યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૧૭)


ગતાંકથી આગળ…

Who Walk Alone - Cover Front-LR

સેબુથી પાંચમી તારીખે એક બોટ નવા દરદીઓને લઈને આવવાની હતી. એ જ બોટમાં થોડાં અઠવાડિયાંથી ક્યુલિઅન આવેલા રેવરેન્ડ હડસન, મનિલા જવા માટે રવાના થવાના હતા. જવાના થોડા દિવસો પહેલાં જ એ મારી વિદાય લેવા આવી ગયા.

ઘર પાસેના એક ખુણે, ખોળામાં મોટો લડાયક કુકડો લઈને એક ખૂણે પલાઠી મારીને બેઠેલો ટોમસ અમને દેખાયો. એક મા પોતાના બાળકને પંપાળીને ગીત સંભળાવતી હોય, એમ ટોમસ કુકડાનાં પીછાં ઉપર લયબદ્ધ રીતે હાથ ફેરવતાં-ફેરવતાં, કંઈક ગણગણતો હતો.

“વાહ, બહુ મજાનો કુકડો છેને, ટોમસ! ક્યાંથી મળી ગયો તને!”

“મિ. ફર્ગ્યુસને મારા જન્મદિવસે ભેટમાં આપ્યો છે. મારા પર બહુ જ પ્રેમ રાખે છે એ હંમેશા!”

હું થોડો મુંઝાઈ ગયો. ટોમસે આજ સુધી મારા માટે જે કંઈ કર્યું હતું, હું તો એનો બદલો વાળી શકું એમ હતો જ નહીં. ટોમસ માટે એનો પોતાનો જન્મદિવસ એ જાણે શોકનો પ્રસંગ બની જતો હતો. એને ખુશ કરવા માટે અમારા પડોસી હિલારિઓ લા રોસા પાસેથી મેં એક કુકડો ખરીદીને એને આપ્યો હતો. એને તો એ બહુ જ ગમ્યું હતું. જો કે જન્મદિવસની સવારે એ ખૂબ ધુંધવાતો ઊઠ્યો હતો, પણ જેવી એને ખબર પડી કે આ કુકડો હું એના માટે લાવ્યો છું, કે બસ! એ પોતાના ઘરને, એની માને, બહેનને પણ ભૂલી ગયો! એક કુકડો આથી વધારે તો શું કરી શકે બીજું! નવરાશની પળેપળ ટોમસ પોતાને ભેટમાં મળેલા એ કુકડાને રમાડતો રહેતો, એને ખવડાવતો રહેતો અને બસ, સાથે લઈને ફરતો રહેતો.

“એને લડાવે છે કે નહીં?” રેવરેન્ડ હડસને પૂછ્યું.

“અરે હા, સાહેબ હા! એને લડવા ન દઉં એવો જુલમ તો હું નથી જ કરતો! યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના સ્વાતંત્ર દિવસે આપણી વસાહતના ચોગાનમાં એ લડવાનો છે.”

“એટલે કે ચોથી જુલાઈના દિવસે, ટોમસ! મને ખબર છે, તમે ફિલિપિનો લોકો રિઝાલના દિવસની જેમ આ દિવસે પણ બહુ ધમાલ કરો છો. મને કારણ જણાવીશ કંઈ એનું?”

“અરે, સાહેબ! એ તો અંકલ સેમ બહુ બહુ મોટા અને શક્તિશાળી વ્યક્તિ છેને, એટલે! અમારા ફિલિપિનો લોકો અને મિ. રિઝાલની જેમ એ પણ હંમેશા આઝાદીની શોધમાં રહેતા હતા. કેટલાંયે મોટાં-મોટાં યુદ્ધજહાજો લઈને એ ફિલિપાઇનમાં આવ્યા હતા, અને સ્પેનિશ જહાજોને એમણે ડૂબાડી દીધાં હતાં. ફિલિપિનો લોકોને એમણે સંદેશો આપેલો, કે “હવે તમને હું આઝાદ થતાં શીખવીશ. હું તમને અંગ્રેજી ભાષા શીખવીશ, સારા અમેરિકન નાગરીક બનતા શીખવીશ, અને સમય આવ્યે તમે આઝાદ થવાનું પણ શીખી જશો.” ચોથી જુલાઇએ અમેરિકનો બહુ ધમાલ કરે છે, તોપમારો કરે છે, અને બોસ્ટન ટી પાર્ટીને યાદ કરીને ખુશ થાય છે. બની શકે કે થોડા સમયમાં અમને ફિલિપિનો લોકોને પણ ટી-પાર્ટી કરવા મળે, અને અમને પણ મજા પડે. બસ એટલા માટે જ અમે ફિલિપિનો પણ ચોથી જુલાઈએ અમ ધમાલ કરીએ છીએ.

