈ.
કારણ કે, નાનકડાં આનંદને ખબર જ ન હતી કે તેના પિતા કારગીલ યુદ્ધમાં શહીદ થયા હતા.
અને ગઇ 15 ઓગસ્ટે મેજર વિક્રમસિંહને મરણોત્તર પરમવીર ચક્ર એનાયત થવાનો હતો. નીતાએ આનંદને છાતી સરસો ચાપી દીધો. એને પોતાના પતિના શબ્દો યાદ આવ્યા..
“पराये देश में आशीयाना क्यूं ढूंढे।
हमको वतन की भूख है।
जहाँ दो गज जमीन ही काफी है मरने के लीऐ।

– કેતન પ્રજાપતિ

૧૮. બાલિશ – કુંજલ પ્રદીપ છાયા

સ્વતંત્ર મિજાજી નોકરીયાત સીમ્મીને સમીર જેવા સાલસ સ્વભાવના, સંસ્કારી અને સંયુક્ત પરિવારમાં પરણે પાંચેક વર્ષ થયાં હશે. મમ્મી કે સાસુમાની ઈચ્છાને એ તાબે થવાની નહોતી. “મારું કેરિયર સેટ થઈ જવા દ્યો, એ પહેલાં પ્લીઝ કોઈ ફોર્સ ન કરતાં.” ઘણીવાર બાળકની વાત નીકળે ત્યારે આવો જ જવાબ સૌને મળતો.
એક વરસાદી રાત્રીનાં ભીના માહોલમાં પથારી પર પટકાઈને સૂતેલ સીમ્મીની નજીક જઈને સમીરે તેને આલિંગનમાં લઈને તેનાં અંબોડાનો વળ ઢીલો કર્યો પણ સીમ્મીએ તરત જ એનો હાથ હડસેલ્યો. વાળ બાંધ્યા અને ફોન ફંફોસવા લાગી.
નાનપણની એક સખીનો વ્હોટસેપમાં કાર્ડ સાથે મેસેજ હતો. “સ્કુલ ફર્સ્ટ ડે સેલિબ્રેશન ઓફ માય ફાઈવ યર સન.” “આ જો.” સીમ્મીએ મેસેજ સમીરને વંચાવ્યો. ડ્રેસકોડ હતો સ્કુલ યુનિફોર્મ.
“જશું ને આપણે?” સમીરે જવાની તૈયારી બતાવી. “વ્હોટ નોન્સેન્સ. બચ્ચા પાર્ટીમાં આપણે થોડું યુનિફોર્મ પહેરવાનો હોય?” ચર્ચા લાંબી ચાલી. “મને કિડ્સ સાથે બહુ જ અકળામણ થાય, કેવી ધમાલ કરે, ગંદકી કરે, ઉફ્ફ… ઈટસ સો ઈરીટેટીંગ.” અંતે, હંમેશની જેમ ભિન્ન દિશાએ સૂતાં. લાઈટ્સ બંધ થઈ.
અચાનક સીમ્મી સમીરને વળગીને અદ્ધર શ્વાસે બોલી, “એક.. એક નાનો.. છોકરો.. આપણાં સોસાયટી એપાર્ટમેન્ટનાં સ્વિમિંગ-પૂલ પાસે પીઠ વાળીને બેઠો છે.. હું બોલાવું પણ એ જવાબ નથી દેતો…..” સમીરે તેને છાતીએ વળગાડી, માથે હાથ ફેરવીને અંબોડાનો વળ ખોલી મૂક્યો.

– કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’

૧૯. સ્વપ્નીલ –નીતા કોટેચા ‘નિત્યા’

સ્વપ્નીલની બે વર્ષ પહેલાની યાદ તાજી થઇ ગઈ હતી. આ એ જ લોનાવાલાનો રિસોર્ટ હતો જ્યાં પપ્પા મમ્મી સાથે તે વેકેશન માણવા આવ્યો હતો. અને પોતાની જીદ ને લીધે મમ્મી સ્વિમિંગપૂલમાં સ્વિમિંગ કરવા ઊતરી હતી. અચાનક મમ્મીનો પગ લપસ્યો અને સીડીના એન્ડમાં ફસાઈ ગયો. રિસોર્ટવાળા એમને બચાવે, મદદ કરે ત્યાં સુધી સુધીમાં તેઓ મૃત્યુ પામી હતી.
આજે પપ્પા પાછા એ જ રિસોર્ટમાં લઇ આવ્યા હતા. સ્વિમિંગપૂલમાં નહાવું બહુ ગમતું હતું પણ આજે ડર લાગતો હતો. પરંતુ નવી મમ્મીની જીદ હતી કે આપણે એ જ રિસોર્ટમાં જઈએ. સ્વપ્નીલને ગુસ્સો તો બહુ જ આવ્યો હતો પણ એનું ક્યા કઈ ચાલે એમ હતું !
“સ્વપ્નીલ ચાલને આપણે બંને સ્વિમિંગ કરવાં જઈએ.”
એક ભયનું લખલખું આખા શરીરમાંથી પસાર થઇ ગયું. જવાબ ફક્ત ‘ના’માં આપ્યો, પણ અંદર ચાલતા તોફાનની કદાચ નવી મમ્મીને ખબર નહિ પડે .
“સ્વપ્નીલ તારા જેવો જ મારે દીકરો હતો કે જેનું મૃત્યુ સ્વિમિંગપૂલમાં પડવાથી થયું હતું.”
સ્વપ્નીલ બે મિનીટ નવી મમ્મીને જોતો રહ્યો અને પછી તેમનો હાથ પકડીને ચેન્જીગ રૂમમાં જવા લાગ્યો.

– નીતાકોટેચા ‘નિત્યા’

