ગધેડો સાચો સેક્યુલર છે..! – હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’ 7


(આનંદ ઉપવન સામયિકના દીપોત્સવી અંક, નવેમ્બર ૨૦૧૫માંથી સાભાર)

ખબર નહીં પણ કોણ જાણે કેમ, મને પહેલેથી જ ગધેડા પ્રત્યે લગાવ રહ્યો છે. ગધેડાને જોયો નથી કે ઘટમાં ઘોડા થનગનવા માંડે છે. મારી વાત જવા દો, પૂરી માનવજાતની આબરૂની ચિંતા મને ન હોત તો રસ્તામાં જેટલા ગધેડા મળે એ સૌને હું ભેટી જ પડ્યો હોત. વાતવાતમાં એક દિવસ વાઈફને મેં કહ્યું, ‘મને દરેક પ્રાણીઓમાં ગધેડા વધારે ગમે.’ ત્યારે એણે સહજપણે કહ્યું, ‘ઋણાનુબંધ, બીજું શું?’

વાઈફની વાત ખોટી પણ નહોતી, પણ એની વાત તદ્દન સાચી છે એવી પ્રતીતિ હું એને કરાવી શકવાના મુડમાં નહોતો. જો કે એવી શક્તિ પણ ધરાવતો નહોતો અને હવે તો ઘરેલુ હિંસા કાયદો આવી ગયો છે એટલે આજનો પતિ તો સાવ પતી ગયો. જો કે આવો કાયદો ન હોત તો હું એનેેનું પોતાનું જ પ્રૂફ કે પુરાવો આપીને કહી શકત, કે ‘યુ આર રાઈટ, ઋણાનુબંધ વગર કંઈ આપણે પતિ-પત્ની બન્યા હોઈશું?’

અત્યારે હું મારી વાત કરી રહ્યો છું. આઈ મીન ગધેડાની, ઘણીવાર તો ગધેડામાં જ મને મારો સાક્ષાત્કાર થવા માંડે છે. ઘણાં મિત્રો મને કહેતા હોય છે કે ‘આમ ક્યાં સુધી ગધેડાની જેમ મજૂરી કર્યા કરીશ?’

‘મજૂરી?’ હું પૂછતો.

‘આમ લખલખ કરવાની મજૂરી.’ મિત્રો કહેતા

‘એ તો એવું છે ને કે ગધેડાનો કોઈ વિકલ્પ નથી.’

‘મતલબ?’ મિત્રોને આશ્ચર્ય થયું.

‘મારો કહેવાનો મતલબ એ છે કે મજૂરી નો કોઈ વિકલ્પ નથી. મજૂરી કરવા માટે તો ભગવાને આપણને માણસ તરીકેનો અવતાર આપ્યો છે. કોઈ પશુ પ્રાણીને આપણી જેમ મજૂરી કરતા જોયું? ઘોડો કેવો બાદશાહી ઠાઠથી જીવે છે. હાથી કેવો અપની ચાલમાં મસ્તરામ થઈને ચાલતો હોય છે. ઊંટ, સિંહ, વાઘ, સસલું, શિયાળ, ગાય, ભેંસ, કાગડો, કોયલ, કબૂતર.. કોઈનેય મજૂરી કરતા જોયા છે?’

‘આ બધામાં તે બળદને યાદ ન કર્યો?’ પોતાની અવગણના થઈ રહી છે એમ સમજી મિત્રો પૂછતા.

આપણે તો આપણાંને યાદ ના જ કરવાના હોય ને!’ હું હસીને કહેતો, ‘આપણે તો જે ઈએ એ છીએ જ!’

જિંદગીના અઠ્ઠાવન વર્ષે પણ હું આટલી મજૂર – સારા શબ્દોમાં મહેનત કરી રહ્યો છું એ માટે હું મારા આરાધ્ય ગુરુનો ખરેખર ઋણી છું. ગધેડાને મેં ક્યારેય ‘ગધેડો’ નથી માન્યો. ગુરુ પ્રત્યેની મારી જે શિષ્યભાવના છે એને મેં વિચારપ્રદૂષણ કે વાણીપ્રદૂષણથી સહેજ પણ પ્રદૂષિત નથી કરી, કરાય પણ નહીં.

