રઘુવીર ચૌધરી – વિનોદ ભટ્ટ 9


(આનંદ ઉપવન સામાયિક અંક – ૪ માર્ચ ૨૦૧૬ માંથી સાભાર)

Raghuveer Chaudharyતાજેતરમાં જ જેમને પ્રતિષ્ઠિત ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ થી નવાજવામાં આવ્યા છે એવા શ્રી રઘુવીર ચૌધરી.

પન્નાલાલ, પેટલીકર ને પીતાંબરનો માત્ર એક- એક શબ્દમાં જ પરિચય આપતાં રઘુવીરે લખ્યું કે પન્નાલાલ એટલે કોઠાસૂઝ, પેટલીકર એટલે તાટસ્થ્ય અને પીતાંબર એટલે ઉત્સાહ. પણ રઘુવીરને આ રીતે એક જ શબ્દમાં ન બાંધી શકાય. ઓછામાં ઓછા છ શબ્દ તો વાપરવા જ પડે; તો જ એના વ્યક્તિત્વનો થોડોકેય અણસાર આવી શકે.

મારે મન રઘુવીર એટલે અડીખમ આત્મવિશ્વાસ, અડીખમ આત્મવિશ્વાસ, અડીખમ આત્મવિશ્વાસ. (છ શબ્દો પૂરા). આ પ્રકારનો આત્મવિશ્વાસ ઘણા લોકોમાં મોડોમોડો આવતો હોય છે. જ્યારે રઘુવીર ચૌધરી નાના હતા અને રઘુવીરને બદલે રઘજીભાઈ ચૌધરી હતા, ત્યારનો તેમનામાં આ જ આત્મવિશ્વાસ છે. વાદળી રંગની ટૂંકી ચડી, સફેદશર્ટ અને માથે ટોપી પહેરીને શાળાએ જતા ત્યારે પણ છોકરાંને કેમ ભણાવવાં એ બાબત શિક્ષકોને ભારે આત્મવિશ્વાસથી સલાહ આપી શકતા. કીટ્સને માટે કહેવાતું એમ તેમને માટેય કોઈએ કહેલું કે “He is carrying old hand on young shoulders.” તેમનાથી ચાર જ વર્ષ મોટા ભોળાભાઈ પટેલ તેમના શિક્ષક હતા. ભોળાભાઈ કરતાં રઘુવીર દસ વર્ષ મોટા છે એવું ખુદ ભોળાભાઈ અત્યારે ફીલ કરે છે!

વચ્ચે મલયાલી સહિત્યકારો અમદાવાદમાં આવ્યા ત્યારે રઘુવીરે એ બધાને, ગુજરાતી સાહિત્યકારોનો પરિચય અંગ્રેજીમાં આપેલો. સેલ્ફ કોન્ફિડન્સથી બોલાયેલા તેમના અંગ્રેજીથી મુગ્ધ થઈને એક શ્રોતાએ બીજાના કાનમાં કહેલુંઃ ‘જેટલા કોન્ફિડન્સથી રઘુવીર અંગ્રેજીમાં બોલ્યા એટલા કોન્ફિડન્સથી તો તે મલયાલીમાંયે બોલી શક્યા હોત.’ જોકે પેલા લોકોને એક નવી ભાષા સાંભળવાનો લાભ મળત એ જુદી વાત છે.

રઘુવીર સારા વક્તા છે. એટલું જ નહિ, સારું ગાઈ પણ શકે છે, ઢોલક વગાડી શકે છે, હીંચ લઈ શકે છે – ઘણું બધું કરી શકે છે. દેખાવમાં દૂબળા- પાતળા, ઊંચા, ગુલાબી પોઈન્ટેડ નાક, બેસી ગયેલા ગાલની વચ્ચે ઝીણી, પાણીદાર, થોડીક ઊંડી તીક્ષ્ણ આંખો, લાંબા કાન (બહુશ્રુત હોવાને કારણે). બોલરના પહેલે જ બોલે આઉટ થઈને તંબૂ તરફ જતા બેટ્સમેન જેવી મરિયલ ચાલ, ચાલતી વખતે એક ખભો થોડો ઊંચો, મક્કમતાથી બિડાયેલા હોઠ અને વ્યંગપૂર્ણ સ્મિત – તેમનું એકેએક જેશ્ચર તેમના વ્યક્તિત્વનો ભાગ છે.