૨૦. યુતિ – કલ્પેશ જયસ્વાલ

હું સમજતો હતો પણ એ સમજતો ન હતો, સમજે પણ ક્યાંથી? એ કશું જાણતો હોય તો ને? વિહારની બાળજીદ મને અને આનંદીને અંદરથી ખળભળાવી જતી હતી. ખરેખર, હવે મને એમ થતું હતું કે એને વેકેશનમાં કોઈ સ્વિમિંગપૂલ વગરની જગ્યા એ જ ફરવા લઈ જવો. પંદર વર્ષ વીતવા આવ્યા એ ઘટનાને છતાં ઘા હજુ પણ પૂરો રુઝાયો નહોતો.
“જુઓ તો ક્યાં ગયો એ રિસાઈને?” આનંદીના ચિંતિત ચહેરા પર જાણે કે પંદર વર્ષ પહેલાની ઝાંખી થતી હતી.
“ભૂલી જા હવે, જે થવાનું હતું એ થઈ ગયું.” એક અફસોસ સાથે મેં એને સાંત્વના આપી.
મમતાવશ એ રૂમની બહાર ગઈ અને પાછી આવી પણ થોડી ચિંતાવશ.
“એ બહાર સ્વિમિંગપૂલની બેચ પર અડધો પડધો બેઠો છે, ક્યાંક કૂદી ના જાય.”
ચાહું તો હું પણ એની સાથે સ્વિમિંગ કરી શકતો હતો પણ પછી એને એવું લાગશે કે તરતા આવડી ગયું અને ફરીથી હું કે આનંદી હાજર ન હોય અને પંદર વર્ષ પહેલા થયું હતું એવું કશું થાય તો? સ્વિમિંગપૂલ પણ ઊંડો અને પહોળો હતો.
“આનંદી, હવે ક્યાં સુધી ભય હેઠળ જીવીશું?”
આનંદી કશું બોલે એ પહેલા તો મને ‘ધબાંગ’ કરીને પાણીમાં કૂદવાનો અવાજ મારા કાને અફળાયો.
“મારી યુતિ!” આનંદીએ ફફડીને ચીસ નાખી.
મેં સ્વિમિંગ પૂલ તરફ દોટ મૂકી.

– કલ્પેશ જયસ્વાલ

૨૧. મૌન અવાજ – મીરા જોશી

લાલ ટી-શર્ટ, બ્લુ જીન્સમાં સજ્જ દસેક વર્ષનો એક બાળક રિસોર્ટમાં મારી આગળની બેન્ચ પર બેસીને સ્વિમિંગ પૂલને નિહાળતો થોડા સમયથી બેઠો હતો. હું તેને જ જોયા કરતી હતી. એવું લાગતું હતું જાણે તે કોઈ વાત પર રિસાઈને બેઠો હોય. ત્યાંજ એક સ્ત્રી તેની પાસે આવી, બાળક સાથે ઈશારામાં કંઈક વાત કરવા લાગી. મને લાગ્યું, તે બાળકના મમ્મી હશે. પણ, તેમના હોઠ નહોતા ફફડતા, માત્ર હાથથી ઇશારાઓમાં વાત થતી હતી. મને ભારોભાર અચરજ થયું.
હું તુરંત તે સ્ત્રી પાસે ગઈ અને મારી મૂંઝવણ રજૂ કરી. મારો પ્રશ્ન સાંભળીને તે સ્ત્રીની આંખના ખૂણે આંસુ બાઝી ગયા.. થોડી ક્ષણ બાદ સ્વસ્થ થતા તેણે કહ્યું,
“હું, આયુષની મમ્મી છું. તે જન્મથી મૂક-બધિર છે. પ્રકૃતિની સમીપ રહેવું ખુબ ગમતું હોવાથી હું તેને વારંવાર દરિયા, જંગલ, પહાડોવાળા વિસ્તારમાં લઈ જાઉં છું. પણ, હવે તે મને પૂછે છે, મા, સમુદ્રનો અવાજ કેવો હોય, પંખીનો કલશોર કેવો હોય.. મને ક્યારે સાંભળવા મળશે આ બધા અવાજો? અને હું તેને રોજ આશ્વાસન આપુ છું, કે એક દિવસ તને અવાજ સાંભળવા મળશે.. પણ, એ દિવસ ક્યારેય આવતો નથી.. આજે પણ, તે એ જ વાતે રિસાઈ ગયો છે. હું એને કઈ રીતે કહું, કે આ પ્રકૃતિનો અવાજ એને ક્યારેય સાંભળવા નહિ મળે !”
…મારી આંખો એ માસૂમ રાજકુમારને જોઈને ભીની થઈ ગઈ.

– મીરા જોશી

૨૨. માસૂમ – કુસુમ પટેલ

શાળામાં કોક છોકરાનો ધક્કો વાગ્યો, સોનુ તો દાદરા પરથી ગબડવામાં જ હતો પણ એને રેલીંગનો સહારો મળી ગયો અને એ બચ્યો.
ગભરાયેલ સોનુ ઘરે આવતા જ બેગ મુકી સીધો સોસાયટીના સ્વિમિઁગ પૂલ તરફ દોડી બાંકડે બેઠો.
સુમસામ સોનુની આંખો ઉભરાઇ ગઇ.
દોઢેક વર્ષ પહેલા સાતમે માળે આવેલા, પોતાના મકાનની ગેલેરીમાંથી, પોલિયો ગ્રસ્ત વિરલને સ્વિમિઁગ પૂલમાં ડુબતો સોનુની માસૂમ આંખે જોયો હતો.
પણ ત્યારે વિરલ પોલિયોથી ત્રસ્ત થઇ જાતે જ પાણીમાં ડૂબી મર્યો એવું બધા કહેતા.
બાંકડે બેઠેલા સોનુએ એના ડાબા પગનું જૂતુ ઉતાર્યુ, પગ હલાવ્યો, ડાબો પગ હવામાં લટકી રહ્યો. સોનુએ જમણો પગ જમીન પર પછાડ્યો.
ત્રણ વર્ષની ઉંમરે ગેંગ્રીનને કારણે સોનુના ડાબા પગમાંથી ચાર ઇંચનું હાડકું કાપી નાખવામાં આવ્યુઁ હતું ત્યારે જેવી પીડા નો’તી થઇ એવી પીડા સમજણા સોનુને હવે રોજે રોજ થતી .
આજે શાળામાં જે બન્યુ એ સોનુ સાથે અવાર-નવાર બનતુ. એના એક ટૂંકા અને લાંબા પગની મશ્કરી થતી. આ બધું આઠ વર્ષનો સોનુ હવે સમજી શકતો.
ગુમસુમ બાંકડે બેઠેલા સોનુની આંસુ સારતી આંખ સામે વિરલનો ડૂબતો દેહ તરી આવ્યો. સોનુએ ડાબા પગનું સ્પેશ્યલ ડબલ પ્લેટ્ફોર્મ જૂતું સ્વિમિંગ પૂલ તરફ ફેંકી દીધું..

