વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૪૬} અંતિમ પ્રકરણ 20


એક ઘડી માટે તો માધવીને લાગ્યું કે એ પથ્થર થઇ ગઈ છે. શમ્મી ને રાજેશની વાત સાંભળ્યા પછી કાન પર વિશ્વાસ નહોતો થઇ રહ્યો. રાજા અને મધુરિમાનું લગ્નજીવન એક સમાધાન હશે એ તો સમજી શકાય પણ આટલી હદે? રાજે સફળતા પામવા પોતાની જિંદગીની તમામેતમામ ખુશી હોમી દીધી હશે?

સ્ટ્રોક માટે જવાબદાર મધુરિમા નહી બલકે રિયા હતી એમ પેલો શમ્મી કેમ બોલ્યો? તો એ વાત શું હતી?

એવું તો શું બન્યું હશે કે રાજાને સ્ટ્રોક આવવાનું કારણ રિયા બની હોય?

ઈચ્છા તો હતી આઈસીયુમાં જઈને એકવાર બેડ પર બેહોશ પડેલાં રાજને જઈને જોઈ લેવાની. પણ એ માટે જરૂરી હતો વિઝીટર્સ પાસ, જે માટે શમ્મી કે રાજેશ સાથે સીધો સંવાદ કરવો જરૂરી હતો. ધારો કે એ લોકો પોતે કોણ છે ને શા માટે પાસ માંગે છે એ પૂછે તો કહેવું શું?

માધવીને નિસહાય હોવાની ભાવના ઘેરી વળી. આવી કશ્મકશ ક્યારેય નહોતી અનુભવી. કદાચ માસી સાથે ન હતા એટલે? કે પછી મનમાંથી ઉઠી રહેલો અવાજ ડરાવી રહ્યો હતો, એવું તો ન થાય ને કે રાજ કદાચ… છેલ્લીવાર એ રાજને જોઈ ન શકે? મન ડરામણી દલીલો લઈને મેદાનમાં ઉતર્યું હતું.

આ બધા સંજોગોમાં વધુવાર ઉભા રહેવું એટલે હોસ્પીટલના સ્ટાફ સાથે નાહકની જીભાજોડીમાં ઉતરવું. એક પણ ક્ષણ વધુ વિચાર્યા વિના માધવીએ ઝડપભેર આઈસીયુના ફ્લોર પરથી નીચે જતી લિફ્ટ માટે થોભવાની પરવા કર્યા વિના સીડીઓથી નીચે ઉતરવા માંડ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે માથું ચકરાઈ રહ્યું છે.

બે ચાર મિનિટમાં તો એ નીચે ઉતરી આવી. ભરબપોરનો સમય હતો છતાં લાગ્યું કે અંધારું છવાઈ રહ્યું છે. હોસ્પિટલની લોબી વિઝીટર્સથી ઉભરાઈ રહી હોવા છતાં બહારનો કોઈ કોલાહલ નહોતો સ્પર્શતો, જાણે સાઈલન્ટ ફિલ્મ ચાલી રહી હોય. ગેલેરી પર જવાને બદલે માધવીએ ટેક્સી લીધી. ઘરે આવતાં સુધીમાં મનમાં ચાલતો કોલાહલ એટલો બધો ધારદાર થઇ ગયો કે કાનમાં ધાક પડી ગઈ હતી. આ બધું શું થઇ રહ્યું હતું?

રિયા જાણતી હશે કે આ સેતુમાધવન જ રાજ છે, એમનો પિતા? રિયા ને માસીએ મળીને કોઈક પ્લાન કર્યો હતો? માસી આ રાઝ રિયાને કહે એ શક્યતા નહીવત હતી, રિયાની પ્રકૃત્તિથી અવગત માસી એવું જોખમ તો કોઈ કાળે ન વહોરી લે. તો પછી રિયા કઈ રીતે જવાબદાર એ વાતનો તાળો મળતો નહોતો.

ઘરે આવતાંવેંત માધવીએ આવીને સીધી દોટ બાથરૂમ તરફ મૂકી. પેટમાં કશુંક ચૂંથાઈ રહ્યું હતું. એ મુંઝારો પેટ, ગળું ને છાતીથી લઇ આખા શરીરને જકડી રહ્યો હતો.

બાથરૂમમાં જઈ એણે ચહેરા પર ઠંડા પાણીની છાલક મારી. સામે રહેલા મિરરમાં નેપકીનથી ચહેરો લૂછી રહેલી માધવી જાણે પચીસ વર્ષ પહેલાની હોય એમ લાગ્યું.

‘તું એ જ તો ઈચ્છતી હતી ને? રાજને એના કર્યાની સજા મળે? તો હવે ખુશ થા… ત્યારે નહીં ને અત્યારે, પચીસ વર્ષ પછી પણ સજા તો મળી! એ પછી એને કુદરતે આપી હોય કે એના લોહીએ… ફરક શું પડે?

બેઝીનના ટેબલટોપ પર પડેલી સોપબોટલ ઉપાડી આયના પર ઘા કરવાનું મન થઇ આવ્યું માધવીને.

માત્ર ને માત્ર સફળ થવાના નશામાં પ્રેમને, પ્રેમિકાને, ગર્ભમાં રહેલા પોતાના અંશને એક ક્ષણમાં ત્યજી શકનાર માણસ કેટલો સ્વાર્થી ને નીચ હોય શકે ને આ તમામ વાસ્તવિકતા જાણ્યાં પછી એ માણસને પોતે ક્યારેય વિસરાવી ન શકી. રાજને ધિક્કારવાની તમામ કોશિશો નાકામિયાબ રહી છે એ વાત દિલમાં ઊંડે ઊંડે કોઈ ખજાનાની જેમ જાળવીને ધરબી રાખી હતી અત્યાર સુધી. ક્યાંક દીકરીઓ પિતાની વાત ન છેડે, મળવાની ઈચ્છા ન કરે એ માટે શક્ય એટલા પ્રયત્નોથી એક દીવાલ બનાવી રાખી હતી. પોતે સમજતી હતી કે એમાં એ કામિયાબ થઇ છે પણ વાસ્તવિકતા કેટલી જુદી હતી!

