ગાંધી, નેહરૂ અને સરદાર – પી. કે. દાવડા 5


૧૯૪૦ સુધી આઝાદીની લડતના ત્રણ મુખ્ય નાયક હતા ગાંધી, નેહરૂ અને સુભાષ. ૧૯૩૯માં સુભાષબાબુને કોંગ્રેસ સાથે મતભેદ થતાં તેમને કોંગ્રેસ પ્રમુખપદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા, અને ૧૯૪૧ માં તો એ છૂપી રીતે દેશ છોડીને ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ ટોચના ત્રણ નેતાઓમાં ગાંધી, નેહરૂ અને સરદારના નામ હતા.

સરદાર ગાંધીજી કરતાં છ વરસ નાના હતા પણ નેહરૂ કરતાં ચૌદ વરસ મોટા હતા. ત્રણે બેરીસ્ટર હતા.

સ્વભાવે નહેરૂ સ્વપનશીલ અને આદર્શવાદી હતા, જ્યારે સરદાર પરિસ્થિતિનો તાગકાઢવામાં પાવરધા અને વાસ્તવવાદી હતા. ગાંધીજી બન્નેના સ્વભાવથી સારી રીતે વાકેફ હતા, અને એમને બન્નેની મદદની જરૂર હતી.

થોડા વરસના ગાંધીજી સાથેના સંપર્ક બાદ, સરદારને ગાંધીજી પ્રત્યે એટલું માન હતું, કે એમનો પોતાનો અંગત મત ગમે એટલો અલગ હોય, પણ ગાંધીજીના નિર્ણયનું પાલન કરતા.

રાજમોહન ગાંધીના વિચાર પ્રમાણે કહું તો ગાંધીજી અને સરદારનો સંબંધ મોટાભાઈ અને નાનાભાઈ જેવો હતો, જેમાં નાનોભાઈ મોટાભાઈની આજ્ઞાનું પાલન કરતો; જ્યારે ગાંધીજી અને નેહરૂનો સંબંધ પિતા-પુત્ર જેવો હતો, જેમાં પુત્ર કોઈવાર રીસાઈ જઈને કે કોઈવાર જીદ કરીને પોતાની વાત પિતા પાસેથી મંજૂર કરાવી લેતો.

અનેક પુસ્તકો અને દસ્તાવેજોમાં એ બાબતની ચર્ચા છે કે નેહરૂને આગળ કરવામાં ગાંધીજીએ અનેકવાર સરદારને અન્યાય કર્યો છે. ગાંધીજીની હૈયાતિમાં સરદારે મૂગે મોઢે એ અન્યાય સહન કરી લીધો હતો. ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ ના ગાંધીજીના અવસાનબાદ સરદાર પોતાની વાતને મક્કમપણે વળગી રહેતા, અને એમાં એમને જીત મળતી. આને લીધે ગાંધીજીના અવસાનબાદ, અને માઉન્ટબેટનના ચાલ્યા ગયા બાદ, સરદાર અને નેહરૂ વચ્ચેના સંબંધ તણાવવાળા હતા. બન્ને જણ દેશના ભલા માટે જ કામ કરતા હતા, પણ બન્નેની કાર્યશૈલી અલગ હતી. અહીં હું માત્ર ત્રણ પ્રસંગો જ ટાંકીને મારી વાત સમજાવવાની કોશીશ કરીશ.

અંગ્રેજોએ દેશને આઝાદી આપવાની જાહેરાત કરી દીધી, જો કે હજી તારીખ જાહેર નહોતી કરી, પણ કોંગ્રેસ તૈયારીમાં લાગી ગઈ. નક્કી એવું થયું હતું કે આઝાદી સમયે જે કોંગ્રેસ પ્રમુખ હોય, એ દેશના પ્રથમ વડાપ્રધાન બને. કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે ઉમેદવારનું નામ સૂચવવાની છેલ્લી તારીખ ૨૯ એપ્રિલ ૧૯૪૬ હતી. મતાધિકાર ફક્ત રાજ્યોની ૧૫ કોંગ્રેસ સમિતીઓને હતો. ૧૫ માંથી ૧૨ સમીતિઓએ સરદાર પટેલનું નામ સૂચવ્યું, બાકીની ત્રણ સમીતિઓએ કોઈનું પણ નામ ન સૂચવ્યું. નેહરૂનું નામ એકપણ સમીતિએ ન સૂચવ્યું.