(બોસ્ટન ટી પાર્ટીઃ બોસ્ટનના નાગરીકોએ ચા પર લાદવામાં આવેલા કરાવેરાના વિરોધમાં, ઇન્ડિઅન્સના વેશમાં બોસ્ટનના કિનારે ત્રણ બ્રિટિશ જહાજો પર હુમલો કરીને ચાની સેંકડો પેટીઓને કિનારે જ ડૂબાડી દઈને ૧૭૭૩માં પોતાની તાકાતનું પ્રદર્શન કરેલું.)

“બરાબર છે, ટોમસ. અમારી શુભેચ્છાઓ તારી અને તારા કુકડાની સાથે જ છે.”

“આભાર સાહેબ, મારો કુકડો જ જીતશે, તમે જોજોને!”

હડસન મારા તરફ ફરીને બોલ્યા. “નેડ, મને એક વાતનું આશ્ચર્ય છે, કે આપણે હજુ સુધી આ ફિલિપિનોને પૂરેપૂરા સમજી નથી શક્યા! ફિલિપિનો સાથે કામ પાડતી વખતે આપણે હંમેશા એ યાદ રાખવું જોઈએ, કે જગતમાં કોઈ પણ પ્રજા, પછી એ ગમે ત્યાં હોય, એમને પોતાની આગવી ટી-પાર્ટીની અપેક્ષા હોય છે. સ્વતંત્રતાની ભૂખ સાર્વત્રિક અને બહુ ઊંડી હોય છે. આ લોકો સાથે આપણે બહુ ધૈર્ય અને સમજદારીથી કામ પાડવું પડશે. આગળ જતાં એમને પણ  સ્વતંત્રતા આપવામાં આવશે. યોગ્ય સમય આવશે ત્યારે સ્વતંત્રતા આપવાનું આપણે એમને વચન આપ્યું છે. એક બાબતનો આપણે ખ્યાલ રાખવો પડશે, કે એ દિવસ આવે, ત્યારે આપણે એમને સાવ નોધારાં છોડી ન દઈએ! એમની સાથે સહાનુભૂતિ રાખ્યા વગર એ કામ થઈ પણ નહીં શકે આપણાથી! મારો જ દાખલો લઈએ આપણે. એક પાદરી તરીકે, એક દેવળના પ્રતિનિધી તરીકે અમે જ્યારે અહીં આવ્યા છીએ, ત્યારે જે લોકોની સેવા કરવા માટે અમે અહીં આવ્યા છીએ એમના તરફ મનનાં દ્વાર ખુલ્લાં રાખીને અને વિવેકબુદ્ધિપૂર્વક અમારે રહેવું જોઈએ. અંગત રીતે હું આ કુકડાની લડાઈ સાથે સહમત નથી થતો. પણ એ બાબત, કુકડાની લડાઈ પ્રત્યે ટોમસની અંદર રહેલા જન્મજાત આકર્ષણને સમજવાની આડે ન આવવી જોઈએ. એ તો સદીઓનો સાંસ્કૃતિક વારસો છે એમનો! એણે હમણાં જ જે કહ્યું એમ, એની સાથે ટોમસની જે સુક્ષ્મ લાગણીઓ જોડાયેલી છે તેની સામે હું સાવ આંખ બંધ કરી ન શકું! એ તો નરી મૂર્ખતા ગણાશે!”

મને હડસન તરફ ખૂબ જ માન થઈ આવ્યું, એક બહુ જ સમજદાર વ્યક્તિના દર્શન મને એમનામાં થયાં હતાં.