જિંદગીભર ન ભરાય એવો જખમ આપનાર રાજને ન તો પોતે દિલથી ધિક્કારી શકી હતી, તો દિલથી માફ પણ ક્યાં કરી શકી હતી? જેને કારણે ઉદભવતી કશ્મકશની અસર રોમા પર તો ખાસ નહોતી પડી પણ રિયાના મન પર ઊંડી છાપ છોડી ગઈ હતી.

માધવી બહાર આવીને બેડ પર ફસડાઈ પડી. અચાનક માસીની ગેરહાજરી તાજી થઇ આવી. હજી તો આશ્રમ પહોંચ્યા પણ નહીં હોય ત્યાં તો એમની ખોટ સાલવા લાગી હતી.

માસી તો મોબાઈલ રાખતા નહીં પણ કિશોરના મોબાઈલ પર તો સંપર્ક કરી શકાયને !! એ વિચાર સાથે જ માધવીના મનને ટાઢક વળી. કિશોરનો ફોન ટ્રાય કરવા માંડ્યો પણ આઉટ ઓફ કવરેજ એરિયા આવતો હતો. શક્ય છે કે વચ્ચે વચ્ચે નેટવર્કના ધાંધિયા હોય શકે! માધવીએ વિચાર્યું.

આશ્રમની લેન્ડલાઈન પર રીંગ વાગતી રહી પણ કોઈએ ફોન રીસીવ ન કર્યો ત્યારે માધવીએ થાકીને મનને મનાવી લેવું પડ્યું, હવે એક જ રસ્તો બાકી હતો, રાત્રે ફોન કરી શકાય તો.. અને ત્યાં સુધીમાં તો રિયા પણ ઘરે આવી જશે, એની સાથે વાત કરવી પણ જરૂરી હતી.

સાંજ તો ઢળવા આવી હતી પણ થોડાં કલાકોનો એ ગાળો માધવીને એક યુગ જેવો લાંબો લાગ્યો. રાત્રે જયારે રિયા આવી ત્યારે માધવીએ પોતાની જાતને સજ્જ કરી લીધી હતી. રિયા સાથે વિગતે વાત કરવી પણ વિના કોઈ ઉશ્કેરાટ. હવે એ પણ યુવાન હતી અને એમાં પણ સફળતાના પીંછા લાગ્યા હતા એના નામ પાછળ.

રિયાએ ઘરમાં પગ મૂક્યો ત્યારે સાડા નવ થવા આવ્યા હતા.

‘મને તો હતું કે તું આજે વહેલી આવી જઈશ.. તેની બદલે તો..’ રિયા ફ્રેશ થઈને આવી એટલે માધવીએ બાજી માંડવાની શરૂઆત કરી.

‘કેમ? આજે શું છે કે તમે એવું ધારી લીધું?’ રિયાએ ટેબલ પર પડેલી ફ્રુટ બાસ્કેટમાંથી એક સફરજન હાથમાં લઇ બચકું ભર્યું.

‘કેમ, આજે તમારા સેતુમાધવન હોસ્પિટલાઈઝ્ડ થયા તે…’

‘ઓહો…’ રિયાની આંખમાં એક ચમકારો થયો. એ માધવીની લગોલગ આવીને બેસી ગઈ.

‘તમે તો ભારે ધ્યાન રાખો છો ને કંઈ! સેતુમાધવન હોસ્પિટલમાં છે એ પણ તમને ખબર પડી ગઈ? કહેવું પડે!’ રિયા બોલી હતી સ્વાભાવિકરીતે પણ માધવીને એમાં થોડો ઉપહાસ ભાળ્યો હોય એમ લાગ્યું.

‘વાત ધ્યાન રાખવાની નથી. આજે ઘરે હતી. આરામથી સમાચાર જોયા વાંચ્યા તો ખબર પડી.’ માધવીના અવાજમાં નારાજગી છતી થઈ.

‘અરે, તમે નારાજ શું થાવ છો મમ, એમ જ કહ્યું…’

‘પણ થયું શું? સ્ટ્રોક કેમ કરતાં આવ્યો?’ તમામ માહિતી હોવા છતાં માધવીએ પૂછી લીધું. રિયાના જવાબ પરથી અડસટ્ટો લગાવી શકાશે કે પેલા બે યુવકોની વાત સાચી હતી કે નહીં!

સફરજન ખાઈ રહેલી રિયા અચાનક જ ગંભીર થઇ ગઈ : ‘આર યુ સિરિયસ? તમે ખરેખર એની હાલત વિષે જાણવા માંગો છો?’

માધવીએ આ પ્રતિભાવની આશા રિયા પાસે નહોતી રાખી, એટલે ક્ષણવાર માટે થોથવાઈ ગઈ.

‘આખરે તું એમની સાથે કામ કરે છે, તો મને થયું કે…’

‘મમ, તમને કોને કહ્યું કે હું એમની ફિલ્મ કરું છું? મેં તો તમને નહોતું કહ્યું.. તો કોણે કહ્યું નાનીએ?’ રિયાએ તો પ્રશ્નના ઉત્તર આપવાને બદલે સામે જ પ્રશ્નો કરવા માંડ્યા.

‘હા, તને તો કહેવાની જરૂર ન લાગી ને! પણ નાનીને તો લાગી ને! એમની પાસેથી જ તો જાણ્યું, તારા માટે તો મારું કોઈ અસ્તિત્વ જ નથી ને રિયા?’

‘વાત એવી નથી મમ’ રિયા ટટ્ટાર બેસતાં બોલી : ‘મેં તમને કહેવું જરૂરી ન સમજ્યું કારણ કે મને પોતાને પણ ખબર નથી કે હું આ ફિલ્મ માટે, સેતુમાધવન માટે કેટલી સિરિયસ છું. એવા સંજોગોમાં તમને શું કહું?’

‘એટલે?’ હવે ચોંકવાનો વારો માધવીનો હતો. પેલા બે યુવાનો રિયાને જવાબદાર લેખી રહ્યા હતા એની કડી અહીં ખુલી રહી હોય તેમ લાગી રહ્યું હતું.

