જૂહી.. – ઇસ્માઇલ પઠાણ 10


“તમારી લાગણી મીઠી મળી ગઇ
વગર માંગે દુઆ મારી ફળી ગઈ”

સવારથી જ જૂહીનું મન આજે બેચેન હતું જ્યારથી એના દિકરા પરાગના નવા આવેલા ક્લાસટીચરને એ મળી હતી. સતત વિચારોને કારણે માથાની એક એક નસ જાણે હમણાં ફાટી પડશે એવું એને લાગતું હતું. બપોરે જરા પથારીમાં પડી ત્યાં તો રાહુલનો ફોન આવ્યો અને માંડ-માંડ મીંચાયેલી એની આંખ પાછી ટગર ટગર થઇ ગઇ. રાહુલે તો ફોન પર જ પૂછ્યું હતું કે “શું થયું? કેમ ઢીલું ઢીલું બોલે છે?” પણ એ વાતને ટાળી ગઈ હતી. એણે પથારીમાંથી ઉભા થઈ મોઢું ધોયું. વોશબેસિનના અરીસામાં પોતાનો ચહેરો જોયો. ચહેરા પર ઝળુંબી રહેલી વાળની લટ સરખી કરતાં એણે જોયું કે હવે વાળમાં ક્યાંક ક્યાંક સફેદી ડોકિયા કરતી હતી. રાહુલ તો તે છતાં જ્યારે પણ એની પાસે નવરાશની પળોમાં બેસતો ત્યારે એમ જ કહેતો “જૂહી, તારા વાળ ભલે સફેદ થવા લાગ્યા પણ મારા માટે તો હજી આજે પણ તું એ જ વીસ વર્ષ પહેલાની જુહી છે.” વીસ વર્ષ… એણે એક ઊંડો નિસાસો નાખ્યો અને એનું મન વીસ વર્ષ પહેલાની જૂહીમાં ખોવાઇ ગયું.

