પૉડકાસ્ટ : પ્રાથમિક જરૂરીયાતો (ભાગ ૧) 5


મુક્ત અભિવ્યક્તિના આ વિશ્વમાં એક પછી એક અવનવા સાધનો અને સુવિધાઓ ઉપલબ્ધ થતા રહે છે જે અનેક માધ્યમો દ્વારા આપણી અભિવ્યક્તિની સ્વતંત્રતાને નવું પરિમાણ આપે છે. બ્લોગિંગ અને સોશિયલ મિડીયા પછી જે નવું પરિમાણ મેં અપનાવ્યું છે એ છે પૉડકાસ્ટ..

એક વાચક મિત્રે પૂછ્યું હતું કે અક્ષરનાદ પર આ પહેલા પણ ઑડીયોકાસ્ટ હેઠળ અનેક ઑડીયો પ્રસ્તુત થયા છે, તો તેમાં અને આ પૉડકાસ્ટમાં શું ફરક છે? લગભગ ખૂબ જ નગણ્ય, પણ પહેલા મૂકેલા બધા જ ઑડીયો કોઈ મિત્ર અથવા સંસ્થા દ્વારા અપાયા હતા, તેમના રેકોર્ડિંગને મેં ફક્ત માધ્યમ આપ્યું હતું, જ્યારે હવે પ્રસ્તુત થઈ રહેલા આ પૉડકાસ્ટમાં સમગ્ર પ્રક્રિયા અમે જ કરી છે. એ દ્રષ્ટિએ પૉડકાસ્ટ કહેવું ઉચિત રહેશે.

પોડકાસ્ટ એટલે તમારા અવાજમાં તમે પ્રસ્તુત કરવા માંગો છો તેવી વાત ઑડીયો સ્વરૂપે, તેના બધાં ટેકનીકલ પાસા સહિત પ્રસિદ્ધ કરવાની આખી પ્રક્રિયા. અહીં વિષયવસ્તુની પસંદગીથી લઈને તેનું રેકોર્ડિંગ, રેકોર્ડ કરેલ સામગ્રીનું ઑડીયો ફોર્મેટિંગ અને આખરી ઓપ આપવો, તેને પ્રસિદ્ધ કરતા પહેલા ટેકનીકલ જરૂરીયાતો, ક્યાં અને કઈ રીતે પ્રસિદ્ધ કરવું તથા તેની પ્રસિદ્ધિ વગેરે વિષયો પણ સમાવિષ્ટ છે.

તો આજે જોઈએ પૉડકાસ્ટ કરવા માટેની મૂળભૂત (અને વિશિષ્ટ) જરૂરીયાતો વિશે… અને અંતે તેમાંથી ખૂબ જ જરૂરી વસ્તુઓ આખરે અલગ તારવીશું.

૧. વિષયવસ્તુ

પૉડકાસ્ટના રેકોર્ડિઁગ કે તેના માટેની અન્ય જરૂરીયાતોથી વધુ અગત્યનું છે તમારા પોડકાસ્ટનું વિષયવસ્તુ. તમે શું કહેવા માંગો છો? અને એથી પણ વધુ અગત્યનું છે કે તમે પ્રાથમિક બે કે ત્રણ એપિસોડ કર્યા પછી પણ એટલા જ સમર્પિત અને ઉત્સાહી રહી શક્શો? પૉડકાસ્ટ એટલે ઑડીયો અને રેકોર્ડ કરવું ખૂબ સરળ છે, એમ સમજીને પૉડકાસ્ટ કરવું સૌથી મોટી ભૂલ છે. સામાન્ય બ્લોગિઁગ કે સોશિયલ મિડીયા કરતા પૉડકાસ્ટ ખૂબ અલગ અને અનોખુ માધ્યમ છે. પૉડકાસ્ટ મજેદાર અને રસપ્રદ માધ્યમ છે, જો તમે તેમાં સતત પૂરતું અને જરૂરી ધ્યાન આપી કામ કરો. નિશ્ચિત સયમાંતરે પૉડકાસ્ટ કરવું, સાંભળનારાઓને આગળના ભાગ સાંભળવાની ઉત્કંઠા જાગે એવી રીતે તેને પ્રસ્તુત કરવું અને સાંભળનારાની જરૂરીયાત સમજવી અને તેને પૂરી કરવી ખૂબ જ અગત્યનું છે, અને આ બધા માટે ખૂબ જ જરૂરી છે તમારા વિષયવસ્તુની વિશેષતા. એટલે વિષયવસ્તુની પસંદગીમાં ખૂબ જ કાળજી રાખશો..