– કુસુમ પટેલ

૨૩. સ્વિમિંગ – લીના વછરાજાની

માંડ માંડ ગામડાની બ્રાન્ચમાંથી શહેરની બેન્કમાં બદલી મળી હતી. સુધાકરને હવે હાશકારો થયો. દીકરો કરણ હજી નાનો છે ત્યાં શહેરમાં વસી જવાય તો એના ડેવલપમેન્ટમાં ફેર પડી જાય. શહેરની ભાષા, દેખાવ, ભણતર – આ બધાના પ્રભાવથી કરણની જિંદગી સુધરી જાય.
અને એમ જ બન્યું. બેન્ક તરફથી મળેલા આધુનિક ફ્લેટમાં રહેતાં રહેતાં કરણ પણ આધુનિક થવા માંડ્યો. કપડાં પણ પપ્પા લેટેસ્ટ લાવે.
રોજ સાંજે નાનો કરણ સ્વિમિંગપૂલને કિનારે આવીને બેસે. સુધાકરે અંદર ઉતરવાની કડક ના પાડી હતી.
આજે પણ કરણ કિનારે બેન્ચ પર બેઠો હતો ત્યાં પાછળથી સુધાકરે આવીને વ્હાલથી થપથપાવીને પૂછ્યું ,
“શું કરે છે મારો પ્રિન્સ ?”
“કંઇ નહી પપ્પા, અંદર જવાનું બહુ મન થાય છે.”
“ના બેટા, હજી તને તરતા નથી આવડતું.”
“તે હેં પપ્પા, તરતા આવડે એ જ અંદર જઇ શકે ?”
“હા દીકરા.”
“તે પપ્પા, આપણે ગામડે રહેતા હતા ત્યાં બાજુવાળાં રુડીકાકીને ત્યાં નાની બેબી આવી હતી ખબર છે ! તે એક દિવસ હું એને રમાડવા ગયો’તો. એને રમણકાકા એક મોટા તપેલામાં સ્વિમિંગ શીખવાડતા હતા. ત્યારે મને સમજણ નહોતી પડી. હવે આ સ્વિમિંગપૂલને જોઇને સમજાયું. પણ પપ્પા, એ બિચારીને તરતા જ ન આવડ્યું અને પછી બધા રડતાં હતાં.”
સુધાકર નિ:શબ્દ..
કરણને કેવી રીતે સમજાવે કે હજી આજે પણ દીકરીને દૂધ પીતી કરવાનો રાક્ષસી રિવાજ ક્યાંક ચાલ્યો આવે છે..

– લીના વછરાજાની

૨૪. પગરખું – નિમિષ વોરા

“ચેમ્પ, સન્ડેના આટલો તૈયાર થઈ કઇ બાજુ ?”
“ભૂલી ગયા ? આજે ફન પાર્ક જવાનું છે, યુ પ્રોમિસ્ડ પપ્પા..”
“સોરી બેટા, મારે એક મિટિઁગ છે, મમ્મી સાથે જઇ આવ.”
“મારે કિટ્ટી પાર્ટી છે આયુષ, માંડ વીકમાં એક સન્ડે મળે છે મને, તમારે મિટિઁગ રાખવાની શું જરૂર હતી આજે ?” વચ્ચે બોલી ઉઠેલી પ્રિયાને પૂછવાનો હવે કોઈ અર્થ ન હતો.
બસ, આટલી વાતથી મમ્મી પપ્પાની રોજની માથાકૂટ શરુ થઈ. કોઇએ એ પણ ના નોંધ્યું કે આરવ આજે પહેલીવાર પોતાની રીતે તૈયાર થઈ આવ્યો હતો.
આટલા મોટા બંગલામાં ફરી તે એકલો પડી ગયો અને આ ‘જેલ’ની એકમાત્ર પ્રિય જગ્યા એવા સ્વિમિંગ-પૂલ પાસે આરસના ઓટલે બેસી ગયો. ત્યાંજ તેને બે દિવસ પહેલાંની ઘટના યાદ આવી.
“મમ્મી, દાદુ ક્યાં ગયા ?” સ્કૂલથી આવી ઘરના એકમાત્ર ફ્રેન્ડને નહિ જોતાં આરવ બોલ્યો.
“આજે તેને એક બીજા ઘરે મૂકી આવ્યાં છીએ, હવે તે આપણી સાથે નહીં રહે.”
એ આખો દિવસ જમ્યા વિનાના ગુમસુમ રહેલા આરવને ચીયર અપ કરવા સન્ડેના ફન પાર્કનું પ્રોમિસ આયુષે આપી દીધું.
“ક્યાં છો તમે દાદુ ? આવોને સાથે રમવા પ્લીઝ…” આજુબાજુ નજર દોડાવી જાણે દાદાને શોધતો હોય તેમ આંખોમાં આંસુ સાથે તે બોલી ઉઠ્યો. અને દાદાની જગાએ નજરે ચડ્યું દાદાનું પગરખું જે તેઓ હંમેશ તેમના એકમાત્ર પગે પહેરતાં.

– નિમિષ વોરા.

૨૫. અસહ્ય – મીતલ પટેલ

૯ વર્ષનો રોહન ઉદાસ એકીટશે અનંતમાં તાંકતો હોય એમ સ્વિમિંગ પૂલના પાણીને બેંચ પર એકલો બેસી અપલક જોતો હતો.
રોહનને જોઈ સમીરને પત્નીના શબ્દો યાદ આવ્યાં..
“રોહન ઘણાં દિવસથી ચુપચાપ રહે છે. મસ્તી, કૂદાકૂદ કરતો મારો બાળક સહમેલો રહે છે. શુક્રવારે પી.ટી. હોઈ ત્યારે કાયમ બહાનું કાઢે.. શાળાએથી આવીને સીધો સૂઈ જાય, કેટલુંય પૂછો જણાવતો નથી.”
એટલે આજે શુક્રવારે રોહનને લઈને માથેરાન રિસોર્ટમાં આવ્યા હતા..
“શું થયું રોહન, કેમ ચૂપચાપ બેઠો છે. પપ્પાને પણ નહિ કહે. કંઈ પણ હોઈ બેટા, પપ્પા મમ્મી હંમેશા તારી સાથે છે. કોઈ ભૂલ થઈ, સાચું બોલી દે, માફ કરી દેશું મારો વ્હાલુડો છે ને.., કોઈ હેરાન કરે છે શાળામાં? ભણવું નથી ગમતું, ખેલકૂદ નથી ગમતું તને ટેનિસમાં સિલેક્ટ કર્યો છે ને..”
અચાનક રોહન ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો..
“સુધા આપણા રોહન સાથે બહુ ખરાબ થયું છે. નરાધમે એને ચૂંથી નાંખ્યો.. “
સમીર આક્રોશ અને અસહ્ય પીડાથી ભાંગી પડ્યો..
બંનેએ રોહનને બાથમાં લીધો,
“ચિંતા નહીં કર બેટા, તારી કોઈ ગલતી નથી. એ શિક્ષકને એવી સજા આપીશ, જિંદગીભર કંઈ કરવાને લાયક નહીં રહે..“
અચાનક રોહનની તંદ્રા સોફિયાના અવાજથી તૂટી..
“સર ચાઈલ્ડ એબ્યુઝનો કેસ આવ્યો છે, દસ વર્ષનો બાળક છે જલ્દી જવું પડશે..”
“હા ચાલો, એન.જી.ઓના બધા કાર્યકર્તાઓને જાણ કરી દીધી..”
રોહન આંખોમાં આક્રોશની જ્વાળા ભરી ઊભો થયો..