અદેખાઈને લીધે કે પછી અણઆવડતને લીધે કેટલાક માણસો ‘ગધેડાની પાસે રહીએ તો લાત મારતાં શીખી જઈએ.’ એવું બોલીને મને ડરાવવાનો કે ગુરુભક્તિમાંથી ચલિત કરવાનો પ્રયાસ કરતા હોય છે. પણ એ લોકોને ખબર નથી કે ‘હરી’નો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો ને.. (ઘણાંને થશે કે અહીં ‘હરી’ની જોડણી ખોટી છે તો કૃપયા શબ્દકોશમાં એનો અર્થ જોઈ લેવો, એટલી તો મને ખબર છે કે ભગવાન ‘હરિ’માં અને મારામાં મોટો ફરક છે.)

એક ફોટોગ્રાફર મિત્ર સાથે ફોનમાં હું વાત કરી રહ્યો’તો ત્યારે વાઈફે રસોડાના પોખરણમાંથી મિસાઈલ છોડ્યું, ‘સ્ટૂડિયોમાં જઈને ફોટો પડાવી આવોને, એક ફોટા માટે ફોટોગ્રાફરને કેમ બોલાવો છો?’

‘હું મારો ફોટો પડાવવાની વાત નથી કરતો.’ મેં રિસીવરના માઉથપીસ પર હાથ દાબી રાખીને ધીમેથી કહ્યું, ‘મારે ગધેડાનો ફોટો પાડવો છે, એને થોડો કંઈ સ્ટૂડીયોમાં લઈ જવાય!’

‘ગધેડાનો ફોટો?’ વાઈફને આશ્ચર્ય થયું, ‘ગધેડાનો ફોટો તમે ક્યાં ટિંગાડશો?’

‘ડ્રોઈંગરૂમમાં, કેમ વળી?’

‘શું કેમ વળી.. એક ફોટો તો ઓલરેડી છે જ. એક જ જણના બબ્બે ફોટા તે કંઈ સારા લાગતા હશે?’

‘બબ્બે ફોટા?’

‘કેમ, તમારો ફોટો નથી ટિંગાતો?’

મને થયું કે ચ આલો, વાઈફ મારી મહેનત – મજૂરીને તો ઓળખી શકી! પોઝિટિવ થિન્કિંગ કરવાના ઘણા ફાયદા છે. વાઈફના કહેવા પર જો મેં નકારાત્મક વિચાર્યું હોત અને શારીરિક કે માનસિક ત્રાસ ગુજારી બેઠો હોત તો આજે હું જેલમાં હોત અને તમારા હાથમાં આ લેખ પણ ન હોત! જોયું ને, ‘હકારાત્મક વિચારવાનું’ જેણે શરૂ કર્યું હશે એણે પોતાના કેવા કેવા અનુભવો પછી કહેવાનું શરૂ કર્યું હશે!

ગધેડા પાસેથી હું ઘણા બોધપાઠ શીખ્યો છું. માણસજાત વચ્ચે રહીનેય એક પણ ગધેડો વિશ્વાસઘાતી, સ્વાર્થી કે લંપટ નથી બન્યો એ જ ગુણ મને એનો શિષ્ય બનવા માટે પ્રેરી ગયો એ. ગધેડૉ ક્યારેય કોમવાદી નથી હોતો. સાચો સેક્યુલર તો ગધેડો છે. બિનસાંપ્રદાયિકતાની વાત ગધેડાના મોઢે જ શોભે. રિપીટ – બિનસાંપ્રદાયિકતાની વાત ગધેડાના મોઢે જ શોભે! આ વિધાનમાં કોઈ શ્લેષ જોવાનો શેષ પણ અટકચાળો ન કરે પ્લીઝ! ગધેડાને ક્યારેય આતંક ફેલાવતો જોયો? બહુ બહુ તો એને કંઈક કહેવું હોય કે કંઈક પૂછવું હોય તો ‘હોંઓંચી.. હોંઓંચી’ નો લયબદ્ધ આલાપ કરી લે.. બાકી, રાજકારણીઓની જેમ ક્યારેય ઘોંઘાટ કર્યો છે? ગધેડો સમજે છે કે હું થોડો કંઈ નેતાફેતા છું. મારે તો મારી જાતિની ગરિમા જાળવવી જ જોઈએ ને!

ગધેડો મને સાચો કર્મયોગી લાગ્યો છે. ‘કર્મણ્યેવાધિકારસ્તે, મા ફલેષુ કદાચન..’ મંત્રને એણે સાર્થક કરી બતાવ્યો છે. મૂંગા મોઢે પરિશ્રમ કરતા રહેવું એ જ એનો આદર્શ.