૨. રેકોર્ડ કરવું

તો વિષયવસ્તુ નક્કી કરી લીધા પછી હવે અગત્યનું છે રેકોર્ડ કરવું અને એ માટે જોઈશે,

૧. લેપટોપ કે કોમ્પ્યુટર સાથે યુએસબી દ્વારા અટૅચ થઈ શકે એવું માઈક (જો કે મારા માટે અત્યારે આ પણ વૈકલ્પિક જ છે.) હું આજકાલ મોબાઈલના વોઈસ રેકોર્ડરમાં જ રેકોર્ડ કરું છું, અને પછી પંખાનો, શ્વાસનો કે અન્ય પાર્શ્વભૂમિકામાં વાગતા અવાજો ઑડાસિટીની મદદથી દૂર કરી શકાય છે.
૨. રેકોર્ડ કરવા માટે સાધન વ્યવસ્થા (પોર્ટેબલ રેકોર્ડર, લેપટોપ કે કોમ્પ્યુટર અથવા મોબાઈલમાં રેકોર્ડ કરવું.. )
૩. રેકોર્ડ કરવા માટેનું સોફ્ટવેર જે મોટે ભાગે વિન્ડોઝ સાથે આવે જ છે, અને અનેક નિઃશુલ્ક સોફ્ટવેર પણ ઉપબલ્ધ હોય છે. (ઑડાસીટી પણ વાપરી શકાય.) મોબાઈલમાં જો વોઈસ રેકોર્ડર ન હોય તો પ્લેસ્ટોરમાંથી ડાઊનલોડ કરી શકાય છે.
૪. પૉપ ફિલ્ટર (માઈકની આગળ લગાડવાનું ફિલ્ટર જે સામાન્ય કાગળમાંથી પણ બનાવી શકાય છે.)
૫. રેકોર્ડને પ્રોસેસ કરવા માટે સોફ્ટવેર – અહીં કોઈ ખાસ મોંઘા અને મોટા સોફ્ટવેરની જરૂર નથી કારણ ઑડાસીટી (ઈશ્વરનો પાડ!) તદ્દન નિઃશુલ્ક ઉપલબ્ધ છે. તેના થોડાક પ્લગિન્સ પણ ઈન્સ્ટોલ કરવા જોઈશે (જેમ કે એફએફએમપીઈજી લાઈબ્રેરી અને એમપી૩ એનકોડર).
૬. નિઃશુલ્ક પાર્શ્વસંગીત અથવા ઑડીયો ઈફેક્ટ્સ જે અનેક વેબસાઈટ્સ પર ઉપલબ્ધ છે. (જો કે ખરીદી શકાય એવું સંગીત અને ઈફેક્ટ્સ પણ ઉપલબ્ધ છે.)
૭. રેકોર્ડ કરેલ સામગ્રીને વહેંચતા પહેલા પૂરી કરવાની થતી ટેકનીકલ જરૂરીયાતો, ટેગ, આલબમ આર્ટ વગેરે જે નિઃશુલ્ક મળતા સોફ્ટવેરથી સરળતાથી કરી શકાય છે.

૩. વહેઁચવુ

આટલી સામગ્રી પછી જોઈશે, રેકોર્ડ કરવાની શાંત અને ઘોંઘાટ મુક્ત જગ્યા, બહુ મોટો ઓરડો કે બહુ નાનો ઓરડો પણ નહીં ચાલે. (અમારી અત્યારની વ્યવસ્થા વિશે પણ વાત કરીશું.)