– મીતલ પટેલ

૨૬. નવા પપ્પા – મીનાક્ષી વખારિયા

આર્યનને નવા પપ્પા નહોતા ગમતાં. તે વિચારતો હતો, ‘નવા પપ્પાની આંખોમાં મારા પપ્પા જેવું વહાલ ક્યાં? મમ્મી જીદ કરે છે.. બાકી એમને પપ્પા કહી બોલાવવાનું પણ ગમતું નથી.’
મમ્મીય ખરી છે, મને કહે છે કે ‘તને પપ્પાની ખોટ ન લાગે એટલે તારા માટે નવા પપ્પા લાવી છું.’ મેં ક્યાં તેની પાસે પપ્પા માગેલા ?
આજે અમે ‘સુલતાન’ સિનેમા જોવા જવાના હતા. મેં મમ્મીને કહ્યું મારે બ્લેક શર્ટ અને જીન્સ પહેરવા છે, નવા પપ્પાએ બ્લેક શર્ટ પહેરવાની ના પાડી, બ્લેક શર્ટ પાર્ટીમાં પહેરાય આજે આ લાલ શર્ટ જ પહેરવાનું છે. મેં જીદ કરી..મને બ્લેક જ પહેરવું છે, તો મને લાફો મારી દીધો.. મમ્મીએ પણ પપ્પાનો પક્ષ લીધો, મને વઢી નાખ્યો ‘હું મોટાનું કહ્યું માનતો નથી, બેડ બોય થઈ ગયો છે ને એવું બધું..’ મેં લાલ શર્ટ પહેરી લીધું, તોય મારા ગેરવર્તનની સજા આપી, મને ગંગુબાઈને સોંપી બંને એકલા સિનેમા જોવા જતા રહ્યાં.
ગંગુબાઈએ મને ભાવતી ચાયનીઝ ભેળ બનાવીને ખવડાવી પછી અમે સોસાયટીના સ્વિમિંગ પૂલ તરફ આંટો મારવા ગયા. ત્યાં બાંકડે બેસીને વાતો કરતા હતાં એવામાં કંઈ યાદ આવતા તે ઘરે ગઈ. હું પપ્પાને યાદ કરતો બેસી રહ્યો.
‘ઓ..પપ્પા મને મૂકીને ક્યાં ગયા..?’ હું રડી રહ્યો હતો..કયાંકથી પપ્પાના પરફ્યુમની સુગંધ પ્રસરી ને માથા પર પપ્પાનો વહાલભર્યો હાથ ફરતો અનુભવી રહ્યો..

– મીનાક્ષી વખારિયા

૨૭. પાંખ વગરનું પતંગિયું – આરતી આંત્રોલીયા

અનિકેત એટલે અમારા મઘમઘતા બાગનું સુંદર મજાનું પતંગિયયું. પતંગિયા જેવો જ ચંચળ સ્વભાવ, ઘડીએ પગ વાળીને બેસે જ નહીં . ક્યારેક પતંગિયાને પકડવા દોડે તો ક્યારેક ખિસકોલી પાછળ. પંખીઓના ટહુકાની નકલ કરતો તેનો કલશોર, ઘર આખાને કિલ્લોલતું કરી દેતો.
“તો પછી આમ શાંત કેમ?” સ્વિમિંગપૂલ પાસે, લાલ ટીશર્ટ ને જીન્સમાં બેઠેલા અનિકેતને જોઈ કાંતાબહેને પૂછ્યું.
ન જાણે કોની નજર લાગી ગઈ, કે હસતું-રમતું અમારું આંગણું સૂનું થઈ ગયું. એ વરસાદી સાંજે, ક્યાંકથી આવી ચડેલા મોરને કળા કરતો જોઈને, તે કઈં નાચ્યો હતો ! અને નાચતાં-નાચતાં ભીની માટીમાં પગ લપસતા, ધડામ દઈને પડયો અને ક્યારીનો પથ્થર તેના માથામાં ખૂંપી ગયો, લોહીની ધાર વહી ચાલી, તાબડતોબ હોસ્પિટલ લઈ ગયા, લોહી ચડાવવું પડયું, તે ઠીક તો થયો પણ સારવાર દરમિયાન તેને લૂકેમિયા હોવાનું નિદાન થયું.
બસ ત્યારની ઘડી ને આજનો દિવસ, હવે તે જરાયે પડે-આખડે નહીં ,જખ્મી ન થાય તેની પૂરેપુરી તકેદારી રાખવા ડોક્ટરે કહ્યું છે. તે બિચારા બાળકને શું ખબર પડે, જરાક ઠીક લાગેકે માંડે દોડવા. પણ અમારે તેને તુરંત ટોકવો પડે, ‘અનિ દોડ નહીં, પડી જઇશ, અનિ આમ નહીં કર, તેમ ન કર.’તેની મા પડછાયાની માફક રહે, રખેને ક્યાંક..
તેને પતંગિયા સાથે સરખાવતા અમે ખૂબ હરખાતાં, પણ શું ખબર કે આમરો અનિ પણ પતંગિયા જેવો જ નાજુક અને અલ્પજીવી હશે?

– આરતી આંત્રોલીયા

૨૮. સ્પર્શ – આશિષ વ્યાસ

તેને પાણી બહુજ વ્હાલું હતુ. પાણી પાસે બેસીને તે અનેક વિચારો કરતો. ખરેખર તો તેને પાણી પોતાની તરફ ખેંચતું જાણે પોતે કોઈ નવલકથાનું પાત્ર હોય અને પાણી તેની પ્રેમિકા. પણ હંમેશા તે વિચારતો કે, ‘શા માટે મમ્મી-પપ્પા તેને પાણી તરફ જવાની ના પાડતા હશે!?’
જ્યારથી કુંજ સમજણો થયો ત્યારથી જ તેને પાણી પ્રત્યે કાંઇક અલગ જ લગાવ હતો. ક્યારેક તો બસની બારીએથી પાણીને જોતા જ તેને કૂદવાનું મન થઈ આવતું પણ તે લાચાર હતો મનોબળથી નહી પણ પ્રકૃતિથી.
એક વાર તેણે મમ્મીને અનાયાસે જ પૂછી લીધું, ‘મમ્મી હું ક્યારે પાણી પર તરી શકીશ!?’ માલતીએ ઉચ્છવાસ સાથે જવાબ આપ્યો, ‘એક દિવસ જરૂર બેટા’.
પાણી પણ તેની પ્રકૃતિ થી મજબૂર હતું, પગના હલેસા પર એ તરવાની પરવાનગી આપી શકે, પણ જેના પગ હલેસા મારવા માટે જ સક્ષમ નથી એ તો શી રીતે તરી શકે?
હવે આંખો સમક્ષ બધુ થોડું ધૂંધળું થવા લાગ્યું, એ ધૂંધળાશના કારણે કુંજનું ચિત્ર પણ ધૂંધળું થઈ ગયું. છેવટે એક આંસુ સરી એક લિસોટો થઈને કુંજની એક જ છેલ્લી યાદ એવી તસ્વીર પર પડયું.. આરસપાણના બનેલા બાંકડે બેસી લાલ ટીશર્ટ અને બ્લ્યુ જીન્‍સ પહેરીને પાણીને નીરખતો કુંજ.. ‘માલતી, આજે એ પંદરનો થયો હોત.’