‘એટલે એ જ મમ કે મેં ફિલ્મ સાઈન કરી છે પણ….’

‘પણ શું રિયા?’ માધવીના મનની અધીરાઈ છતી થઇ રહી હતી.

‘મૂડ નથી બનતો, ને મમ તમને કદાચ ખબર નહીં હોય પણ આ આર સેતુમાધવનું નામ જે રીતે માર્કેટમાં છે એવું રહ્યું નથી. સાઈનિંગ અમાઉન્ટ પછી ન તો મને કંઇ મળ્યું છે.’

‘એટલે? કોઈ ફાઈનાન્શિયલ ક્રાઈસીસ? એટલે સ્ટ્રોક આવ્યો એમ?’ માધવીના સ્વરમાં એવી ચિંતા હતી જે સામાન્યરીતે કોઈ સ્વજન માટે થાય.

‘હા, એ તો ફાઈનાન્શિયલ હાલત તો ખરી જ પણ તમને ખબર છે એની વાઈફ એને છોડીને પોતાના ડોક્ટર સાથે પરણી ગઈ…’

‘ઓહ…’ માધવીના હોઠ પરથી એક નિસાસો સરી ગયો, ખરેખર તો બિચારો શબ્દ પણ આવ્યો હતો પણ રિયાની સામે ન બોલવો હોય એમ ગળી ગઈ હતી.

‘તમને દયા આવી ગઈ શું એની? બિચારો શાનો? એક નંબરનો…. છે.. તમને શું ખબર!’

માધવીએ બંને દીકરીઓને કેળવણી જ એવી આપી હતી કે અપશબ્દો ક્યારેય મોઢે આવતાં નહીં પણ રિયાના હોઠેથી સરેલો આ શબ્દ માત્ર અપશબ્દ નહીં ગંદી ગાળ હતો.

‘રિયા, માઈન્ડ યોર લેન્ગવેજ, શું બોલે છે તું!’ માધવી છેડાઈ પડી હતી.

રિયા કદાચ આ ઘડીની રાહ જોઈ રહી હતી કે માધવી પોતાને મોઢે રાઝનો પર્દાફાશ કરે, પણ એવું ન બન્યું ને માધવી ફરી ચૂપ થઇ ગઈ.

‘ના મમ, આવા લોકો માટે આવા જ શબ્દ વપરાય. બલકે એમની સાથે એવું જ વર્તન થાય. અને હું એ જ કરી રહી છું. જ્યાં સુધી મારો અકાઉન્ટ ક્લીયર ન થાય હું પણ એને અટકાવી રાખીશ…’

‘એટલે?’ માધવીની કુતુહલતા માઝા મૂકી રહી હતી.

‘સીધો હિસાબ છે મમ, મારે લીધે શૂટિંગ રખડ્યું છે માન્યું, પણ જ્યાં સુધી મારો હિસાબ ક્લીયર ન કરે એની ફિલ્મ ડબ્બામાં રહેવાની છે. કારણકે લગભગ પચાસ ટકા શૂટિંગ થઇ ગયું છે. ન તો એ મને કાઢી શકે છે ન ફિલ્મ પૂરી કરી શકે છે. ચેક મેટ…’ આટલું બોલતાં તો રિયાનો ચહેરો કોઈ પાશવી આનંદથી છલકાઈ રહ્યો હતો.

‘ઓહ તો આ કારણ છે એને સ્ટ્રોક આવવાનું?’ માધવીનો અવાજ પડી ગયો હતો.

‘એ માણસને સ્ટ્રોક આવવાનું એક નહીં હાજર કારણ હોય શકે.. તમને તો કદાચ ખબર પણ નહીં હોય ને કે કેટલો થર્ડક્લાસ માણસ છે એ, લીધી હશે બદદુઆ લોકોની તે ભરે, બીજું શું?’ રિયાએ નિસ્પૃહતાથી ખભા ઉછાળ્યા ને ત્રાંસી નજરે માધવીનો ચહેરો જોઈ લીધો.

માધવીએ વધુ બોલ્યા વિના ત્યાંથી ઉઠી જવું યોગ્ય સમજ્યું. રિયા ક્યાંય સુધી ચૂપચાપ બેઠી રહી, મમને સેતુમાધવનનું હોસ્પિટલાઇઝ્ડ થવું વ્યગ્ર કરી ગયું હતું અને એ એના ચહેરા પરથી સ્પષ્ટ થઇ રહ્યું હતું.

માધવીએ પોતાના રૂમમાં જઈ માસીને ફોન કરવાના પ્રયત્ન કરી રહી. કિશોરનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ હતો અને આશ્રમની લેન્ડલાઈન પરનો કોલ કોઈ રીસીવ નહોતું કરી રહ્યું.

વહેલી સવાર સુધી માધવીની આંખો મટકું ન મારી શકી. કશુંક અજુગતું બની ને રહેવાનું છે એવો અજંપો ઘર કરતો ચાલ્યો.

* * * *

માધવીની આંખો ખુલી ત્યારે દિવસ ચઢી ગયો હતો. એ બહાર આવી ત્યારે શકુ હાંફળીફાંફળી દોડી આવી. : ‘તબિયત તો ઠીક છે? કેટલીવાર જોઈ ગઈ પણ બારણું લોક હતું…’

‘બધું બરાબર છે, તું ચા રૂમમાં જ લાવ…’ માધવીએ ફરી પોતાના રૂમ તરફ ડગલાં માંડ્યા. રિયાના રૂમ પાસેથી પસાર થતાં અચાનક જ ફોન પર ચાલી રહેલી વાત કાને પડી.. ‘હું સમજી શકું છું શમ્મી જી… વેરી સોરી ફોર એવરીથિંગ…’
માધવી સમજી શકી કે સામે છેડે નક્કી સેતુમાધવનના યુનિટનું કોઈ હોવું રહ્યું .

‘એ તો કહેવાય કે પૈસાજ સર્વસ્વ નથી જીવનમાં, પણ શમ્મીજી, લેટ્સ બી ઓનેસ્ટ, એના વિના કોઈને ચાલ્યું છે? અરે! પૈસા માટે તો લોકો પોતાના બૈરીછોકરાને છોડી દે એવું ક્યાં નથી બનતું?’