તે ચૌધરી છે. ચૌધરીપણું તેમના અણુએ અણુમાં વરતાઈ આવે છે. હથિયારબંધી હોવાથી તલવાર કેડે નહિ બાંધી શકવાને કારણે એ કામ તે ધારદાર જીભ તેમ જ કલમથી કરે છે જે જતા આવતાને ઉઝરડા પાડતા રહે છે; પછી તે ઉમાશંકર હોય, યશવંત શુક્લ હોય કે રામલાલ પરીખ હોય. કોઈને તે સીધી રીતે કશું કહેતા જ નથી, વ્યંગમાં જ કહે છે.

ઈ.સ. ૧૯૭૭ના મે માસમાં એચ. કે. આર્ટસ કોલેજમાં સ્ટ્રકચરાલિઝમ અંગે સેમિનાર હતો. આ સેમિનારના સંચાલક હરિવલ્લભદાસ ભાયાણી હતા. તેમણે ત્રણ-ચાર દિવસ પ્રોફેસરો સાથે ખુલ્લા મને ચર્ચાઓ કરી, ખુલ્લા ગળે હસ્યા. પછી તેમને બહારગામ જવાનું હોઈ છેલ્લા બે એક દિવસ માટે સેમિનારનું સંચાલન યશવંત શુક્લને સોપાયું ત્યારે રઘુવીરે યશવંતભાઈની હાજરીમાં જ કહેલુંઃ ‘હવે રાષ્ટ્રપતિશાસન શરૂ થશે!’

વચ્ચે ઉમાશંકરની એક કવિતા સંસ્કૃતમાં છપાયેલી, જે રઘુવીરને બરાબર નો’તી લાગી. કવિતા છપાયાના અઠવાડિયા પછી રઘુવીરને ઉમાશંકરને ત્યાં જવાનું થયું. ઉમાશંકરની એ નબળી કવિતા પોતાને નથી ગમી એમ કહેવાને બદલે તેમણે ઉમાશંકરને પૂછ્યું – ‘આ કવિતા તો તમે તમારા કાવ્ય – સંગ્રહમાં નહિ જ લો ને?’

સારિકાના ડિસેમ્બર ૧૯૬૭ના અંકમાં તેમણે લખેલું કે મધુરાય અગાઉ આવ્યો ત્યારે રે-મઠમાં ગયેલો. ત્યારથી રે-મઠવાળા તેને સારો વાર્તાકાર માનવા માંડ્યા છે. સ્નેહરશ્મિની ઊંઘ વિશે તેમણે ક્યાંક નોંધેલું કે સ્નેહરશ્મિ જમતી વખતે બે કોળિયાની વચ્ચે પણ ઊંધી શકે છે.

રઘુવીર જે કોઈનો ઉલ્લેખ પોતાના વક્તવ્ય કે લખાણમાં કરે છે એના પર કટાક્ષનું એકાદ તીર છોડ્યા વગર રહી શકતા નથી. કેટલીકવાર તેમના વ્યંગ બિલકુલ અંગત ને કડવા હોય છે ને જેને વિશે થયા હોય છે તેને હાડોહાડ લાગી જાય છે. સારિકામાં મધુ રાયના અંગત જીવન વિશે તેમણે કરેલો ઉલ્લેખ વાંચીને મધુ દુઃખી દુઃખી થઈ ગયેલો, થોડો ક્રોધે પણ ભરાયેલો. જીવનમાં જે કેટલાંક સત્યો જાહેરમાં ન આવે એવું માણસ ઈચ્છતો હોય એ સત્ય પ્રજા સમક્ષ છતાં કરીને ક્યરેક તે કોઈને મુશ્કેલીમાં મૂકી દે છે. આની પાછળ રઘુવીરનો કોઈ મેલિસ કામ કરે છે એવું નથી. તેને મન એ એક ગમ્મત, ટીખળ કે પછી આ બધાની ફલાણિ-ઢીંકણી વાતો પણ હું જાણું છું એવો શો કરવા સિવાય લાંબો અર્થ પણ નહિ હોય, કદાચ; પણ કોઈ વાર એ ઈન્ડીસેન્ડ કે રસ્ટિકગ્રામ્ય – લાગે છે. જેમ કે દિગીશ મહેતા વિશે લખતાં રઘુવીરે ટાંકેલું કે આઘેથી જોતાં દિગીશની પત્ની હાઈટમાં તેમના કરતાં થોડી ઊંચી લાગે છે (દિગીશની માનસિક ઊંચાઈ ખાસ્સી વધારે છે એની રઘુવીરને ખબર છે ને?)