– આશિષ વ્યાસ

૨૯. સરખામણી – દિવ્યેશ વિ. સોડવડીયા

તેણે કપડા પર છાંટેલા અત્તરની સોડમ ફૂંકાતા પવન સાથે એન્ટ્રીગેટનાં ચોકીદાર સુધી પહોંચતી હતી. ચોકીદારે સુગંધની દિશામાં નજર ફેરવી.
બ્લુ જીન્સ, લાલ ટીશર્ટની સાથે સેન્ડલ પહેરી ટનાટન તૈયાર થયેલો નવ વર્ષનો આકાશ બંગલાના સ્વિમિંગ-પૂલ પાસેના બાંકડે મૌન બેઠો હતો.
પહેરેગીરે ધીરેથી તેની પાસે જઈ કહ્યું, “શું થયું? હંમેશા હસતું-રમતું ફૂલ આજે કેમ કરમાયેલું છે?
“અંકલ, તમારે કેટલા છોકરા છે?”
“બે.”
“તમે ક્યારેય તે બેઉને સરખાવો છો?”
“નહીં. પોતાના છોકરાવની સરખામણી થોડી કરાય!”
“મારા મમ્મી-પપ્પા તો અમને બેઉ ભાઈને રોજ સરખાવે છે.” આકાશના નિનાદમાં ઉદાસી સ્પષ્ટ વર્તાતી હતી.
“એવું ન હોય, બેટા!”
“એવું જ છે, અંકલ. મમ્મી-પપ્પા રોજ કહે કે, ‘એક જાતે તૈયાર થઈ જાય ને બીજાને ચડ્ડી પહેરતાયે આવડતું નથી, એક જાતે જમે અને બીજાને મોંમાં કોળિયા મૂકવા પડે, એકને વાંચતા-લખતા આવડી ગયું ને બીજાને હજુ કક્કોય નથી આવડતો. એકને તરતાયે આવડે ને બીજો પાણી ભાળીને દૂર ભાગે.’ અંકલ, આને સરખાવ્યા કહેવાય કે નહીં?”
ચોકીદાર કંઈ કહે તે પહેલાં શેઠનો આદેશ આવ્યો, “વિનય, દરવાજો ઉઘાડ!”
ચોકીદાર દરવાજો ખોલવા ગયો, શેઠે આકાશને અહીં બેસેલો જોઈ બંગલાની બારી પાસે ઊભેલા દેવને કહ્યું, “અરે ઓહ… ડફોડિયા, આખો દિવસ ઘરમાં પડ્યા રહેવાને બદલે આ આકાશની જેમ પ્રકૃતિને તો માણતા શીખ.”
આ સાંભળી કાયમની સરખામણીથી મંદબુદ્ધિત મોટાભાઈ દેવને બચાવવા તરણવીર આકાશે સ્વિમિંગ-પૂલમાં છલાંગ લગાવી.

– દિવ્યેશ વિ. સોડવડીયા

૩૦. નદીમાં ઘર – ધર્મેશ ગાંધી

એની નાની-નાની માંજરી કીકીઓમાં ભૂરા રંગનું સ્થિર પાણી હિલોળાં લઇ રહ્યું હતું.
સ્વિમિંગ પૂલ પરથી ફેંકાતી હવાની ઠંડી લહેરખીઓમાં જાણે એને, ઘણું બધું મેળવી લીધાંનો સંતોષ અનુભવાતો હતો.
..અને એકાએક, જીન્સ-ટીશર્ટની પરવા કર્યાં વગર જ, ઊંચી છલાંગ લગાવવા એ પૂલ તરફ દોડ્યો, ત્યાં જ..
‘ઝિલ્યા.. એય ઝિલ્યા.. માછલાં પાડવા નથી જવું આજે..?’ ..નો હાકોટો કાને અથડાતાં જ એની સ્વપ્નભીની દુનિયા સુકાઈ, ને કાણાવાળી ચડ્ડી પહેરેલું ઉઘાડું શરીર વાસ્તવિકતામાં ડોકાયું.
સ્વિમિંગ પૂલથી સજ્જ એવાં ભવ્ય બંગ્લોના વેચાણની જાહેરાતો દર્શાવતાં એ મેગેઝીન પરથી નજર હટાવી, એણે માસૂમ સવાલ કર્યો, ‘બાપુ, આ મોટાં શહેરોમાં પૈસાદાર લોકોનાં ઘરમાંયે નદી હોય..? ને આપણે..?’
‘એમનાં ઘરમાં નદી.. ને આપણું ઘર નદીમાં, દીકરા..!’ બાપુએ એક નિશ્વાસ નાખી આગળ ચલાવ્યું, ‘..તેઓ શાળાએ ગયાં હોય, ભણ્યાં હોય, ને ભણતરે એમને પૈસો, સુખ, સુવિધા ઘણું બધું આપ્યું હોય..!’ અભણ બાપુએ જ્ઞાનની વાત કરી.
..ને કંઇક ઊંડું વિચારી ઝિલ્યાએ વાસ્તવિક દોટ મૂકી, ગામના પાદરે..
‘એલા તારો ઝિલ્યો દેખાતો જ નથી ને, ગામના પાદરની સરકારી પ્રાથમિક શાળામાં..? મફતના ભણતરનોયે ભાર લાગે છે કે શું..?’ બાપુને માસ્તર સાહેબનું રોજેરોજનું મહેણું યાદ આવ્યું.. ને એણે આભાર માન્યો એ મેગેઝીનનો, કે જે કોતરડાના વહેણમાં તણાઈ આવેલું, ને પોતે એ નાવડીના પાટિયાં વચ્ચે દબાવી રાખેલું, ઝિલ્યા માટે જ..!