આ વાક્ય માધવીને ચમકાવી ગયું. રિયા આવું કહીને શું પૂરવાર કરવા માંગતી હતી? માધવીએ રિયા ફોન મૂકે તેની રાહ જોવી મુનાસીબ માની.

‘હા, એ તો સાચું, કહેવાય છે ને જે થવાનું હોય છે તે થઈને જ રહે છે. જે હોય તે મને જાણ કરતાં રહેજો…’

‘મમ, મારા રૂમની બહાર ઉભા રહીને શું કરો છો?’ ફોન પત્યો એ સાથે જ રિયાએ પૂછ્યું.

‘રિયા, શુટિંગ પર નથી ગઈ? કોનો ફોન હતો? શું થયું? બધું બરાબર તો છે ને? વધુ તબિયત ખરાબ થઇ?’ માધવીએ એકસામટાં પ્રશ્નોનો મારો બોલાવી દીધો. ફોન પર થયેલી વાતચીતને કારણે કેવા અમંગળ વિચાર આવી ગયા હતા.: ક્યાંક રાજ..

‘મમ, ચિંતા કરવાની કોઈ વાત નથી. શમ્મીનો ફોન હતો એમ જ, કહેતો હતો સરની હાલતમાં ન તો સુધારો છે ન વધુ બગડી છે. લેટ્સ સી.’

‘ઓહ’ માધવીનો શ્વાસ હેઠો બેઠો હોય તેમ લાગ્યું : ‘ક્યાંક તું જાણીજોઈને તો આ બધું નથી કરતી ને! સેતુમાધવનની આ હાલત માટે તારું આ વર્તન તો જવાબદાર નથી ને?’ માધવીએ સીધો જ સવાલ પૂછી કાઢ્યો જેની લગીરે આશા નહોતી રાખી રિયાએ.

મા-દીકરી બંને ચૂપ થઈને એક બીજા સામે તાકી રહ્યા હતા. હવે આથી વિશેષ કોઈએ ન તો કોઈ પૂછવાની જરૂર હતી ન કહેવાની.

આખરે રિયાએ જ પહેલ કરવી પડી. એણે માધવીનો હાથ પકડીને પોતાના બેડ પર બેસાડી.

‘મમ, આજે તો તમારે ખુશ થવું જોઈએ… રાખ વળી ગઈ હોય એમ લાગે પણ અંગારની જેમ અહર્નિશ જલતાં રહેતા તમારા દિલને આજે થોડી તો ઠંડક વળી હશે ને! જે કામ તમે ન કરી શક્યા એ કરવામાં હું સફળ રહી… ખરું કે નહીં?’ માધવીની આંખોમાં આશ્ચર્ય બેવડાયું.

‘મિસ્ટર આર. સેતુમાધવન… ‘ રિયા ઉભી થઈને બારી પાસે જઈ ઉભી રહી. એની નજર દૂર ક્ષિતિજ પર હતી : ‘આ એ જ માણસ હતો ને મમ, જેને મારી માને પરણ્યા વિના વૈધવ્ય આપી દીધું! ને એની સજા વિના કોઈ વાંક ગુને જિંદગીભર મને મળતી રહી. એ જ છે ને અમારો બાયોલોજીકલ ફાધર?’

અવાચક થઇ ગયેલી માધવી હા કે ના પણ બોલી શકવાની સ્થિતિમાં નહોતી.

‘રસ્તા પર આવી ગયો સેતુમાધવન… એ જ રીતે જે રીતે એને તમને રઝળતાં મૂકી દીધા હતા.’ રિયાના ચહેરા પર એક વિજયી યોદ્ધા જેવું સ્મિત ફરક્યું.

‘તે આ બધું કર્યું રિયા?’ માધવીનો અવાજ તરડાઇ ગયો : ‘એને સજા આપવાનો અધિકાર તને કોણે આપ્યો?’

‘ના, મમ હું કોણ સજા આપનાર? સજા તો એને કુદરતે કરી છે. એની ફિલ્મો ઉપરાછાપરી ફ્લોપ ગઈ, એમાં હું જવાબદાર હતી? ના… એની પત્ની એને છોડીને ચાલી ગઈ, એમાં હું જવાબદાર હતી? જરાય નહીં…’

‘હું શું કરી શકતે? મેં તો માત્ર કુદરતે આપેલાં ન્યાયમાં યથાશક્તિ આહૂતિ હોમી છે. હા, એક વાત છે કે મેં ફક્ત એના કરો ય મરો જેવા પ્રોજેક્ટ તૂટી પડે એવી હરકતો કરવામાં કોઈ કચાશ નહોતી રાખી, બસ એટલું પૂરતું હતું એના કોફીનમાં છેલ્લો ખીલો.. વારંવાર એના સેટ પરથી ગાયબ થઇ જવું અને પારાવાર ફાઈનાન્શિયલ નુકશાન કરાવવું, બસ મેં તો એટલું જ કર્યું. બાકીનું બધું તો ડોમિનોઝ ઈફેક્ટની જેમ આપમેળે થઇ ગયું, એનો પત્તાંનો મહેલ તૂટી ગયો.’

રિયાના એક એક શબ્દ સાથે માધવીનું હૃદય બેસતું જતું હોય લાગ્યું. રિયાએ આ શું કરી નાખ્યું? બેરહમ થઈને પોતાના પિતાને આઈસીયુમાં પહોંચાડી દીધો?

નીચું જોઈ રહેલી માધવીની હડપચી પર રિયાએ હાથ પસવાર્યો અને ચહેરો થોડો ઉંચો કર્યો, માધવીની ઢળેલી આંખોમાંથી બે બૂંદ ખરી ને રિયાના હાથ પર પડ્યા.

‘મમ, તમે રડી રહ્યા છો?’ રિયા વિહ્વળ થઇ ગઈ : ‘મને તો થયું કે તમારી આંખો ખુશીના આંસુથી છલકાશે ને તેની બદલે તો?’