અને એ પણ ખરું કે જેટલી સહેલાઈથી રધુવીર અન્યની મજાક કરી શકે છે એટલી આસાનીથી પોતાના પરનું ટીખળ ખમી શકતા નથી. નિર્ભેળ મજાક માટેનું તેમનું વ્યક્તિત્વ છે જ નહિ. પોતાના પરની રમૂજથી તે જલદી છંછેડાઈ જાય છે. દ્રારકામાં લાભશંકર સાથે જે હાથાપાઈ થઈ ગયેલી તેનીય શરૂઆત તો મજાકથી જ થયેલી. ઉમાશંકર કુલપતિની ચૂંટણી લડ્યા ત્યારે રઘુવીરે તેમના માટે કામ કરેલું એ વાત આગળ કરીને લાભશંકરે મશ્કરી શરૂ કરેલી, ઉમાશંકરના વિજયોલ્લાસમાં ઊછળેલા ગુલાલના ડાઘ હજુય તમારા બુશટ પરથી ગયા નથી. એવું કહીને તેમનું બુશટ લાભશંકરે ખેંચ્યું ને તેમણે ચિડાઈ જઈને લાભશંકરને મુક્કો લગાવી દીધો.

વચ્ચે થોડા સમય પહેલાંય લાભશંકર પર તે છેડાઈ ગયેલા. વાત એવી હતી કે આર્ટિસ્ટ – પોએટ્સ (શિવ પંડ્યા, માધવ રામાનુજ વગેરે જેવા ચિત્રકાર- કવિઓ) ના કાવ્યવાચનનો કાર્યક્રમ રાખવામાં આવેલો. બધું અનૌપચારિક રીતે ચલાવવાની ઈચ્છાથી લાભશંકરે કાર્યક્રમને હળવો બનાવી દીધેલો. કોઈ કવિ બેસીને, કોઈ સૂતોસૂતો કે કોઈ રાગડા તાણીને ગાય, ને એવી ગમ્મતનો મૂડ ચાલતો’તો. લાભશંકરે રઘુવીરને કહ્યુંઃ ‘હવે તમારી પેલી નવલ-ત્રયીમાંની એકાદ નવલકથા ફટકારી દો.’ બધા હસવા માંડ્યા એટલે નારજ થઈ જઈને રઘુવીર બોલ્યા, ‘કવિતાને હું ગંભીર પ્રવૃત્તિ લેખું છું ને તેમણે પોતાનો ચહેરો તથા અવાજ વધારે ગંભીર કરી નાંખેલા.’ ત્યાં હાજર રહેલામાંના કેટલાકને એ ક્ષણે લાગ્યું હશે કે દ્રારકામાં ભજવાયેલા ખેલનો ઉત્તરાર્ધ જોવા મળશે, પણ એ લોકોને નિરાશા સાંપડી. એવું કશું જ થયું નહિ. રઘુવીરનો આ એક વિરલ ગુણ છે. લાભશંકર સાથે દ્રારકામાં મારામારી કર્યાની દસ જ મિનિટ પછી રઘુવીર તેની સાથે સિગારેટ પીવા બેસી ગયેલા.

તે કશું આડુંઅવળું બોલી નાખે ને કોઈ તેમનાથી દુભાય તો તેની પાસે જઈને મનાવી પણ લે. યશવંત શુક્લ એક વરસ માટે ઉપકુલપતિ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગયા એ અરસમાં પ્રા. ચિનુભાઈ નાયક સાથે રઘુવીરને મોટી તકરાર થઈ ગઈ. વાત એટલે સુધી વધી ગઈ કે ચિનુભાઈ કોલેજ છોડવા સુધી તૈયાર થઈ ગયા. પછી યશવંતભાઈ આવ્યા ને આ વાત જાણીને રઘુવીરને બોલાવ્યા. રઘુવીરને પોતાની ભૂલ જણાતાં તેમણે સોરી પણ કહી દીધું.

જો કે આમ તો એ હઠીલા છે. જલદીથી વળે નહિ. તેમને લાગે કે પોતાનો મુદ્દો સાચો છે તો એ મુદ્દા પર બાંધછોડ ન કરે, લડી લે. એ રીતે જોવા જઈએ તો તે વીરરસના માણસ છે. તેમણે નોકરીઓ બદલી એની પાછળેય આવાં કારણો જ છે. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં તે ભણતા’તા ત્યારે ચીમનભાઈ પટેલ (નવનિર્માણવાળા) એ કોલેજના અર્થશાસ્ત્રના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા, ત્યાંથી એસ.વી. કોલેજના પ્રિન્સિપાલ થવા જતા’તા ત્યારે કોલેજના ફાધરના વિરોધ વચ્ચેય તેમણે ચીમનભાઈનું સન્માન કરેલું.

