બોર્ડ એકઝામ્સ – ઓલ ઈઝ વેલ! – પરમ દેસાઈ


એચ. એસ. સી. બોર્ડ પરીક્ષાનો પહેલો દિવસ !

વર્ષ દરમિયાનનાં વાંચનનું રિવિઝન કરવા બેઠો ત્યારે મન કઈ કેટલા વિચારોથી ઘેરાયેલું હતું. એને આશ્વાસન આપવા વાળી એક માત્ર વાત હતી – દસમાની, એટલે કે એસ. એસ. સી. પરીક્ષા આપ્યાની. એ આપી હતી એટલે હું મનને વારંવાર એજ આશ્વાસન આપ્યા કરતો કે “દસમાની આપી છે, વાંધો નહીં આવે…”

છતાં મન તો એની ધૂનમાં વિચાર મિશ્રિત ડર ફેલાવ્યે જ જતું હતું. મનને આજ સુધી કોઈ જાણી નથી શક્યું! ખેર, મનમાં તુમુલ યુદ્ધ જામ્યું હતું. એવું તે તુમુલ કે ભારત-પાકિસ્તાન જ જોઈ લો! મન અને હ્યદય, બંને એક બીજા સામે ઘર્ષણબાજી ઉપર ઊતરી આવ્યા હતાં.

“એકાઉન્ટ છે યાર…” મન બોલ્યું, “ધાર્યો દેખાવ કરવો જ પડશે.” ત્યાં વળી હ્યદયે ટાપશી પૂરી, “એમાં દેખાવ શું કરવાનો ? આ કંઈ કોમી હુલ્લડ થોડું જ છે કે ‘દેખાવ’ની વાત કરે છે. વર્ષ દરમિયાન જે કર્યું હશે તે આવશે. ચીલ…! મેં તરત જ હ્યદયનું માન્યું.

માણસજાતનું એવું જ છે ભાઈ ! ઊભો થતાં-થતાં બેઠો થઇ જાય છે. પણ એ વાત જુદી છે કે માણસો દિલ કરતાં મનની વાત વધારે પચાવે છે !
આવા ભયંકર યુદ્ધ વચ્ચે તૈયારી પૂરી થઈ. અર્ધખખડેલ સ્કૂટી ચાલુ થયું. એ ઘડી આવી પહોચી. હું મારા હ્યદયને કહેતો જ રહ્યો, “દસમાની આપી તો છે. બીવે છે શુંકામ ? બોર્ડની તો એક, બે ને…” ‘ત્રણ‘ શબ્દ બોલતાં પહેલાં તો ચહેરો ઝળાહળા ! ચમકતો હોય !

એવામાં હું રવાના થયો. અત્યારે જાણે કે પાઉચમાં રહેલા પેન, પેન્સિલ, રબર, સંચો નહીં પણ પિસ્તોલ, બંદૂકડી, મોટી બંદૂકડી તથા હાથબોમ્બ જેવા લાગતાં હતાં ! અને પરીક્ષાનું સ્થળ પાકિસ્તાનનો કોઈક અડ્ડો ! ત્યાં જ ધૂળિયા વાતાવરણ વચ્ચે – મારે પરીક્ષા આપવાની હતી – એ સ્કૂલ દેખાઈ. મારા ધબકારા વળી વધ્યા. સ્કૂલનાં ઘડિયાળ વાળાં ઘુમ્મટ ઉપર બેઠેલો કાગડો ઉડીને ક્યાંક અલોપ થઇ ગયો ! રહસ્યમય વાતાવરણ ! પેપર કેવું હશે ? સહેલું હશે કે અઘરું ? કે બે માંથી એકેય નહી હોય ? મેં કરેલી તૈયારીમાંથી કેટલું પૂછાશે ? આ વખતે સહેલું પૂછાવાના વાયરા છે. અઘરું પૂછાયું તો… તો… બોર્ડ વાળાનું નખ્ખોદ જાય!

સ્કૂલની પાળીએ સ્કૂટી ઉભું રાખ્યું. ઉતર્યા. હવે તમને કહું તો અહીં ‘મહાલક્ષ્મી ટોકીઝ’ (સુરેન્દ્રનગરની એક ટોકીઝ) જેવો માહોલ હતો. સુપરહીટ ફિલ્મની જે ભીડ હોય એવી જ ભીડ. પાછું વળી વાતાવરણમાં આનંદ ફેલાયેલો હતો! મને થયું હું આમ મોઢું ચડાવીને ઊભો છું, આજે બોર્ડની પરિક્ષા છે ને આ લોકો… મેં તો એક છોકરાને પૂછી જ લીધું, “ભાઈ ! બોર્ડની પરિક્ષા આજે જ છે ને?”

