મ્હારું અધમ કૃત્ય….! – રક્ષિત દવે 4


“યે છુપે હુએ કોક્રોચોંકો ભી
માર દેતા હૈ”

ટીવી ઉપર વારંવાર
આ જાહેરખબર જોવાને કારણે
તથા
વંદા પ્રત્યે મ્હારામાં પહેલેથી જ રહેલી
એક પ્રકારની
સુગથી ઉબાઈ ગયેલા મેં
કેવળ જાહેરખબરમાં બતાવવામાં આવેલ
પ્રોડક્ટની ખરાઈ કરવાના એકમાત્ર આશયથી
ખરીદેલ સ્પ્રેનો ઉપયોગ
હોળીમાં જેમ ઘેરૈયાઓ અન્યોન્ય ઉપર
પીચકારીથી રંગ છાંટે છે
તેટલા જ ઉત્સાહથી
બાથરૂમની ચારેય દીવાલો
આજુબાજુ અને ઉપર નીચે બધે જ
(ક્યાંય વંદાઓ ન દેખાતા હોવા છતાં પણ)
છાંટી હું બહાર આવી સુઈ ગયો……
માત્ર પાંચ મિનીટ પછી જ
મ્હારા શ્રીમતીજી બાથરૂમમાં પહોંચ્યા અને
એકદમ દોડીને બહાર આવી ગયાં….
અચાનક શું થયું તે જોવા હું પણ બાથરૂમમાં ગયો
ત્યાં જોયું મેં એક અત્યંત વરવું અને બિહામણું દ્રશ્ય
બાથરૂમમાં ખૂણે ખાંચરેથી આવીને પડેલા
જીવન મરણ વચ્ચે ઝોલા ખાતાં…
તરફડતાં ઉંધા પડીને
ધીમે ધીમે મૂંછ હલાવતા એવા નાના મોટા
અનેક વંદાઓ……
યુદ્ધભૂમિમાં પડેલ
યોદ્ધાઓની જેમ આમતેમ
ચારે બાજુ પડ્યાં હતાં….
ક્ષણભર માટે મને થોડું દુઃખ અવશ્ય થયું
પરંતુ પ્રોડક્ટની સફળતાના આનંદમાં ને આનંદમાં
મ્હારામાં રહેલી માનવતા અને વેદનાના તત્વને
સાવ જ ભૂલી જઈને
ફરી પાછો બહાર આવી સૂઈ ગયો….

આશરે દસ-પંદર મિનીટ ઊંઘમાં ને ઊંઘમાં
એક અનેરું દ્રશ્ય
મ્હારી આંખો સામે તરવરી રહ્યું હતું….
મ્હારી આ ઘાતક સ્પ્રે-લીલામાંથી ઉગરી ગયેલા
કેટલાક વંદાઓ
મ્હારા ઓશીકાની આજુબાજુ
ગોઠવાઈને
જાણે મારા ક્રૂર ચહેરા સામે
દયામણી નજરથી જોતા જોતા
આજીજી ન કરતા હોય કે…..

“અમને પણ શું કામ બાકી રાખ્યા..?”

અને સફાળા જાગી ગયેલા મેં
બીજું કાંઈ જ ન કર્યું…
સીધો બાથરૂમમાં ગયો અને
સ્પ્રેની બોટલનો
બારી બહાર ઘા કરી દીધો
કેવળ એક જ આશાથી
કે
મ્હારી ક્રૂરતાનો ભોગ ન બનેલા
આ વંદાઓ
જરૂરથી આ મ્હારા આ
અધમ કૃત્યને
માફ કરી દેશે….

– રક્ષિત અરવિંદરાય દવે


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “મ્હારું અધમ કૃત્ય….! – રક્ષિત દવે

  • shravan

    ગુજરાતી ભાષા આમે ય મરવાના વાંકે જીવી રહી છે ત્યારે — મ્હારું , અમ્હારું , ત્હારું … જેવાં નર્મદના જમાનાનાં સંબોધનો વાપરીને નવાં કન્ફ્યુઝન ઊભાં કરવાનો શો અર્થ છે , ભલા ? આવો શબ્દોનો તોડ-મરોડ બિલકુલ અસ્થાને છે. નવીનતાને નામે પણ નહિ !
    શ્રવણના નમસ્કાર.