માધવીએ એક જ ઝાટકે પસવારી રહેલો રિયાનો હાથ તરછોડી કાઢ્યો : ‘ન કહે મમ મને, તે શું હાલત કરી તારા ફાધરની? તને દયા તો ન આવી પણ વિચાર સુધ્ધાં ન આવ્યો? એની જતી જિંદગીએ કારકિર્દી ધૂળધાણી કરી?’

રિયા ઓછ્પાઈ ગઈ. એણે આ વર્તનની અપેક્ષા નહોતી રાખી.

‘તને શું હતું કે તું તારા બાપને સજા ફરમાવીશ એટલે હું ખુશ થઇ જઈશ?’ ડૂસકાં ભરી રહેલી માધવીનું રુદન દીર્ઘ બની રહ્યું, ‘રિયા, ભૂલ એની નહીં મારી હતી, હું ન તો એને ભૂલી શકી ન માફ કરી શકી અને એટલે જે કોઈ સંતાપ ભોગવવાનો આવ્યો તારા ભાગે આવ્યો.’

રિયા સન્ન થઈને જોતી રહી ગઈ. બાજી આખી બૂમરેંગ થઇ ચૂકી હતી. હવે આ પરિસ્થિતિમાં કરવું શું?

મા-દીકરી એકબીજાને કોઈ આશ્વાસન આપે એ પહેલા તો શકુબાઈ કોર્ડલેસ ફોન લઈને અંદર આવી ગઈ : ‘આશ્રમથી ફોન છે.
માધવીએ ઝડપથી ચહેરો લૂછી નાખ્યો :’ નક્કી માસી હશે. સારું થયું એમનો ફોન આવી ગયો, હું એમને કહું છે કે કાલ ને કાલ પાછા આવી જાવ.’

સામે છેડે માસી નહોતા, કુસુમ હતી.

‘માધવીદી, તમે જે પહેલી ફ્લાઈટ મળે પકડીને આવી જાવ…’

‘કુસુમ, વાત શું છે? મારી માસી સાથે વાત કરાવ…’ માધવીના અવાજમાં રહેલી આર્જવતા લોપ થઇ ગઈ અને એનું સ્થાન ઉચાટે લઇ લીધું.

‘દીદી આરામમાં છે, તમે પહેલા આવો, પછી બધી વાત.’ કુસુમના અવાજમાં ગભરાટ પ્રતીત થઇ રહ્યો હતો.

ફોન મૂકી દીધા પછી પણ માધવીને કળ વળતી ન લાગી પણ હવે કુસુમે કહ્યું હતું તો આશ્રમ પહોંચવું જરૂરી હતું. પહેલી જે મળી તે ફ્લાઈટ લઈને ચંડીગઢ પહોંચેલા રિયા ને માધવી આશ્રમ પહોંચ્યા ત્યારે મધરાત થવા આવી હતી. વળાંકવાળા, દેવદાર ને ચીડથી છવાયેલો રસ્તો ભેંકાર લાગતો હતો. સામાન્યપણે નવ વાગ્યા સુધીમાં તો આશ્રમની તમામ પ્રવૃત્તિ થંભી જતી એની બદલે દૂરથી જ આશ્રમની બત્તીઓ કંઇક અમંગળ સંકેત આપતી હતી.

આશ્રમમાં પહોંચતાવેંત જ રાહ જોઈ રહેલી કુસુમ દોડતી આવી.

‘માસી ક્યાં છે…?’

જવાબમાં કુસુમે માધવી સામે એક ક્ષણ માટે જોયું ને પોક મૂકી : ‘દીદી ગયા.’

એ સાંભળતાની સાથે જ માધવી ચક્કર ખાતી ફસડાઈ પડી.

* * *

માધવીની આંખો ખુલી ત્યારે સવાર પડી ચૂકી હતી. આંખો ખુલતાવેંત જ કુસુમ નજરે ચઢી.

‘માધવી દી , તમારી જ રાહ જોવાય છે. …’

માધવીના શરીરમાં એક ચીલ ફરી વળી. કુસુમનો સહારો લઈને માધવી બહાર આવી ત્યારે શ્વેત વસ્ત્રોમાં સજ્જ લોકોનો મહેરામણ ઉમટવા લાગ્યો હતો. દીદીને આખરી વિદાય આપવા આવેલા લોકોમાં કેટલાય તો એવા હતા જેમને માત્ર આરતીનું નામ સાંભળ્યું હોય. પ્રાર્થનાખંડમાં મુકાયેલાં પાર્થિવ દેહને અંજલિ આપીને લોકો બાજુએ ખસી જતાં રહ્યા. દેહની રિયા બાજુ પર બેઠી હતી. આવ્યા ત્યારથી ખસી સુદ્ધાં નહોતી, ન તો એક મટકું માર્યું હતું ન તો એક ઘૂંટ પાણી પીધું હતું.

અંતિમવિધિનો સમય હતો. જેટલો ભારે એટલો જ બોઝિલ. આશ્રમના ચોગાનમાં જ દક્ષિણ દિશાએ અગ્નિસંસ્કાર માટેની તૈયારી થઇ ચૂકી હતી. મુખ્ય પ્રાર્થનાખંડમાં દર્શન માટે રખાયેલા દીદીના દેહને બહાર કઢાયો ને માધવીનું દિલ ધબકાર ચૂકી ગયું. માસી ખરેખર જ આ દુનિયામાં રહ્યા નથી એ દિલ અને દિમાગ માનવા જ તૈયાર નહોતા.

માધવીની આંખો સામેની દુનિયા ધૂંધળી થતી ચાલી. માધવીની આંખો ભીની હતી અને રિયાની આંખોમાં જામ્યો હતો અગ્નિ. સૌથી નિકટ રહેલી રિયાએ નાનીના દેહને અગ્નિસંસ્કાર આપ્યા હતા. જોવાની ખૂબી તો એ હતી કે રડવાની વાત તો બાજુએ રહી રિયાની આંખો ભીની સુધ્ધાં નહોતી થઇ.

બપોર સુધીમાં તો આરતી દીદી તસ્વીરમાં મઢાઈને ગુરુજી મુનિ આત્મજ્યોતિ અને ગુરુમા અમૃતાની જોડે પ્રાર્થનાખંડમાં બિરાજી ચૂક્યા હતા.