– ધર્મેશ ગાંધી

૩૧. સરપ્રાઈઝ – ધવલ સોની

લાલ કલરનું શર્ટ પહેરેલો એ નાનકડું બાળક સ્વીમિંગ પૂલના શાંત પાણીને એકીટશે જોઈ રહ્યુ હતું પણ તેના મનમાં આજે કઈં કેટલાય કૂતુહલભર્યા પ્રશ્નો ઉત્પાત મચાવી રહ્યા હતા. બાળકની આંખમાં ઉદાસીના વાદળો ઉમટેલા હતાં. “મમ્મી હજી પણ એવી જ દેખાતી હશે?” તેના મનમાં ઉદભવેલો આ પ્રશ્ન માત્ર કૂતુહલ જ નહીં તેની આંખમાં ભીનાશ પણ લઈ આવ્યો.. હજી દસ મિનિટ પહેલા તો તેના પપ્પા તેને અહીં બેસાડીને તેની મમ્મીને લેવા ગયા હતાં. તેમણે કહ્યું હતું કે તેને સરપ્રાઈઝમાં મમ્મી પાછી લાવી આપશે. શાંત પાણીને જોઈ રહેલા એ બાળકના મનમાં એની મમ્મીની છબી વારંવાર ધુમ્મસની જેમ આવીને ચાલી જતી હતી. તે ખબર નહીં કેમ પણ મમ્મીના પાછા આવવાની વાતથી ખુશ થવાને બદલે દુઃખી હતો. હજી નવો કોઈ સવાલ તેના નાનકડા મનમાં આકાર લે એ પહેલાં તો તેના પપ્પાએ પાછળથી બૂમ પાડી, “જો બેટા, તારી મમ્મી આવી ગઈ છે.”
બાળકે આશ્ચ્રર્યચકિત થઈને પાછળ ફરીને જોયુ તો પપ્પા સાથે એક સરસ મજાની મમ્મી ઉભી હતી, પણ…એ મમ્મી તો નહોતી જ.. “મારી મમ્મી આવી તો નહોતી. મમ્મી આટલી બધી બદલાઈ જાય?” તેની આંખમાં પાણી ઉમટી આવ્યા. તેણે પપ્પા સામે જોયું તો તેમના ચહેરા પર હાસ્ય ફરકતું હતું. બાળક દોડતો’ક ને ફરી પાછો પેલા બાંકડે જઈ બેસી ગયો. શાંત પાણી તેને વધારે શાંત લાગવા માંડ્યુ. પેલી યુવતીએ હળવેથી તેની પાસે આવીને તેના ગાલ પર પપ્પી ભરી બિલકુલ એવી રીતે જે રીતે તેની મમ્મી ભરતી હતી. બાળકના ચહેરા પર સ્મિત ઉભરી આવ્યું. મમ્મી બોલતો તે યુવતીને ભેટી પડ્યો. પાછળ યુવક આંખના એક ખૂણે ભીનાશ સાથે મંદમંદ હસતો રહ્યો.

– ધવલ સોની

૩૨. અધૂરપ – પિયુષ પંડ્યા

કશ્યપ રીસોર્ટ્ના બાંકડા પર બેઠો હતો. લાલ ટી-શર્ટ પહેર્યુ હતુ. સતત વહેતું પાણી, જેમ આજે એક ચોખંડામા રૂંધાતુ હતુ, તેમ તેની જિંદગી પણ બંધિયાર હતી. સુખની છોળો વચ્ચે પણ બાળસહજ આનંદનો અભાવ જણાતો હતો. ”કશ્યપ, જો બેટા, આજે મારે આવવામાં મોડું થશે. વેઇટરને તારી જરૂરિયાતની બધી વસ્તુઓનુ લીસ્ટ આપી દીધુ છે. ઓ.કે બેટા, બાય, એન્જોય ધ નાઇસ રીસોર્ટ.” પપ્પાએ ઉતાવળમાં તેની સામેથી પસાર થઇને કહ્યું.
”પણ, પપ્પા, મારે અહીં..” હજુ તે પોતાની વાત પૂરી કરે તે પહેલા તેના પપ્પાનો પાર્ટી શૂઝ્નો અવાજ રીસોર્ટની બહાર પહોંચી ગયો.
પોતાની વાતની અવગણનાનો નિ:સાસો નાખીને ઉપર આકાશ તરફ મોં કરીને તે બોલ્યો, “મમ્મી, તું કેમ મને મૂકીને જતી રહી? પપ્પા પણ મૂકીને જતા રહે છે. મારે રમવું છે, કૂદવું છે, આ આરસપહાણમાં નથી રમવું, મારે માટીમાં પગલાં પાડવા છે. મારે મિત્રો સાથે ખેતર ખૂંદવા છે.”
ત્યાં જ વેઇટરે આવી તેને ઉંચકી લીધો અને કહ્યું, “ચલો, બોય તમારા નાસ્તાનો ટાઇમ થઇ ગયો છે. અને પછી વિડીયો ગેમ્સ રમવાની છે, તમારા પપ્પાએ કીધું છે. ચાલો, આપણે અંદર જઇએ.”
કશ્યપને લાગ્યું તે ફરી પાછો ધરતી પર ઉતરી ગયો છે. તે ત્રણ વર્ષનો હતો ત્યારે તેની માએ દુનિયા છોડી.
જતાં જતાં તેણે વેઇટરને પૂછ્યું “અંકલ, આ સ્વિમિંગ પૂલના પાણીને અહીંથી નદીમાં જવા દેવું હોય તો શું કરાય?”

– પિયુષ પંડ્યા

૩૩. મોજની શોધ – ગોપાલ ખેતાણી

“ઘણો સમય થઇ ગયો સોનુ સાથે મેં સમય જ પસાર નથી કર્યો અને આમ પણ અનુ કેટલાય સમયથી કહે છે કે કશેક ફરવા લઇ જાવ.ચાલ, ને આ વખતે તો ધ વિલેજ રિસોર્ટ પર જ લઇ જઉં. આરામનો આરામ અને ફરવાનુંયે થઇ જશે.” સોહમે મનોમન વિચાર્યું.
ત્રણેય રિસોર્ટ પર પહોંચ્યા. બ્રેકફાસ્ટ પતાવ્યો. “મોજ આવી, સોનુ?” સોહમનો ફેવરીટ પ્રશ્ન. સોનુએ ખુશ થઇ હકારમાં માથુ ધુણાવ્યુ. લોપોપ સોનુના મોં’મા હોવાથી અવાજના નિકળ્યો અને એ જોઇ સોહમ-અનુ હસી પડ્યા.
સોહમ-અનુ વાતોમાં ગુંથાયા અને સોનુ રિસોર્ટમાં ચક્કર લગાવવા નીકળી પડ્યો. કલાક વિતી હશે કે સોહમ સોનુને શોધવા નિકળ્યો.
સ્વિમીંગ પુલ પાસેની બેંચ પર સોનુને બેઠેલો જોયો. સોહમ હળવેથી સોનુ પાછળ ઉભો રહી ગયો. ૧૦-૧૫ મિનિટ સુધી આમ જ ઉભા રહી સોહમ કંટાળ્યો. તેણે સોનુને પુછ્યું “શું જોવે છે સોનુ?”
સોનુ એ કહ્યું “પાપા, રાહ જોઉ છું કે માછલી દેખાય જાય, દેડકો દેખાય… હેં પાપા! પાણીમાં કાચબાયે હોય ને!? અને વિની મે’મ તો કહેતાં હતાં કે પાણીમાં સ્ટાર ફિશ પણ હોય!”
“બેટા, આ સ્વિમીંગ પુલના પાણીમાં ના હોય એ બધુ?”
“તો ક્યાં હોય? અહીં મોજ નથી આવતી પાપા.”
બે ઘડી ઉદાસ સોનુ સામે જોયું અને સોહમે ત્વરીત નિર્ણય લીધો “હનુમાનધારા” જવાનો. “ચાલો સોનુ, ચાલો અનુ”
“ક્યાં? હજુ તો આપણે આવ્યા.”
“મોજની શોધમાં..હા હા હા”