સરકારે પણ ગધેડા પ્રત્યે દયાભાવ રાખ્યો છે. ગધેડા પાસે માત્ર પાંચ કલાક જ કામ કરાવી શકાશે એવો કાયદો જ્યારે સરકારે બનાવ્યો ત્યારે સૌ પહેલી વધામણી મને વાઈફે આપેલી.

‘કોન્ગ્રેચ્યુલેશન!’

‘ફૉર વૉટ?’ લગ્નનાં આટલા વર્ષો પછી મારા માટે આ બીજી વારનું કોન્ગ્રેચ્યુલેશન હતું. પહેલી વારનું ત્યારે હતું જ્યારે હું લગ્નવિધિ પૂરી કરી – ફેરા ફરી – ઘરે આવ્યો ત્યારે વાઈફ મલક મલક મલકાઈને કહેલું, ‘કોન્ગ્રેચ્યુલેશન!’

આજે વર્ષો પછી મને લાગે છે કે એ ‘કોન્ગ્રેચ્યુલેશન’ નહોતું પણ ‘કૉન્સોલેશન’ હતું. એટલે મેં સ્પષ્ટતા કરતાં પૂછ્યું, ‘તેં કઈ બાબતનું મને ‘કોન્ગ્રેચ્યુલેશન’ કહ્યું?’

‘તમારા કામ કરવાના કલાકો ઘટી ગયા ને!’

‘કલાકો ઘટી ગયા? હું કંઈ સમજ્યો નહીં.’

‘આ વાંચો’ કહીને એણે મને છાપું પકડાવ્યું. ‘લખ્યું છે આમાં કે કોઈ પણ માલિક પોતાના ગધેડા પાસે પાંચ કલાકથી વધારે કામ નહીં કરાવી શકે.’

‘પણ એમાં મને શું લાગે વળગે?’

‘કેમ, તમે ઘણીવર નથી કહેતા કે ગધેડાની જેમ આઠ કલાક દસ દસ કલાક મજૂરી કરવી પડે છે!’

‘પણ આ કાયદો તો જન્મથી ગધેડો હોય એને લાગુ પડે, લગ્ન કરીને બન્યો હોય એને નહીં.’

‘એવું છે?’

‘હાસ્તો’

‘તો તો જન્મથી બનેલા ગધેડા લકી કહેવાય, હેં ને!’

મારી જ વાતનું કન્ફર્મેશન આપવાનું ઉચિત નહીં લાગતાં હું મૌન જ રહ્યો.

ક્યારેક સાવ એકલો બેટો હોઉં ત્યારે મને માણસ જેવા વિચારો આવે છે કે સરકારે ગધેડા પર કેમ આટલો બધો પ્રેમ વરસાવ્યો હશે? ગધેડૉ પરિશ્રમનું પ્રતીક છે માટે? પરિશ્રમને ને સરકારને શું સંબંધ? પરિશ્રમ ન કરવો પડે એ હેતુથી તો લોકો રાજકારણમાં જોડાતા હોય છે. એ જે હોય તે, પણ એક વાત તો નક્કી, કે સરકાર જેવી સરકારને પણ ગધેડાને ખુશ રાખવા માટે કાયદો ઘડવો પડે છે.

એક માણસ જ્યારે બીજા માણસને ‘ગધેડો’ કહીને કે પછી ‘સાવ ગધેડા જેવો છે.’ એમ કહીને બોલાવતો સાંભળું છું ત્યારે મને અંદરથી ખુશી થાય છે કે આજે ભલે હું લઘુમતીમાં હોઉં, પણ ધીરે ધીરે અમારી બહુમતી થઈ જ જવાની! જો કે આમેય અમારી બહુમતી જ છે, પણ મારી જેમ બહુ ઓછી વ્યક્તિઓ ‘ગંદર્ભ જાતિ’ તરીકે પોતાને જાહેરમાં ઓળખવાની હિંમત દાખવી શકી છે.

ગયા રવિવારે હું રજાની મજા ભોગવતો આરામથી છાપું વાંચી રહ્યો’તો ત્યાં જ વર્ષો જૂનો એક મિત્ર મળવા આવ્યો. જો કે અમારી મૈત્રીનો માર્ગ વન-વે હતો. હું એને મિત્ર માનતો પણ એણે તો મને ક્યારેય મિત્ર માન્યો નથી. હું એને મિત્ર એટલા માટે માનતો કે એને હું મારા જેવો જ સમજતો.