અંદર પહોંચ્યો ત્યાં પંદરેક મિનીટ બ્લોક શોધવામાં ગઈ. ઉપરના માળે પહોંચ્યો. મારા બ્લોક પર પહોંચ્યો. વિધાર્થીઓ પોતપોતાની જગ્યાઓ શોધવામાં લાગ્યા હતાં. જગ્યા શોધાઈ. બધાં બેઠાં. મારી નજર સૌ પહેલી સામેની દીવાલમાં ખોડેલા ટેબ્લેટ પર પડી. “મોદી સરકારે તો ખરેખર નવાઈ કરી !” આપેલા વાયદા મુજબ ઠોબારી સ્કુલોમાં પણ ટેબ્લેટ લગાવ્યાં છે. આ તો સરકારે શિયાળ જેવું કામ કર્યું. (શિયાળ ચાલાક હોય ને!) પણ આ ચાલાકી ખરી ઉતરી એવું મને લાગે છે. કોપી કેસમાં ૭૦ થી ૮૦ ટકા જેટલો ઘટાડો થઇ ગયો !

પણ, બોર્ડની પરિક્ષા આપવી એ એક લહાવો છે. અઠવાડિયા પહેલાં પેપરો આવે, એને સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવે, કડક પોલીસ પહેરો હોય, પરીક્ષાનો પહેલો દિવસ, સહીની કાર્યવાહી, જવાબવહી ઉપર બારકોડ સ્ટીકર તથા ખાખી સ્ટીકર લગાવવા, પરીક્ષાના નીતિ-નિયમો અંગે સભાનતા… આ બધું ભારે કુતૂહલ પમાડે તેવું હોય છે. શાળા કક્ષાની પરીક્ષા કરતાં તો વિશેષ જ લાગે.

પેપર ભલે ગમે તેવું હોય, પણ બોર્ડની પરીક્ષા આપીને મજા ખૂબ આવે છે. આપણા જેવા જ બીજાઓને મળીને, એક બીજાની વાતો એક બીજાને વહેંચીને, પેપરનાં સારા-માઠા અનુભવો પોતપોતાની વાણીમાં એકબીજા સામે ઠાલવીને, કોઇકના હસતાં ચહેરાં સામે મીઠું સ્મિત કરીને અંતરને ખૂબ આનંદ થાય છે. ઉપરાંત લગભગ સરેરાશ વિદ્યાર્થીઓ મારા જેવા જ-સામાન્ય કક્ષાનાં (અભ્યાસમાં પણ અને પરિસ્થિતિમાં પણ) મળી રહે છે. આથી એમની સાથે અનુભવોની વહેચણી કરવામાં ખૂબ જ મજા આવે છે. એમ થાય કે “આપણા જેવા છે તો ખરા.”

***

તો…બોર્ડની પરીક્ષાને ખૂબ જ હળવાશથી તનાવમુક્ત રીતે આપો. એટલું યાદ રાખો કે નિષ્ફળતાની સીડીની ટોચ પર સફળતા રહેલી છે. જરા પણ ગભરાયા વગર પરીક્ષા આપો. વર્ષ દરમિયાન જેટલું પણ ભણ્યું છે એટલું પૂરી મક્કમતાથી તૈયાર કરો. ચોક્કસ પણે તમે ખુશખુશાલ રીતે પરીક્ષા આપી શકશો. મારો આ નાનકડો પ્રયત્ન જો વિધાર્થીમિત્રો સુધી પહોચશે તો એને હું મારું બડભાગ્ય સમજીશ.

તો વિદ્યાર્થીમિત્રો, તૈયાર થઇ જાવ એક નવું સાહસ સર કરવા. આત્મવિશ્વાસ સાથે આગળ વધો અને પરીક્ષા આપો. ઓલ ધ વેરી બેસ્ટ !!

બિલિપત્ર

હું મારા જીવનમાં વારંવાર નિષ્ફળ રહ્યો છું અને એ જ કારણે હું સફળ થાઉં છું. – માઈકલ જોર્ડન

– પરમ દેસાઈ

સંપર્ક – મો. ૮૪૬૯૧૪૧૪૭૯, ડી-૧૦૨, સ્પંદન સોસાયટી, સમતા – અરુણાચલ રોડ, સુભાનપુરા, વડોદરા.

આપનો પ્રતિભાવ આપો....