૮. રેકોર્ડ કરેલા ઑડીયોને હોસ્ટ કરવા અને વહેંચવાની વ્યવસ્થા, વેબહોસ્ટ અથવા પૉડકાસ્ટ હોસ્ટ કરવાની સુવિધા, જે હવે વર્ડપ્રેસ પણ આપે છે. સેલ્ફ હોસ્ટેડ વર્ડપ્રેસ પર તમે ઓડીયો હોસ્ટ કરી શકો છો.
૯. તેને વહેંચવા અને વાચકોને એ વિશે જાણ કરવાની સુવિધા, સોશિયલ મિડીયા, ઈ-મેલ, માર્કેટીંગ તથા તમારા પૉડકાસ્ટને આઈટ્યૂન્સ, સ્ટિચર જેવી એન્ડ્રોઈડ એપ વગેરે પર ઉપલબ્ધ કરાવવું.

હવે જે લઘુત્તમ ઉપલબ્ધ સાધનોની મદદથી અમે અત્યારે પૉડકાસ્ટ કરી રહ્યાં છીએ તેની વાત..

એક આર.જે મિત્રએ કહ્યું હતું કે જ્યાં રેકોર્ડિંગ કરો એ ઓરડામાં સાઉન્ડ એબ્ઝોર્બ થવો જોઈએ (શોષાવો જોઈએ), મતલબ ઓરડો ખાલી ન હોવો જોઈએ જેથી પડઘા પડે. આ માટે અમે બેડરૂમનો ઉપયોગ કરીએ છીએ. રાત્રે અગિયાર પછીનો સમય કે ક્યારેક બપોરે બે થી ચાર વચ્ચેનો સમય પણ ઉપયોગમાં લઈ શકીએ છી કારણ એ સમયે અહીં શાંતિ હોય છે. બારી પર અને અન્ય દિવાલો પર જરૂર પડે ચાદરો પણ લગાડી છે.

રેકોર્ડિંગ માટે મારા સેમસંગની વૉઈસ રેકોર્ડર એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છીએ, જે ખૂબ અસરકારક છે. રેકોર્ડિઁગ વખતે આવતા શ્વાસ વગેરેના અવાજો ઑડાસીટી સોફ્ટવેરની મદદથી કાઢી શકાય છે. ઑડાસીટીના ઉપયોગ સમજાવવા એક અલગ પોસ્ટ કરીશું.

મોબાઈલમાં રેકોર્ડ થયા પછી એ ટુકડાઓને એકસાથે ક્રમમાં ઑડાસીટીમાં લઈ, બિનજરૂરી કે ભૂલ ભરેલા ટુકડાઓ કાઢીને તેને વ્યવસ્થિત ગોઠવવામાં આવે છે. તેમાં પાર્શ્વસંગીત, સિગ્નેચર ટ્યૂન વગેરે ઉમેરી, પ્રોસેસિઁગ કરી તેની એમપી૩ ફાઈલ બને છે. આખરે આ ફાઈલને ટેગ, આલબમ આર્ટ વગેરે આપવામાં આવે છે અને અંતે તેને અપલોડ કરાય છે.

અત્યાર પૂરતું પેઈડ પૉડકાસ્ટ હોસ્ટિંગને બદલે અમે નિઃશુલ્ક ઍપ એવી સાઉન્ડક્લાઉડ પર હોસ્ટ કરી રહ્યાં છીએ, જો કે તેના સ્ટૅટ્સ અને અન્ય થોડીક બાબતોમાં અસુવિધાઓ તો છે જ, પણ આ પ્રાયોગિક ધોરણે છે, જે જરૂર પડ્યે બદલાશે.

તો પૉડકાસ્ટ અંગે આજે આટલું જ, બીજા અંકથી વિગતે ઉપરોક્ત બધી જ બાબતો જોઈશું..