નેહરૂએ ગાંધીજીને જણાવી દીધું કે હું કોઈના હાથ નીચે સરકારમાં કામ નહીં કરૂં. ગાંધીજી જાણતા હતા કે આને લઈને કોંગ્રેસમાં નહેરૂ કદાચ ફૂટ પણ પાડે. બીજી બાજુ, જો ગાંધીજી કહે તો સરદાર કોઈપણ હોદ્દા ઉપર રહી દેશની સેવા કરવાનું ચાલુ રાખે. ગાંધીજીએ આચાર્ય કૃપલાણી મારફત કોંગ્રેસ વર્કીંગ સમીતિને સંદેશો મોકલ્યો કે થોડા લોકો નેહરૂનું નામ આગળ કરે. પોતે સરદારને બોલાવીને પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવા સમજાવ્યા, અને સરદાર ગાંધીજીનું માન જાળવવા માની ગયા. આમ નેહરૂ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા. ત્યારે ડો. રાજેન્દ્ર પ્રસાદે લખેલું, “ગાંધીજીએ ફરી એક વાર નેહરૂ માટે પોતાના વિશ્વાસુ સાથીનો ભોગ આપ્યો છે.”

માઉન્ટબેટનના ચાલ્યા ગયા પછી, રાજાજીને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા હતા. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ થી ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બનવાનું હતું, અને એના પોતાના બંધારણ અનુસાર રાષ્ટ્રના વડા રાષ્ટ્રપતિ બનવાના હતા. નેહરૂની ઇચ્છા હતી કે રાજાજી જ રાષ્ટ્રપતિ બને, પણ નૈતિકતાનો તકાજો ડો. રાજેન્દ્ર પ્રસાદના પક્ષમાં હતો. નેહરૂએ ખૂબ કોશીશ કરેલી, પણ કોંગ્રેસના નેતાઓએ વલ્લભભાઈની વાત માની રાજેન્દ્રબાબુને જ રાષ્ટ્રપતિ બનાવ્યા. ગાંધીજીના અવસાનબાદ વલ્લભભાઈ ઉપર કોઈનું દબાણ ચાલે એવી પરિસ્થિતિ ન હતી.

૧૯૫૦ માં કોંગ્રેસના પ્રમુખની ચુંટણી માટે નેહરૂએ પોતાના ઉમેદવાર તરીકે આચાર્ય કૃપલાણીનું નામ જાહેર કરેલું. સરદારે પોતાનો ટેકો પુરૂષોત્તમદાસ ટંડનને જાહેર કરેલો. ગુસ્સે થયેલા નહેરૂએ કહ્યું હતું કે જો ટંડન પ્રમુખ બનશે તો હું વર્કીંગ સમીતિમાંથી રાજીનામું આપી દઈશ. ચુંટણીમાં ટંડનને ૧૩૦૬ મત મળ્યા જ્યારે કૃપલાણીને ૧૦૯૨ મત મળ્યા. બીજે દિવસે સવારે રાજગોપાલાચારી કોઈ કામ અંગે સરદારને મળવા આવેલા, ત્યારે સરદાર મજાકમાં પુછ્યું, “જવાહરલાલનું રાજીનામું લઈને આવ્યા છો?”

ગુજરાતના એક નેતા સરદારને મળવા આવ્યા હતા, ત્યારે કાશ્મીરની વાત નીકળી. નેહરૂ કાશ્મીરનો પ્રશ્ન UNO માં લઈ ગયેલા. વલ્લભભાઈએ કહ્યું, “જવાહર ઉનો ઉનો કરે છે પણ થોડા દિવસમાં ટાઢો થઈ જશે.”

આમ અહં અને હુંસાતુસી માત્ર સામાન્ય માણસોમાં જ નહિં, પણ ઉચ્ચ સ્થાનોએ બીરાજતા લોકો વચ્ચે પણ હોય છે.