*

બીજી જુલાઈનો દિવસ હતો.  વસાહતની શેરીઓમાં ઉત્સવનું વાતાવરણ હતું. ચારે તરફ અમેરિકન અને ફિલિપાઇનના ધ્વજની સાથે લાલ, સફેદ અને વાદળી રંગની પતાકાઓ લહેરાતી હતી. વિંટને મને ઉત્સવમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. જેવો હું વસાહતના સર્વજનિક સભાગૃહમાં પહોંચ્યો, કે તરત જ એક અમેરિકન તરીકે બધાએ મારું સ્વાગત કર્યું.

“કેમ છો, મિ. ફર્ગ્યુસન? જુઓ છોને, વસાહતમાં ચોથી મેની કેવી તૈયારી થઈ રહી છે?”

“કેમ છો, મિ. ફર્ગ્યુસન? હમણાં સ્વતંત્રતા દિવસ આવી જશે. તમે ધ્વજવંદનની તૈયારીઓ કરી લીધી કે નહીં, સાહેબ?”

“હજુ પૂરી નથી થઈ, પણ ચોથી પહેલાં થઈ જશે તૈયારીઓ.” આંબા અને દરિયાકિનારાની વચ્ચે હું ધ્વજવંદન માટે થાંભલો ખોડી રહ્યો હતો. વિંટનની ઓફિસે બહારની પરસાળમાં દરદીઓ સાથે વાતચીત કરતી વખતે, કોઈને શંકા ન જાય એ રીતે, કેટલા દરદી શારીરિક રીતે સક્ષમ છે એ મેં જોઈ લીધું. થોડા દરદીઓ તો દેખીતી રીતે જ નબળા હતા. કેટલાકના આંગળા રક્તપિત્તના રોગને કારણે લાક્ષણિક રીતે વિકૃત થઈ ચૂક્યા હતા, તો કેટલાકના હાથપગ પર જાડા-જાડા પાટા વીંટેલા હતા. પણ એમાં એવા લોકો પણ હતા, જે સશક્ત અને સક્ષમ હતા. રંગભેદ પ્રત્યેની સભાનતા તો હું ક્યારનોય ભૂલી ચૂક્યો હતો. બેઠી દડીના આ ફિલિપિનો લોકોને જોઈને હું ટેવાઈ ગયો હતો. અને હવે તો મારો રંગ પણ એમની જેમ ઘઉંવર્ણો થઈ ગયો હતો. મારી ચામડી હવામાનને કારણે ઘઉંવર્ણી નહોતી પડી ગઈ, પણ એનો રંગ હંમેશ માટે બદલાઈ ગયો હતો!

વિંટને છેલ્લે મને બોલાવ્યો. હું અંદર ગયો ત્યારે એ એક ચબરખી વાંચતા હતા. “તારા કામના સમાચાર છે, નેડ. સારા-માઠા બધા પ્રકારના સમાચાર છે! સાંચોની બહેન નવા દરદીઓને લઈને બોટમાં આવી રહી છે.”

“હં, હશે.” મેં ત્વરાથી જવાબ વાળ્યો. કેરિટા આવી રહી હતી એ વાત છેલ્લા છએક વખતથી મારા સાંભળવામાં આવી હતી. પણ કોઈ ‘ને કોઈ કારણસર એ આવી ન હતી.

“અરે બુઢ્ઢા, એ સાચ્ચે જ આવી રહી છે આ વખતે. બહુ અસાધારણ વ્યક્તિ લાગે છે એ. નૃત્ય શીખવે છે, રમતગમત અને બીજી પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખે છે. બહુ સાધનસંપન્ન તો નથી લાગતા એ લોકો, પણ બહુ સારા માણસો હોય એમ લાગે છે. એની માતા સ્પેનિશ છે. કદાચ તને તો આ બધી ખબર છે…”

“હા, હું એ કુટુંબને ઓળખું છું, અને બોબ મારફતે હું એમના સંપર્કમાં પણ હતો.”