પણ પછી ચીમનભાઈની કાર્યરીતિઓ પસંદ નહીં પડવાથી પૂર્વરાગ નામની પોતાની નવલકથામાં તેમની વિરુદ્ધ લખ્યું. ચીમનભાઈ પૂછ્યું તો સ્પષ્ટપણે કહી પણ દીધું; ‘હા, તમારી વિરુદ્ધ લખ્યું છે. તમારા કાર્યોથી મને અસંતોષ છે, માટે.’ ચીમનભાઈ ટ્રસ્ટી મંડળના એક ટ્રસ્ટી હતા એટલે પછી વિદ્યાપીઠમાં એવો ઠરાવ આવ્યો કે દરેક પ્રાધ્યાપક – લેખકે વિદ્યાપીઠના સંચાલકોને બતાવ્યા પછી જ મેન્યુસ્ક્રિપટ છાપવા આપવી. રઘુવીર ત્યારે વિદ્યાપીઠમાં પ્રાધ્યાપક હતા. એમણે પોતાની ‘અમૃતા’ નવલકથા લખેલી તે સંચાલકોને બતાવી નહિ અને ચોખ્ખું કહી દીધું કે ‘હું નહિ બતાવું.’ ફોર્મેલિટી ખાતર અરધો કલાક માટે આપવા મહામાત્રે કહ્યું – ‘અરે, દૂરથી બતાવશો તોય ચાલશે’ એવુંય કહ્યું, પણ રઘુવીરે પરખાવી દીધું, ‘મહામાત્રને ન અપાય. નવલકથમાં એ શું સમજે? હા, હજી કોઈ સાહિત્યકારે માગી હોય તો પ્રેમથી બતાવું. કોઈ ઠેકાણે ભૂલ બતાવે તો સુધારીય લઉં, પણ અહીં લેખકના સ્વાતંત્ર્યનો, સ્વમાનનો સવાલ છે. હું સરેન્ડર થાઉં તો પછી એ સૌના માટે સ્વીકાર બની જાય. હું તે ન કરી શકું. કદાચ નોકરી છોડવાનું પસંદ કરું, પણ…’

અને છોડી. વિદ્યાપીઠની નોકરી છોડીને બી.ડી. કોલેજમાં ગયા. ચારેક વર્ષ કામ કર્યું. ત્યાં કંઈ જામ્યું નહિ એટલે એ કોલેજ પણ છોડી. શિક્ષણક્ષેત્ર છોડીને ખેતી કરવાનું મન થયું એટલે પોતાને ગામ બાપુપુરા ગયા. કપાસ વાવવા ખાતર નાખ્યું. ત્યાં વળી એચ. કે. આર્ટસ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી મળી ગઈ. ખેતી મૂકી દીધી. બળદને છૂટા મૂકીને પોતે શિક્ષણમાં જોતરાયા. હિંદીના પ્રોફેસર તરીકે તે એચ.કે. માં જોડાયા ત્યારે તેમનાથી જૂની નોકરીવાળા (એ રીતે સિનિયર) પ્રોફેસર અરવિંદ જોષીને ચિંતા પેઠી. રઘુવીરે તેમની ચિંતા જાણીને તરત જ કહી દીધુંઃ ‘મારે કારણે તમારા હિતને નુકશાન નહિ થવા દઉં.’

વર્ષ ૧૯૭૭માં સંખ્યાધિક પ્રાધ્યાપકો તરીકે રઘુવીર તથા જોષીને નોટિસો મળી ત્યારે બેમાંથી એકને જવું પડે એમ હતું. ડ્યુરેશન ઓફ સર્વિસ – કન્ટીન્યૂઈટી ઓફ સર્વિસ – જોતાં જોષી સિનિયર ગણાય, ને ડિપાર્ટમેન્ટના હેડ તરીકે રઘુવીર સિનિયર હતા. આ મુદ્દા પર કોઈની તરફદારી ન થઈ જાય એ માટે આચાર્ય યશવંતભાઈએ સરકારમાં પૂછાવ્યું. જવાબ આવ્યો કે ડિપાર્ટમેન્ટલ હેડ હોય તેને જ સિનિયર ગણવો. અરવિંદ જોષીને ઘેર જવાનો વારો આવ્યો. રઘુવીરની નોટીસ પાછી ખેંચાઈ. રઘુવીરે કાચી ક્ષણમાં જ રાજીનામું આપી દીધું. જોષી કોલેજમાં લેવાઈ ગયા. કોલેજમાં આવ્યા ત્યારે રઘુવીરે જોષીને આપેલું વચન પાળ્યું.