‘માધવી દીદી, આ છે આરતીદીદીએ રાખેલી તમારી અમાનત, નામ લખીને રાખ્યું હતું, મેં તો હમણાં જોયું…’ સાંજ પડતાં કુસુમ કોટેજ પર આવી, કવર સાથે એક નાની સંદૂક પણ હતી.

માધવીએ કવર ઉથલાવીને જોયું, એ રિયાના નામનું હતું પોતાના નામનું નહીં. સાથે હતી સંદૂક એની પર એક નાનું તાળું હતું, જેની પર ન તો કોઈ નામ હતું ન એનો કોઈ ઉલ્લેખ.

‘રિયા, કવર તારા માટે છે…’

માધવીને ખ્યાલ આવી ગયો પોતાની ભૂલનો, માસીને કેટલી નાની વાતમાં કેવો આઘાત આપી દીધો પોતે.

માધવી સૂનમૂન બેસી રહી. કુસુમ એને સાંત્વન આપતી બોલતી રહી : ‘દીદી આવ્યા ભલે પણ કદાચ એમને સંકેત મળી ગયો હતો, એટલે આવ્યા ત્યારથી જ એમના કોટેજમાં અનુષ્ઠાનમાં બેસી ગયા હતા. દોઢ દિવસ થયો ત્યારે બારણું તોડીને ખોલી નાખ્યું ત્યારે સમાધિસ્થ જ હતા પણ એ પરમ સમાધિ હતી. પાસે પડી હતી આ બે ચીજ.’

કુસુમ સાંત્વન આપતી રહી ને કવર હાથમાં આવતાં ખોલવાને બદલે એ લઈને રિયા અંદર ચાલી ગઈ.

પલંગ પર બેસીને કવર ખોલ્યું એ સાથે જ એક નાની ચાવી સરકીને એના ખોળામાં પડી. રિયાએ ત્રાંસી આંખે બહાર વરંડામાં બેઠેલી માધવી તરફ જોઈ લીધું : ક્યાંક આ સંદૂકનું રહસ્ય એને પણ ખબર હશે?

એક પત્ર હતો રિયાના નામે, જેમાં લખી હતી માત્ર થોડી લીટીઓ પણ વિના લખ્યે લખાયેલું રિયાએ વાંચી લેવાનું હતું.

વ્હાલી રિયા

આ પત્ર મળશે ત્યારે હું કદાચ આ દુનિયામાં નહીં હોઉં, એકવાર આ પત્ર ધ્યાનથી વાંચી લઇ એને ફાડી નાખજે.

બહુ વિચાર્યા પછી હું આ મત પર આવી છું, લાગે છે હવે સમય અને સંજોગ ન પણ બને કે હું તને આ વાત રૂબરૂ મળીને કરી શકું એટલે એરપોર્ટ પર અત્યારે જયારે ફ્લાઈટની રાહ જોઈ રહી છું ત્યારે જ લખી રહી છું.

રિયા, તને જ નહીં સહુ કોઈને ખબર છે કે નાનપણથી તું મારી વધુ નિકટ રહી છે, મારી થોડી વધુ વ્હાલી પણ ખરી… મધુને, રોમાને કે તને પોતાને, કદાચ કોઈને પણ એ વાતનું કારણ સમજાતું નહીં પણ આજે હવે કહેવામાં કોઈ હર્જ નથી એટલે તને જણાવી દઉં.. રિયા, સહુ અજાણ છે પણ સાચી વાત તો એ છે કે તારામાં હમેશા હું મારી જાતને જોઈ રહી હતી. બે બહેનોમાં થોડી ઉતરતી, એ પછી રૂપ હોય કે નસીબ, પ્રેમ હોય કે કુટુંબ… મારા હૃદયનો એક ખૂણો હમેશ સૂનો રહ્યો અને એ વાત કેટલી પીડાકારક છે એ તારાથી વિશેષ કોણ સમજી શકે?

સરોજની વાત ક્યારેય હું ભૂલી નહોતી, વિદ્યા અને સિધ્ધીઓ ભોગ પણ મોટો માંગી લે છે જે મેં આપ્યો છે, એટલે જ તારી જીદ પાસે હું ન ઝૂકી. હું નહોતી ઈચ્છતી કે મેં જે જિંદગી જોઈ તેવી જિંદગી તું જુએ. જીંદગીમાં પ્રેમ, કુટુંબ, ચાહનાની શું મહત્તા હોય સહુને ન સમજાય કારણકે બહુ સહેલાઈથી મળી જાય, પણ પાણીની કિંમત તરસ્યાને હોય… હું ઇચ્છતી હતી કે એ વિદ્યા ન શીખી ને તું એક સામાન્ય જિંદગી જીવે… મને ડર હતો કે ક્યાંક તને એ જિંદગી ન મળે જે મને મળી. આખરે તો પ્રેમને કારણે અંકુરિત થયેલો આ ભય છે. ભયને ન મારી શકાય છે ન જીતી શકાય છે. એને તો માત્ર સમજી શકાય છે. મેં ભય જીતવાની કોશિશ કરી એટલે એ લપાઈ ગયો હતો મારી જ સાધનામાં, ભીતર ધરબાઈને એને મને કમજોર બનાવી દીધી, કદાચ એટલે જ હવે ભીતર એક અવાજ ઉઠે છે જેને તાબે થયા વિના છૂટકો નથી. તું થોડી બહુ રસમથી તો વાકેફ છે, થોડું જ્ઞાન એ વિદ્યા તને પોતે આપશે. એક સંદૂક છે જેની ચાવી આ સાથે છે.

યાદ રહે આ પરમાર્થ માટેની વિદ્યા છે, વેરની ચૂકવણી માટેની નહીં. થોડું લખ્યું છે, બે લીટીઓ વચ્ચે ન લખાયેલી વાતોના અર્થ સમજીને વાંચી શકે એટલી કાબેલ તો તું છે જ.