માતાપિતાની ગરીબ પરીસ્થિતિ અને નાના ભાઇબહેનના ભણતરનો ભાર લઈને જૂહીએ કોલેજ છોડી અને તરત એક ખાનગી શાળાની નોકરી સ્વીકારી હતી. શાળાના સ્ટાફમાં નવી નવી દાખલ થયેલી જૂહી રોહિતના આકર્ષક વ્યક્તિત્વથી ખૂબ પ્રભાવિત થઈ ગઈ હતી. શાળાના વાર્ષિકોત્સવની ઉજવણી કરવા માટે શાળામાં સાંસ્કૃતિક કાર્યક્ર્મોનું આયોજન કરવામાં આવ્યું અને સમગ્ર આયોજનની કામગીરી આચાર્યશ્રીએ જૂહી અને રોહિતને આપી. રોહિત શિક્ષક કરતાં બહુમુખી પ્રતિભા ધરાવતો કલાકાર વધુ હતો. બાળકોને કાર્યક્ર્મની પ્રેક્ટીસ કરાવતી વખતે હાર્મોનિયમ પર ફરતી રોહિતની આંગળીઓને જૂહી એકીટશે જોઈ રહેતી અને એમાં ને એમાં તે ગીતના શબ્દો ભૂલી જતી. આમ ને આમ રોહિત અને જૂહી એકબીજાથી એટલા નજીક આવી ગયા કે એમને પણ ખબર ન પડી કે બન્ને વચ્ચે ક્યારે પ્રેમના બીજ રોપાયા અને ક્યારે પ્રેમ અંકુરીત થઇ પાંગરવા લાગ્યો. પાંચ મહિનાનો ટૂંકો સમયગાળો આ બન્ને મુગ્ધ પ્રેમીઓને મળ્યો. એક દિવસ રોહિતે લખેલો પત્ર જૂહીના પર્સમાંથી મમ્મીના હાથમાં પડી ગયો અને જૂહીના માથે જાણે આભ તૂટી પડ્યું. જૂહીની નજર સમક્ષ એ આખો વેદનામય દિવસ સાક્ષાત થઈ ગયો. મમ્મીનો ભાવવશ ચહેરો અને કાકલૂદી ભર્યા શબ્દો એના કાનમાં ગૂંજવા લાગ્યા. પપ્પાએ નોકરી છોડાવી અને જૂહી માટે સમાજમાં મૂરતિયાની શોધ ચાલુ થઈ ગઈ. બે‌-ત્રણ છોકરા જોયા પછી છેવટે જ્ઞાતિના રીતરીવાજ પ્રમાણે રાહુલ સાથે જૂહીના લગ્ન કરી નાંખવામાં આવ્યા. લગ્નના થોડા જ દિવસોમાં રાહુલે જૂહીને પોતાના નિર્મળ પ્રેમથી જીતી લીધી. રાહુલના પ્રેમે ધીરે ધીરે જૂહીના માનસપટલ પરથી રોહિતની છબીને ધૂંધળી કરી નાખી. બન્નેનું લગ્નજીવન શાંતિપૂર્ણ રીતે પસાર થઈ રહ્યું હતું. ત્રણ સંતાનોના માતાપિતા જૂહી અને રાહુલ સંતાનો સાથે પોતાના ઘરના ઘરમાં શિફ્ટ થયા ત્યારે જૂહીને લાગ્યું હતું કે સંસારના બધા જ સુખ તેના ચરણોમાં આવી ગયા છે. છતાં ક્યારેક મનના અજ્ઞાત ખૂણેથી એક વેદના ઉભરી આવતી અને જૂહીને વિષાદના અંધકારમાં ધકેલી દેતી. આ ક્ષણો એના માટે અસહ્ય થઈ જતી. એકવાર એણે નક્કી કર્યુ કે પોતાની જિંદગીના એ પ્રેમપન્ના રાહુલ સામે ખુલ્લા કરી દે પણ પછી એને બીક લાગતી. કયાંક મારા જ હાથે મારા સુખી લગ્નજીવનની ઘોર ના ખોદાઇ જાય. ફરીથી તેના ફોનની રિંગ વાગી અને તે વિચારોમાંથી ઝબકીને જાગી ગઇ. ફરી રાહુલનો ફોન હતો તે આજ સાંજે મોડો આવશે અને જમવાનું બહાર જ જમી લેશે એટલી વાત કરવા એણે ફોન કર્યો હતો. કોલ સમાપ્ત કરી એ પાછી વિચારોમાં ખોવાઇ ગઈ.

સવારે દિકરા પરાગના નવા આવેલા કલાસટીચરને એ મળવા ગઈ હતી અને જેવી એ ક્લાસમાં પ્રવેશી કે તેના દિલો-દિમાગ પર એક ચિરપરિચિત ખૂશ્બુ છવાઇ ગઈ. રોહિતનું આ માનીતું પરફ્યુમ હતું અને તેથી જ એ દર એક-બે મહિને તે રોહિત માટે ખરીદી લાવતી હતી. ખુરશી પર બેઠેલા પરાગના કલાસટીચરને જોતાં જ એના મુખમાંથી શબ્દો સરી પડ્યા “રોહિત! તું?“ પણ સ્થળકાળનું ભાન થતાં તેણે બીજી જ ક્ષણે પોતાની જાત પર કાબુ મેળવી લીધો “આઇ મીન તમે? અહીં ક્યાંથી?“

રોહિત ધીમેથી હસ્યો હતો અને તેના શબ્દો તીરની જેમ જુહીના હ્રદયની આરપાર નીકળી ગયા હતા. “મને ખબર નહોતી કે તમે અહીં રહો છો, નહીં તો હું અરજી કરીને મારી બદલી રોકાવી દેત અને કોઇ બીજા અજાણ્યાં સ્થળે કરાવતો.”