રઘુવીરનો આજ મિજાજ છે. આગળ કહ્યું તેમ ચૌધરીનું કોમનું ખમીર તેમની રગેરગમાં વ્યાપેલું છે. તે કોઈનીય પીઠ પાછળ ઘા કરે, કોઈને દગો કરે એ વાત મારે મન કલ્પનાતીત છે. ગૌરવ વિશેનો તેમનો ખ્યાલ ઘણો ઊંચો છે. તે, અલબત્ત મહત્વાકાંક્ષી છે. છતાં કશું મફતમાં કે સસ્તામાં પડાવી લેવાનું તેમને ખપતું નથી. ઈચ્છેલું મેળવવા તે પૂરતો શ્રમ કરશે.

કોઈએ તેમને ભૂતકાળમાં નુકશાન કર્યું હોય છતાં એ મુશ્કેલીમાં છે એવું જાણે તો તે ઝાલ્યા ન રહે. રઘુવીર માટે એક કવિએ અગાઉ ઘણું ઘસાતું લખેલું. તણ રઘુવીરે તેને મુશ્કેલીમાં જોયો કે તરત જ તેને નોકરી અપાવી.

મિત્રો સાથે લડવું હશે ત્યારે લડી લેશે, જરાય કચાશ નહિ રાખે; પણ પછી જરૂર પડ્યે એ મિત્રનું કામ પણ એટલા જ દિલથી કરશે. એમાં પણ પાછી પાની નહિ કરે. ઉમાશંકર એકવાર તેમને ત્યાં ગયેલા. રઘુવીર ત્રીજા માળે રહે. પેટના દુઃખાવાના કારણે ઉમાશંકર દાદર ચડી શકે એમ નહોતા. રઘુવીર તેમને ઊંચકીને ઉપર લઈ ગયેલા. (કેટલું બધું જ્ઞાન રઘુવીર ઊંચકી શકે છે!) રાવજી મૃત્યુની નજીક સરકી રહ્યો હતો ત્યારે રઘુવીરે શબ્દાર્થમાં કહી શકાય એવી ચાકરી કરેલી. રાવજીના મોટાભાઈ બનીને માંદગીમાં ખડે પગે ઊભા રહેલા.

રઘુવીર કોઈ પણ વ્યક્તિ પર કટાક્ષ કરશે ખરા, પણ તેની સાથેના વ્યવહારમાં ઉષ્મા એની એ જ રહેવાની. સંપર્કમાં આવેલા ઘણાખરા માણસોની નબળી કડી તે જાણતા હોય છે એટલે એના પર કટાક્ષ કરવાનો લોભ ભાગ્યે જ છોડી શકે છે. જ્યોતીન્દ્ર દવેની મોક-કોર્ટ અમદાવાદમાં ગોઠવવામાં આવેલી. આ માટે બ્રોકર ખાસ મુંબઈથી આવેલા. તેમનો મત એવો હતો કે સ્ક્રિપ્ટ જેવું કશું તૈયાર કર્યું હોય તો કાર્યક્રમ વધારે જામે; જ્યારે રઘુવીરે કહ્યું કે આવામાં સ્ક્રિપ્ટ જેવું કશું હોય જ નહિ, પડશે એવા દેવાશે જેવું રાખીયે તો કાર્યક્રમમાં વધારે રંગત આવે. જોકે પછી એ કાર્યક્રમ ઘણો જ નિષ્ફળ ગયેલો, પણ રઘુવીરના ચબરાકીભર્યા જવાબોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરેલા; આ મોક-કોર્ટના જજ તરીકે પ્રિન્સિપાલ એસ. આર. ભટ હતા. રઘુવીરને (જ્યોતીન્દ્રના વકીલ તરીકે) કેટલાંક સવાલો મેં પૂછ્યા અને કેટલાંક એસ. આર. ભટસાહેબે પૂછ્યા. ભટસાહેબના દરેક સવાલના જવાબમાં રઘુવીર જાણીબૂજીને સ્ત્રીનો ઉલ્લેખ કર્યા કરે. ભટસાહેબે અકળાઈને રઘુવીરને પૂછ્યું; ‘વેલ મિ. ચૌધરી, દરેક પ્રશ્નના જવાબમાં તમે સ્ત્રીઓની વાત શા માટે વચ્ચે લાવો છો?’

‘તમને, સાહેબ, એથી આનંદ આવે છે એની મને ખબર છે, એટલે…’ રઘુવીરે જવાબ આપ્યો.

રઘુવીર લોકોને રાજી કરવા કરતાં નારજ કરવામાં વધારે રાજી થાય છે. એક વખત ઈન્ડિપેન નહિ જડવાથી મારા એક પુસ્તકનો રિવ્યૂ તેમણે તલવારથી લખેલો. રિવ્યૂ પ્રકટ થયા પછી રઘુવીર મળ્યા. પૂછ્યું, ‘વિશ્વમાનવમાં તમારા પુસ્તકનો રિવ્યૂ કર્યો છે એ તમે જોયો ને?’