માધવી મારા જીવનનો એક ભાગ બની ચૂકી હતી, એને દુખ પહોંચે એવું કરે ત્યારે મનમાં એકવાર નાનીને સમારી લેજે… હું સદેહે તારી સાથે ન હોઉં એ શક્ય છે પણ તારી આસપાસ તો જરૂર હોઈશ…

મા ભગવતી સદૈવ તારી સાથ હો…

પત્ર પૂરો થતાં સુધીમાં રીયાની આંખો વહેવા લાગી હતી. એની નજર બહાર બેઠેલી માધવી પર પડી. એક જ રાતમાં મમની ઉંમર અચાનક દસ વર્ષ વધી ગઈ હોય એમ લાગતું હતું.

રિયાએ પાસે જઈને માધવીની હથેળી પોતાની હથેળી વચ્ચે લઇ ઘસી..

માધવીની આંખોમાંથી આંસુ સારી પડ્યા : ‘રિયા, હું તો સાચે જ અનાથ થઇ ગઈ. માસી ગયા ને રાજ…’

રિયાના મનમાં ચમકારો થયો : ઓહ, માસીના નિધન સાથે સાથે બીજું દુઃખ જો મમને ખાઈ જતું હોય તો એ હોસ્પિટલમાં પડેલાં સેતુમાધવનનું છે.

રિયાએ વધુ વાર ન જોવી પડી. આશ્રમ જંપી ગયો કે એને નાનીએ મોકલાવેલી સંદૂક ખોલી, નાનીએ અનુષ્ઠાનની સરળ વિધિઓ પણ સાથે લખીને રાખી હતી.

રિયાની પૂજા રાતભર ચાલતી રહી. આખરે એ જ તો સાચું તર્પણ હતું નાનીનું.

* * *

સવારના પહોરમાં રિયા મોબાઈલ ફોન રણક્યો . સામે છેડે શમ્મી હતો.

‘રિયા, માધવન સર ઈઝ આઉટ ઓફ ડેન્જર… આઈસીયુમાંથી હવે રૂમમાં શિફ્ટ કરે છે…’

‘મમ, માધવન સર આઈસીયુમાંથી બહાર આવી ગયા…’ ચા પી રહેલી માધવી સામે જોઇને રિયા બોલી. માધવીએ કોઈ જવાબ તો ન વાળ્યો પણ રિયા એની આંખમાં એક હાશકારો ઉગેલો જોઈ શકી.

હજી એ વિષે વધુ વાત થાય એ પહેલા તો માધવીના મોબાઈલ ફોનની રીંગ વાગી. નંબર જાણીતો ન લાગ્યો છતાં માધવીએ રીસીવ કર્યો.. ‘કોન્ગ્રેજ્યુલેશન મિસ સેન, તમે ગ્રેની બની ગયા… બેબી ગર્લ છે, પ્રિમેચ્યોર ડિલીવરી છે પણ મધર એન્ડ બેબી આર ફાઈન…’ સામે છેડે મીરો હતો.

માધવીના ફિક્કાં પડી ગયેલાં ચહેરા પર એક સ્મિત અંકાયું : માસી ગયા એવા પાછા પણ આવી ગયા?

* * *

ત્રણ દિવસ પછી મુંબઈ પાછાં ફરી રહેલા માદીકરીની જિંદગી નવા સમીકરણ સાથે મંડાઈ રહી હતી.

વેર પર રચાયેલી વિરાસત કાલની ગર્તામાં વિલીન થઇ ચૂકી હતી ને એક નવી ઇનિંગ મંડાઈ રહી હતી.

(સમાપ્ત)

– પિન્કી દલાલ

પ્રિન્ટ માધ્યમમાં છપાતી વાંચતી અને પછી પુસ્તકરૂપે અવતરણ નવલકથા માટે સામાન્ય વાત છે.

પહેલીવાર એવું બન્યું કે કોઈ નવલકથા ઓનલાઈન ધારાવાહીરૂપે ચાલી હોય. કલકત્તાથી પ્રગટ થતાં ગુજરાતી સાપ્તાહિક ઉપરાંત વાચકો અને નવોદિત લેખકોના મક્કા કહેવાતા ઓનલાઈન પ્લેટફોર્મ અક્ષરનાદ તથા મારા બ્લોગ pinkidalal.wordpress.com આ નવલકથા શરુ થઇ અને અસાધારણ પ્રતિભાવ મેળવી શકી એ દર્શાવે છે આવતીકાલના માધ્યમોની શક્તિને.

વાર્તાનો થીમ ભલે ફિલ્મજગતનો છે પણ સૂક્ષ્મ સ્વરૂપ તો માનવીય સંબંધો અને એક ચોથા પરિમાણની શક્તિનું પણ છે.

વ્યક્તિ પોતે જયારે આયનામાં પોતાની જાતને ઓળખવામાં થાપ ખાઈ જાય તેવી પરિસ્થિતિનો દોરીસંચાર કરનાર ઓર કોઈ નહીં બલકે નિયતિ પોતે જ હોય છે.

એક લૌકિક દુનિયા અને એક તેનાથી ઉપરી શક્તિઓ ધરાવતી અગોચર દુનિયા, પણ સર્વત્ર વ્યવહાર તો એક જ છે: એક હાથ દે, એક હાથ લે.

આવા જ પરિબળો પર આકાર લે છે વેર વિરાસત…

માનવીય ભાવના, પ્રેમ, છળ, દ્રેષ અને એનું કોકટેલ વૈમનસ્ય, વિરાસતમાં મળેલા આ વૈમનસ્યનો રંગ લોહી કરતાં વધુ ગહેરો હોય શકે? પ્રેમ કરતાં ઝેર વધુ આક્રમક હોય શકે? એ પ્રશ્નોના ઉત્તર માત્ર સમય અને સંજોગ જ આપી શકે.

આ નવલકથા લખી રહી હતી ત્યારે એમાં ક્રિએટીવ ઇનપુટસ આપનાર મિત્ર શ્રી સુનીલભાઈ મહેતાનો દિલથી આભાર માનું છું. વાર્તાનો થીમ સાંભળીને, પ્રકાશિત કરવાની ઉત્સુકતા દર્શાવનાર હલચલના તંત્રી શ્રી ભાવેશભાઈ શાહ ને સંજયભાઈ શાહની તથા ઓનલાઈન મેગેઝીનની લોકપ્રિયતા માણવાની તક મળી એ માટે અક્ષરનાદના શ્રી જિગ્નેશ અધ્યારુની પણ આભારી છું.