– પી. કે. દાવડા


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “ગાંધી, નેહરૂ અને સરદાર – પી. કે. દાવડા

  • Dhirajlal Vaidya

    જ્યાં વિચાર ભેદ હોય ત્યાં અહમના અસ્તિત્વ હેઠળ ટકરાવ તો રહેવાના જ. तूंडे तूंडॆ मक़्तिर्भिन्ना: I પણ તેમાં સ્વ-વિચાર પ્રત્યે પ્રમાણિકતા અને કામ પ્રત્યે નિષ્ઠા હોય તો સમજુતી સરળ થઈ જાય છે.

  • Bharat Mehta.

    ગાંધી પોતે જ ઈતિહાસની વિરટ ભુલ હતા.. ભારતના ભાગવતોએ લખેલ વ્યક્તિત્વનુ ઉદાહરણ એટલે ગાંધી જેઓ રાજકારણ–વ્યવસાય અને –શિક્ષણમા આતંકપ્રેરક, આતંકકેન્દ્રી….આતંકવાદી ધર્મો લાવ્યા. આ એમની ભુલ નહી ગુનો ગણાય જેનો ભોગ એ યુગના અનેકોનેક હિન્દુઓ બન્યા….મોટા મોટા સાહિત્યકારો, જ્યુરિસ્ટો બન્યા….કારણકે ભૂલનો પ્રકાર ઐતિહાસિક છે….આ ભુલને મીટાવવાની તાકત એક માત્ર ફિલોસોફી…..ભારતીય ફિલોસોફી રાખે છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે ફિલોસોફી ક્યાં છે ? કોની પાસે છે ?

    ગમે તેવા આવડે એવા પ્રયાસો હુ મારા તરફથી કરી રહ્યો છુ.

  • KAMLESH J KAMDAR

    નેહરુ એ લડિ મોઉન્ટ બેટન ના ચડાવ્યા પ્રમાણે મહાત્મા ગાન્ધીજિ ને ગર્ભિત ઇશારો કરિ દિધો હતો કે એને વડા પ્રધાન નહિ બનાવો તો બિજિ પાર્ટિ બનવશે ને ભન્ગાણ પાડશે. જો તેમ થાય તો આઝાદેી લમ્બાય ને અન્ગ્રેજો ને ભાવતુતુ ને વૈદે કિધુ જેવુ થાય્.તેથેી દેશ નિ આઝાદિ નિ ઝન્ખના કર્તા મ. ગાન્ધેીજેી એ મજ્બુરિ થિ નેહરુ ન પક્શ મા નિર્ણય લિધો હતો.

  • જયેન્દ્ર પંડ્યા

    ગાંધીજીએ નેહરુને આગળ કરવામાં મોટી ભૂલ કરી અને નેહરુએ કાશ્મીર ના મુદ્દે મહાન ભૂલ કરી તે આપણે આજે પણ ભોગવીએ છીએ.

    શ્રી પી એન ચોપરા, ઇતિહાસકારે સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવન ઉપર પુસ્તકો લખેલ છે તેમાંથી ઘણા બધા ઉદાહરણો છે જેમાં સરદારની દુર દ્રષ્ટિ, તેની આક્રમક અને વ્યહવાર કુશળતા નાં અપાર પ્રસંગો ને આવરી લીધા છે. તદુપરાંત સરદાર ને થયેલ અન્યાય નાં પણ ઉદાહરણો છે. સરદાર ને જો ન્યાય મળ્યો હોત તો આજે દેશની પરિસ્થિતિ જુદીજ હોત. સરદાર નો આઝાદી અને આઝાદી પછી પણ જે રાષ્ટ્રના હિત માટે જે યોગદાન છે (ભારતના વિભિન્ન રાજ્યોને એક નેજા હેઠળ લાવવું, IAS કેન્દ્ર માં રાખી તેને સ્થપિત કરવું, આપણા દેશની સીમાઓ ની રક્ષા વિગેરે ઘણાજ એવા કાર્યો) એ અવિસ્મરણીય તો છેજ પણ આજની અને આવનારી દર્રેક પેઢી માટે એક આદર્શ દાખલા રૂપી છે.

    આપને આશા રાખીએ કે હાલના પ્રધાન મંત્રી અને તેના મંત્રી મંડળ પણ સરદારના આદર્શો પર ચાલી દેશનો વહીવટ કરશે…..