‘અંદર આવું કે?’ છેક અંદરના રૂમમાં આવી સોફામાં બેસતાં મિત્રે પૂછ્યું, ‘ઓળખાણ પડી?’

‘અરે, બાબુલાલ!’ મેં હસીને આવકારતા કહ્જ્યું, ‘ઘણાં વર્ષે મળ્યો!’

‘હા યાર’ બાબુલાલે કહ્યું, ‘એક કામ માટે આવ્યો’તો, બાપા..’

‘બોલ, મારૂ શું કામ પડ્યું?’

એણે એનું કામ જણાવ્યું અને મેં ‘થઈ જશે’ એવું પરંપરાગત આશ્વાસન આપીને એને વિદાય કર્યો. હજી તો હું મારા આ મિત્ર વિશે વાઈફને કંઈક કહેવા જઉં એ પહેલા તો વાઈફે કહ્યું, ‘જોયું, તમારો મિત્ર તમને ગધેડો બનાવી ગયો..’

‘ગધેડો? કેવી રીતે?’

‘આટલા વર્ષો સુધી કેમ એ દેખાયો નહીં અને પોતાની ગરજ પડી એટલે તમને આજે ‘બાપા’ કહેવા આવ્યો?’

‘પણ એમાં હું ગધેડો કઈ રીતે બન્યો?’

‘આપણામાં પેલી કહેવત નથી, કે માણસને ગરજ પડે એટલે ગધેડાને પણ બાપ કહે? એને તમારી ગરજ પડી એટલે તમને ‘એક કામ માટે આવ્યો’તો બાપા’ એમ કહીને ના ગયો?’

ઘણી વાર તો સાવ સહજપણે ગધેડામય બની જવાય છે. થોડા સમય પહેલા છાપામાં વાંચ્યુ’તું કે બિહારના એક ગામના માત્ર પાંચ વર્ષના બાળકે પોતાના ગતજન્મના સગા સંબંધીઓને ઓળખી બતાવેલા. વારંવાર ગધેડાને જોઈને મારામાં લાગણીઓ થનગનવા માંડે છે ત્યારે વિચાર આવે એ કે મને ગતજન્મ તો યાદ નહીં આવી રહ્યો હોય? ભગવાનનું ભલું પૂછવું.. એનાથીય ક્યારેક ભૂલ થઈ ગઈ હોય! મારી વ્હાઈટ એન્ડ ફેર સ્કિન જોઈને વાઈફને શંકા તો પડી જ ગઈ કે દાળમાં કંઈક કાળું છે.. અને હવે તો કોણ જાણે કેમ મનેય મારા હોવાપણામાં શંકા પડવા માંડી છે. આમ તો મારામાં મને શંકા ન પડે, પણ જ્યારે જ્યારે હું ઓફિસ જવા કે બહાર નીકળવા સ્કૂટરને કિક મારી રહ્યો હોઉં ત્યારે કિક મારવાની વિધિને એ ધ્યાનપૂર્વક જોઈ રહે છે.

ખબર નહીં કોણ જાણે કેમ, મને પહેલેથી જ ગધેડા પ્રત્યે લગાવ રહ્યો છે.

– હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’


Leave a Reply to Jigar MehtaCancel reply

7 thoughts on “ગધેડો સાચો સેક્યુલર છે..! – હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’

  • Raksha Patel

    લેખ વાંચવામા ખુબ મઝા પડી બસ આવીરીતે ય્વંગરસ પીરસતા રહેજો.

  • Divyesh Vadodaria

    કાઇ પન લખવાનુ અને બધા એ લાઈક પન કરવાનુ સરસ હો ભાઇ

  • gopal khetani

    હર્ષદ ભાઇ, આ બોસ ગધેડા જેવો લાગે તો શું સમજ્વુ?

  • Sanjay Thorat

    excellent article…. જાણે ન જાણે હુ પણ પોતાની જાતને તમારી સાથે સરખાવી રહ્યો હતો… મજા પડી ગઇ બોસ…

  • Umakant V.Mehta.(New jersey)

    હર્ષદભાઈ,કમાલ કરી. મઝા આવી ગઈ.વાચકોને પણ તમારી લંબ કર્ણની ન્યાતિમાં સામેલ કરી દીધા. શાબાસ !
    ઉમાકાન્ત વિ. મહેતા. (ન્યુ જર્સી)