નવલકથાને પુસ્તક સ્વરૂપ આપવા માટેની તમામ ચિંતામાંથી મુક્ત રાખનાર નવભારત સાહિત્ય મંદિરના શ્રી મહેન્દ્રભાઈ અને જયેશભાઈ શાહનો આભાર.

સૌથી વધુ ઋણી છું હું વાચકોની, ખાસ કરીને હલચલ તથા ઓનલાઈન વાચકોની જેમના પ્રતિભાવ મને નવી જ દિશા બતાડી ગયા…

સહુનો આભાર, દિલ થી…

– પિન્કી દલાલ
303, પુષ્પકુંજ ,
A રોડ , ચર્ચગેટ
મુંબઈ 4000020
pinkidalal@gmail.com


Leave a Reply to gopal khetaniCancel reply

20 thoughts on “વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૪૬} અંતિમ પ્રકરણ

  • Ravi Dangar

    નમસ્તે પિંકી મેમ,
    હા મેમ, આવી સરસ નવલકથા પુસ્તક રૂપે આવશે તો એ પણ અમે ખરીદીશું.

  • Sudhir Parikh

    I am very happy to read a on line story for more than six months.
    Every week end I was awaiting to read the next chapter with the a hope to read some fascinating events and has to say that ” yes” it was their. The end was expected in the last chapter but the demise of masi is shocking. It could have been little softer. OF course I do not expect filmy end of the story. I was also thinking that Setu Madhavan would realise who is Riya and could have added few more chapters. Anyway – readers could have their own views but finally the author -writer’s thoughts are supreme. Let the readers further assume the events.

  • shital parmar

    જેમા રસ હોય ખંત હોય તેમાથી જ આપણે કશુ બની શકીએ. બાકી ફરજિયાત પણૅ કરેલા કામ મા તો ખાલી દિવસો ગણાવાના રહે. બહુ જ સુંદર વાર્તા.ખુબ સરસ વાર્તા…..વિષયવસ્તુ ખુબ નવીન લાગ્યું…..

    હદય ને સ્પશૅી જાય છે. ઘણા બધા ના જીવન મા અાવી ઘટના બનતી હોય છે.
    આ વાતાૅ એક આત્મબળ પુરુ પાડે છે.

    ખુબજ સુન્દર વાર્તા !! બિજી સુન્દર વાર્તાઓનિ અપેક્ષા સાથે લેખકને હાર્દિક અભિનન્દન !!!!

    • gopal khetani

      શિતલ બેન..કદાચ માત્ર સંયોગ હોઇ શકે. પણ તમારા પ્રતિભાવ ના શબ્દો આપ નીચે આપેલી લિન્ક મા, વાર્તા ના અંતે મે આપેલા પ્રતિભાવ જોડે સરખાવજો. સમય ૧૧ઃ૨૨ સવાર નો છે.

      http://www.readgujarati.com/2016/06/13/a-dream/

  • gopal khetani

    પિન્કી મેડમ, બધા ની જેમ જ મને પણ છેલ્લુ પ્રકરણ તો એકદમ સોનીક સ્પીડ એ પુરુ થયુ એવુ લાગ્યુ. નવલકથા ના બિજા ભાગ ની આતુરતા પુર્વક રાહ જોઇશુ.

  • જીગ્નેશ પ્રજાપતિ

    બીજો ભાગ જરૂર થી આપજો અંત અધૂરો છે

  • Ravi Dangar

    પીન્કી મેડમ સૌથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન.

    તમારી આ નવલકથાના દરેક પ્રકરણની હું કાગને ડોળે રાહ જોતો હતો.
    નવલકથા ખૂબ સરસ અને સુપેરે વિસ્તાર પામી છે. હજુ તો મને હતું કે ઘણી લાંબી ચાલશે આ કથા પરંતુ અંત અચાનક આવી ગયો એવું લાગ્યું.

    પરંતુ આમ અચાનક અંતનો તમારો કોઈ હેતુ હોઈ શકે કે પ્રયોગ પણ હોય શકે કે પછી આટલી જ વાર્તા તમારી મનમાં ઉદ્ભવી હોય શકે. જે હોય તે.

    આમ છતાં નવલકથા મને ખૂબ જ ગમી. તમે અચાનક અંત લાવીને વાચકના મનમાં એક નવી કથા ચાલુ કરી દીધી. કદાચ એવું જ તમે ઈચ્છતા હશો.
    અને આવ અકલ્પનીય અંત ના કારણે જ વાચક લાંબા સમય સુધી આ નવલકથાને મનમાં મમળાવ્યા કરશે. એને ભૂલશે નહિ.

    અત્યારના આ પૈસા પાછળના દોડના સમયમાં તમે આવી સરસ નવલકથા પુસ્તક રૂપે આપીને પૈસાનું ઉપાર્જન કરી શકતા હતા. પણ તમે એમ ના કરતા તમારો સાહિત્ય પ્રત્યેનો પ્રેમ અહી વ્યક્ત કર્યો છે એ ખૂબ જ ગમ્યું. આ માટે આપનો ખૂબ ખૂબ આભાર.

    ફરી એક વાર આવી ઉત્તમ રચના માટે અભિનંદન.

  • Sudhakar Shah

    પિન્કીબેન

    સરસ મજાની નવલનાં બધાં જ પાત્રોને યથા સ્થાને ગોથવી દીધાં
    હવે ભાગ – ૨ માં રિયા અને માધવીને ચીતરવાનાં શરુ કરી દ્યો –
    આ એક નવી ચેલેન્જ છે –

    બંનેની આછી રેખાઓને ઉપસાવી દ્યો !

    સુધાકર શાહ

  • Rajnikant Vyas

    ખૂબ સુંદર, વાચકને છેલ્લા પ્રકરણ સુધી જકડી રાખતી નવલકથા, પિન્કીબેન! અભિનંદન.