“અને હવે,” વિંટને આગળ ચલાવ્યું. “બીજા સમાચાર. એ જ બોટમાં આરોગ્યખાતાના નિયામક ડૉ. માર્શલ પણ આવી રહ્યા છે. નોકરીમાંથી એમણે રાજીનામુ મુકી દીધું છે, અને આ જ મહીને ફિલિપાઇન છોડીને જવાના છે. આ એમની છેલ્લી મુલાકાત હશે. આ છેલ્લી મુલાકાતે આવવાનો અને બને એટલા વધારે દરદીઓને મળવાનો એમણે આગ્રહ રાખ્યો છે. તને પણ એ મળવા માગે છે. મનિલા જતા પહેલાં થોડા કલાકો માટે જહીં રહેવાના છે. અને… મનિલા ગયેલો આપણો એક કારકુન તારા માટે ખાસ તારા ભાઈનો સંદેશો લઈને આવી રહ્યો છે.”

મારું હૃદય એક ધબકારો ચૂકી ગયું.

“ટોમને કંઈ થયું તો નથી, ખરુંને? એને… રક્તપિત્ત તો નથી થયોને એને?”

“ના, ભાઈ ના. માફ કરજે મેં તને ગભરાવી માર્યો! એ તો ટોમે તારા માટે મોકલેલી ભેટ લઈને આવી રહ્યો છે.”

મને એકદમ રાહત થઈ ગઈ!

“અરે, હજુ બીજા સમાચારો પણ છે! આજે તો સમાચાર પર સમાચાર આવ્યા છે. તારી યોજનાને હું અમલમાં મુકવા માગું છું; છેવટે હું પોતે તો તને આગળ વધવાની મંજુરી આપી જ દેવા માગું છું! અમે તને આટલી મદદ કરી શકીશું. તારી માછલીઓ અમે ખરીદી લઈશું, જો તું માછલી મેળવી શકે તો!  તું જાણે છે એમ, કેટલાક કોન્ટ્રેક્ટ તો અમલમાં છે જ. પણ વસાહતના સ્થિર વિકાસની સાથે-સાથે આપણે વધારે માછલી જોઈશે જ! જો તું માછલી મેળવી શકે, અને એ તાજી હશે, તો આપણે કોઈ આંકડો નક્કી કરીશું. યાદ રાખજે, પૂરતો પુરવઠો પૂરો પાડવાની ખાતરી આપવી પડશે. તું વિગતવાર તપાસ કરી લે, અને પછી મને મળ, એટલે આપણે કરાર બાબતે વિગતવાર વાત કરીશું.”

*

એ નવા અને પ્રોત્સાહક સમાચારે ઉત્તેજિત થઈ ગયેલા મન સાથે હું બહાર નીકળ્યો. બહાર બજારમાં ઉત્સાહનું વાતાવરણ હતું. લાંબા-લાંબા પગથિયા ચડતાં-ચડતાં હું જોવા લાગ્યો, કે મેં મનોમન નક્કી કરી રાખેલા સશક્ત લોકો આજુબાજુ છે કે નહીં. ચોક આખો કાયમની જેમ ભરચક હોવા છતાં એમાંની એક પણ વ્યક્તિ ત્યાં દેખાઈ નહીં. એકાદ કલાક સુધી હું રખડતો રહ્યો. આજુબાજુ આવનારા ઉત્સવની અને કુકડાની લડાઈની વાતો થતી હતી.

“મેં તો સાંભળ્યું છે કે ટોમસ પાસે બહુ સરસ કુકડો છે!”

“તને ખબર છે, એનું નામ શું છે? અમે તો એને જાદુઈ પક્ષી કહીએ છીએ!”

“મિ. ફર્ગ્યુસન, એ લડશે ત્યારે તમે એના પર ખાસ્સા પૈસા લગાવશો, નહીં?”

અને બધા હસવા લાગ્યા. એક છોકરો બોલ્યો, “બિચારો પેડ્રો ગોમેઝ! એનો કુકડો પાંચ વખત ચેમ્પિયન બનેલો. પણ આ વખતે સ્વાતંત્ર્યદિને એને નીચા જોણું થવાનું છે.”

એની બાજુમાં બેઠેલો છોકરો બોલ્યો, “કેટલાની શરત લાગી, બોલ?” હું એની તરફ ફર્યો.