‘હા, જોયો…’ મેં કહ્યું.

‘બરાબર હતો?’ ખંધું હસતાં તેમણે પૂછ્યું.

‘સારો હતો.’ મેં પ્રત્યુત્તર વાળ્યો. પણ મારા આ જવાબથી તેમને સંતોષ ન થયો. ત્રણેક દિવસ પછી ફરી મળ્યા ત્યારે પૂછ્યું; ‘પેલો રિવ્યૂ તમને કેવો લાગ્યો?’

‘સારો લાગ્યો છે એવું અગાઉ તમને હું કહી ચૂક્યો છું.’

‘તમને માઠું ન લાગ્યું?’

‘એમાં માઠું શું લાગે? તમને જે લાગ્યું હશે એ જ લખ્યું હશે ને?’

એટલે મને માઠું લગાડવામાં નિષ્ફળ જવાને લીધે તે થોડાક દુઃખી થયેલા ખરા.

આ રઘુવીરને પણ આપણે મર્યાદા પુરુષોત્તમ જ કહીશું; કેમ કે તેમનામાં સામાન્ય માણસમાં હોય એવી અનેક નબળાઈઓ હોવા છતાં ઉત્તમ માણસમાં હોવા જોઈએ એવા કેટલાંક લક્ષણોય મોજૂદ છે. આપણી પાસે તેમની એક જ માંગ રહે છે; સ્વીકારની. ને એક વાર તેમને સ્વીકાર્યા પછી આપણી તમામ જવાબદારીઓ તે પોતાને શિરે લઈ જશે… અને જો તમે તેને પહેલો નંબર આપી દેશો તો તમને બીજો નંબર આપવામાં તે જરાય ખચકાટ નહિ અનુભવે. હા, તેમની પાસે પહેલો નંબર મેળવવાની આશા તમે ક્યારેય ન રાખી શકો, – સિવાય કે તે પોતે જ પોતાનો ક્લેઈમ પાછો ખેંચી લે. આ વાતની સારી પેઠે જાણ હોઈ રઘુવીરને હું પેલા નંબરનો હાસ્યલેખક ગણું છું. આની તેમને ખબર પડી ગઈ હોય કે ગમે તે કારણ હોય, પણ મારી કુંડળી તેમણે જોવા માગી છે. હું સફળ હાસ્યકાર કેવી રીતે થઈ શક્યો એનું તેમને ભારોભાર આશ્વર્ય છે. (તેમની કુંડળીમાં છે એવા ગ્રહો જો બીજા કોઇની કુંડળીમાં હોય તો ગ્રહો સાથેય તે ઝઘડો કરી નાખે ખરા.) જ્યોતિષ એ સારું જોઈ શકે છે. જ્ન્માક્ષરો પણ અનેક લેખકોના તેમણે બનાવી આપ્યા છે ને ગ્રહો કોઈપણ જાતની બાઘાઈ નહીં કરતાં તેમના ગણેલા ગણિત પ્રમાણે જ ચાલશે તો તેમણે કરેલી આગાહી ખોટી નહિ પડે એવું તે દઢપણે માને છે.