તમારી જાણ ખાતર –

પૉડકાસ્ટની સફળતાનો માપદંડ આજકાલ સીરીયલ નામના પૉડકાસ્ટની સફળતાથી દર્શાવાય છે, જે એક ફિક્શન વાર્તા છે, અનેક વિભાગો / હપ્તામાં વહેંચાયેલી છે અને નિઃશુલ્ક સાંભળી શકાય છે. એપલના આઈટ્યૂન્સ પર રજૂઆતથી જ પ્રથમ ક્રમાંકે રહી, અનેક અઠવાડીયા એ ક્રમ જાળવી રાખવાનો રેકોર્ડ તેને નામે છે, વળી આઈટ્યૂન્સ પરથી જ તેના પચાસ લાખથી વધુ ડાઊનલોડ થયા છે, જેમાં સીરીયલની પોતાની વેબસાઈટના કે અન્ય ડાઊનલોડ સમાવિષ્ટ નથી. સીરીયલને ઑડીયો સ્વરૂપે વાર્તાકથનની આગવી શરૂઆત પણ કહેવાય છે. ૧૦ ડિસેમ્બરથી તેની બીજી સીઝન શરૂ થઈ છે. પ્રથમ સીઝનના બધા જ ભાગ અને બીજી સીઝન નિઃશુલ્ક સાંભળવા તેમની વેબસાઈટ https://serialpodcast.org પર જઈ શકો છો.

– જીજ્ઞેશ અધ્યારૂ


Leave a Reply to Ismail PathanCancel reply

5 thoughts on “પૉડકાસ્ટ : પ્રાથમિક જરૂરીયાતો (ભાગ ૧)

  • Kalidas V. Patel { Vagosana }

    જીજ્ઞેશભાઈ,
    પોડકાસ્ટ દ્વારા વાર્તાઓ સાંભળતાં તે એકદમ જીવંત લાગે છે તથા વાંચવા કરતાં સાંભળવું એકદમ આરામદાયક લાગે છે. આનાથી એક વધુ અર્થ પણ સરે છેઃ આપણા શાસ્ત્રોમાં જણાવ્યું છે કે — બહુશ્રુતા વિદ્વાન ભવતિ — આ વિધાનની જરૂરિયાત તે પુરી પાડે છે.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • Ismail Pathan

    જીજ્ઞેશભાઇ,
    આપની મહેનતને દાદ આપવી ઘટે…
    નાવિન્યતા સભર પ્રયોગ…
    ખૂબ-ખૂબ ધન્યવાદ..

  • જયેન્દ્ર પંડ્યા

    મુરબ્બી શ્રી જીગ્નેશભાઈ સૌ પ્રથમ તો આપને અભિનંદન આપવા ઘટે છે કે તમો અક્ષરનાદ દ્વારા આપ સરળ અને સ્પષ્ટ ભાષામાં ‘પોડકાસ્ટ’ વિષે સમજાવવાનો સફળ પ્રયત્ન કર્યો છે.

    પોડકાસ્ટ દ્વારા વ્યાખ્યાન માળા કે લેક્ચરોનું પણ પ્રસારણ કરી શકાય. આ માધ્યામ નો ઉપયોગ વિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયો માં થઇ રહ્યો છે. ઓક્ષ્ફર્ડ વિશ્વવિદ્યાલય નાં દર્શનશાસ્ત્ર ના પ્રસિદ્ધ પ્રાધ્યાપક શ્રી માઈકેલ સંડેલ નાં લેકચરો ખુબજ સરસ રીતે પોડકાસ્ટ દ્વારા સાંભળવા મળે છે. રોજીંદા કામ ઉપર બસમાં કે ટ્રેનમાં જવા-આવવાનો સમય નો સદુપોયોગ કરવા માટે બહુજ સરસ માધ્યામ છે. અરે ક્યારેક તો એટલા મશગુલ થઇ જવાય કે આપણું સ્ટેશન ક્યારે આવી ગયું અને સફર પૂરી થઇ ગઈ એની ખબર પણ ન પડે.

    પોડકાસ્ટ વિષે ની માહિતી માટે અભાર અને આપને અને આપની ટીમનેઃ
    ! નાતાલ ની શુભેચ્છા અને નવા વર્ષના નુતન વર્ષાભિનંદન !