“પાંચ પેસો, જુલિઅન, બોલ, લગાવવી છે શરત?”

જુલિઅને ખિસ્સામાં હાથ નાખીને શરતની રકમ કાઢી, ત્યાં સુધી બધા ટીખળ કરતા રહ્યા.

ટોમસના કુકડા પર કેટલાયે લોકો શરત લગાવી રહ્યા હતા. એ કુકડો હજુ તો એક પણ લડાઈ લડ્યો ન હતો, પણ એનો દેખાવ જ સટ્ટાખોરીને પ્રોત્સાહન આપવા માટે પૂરતો હતો. એક તો ફિલિપિનો લોકો એટલે અઠંગ જુગારિયા, અને એમાં વા વાયા ‘ને નળીયું ખસ્યુંની જેમ વાતો પ્રસરતી ગઈ. એ વાત ચાલતી હતી ત્યાં જ જોઝ ક્રુઝ આવી પહોંચ્યો, અને હું એની સાથે ખસકી ગયો. એને મેં મારા આયોજનની વાત કરી. જોઝ મારા ઘરની નજીક જ રહેતો હતો. મારા ઘરના સમારકામ વખતે પણ એણે મને મદદ કરી હતી.

“એટલે, તમારા કહેવાનો મતલબ એ છે, મિ. ફર્ગ્યુસન, કે આપણે આમાંથી પૈસા કમાઈ શકીએ, અને કાયમ માટે?” એણે શંકાભર્યા અવાજે પુછ્યું.

“પૈસા માટે જ તો આ કરવાનું છે, જોઝ. હા, કદાચ આપણે સફળ ન પણ થઈએ એમાં.”

“પૈસા માટે તો હું કંઈ પણ કરી છુટીશ,” એ ધીમેથી બોલ્યો. “હું બિમાર જરૂર રહું છું, પણ તબીયત એટલી બધી ખરાબ પણ નથી. અને આમ સાવ હાથ પર હાથ ધરીને બેઠા રહેવું? કામ કરી શકે એમ હોય એમના માટે તો આ બહુ જ ખરાબ સ્થિતિ છે. મારાથી થઈ શકે એટલું કામ તો હું કરવા માગું જ છું.  અહીં આવતા પહેલાં ક્યારેક હું બોટ બનાવવાના કામમાં જોડાતો હતો. હા, હું માછીમારી કરી શકું, એમ તો હું નથી કહેતો! તમે મને રાખશો, તો મારાથી બનતું બધું કામ હું કરી છુટીશ.”

“સારું ત્યારે! કાલે મારે ઘેર આવી જજે. મેન્યુઅલ ઝેનિલાને પણ સાથે લેતો આવજે. બીજા થોડા લોકોને પણ હું બોલાવી લઈશ. આપણે વાત કરીશું આ બાબતે.”

મેન્યુઅલ ઝેનિલા એટલે, સેન્ટ લાઝારોમાં અડધી રાતે હું જાગતો હતો અને ટોમસ મને વળગીને બેઠો હતો, ત્યારે મારી સાથે વાત કરનારો પહેલો માણસ! ક્યુલિઅન આવતા એને મોડું થયું હતું, પણ છેલ્લા થોડા મહીનાથી એ અહીં આવી ગયો હતો.

બીજા દિવસે સાંજે જોઝ સૌથી પહેલો આવી ગયો. ઉત્સાહમાં આવીને એ સતત બોલ-બોલ કરતો હતો. “આજે બહુ મહત્વનો દિવસ છે, મિ. ફર્ગ્યુસન. મારે કંઈક કામધંધાની સખત જરૂર છે. “

મેન્યુઅલ પણ એટલા જ ઉત્સાહ સાથે આવી પહોંચ્યો. “આવતી કાલે સ્વાતંત્ર્યદિન છે એ બહુ અર્થપૂર્ણ બાબત છે. આપણી સ્વતંત્રતાની શરૂઆત આપણે અહીંથી જ કરીશું.”