ક્યા ગ્રહને કારણે હશે એ ખબર નથી, પણ તેમનામાં લૌકેષણાનું તત્વ, તાળીઓ મેળવવાની તાલાવેલી પણ એટલી જ પ્રબળ છે. એ તત્વને લીધે કોઈને એમ્બેરેસિંગ પોઝિશનમાં મૂકાઈ જવું પડે એવુંય ક્યારેક બને છે. તેમને ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક વિતરણનો સમારંભ વર્ષ ૧૯૭૭માં ઉજવાયેલો. પોતે ગુજરાતી સાહિત્ય પરિષદમાં મંત્રી હોઈ રઘુવીરની ઈચ્છા પરિષદને અર્પણ કરવાની હતી. મિત્રોએ તેમને સલાહ આપેલી કે ઈનામ પરત કરવું હોય તો પછીથી તેની જાહેરાત કરજો; સમારંભ ટાણે કશું ન કરતાં ઈનામ ચૂપચાપ લઈ લેજો, પણ ઇનામનું કાવર મળ્યું કે તરત જ તેમણે જનમેદની વચ્ચે, પચીસ રૂપીયા ઉમેરીને પરિષદને એ ઇનામ પાછું આપી દીધું. લોકોએ તાલીઓ પાડીને તેમના આ પગલાને વધાવી લીધું. તેમના પરિષદનું જ્યોતિન્દ્ર દવે પારિતોષિક લેવાનો વારો મારો હતો. મારા માટે મુશ્કેલી ઊભી થઈ. ઈનામ રાખી લેવું કે પછી રઘુવીર જેવું કરવું! રઘુવીરે રૂપીયા પચીસ ઉમેર્યા એમ હું મારા ઈનામમાં સો રૂપિયા ઉમેરીને પરિષદને અર્પણ કરું તોયે તેમના પગલે ચાલવા જેવું જ થાય. એટલે જ પછી મારે કહેવું પડ્યું; ‘ઘરેથી નિકળ્યો ત્યારે બૈરાંએ તાકીદ કરેલી કે ખબરદાર જો ઈનામમાં મળેલી રકમમાંથી એકપણ પાઈ પણ ઓછી લાવ્યા છો તો… એટલે રઘુવીરને પગલે ચાલી શકું તેમ નથી. (આ વાત જાણ્યા પછી લાભશંકરે મને કહેલું; ‘પરીષદને તમે એ રકમ પાછી ન આપી એથી હું બહું ખુશ થયો છું. તમારી જ્ગ્યાએ હું હોત તો જાહેરમાં કહેત કે આ પૈસાનો હું દારૂ પીશ કે પછી મારા ગામની ભાગોળે મદ્યનો હવાડો બનાવડાવીશ, પણ આમાંથી પાઈ પણ પરિષદને હું હરગિજ નહિ આપું.’ – બાય ધ વે, લાભશંકરના કાવ્ય સંગ્રહ, ‘વહી જતી પાછળ રમ્ય ઘોષા’ને પરિષદનું ઈનામ મળ્યું એ પૈસાનો હવાડો તેમણે પાટડીની ભાગોળે કરાવ્યો છે કે નહિ એ બાબત પૂછવું પડશે.)

પણ રઘુવીર આમ તો સૌષ્ઠવપ્રિય માણસ છે. સૌષ્ઠવ વિશેના તેમના ખયાલો ઊંચા છે. યશવંતભાઈને પણ તે બેધડક પણે કહી શકે છે; ‘સાહેબ, ફલાણું બુશ શર્ટ ન પહેરશો, સારું નથી લાગતું.’ જોકે પોતે એટલા બધાં સારા કપડાં નથી પહેરતા, પણ બીજા લોકો પહેરે એ તેમને ગમે છે. કપડાં બાબત મિત્રોને ક્યારેક તે ટકોરે છે, પણ કોઈ મિત્ર તેમને કહી શકતો નથી, ‘તમે ખાદીના બુશ શર્ટની નીચે ટેરીકોટનનું પેન્ટ પહેરીને શા માટે બંને નો કચરો કરો છો?’ તે જેમ મિત્રોને ટપારે છે તેમ મિત્રો એ તેમને ટકોરતા રહેવું જોઈએ. મારા મતે રઘુવીરને જો ચેતવા જેવું હોય તો માત્ર એક જ વ્યક્તિથી છે – રઘુવીર ચૌધરીથી.

– વિનોદ ભટ્ટ


Leave a Reply to Triku C MakwanaCancel reply

9 thoughts on “રઘુવીર ચૌધરી – વિનોદ ભટ્ટ

  • Vishnu bhaliya

    ખુબ જ સરસ અને ઉમદા લેખ….વાંચી ને કાંઈક અનેરો આનંદ મળ્યો…રઘુવીર ચૌધરી ને હવે તો વાંચવા ઉત્સુક છું….

  • Dhaval Soni

    બહુ સુંદર… મોભાદાર વ્યક્તિત્વ વિશે વિનોદભાઇની કલમે જાણવાની મજા જ કઈંક અલગ રહી.. વચ્ચે વચ્ચે ક્ટાક્ષ અને હળવા હાસ્ય સાથે રઘુવીરસરનો આટલો સરસ “એક પણ લાક્ષણિકતાં ચૂક્યા વગરનો” વિસ્તૃત પરિચય આપવા બદલ વિનોદભાઈનો આભાર અને અક્ષરનાદનો આભાર માનીએ એટલો ઓછ છે..

  • Hitesh

    બહુ જ સરસ માનસ ચિત્ર દોરવા માતો વિનોદ બટ્ટનો આભાર.

  • Triku C Makwana

    સરસ માહિતિ સભર અને મનને પ્રફુલ્લિત કરે તેવો લેખ.