~ ગોપાલ ખેતાણી

૩૪. ઉપાય – સંજય ગુંદલાવકર

રોજ ધમાચકડી મચાવી આખો બંગલો ગજાવતી આલિયા, સ્કુલેથી એકદમ શાંતપણે ઘરે આવી. પાટીલને નવાઈ લાગી. “એ આલુ, કાઈ ઝાલં?” કેમ ગપ્પ છે?”
લગ્નના દશ વર્ષ બાદ શેર માટીની ખોટ પુરી થઈ હતી. પણ.. છોકરી. મન મનાવવા એને છોકરાનો પહેરવેશ પહેરાવતા. આલિયાના વાળ પણ બોયકટ જ કપાવતા. ગામનો પાટીલ, એટલે સ્કુલમાં પણ એનો જ વટ.
“મારી આલુને શું થયું?” શીલાએ સ્કુલના કપડા બદલાવી લાલ કલરવાળું ટીશર્ટ ને જીન્સ પેંટ પહેરાવ્યા.
“મારે રિસોર્ટ જવું છે.” આલિયા બોલી ને નોકરો સહિત બધાયના જીવમાં જીવ આવ્યો.
“અરે તો ચલા લવકર..” પાટીલ ને શીલા તૈયાર થયા. આમેય સરકારી ફરમાન હોવાથી નાછૂટકે પાટીલનો રિસોર્ટ આમજનતા માટે બંધ જ હતો. પાણીના ટેન્કર મંગાવવાનુંય માથે પડ્યું હતું.
“દાદા.. દાદી તમે પણ ચાલો.” ને આખો રસાલો ‘આલિયા રિસોર્ટ’ પહોંચ્યો.
આલિયા સ્વિમિંગ-પૂલ પાસેની સફેદ બેઠક પર બેઠી. સ્કુલમાં બતાવેલ દુકાળ, ખેડુત, આત્મહત્યા, પાણીનો વાપર, સ્વિમિંગ-પૂલ વગેરે ચિત્ર-પટ્ટી એના મગજમાં ઘૂમી રહી હતી.
એવામાં પાટીલ પાસે આવ્યા. “પપ્પા, પ્રોમિસ કરો કે તમે મારી વાત માનશો.” પાટીલે હા પાડી. કાન આગળ ધર્યો. ને પાટીલ ચોંકી ગયો.
નોકરોને કહીને ગામ આખું ડોલ દેગડા લઈ રિસોર્ટની પાછલી દીવાલ પાસે એકઠું કરાવ્યું. પંપ ચાલુ થયો.પૂલમાંથી પાણી બહાર વહેવા લાગ્યું. પાણી દેખાતાંજ ગામ આખુ નાચવા લાગ્યું.
આલિયા સહર્ષ ખાલી થઈ રહેલા સ્વિમિંગ-પૂલમાંના પાણીને જોઈ રહી.

~ સંજય ગુંદલાવકર

૩૫. સ્વપ્ન – શૈલેષ પરમાર

સુજલ એકા -એક જાગી ગયો,
આખું શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું.
મિત્રા પણ જાગી ગયી,
“શું થયું સુજલ ?ફરી..એ જ..”
“હા મિત્રા, એ જ રિસોર્ટ,એ જ બાંકડો ને એજ બાળક!કોણ છે એ ?મને આ સપનું પાગલ કરી મૂકશે.”
“એવું કંઇજ નઈ થાય,એ તો ફક્ત સપનું છે નકામી તમે ચિંતા કરો છો.દવા લો ને સુઇ જાવ.
સુજલ ઊંઘની ટબ્લેટ લીધી ને થોડી વારમાં ઊંઘી ગયો
***
મિત્રા બેડરૂમની બહાર આવીને કૉલ જોડ્યો,
“હેલો,જય.”
“હા બોલ.”જય હજું ઊંઘમાં જ હતો.
“સુજલ ને પાછું સપનું આવ્યું તું.”મિત્રાના અવાજમાં ડર હતો.
“તો!”
“તો શું !ક્યાંક એ આપડો મારા લગ્ન પહેલાનું બાળક.. યશ તો નહીં..!” મિત્રા થોથવાઈ.
“વૉટ નોન્સેન્સ! એને મે મારા હાથે સ્વિમિંગ પુલમાં..!” જય બરાડી ઉઠ્યો.

– શૈલેષ પરમાર

૩૬. પથારીમાં દરિયો – સંજય થોરાત

‘આજે ફરી તે પથારીમાં…’ મમતા બરાડી.
‘મમ્મી, શું કરું?’ વિશાલ ડોક નીચી રાખી ઉભો હતો.
‘રાત્રે ઓછું પાણી પીતો હોય તો? અને કેટલીવાર કહ્યું કે બાથરૂમ જઈને પછી સુવાનું… પણ, મારું માને કોણ?’
‘અરે જવાદે, કેટલું વઢીશ?’ પપ્પાએ બાજુ લીધી.
‘હા, તમારે શું? ગોદડાં મારે ધોવા પડે છે.’
‘મોટો થશે એટલે આપોઆપ…’
એટલામાં એની બહેન વૈશાલી આવી.
‘શું ભઈલુ? આજે પણ?’
‘દીદી પ્લીઝ…’
‘મારો ભઈલુ નાનો છે,
પથારીમાં દરિયો કરે છે
મમ્મી ગોદડાં સુકવે છે…’
‘બંધ કર વૈશાલી, આ વિષયમાં મશ્કરી સારી નહી. તું તો મોટી છે, કંઈક સમજ.’ પપ્પા સમજાવતાં હતાં.
…અને વિશાલ એપાર્ટમેન્ટના વચ્ચે આવેલા સ્વિમિંગ પૂલના બાંકડે બેસી તરતાં મિત્રોને જોઈ રહ્યો.
‘શું વિશાલ, આજે ફરી પથારીમાં દરિયો?’
આ મમ્મી પણ શું કામ સ્વિમિંગ પૂલ સાઈડની ગેલેરીમાં ગોદડાં સુકવતી હશે?
‘અરે ચિંતા શું કામ કરે છે? અમે તો સ્વિમિંગ પૂલમાંજ…’
અને ત્રણેય મિત્રો ખડખડાટ હસી પડ્યા.
‘વિશાલ ક્યાં છે?’ વડોદરાથી આવેલા માસીએ પ્રશ્ન કર્યો.
‘એ જુઓ નીચે, દેખાય છે?’
‘કેમ ત્યાં?’
‘એણે પથારીમાં દરિયો…’
અને માસી સડસડાટ નીચે એની પાસે પહોંચી ગયા.
‘વિશાલ તરવા નથી પડ્યો?’
‘ઓહ! માસી તમે? ના જરા મુડ નથી.’
‘તારા મુડની દવા છે મારી પાસે. તારા માટે આયુર્વેદિક દવા સાથે કાળીદ્રાક્ષ અને મંત્ર લાવી છું. જો તારો દરિયો ગાયબ ન થાય તો કહેજે.’
…અને દવા, દ્રાક્ષ અને માસીના આત્મવિશ્વાસ ભર્યા શબ્દોથી બીજાજ દિવસથી વિશાલનો પથારીનો દરિયો સુકાઈ ગયો.