ફેડરીકો આરંગ મારા ઘરથી અજાણ્યો ન હતો. લગભગ બે વર્ષથી એ ટોમસને ભણાવતો હતો. એનું આગમન થાય એટલે બસ, બધાને બહુ મજા પડી જાય! ત્રણ વર્ષ પહેલાની એક ઘટનાએ એના જીવનનું હીર જાણે છીનવાઈ ગયું હતું! એ વકીલ હતો. અમેરિકન ધ્વજ હેઠળના વિસ્તારોમાંની સૌથી જૂની, ૧૬૧૧માં સ્થપાયેલી સેન ટોમસ યુનિવર્સિટિમાંથી એણે વકીલાત પાસ કરી હતી. આ રોગનું નિદાન થયું એ વખતે જ એણે વકીલાત પાસ કરેલી. તરત જ એને પહેલાં તો સેન સાઝારો, અને પછી અહીં ક્યુલિઅન મોકલી આપવામાં આવેલો. હું એને મળ્યો ત્યારે એ રક્તપિત સભાનો અધ્યક્ષ હતો. દરદીઓ દ્વારા ચુંટાયેલા સભ્યોનું એ મંડળ હતું. દરદીઓ માટેની સામાન્ય કલ્યાણ-યોજનાઓ બાબતે વહીવટીતંત્રને સલાહો આપવી એ આ મંડળનું કામ હતું. આ ઉપરાંત, વ્યક્તિગત હક્કો અને ફરજોને લગતી કેટલીક બાબતોની દેખરેખ પણ આ મંડળ કરતું હતું. એના જેટલી દુઃખી વ્યક્તિ મેં ક્યાંય જોઈ ન હતી. વર્ષોની મહેનત દાવ પર લગાવીને મેળવેલા ભણતર પછી, એની પાસેથી એનો વ્યવસાય છીનવાઈ ગયો હતો. એ આવ્યો ત્યારે તો એ ‘મુંગા’ તરીકે જ ઓળખાતો! કોઈની સામે નજર કર્યા વિના, માથું નીચું કરીને એ ચૂપચાપ વસાહતમાં આંટા માર્યે રાખતો, ભાગ્યે જ કંઈ બોલતો! જાતે પસંદ કરેલી ઝુંપડીમાં એ એકલો જ રહેતો હતો. એનું સમારકામ એણે બહુ સુંદર રીતે કર્યું હતું. પોતાનું કામકાજ પણ એ જાતે જ કરી લેતો, રસોઈ સહીતનું! વસાહતમાં એના વિશે એવી વાતો ફેલાયેલી હતી, કે એને જેનું બહુ જ વળગણ હતું એવી એની પત્ની અને બાળકોથી અચાનક જ એણે છુટા થવું પડ્યું હતું! ટોમસને ભણાવવા માટે મેં જેવું એને પૂછ્યું, એવી જ એણે હા પાડી દીધેલી! કમાયેલો એક-એક પૈસો એ પોતાને ઘેર મોકલી આપતો હતો. મેં ભારપૂર્વક આગ્રહ કર્યો એને વશ થઈને સાંજે એ મારે ઘેર આવ્યો પણ ખરો. આવ્યો ત્યારે તો પોતાના મનમાં એ ભારોભાર વિરોધ લઈને આવ્યો હતો, પણ થોડી જ વારમાં એનો એ વિરોધ ગાયબ થઈ ગયો. વાસ્તવમાં, એ એટલો સારો વહીવટકર્તા હતો, કે એ પહેલી બેઠકમાં જ એણે મારા એ નાનકડા આયોજનને બહુ મોટા પાયા પર પહોંચાડી દીધું! એની વાતોથી હાજર રહેલા દરેકને આ કામનું ફલક બરાબર સમજાઈ ગયું! અને એથી પણ મહત્વની બાબત એ, કે એક-બીજા સાથે જે સહકારથી કામ કરવાનું હતું એ વિશે પણ બધાના મનમાં પૂરી સ્પષ્ટતા થઈ ગઈ!