  • Kalidas V. Patel { Vagosana }

    મારા ખોબા જેવડા નાનકડા ગામ વાગોસણાથી માત્ર આઠ કિલોમીટરની ત્રિજ્યા ઉપર આવેલાં બે ગામ — સોજા, તા. કલોલ, જિઃ ગાંધીનગરના … સ્વ. ભોળાભાઈ પટેલ અને બાપુપુરા, તાઃ માણસા, જિઃ ગાંધીનગરના … શ્રી. રઘુવીર ચૌધરી ને સાહિત્યનો શ્રેષ્ઠ ઍવોર્ડ ” ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ ” મળેલ છે તેનું અમને સૌને ગૌરવ છે. શ્રી. રઘુવીર ચૌધરી એક સમયે સ્વ. ભોળાભાઈના શિષ્ય હતા.
    આવો જ સુભગ સયોગઃ — ઈડરની સ્કૂલમાં સાથે ભણતા અને બાળગોઠીયા એવા સ્વ. ઉમાશંકર જોશી અને સ્વ. પન્નાલાલ પટેલને આ ઍવોર્ડ મળેલો છે.
    સ્વ. પન્નાલાલ પટેલ માત્ર ધો. ૮ પાસ હતા ! — અને તેમની લખેલી ” મળેલા જીવ ” નવલકથા B.A. ના અભ્યાસક્રમમાં હતી !
    મારા ગામ વાગોસણાથી માત્ર આઠ કિલોમીટરની ત્રિજ્યામાં પ્રકાશતા આપણા સાહિત્યિક ઘર દીવડાઓની માહિતીઃ

    ૧. વાગોસણા શ્રી. સાંકળચંદ જે. પટેલ { સાં જે પટેલ } શ્રેષ્ઠ બાલસાહિત્યકાર અને રાષ્ટ્રપતિ ઍવોર્ડ વિજેતા ધોઃ ૮ સુધી અભ્યાસ પણ ૧૦૦
    થી વધુ પુસ્તકો આપ્યાં છે. મહારાષ્ટ્રરાજ્યનાં પાઠ્યપુસ્તકોમાં તેમના પાઠ છે.
    ૨. વાગોસણા ડો. શ્રી. લલિત પોપટલાલ કાલિદાસ પટેલ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા — મેડીસીન ક્ષેત્રે અમેરિકામાં મહત્વનું સંશોધન.

    ૩. જામળા, તાઃ કલોલ સ્વ. ડો. મફત ઓઝા મોટા ગજાના લેખક અને તાદ્યર્થ માસિકના કર્તાહર્તા.

    ૪. સોજા , તાઃ કલોલ સ્વ. ભોળાભાઈ પટેલ જ્ઞાનપીઠ ઍવોર્ડ વિજેતા, મોટા ગજાના લેખક તથા ૮ થી વધુ ભાષાના જાણકાર.

    ૫. નાદરી, તા.જિઃ ગાંધીનગર શ્રી. ભગીરથ બ્રહ્મભટ્ટ મહાન નિબંધકાર તથા લેખક

    ૬. રૂપાલ, તા.જિઃ ગાંધીનગર શ્રી. રાધેશ્યામ શર્મા કવિ, લેખક અને મોટા વિવેચક

    ૭. જમિયતપુરા તા.જિઃ ગાંધીનગર જમિયત પંડ્યા મોટા ગજાના લેખક

    ૮. પાનસર તા.કલોલ, જિઃ ગાંધીનગર સ્વ. જય ગજ્જર મોટા પત્રકાર, કટારલેખક, તથા મોટા લેખક

    ૯. બાપુપુરા તા. માણસા શ્રી. રઘુવીર ચૌધરી જ્ઞાનપીઠ ઍવોર્ડ વિજેતા, મહાન નવલકથાકાર અને સાહિત્ય પરિષદના પ્રમુખ.

    કાલિદાસ વ. પટેલ { વાગોસણા}

  • Darshana bhatt

    “વિનોદની નજરે ” રઘુવીર ચોઉંધરીને જોવાની મજા પડી.ઉચાં ગજાના સાહિત્યકાર
    તરીકે તો વર્ષોથી તેમને વાંચ્યા હતા.સ…રસ વ્યક્તીપરીચય.

  • સુરેશભાઈ ત્રિવેદી

    બહુ જ સરસ લેખ.
    મા. રઘુવીરભાઈની નવલત્રયી વાંચી, ત્યારે જ તેઓ ઊંચા ગજાના સાહિત્યકાર છે, તે પ્રતીતિ થઇ ગયેલી. પરંતુ તેમના સ્વભાવ અને ખાસિયતો વાંચવાની મજા પડી ગઈ અને તેમાંય તે બધું જયારે ‘વિનોદ ભટ્ટની નજરે’ હોય યારે તો કમાલની વાતો જ હોય. આટલો સરસ લેખ વાંચવા માટે ઉપલબ્ધ કરાવવા બદલ અભિનંદન.
    -સુરેશભાઈ ત્રિવેદી