– સંજય થોરાત

૩૭. મિંજ – કુંજલ પ્રદીપ છાયા 

જમીન પર રીખીને દરવાજે મૂકેલ ચંપલોથી રમ્યા કરતો કે એકલો બેસીને પસ્તી ફાડ્યા કરતો અઢી વર્ષનો અમય. પેડિયાસ્ટ્રિક દ્વારા ‘ઓટીસ્ક્ટિક ચાઈલ્ડ’ હોવાનું નિદાન થયું.
“આ મારો જ દિકરો છે?”
પોતાની કૂખનું અંશ આમ એકલપંથે રિબાય એ કઈ માને સાલે? ગમેતે ભોગે અમયની સુખાકારી ઈચ્છી. એક સમયે પુત્રવધુ હોવું કે મા, બે એમાંથી એક અસ્તિત્વની પસંદગી કરવાનો વારો આવ્યો અને તે અમયને લઈને પિયર આવી.
ધનાઢ્ય પરિવારની કોડીલી અને ધમાલમસ્તી કરતી માયા સ્ટેટલેવલની સ્વિમિંગ ચેમ્પિયન હતી. “પગ વાળીને બેસે એ બીજાં!” એ તેની ટેક. તેની માટે એનાં પિતાએ ઘરમાં જ સ્વિમિંગપુલ બનાવી આપ્યો હતો. જે એનો અલાયદો ઈલાકો રહેતો.
“અમયની સારવાર માટે અખૂટ ધીરજ અને ધગશ જોઈશે.” એવું દરેક તબીબનું કહેવું હતું. ચંચળ અને ચપળ માયાએ દિકરા હેતુ જોતજોતાંમાં ભેખ લઈ લીધો.
અમય સાતેક વર્ષનો થયો. સ્વિમિંગપુલની સામે હંમેશની જેમ બેસીને મા-દિકરો વાતો કરતાં હતાં. “જો તો, તે કયા રંગનું ટીશર્ટ પહેર્યું છે?” “લા….લ….” માંડ એકાદ મિનિટે જવાબ આવ્યો. માયા ખુશ થઈ પણ અમય સ્થિર જ હતો. એવામાં અમયે શબ્દ ઉચ્ચાર્યો. “પાણી..” “પીવું છે? હમણાં લાઉં, તું બેસ, હો..” તે ઊભી થઈ. પાછળ જતે જોયું તો અમય અને સ્વિમિંગ્પુલનું પાણી એકસાથે દેખાયા. ‘પાણી’ પહેલીવાર અહિં આવીને બોલ્યો અમય અને વર્ષોનો સ્ત્રીઆર્થ લેખે લાગ્યો, એવું માયાએ અનુભવ્યું.

– કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’

૩૮. મમતાના રંગ – મીરા જોશી

એક બાળકના પિતા એવા બીજવર આયુષ સાથે લગ્ન કરીને આવેલી નિશી પોતાના લગ્નનો આલ્બમ જોઈ રહી હતી. બધાના આનંદિત ચહેરાઓ વચ્ચે તેને એક ઉદાસ ભાવવિહીન ચહેરો દેખાયો.. આયુષના દસ વર્ષના દીકરા આરવનો..
નિશીને આયુષ સાથે થયેલી વાત યાદ આવી, ‘નિશી, આરવ આપણા લગ્નથી ખુશ નથી. પણ, મને વિશ્વાસ છે કે તું એની ઉદાસીને છેદીને એની અંદર પ્રેમનો સંચાર કરી શકીશ..’
લગ્નને એક અઠવાડિયુ થયું હોવા છતાં તેની અને આરવ વચ્ચે કોઈ સ્નેહનો સેતુ સંધાયો નહોતો. ને નિશીએ એ જ ક્ષણે પોતાના નવજીવનની બધી જ મહેચ્છાઓનો આરવની ખુશાલી માટે ત્યાગ કર્યો. આરવને આખા બંગલામાં શોધતી નિશી સ્વિમિંગ પૂલ પાસે આવી. ગોળ-મટોળ ચહેરો, ગોરો વાન, ને ક્ષિતિજને નિહાળતો શૂન્યમયસ્ક આરવ સ્વીમીંગ પૂલની એક બેંચ પર બેઠો હતો. નિશી તેની બાજુમાં જઈને બેઠી, “આરવ, અહીં શું જોવે છે..?”
“પાણીમાં આકાશનું પ્રતિબિંબ જોવ છું.” રુક્ષ અવાજે આરવે કહ્યું.
“અરે વાહ, હવે હું પણ તારી સાથે આકાશનું પ્રતિબિંબ જોઇશ.”
આરવે નિશી સામે નિર્દોષ આંખે જોયું ને કહ્યું, “મારા મમ્મી પણ મારી સાથે બેસીને આકાશને નિહાળતા..”
“બેટા, હું તારી મમ્મી જ છું ને..”
“સાચ્ચે.. તમે મારા નવા મમ્મી છો..?”
“નવા મમ્મી નહિ, ખાલી મમ્મી…” કહેતા નિશીએ આરવના કપાળ પર પ્રેમભર્યું ચુંબન કર્યું.. ને આરવના ચહેરા પર મમતાના રંગોથી રંગાયેલી રેખાઓ ખીલી ઉઠી..!

– મીરા જોશી


Leave a Reply to Sarla Sutaria Cancel reply

12 thoughts on “ચિત્ર પરથી માઈક્રોફિક્શન વાર્તા ૨ (૩૮ વાર્તાઓ)