આરંગના કુશળ વિવરણ પછી સૌને પોતપોતાના કામની સમજ પડી ગઈ હતી. બધા ઉત્સાહપૂર્વક આ કામમાં જોડાઈ ગયા હતા. જરૂર પડે એટલા બીજા માણસોની વ્યવસ્થા કરવાની પણ એમણે મને ખાતરી આપી. બે વર્ષના મારા આ ટાપુ પરના જીવનમાં આજે પહેલી વખત લોકોને પોતાના ફાયદાની કોઈ વાતે ઉત્સાહિત થયેલા હું જોઈ રહ્યો હતો. ઉત્સવો અને ઉજવણીઓ તો દેશના નેતાઓના માનમાં યોજવામાં આવતાં હતાં, પણ અહીં તો રક્તપિત્તના દરદીઓમાં એક નવા જ પ્રકારનો ઉત્સાહ વ્યાપેલો હતો! કંઈક મેળવવાની શક્યતા, અને પોતાના અને કુટુંબ માટે બે પૈસા રળવાની એમને તક મળી રહી હતી! ટોમસ અમારા માટે કેક અને નાળિયેરનું ઠંડું દુધ લઈ આવ્યો. છૂટા પડતી વખતે બધા આખી યોજના અંગે ઉત્સાહપૂર્વક વાતો કરતા હતા. આરંગ પોતે પણ જતી વખતે ગર્વ અનુભવ કરતો હોય એવું સ્પષ્ટ દેખાયું. અને મેન્યુઅલની તો વાત જ શું કરવી! વળતાં આખે રસ્તે એ “ધ સ્ટાર સ્પેંગલ્ડ બેનર” (અમેરિકાનું રાષ્ટ્રગીત) ગાતો ગયો.

બધાના ગયા પછી મેં ફરીથી મારા આયોજન પર નજર નાખી. કાગળ પર આયોજનની પ્રાથમીક યોજના તૈયાર કરીને, સૌથી પહેલાં આરંગની, અને ત્યાર બાદ વિંટનની મંજુરી લેવાની હતી. પણ એ રાત્રે ડેંગ્યુ તાવના હુમલાને કારણે મારી બધી જ યોજનાઓ પડી ભાંગી. ચોથી જુલાઇની ઉજવણી પણ મારે જવા દેવી પડી. ડેંગ્યુ તો એક ખતરનાક તાવ છે. શરીર ૧૦૪ તાવમાં ધખતું હતું.  માથું, આંખો, સાંધા અને સ્નાયુઓ કળતાં હતાં. વિંટન ખબ કાઢવા માટે આવી પહોંચ્યા.

“બધી જ યોજનાઓને હાલ બાજુ પર રાખીને તું માત્ર આરામ કર.” એમણે રીતસર હુકમ જ છોડ્યો.

“અમારા ઘરની આજુબાજુ રહેતા નિગ્રો લોકો ‘હાડકાતોડ તાવ’ની વાતો કરતા હતા એ સાંભળેલી,” હું ઉંહકારા કરતો બોલ્યો, “પણ એ આટલો પીડાદાયક હશે, એ મને ખબર ન હતી.”

“એક બે દિવસમાં જ રાહત થઈ જશે. અને શરીર પર ઝીણી-ઝીણી ફોડલીઓ થઈ આવે તો પણ ગભરાતો નહીં. આ તાવમાં એવું થતું હોય છે.”

પડતા ઉપર પાટું મારવા માટે આટલું પૂરતું હતું.

ટોમસ બીચારો મારા તરફની લાગણી અને કુકડાઓની લડાઈ તરફની એની જવાબદારીઓ વચ્ચે પીસાતો હતો. મેં એને પરાણે મોકલ્યો, એમ કહીને, કે મને પણ ‘મિસ્ટરી’, એટલે કે અમારા કુકડાની લડાઈમાં રસ છે. ઉપરાંતમાં શરતમાં લગાવવા માટે મેં એને વધારાના પાંચ પેસો પણ આપ્યા. એ ગયો, અને એના જવા સાથે જ સમય જાણે સાવ થંભી ગયો! લાચાર અવસ્થામાં હું કોઈ અજાણ્યા અને ભ્રામક વિચારોના પ્રદેશની સફરે ભટકતો રહ્યો! કોઈ ઘાતકી રાની પશુ મારા પર પોતાના ધારદાર નખ અને દાંત વડે હુમલો કરતો હોવાનું મને સતત લાગતું રહ્યું. અને એ તીવ્ર વ્યથા વચ્ચેય મને એ છોકરાનો અવાજ સંભળાઈ ગયો!