જુહીની આંખ સામે એમની છેલ્લી મુલાકાતનું દ્રશ્ય ફિલ્મપટ્ટીની જેમ પસાર થઈ ગયું. “રોહિત, હવે તારી અને મારી જિંદગીના રસ્તાં અલગ છે. મહેરબાની કરીને મારા રસ્તા પર મારી સામે ક્યારેય ન આવતો અને મારી મજબૂરીને જો સમજી શકે તો સમજજે, હવે હું તને ક્યારેય નહીં મળી શકું.” જૂહીના કાનમાં એણે રોહિતને કહેલા શબ્દો પડઘાતાં હતા. પરાગના અભ્યાસ વિશે થોડી ઔપચારીક વાત કરીને તે ત્યાંથી ઝડપથી નીકળી ગઈ હતી.

બસ રાતદિવસનો અજંપો જૂહીમાં ઘર કરી ગયો હતો. રાહુલે એને બે‌-ત્રણ વાર પૂછ્યું પણ ખરું “જૂહી, હમણાંથી તું ક્યાંક ખોવાયેલી ખોવાયેલી લાગે છે? શું વાત છે? કંઇ પ્રોબ્લેમ છે? મારાથી કંઇ ભૂલ થઈ છે? તું મને કંઇક કહે તો તારું મન હળવું થાય. જૂહી “એવું કંઇ નથી” કહીને વાત ટાળી જતી. પણ આજે વેલેન્ટાઇન ડે ના દિવસે તો રાહુલે જીદ પકડી એટલે જૂહી રાહુલના ખભે માથું નાંખી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી. રાહુલે ખૂબ વ્હાલથી પંપાળી એને પાણી પીવડાવ્યું અને જૂહીથી ન રહેવાયું. આવા પ્રેમાળ પતિથી પોતે કોઇ વાત છૂપાવે તે હવે તેના મનને મંજુર ન હતું અને તેથી જ વેલેન્ટાઇન ડે ના દિવસે જ જૂહીએ ભારે હૈયે પોતાનો ભૂતકાળ રાહુલ સામે ખોલી નાંખ્યો.

જૂહીએ જેની કલ્પના નહોતી કરી એવો પ્રતિભાવ રાહુલનો હતો. રાહુલે ધીરેથી એને પોતાની પાસે બેસાડી. “હવે તું મારી વાત સાંભળ, અત્યાર સુધી તારા ભૂતકાળની જે વાતો તે મને કહી તે વાતો આજથી વીસ વર્ષ પહેલા તારી સાથે લગ્નમંડપમાં બેસતાં પહેલા રોહિતે મને કહી હતી અને સાથે સાથે એની ખાત્રી પણ આપી હતી કે હવે તે તારી જિંદગીમાં ક્યારેય દખલ નહીં દે, એને તો બસ હું તને આખી જિંદગી પ્રેમપૂર્વક રાખું એટલું જ જોઇતું હતું અને એની ભલામણ એણે વારંવાર કરી હતી. મને રોહિતના હ્રદયમાં તારા માટેનો શુદ્ધ પ્રેમ દેખાયો હતો, અને હા જુહી તે અગર રોહિત માટે કોઇ કલ્પના કરી હોય તો તે પણ ખોટી જ હશે કારણ કે આપણા લગ્ન પછી પણ હું રોહિત સાથે કોન્ટેક્ટમાં હતો. રોહિતે તારા પછી કોઇ સ્ત્રીને જીવનમાં સ્વિકારી નથી અને એ પોતાના અલગારી સ્વભાવ પ્રમાણે શાળાના બાળકોમાં અને તેની કવિતામાં મસ્ત બનીને જીવે છે. હું એની કવિતાઓ ગુજરાતી સામયિકોમાં વાંચતો રહું છું. માટે હવે તું નિશ્ચિંત બની જા અને ચાલ તૈયાર થા આજે આપણે રોહિતના પ્રથમ કાવ્યસંગ્રહના વિમોચનમાં જવાનું છે. જૂહી આ બધું દિગ્મૂઢ બનીને સાંભળતી રહી એની સામે બે ચહેરા તરવરતાં હતા. એક શુદ્ધ અને નિસ્વાર્થ પ્રેમીનો અને બીજો પ્રેમાળ પ્રેમી પતિનો..

– ઇસ્માઇલ પઠાણ


Leave a Reply to Ashvin KarvatCancel reply

10 thoughts on “જૂહી.. – ઇસ્માઇલ પઠાણ