મિ. ફર્ગ્યુસન! મિ. ફર્ગ્યુસન! અરે, સાહેબ, આપણે જીતી ગયા! આપણે જીતી ગયા!”

હાથમાં કુકડાને પકડીને ટોમસ આવી ગયો હતો. એ એકદમ ખુશખુશાલ દેખાતો હતો.

“આજે તો વસાહતના વિજેતા કુકડા સામે એ લડ્યો છે. કેટલાયે લોકો શરત હારી ગયા. પણ આપણે હાર્યા નથી હં કે! આ લો તમારા પૈસા, સાહેબ. અને હું તો કેટલા જીતી ગયો છું, ખબર છે!”

હું બેઠો થયો. મારું માથું ફાટફાટ કરતું હતું, પણ ભલેને કાલ્પનિક, પણ પેલા ધારદાર નખ અને દાંતો વચ્ચે ભીસાવા કરતાં આ સારું લાગતું હતું.

“શરત લગાવવા માટે તારી પાસે પૈસા ક્યાંથી આવ્યા, ટોમસ!”

“તમે મને જે પૈસા આપો છો એ મેં સાંચવીને રાખી મુક્યા હતા, સાહેબ. મેં એ બધા જ પૈસા લગાવી દીધેલા, કારણ કે હું સારા લડાયક કુકડાને બરાબર ઓળખું છું. મને ખાતરી હતી જ કે આપણે જીતીશું જ!”

“તો, હવે આટલા બધા પૈસાનું તું શું કરીશ, ટોમસ?”

“બસ, એની વાત જ તો કરવી છે મારે તમારી સાથે. પણ તમારી તબીયર સારી નથી. કદાચ મારે કારણે તમને વધારે તકલીફ પડશે.”

“અરે… તું વાત કરે છે, એ તો મને ગમે છે. બોલ, શું કહેતો હતો, ટોમસ?”

“મને થાય છે કે, મુખ્ય અધિકારીને કહીને તમે મારી માને ત્રીસ પેસો મોકલવા માટે વિનંતી કરોને! મારી મા અહીં મુલાકાતીઓ માટેના સમયે મને મળવા આવશે કે કેમ એ પણ પૂછાવી જુઓ. મને ખાતરી છે કે નવા કપડાં નહીં હોય તો એ નહીં જ આવે! મનિલા આવવા માટે અને નવાં કપડાં ખરીદવા માટે આટલી રકમ તો થઈ રહેશે. પાંચ પેસો હું બચાવી રાખવા માગું છું, કારણ કે ‘રિઝાલ ડે’ ઉપર બહુ મોટી લડાઈ થશે. આજની લડાઈમાં ડૉ. ક્રિસોલ્ગો સાથે એમના મહેમાન પણ હતા! એ કહેતા હતા કે એમની પાસે પણ બહુ સરસ લડાકુ કુકડો છે. એ દિવસે એ એને લઈને આવવાના છે. એ સમયે આપણે ફરીથી જીતીશું, અને એટલે જ હું આ પાંચ પેસો રાખી મુકવા માગું છું.”

“અરે, શું વાત છે, ટોમસ! તારા મા આવે ત્યારે, તારે એમને અહીં જ લઈ આવજે હોં કે! હું પણ એમને જરૂર મળીશ. બરાબરને!” એની આંખમાં આંસુ ધસી આવ્યાં. આભારવશ એ મારી સામે જોઈ રહ્યો.

એ સાથે એ કમરાની બહાર ચાલ્યો ગયો. એ પસાર થયો થારે હું એની ઝલક જોઈ રહ્યો. અચાનક જ એણે કુકડાને ખેંચીને પોતાના ગાલ સાથે વળગાડી દીધો!

 “તારો પણ ખૂબ-ખૂબ આભાર!” એ કુકડાને કહેતો હતો, એ મેં સાંભળ્યું.

(ક્રમશઃ)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે તથા આ પહેલાના પ્રસિદ્ધ થયેલ ભાગ અહીં ક્લિક કરીને વાચી શકાય છે.

આપનો પ્રતિભાવ આપો....